સુદામાચરિત્ર/કડવું ૬
[આ કડવામાં કૃષ્ણની સુવર્ણનગરી દ્વારકાનુુંં મનભાવન વર્ણન વિગતે કરવામાં આવ્યું છે. આવી ચમક-દમકવાળી નગરીમાં સુદામા જેવા મેલા ઘેલા બ્રાહ્મણના પ્રવેશથી યાદવ સ્ત્રીઓ ભારે રમૂજ અનુભવીને તેની મજાક ઉડાડે છે. પણ‘ઋષિ સુદામા આ સૌને હસી કાઢીને આગળ ધપે છે. દ્વારકાનો વૈભવ જોઈને ચક્તિ થયેલા સુદામાને ક્ષણિક કર્મની ગતિ વિશે પ્રશ્નો થાય છે પણ પોતાનાં જ્ઞાનબળે પોતાને જાગેલા વિષાદને ઓળંગતા સુદામા કૃષ્ણના નિવાસસ્થાને પહોંચીને કૃષ્ણનાદ્વારપાળને પોતાના આગમનની જાણ કરે છે.
પ્રેમાનંદનાં વર્ણનકલા, ભાષાકૌશલ ને માનવમનની પરખ અહીં ઉત્તમ રીતે અભિવ્યક્તિ પામ્યાં છે. ]
શુકજી કહે સાંભળ નરપતિ, સુદામે દીઠી દ્વારામતી;
કનકકોટ ચળકાર કરે, માણેક રત્ન જડ્યાં કાંગરે. ૧
કોઠા કોશીસાં શોભે પર્મ,[1] જેવું વિશ્વકર્માનું કર્મ;
દુર્ગે ધજા ઘણી ફરફરે, દુંદુભિ ઢોલ ત્યાં ગડગડે. ૨
સુદર્શન ફરતું ત્યાં સૂસવે, ગંભીર નાદ સાગર ઘૂઘવે;
ત્યાં તો ગોમતી સંગમ થાય, ચારે વર્ણ ત્યાં આવી નહાય. ૩
પરમ ગતિ પ્રાણી પામે ઘણાં, નથી મુક્તિપુરીમાં મણા[2];
ઋષિ સુદામે કીધું સ્નાન, પછી પુરમાં પેઠા ભગવાન. ૪
નગરલોક સૌ જોવા મળે, ખીજવે બાળક પૂંઠળ પળે;
જાદવ સ્ત્રી તાળી દેઈ હસે, ‘ધન્ય નગર આવો નર વસે.૫
કીધાં હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર;’
કોઈ કહે ઇંદુ, કોઈ કહે કામ, ‘એને રૂપે હાર્યા કેશવ-રામ.[3]૬
પતિવ્રતાનાં મોહશે મન,’ – મર્મવચન બોલે સ્ત્રીજન,
કોઈ કહે, હાઉ આવ્યો વિકરાળ, દેખાડો, રોતાં રહેશે બાળ.૭
ઘણી ચેષ્ટા પૂંઠળથી થાય, સુણી સુદામો હસતા જાય;
પૂંઠે બાળક કાંકરા નાખે, ઋષિજી રામકૃષ્ણ મુખથી ભાખે.૮
પાડે તાળી, વજાડે ગાલ, પૂંઠે ફરી વળ્યાં નાનાં બાલ;
કોઈ વૃદ્ધ જાદવે દીઠા ઋષિ, સાધુની દૃષ્ટિ તેણે ઓળખી.૯
તેણે બાળકો સૌ કાઢ્યાં હાંકી, પૂછ્યા સમાચાર ઊભા રાખી,
‘કૃપાનાથ, ક્યાંથી આવિયા? આ પુરને કેમ કીધી મયા?’[4]૧૦
પ્રતિ-ઉત્તર બોલ્યા ઋષિજન, ‘મને હરિદર્શનનું મન;’
તે જાદવે કીધો ઉપકાર, દેખાડી દીધું રાજદ્વાર. ૧૧
હરિમંદિર આવ્યા ઋષિરાય, રહ્યા ઊભા નવ ચાલે પાય;
દ્વારપાળ દિગ્પાળ સમાન, ધામ જ્યોત શું ઊગ્યા ભાણ.૧૨
શોભે હાટ ચૌટાં ને ચોક, છજાં ઝરૂખાં બારી ગોખ,
અટારી જાળી મેળી માળ, જડિત કઠેડા ઝાકઝમાળ. ૧૩
ચળકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાખું ઓવારી;
સભામાં સ્ફટિકમણિના થંભ, થઈ રહ્યો છે નાટારંભ. ૧૪
મૃદંગ ઉપંગ[5] મધુરાં તાળ, ગુણીજન ગાયે ગીત રસાળ;
રમકઝમક ઘૂઘરી થાય, તે સુદામોજી જોતા જાય. ૧૫
ધજા પતાકા કળશ બિરાજે, જાંગડજાંગડ દુંદુભિ વાજે;
બોલે શરણાઈ ભેર નફેરી ઉત્સવ મંગળ શેરીએ શેરી. ૧૬
હરતાફરતા હીંશે ઘોડા, બાંધ્યા હેમ તણા અછોડા;
ડોલે મદ ગળતા માતંગ, ગજશાળાનો નવલો રંગ. ૧૭
હેમકળશ ભરી લાવે પાણી, દાસીઓ નહીં જાણેે ઇંદ્રાણી;
છપ્પન કોટિ જાદવની સભા, નવ રાખે દાનવની પ્રભા. ૧૮
અનંત યોદ્ધા ઊભા પ્રતિહાર, સાચવે શામળિયાનું દ્વાર;
ત્યાં સુદામો ફેરા ફરે, સંકલ્પ-વિકલ્પ મનમાં કરે. ૧૯
‘ગહન દીસે છે કર્મની ગતિ, એક ગુરુના વિદ્યારથી;
એ થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા રજ નથી. ૨૦
રમાડતો ગોકુળ માંકડાં, ગુરુને ઘેર લાવતો લાકડાં;
તે આજ બેઠો સિંહાસન ચડી, મારે તુંબડી ને લાકડી.’ ૨૧
વળી ઋષિને આવ્યું જ્ઞાન, ‘અલ્પ જીવ હું, એ સ્વયં ભગવાન;
એક વાર પામું દર્શન, તો હું જાણે પામ્યો ઇંદ્રાસન.’ ૨૨
છે વિવેકી હરિના પ્રતિહાર, પૂછ્યા સુદામાને સમાચાર;
‘મા’નુભાવ કેમ કરુણા કરી?’ તવ સુદામે વાણી ઓચરી.૨૩
‘છું દુર્બળ બ્રાહ્મણ અવતાર, માધવ સાથે છે મિત્રાચાર;
પ્રભુને જઈ કહો મારા પ્રણામ, આવ્યો છે વિપ્ર સુદામો નામ.’૨૪
વલણ
નામ સુદામો જઈ કહો; ગયો ઘરમાં પ્રતિહાર રે;
એક દાસી સાથે કહાવિયો, શ્રીકૃષ્ણને સમાચાર રે. ૨૫