સિગ્નેચર પોયમ્સ/વતનનો તલસાટ – રમણીક અરાલવાલા
Jump to navigation
Jump to search
વતનનો તલસાટ
રમણિક અરાલવાળા
ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી
જાવા હાવાં જનભૂમિએ પ્રાણ નાખે પછાડા.
કૂવાકાંઠે કમરલળતી પાણિયારી, રસાળાં
ક્ષેત્રે ક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા,
હિંડોળંતાં હરિત તૃણ ને ખંતીલા ખેડૂતોનાં
મીઠાં ગીતો, ગંભીર વડલા, શંભુનું જીર્ણ દ્હેરું,
વાગોળતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરું,
ઓછી ઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરું;
ઝંખી નિદ્રામહીં ઝબકતો, જાગતો નિંદ લેતો.
ઘેલા હૈયા! સહુય મળશે; કિંતુ કાલાગ્નિમાંથી
સંભાળેલાં સ્મૃતિસુમનના સારવેલા પરાગે
ચિંચાયેલું અબ નીરખવું મોઢું ક્યાં માવડીનું?
વ્હાલી તો યે જનનીરહિતા જન્મભૂમિ ન તોષે,
જીવું ઝંખી જનનીસહિતા જન્મભૂમિ વિદેશે.