સિગ્નેચર પોયમ્સ/સહશયન – મનીષા જોશી
મનીષા જોષી
કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
એક અંગ તૂટે અને સો નવાં અંગ જન્મે.
શયનખંડની છતમાં દેખાતી
તારાં નિતનવાં અંગોની સહસ્ર રાશિઓ વચ્ચેથી
હું શોધું છું પ્રેમની રાશિને.
શનયખંડની દીવાલો પર શરીર ઘસતો હોય ત્યારે
તું અદ્દલ લુચ્ચા શિયાળ જેવો લાગે છે.
ભૂખ્યું રીંછ જેમ, સમુદ્રનાં મોજાંઓ સાથે ઊછળતી
માછલીને પાણી વચ્ચેથી અધ્ધર ઝીલીને ખાઈ જાય
એમ તું મને ચૂમે છે.
ક્યારેક તારા શરીર ૫૨ શાહુડી જેવાં કાંટા ઊગે છે
તો ક્યારેક તું સૂર્ય થઈને ઊગે છે મારાં સ્તનો વચ્ચે
અને સોનેરી બનાવી દે છે મારી ત્વચાને.
શયનખંડમાં પથરાયેલી આપણા ભીના અવાજોની
આર્દ્રતા પર તું રાત બનીને છવાઈ જાય છે
અને શયનખંડ પર એક બાજ પક્ષી
પાંખો ફફડાવતું બેસી રહે છે.
પણ આજે બ્રહ્માંડનું અંધારું ચોમેર ફરી વળ્યું છે.
તું અને રાત હવે ઓળખાતાં નથી,
બાજ પણ અટવાઈ ગયો છે ક્યાંક,
નથી આવી શકતો પોતાના માળા તરફ.
એ વફાદાર પક્ષી જો નહિ આવે તો
કોણ કરશે રખેવાળી
આપણા શયનખંડની?