સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/“સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ”-ના ૨૫-મા વર્ષે–

“સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ”-ના ૨૫-મા વર્ષે–


આપણે ત્યાં સુરેશ જોષી એમના જીવનકાળ દરમ્યાન કેટલાક સદાગ્રહો પુનરાવર્તનની ફિકર કર્યા વગર ઘૂંટાતા રહેતા. સાહિત્યના ભાવન-વાચન માટે કહેતા કે સર્જકે અને વાચકે બન્નેએ અંગત વાચન-મનનથી હમેશાં પોતાના સાહિત્યભાવને સુદૃઢ કરવો જોઈએ. એમણે એ વાત પર ભાર મૂકેલો કે સાહિત્ય જાણીએ એ જરૂરી પણ એ પહેલાં એને માણીએ એ વધારે જરૂરી. એમનો આ સદાગ્રહ આ રીતે વિકસી શકે : સાહિત્યની રચનાને સૌ પહેલાં માણવી, ભોગવવી, એ ફન્ડામૅન્ટલ વાત છે. કેમકે સાહિત્ય કે કલામાત્ર ભોગવવાની વસ્તુ છે. સાહિત્યભોગ વાચકને સહભાગી થવાની પ્રેરણા આપે છે —તને આ સરસ લાગે છે, મને આ સુન્દર લાગે છે; મને આમ મઝા પડી, તારું કેમ છે; વગેરે. પરિણામે લેખક અને વાચક વચ્ચે અને વાચક વાચક વચ્ચે એક એવી જાતનો સમ્બન્ધ રચાય છે, જેને અદ્વિતીય —સાવ જ અનોખો— કહેવો જોઈએ. ગઝલના મૂળ માહોલને યાદ કરીએ તો એ જ સત્ય હાથ આવશે કે એ પણ મજલિસ કહેતાં મહેફિલમાં માણવા-ભોગવવાની ચીજ છે. સનમ હોય સાકી હોય સૂરા હોય. શાયર ‘ગૌર ફરમાઇએ’ કરીને રચનાને રજૂ કરે, તરન્નુમમાં ગાય પણ ખરો. એ શું ખાલી મુશાયરો હોય છે? ના. એ એક ઘટના હોય છે —જિવાતા જીવનનો જ ભાગ. કોઈને કશી ઉતાવળ ન હોય. બધાં નિરાંતે હરેક કાફિયાને એટલે કે શબ્દ શબ્દને ઝીલતાં હોય, સૂર સૂરને માણતાં હોય. આ માણવા-ભોગવવાની વાતે આપણે દાદીમા-ની વાર્તાને પણ યાદ કરવી જોઈએ. દીદામા વાર્તા માંડે ને છોકરાં સાંભળે. હોંકારા ભણતાં ચાલે. એ ખરું કે દાદીને ને છોકરાંને ઊંઘી જવું હોય. છોકરું પહેલું ઊંઘી ગયું કે દાદી, એ જુદી વાત, પણ વાર્તા બીજી રાતે આગળ ચાલે. નોંધપાત્ર વાત તો એ કે સંસારના કોઈપણ ખૂણે કોઈપણ ભાષામાં દાદીમા-ની વાર્તા છે. એ માનવજીવનશૈલીનો જ એક રમમીય આવિષ્કાર છે. આમાં, ગીત-ગાયન નાચ-નૃત્ય જાદુ સરકસ કે નાટક-ભજવણીના દાખલાઓ ઉમેરીએ એટલે મુદ્દો સાફ સમજાઈ જાય છે. ભોગવવાની વસ્તુનો મતલબ જ એ કે એમાં રચનાકાર હોય ને રચનાનો ભોગવનાર હોય. વચ્ચે કોઈ નહીં. અનોખો સમ્બન્ધ. ખાનગી અને અંગત બલકે પાયાનો અનિવાર્ય સમ્બન્ધ. ભોગવ્યા વિના સાહિત્ય વિશે કંઈપણ કહેવું બકવાસ બની રહે. પણ સાહિત્ય જ્યારથી લેખન બની ગયું ત્યારથી શ્રવણ વાચન બની ગયું. મહેફિલનો માહોલ ન રહ્યો. દાદ ને હોંકારા ન રહ્યા. નિદ્રાને બોલાવી લાવે એવી વાર્તાનાં કામણ ડુલ થઈ ગયાં. સાહિત્યભોગનો અંગત અનુભવ પુસ્તકો ને પ્રકાશનોમાં કેદ થઈ ગયો. સાહિત્યનો વિકાસ અટપટો થઈ ગયો. હમેશાં મધ્યસ્થી વિવેચકોની અને અધ્યાપકોની જરૂર પડવા લાગી. સાહિત્યને પાળે-પોષે એવાં સંસ્થાનો, પ્રતિષ્ઠાનો અને યુનિવર્સિટીઓનો મહિમા વધતો ચાલ્યો. એટલે લગી, કે એના કર્તાહર્તાઓ કહે એ જ સાહિત્ય કહેવાવા લાગ્યું. એમનાં સહી-સિક્કા વિના, ઇનામ-અકરામનાં વજનિયાં વિના, સાહિત્યકારને અને સાહિત્યને સ્વીકારવાનું લગભગ અશક્ય બની ગયું. રસ અને રસભોગ વચ્ચેનાં અન્તર વધી ગયાં. સાહિત્યપદાર્થનું સંસ્થાકરણ થઈ ગયું. કદાચ એટલે જ સુરેશભાઈએ યુનિવર્સિટીઓ કે સાહિત્યસંસ્થાઓની બધ્ધ દીવાલોથી મુક્ત થવા પર ભાર મૂકેલો. એના દૂષિત-પ્રદૂષિત વાતાવરણથી બચવાનું ખાસ કહેતા. એ કહેતા કે સર્જક સાહિત્યકારે પોતાના એકાન્તને સાચવી રાખવું. એમનાથી અઘરો શબ્દ વપરાયો હોય —‘અક્ષુણ્ણ રાખવું.’ સુરેશભાઈના અવસાન પછી એમના અન્તેવાસીઓને ચિન્તા એ હતી કે એમના એ અને એ પ્રકારના સદાગ્રહોનું શું બલકે એમના સમગ્ર સાહિત્યવિચારના સાતત્યનું શું. એ ભાવ-ભાવનાથી પ્રેરાઈને ૧૯૯૦-માં ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ નામના એક સાવ જ અનૌપચારિક સંગઠનની રચના કરવામાં આવી. આજે એ ‘સુજોસાફો’-ના લાડકા નામે ઓળખાય છે. એના નેજા હેઠળ પહેલાં તો સાવ જ ગમ્ભીર વિષયવસ્તુ પરના ત્રણ બે-દિવસીય પરિસંવાદ થયા. પણ ૧૯૯૧-થી સુજોસાફોએ વાર્તાશિબિરો શરૂ કર્યા ત્યારથી એમાં લેખક અને વાચક વચ્ચેના અનોખા સમ્બન્ધની વાતને આકાર આપવાનું શરૂ થયું. એ શરૂઆત થઈ ૧૯૯૧-માં દાંતીવાડાના સણાલીમાં યોજાયેલા પહેલવહેલા વાર્તાશિબિરથી. આજે તો સુજોસાફોએ પોતાનાં ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે અને ૨૦૧૫-થી એના રજત મહોત્સવનો પ્રારમ્ભ થઈ રહ્યો છે. અત્યારસુધીમાં કુલ ૩૭ વાર્તાશિબિરો થયા છે. (હવે તો ૪૫). કેવીક છે સુજોસાફોની અનૌપચારિકતા? : જુઓ, સુજોસાફોનું કશ્શું પણ બંધારણ નથી. એમાં ચૂંટણી સભ્યપદ કે ફી નથી. એટલે એમાં પ્રમુખ મન્ત્રી મહામન્ત્રી કે કારોબારી નથી. એમાં એક પૈસાનું પણ ભંડોળ નથી. એટલે એમાં પૈસા ક્યાં વાપરવા કેમ વાપરવા વગેરેની માથાફોડ ચર્ચાઓ નથી. તો ચાલે છે શી રીતે? રામભરોસે? બિલકુલ! કેમકે વારાફરતી યજમાનો મળી આવે છે ત્યારે એમ જ લાગે છે કે સુજોસાફોને રામજી જ ચલાવે છે! દરેક શિબિર બે-દિવસીય હોય. એકાન્તે વિકસેલી જગ્યાઓએ હોય. જેથી શિબિરાર્થી એકધ્યાન રહી શકે, બીજાં આકર્ષણોથી મુક્ત રહી શકે. ૩૭ શિબિરો ગુજરાતવ્યાપી સ્થળોએ વસેલા યજમાનોએ શાળાઓએ કે કેળવણીમંડળોએ કર્યા છે : એ સ્થળોનાં નામમાત્રથી સમજાય છે કે એકધ્યાન રહી જ શકાય: સણાલી, ઊંબરી, મોડાસા, શાપુર, બાલાસિનોર, વીરપુર, ખેડબ્રહ્મા, બાલાસિનોર, પીરાણા, વાળુકડ, ઢસા, તારંગા, ગોપનાથ, મણાર, તીથલ, સારસા, ગઢડા, મહુવા, ફત્તેપુરા, ડિસા, રાધનપુર, પાટણ, સોનાસણ, અમદાવાદ, તારંગા, મોડાસા, ઊંઝા, સાયલા, શામળાજી, ભાવનગર, સાવરકુંડલા, ગોરજ-વડોદરા, તેજગઢ, ખડસલી, અમરાપુર, આણંદ કે માલપરા… (એ પછી, વાળુકડ, વિજયનગર, શંખેશ્વર, અમદાવાદ, વડનગર, માતર, વેજલપુર અને પાટણ). સુજોસાફોએ પુરવાર કરી આપ્યું છે કે ઑનેસ્ટી કે ઑનેસ્ટી ઑફ પર્પઝ હોય, દાનત સાફ હોય, તો વાત બને છે. ભલેને સંગઠન સાવ જ અનૌપચારિક કેમ નથી! શિબિરોમાં નવા ને નીવડેલા તમામ સ્તરના વાર્તાકારોને પ્રવેશ હોય છે. ચિઠ્ઠીથી આવેલા ક્રમે વાર્તાકાર વાર્તા રજૂ કરે ત્યારે બાકીના વાર્તાકારો શ્રોતા હોય. પછી એ જ મિત્રો પેલાની વાર્તાની ભરપૂર ચર્ચા કરે. વચ્ચે કોઈ નહીં. જરૂરી નથી કે સુરેશ જોષીની જેમ ‘ઘટનાતત્તવનો હ્રાસ’ કરે એને જ પ્રવેશ! એમ હરગિજ નહીં! ખરેખર તો એને એ ડહાપણ સંપડાવાય છે કે તું તારા જેવો જ રહે ને તારી આગવી સૃષ્ટિ ઊભી કર. રચના આધુનિક હોય, દલિત કે નારીવાદી તત્ત્વોને વરેલી હોય, નગરજીવનને ઊંડાણમાં લેતી હોય કે ગ્રામજીવનને, સુજોસાફોમાં આવકાર્ય હોય છે. એટલું કે એ વાર્તા હોવી જોઈએ. ને જો નથી તો કેમ નથી એનું જ્ઞાન મેળવવું, એ માટે રચનાને જ કેન્દ્રમાં રાખવી ને એ પ્રકારે સૌએ કલાપદાર્થના સહભાગી થવું, બસ, એ સિવાયની કોઈ વાતમાં સુજોસાફોને ઇન્ટરેસ્ટ નથી. સુજોસાફોમાં કોઈ મોવડીગીરી કરતું નથી. કોઈને ચડાવનારું કોઈ છે નહીં તેથી એવો ડર નથી કે કોઈ મને ઉતારી પાડશે. શિબિરમાં સ્વખર્ચે જવું-આવવું; સ્વરચિત અને અપ્રકાશિત વાર્તા રજૂ કરવી; ચર્ચા વખતે વ્યક્તિને નહીં પણ તત્ત્વને વળગીને વાત કરવી; વગેરે પાયાની શિસ્ત સૌ જાળવે છે. શિબિરો સર્જનલક્ષી હોવાથી એમાં સિદ્ધાન્તો કરતાં કલાનાં મૂળતત્ત્વોને ઓળખવાની મથામણ વધારે હોય છે. મોટો આનન્દ તો એ વાતનો કે દરેક વાર્તાકારને બાકીના ૨૦ જેટલા વાર્તાકારો તરફથી તુરન્ત પ્રતિભાવ મળે છે. ૨૫ વર્ષ દરમ્યાન વાર્તાકારો વચ્ચે હતી તે મૈત્રી ગાઢથી પ્રગાઢ થઈ છે. નીવડેલા, નીવડી રહેલા કે નવોદિત ગણાતા વચ્ચે પ્રેમરસિત ઘરોબો બંધાયો છે. દરેકને એમ હોય છે કે ક્યારે શિબિર યોજાય, હું જઉં ને મારી વાર્તા રજૂ કરું. સુજોસાફોએ આમ, સાહિત્યભોગ અને સહભાગીતાની વાત માટે ઉપકારક સેતુ બનાવાનું મહત્ કાર્ય કર્યું છે. સૌને એ વાતની તો પાકી ખબર પડી છે કે વાર્તાને નામે શું શું ન લખાય —વ્હૉટ નૉટ ટુ ડુ— એટલે કે સાચકલા કલાકારોમાં પ્રવર્તતી બેઝિક અન્ડરસ્ટૅન્ડિન્ગ…

= = =