સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/મંડળી મળવાથી થતા લાભ-ગેરલાભ
સર્વપ્રિય સાહિત્યકાર નર્મદે (૧૮૩૩-૧૮૮૬) મંડળી મળવાથી થતા લાભ વિશે ૧૯-મી સદીમાં નિબન્ધ લખેલો. આપણે ત્યાં ત્યારથી માંડીને આજદિન લગી નવી નવી મંડળીઓ જન્મ્યા કરી છે. ધર્મ, જ્ઞાન-વિજ્ઞાન, સમાજ કે સાહિત્યકલાનો ઉત્કર્ષ ભાળી શકતી કોઈ મુખ્ય વ્યક્તિ આગળ આવી હોય. એની દોરવણી હેઠળ બધા ભેગા થાય. વિચારે ચર્ચા કરે સહવિચાર સારવે અને તે પ્રમાણેનો વર્તાવ કરે. એ છે, મંડળીનું સ્વરૂપ. એવી મંડળીઓ કોઈપણ પ્રગતિશીલ સમાજ માટે સારી વસ્તુ ગણાય. લાભનું એ રૂડું સત્ય પછી તો સાહિત્યવિષયક મંડળીઓમાં ખાસ પ્રસર્યું. નર્મદના જમાનાની મંડળીઓનો ઇતિહાસ બહુ લાંબો છે. એની વાત વીગતે કરવી પડે. એ અહીં ન કરાય.
પણ આપણા સમયમાં સાહિત્યના આગવા વિકાસને માટે કેટલીક ચૉકક્સ મંડળીઓ જન્મી છે. એમાંની કેટલીકની વાત અહીં મને સ્મરણીય લાગે છે. પ્રજાજનો ભલે એ વિશે કિંચિત્ જાણેઃ
૧૯૨૪થી ચાલતા `કુમાર’ સામયિકના સંસ્થાપક અને પહેલા તન્ત્રી હતા, રવિશંકર મ. રાવળ, ત્યારપછી હતા, બચુભાઈ રાવત. બચુભાઈના વડપણ હેઠળ કાવ્યસર્જન અને તેની શિક્ષા-પરીક્ષા માટે જે મંડળી જામેલી એનું નામ, `બુધસભા’. આપણા અનેકાનેક સિદ્ધ-પ્રસિદ્ધ કવિઓ પહેલાં તો `બુધવારિયાં’-માં ગયેલા અને પછી સ્વબળે વિકસેલા. `બુધસભા’ આજે પણ ચાલુ છે. ધીરુ પરીખની રાહબરી હેઠળ અનેક કવિઓ રૂપે ઘડાઈ રહ્યા છે.
લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી વગેરે કવિમિત્રોએ જન્માવેલી અને જમાવેલી મંડળી, `રે મઠ’. એમના સામયિકનું નામ હતું. `કૃતિ’ લખતાઃ `કૃતિ, સંસ્કૃતિ નહીં’ ત્યારે ઉમાશંકરનું `સંસ્કૃતિ’ પણ હતું. સૂર એવો કે અમે વ્યક્તિએ સરજેલી કૃતિના પક્ષકાર પહેલા છીએ. અનેક નવોદિતો પ્રેરાયેલા. ગુજરાતી કવિતામાં આધુનિક સંવેદનશીલતાના આવિષ્કાર માટે આ મંડળી પંકાઈ. એ નવોન્મેષમાં જવાબદાર પણ ગણાઈ.
મંડળીઓની વાતમાં ઉમેરાય, વડોદરા. રામજી મન્દિરની પોળમાંનું ભોગીલાલ ગાંધીનું ઘર. ૨૦-મી સદીના સાતમા દાયકા દરમ્યાન દર ગુરુવારે ત્યાં સુરેશ જોષી, પ્રબોધ ચોક્સી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ગુલામ મોહમ્મદ શેખ અને બીજા બૌદ્ધિકો મળતા. હું વિદ્યાર્થી સૌને જોતો-સાંભળતો. સમાજ સંસ્કૃતિ રાજકારણ ઇતિહાસ વગેરે ક્ષેત્રો સાથે સાહિત્યનો વિમર્શ-પરામર્શ થતો. સુરેશભાઈ રિલ્કેનાં કાવ્યો વાંચે, પ્રબોધભાઈ કાફકા-કામૂની વાત માંડે, ભોગીભાઈ વિશ્વ-રાજકારણનો કશો મુદ્દો છેડે. વગેરે. ભોગીભાઈના `વિશ્વમાનવ’-માં અને પ્રબોધભાઈના `ક્ષિતિજ’ સામયિકમાં એ ગુરુવારોનાં જ્ઞાનતેજ પ્રસરતાં. એ `ક્ષિતિજ’ પાછળથી સુરેશભાઈને સોંપાયું જે વડે ગુજરાતી સાહિત્ય વિશ્વસાહિત્ય સાથે જોડાયું અને એ અર્થમાં આપણા સાહિત્યનો ક્ષિતિજ-વિસ્તાર થયો.
ભાવનગરમાં જેટલા કવિઓ છે -જાણે એટલાં વર્તુળો છે! ગુણવંત ઉપાધ્યાયે ગઝલ-લેખનની તાલીમ માટે શિક્ષણસંસ્થા ઊભી કરી છે. ગંભીરસિંહ ગોહિલ અને `માય ડિયર જયુ’-ની રાહભરી હેઠળ દર ગુરુવારે `ગદ્યસભા’ ચાલે છે. અઠવાડિયા દરમ્યાનનાં પોતાનાં વાર્તા વગેરે ગદ્ય-લેખનોની બધાં ચર્ચા કરે. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં `પાક્ષિકી’-માં બધાં દર પંદર દિવસે મળે ને વાર્તાઓની ચર્ચા કરે. આસ્વાદ કરાવે. મુમ્બઈવાસી ભરત-ગીતા નાયક વરસોથી `સાહચર્ય’-ના નેજા હેઠળ સાપુતારા જેવાં પ્રાકૃતિક સ્થળોએ ટૂંકીવાર્તા વગેરે માટે કલા-સર્જનલક્ષી કાર્યક્રમો યોજે છે. એમાંની ઘણી રચનાઓ એમના `ગદ્યપર્વ’ સામયિકમાં પ્રકાશિત થતી અને એણે ચીલો ચાતરેલો, વગેરે.
`સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ (`સુજોસાફો’) એવી જ એક મંડળી છે. ટૂંકીવાર્તાના સર્જન માટે શિબિરો યોજે છે. આ લખનાર એના સંયોજક છે. ૧૯૯૧થી માંડીને ૨૦૧૯ સુધીમાં ૪૪ વાર્તાશિબિરો થયા છે. દાંતીવાડાના સણાલી કે સાવરકુંડલા પાસેના ખડસલી જેવા એકાન્ત-સ્થળોએ યોજાતા રહેતા એ બે-દિવસીય શિબિરોમાં સરેરાશ ૨૦-૨૨ વાર્તાકારો સ્વખર્ચે આવે. યજમાન-સંસ્થા આતિથ્યભાર ઉઠાવે. વાર્તાકારોનો ક્રમ ચિઠ્ઠી નાખીને નક્કી કરાય. દરેકે પોતાની અપ્રકાશિત વાર્તા રજૂ કરવાની, બાકી વાર્તાકારો ભરપૂર ચર્ચા કરે. ચર્ચા સૌ એવી વિકસાવે જેથી ટૂંકીવાર્તાની કલાના અને સાહિત્ય સમગ્રના પ્રશ્નોની ઝીણવટભરી વાતો બહાર આવે. જાણીતા વાર્તાકારો ઉપરાન્ત `સુજોસાફો’-માં ઉત્તરોત્તર અનેક બીજા જોડાતા રહ્યા છે. અનેક આશાસ્પદ નવોદિતો પણ જોડાયા છે. કહે છે, `સુજોસાફો’-ને ગુજરાતી ટૂંકીવાર્તાના ભૂતકાળને વિશે આદર, વર્તમાનને વિશે શ્રદ્ધા, અને ભવિષ્યને માટે આશા છે.
સાહિત્ય-મંડળીના મોવડીને શ્રદ્ધેય ગુરુ પણ કહેવાય. મંડળી જામે. સૌને આનન્દ આવે. પાકી મૈત્રી બંધાય. રચના રજૂ કરનાર લેખકના આનન્દમાં વધારો થાય, એને સારું લાગે. પોતાની ગુણવત્તાઓની તેમજ મર્યાદાઓની એને ખબર પણ પડે. જોડાયેલા સૌની સર્જન-શક્તિનો યથાશક્ય વિકાસ થાય. સમીક્ષા-બુદ્ધિ વિકસે. સમજાય કે સાહિત્ય હમેશાં પ્રેમભરી સહભાગીતા માગે છે -લવફુલ શૅરિન્ગ. એ છે, સાહિત્ય-મંડળીની ફલશ્રુતિ. એવી મંડળીઓ કોઈપણ પ્રગતિશીલ સાહિત્યસમાજ માટે સારી વસ્તુ છે.
સાહિત્ય-મંડળીઓનું ઉધાર-પાસું પણ છેઃ સાહિત્યકલા વ્યક્તિની નિજી સર્જકતાનું ફળ છે. એ કશી `સહકારી’ પ્રવૃત્તિ નથી. વ્યક્તિની શક્તિમર્યાદાને ઓળખાવવાને બદલે `અહો રૂપમ્ અહો ધ્વનિ’-ના ધોરણે મંડળી સહકારી થઈ ગઈ હોય તો નુકસાન છે. કારણ વગરના વિવાદો સરજાય તો કલાના સત્યનો નાશ અને `સારસ્વત’ ગણાતા સાહિત્યકારો વચ્ચે વૅરઝૅર! વખાણ કે ટીકાની જરૂર હોય છતાં ચુપકીદી સેવાય તો ચિત્ર વધારે દયાજનક બનવાનું. ટીકા વેઠાય નહીં, માત્ર વખાણની આશા હોય, તેવાઓ ટકી શકે નહીં. મંડળી છોડી જાય. અમુક મંડળીવાળા તમુક મંડળીને વખોડે ત્યારે જૂથબંધીનું રાજકારણ પ્રગટેઃ થોડા વખત પછી અમુકોને ન ફાવે, મતભેદ પડવા શરૂ થાય, છૂટા થઈ જાય. જોકે બેસી ન રહે, નવી મંડળી બનાવે! સાહિત્યકાર નામના પ્રાણીની એક ખાસિયત છે -કોઈને ઝાઝો વખત મોવડી ગણી શકે નહીં, એને ચૂંક આવે! રીતસરની શિક્ષા-દીક્ષા પામ્યો હોય તો પણ એક દિ’ એમ જ કહેવાનો કે ના, હું જે કંઈ છું તે મારા જોરે છું! એવું આપબળ સારી વસ્તુ, એથી મંડળીને લાભ, પણ ઠાલી આપવડાઈથી નુકસાન છે.
મંડળીનો અત્યાનુધિક અવતાર ઇન્ટરનેટ પરનાં બ્લૉગ-સર્કલ્સ છે. તે-તે મંડળીનાં સભ્યો વડે લખાયેલું તુર્તોતુર્ત ઇ-પબ્લિશ થાય છે. ફટોફટ `લાઇક’ થાય છે. પણ પછી? કંઈ નહીં! વિચારમાં પડી જવાય કે ખરેખર ચાલી શું રહ્યું છે! અવતાર આવકાર્ય છે પણ એટલો જ વિચારણીય છે.
આજે નર્મદ આપણી વચ્ચે હોત તો આ ઉધાર-પાસું જોઈને એણે ‘મંડળી મળવાથી થતા ગેરલાભ’ નામનો એક બીજો નિબન્ધ જરૂર લખ્યો હોત.