સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/રવીન્દ્રનાથ સાથે ગુલઝાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રવીન્દ્રનાથ સાથે ગુલઝાર


સાહિત્ય અને સંગીતના પ્રેમીઓ માટે સુખદ સમાચાર છે. કદાચ એમને ખબર છે. કવિતા અને સંગીતનું સમ્મિલન. શાન્તનુ, શ્રેયા ઘોષાલ અને શાન જેવી કલાકાર હસ્તીઓ એક સાથે ને એમની સાથે, ગુલઝાર. રવીન્દ્રપ્રેમીઓ માટે મોટી વાત -કેમકે ગુલઝાર, રવીન્દ્રનાથ ટાગોરની (૧૮૬૧-૧૯૪૧) કવિતા સાથે! ગાયન-વાદનના એ ગુણિયલ જુવાનોની સંગતમાં વયસ્ક ગુલઝારને સાંભળો, Gulzar in Conversation With Tagore આલ્બમમાં. અને આમેય આવતીકાલે ૭મી મે-ના રોજ રવીન્દ્રનાથનો જન્મદિવસ છે. જીવનનો લ્હાવો બની જશે, આયૅમ સ્યૉર. આલ્બમમાં રવીન્દ્રનાથનાં ૭ કાવ્યોના હિન્દી અનુવાદોને ગીતે રૂપે રજૂ કર્યા છે. ૭ રચનાઓના સંકલનથી જાણે ૧ ગીત બને છે, વિરહિણીનું ગીત. વચ્ચે વચ્ચે ગુલઝાર કેટલીક પંક્તિઓના પાઠ કરે છે. કમૅન્ટ કરે છે. શાન્તનુના સંગીત-નિર્દેશનમાં ગાયકો શ્રેયા અને શાન ગીતોમાં પ્રાણ પૂરે છે. વિરહિણી આશ લગાવીને બેઠી છે, તરસે છે, બસ, એનો પિયુ આવી જાય. શ્રેયા ગાય છે: રેહને દો, સિંગાર કો રેહને દો, જૈસી હૂં, વૈસી હી હૂં, આ જાઓ…એને મન, જૈસી હૂં વેસી હી હૂં-ની જાતસચ્ચાઈ આગળ સ્ત્રીસહજ શ્રૃંગારની કશી વિસાત નથી. એની અવસ્થાનો ગુલઝાર પાઠ કરે છે: સામને ચૂલા જલ રહા હૈ; ધૂઆં આંખો મેં લગ રહા હૈ; જલન ભી હૈ, આનન્દ ભી; બસ આતે હી હોંગે, જલદી સે સન્ધ્યા-પૂજા હો જાયે; જાનતી હૈ, વો ક્યા કહેંગે: નાયિકાએ સિંગારનો દીવો પ્રગટાવી રાખ્યો છે પણ એના વિખરાયેલા વાળ વગેરે કશ્શાયનું ઠેકાણું નથી: બાલ અગર બિખરે હૈ, સીધી માંગ નહીં નીકલી, બાંધે નહીં અંગિયા કે ફીતે: પણ એ તો બેપરવા છે, કહે છે -તો ભી કોઈ બાત નહીં. જેવી છું તેવી જ છું -જૈસી હું, વૈસી હી હૂં, આ જાઓ. આગળની પંક્તિઓમાં એની આ બેપરવાઈ વિલસે છે: ઓસ સે ભીગી મિટ્ટી મેં પાઁવ અગર સન્ જાયે તો, ઘૂંઘરું ગિર જાયે પાયલ સે, તો ભી કોઈ બાત નહીં: આકાશ પે બાદલ ઉમડ રહે હૈં -દેખા ક્યા- ગુંજી નદી કિનારે સે -દેખા ક્યા- બેકાર જલા કર રખ્ખા હૈ સિંગારદીયા, કેમકે -હવા સે કાંપ કે બાર બાર ઊડ જાતા હૈ…જૈસી હૂં વૈસી હી હૂં… ઉમેરે છે -કિસ કો પતા હૈ પલકોં તલે દીયે કા કાજલ લગા નહીં, ગજરા નહીં બના, તો છોડો…! માટી, પણ ઝાકળથી ભીની; એમાં વિરહિણીના પગ! સ્પર્શક્ષમ કલ્પન! આકાશમાં વાદળ ઘેરાયાં હોય, નદી ગુંજી હોય, પવન ફૂંકાતો હોય. આખું આપણને દેખાય અને સંભળાય. દૃશ્યશ્રાવ્ય કલ્પન. જોઈ શકાય કે વિરહિણીથી દીવાનું કાજળ આંજી શકાયું નથી, કાંડા પર ગજરો બાંધી શકાયો નથી. પણ એ તો નરી આત્મશ્રદ્ધાળુ છે. બસ, રટ લીધી છે -આ જાઓ. શ્રેયાના દર્દમધુર અવાજમાં કાવ્યકલ્પનો આસ્વાદ્ય સૂરાવલિ રૂપે જીવન્ત બની જાય છે. જોકે સાંભળીને જોવા-માણવાની આવી રસપ્રદ વસ્તુ વિશે આ પ્રમાણે લખ્યા કરવાનું મને ગમતું નથી. જાણે કલાકૃતિનો દ્રોહ થાય છે. એવા સાત્ત્વિક અણગમા સાથે, વાત જો માંડી જ છે, તો આગળ ચલાવું. નાયિકા મોડે લગી બેસી રહી. પણ પછી, -સુબહ કે હલકે ગુલાબી કોહરે સે ગુજરા મુસાફિર, મેરે દરવાજે પે આ કર રુક ગયા: અને -પૂછા મુઝે, વો કહાઁ હૈ? પણ -મૈં મારે શર્મ કે કેહ ના સકી મૈં વહી હૂં…મૈં વહી હૂં: સાંજ પડી ગઈ. દીવો સળગાવવાનો બાકી હતો. પણ ફરીથી: શામ કી સુરફી મેં રથ પર લૌટ આયા મુસાફિર, ધૂલ થી કપડોં પે, દરવાજે પે ફિર પૂછા મુઝે -વો કહાઁ હૈ, વો કહાઁ હૈ?: પણ -મૈં શર્મ કે મારે કેહ ના સકી મૈં વહી હૂં: પછી રચનામાં -મૈં હી હૂં વો મેરે મુસાફિર, એ આરતભર્યો સાદ તીવ્ર થતો રહે છે. જોકે પરિણામ નથી આવતું: બારિશોં કી રાત હૈ, કમરે મેં જલતા હૈ દીયા. ફર્શ પર બૈઠી હૂં ખિડકી કે તલે. ઔર અંધેરી રાત મેં અબ ગુનગુનાતી રેહતી હૂં -મૈં વહી હૂં…મેં હું વો ઓ મેરે મુસાફિર… આશાભર્યો સિંગારદીપ સળગતો રહે, ઓલવાતો રહે; સવાર પડે, સાંજ પડે, રાત પડે; પિયુ આવે, જાય, પૂછે; નાયિકા શરમની મારી કહી ન શકે; વગેરે બધા વારાફેરા વચ્ચે વિરહ સુખદુ:ખની ભાતમાં અમળાતો ઘુંટાયા કરે છે. પછીની રચનામાં આપણે જેને સાંભળીએ છીએ એ કદાચ એનો પિયુ મુસાફર પોતે જ છે. મુસાફરના અવાજમાં શાન ગાય છે: મૈં ઘૂમતા હૂં. પણ કેવી રીતે? -કસ્તૂરી હિરન જૈસે અપની ખુશ્બૂ મેં પાગલ ઘૂમતા હૈ -એવી રીતે. કસ્તૂરીમૃગ સમો નાયક અટવાઈ ગયો છે, કેમકે -સિને સે નિકલ કર, યે ખુશ્બૂ મેરે સામને ઘૂમતી રેહતી હે: પોતે એને પકડવા ઇચ્છે છે -મૈં ચાહતા હૂં પકડું ઉસે સિને મેં રખ્ખું, પર વો હાથ નહીં આતી: પોતાની ખુશ્બૂને પોતે પામી શકતો નથી. મીઠી મૂંઝવણ કહેવાય. ત્યારે ફાગણની રાત છે, દક્ષિણનો પવન વાઈ રહ્યો છે, પણ એને રસ્તો નથી જડતો -પર રાહ નહીં મિલતી. કહે છે: જો ચાહા થા વો ભૂલ હુઈ, જો પાયા વો ચાહા નહીં, મેં ઘૂમતા હૂં: સાચું છે, પ્રેમ અને પ્રાપ્તિ બાબતે ભૂલો જ થતી હોય છે! આલ્બમના યોજકો કહે છે કે ટાગોરની આ ‘રોમૅન્ટિક સાઇડ’ છે. ના; મારું મન્તવ્ય છે કે રવીન્દ્રસૃષ્ટિમાં નકરાં જીવનસત્યો પ્રગટતાં હોય છે: પ્રેમની સચ્ચાઈ પાસે શ્રૃંગાર કંઈ નથી: જેવાં હોઈએ એવાં હોવાનો પ્રેમમાં મહિમા છે: પ્રેમ કસ્તૂરીમૃગની ખુશ્બૂ જેવો છે -હૃદયસ્થ છતાં અગ્રાહ્ય: વિરહ પ્રેમસહજ પીડા છે, એ સાથે સંસારમાં ઘૂમતા રહો, એ મૂલ્ય છે: આ સત્યોનું ભાવ-ગોત્ર છેક ‘ગીતાંજલિ’-માં છે. આમે ય મને સમગ્ર રવીન્દ્રનાથમાં પ્રેમ-સંવેદનાનું ઘેઘૂર સાતત્ય અનુભવાયું છે. ગુરુદેવ ટાગોરની કશી સાઇડ ન હોય. હા, ગીટાર, ગ્રાન્ડ પિયાનો અને મૅન્ડોલિન સાથે રવીન્દ્ર-સગીત અહીં નવા અવતારે જરૂર પ્રગટ્યું છે. શરૂમાં ગુલઝારે જણાવ્યું છે કે -એક દેહાતી, સર પે ગુડ કી ભેલી (ગૉળના ટુકડાની પોટલી) બાંધે, લમ્બે-ચૌડે એક મૈંદાં સે ગુજર રહા થા; ગુડ કી ખુશ્બૂ સૂન કે, ભિન ભિન કરતી એક છતરી, સર પે મંડલાતી થી; ધૂપ ચડી, ઔર સૂરજ કી ગરમી પ્હૉંચી તો, ગુડ કી ભેલી બેહને લગી; માસૂમ દેહાતી હૈરાં થા -માથે સે મીઠે મીઠે કતરે ગિરતે થે; ઔર વો, જીભ સે ચાટ રહા થા: એ દેહાતી, ગુલઝાર જણાવે છે એમ, પોતે! -મૈં દેહાતી, મેરે સર પે યે ટાગોર કી કવિતાભેલી કિસને રખ દી… પોતાના શિર પરથી ગુલઝારે ઉતારેલી ટાગોરની એ કવિતાભેલી લઈ હું આવું છું પાછો, આવતા શનિવારે. ૪ રચનાઓની વાત બાકી છે.

= = =