સિગ્નેચર પોયમ્સ/નવ કરશો કોઈ શોક – નર્મદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નવ કરશો કોઈ શોક

વીર કવિ નર્મદ


નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક.
– ટેક


યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી.
રસિકડાં∘︎


પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી.
રસિકડાં∘︎


મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી.
રસિકડાં∘︎


એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી.
રસિકડાં∘︎


હતો દુખિયો થયો સુખિયો, સમજ્યો છૂટ્યો રણથી.
રસિકડાં∘︎


મૂઓ હું તમો પણ વળી મરશો, મુક્ત થશો જગતમથી.
રસિકડાં∘︎


હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી.
રસિકડાં∘︎


વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી.
રસિકડાં∘︎


જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી.
રસિકડાં∘︎


મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુઃખ વધે જ રુદનથી.
રસિકડાં∘︎


જગતનીમ છે જનમ મરણનો, દૃઢ રહેજો હિંમતથી.
રસિકડાં∘︎


મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી.
રસિકડાં∘︎