સિગ્નેચર પોયમ્સ/છપ્પા (ચોપાઈ) – શામળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
છપ્પા (ચોપાઈ)

શામળ


વાડ થઈને ચિભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે?
ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જંન.
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર ન પેદા થાય;
નવાણ પીતું હોયે નીર, જીવજંતુ ક્યમ ધરે શરીર.
મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ;
રાજા થઈને લૂટી લેય, પ્રજા કોણ આગળ જઈ કહેય.
રામ જપંતા નર્કે જશે, કહો કલ્યાણ જ કોનું થશે;
પિતા પુત્રીશું રમશે જાર, તે વાતનો કો પ્રીછે પાર.
ગંગા નહાતાં પાપી થશે, વેદવચન કેમ સાચાં હશે;
વાહાર ત્યાંથી આવે ધાડ, તો પછી ક્યાંની કરશું આડ.
મેઘ વરસંતા પથ્થર પડે, તેનો વાંક કોને શિર ચડે;
ધણીને વિખ દે ઘરની નાર, કોણ સાચવે તેણે ઠાર.
પુષ્પહાર થઈ વળગે સાપ, ત્યાં તે કોણ જાળવશે આપ;
અમૃત જાણી આપે પીજીએ, વિખ થાય દોષ કોને દીજીએ.
કુંડળ કરડી ખાએ કાન, કોણ આગળ જઈ કરિયે જાણ;
ચંદન જાણી ધરીએ આપ, થાય અગ્નિ તો પુરણ પાપ.
(નંદબત્રીસી)