સાહિત્ય પલ્લવ – ભાગ ૩/હું હસતો રમતો હરિમાં ભળ્યો

૩. હું હસતો રમતો હરિમાં ભળ્યો.

અખો

મારે એમ પડ્યું પાધરું, હુંપણું મટ્યું એ જ આદર્યું,
કર્મ અહંકાર તણું ગયું મૂળ, જેમ અરકનાં ઊડે તૂલ;
ન લહ્યા સરખું મેં ત્યાં લહ્યું. એમ અખા યથારથે થયું.
વાંકું સમું જાણું ત્યાં હરિ, હું તો મારે બેઠો ઠરી;
ભલા ગૃહસ્થની વાડે ગાય, એમ આપ સોંપ્યું હરિમાંય;
છીંડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાઝમઝોળ.
મારે મોટો હું નર જડ્યો, જે ઈશ્વરરૂપી જહાજે ચડ્યો,
પચ સહિત ઉતારિયો પાર, પગ નહિ બોળું જળ સંસાર :
હું હસતો રમતો હરિમાં ભળ્યો, આખો જાણે તે વળણે વળ્યો.
એ સુખ મારગ મેલીને શઠ, કાયકલેશ કરે કાં હઠ?
ગીતામાં ગોવિંદ મુખ કહે, ‘જે મારું શરણ ગ્રહીને રહે;
મુજ વાયક જે માને અખા, તેને સ્કંધ લઈ ઉતારું સખા.’
પ્રત્યક્ષ મૂકી જુએ પરોક્ષ, કર્તવ્યને શિર મૂકે દોષ,
સભર ભરાઈ રહ્યો છે નાથ, હીંડતાં લાગે હરિને હાથ;
અખો કહે ફેરવવું મન, જો જાણે તો જાણો જન.
એમ જાણે તે હરિનો જન, મારે પોતે ક્યાંથું મન;
દેહ હરિ ઇચ્છાયે થયો, અણછતો હું આવી ગયો;
તારું કર્યું ને તું છે નાથ, એમ જાણી અખે ઝાટક્યા હાથ.