સાહિત્ય પલ્લવ – ભાગ ૩/હોડીને દૂર શું? નજીક શું?
ઉમાશંકર જોષી
છોને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા,
કે હોડીને દૂર શું? નજીક શું?
એક વાર સઢ ભર્યા ફૂલ્યા, ને વાયરા ખૂલ્યા,
કે હોડીને દૂર શું? નજીક શું?
સામે આભના તે આગળા ખૂલે, ને પંથ નવા ઝૂલે,
કે હોડીને દૂર શું? નજીક શું?
એના પહોળા પાલવ દૂર ફરકે, ને ઝીણું ઝીણું મરકે,
કે હોડીને દૂર શું? નજીક શું?
કદી કૂદી દે તારલાને તાલી, હસંત મતવાલી,
કે હોડીને દૂર શું? નજીક શું?
કદી ઝંઝાને વીંઝણે રમન્તી, તૂફાને ભમંતી,
કે હોડીને દૂર શું? નજીક શું?
એ તો સરખાં સમોવડાંને ભેટે, ત્રિકાળને ત્રિભેટે,
કે હોડીને દૂર શું? નજીક શું?
આજ બીજકળા દેખીને ઊપડી, પૂનમ એની ઢૂકડી,
કે હોડીને દૂર શું? નજીક શું?
એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું,
કે હોડીને દૂર શું? નજીક શું?
છોને છોડે એ શહેરના મિનારા, ને ભૂમિના કિનારા,
કે હોડીને દૂર શું? નજીક શું?