સિગ્નેચર પોયમ્સ/નિર્દોષ ને નિર્મળ આંખ તારી – હરિશ્ચન્દ્ર ભટ્ટ
Jump to navigation
Jump to search
હરિશ્ચન્દ્ર ભટ્ટ
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેેં પૂર્ણ ચિતા મહીં કર્યો!
કૂંણી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ!
સંસારના સાગરને કિનારે
ઊભા રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં!
છો કાળ આવે, શિશિરોય આવે
પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી!