સુમન શાહની વાર્તાસૃષ્ટિ/પ્રેમતત્ત્વની ઉદ્દભાવના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રેમતત્ત્વની ઉદ્દભાવના


સર્જનનો અનુભવ અનવદ્ય છે. એને સ્થૂળ ગણો કે સૂક્ષ્મ, કશું હાથ નહીં આવે. સર્જનની સામગ્રીને જરૂર સ્થૂળ ક્હૅવાય. કથાસાહિત્યની, ખાસ એવી છે. ટૂંકીવાર્તાની તુલનાએ નવલકથાની, સવિશેષ એવી છે. કેમકે તેમાં જીવનવાસ્તવની પ્રત્યક્ષતા કે સ્પર્શક્ષમતા –પાલ્પેબિલિટી– પ્રમાણમાં વધારે હોય છે.

મારી વાર્તાસૃષ્ટિમાં કેન્દ્રસ્થ સામગ્રી પ્રેમ છે. મારી લગભગ બધી વાર્તાઓ પ્રેમતત્ત્વની ઉદ્ભાવનાઓ છે. આ પ્રેમ નામની સામગ્રી લાક્ષણિક છે.  એ માત્ર પ્રત્યક્ષ નથી, પરોક્ષ પણ છે. એની દરેક ગૂંચ જેટલી અટપટી છે તેટલી જ સરળ પણ છે. એ મળે તો તરત ખબર પડે છે, ન મળે કે તરત વધારે ખબર પડે છે. એની મીમાંસાઓ થયા કરવાની; હકીકતે એ, મીમાંસાથી પર છે. પ્રેમ અનન્ત છે એવો જ સ–અન્ત પણ છે.

એટલે દરેક વાર્તા–ઉદ્ભાવનાએ મને એમ સમજાયું છે કે મારી સામગ્રી સીધી–સૂતરી નથી. કથા લખીને હું શી રીતે એને બીજા લગી પ્હૉંચાડી શકવાનો છું? દરેક ઉદ્ભાવના એમ કહે છે કે તે માંડેલી પ્રેમવારતા પૂરી નથી થઈ. અને હા, થશે પણ નહીં. મને હંફાવ્યા કરશે. મારી સર્જક–હઠને વધુ ને વધુ હઠીલી બનાવશે. એમ હાંફવું અને હાંફ્યા કરવું મને ગમે છે. ૧૯૫૮–૫૯માં પહેલી વાર્તા લખી ત્યારે તેમાં પ્રેમ–સામગ્રીની પ્રત્યક્ષતા વધુ હતી. પછી ક્રમે ક્રમે એનાં અ-પ્રત્યક્ષ રૂપો વધારે ને વધારે સામે આવતાં ચાલ્યાં. એ રૂપાવલી પાછળ સતત રમવા–ભમવાનું બન્યું છે –આજે ૨૦૦૯માં (અને ૨૦૨૧-માં પણ) લખાતી વાર્તામાં પણ એ ચાલુ છે.

૫૦ ( હવે ૬૦) વર્ષનો લેખન–અનુભવ આમ તો, શું પ્રેમ, કે શું તેની વાર્તા, એકેયને માટે મામૂલી ગણાય. જોકે એ મામૂલી મૂડીને જીવનની હું મૉંઘામાં મૉંઘી જણસ ગણું છું. એ ખોવાઈ જાય, ચોરાઈ જાય કે વિલાઈ જાય તે મને પાલવે નહીં. એ લઈને જીવું છું, એ લઈને જઇશ…

વાર્તા લખવાને ‘મૂળભૂત રીતે’ હું કશું ધારી શકતો નથી. મારી એવી મૂળભૂત–તા છે. મારી વાર્તા કશી પણ ચીજ જોડેના ઇન્દ્રિય–પ્રત્યક્ષથી શરૂ થઈ જાય છે. જુદી જુદી વાર્તાઓ માટેના જુદા જુદા ધક્કા ક્યાંથી વાગ્યા તે મૅં ‘ફટફટિયું’ સંગ્રહના ‘અનુવચન’-માં વીગતે જણાવ્યું છે. અગાઉની વાર્તાઓ માટે પણ આવાં સામાન્ય કારણો જ હતાં: મુકુન્દ-મનોરમા કૉમ્પલેક્સના એ થર્ડ ફલોરની બાલ્કનીના હીંચકે ઝૂલ્યા કરવાથી ‘ઉચ્ચણ્ડ સફેદ કેરીઓ’ લખાઈ હતી. તો, ‘ટૉમેન’ કટોકટીકાળના બોડેલી–નિવાસ દરમ્યાનના અજમ્પાઓથી લખાઈ હતી. ‘પીળાં વૅન્ટીલેટર્સ’ કપડવણજના એ ભાડૂતી મકાનનાં જ વેન્ટીલેટર્સ –જોકે, રંગ વગરનાં હતાં. આ બધા ધક્કાઓથી અ–સામાન્ય વાર્તાસંયોજનો રચાયાં હતાં અને દરેકમાં પછી ધક્કો ને સંયોજન એકાકારે રૂપાન્તરિત હતાં…

મને દિલ્હીમાં ઍવૉર્ડ અપાયો તે પ્રસંગે આપેલી અંગ્રેજી સ્પીચમાં મૅં એવા મતલબની ચોખવટ કરી છે કે –સામગ્રી અને વિષય–વસ્તુઓના અખૂટ ભંડાર રૂપે વિશ્વને હું સલામ કરું છું, પણ તેમાંના એક્કેયની નકલ બેશક નથી કરી શકતો. જગતથી મને સિગ્નલ્સ મળે તેથી ખુશ છું, સારી વાત છે, પરન્તુ વાર્તાની કથનકલાના અનુલક્ષમાં હું એને આગળનું કામ –ફર્ધર ફન્કશન– નથી સૉંપી શકતો. રેડીમેડ બનાવો મને લલચાવી શકતા નથી અને તેમને શબ્દોમાં અનુવાદી આપવાની મારી કશી રેડીનેસ પણ નથી. હું જીવનની પાશવી હકીકતોથી બીધેલો એક અ–શાન્ત માણસ છું. એટલે પછી લેખક તરીકેની મારી ભૂમિકા એટલી જ બાકી રહે છે કે મારે એક આભાસી સત્ભર્યું –વર્ચ્યુઅલ– સંતુલન સરજી આપવું: એક એવી નૅરેટિવ ફ્રેમ, એક નાનું શું કમઠાણ, જેમાં આશ્વાસક સાહિત્યકલા ઉદ્ભવી હોય. આ સંદર્ભમાં મૅં અનુરોધ કરેલો અને કરું પણ છું કે ‘જામફળિયામાં છોકરી’ અને ‘વર્ચ્યુઅ્લિ રીયલ સૂટકેસ’-ને આ પરત્વે વધારે ધ્યાન આપીને જોવાય…

‘મૂળભૂત રીતે’ હું પાત્રોને પણ ધારી નથી શકતો. તેઓ મને વાર્તા જેમ જેમ લખાતી જાય તેમ તેમ મળે છે. એટલે પછી વાર્તા, મને પૂછીને નહીં પણ એમને પૂછીને વિકસે છે. ‘ટોયટો’ લખાઈ ત્યારે ખબર ન્હૉતી કે જૅન્તી–હંસા દમ્પતીને લઈને હું તેમના જીવનની સિમ્ફની રચીશ. એ જ દમ્પતી હાલ મને કશું હું–હુંથી ઇતર વિશ્વ કશી સીનિયર સિમ્ફની ઊભી કરવાને પ્રેરી રહ્યાં છે. ‘દોરડું લઈને કૂવામાં’ ‘સૉલિડ સેતુ’, ‘કલમખુશ’, ‘એક લાંબા ગાળાની વારતા’, ‘ડૉક્યુમેન્ટરી’, ‘બગાડ’ રચનાઓ એવી પાત્રપ્રેરણાથી છે. ‘ઇ.ઇ.ડબલ્યુ’ના એ ટ્રેન–કમ્પાર્ટમૅન્ટમાં નાયક શંકરને પેટીનું ઉશિકું કરી સૂતેલો અજાણ્યો હિન્દીભાષી જણ ભળાય છે ને રચના પોતાના કેન્દ્રમાં ઊંડે ઊતરતી થાય છે. ‘ટુ થાઉઝન્ડ ટ્વૅન્ટી (૨૦૨૦) લગી’–નો કમ્પ્યૂવિઝર્ડ ચન્દ્રહાસ દવે મને મોટો બૌદ્ધિક ભાસતો હતો. ધીમે ધીમે ખબર પડી કે ના, એ એમ નથી, બલકે કાયર પામર છે. સિમેન્ટ’-માં નાયક એના નિત્યના વૉકિન્ગ ટ્રૅકવાળા અરણ્યકુંજ સ્થળે પ્હૉંચે છે પછી એનું ચરિત્ર મને વધારે સમજાવા લાગે છે. એથી વધારે ત્યારે સમજાય છે, વાર્તામાં એની પેલી ભૂખરી નામની યુવતી ભળે છે. ‘લૅમન–ટી અને બિસ્કુટ’-માં ‘તમે ક્યારના કોઠીઓ ને કૂવા ને એવું બધું શું ય કીધા કરો છો’ –કરીને બસમાંની એ ડોસી ટપકી પડે છે ત્યારે આખો ઉઘાડ બદલાઊ જાય છે. એ ડોસી, ‘વર્ચ્યુઅલિ રીયલ સૂટકેસ’-નો શામલાલ, ‘ફટફટિયું’-નો મહેશ, ‘સિમેન્ટ’-ની ભૂખરી આમ જ મળી આવેલાં છે. આ બધાંમાં, મને એટલે સુમન શાહને નહીં, એનામાંના વાર્તાકારને.

ટૂંકીવાર્તાસર્જનથી ઉત્તરોત્તર મને સંવાદતત્ત્વનું મહત્ત્વ વધારે વસ્યું છે. સંવાદથી ભૂતકાળને વર્તમાનમાં વળોટીને ભવિષ્ય તરફ ધપી શકાય છે. એથી રઢિયાળ કથનથી મુક્ત થઈને વાર્તા આપોઆપ આળેખાવા માંડે છે. બધું બનતું જોઈ શકાય છે. વાર્તામાં ઘટે તે ઘટના–નામના સત્યનો પરચો મળવા લાગે છે. છેલ્લે લખાવા માંડેલી ‘જૅન્તી–હંસા સીનિયર સિમ્ફની’ જૂથની રચનાઓમાં સંવાદની આ ઉપકારકતા સ્વયંસ્પષ્ટ છે. જોકે સાવ છેલ્લે લખાયેલી ‘નેચરલ સુગરની સ્વીટ’ ખાસ્સા સંવાદો પર ઊભેલી છે. પાત્રનો એની વાણી જોડેનો સમ્બન્ધ એના મનોવિશ્વનો તેમ એની વર્તણૂંકનો વાચક હોય છે. પાત્રાલેખન કશી ઘરેડિયા લખાવટ નથી કે જણને માથે ફૅંટો બંધાવી દો ને લાડીને ચુંદડિયાળો સાળુ પ્હૅરાવી દો, એટલે પતી જાય.

વાર્તાલેખનથી મારી જીવન વિશેની સમજ ચોખ્ખી થતી રહી છે. માણસને વધુ ને વધુ સહાનુભૂતિથી જોવાનું ચાલુ થયું છે. એ હઠ ઑગળવા લાગી છે કે એ મારા જેવો કેમ નથી થતો.. એની અંગત વાસ્તવિક્તામાં પ્રવેશવાનું હવે વધારે ગમે છે. જે જેવું છે તેવું સ્વીકારવું પહેલું જરૂરી જણાય છે. એવા સ્વીકાર પછી જ કશું પણ સુધરી શકે. આ વલણને લીધે આપણા નબળા સાહિત્યસંદર્ભને પણ, એ આપણી વાસ્તવિકતા છે નામના મનોભાવથી ઓળખતો થયો છું. એટલે સમુદાર કે લસરી જતો ભાસું છું તેની મને ફૉમ છે. સાહિત્યમાં મને શત્રુ લેખતા હોય કે જેમને હું એમ લેખતો હોઉં એ બંનેને વિશે ક્ષમાર્થી થવાનું હવે વધારે ગમે છે. અમિત્ર થઈ ગયેલાને ફરીથી ભેટવાનું કે નમિત્રને મિત્ર બનાવવાનું માનસ પહેલાં ન્હૉતું, હવે છે.

જે પ્રેમ–તત્ત્વની મૅં વારતા માંડી છે તેમાં જ જીવનશ્રદ્ધા સ્થિર થઈ છે. એ શક્તિ છે અને એ વડે જીવનને અર્થ આપી શકાય છે. જોકે આ વિચારને બીજી બાજુ પણ છે: પ્રેમ છેતરામણી વસ્તુ છે. નિરાશ છોડી જાય છે. આ બીજી બાજુ વધારે ને વધારે ધ્યાનમાં આવ્યા કરે છે. નર–નારી દીસે યુગલ પણ હોય વિલગ. પ્રેમ, જોડે જ જોડે પણ તોડે પણ. એથી રચાતાં અન્તરો દોહ્યલાં હોય છે. આવા કોઈ ભાવ–સંવેદનને ‘એ જરાક જેટલું છેટું’ રચનામાં આકારી શકાયું છે. એ મારી મહત્ત્વાકાંક્ષી વાર્તા છે. કેમકે મૅં એમાં ટૂંકીવાર્તાકલાને માટેનાં લગભગ બધાં જ સાધનો–પ્રસાધનો વાપર્યાં છે. એ લાંબી લાગે તે પ્રશ્ન મારો નથી. એ રમ્ય હોઈને રમતા કરી શકે છે એવો મારો દાવો છે. સામાવાળાની પણ તૈયારી હોવી જોઈએ…

વાર્તા લખતાં મળતો આનન્દ એકદમ નિજી વસ્તુ છે. વર્ણન ન થઈ શકે. જે રીતે જાતીય–ભોગના દરેક પ્રસંગે આનન્દ જુદો હોય છે, તેવું જ વાર્તાલેખન બાબતે સમજો. દરેક રચનાએ જુદો જ આનન્દ. જુદો એટલે વત્તો કે ઓછો કે બરાબર –જે સમજવું હોય એ. ક્યારેક એ ન પણ હોય. વાર્તા લખાઈ ગઈ હોય એ દિવસે જીવન આખું સંવાદી તાલમાં ઝૂમતું લાગે. સંસાર જરાય ખારો કે અસાર ન લાગે. કપડાં, વાળ, ચ્હૅરો બધાંમાં ઝીણો થનગનાટ હોય. સામાને ખબર ન પડે. એને એમ પણ ન સમજાય કે આપણે એને શા માટે એકાએક જ ગમતા થઈ ગયા હોઈએ.

લેખન દરમ્યાન કશો પરિતાપ નથી હોતો. સર્જન તો જાત–જધામણ છે –સૌરાષ્ટ્રી અર્થમાં પણ. મીઠું દુઃખ. પ્રસૂતાની પીડા. પીડા ખરી પણ નિકટવર્તી સુખદાયક ભાવિથી લિપ્ત, રસબસ. હા, જેની જોડે નથી ફાવી શક્યું એવી છ–સાત વાર્તાઓ અધૂરી પડી છે, અણમાનીતી ને રીસાયેલી. એને જોતાં તાવ ચડે ખરો.

સર્જન મનુષ્યજીવનની પણ મોટામાં મોટી કસોટી છે. દરેક વાર્તાએ મને કસોટીએ ચડાવ્યો છે. બહાર બનેલા રેડીમેડની તો મને કશી મદદ જ નહીં. સસ્તો પ્લૉટ ઊભો કરીને ય મારે આખું પાર પાડવું ન હોય. પ્લૉટની તદબીર જેવી પ્લાસ્ટિસિટીની મને ચીડ છે. સામાને છેતરવાનું થાય, વળી, જાતને પણ. થાય કે હેતુ સાધવાને પૅંતરો કર્યો. મારે લેખક તરીકે જીવન અને અંદરના જી–વ–ન જોડે ર્હૅવું હોય છે. ‘ગાબડું’ જેવી રચનાનો કથાપટ એકદમ જ જીવનસમાન્તર લાગશે. ‘ફટફટિયું’-માં કથા અને નાટક ભેગાં રહી શકે એવો પ્લૉટ જરૂર છે છતાં આખેઆખું સંભવિત છે –એની પૂરેપૂરી ઝીરો ડીગ્રીએ. એ છે એવું, સાવ જ બનવાજોગ છે.

સાહિત્ય સઘળું ભાષા છે. ભાષાને એક માત્ર સંગીન સાધન રૂપે મૅં પિછાણેલી છે. છતાં, કદાચ એવી પિછાણને લીધે જ મને એની અછતો અને કમજોરીઓ દેખાતી રહી છે. લખવું છે એટલે એના નિયમો તો પાળું જ છું. છતાં જીવન આગળ ભાષા મને સીધીસાદી વ્યવસ્થાથી વિશેષ નથી લાગતી. કાગળ પર ડાબેથી જમણે લખાયે જાય છે. વ્યાકરણ બધું સીધું કરી નાખે છે. વિદ્વાનો ફૅક્ટને પ્લેજિયારાઇઝ્ડ લેખે છે. હું વાક્યને એમ ગણું છું. એટલે કંઈ કેટલાય વખતથી ભાષાને નહીં પણ અસ્તિત્વને વશ વર્તવામાં માનવા લાગ્યો છું. ભાષાનાં નહીં, અસ્તિત્વનાં પર્સ્યુએશન્સ. મારામાંની સર્જકતાને કહું છું, એને તાબે થા. એ અનુસરણો બહુ દોહ્યલાં છે. એ માર્ગ સાદા, સંયુક્ત કે સંકુલ વાક્ય જેવો પદ્ધતિપુઃસરનો નથી. એ તો સતત ફંટાતો ર્હૅતો, વારે વારે અવરૂદ્ધ થઈ જતો દખલપંચક માર્ગ છે. સર્જકો એ માર્ગના પ્રવાસી હોય. કસોટી બાબતે ઝાઝું ન બોલવું એ જ હિતકારી છે.

કારકિર્દીનાં આ ૫૦ વર્ષ (હવે ૬૦) દરમ્યાન મૅં કેટલાંયની કેટલીયે વાર્તાઓ કેટલા બધા ધ્યાનથી વાંચી છે. કેટલીયને વિશે લખ્યું છે. સાહિત્ય–કલા જેવી રહસ્યમય બનાવટ એકે ય નથી. એને ખાલી બનાવટમાં સરી પડતી જોઈ છે. હૃદયંગમ ચિત્રતુરગ તુરગ રહી ગયો હોય, ચિત્ર પ્રભવ્યું જ ન હોય. તો વળી, તુરગ છટકી ભાગ્યો હોય, ચિત્ર ઠૂંઠા જેવું ઊભું રહી ગયું હોય. હૃદયંગમ તો અધ્ધર! ધ્યાનથી વંચાય, તો, બધી ખબર પડે. મારી વાર્તાઓને એવો લાભ બહુ ઓછો મળ્યો છે. એનો વસવસો છે. જોકે વાંચવાની શરતનું જ ખપે છે. મને ચિત્ર અને તુરગ, મને કલા અને જીવન એવાં જોડકાં મંજૂર નથી. મારે તો એ નટદોર પર ચાલવું છે જે પર મોજથી ચલાય અને સાથોસાથ એ બંનેને પણ એટલી જ તકેદારીથી જોવાય.

સાહિત્ય–કલામાત્ર, ખેલ છે, એટલે એને જોનારા–ભાળનારા તો હોવાના જ. ખેલ ટૂંકીવાર્તાનો મંડાયો હોય ત્યારે જાતભાતના લોકો ટોળે વળ્યા હોય છે : મજા નથી પડતી; શું છે આ બધું? –ક્હૅનારા બેતમા વાચકો. આપવડાઇ વિનાની એકેય ગરજ વગરના વિવેચકો ક્હેવાના -આ તો ભઇ દુર્બોધ છે; બધું છે પણ વાર્તા નથી બનતી; વાર્તા બની છે પણ કલા નથી બની. એવાઓને હું જાણી–કરીને મારી ‘લૅમન–ટી અને બિસ્કુટ’ વાંચવાની ભલામણ કરું. એટલા માટે કે કાં તો એમના અભિપ્રાયો દૃઢ થાય અથવા આછાપાછા થઈ ખરવા માંડે. ટોળામાં થોડા એવા ઊભા હોય છે જે ક્હૅવાના આ લેખક આપણો નથી, પ્રતિબદ્ધ નથી; એનામાં નારી કે દલિત તત્ત્વો વિશેનું કંઈ છે જ નહીં. મૅં ‘ખંજર’ લખી ત્યારે મને એવો વહેમ થઈ આવેલો કે એ નારીવાદી નમૂનો ગણાશે. એમાં બળાત્કારીના શિશ્નોચ્છેદનો અતિ જલદ ઇલાજ ચિહ્નિત કરાયો છે. પણ બધાં, ખંજરને જોયા કરવામાંથી જ ઊંચાં ના આવ્યાં! નારીવાદી સમ્પાદકોએ ડોકિયું પણ ન કર્યું. પેલી છાપથી જ ચાલ્યા, કે આ તો પેલા આધુનિકતાવાળા…

આપણને આજકાલ કદાચ એટલું બધું ઉઘાડું અને સરળ ખપવા માંડ્યું છે જેને જગતના શાણા માણસો સાહિત્યપદાર્થ નથી ક્હૅતા. મારું એવું માનવું થયું છે કે લેખકે સામાને વિશે સર્વજ્ઞ હોવાનો દાવો છોડી દેવો જોઈએ. નહિતર, ટૂંકજીવી લેખનો સંભવશે ને જ્ઞાનનો કલાગત મામલો તો ઊભો ને ઊભો જ ર્હૅશે. એ કશું જાણતો નથી એવો અ–જ્ઞ બની જાય, તો મને લાગે છે, સર્જનલાભ વધારે છે. આપણી વસ્તીમાં સર્વજ્ઞો અને તેમને જણાવનારા સુજ્ઞો વધારે છે. ત્યાં અ–જ્ઞોનું હોવું હમણાં તો ઢંકાયેલું ર્હૅવાનું…

અમદાવાદ, ઑક્ટોબર ૧૩, ૨૦૧૦
(‘શબ્દસૃષ્ટિ’, ઑક્ટોબર–નવેમ્બર, ૨૦૦૯માં પૂર્વ–પ્રકાશિત)