સુદામાચરિત્ર/કડવું ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૨

[રંક જીવન જીવતા સુદામાની આંતરિક ચેતનાથી અજાણ એવું લોક એમને ઓળખી શકતું નથી. પણ ઘરની ગરીબાઈ ને તેથી દુઃખી થતાં સંતાનોની વ્યથા એમનાં પત્નીથી જોવાતી નથી. આથી સુદામા પાસે એ વિનયપૂર્વક પોતાની વ્યથા કહેતાં અકળાઈ જઈને તેને કૃષ્ણ પાસે જવા વિનવે છે. સુદામા સાથેના તેના સંવાદમાં ગૃહિણી તરીકેની તેની ઈચ્છાઓ, તેનો પતિપ્રેમ, દુનિયાદારી વિશેની તેની સમજ ને વ્યવહારકુશળતાનો કવિએ અહીં સુપેરે પરિચય કરાવ્યો છે.]

રાગ વેરાડી

શુકજી કહે સાંભળ નરપતિ, છે સુદામાની નિર્મળ મતિ;
માયાસુખ નવ ઇચ્છે રતી, સદા મન છે જેનું જતિ. ૧

મુનિનો મર્મ કોઈ નવ લહે, સહુ મેલોઘેલો દરિદ્રી કહે;
માગ્યા વિના કોઈ કેમ આપે? ઘણે દુઃખે કરી દેહ કાંપે. ૨
ભિક્ષાનું કામ કામિની કરે, કોનાં વસ્ત્ર ધૂએ ને પાણી ભરે;
જેમતેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન. ૩

ઘણા દિવસ દુઃખ ઘરનું સહ્યું; પુરમાં પછે અન્ન જડતું રહ્યું[1];
બાળકને થયા બે ઉપવાસ, તવ સ્ત્રી આવી સુદામા પાસ. ૪

‘હું વિનવું જોડી બે હાથ’, અબળા કહે, ‘સાંભળીએ નાથ,
બાળક ભૂખ્યાં કરે રુદન, નગરમાં નથી મળતું અન્ન. ૫

ન મળે કંદ, કે મૂળ ફળ, બે દિવસ થયાં લેઈ રહે જળ;
સુખશય્યા, ભૂષણ, પટકૂળ, તે ક્યાંથી! હરિ નથી અનુકૂલ. ૬

ભૂખ્યાં બાળ જુએ માનું મુખ’, સ્ત્રી કહે સ્વામીને દુઃખ;
‘હું કહેતાં લાગીશ અળખામણી, સ્વામી જુઓ આપણા ઘર ભણી.૭

ધાતુપાત્ર નહિ કર સાહવા, સાજું વસ્ત્ર નથી સમ ખાવા;
જેમ જળ વિણ વાડી ઝાડુવાં, તેમ અન્નવિણ બાળક બાડુવાં. ૮

વાયે ટાઢ બાળકડાં રુએ, ભસ્મમાંહી પેસીને સૂએ;
હું તે ધીરજ કઈ પેરે ધરું? છોકરાંનું દુઃખ દેખીને મરું. ૯

નીચાં ઘર ભીંતડિયો પડી, શ્વાન, માંજાર આવે છે ચડી;
અતિથિ ફરી નિર્મુખ જાય, ગવાનિક[2] નવ પામે ગાય. ૧૦

કરો છો મંત્ર ભણીને સેવ, નૈવેદ્ય વિના પૂજો છો દેવ;
પુણ્ય પર્વણી કો નવ જમે, જેવો ઊગે તેવો આથમે. ૧૧
શ્રાદ્ધ સમછરી સહુ કો કરે, આપણા પિત્રુ નિર્મુખ ફરે.
આ બાળક પરણાવવાં પડશે, સતકુળની કન્યા ક્યાંથી જડશે? ૧૨

અન્ન વિના બાળક મારે વાગલાં[3], તે ક્યાંથી ટોપી આંગલાં;
અબોટિયું પોતિયું નવ મળે, સ્નાન કરે છે શીતળ જળે. ૧૩

વાધ્યા નખ ને વાધી જટા, માંહી ઊડે રક્ષાની ઘટા[4];
દર્ભ તણી તૂટી સાદડી, નાથજી તે પર રહો છો પડી. ૧૪

બીજેત્રીજે પામો છો આહાર, તે મુજને દહે છે અંગાર;
હું તો દરિદ્રસમુદ્રમાં બૂડી, હેેવાતણમાં એક જ ચૂડી. ૧૫

સૌભાગ્યના નથી શણગાર, નહિ કાજળ નહિ કીડિયાંહાર;
નહિ લલાટે દેવા કંકુ, અન્ન વિના શરીર રહ્યું સૂકું. ૧૬

હું પૂછું છું લાગી પગે, આવું દુઃખ સહીશું ક્યાં લગે?
તમે દહાડી કહો છો ભરથાર, માધવ સાથે છે મિત્રાચાર. ૧૭

જે રહે કલ્પવૃક્ષની તળે, તેને શી વસ્તુ નવ મળે?
જે જીવ જળમાં ક્રીડા કરે, તે પ્રાણી કેમ તરસેે મરે? ૧૮

જે પ્રગટ કરી સેેવે હુતાશ, તેને શીત આવે ક્યમ પાસ?
અમૃતપાન કીધું જે નરે, તે જમકિંકરનો ભય ક્યમ ધરે? ૧૯

જેને સરસ્વતી જીભે વસી, તેમ અધ્યયનની ચિંતા કશી?
સદ્‌ગુરુનાં જેણે સેવ્યાં ચરણ, તેને શાનું માયાવરણ? ૨૦
જે જન સેવે હરિને સદા, તેને જન્મ-મરણ શી આપદા?
જેનું મન હરિચરણે વસ્યું, તે પ્રાણીને પાતક કશું? ૨૧

જેને સ્નેહ શામળિયા સાથ, તેનું ઘર નવ હોય અનાથ;
તે છે ચૌદ લોકના મહારાજ, બ્રાહ્મણને ભીખતાં શી લાજ? ૨૨

વલણ
લાજ ન કીજે નાથ મારા, માધવ મનવાંછિત આપશે રે;
દીન જાણીને દયા આણી, દરિદ્રનાં દુખ કાપશે રે.’ ૨૪



  1. પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
  2. ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
  3. મારે વાગલાં – વલખાં મારે
  4. રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું