સિગ્નેચર પોયમ્સ/ગઝલ (જ્યારે પ્રણયની) – આદિલ મન્સૂરી
Jump to navigation
Jump to search
આદિલ મન્સૂરી
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે;
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે!
પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
જુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિશે વાત થઈ હશે.
‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.