સિગ્નેચર પોયમ્સ/જલસો – જયદેવ શુક્લ
Jump to navigation
Jump to search
જયદેવ શુક્લ
મારા મસ્તિષ્કમાં
સન્તુર વસે છે
હું સન્તુરને નમું છું.
મારા શ્વાસમાં
તાનપુરો વસે છે
હું તાનપુરાને નમું છું.
મારા હૃદયમાં
મૃદંગ વસે છે
હું મૃદંગને નમું છું.
મારી નાભિમાં
ષડ્જ વસે છે
હું ષડ્જને નમું છું.
મારાં ચરણોમાં
થાપ વસે છે
હું થાપને નમું છું.
મારા હાથમાં
બે તુંબડાવાળી સિતાર વસે છે
હું સિતારને નમું છું
ચૂમું છું
અંગાંંગ એક સાથે બજી ઊઠે છે!