સિગ્નેચર પોયમ્સ/ગઝલ – અનિલ ચાવડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગઝલ

અનિલ ચાવડા


સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.

કાન તો કાપી લીધા’તા ભીંતના,
તો પછી આ વાત ક્યાંથી લીક થઈ?

હું કળી માફક જરા ઊઘડી ગયો,
એટલામાં પણ તને તકલીફ થઈ?

આંસુનો સર્વે કર્યો તો જાણ્યું કે–
આંખમાં વસ્તી વધારે ગીચ થઈ.

કેટલું સારું છે ઊડતા પંખીને,
કોઈ ચિંતા નહિ કઈ તારીખ થઈ?