સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/નમસ્કાર
સામાં મળે ત્યારે માણસ સિવાયનાં પ્રાણીઓ, પશુઓ કે પક્ષીઓ, એકમેકનાં ખબરઅંતર પૂછતાં હોય એવું કંઈ સ્પષ્ટ રૂપે જોવા નથી મળતું. માત્ર માણસોમાં જ, કેમ છો? મજામાં? હેલો હાવાર્યુ? હાઉ ડુ-યુ-ડુ? વગેરે બોલવાનો રિવાજ છે. આવી વખતે માણસો પાછાં પરસ્પરની સામે હસે છે પણ ખરાં, જે કંઈ બોલે તે સ-સ્મિત બોલે છે. ત્યારે ઝૂકે છે, નમે છે, હેતથી બે હાથ જોડે છે, પ્રેમથી એકબીજાના હાથ મેળવે છે. ઘણીવાર તો માણસો આવા પ્રસંગે પરસ્પરને ભેટે છે, કોટે વળગાડે છે, ગાલે કે કપાળે ચૂમે પણ છે. નર-નારીના પ્રિયમધુર દાખલાઓમાં આવી વખતે જેને આલિંગન કહેવાય તે રીતે ભેટવાનું તથા જેને ચુમ્બન કહેવાય તે જાતનું હોઠે ચૂમવાનું બને છે. વગેરે. ઈશ્વર અને તેના ભક્તોના ભક્તિભરપૂર પ્રસંગોમાં નમવાનું ઉત્કટ બનતું હોય છે. નમનભાવ પ્રકર્ષે પ્હૉંચતો હોય છે અને તેથી તેને વન્દન કહેવાય છે, પ્રણામ કહેવાય છે. સાષ્ટાંગ દણ્ડવત પ્રણામ નામનો પ્રકાર ઉત્તમોત્તમ છે. માણસ એમાં પોતાનું સમગ્ર શરીર ભૂમિસાત કરીને દણ્ડ જેવો થઈ રહે છે. લંબાવેલા-જોડેલા હાથે એમ સૂતો-સૂતો વન્દે છે, પ્રાર્થે છે. ને ત્યાં પોતાનું શીર્ષ પણ ધરતીને સમર્પિત કરતો પૂરા હૃદયથી પ્ર-ણમે છે. નમ્રતાની એ પરિસીમા છે. મસ્તકથી કે કમરથી ઝૂકનારો પણ ભૉંયે પડીને પોતાની સમગ્ર કાયાનું જાણે થોડી ક્ષણો માટે વિલોપન વાંછે છે. એમાં પણ સમર્પણભાવની અવધિ છે. વન્દન કે પ્રણામ દેવતુલ્ય માતાપિતા માટે કે ગુરુજનો માટે પણ હોય છે. સાષ્ટાંગ દણ્ડવત પ્રણામ હવે જોકે, દેવ-દેવતાઓ માટે જ બચ્યાં છે. આગળના જમાનામાં રાજા ઈશ્વરનો પ્રતિનિધિ કહેવાતો અને તેને પણ વન્દન, પ્રણામ કે સાષ્ટાંગ દણ્ડવત કરીને લોકો પોતાનું એ કર્તવ્ય બજાવતા. પશ્ચિમી દેશોમાં એને બાઉઈન્ગ કહેવાતું, મધ્યપૂર્વમાં એને કુરનિસ કહેતા, સલામ કહેતા, મુજરો કહેતા. આજે રાજાઓ રહ્યા નથી ત્યારે પણ બાઉઇન્ગિ તો રહ્યું જ છે, કુરનિસ, સલામ કે મુજરો પણ રહ્યાં જ છે. સંસ્કૃતિ નામે માણસે જે કંઈ રચ્યું છે તેમાં આવા શિષ્ટાચારનો ખૂબ મહિમા છે. એમાં માણસ માણસને મળ્યાની સાહેદી અપાય છે, સાક્ષી પુરાય છે, ખાસ તો એથી માણસોને સારું લાગે છે. થાય છે કે સામાએ પોતાનું અભિવાદન કર્યું, સામાએ પોતાનો ભાવ પૂછ્યો, સામો પોતાને ચાહે છે, સામો પોતાને માન આપે છે. હેલો-હાય કે પ્રણામ-નમસ્કાર કશાપણ માનવીય વ્યવહારની, પ્રસંગ કે સમ્બન્ધની, મીઠી આકર્ષક શુભ શરૂઆત છે. હકીકતે, એથી અહંકારનો એટલા પૂરતો તો વિલય થાય છે, હુંકારનો એ પૂરતો તો લોપ થાય છે. નમીને હું બીજા હું-ને આવકારું છું, એને નિમન્ત્રણ આપું છું કે એ મને મળે -માત્ર નજરથી નહીં, માત્ર હાથ મેળવીને નહીં, પણ પૂરા અન્ત:કરણથી મળે. મારી એવી સાચકલી ચેષ્ટાથી હું સામાના હૃદયને સ્પર્શું છું, તેને પ્રેરું છું અને એમ કરીને છેવટે તો તેના માનવ્યને ઢંઢોળું છું. આમ આ શિષ્ટાચાર ખરા માનવીય વ્યવહારનું સાધન પણ છે, એથી સંકોરણી થાય છે હૃદયભાવોની, અને એથી બેયને અજવાળતી પ્રેમજ્યોત પ્રગટે છે. મૂળે, અહીં નમવાનું છે, શરીરથી તેમ મન-હૃદયથી. શરીરો ભેટે પરસ્પરને, ચૂમે એકમેકને, એથી એક કાયાની ઊર્જાનું બીજીમાં સંક્રમણ થાય છે. ચૈતન્યનું ચૈતન્ય સાથેનું સમ્મિલન રચાય છે. મન કે હૃદયમાં સ્ફુરેલો ભાવ શરીરના માધ્યમે સન્ક્રાન્ત થાય છે. એક માણસ બીજા માણસનું આથી વધારે સારી રીતનું અભિવાદન તો શું કરવાનો’તો? એ રીતે જોતાં, ભેટવું કે ચૂમવું જ ઉત્તમ ગણાય. પ્રેમ અને વાત્સલ્યના લગભગ બધા જ કિસ્સાઓમાં એ ઉત્તમ રીત જોવા મળે છે, તે બહુ સહજ છે. પરન્તુ પ્રેમમાં આદર ભળે, અથવા તો જ્યાં આદર વ્યક્ત કરવાનું વધારે જરૂરી જણાય, ત્યાં માણસો નમસ્કાર કરે છે, વન્દન કરે છે, પ્રણામ કરે છે, કે સલામ કરે છે. આ શિષ્ટાચારમાં ભાષા પણ ભળી છે: માણસો ભેટે કે હાથ મેળવે ત્યારે, કે હાથ જોડીને નમસ્કાર કરે ત્યારે, નમસ્તે, પ્રણામ, વન્દન વગેરે શબ્દો પણ ઉચ્ચારે છે. ઘણી વાર, હાથ જોડ્યા વિના માત્ર ભાષાથી પણ ચલાવી લેવાય છે. એવા વાચિક નમસ્કાર આજના જમાનામાં વધવા માંડ્યા છે. તો ઘણીવાર હાથ જોડેલા રાખીને, મન-હૃદયના કશાય ભાવ વિના, લોકો પોલાંપોલાં માત્ર કાયિક વન્દન પણ કરે છે. ટેવને કારણે કરાતો કે કહેવા ખાતર ચાલતો રહેતો આ શિષ્ટાચાર એ રીતે અમસ્તો શિષ્ટાચાર જ બની રહે છે. આપણા જમાનામાં લોકો એટલે તો નમસ્કાર, વન્દન કે પ્રણામ લખી મોકલી શકે છે ને એમ ભાવ પરોક્ષપણે પહોંચાડીને પ્રત્યક્ષપણે વ્યક્ત કર્યાનો સંતોષ ધારી શકે છે. સામાવાળાનો હાથ આપણા હાથમાં આવી પડેલો લાગે; નામનો અડકી રહેલો લાગે, ત્યારે એવું ઠાલું અભિવાદન આપણને ચીડવે છે. નમે તે સૌને ગમે એ સાચું, પણ ખોટું-ખોટું નમે તે કોઈને ય ન ગમે એ પણ એટલું જ સાચું છે. એ સંજોગોમાં નમસ્કાર કાં તો છેતરપિંડી હોય છે, અથવા તો ખુશામતનો પ્રકાર. એવા વંચકો જ વારંવાર નમતા હોય છે. હૃદયમાં સામા માટે કશો ભાવ જ ન હોય, તો ન-નમસ્કાર સારા; ભાવ હોય, તો સ-નમસ્કાર વધારે શોભે; બહુ-નમસ્કાર તો, હમેશાં ખોટા. મન-હૃદયને વ્યક્ત થવાને કેટલીક વાર તો નાનું શું નમન જ પૂરતું હોય છે…નમીએ તો એવું નમીએ, નહીં તો ન નમીએ…