સિગ્નેચર પોયમ્સ/પ્રાર્થના (મૈત્રી ભાવનું પવિત્ર...) – મુનિ શ્રી ચિત્રભાનુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રાર્થના

મુનિ શ્રી ચિત્રભાનુ


મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં મુજ જીવનનો અર્ઘ્ય રહે.
દીન, ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દરદ રહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે.
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની તોયે સમતા ચિત્ત ધરું.
મૈત્રાદિ આ ચાર ભાવના હૈયે સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાવે
પ્રભુ! મંગળ ગીતો એ ગાવે. મૈત્રી