સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/નિપુણતાઓને સર્જકતા સાથે જોડીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિપુણતાઓને સર્જકતા સાથે જોડીએ


વ્યાખ્યાન, લેખન, ચર્ચા અને વાચન નિપુણતાઓ છે, પણ એને સર્જકતા સાથે જોડવાની જરૂર છે. આમ તો એ દરેકમાં કોઈપણ અધ્યાપક નિપુણ હોવો જોઈએ. પણ વાત હું ગુજરાતી સાહિત્યના પ્રવર્તમાન અધ્યાપકોને ધ્યાનમાં રાખીને કરી રહ્યો છું. યુજીસીએ ઍકેડૅમિક સ્ટાફ કૉલેજોના ઉપક્રમે ‘ઓરિઍન્ટેશન’ અને ‘રીફ્રેશર’ કોર્સનાં આયોજન કરેલાં છે. નવા અધ્યાપકે કન્ફર્મ થવા માટે ૧ ‘ઓરિઍન્ટેશન’ અને ૨ ‘રીફ્રેશર’ કોર્સ કરવા ફરજિયાત છે. એ પછી જ એને પદોન્નતિ માટે લાયક ગણી શકાય છે. સાથે આશય એ ખરો કે અધ્યાપકની વિદ્યાવૃત્તિ જ્ઞાનની અવનવી દિશામાં ઓરિઍન્ટ થાય -ઉન્મુખ થાય- અને પોતાના વિષયમાં એ રીફ્રેશ થાય -તાજોતમ થાય. વાસ્તવમાં આ બન્ને કોર્સ, ફૉર્માલિટી છે. એને અધ્યાપકની વૈયક્તિક નિપુણતા કે એની સર્જકતા સાથે કશી સીધી લેવાદેવા નથી. એટલું જ કે એથી ગૃહપ્રવેશનો અધિકાર મળે છે. ફૉર્માલિટી છે એટલે અધ્યાપકો એને ઍળે કે બૅળે પણ પતાવતા હોય છે. વાતને હું ૨૧-દિવસીય રીફ્રેશર કોર્સ પૂરતી મર્યાદિત રાખું. ઍળે કે બૅળેનું કારણ એ કે સામાન્યપણે બધા દિવસ માટે કોર્સનું થીમ -વિષયવસ્તુ- એક જ રખાય છે. દાખલા તરીકે, ‘લિટરરી રીસર્ચ’ -‘સાહિત્યિક સંશોધન’. એ વિશે ઍક્સ્પર્ટ્સ પોતાને ઠીક લાગે એ મુદ્દા લઈ વાત કરતા હોય છે. ૨૧ દિવસ લગી રોજના ૬ કલાકને હિસાબે થતું આ વિદ્યાકાર્ય, અલબત્ત, સારું જ કહેવાય, ગમે પણ ખરું. જોકે અધ્યક્ષે ઍક્સપર્ટને ચૉક્કસ મુદ્દો ન સોંપ્યો હોય, તો જુદા જુદા ઍક્સપર્ટ્સને મુખેથી એક-ના-એક મુદ્દા વિશે એ-નું-એ સાંભળવા પણ મળે, તો કંટાળો પણ આવે. બીજું કારણ એ કે વિષય ક્યારેક ‘ઇન્ટર લિટરરીનેસ’ -‘આન્તર સાહિત્યિકતા’ જેવો અતિ મહત્ત્વાકાંક્ષી રાખવામાં આવ્યો હોય છે. શીર્ષક સાંભળતાં અચરજ થાય પણ ઍકેડેમિક ગ્લેમરની લાગણી જબરી પ્રગટે! રીફ્રેશરો અને રીફ્રેશ કરનારા, સૌ, પોતાને એકદમનાં સ્કૉલરલિ ફીલ કરે! નિવૃત્તિ પછી પણ હું અનેક વાર રીફ્રેશર કોર્સમાં વ્યાખ્યાનો આપવા ગયો છું. એક વાર આ જ વિષય હતો. હું ઍક્સપર્ટ ગણાઉં એટલે મેં સમજી રાખેલું કે ‘ઇન્ટર લિટરરીનેસ’ વિશે મારે રીફ્રેશનરોને બરાબરની સમજ આપવાની છે. પણ તરત ચિન્તા થઈ -એઓને ‘લિટરરીનેસ’-ની ખબર હશે ખરી? અને, ખબર છે એમ ખાતરીથી કોણ કહી શકશે? કોઈ નહીં! કેમકે એમાં પણ એમ જ માની લેવાયું છે કે ઍમ.એ. પીએચ.ડી. થયા ત્યારથી રીફ્રેશરોને એવું બધું તો આવડે જ છે! સાહિત્યના આજીવન અધ્યેતા તરીકે મને એટલું સ્વીકારવું જરૂર ગમે કે કોઈ અજાણ્યા વિષયનો એકવીસ એકવીસ દિવસ લગી મગજ પર ભલે મારો થાય, પણ છેલ્લે, ફૂલ નહીં ને ફૂલની પાંખડી જેટલું જ્ઞાન તો માણસને મળે જ મળે. આપણે ત્યાં એવા ઉપક્રમો નથી જેમાં વ્યાખ્યાન, લેખન, ચર્ચા અને વાચનને વિશેની ચતુર્વિધ નિપુણતાના વિકાસનું આયોજન વિચારાયું હોય. પાયાનું આયોજન તો એ છે. એ પાયા પર જ ઉચ્ચગ્રાહી કાર્યક્રમોની ઇમારત ચણી શકાય. અધ્યાપકની ‘લિટરરીનેસ’ તો જ પકડાય મૂળે જો એને ‘ક્લોઝ રીડિન્ગ’-ની ટેવ હોય. એ ન હોય તો ‘લિટરરીનેસ’ અને ‘ઇન્ટર લિટરરીનેસ’ એને કાંટાળી ઝાંખરિયાળી વિકટ ઝાડી ભાસે. એને થાય, એમાં મારે શેને ડાફોરિયાં મારવાં? સમજો અને સ્વીકારો કે પાયા વિનાનાં આયોજનો હમેશાં જ્ઞાનમાર્ગની દીવાલો પુરવાર થાય છે. અને દીવાલનું તો એવું કે તમે કાં રસ્તો બદલી લો કે પછી દીવાલને હોશિયારીથી ઓળંગી જાવ. ૨૧ દિવસમાં જો પદોન્નતિને ‘લાયક’ થઈ જવાતું હોય તો અધ્યાપકો એ કષ્ટ વેઠી લેવામાં ડહાપણ જોશે, જોશે જ! કોઈપણ વિષયમાં નિપુણ હોવું અને સર્જકતાથી નિપુણ હોવું, એ બન્ને બાબતમાં ફર્ક છે. બને કે તમે એક્સપર્ટ હોવ પણ તમે ક્રીએટિવલિ ઍક્સપર્ટ ન હોવ. હાથ પરનો જોબ પતાવવો ને જોબને રૂડી સર્જકતાથી સમ્પન્ન કરવો, એ બન્ને વાતમાં ફર્ક છે; કસબ-કારીગરી અને કલા વચ્ચેનો ફર્ક. માત્રવ્યાખ્યાનની વાત કરું. વ્યાખ્યાનને સર્જકની જેમ એક કલા તરીકે અપનાવવાની જરૂર છે: વ્યાખ્યાતા સાવધ ન હોય તો ચીલાચાલુ બની ગયો હોય છે. એની શૈલી વપરાઈને જતે દિવસે કૂચો થઈ ગઈ હોય છે. એમાં એક-ના-એક શબ્દપ્રયોગો જામી પડ્યા હોય છે. મૅનરિઝમ્સનાં -પ્રયોગદાસત્વનાં- કાટલાં અથડાયા કરતાં હોય છે. બિનજરૂરી જોક્સ વગેરે વિષયાન્તરોની ટેવો સૅટ થઈ ગઈ હોય છે. ‘ચીલાચાલુ’-નો સૂક્ષ્મ અર્થ એ છે કે અધ્યાપક લક્ષ્યવેધ ચૂકી ગયો હોય છે. એને બધું જ્ઞાન પંખીની આંખ સિવાયમાં જ દેખાયું હોય છે! વિચિત્રતા એ છે કે એને એ જ ગમતું થઈ ગયું હોય છે! વ્યાખ્યાન એક કલા છે તો ચાલો આપણે એને વર્ગમુક્ત વાતાવરણમાં ખીલવીએ. એ માટે ફરીથી મળીએ. મેં એક શબ્દ શોધી કાઢ્યો છે, ‘પુનરપિ’. અધ્યાપકો, અધ્યાપક થયા તે વિદ્યાર્થીઓ અને ઉપલબ્ધ વિદ્વાનોને ફરીથી મળે. (વાત મારે મારા પ્રયત્નોનો દાખલો આપીને કરવી પડે છે તેનો મને સંકોચ છે; પણ કરું તો, બીજી કઈ રીતે કરું? ક્ષમસ્વ.) અત્યારસુધીમાં ‘પુનરપિ’-માં મેં વ્યાખ્યાન-કલા માટેના ૩ શિબિર યોજ્યા છે. એક શિબિર ૬-દિવસીય હતો. ગુજરાત યુનિવર્સિટીની ઍકેડૅમિક સ્ટાફ કૉલેજના ઉપક્રમે યોજેલો. પ્રસાદ પ્રહ્મભટ્ટ અધ્યક્ષ હતા. ૩૦ જેટલા અધ્યાપકો જોડાયેલા. આયોજન એમ હતું કે રોજ બહારના કોઈ એક ગુણીજનમાન્ય વક્તા વ્યાખ્યાનકલા વિશે જ ૧ કલાકનું વ્યાખ્યાન આપે. એ પછી, દરેક શિબિરાર્થી અધ્યાપકે પોતાને ગમતા વિષય-મુદ્દા પર ૧૫ મિનિટનું વ્યાખ્યાન આપવાનું. એના વ્યાખ્યાનની હું અને વ્યાખ્યાનકલા વિશે વ્યાખ્યાન આપવા આવેલા વક્તાશ્રી મિત્રભાવે સમીક્ષા કરીએ. પછી મુક્ત ચર્ચા. એ વક્તાઓ હતા, સુમન શાહ, વિનોદ જોશી, વિદ્યુત જોશી, ભાગ્યેશ જહા, નરેશ વેદ અને ભદ્રાયુ વછરાજાની. કાર્યક્રમ પૂરા ૬ દિવસ સવારના ૧૧-થી સાંજના ૫ લગી સૌની પૂરી નિસબતથી ચાલેલો. ‘પુનરપિ’-ને હું આ ચતુર્વિધ નિપુણતાના સર્જનાત્મક વિકાસને માટેનું ઉપકારક સાધન ગણું છું. કોર્સમાં જોડાતી વખતે અધ્યાપકો, ખાસ તો બહેનો, મને કહે -સાહેબ! તમારી આગળ વ્યાખ્યાન કરતાં ડર લાગે છે. હું પૂછતો: ૧૨-૧૫ વર્ષથી અધ્યાપક છો ત્યાં કોઈ દી ડર લાગેલો ખરો?: મને મૂક નજરે જોઈ રહે. હું કહેતો: તમારે કશી ફૉર્માલિટી નથી સાચવવાની. અહીં તમને કોઈ ઉતારી પાડવાનું નથી. જે કંઈ કહેશે એ દાઝથી કહેશે: એટલે એને હાશ થતી. સ્મિત ફરકી રહેતું. અન્તે, ઘણાએ કહેલું -સાહેબ, પહેલી વાર ખબર પડી કે આ મારી ત્રુટિ છે. એમ કહેનારા પણ મળ્યા કે -મારી આ વિશેષતાની મને ખબર ન્હોતી, સારું થયું, હવેથી એને બરાબર વિકસાવીશ. સૌનો અન્તરાત્મા જાગેલો. ને તેથી આત્મવિશ્વાસ ખીલેલો. ઘણાઓએ કહેલું -ફરીથી મને જરૂર બોલાવજો. કોઈએ તો એટલે લગી કહેલું -સર, આ જાતનો શિબિર હું મારી કૉલેજમાં ગોઠવીશ… નિપુણતા અને સર્જકતાનો યથાયોગ્ય સમાગમ થાય ત્યારે વ્યાખ્યાન સવિશેષ કલાત્મક બની આવે છે, એ વાતો હવે પછી.

= = =