સુમન શાહની વાર્તાસૃષ્ટિ/મનીષ ફરીથી નૉર્થ ટ્રેઈલ પાર્કમાં
મનીષને શિકાગો ઍરપોર્ટ પર એની બેના સોમા અને જૉનાથન રીસિવ કરવા આવેલાં. સાથે નાની બેબી હતી: ડીયર રૉક્સિ, સે ગુડ મૉર્નિન્ગ ટુ અન્કલ: રૉક્સિને ફાવ્યું નહીં કે શું, બોલી નહીં: મનીષ, એને આફ્રિકન સ્વાહિલી આવડે છે, અંગ્રેજી હજી મારી પાસે શીખી રહી છે: ત્યાં તો રૉક્સિ જરા રાગમાં બોલી: ગુડ મૉર્નિન્ગ, અન્કલ: એના વિન્ટર કોટનો કૉલર ગાલે અડી રહેલો. ખસેડીને મનીષે બચ્ચી કરી ને ભેટ્યો. મનીષે જીન્સ પર ગ્રે ઝભ્ભો બ્લૅક જાકિટ ને માથે સિમલા-કૅપ ચડાવેલી. જૉનાથન ખાખી પૅન્ટમાં હતો. એના ઑરેન્જ ટીશર્ટથી ચુસ્ત છાતી ને ખભા નજરે ચડતા’તા. ઊંચો હતો. એના લી કૂપરના વિન્ટર બૂટ્સ પર ડાઘા દેખાતા’તા. એણે મનીષને કહ્યું -આયૅમ જૉનાથન અડિસા, વૅલકમ; યુ લૂક ગ્રેટ: એણે શેકહૅન્ડ માટે હાથ ધર્યો. બન્ને એકમેકને જોઇ રહેલા. મનીષે હાથ ન મિલાવ્યા. મન વગરનું સ્માઈલ આપ્યું. જૉનાથને હાથ પાછો લઈ લીધો. કાર ગરાજમાં દાખલ થઈ. બધાં ઊતર્યાં. ત્યાં, આવું છું કરતોક મનીષ ઝટપટ ચાલવા માંડ્યો: ક્યાં જાય છે?: નૉર્થ ટ્રેઈલ પાર્ક: પણ નાસ્તાપાણી તો કરતો જા: આવીને -બોલતો મનીષ મોટી મોટી ફલાંગો ભરતો એના દિલોજાન પાર્કમાં જઈ પ્હૉંચ્યો.
પાર્કમાં જાન્યુઆરીના વિન્ટરી પવનના ભૂરા સૂસવાટા જોશમાં ચાલુ હતા. ટ્રૅકની બન્ને બાજુના લૉન-એરિયાઝમાં સ્નોના પથારા જામેલા. આગળના દિવસોમાં ખૂબ સ્નો વરસેલો. સૂકાં કાળાં વૃક્ષોની ડાળીઓ સ્નોથી ઊજળી લાગતી’તી પણ ભારથી ઝૂકી ગયેલી. એક-બે પક્ષી ખોરાકની શોધમાં કૂદતાંકૂદતાં જ્યાંત્યાં ચાંચો મારતાં’તાં. મનીષે એક લૂપ દોડીને અને બીજી, ચાલતાં ચાલતાં પૂરી કરી. શેડ પાસે ઊભો રહ્યો. ચોપાસ નજર કરી. ઊંડો શ્વાસ લીધો. પાર્કને એણે હૃદયમાં ફરીથી જીવતો કરી લીધો. દોડતાં દોડતાં મનમાં બોલતો’તો -રૅજાઈના, હું ફરીથી યુઍસ આવી ગયો છું…તું ક્યાં છું…ક્યારે આવીશ…બર્લિનમાં તને બહુ શોધી…મોબાઇલ તારો મૂંગો કેમ છે…
પાર્કમાં બીજાં વૉકર્સ ઉમેરાયેલાં. એમને મનીષની નજર ઝડપમાં હટાવતી’તી ને કોઇ કોઇ વૉકર-છોકરીમાં અટવાઈને પાછી ફરતી’તી. પૉન્ડ ઠરીને આઈસ થઇ ગયેલું. ફિશિન્ગ માટેનો રૉડ લઇને કિનારે એક અમેરિકન પૉન્ડ ઑગળવાની મૂરખામીભરી આશામાં બેઠો’તો…રૅજાઇના, હું બર્લિન તને લેવા આવેલો…તું ન્હૉતી…ક્યાં છું…તું ક્યાં છું રૅજાઈના -એ એમ એકદમ મોટેથી બોલ્યો. એટલામાં પાર્કના કોતરમાંથી એક બદામી સસલું દોડી આવ્યું. મનીષે એને પકડી જ લીધું: તને ખબર છે, રૅજાઈના ક્યાં છે?: પકડમાં સસલું અસહાય નજરે એને જોઇ રહેલું. મનીષે છોડી દીધું. આકાશ જોતાં એને થયું, ટૅરિટોરિયલ બ્લૅક બર્ડ્સ દેખાતાં નથી પણ લપાઇને ક્યાંક બેઠાં જ હશે -સાલાં હરામી. મનીષ પાર્કનો એ બ્રિજ ઊતરી ગયો. એને ટૅરરિસ્ટોનો આખો રંજાડ યાદ આવી ગયો. ટુ-ટાઉઝણ્ડ-એઇટના બૉમ્બે-ઍટેક્સમાં પત્ની રેખાની હત્યા થયેલી. જીવનની એ ગોઝારી ઘટના હતી. એના ભાર નીચે એ નર્યા દુ:ખને જીવતો’તો.
બરોડા રોઝરી સ્કૂલ, ત્યારે ૧૭ની રેખા -મધુરતા ફોરમતી કુમળી કળી. ૧૯નો પોતે -હૉંશથી ધમધમતો, શુંયે હતો. ઍફવાય ઍસવાય ટીવાય ને ઍમે દરમ્યાનનાં ભરપૂર પ્રેમથી લથબથ વર્ષો. રૅજાઈના મળી ત્યારે રેખાની કૉપિકેટ લાગેલી. ગમેલું પ..ણ નહીં ગમેલું. એટલી જ નાજુક, એટલી જ નમણી. રેખાનો રીબર્થ લાગેલી. ના ના. રેખા રેખા હતી, રૅજાઈના રૅજાઈના છે. હા પણ, છે ક્યાં…મનીષ શેડ નીચે ચાલી ગયો. રેખાની વાતે ગયા અઠવાડિયે મુમ્બઇ ગયેલો, તો જાણવા મળેલું કે રેખાનું એ મૉત ન્હૉતું, ગલીચ હત્યા હતી. ટેરરિસ્ટ બદઈરાદાથી એને ઉઠાવીને નરીમાન હાઉસના ખૂણામાં લઇ ગયેલો. સાડી ખૅંચી પાડેલી, વીંટો કરી ફૅંકીને બ્લાઉઝ ફાડી નાખેલું. રેખા માનતી ન્હૉતી, એણે પેલાના કાંડે જોરથી બચકું ભરેલું. જડથાએ રીવૉલ્વર રેખાના મૉંમાં ખોસીને ગોળી મારેલી…
મનીષને થયું, ઘરે નથી જવું, આ બૅન્ચ પર ઊંઘી જઉં. ભૂલવું છે રેખા વિશે જે આ નવું જાણ્યું. ઊંઘમાં રૅજાઇના આવશે. મને નૉર્થ ટ્રેઈલ પાર્કનું નેચરલ ઍમ્બિયન્સ ઉંઘાડી દેશે…મહિનાઓથી કલ્પેલું રૅજાઈના સાથેનું એ રસીલું સપનું પણ આવશે…એ બૅન્ચ પર સૂવા માટે ઢળ્યો, પણ અટકી ગયો -ના, ઘરે જઉં, જૉનાથનને મળું, ખબર પડે કે બેનાની જિન્દગીમાં એ કલ્લુ છે શું…એની જોડે બેના લિવ-ઇન થઇને જીવે છે…વૅરિ બૅડ…પૉન્ડ આઇસ્ડ્ છે એટલે બેના જેને શ્યામ હંસ-હંસિની કહે છે એ ગૂઝ પક્ષીઓ પણ નથી દેખાતાં. આકાશ એ જ છે ચંદરવા જેવું, હથેળીમાં ઝીલી લેવાય એટલું નીચું, ઝળુંબતું…
વગેરે વિચારો લઇને મનીષ ઘરે ગયો. જોયું કે બૅકયાર્ડમાં જોનાથન અદૂકડો બેસીને ડૅફોડિલ્સની ક્યારી સાફ કરી રહ્યો છે. નકામું ઘાસ ખૅંચી ખૅંચીને બાસ્કેટમાં ફગાવતો’તો. જાંઘિયામાં હતો. મનીષ નજીક પ્હૉંચ્યો ને એના જેવું જ બેસીને બોલ્યો: હાઉ ડુ યુ ડુ, જૉન્ન?: આયૅમ ફાઇન…બઅટ..નૉટ સો ફાઇન: વ્હાય?: જૉનાથન અદૂકડેથી સરખો થઇ ગયો: સમ્ટાઈમ્સ મિસિન્ગ માય હોમલૅન્ડ તાન્ઝાનિયા, આયૅમ આફ્રિકન-અમેરિકન: ટાંટિયા લંબાવી જાતભાતનું બોલવા માંડેલો. એની ઉઘાડી જાંઘો પર કાળા વાળની રિન્ગો હતી. એની હથેળીઓ અને આંગળાં જાડાં ને નખ જાણે લાકડાનાં હતાં…એના વાંકળિયા વાળ મૅલા હતા. બેના આની જોડે!…હાઉ રબીશ!…મનીષ ઊભો થઇ ગયો. જૉનાથનના ક્હૅવાનો સાર એ હતો કે હિલારી એને છોડી ગઈ પછી પોતે બરબાદ થઇ ગયેલો ને અગેઇન સિન્ગલ થઇ ગયેલો: વ્હાય અગેઇન સિન્ગલ? -મનીષે પૂછેલું: બીકૉઝ, લિન્ડા, ધ ફર્સ્ટ, હૅડ લૅફ્ટ મી ફૉર એવર…બટ આઇ લાઈક યૉર સિસ્ટર: એ જરા ખંચકાઈને બોલેલો: શી ઇઝ વન્ડરફુલિ બ્યુટિફુલ: મનીષે કહેલું: મીન્સ, રૉક્સિ ઈઝ નૉટ યૉર્સ: યય્યા, યસ, નો; શી ઈઝ બાય લિન્ડા: મનીષે પૂછેલું -વ્હૅર આર્યુ વર્કિન્ગ ઍટ?: ઍટ હૅમિન્ગ્વે: વ્હૉઑટ?: ઍટ હૅમિન્ગ્વે બર્થપ્લેસ મ્યુઝિયમ; ઓક પાર્ક ઍવન્યૂ, ઈલિનૉય સ્ટેટ: જૉનાથન આખું ઍડ્રેસ બોલી ગયો: આયૅમ ક્યુરેટર્’સ સૅકન્ડ આસિસ્ટન્ટ. ઇટ્સ સો કલૉઝ્ડ ટુ અસ, ટુ અવર્સ ડ્રાઈવ. વૂડ વી ગાય્ઝ લાઇક ટુ ગો ગ્રેટ હૅમિન્ગ્વે?: નો, સૉરિ, આયૅમ નૉટ ઈન્ટરેસ્ટેડ ઈન યૉર હૅમિન્ગ્વે: મનીષ બબડ્યો -સાલો મને પટાવે છે, કશું મિસ નથી કરતો અને ખાસ્સો ફાઇન તો છે.
તે રાતે ને આજના દિવસની બપોર લગી મનીષ ખૂબ ઊંઘ્યો. જેટલૅગની એ લાંબી સ્લીપમાં એને રૅજાઈના સાથેનું રસીલું સપનું આવ્યું જ હશે. કેમકે પાર્કમાં આજે મસ્તીથી ચાલતો’તો. એને ખબર ન પડી કે ક્યારે બે લૂપ પૂરી થઈ ગઇ. શેડની એ જ બૅન્ચ પર બેઠો, જ્યાં પહેલી વાર બેસીને બન્નેએ ખૂબ વાતો કરેલી. પહેલાં તો, એકબીજાંને એકમેકનાં નામઠામ જણાવેલાં. રૅજાઈનાએ કહેલું, પોતે જર્મનીથી ભણવા આવેલી. પછી રહી પડી. હવે સિટીઝન છે, જર્મન-અમેરિકન. પણ પછી, બન્નેને કશું બોલવાનું સૂઝતું ન્હૉતું. મનીષથી વારે વારે રૅજાઈનાની આંખોમાં જોવાઈ જતું’તું ને સ્મિત સાથે પાંપણના પલકારા થઇ જતા’તા. એકાએક રૅજાઈના બોલી પડેલી -યુ આર ઈન્ડિયન બટ નૉટ ધૅટ ઈન્ડિયન. એ વાતે મનીષ મલકેલો. છૂટાં પડતાં રૅજાઈનાએ કહેલું -ધિસ વે આઈ ગો ટુ માય ઑફિસ; જસ્ટ ઑપોઝિટ ટુ મેઈન રોડ…
પછીનું મનીષનું આખું વીક તલસાટમાં વીતેલું -ક્યારે મળે, કે ક્યારે મળું. ફરી મળ્યાં એ દિવસ રેખાની ડેથ-ડેટ હતી. એ બેચેન હતો. વાત વાતમાં એણે રેખા અંગેનું બધું જ જણાવી દીધું. રેખાના હત્યારા પેલા ટૅરરિસ્ટ માટે ગુજરાતીમાં ગંદી ગાળ બોલેલો. રૅજાઈનાએ પૂછેલું -વ્હૉટ વ્હૉટ?: ઇટ્સા બૅડ વર્ડ: કૅનાઈ સ્પીક?: ટ્રાય: યુ હૅલ્પ મી: ઓકે: મનીષે ગાળ બોલી બતાવેલી. રૅજાઈનાએ જુસ્સો એવો જ કરેલો, પણ બોલતાં ફાવેલું નહીં. બન્ને હસી પડેલાં. રૅજાઈનાએ પછી તરત જણાવેલું કે બર્લિન-વૉલ તોડી પડાઈ ત્યારે એની મૉમની પણ ક્રૂર હત્યા થયેલી. મૉમ જ્યુ હતી. જર્મન સોલ્જરોએ ઉપરાછાપરી ત્રણ ગોળીઓ મારેલી. મનીષ એને દુ:ખભરી નજરે સાંભળી રહેલો. રૅજાઈના ચૂપ હતી. શેડની બૅન્ચોના પડછાયા જોતી’તી. મનીષ પાર્કની શાન્તિને વિચારતો’તો. કશું કારણ ન્હૉતું છતાં એકાએક રૅજાઈના મનીષની નજીક સરકેલી: આઈ ગૉટ ટુ ગો જર્મની, મનીષ: વ્હાય?: આઇ ડોન્ટ નો વ્હાય, ઓન્લિ આઇ ફીલ સો: મનીષે એની બન્ને હથેળીઓ ઝડપી લઇને પૂછેલું: વૉટ મેક્સ યુ સો ક્લોઝર ટુ મી?: આઈ ડોન્ટ નો; કાન્ટ ડીફાઈન: એણે -મે આઈ કિસ યુ પૂછેલું પણ જરાય રોકાયા વિના મનીષના બન્ને ગાલે ચુમ્બનો કરવા લાગેલી. એને ખબર નહીં પડેલી કે પોતે ક્યારે લિપ્સ-કિસ કરવા લાગેલી. છૂટાં પડતાં મનીષે પણ એના હોઠે ચુમ્બન કરેલું.
રાતે મનીષ અને બેના ફાયર-પ્લેસ પાસે બેઠાં છે. અમસ્તી વાતો ચાલે છે: બેના, હું પાંચ દિવસ છું -ફોર નાઈટ ઍન્ડ અ ડે: તું ભઇલા, નૉર્થ ટ્રેઈલ પાર્કને મળવા આવ્યો છું કે મને મોટીબેન સોમાને?: બન્નેને: ખોટી વાત: ખરી વાત એ છે, સોમાબેના, હું મને મળવા આવ્યો છું: એટલે?: બેના હું હવે અધ્ધર જીવું છું: તારી બેના બેઠી છે છતાં એવું ક્હૅ છે?: હું બેના, ગિલ્ટ ફીલ કરું છું: જો ભઇ, રેખાની હત્યા અતિ ક્રૂએલ હતી, અફરાતફરીમાં તું આઘે અટવાઇ ગયેલો, પણ એમાં તારો કોઇ ગુનો ન્હૉતો. અને રૅજાઈના જોડે તું ક્હૅ છે એમ તને લવ જો થઇ જ ગયો છે, તો એમાં પણ કયું ગિલ્ટ છે?: હા પણ મારી પાસે હવે નિસરણી નથી કે હું ઊંચે ચડી શકું. નથી મારી પાસે દાદર કે ઊંડે ઊતરી શકું: સમજી ગઇ, આગળ એમ બોલવાનો કે -મને વહી જાય એવું નથી મારી પાસે વાહન કે નથી કશું એવું -જે મને આકાશમાં ઉડાડે. અરે લલ્લુ, જો, મને છે, કશું ગિલ્ટ? જૉન્નને છે? જૉન્નને તો ખબર જ નથી કે ગિલ્ટ કઇ બલાનું નામ છે! મારી જેમ કે એની જેમ ખાઇ-પીને મજા કરને. ટીવી જો, કાફેમાં જઇને બેસ, મૉલમાં ઘૂમ્યા કર, મૂવી જોવા જા, કૉન્સર્ટમાં જા. કેટલાય રસ્તા ખુલ્લા છે! રૅજાઈના મળી એમ તને બીજી કોઇપણ મળી રહેશે. તું કેટલો હૅન્ડસમ છું. જોકે પેલી કૅપ ના પ્હૅરીશ, સિમલા-કૅપ, આપણે ક્યાં સિમલાવાસી છીએ: મનીષ કશો ઉથલો આપતો નથી. બબડે છે -આ બેનાનું ફેસ-સેવિન્ગ છે…જૂઠડી છે…જાતને બચાવવા મને ફોસલાવી રહી છે…લૅટ મી ચેન્જ ધ ટૉપિક…
એનું ધ્યાન ગયું કે બેના સાડી-બ્લાઉઝમાં નથી, અમેરિકન સ્ટાઈલમાં આવી ગઈ છે: બેના, આવો ચેન્જ કેમ?: બસ, એમ! ઍરપોર્ટ પર વિન્ટર જાકિટમાં હતી એટલે તને ખ્યાલ નહીં આવ્યો હોય. મારા આ મેક-ઓવરના માનમાં લાઈબ્રેરીવાળાંઓએ પાર્ટિ આપેલી. આને, કન્ટ્રોલ ફિટ લેગિન્ગ ક્હૅવાય: હા બરાબર, શરીરના આગળ-પાછળના બધા આકાર સ્પષ્ટ દેખાય છે ને!: કેવા છે?: બેના સ્ટાઈલમાં ઊભી રહીને હસતી’તી: એકદમ ઍટ્રેક્ટિવ, સારો કન્ટ્રોલ! ઉપર જે ઝૂલતું છે, એને શું ક્હૅવાય?: એ ઈન્ડિગો ત્યુનિક છે: આ અજાણી સુગન્ધ શેની છે?: પૉઈઝનની; ગભરાતો નહીં, પૉઈઝન પરફ્યુમ છે, તારી બેના કાચી નથી કે ઝૅર પી જાય: મને યાદ છે, કૉલેજમાં તું સોમા શાહ ઝૅરી બ્યુટિ ગણાતી’તી: હા, આજે પણ છું: બન્ને હસતાં’તાં: ત્યાં જૉનાથન આવી લાગ્યો: વ્હૉટ્સ ગોઇન્ગ ઑન ગાય્ઝ?: નથિન્ગ: ઑકે -બોલીને જૉનાથન એની ભાષામાં બબડતો બીજા રૂમમાં ચાલી ગયો: આ શું બોલ્યો?: મને મનીષ, એની સ્વાહિલી નથી સમજાતી પણ ચિડાઈ જાય ત્યારે હમણાં બોલ્યો એમ જ બોલતો હોય છે. ને પછી અહીંથી તહીં આંટા મારતો રહે છે…સાડીઓ ચણિયા બ્લાઉઝ, ઑલ ઈન્ડિયન કપડાં, સાલ્વેશન આર્મિમાં આપી આવી: હા એથી તને પુણ્ય તો મળશે જ, પ..ણ: પણ શું?: પણ જૉનાથન-: તને મનીષ, એનાથી શું તકલીફ છે?તમારા ઍફેર વિશે ઈમેઈલમાં તેં મને અછડતો ઈશારો કરેલો ત્યારથી જૉનાથન મને નથી ગમતો, નથી જ ગમતો: દરમ્યાન જૉનાથન પાછો આવ્યો, સાથે રૉક્સિ હતી: સમ્થિન્ગ અબાઉટ મી?: મનીષ મનમાં બોલ્યો -યય્યા, આઇ ડોન્ટ લાઇક યુ, ગૅટ લૉસ્ટ ફ્રૉમ હીયર- કહી જ દઉં: યય્યા! સમ્થિન્ગ અબાઉટ યુ: વ્હૉટ?: આઈ ડોન્ટ લાઇક યુ, વિલ્લ્યુ પ્લીઝ ગૅટ લૉસ્ટ ફ્રૉમ હીયર, ફ્રૉમ ધિસ હાઉસ: વ્હૉટ વ્હૉટ?: ગેટ લૉસ્ટ: વ્હાય?: બીકૉઝ આઇ સે: હુ આર યુ?: હર બ્રો, આઇ હેટ યુ. ધિસિઝ ઈન્ડિસન્ટ ટોટલિ ઇલ્લિગલ: મનીષ, તું શું બકે છે!: કાન્ટ સી યુ વિથ માય સિસ્ટર: મનીષ, તું ભાનમાં છું?…લિમિટ ક્રૉસ કરી રહ્યો છું: હા! તું એની સાથે જોડાઈ ગઈ છું એમાં કશીયે લિમિટ બચી છે ખરી? આખી વાત જ મને મંજૂર નથી -જરાપણ સારું નથી, ઇટિઝન્ટ સ્યુટ યુ: બટ ટુ મી, ઇટ ડઝ: જૉનાથન વાતને પામવા ફાંફાં મારતો’તો. અંગ્રેજી નહીં સમજતી ગભરાઇ ગયેલી રૉક્સિ જૉનાથનને હાથ ઝાલીને ખૅંચ્યા કરતી’તી. બેના એ બન્નેને અંદરના રૂમમાં લઇ ગઈ.
પણ તરત પાછી ફરી અને ધમકાવતાં બોલી: તને રૅજાઇના શી રીતે સ્યુટ કરે છે, ક્હૅ તો? અને તું કોણ છું મંજૂર-નામંજૂર કરનારો?: બરાબર એ વખતે બેનાએ હોઠમાં કંઇક સિગારેટ જેવું મૂકીને સળગાવ્યું: ગભરાઈશ નહીં, આ કૅનાબિસ છે, હલકી ભાંગની બીડી. ડ્હૉળાયેલું મગજ શાન્ત થઇ જાય છે, ને તને કહું મનીષ, ચિત્તમાં કશુંક કમળ ખીલી ઊઠે છે. તને આપું? એની તારે પણ જરૂર છે: મનીષ માટે આ સોમા બિલકુલ નવી હતી, સનકી લાગતી’તી, સમજાતી ન્હૉતી. એ એને ઘડીભર તાકી રહ્યો: બસ કર, મારું કમળ ખીલેલું છે: પણ ભઇલા, તું સમજી રાખ, મને ભાન છે કે જૉન્ન મારા માટે તદ્દન બરાબર છે -હી લવ્ઝ મી!: શેનો લવ, હી ઈઝ યુઝિન્ગ યુ. ને તું એને ચાહતી નથી, આમ જ જોડાઈ છું, ઓકે?: ઓકે, સાત વાર ઓકે!: મનીષે બેનાની આંગળીઓમાંથી કૅનાબિસને ખૅંચી લઇને ઍશટ્રેમાં દબાવી દીધી: ઓ માય ગૉડ! આટલું બધું! યુ આર ઈમ્પૉસિબલ!: એ તો છું જ: બેટર યુ ગો બૅક ટુ ઈન્ડિયા: આઇ વિલ્લ!: હાઆલ જાઆ, ટળ તારા રૂમમાં: બેના ગળું ફાડીને બોલેલી. રંગેલા વાળની વેરવિખેર લટોથી એ બહુ બિહામણી લાગતી’તી.
બેના, જો મારે તારી લાઈફની ઝાઝી પંચાત નથી કરવી: ઍનિવેઝ, પાસ્તા તને ભાવ્યા?: ભાવ્યા: સરસ, આ, ત્રીજી નાઈટ તો થઇ; પછી?: પછી અમદાવાદ: પાછો અમદાવાદ શું કામ?: ના ના હું તો બર્લિનથી આવ્યો: રૅજાઈનાને મળીને આવ્યો?: ના. બહુ ભટક્યો, ન મળી. એના ડૅડિને મળ્યો. ડૅડિએ કહ્યું -જૅનીની હત્યા ન્હૉતી થઇ: કોણ જૅની?: રૅજાઈનાની મૉમ: ક્હૅ, જૅનીએ સ્યુસાઈડ કરેલો. એને ડર હતો કે શ્ટાસી સીક્રેટ પોલીસ એને જેલમાં ધકેલી દેશે, ને જીવનભરનો કારાવાસ થશે. રેસિસ્ટન્ટ ગ્રુપને વફાદાર રહેવા જાતે મરી: વૅરિ સૅડ…મનીષ, તૂટ્યા પછીનો બર્લિન-વૉલ-એરિયા તને કેવો લાગેલો?: હું એ ચૅકપૉઈન્ટ ચાર્લિ ગયેલો, બધું નવેસર સજાવ્યું છે, જાણે પ્હૅલાં દુ:ખદ કશું બન્યું જ ન્હૉતું. પણ બેના, મને શંકા છે કે ડૅડિએ જ જૅનીની જાસૂસી કરી હશે. કેમકે બોલેલા: આઇ હેટ સચા ટ્રેઇટર વાઈફ: ઍન્ટિસેમાઈટ હશે: અફકોર્સ!: છોડો. રૅજાઈના છે ક્યાં?: એ સવાલની અણીએ તો તારો ભાઈ લટક્યો છે સોમા, કશ્શી જ ખબર નથી, એનો મોબાઈલ તો મરી જ ગયો છે. એના ડૅડિ પણ કશું નથી જાણતા. મને ક્હૅ, આઈ નો નથિન્ગ આફ્ટર શી લૅફ્ટ ફૉર યુઍસ: તું અમદાવાદ ક્યારે પ્હૉંચવાનો?: નૅક્સ્ટ ફ્રાઇડે મૉર્નિન્ગ: આ જીવનમાં એ તને પાછી મળશે એવી તને ખાતરી છે?: હા: કોઈને પરણી ગઈ હશે, શું કરીશ?: કંઇ નહીં: એ સામેની દીવાલને તાકી રહ્યો. બાજુનું ડોર ખુલ્લું હતું. એ ઊઠ્યો. ડોર બંધ કરતાં બોલ્યો -બેના, આ વખતે મારે પૅસિફિક પરથી જવું છે. પ્લેનની વિન્ડોમાંથી એ વિરાટ સાગરને નીરખવો છે. એમાં મારા મગજને નારિયેળની જેમ પધરાવી દેવું છે: સારી વાત; પણ નાઈટ હશે તો?: તો એ અન્ધકારમાં મગજને ગોથાં ખવરાવીશ: તું ભઈલા, કારણ વગરનો દુ:ખી થઇ ગયો છું: હા પણ મારી ટિકિટ તૈયાર છે -અહીંથી શિકાગો, પછી સાનફ્રાન્સિસ્કો -સિન્ગાપોર -મુમ્બઈ ને અમદાવાદ…
કિચનમાં જઇને બેના કશુંક ખાવાનું લઇ આવી. આ, ખા: શું છે?: ગરમ ગરમ બ્રાઉની, ડેત્ઝર્ટ છે. મેં બનાવી છે: ઠીક: મને એમ કે તું હવે રહી જઇશ અમારી જોડે: તારી ને જૉનાથનની જોડે?: હાઆ!: ના ના, નો! નેવર!: વાંધો શું છે?: તું આમ જીવી ખાય એ મને પસંદ નથી: ને તું આમ જીવ્યે જાય એ મને પસંદ નથી: ને એ કલ્લુ-: ડોન્ટ યુઝ ધૅટ વર્ડ! તેં એને બહુ જ હર્ટ કર્યો છે, બહુ જ એટલે બહુ જ: બેનાની આંખો તેજ થઇ ગયેલી. એ ઊભી થઇને પાછી બેસી ગઈ, જાણે ફસડાઈ પડી: ખૅર, તને જ્યાં ફાવે ત્યાં રહૅ, જેવી તારી મરજી: જૉનાથન અહીં કોની મરજીથી છે?: મારી! અરે, એકદમ સિમ્પલ વાત હતી. અમે મૉલમાં મળેલાં, સાથે કૉફી પીધેલી, મને ગમી ગયો! વી હૅડા ડેટ ઍટ માયામી ને અમે સાથે રહેવાનો નિર્ ણય લઈ લીધો: મને પૂછવાની જરૂર ન લાગી?: મેં તને ઈમેીલ કરેલો: હા પણ, સાથે રહૅવાનાં છો એમ નહીં લખેલું: ઓકે, તેં મને રૅજાઈના વખ્તે પૂછ્યું’તું?: એ તો પાર્કમાં આમ જ મળી ગયેલી. અમે બન્ને દુ:ખી બાકી કશા કારણ વિના જ પ્રેમમાં પડી ગયેલાં. અકળ રહસ્યમય બનાવ હતો. અમે જ એકબીજાંને પૂછ્યું ન્હૉતું, તને શું પૂછવાનું?: મારું પણ એમ જ છે: ના નથી, મને મૂરખ સમજે છે? જૉનાથન ટ્વાઈસ સિન્ગલ છે, ભટકેલ, ટોટલિ અન્-રીલાયેબલ, રૅકલેસ…જોડે રૉક્સિને તેડી લાવ્યો છે!: હા પણ તેથી શું? રૉક્સિ મને ગમે છે, હું એને અંગ્રેજી શીખવું છું: તેથી શું તે તો તારે વિચારવાનું હોય, સોમાબેના: મનીષ પ્લીઝ, ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ મી. મારી એકલતાનું શું? ગોધરા-કાણ્ડ વખતે નરોડા પાટિયાની અથડામણમાં તારા બનેવી સુભાષ પતી ગયા, યાદ છે ને?: બિલકુલ યાદ છે. પણ બેના સાંભળ. મેં અમદાવાદમાં ગયા મહિને જ જાણ્યું કે બનેવીએ કોઇ કરીમમીયાંને પેટમાં છરો હુલાવી દીધેલો, એટલે પછી પેલાઓએ એમને પતાવી દીધેલા: હા, સુભાષને હિન્દુવાદ વળગેલો. મર્યા કે મરાયા, જે હોય એ, પણ હું તો એકલી જ પડી ગયેલી ને. મૅરેજને ખાલી છ મહિના થયેલા. સુભાષ મારા સાચા પ્રેમી હતા. પછી અશોકને પરણી પણ અશોક લમ્પટ નીકળ્યો. સ્મિતાના જનમ પછી મને છોડી ગયો. એ પછી હું શું હતી? ભૂખ્યા શરીરે ભમતું જુવાન જાનવર. કોરીકટ એકલતા લઇને અમેરિકા આવી, લાઈબ્રેરિયન થઇ, તને ખબર છે બધી. સમજ કે જૉનાથન મારી એકલતાનો ઉત્તર છે: હા પણ એ તને લવ નથી કરતો: અરે તું લવ લવ કાં કરે છે, આઇ હેટ ધૅટ સૅન્સલેસ વર્ડ! હું બસ સૅક્સમાં માનું છું, બોલ, શું ક્હૅવું છે તારે?: મોટીબેનને શું ક્હૅવાનું: એ જ વાત છે -હું મોટી, તું નાનો, આ તારાથી થાય, આ મારાથી ન થાય -ઑલ ઈન્ડિયન ટ્રૅશ…યુ ગો પ્લીઝ, હું કે મારી વાત તને નહીં સમજાય: પણ એમાં સમજવા જેવું છે શું?: તો પણ છે, નહીં સમજાય…
હૉલમાં મૌન સમસમતું’તું. મનીષ બ્રાઉનીને જોઇ જોઇને ખાતો’તો, દરેક વખતે ચમચી ચાટી લેતો’તો: ઍનિવેઝ, જો તો -ક્હૅતી બેના ઊભી થઇ ને શાલ ને જ્વેલરી-બૉક્સ સાથે પાછી આવી: આ જો, ટોપાઝ નૅકલેસ; આખી ચેઈન ચાંદીની છે; જૉન્ને મને ગિફ્ટ કરેલું: બેના, તારી પાસે અશોકે પ્હૅરાવેલું મંગળસૂત્ર પણ છે: બેનાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ને મનીષના ખભે શાલ ઓઢાળતાં બોલી: આ હિમાલયન યાકના ઊનની શાલ છે, કેટલી મુલાયમ-: સ્ટૉપ! આઇ ડોન્ટ વૉન્ટ ટુ સી ઑલ ધિસ સ્ટફ: આટલાં દુ:ખો પછી પણ તું ઈન્ડિયનનો ઈન્ડિયન છું, યુ ઇર્રીપેરેબલ, શું કરવાનું -એમ બોલતી બેના ચાલી ગઈ.
પણ થોડી જ વારમાં અંદરના રૂમમાંથી બૂમો પાડીને બોલવા લાગી: અશોક જોડે મારી ઈચ્છા વિરુદ્ધ મને પૈનાવી ત્યારે ય તેં ‘આઈ ડોન્ટ વૉન્ટ ટુ સી’ જ કહેલું!: બેનાનો અવાજ વધારે મોટો થઇ ગયેલો. એટલે જૉનાથન એના રૂમમાંથી નીકળી આવ્યો: વ્હાય આર્યુ યૅલિન્ગ?: નથિન્ગ: બેનાએ એને -યુ પ્લીઝ સ્ટે ઈન યૉર રૂમ કહ્યું એટલે એ જતો રહ્યો: અશોક મને છોડી ગયો ત્યારે પણ તને એનો વાંક નહીં દેખાયેલો. બેબી સ્મિતાની કસ્ટડિ એ હરામીને સૉંપવી પડી ત્યારે પણ!: બેના ધસીને પાછી આવી ને મનીષના ખભે પંજો દબાવીને બોલી: સો નાઉ, ડોન્ટ ઈન્ટરફીયર…તું ભલે જતો રહૅ ઈન્ડિયા, આઇ ડોન્ટ કૅર, લેટ મી લીવ, માય લાઈફ. સુભાષના મંગળસૂત્રે મને રડાવેલી, પણ અશોકનાયે તો મારામાં ધિક્કાર જગવેલો. બન્ને મંગળસૂત્રોને ક્યારનાં ટૉઇલેટમાં પધરાવી દીધાં છે. મંગળ અમંગળ કશું હોતું નથી. બન્ને શબ્દો બકવાસ છે. મારે બસ મારી ખુદની હદમાં જીવવું છે: પ્લીઝ બેના, ચૂપ થઇ જા, નહિતર કૅબ બોલાવીને હમણાં જ ઍરપોર્ટ ચાલી જઇશ, મળશે એ ફ્લાઇટ પકડી લઇશ: તરત જ નીકળ્યો ને પાર્ક ચાલી ગયો. બેના બબડતી’તી કે -પાર્કથી આઘે કશ્શેયે એનું એકેય ઍરપોર્ટ કાં છે…
આજે ઘરમાં વસ્તુઓના પડછાયા દેખાવા લાગેલા. કેમકે ઘણા દિવસ પછી આકાશમાં સૂરજની આવનજાવન ચાલુ થયેલી. બપોરથી મનીષ એકલો છે. જૉનાથન અને રૉક્સિ ડાઉનટાઉન ગયાં છે. સાથે બેના પણ ગઈ છે. પછી લાઈબ્રેરી જવાની છે. બેડમાંથી ઊભા થઇને મનીષે બ્લાઈન્ડ્સ અપ કરી, ગ્લાસવિન્ડો ઓપન થઇ, સ્કાયલાઈન દેખાઇ. એણે ધીમી ગતિએ ખસતાં વાદળાંને જોયાં કર્યાં. રેખા સાથેની અમદાવાદની ચોમાસુ રાત્રિઓ યાદ આવી ગઇ. એણે ગઇ વખતે બેનાને કહેલું: જો ને, અમદાવાદમાં હું ડબલબેડમાં સૂવું છું -એકલો છું તો પણ: સારું ક્હૅવાય: કાઈન્ડ ઑફ. પછી રેખા હમેશાં સંતોષથી ઊંઘી જતી: પછી એટલે? ઓ યય્યા, ગૉટિટ; પછી: યસ્સ. હા, એ જ પછી; એણે લગભગ ટૂંટિ યું વાળ્યું હોય; પરમ સુખી લાગે. ને એ વાતે હું પણ સંતોષથી જપી જતો: બેના બોલેલી -તારી મૅમરી ઍક્યુરેટ છે: એ વાતની યાદે મનીષ બેડમાં બેસી પડ્યો. અરે રામ, કેટલી જીવલેણ રસીલી હતી એ રાતો…ઊઠીને મનીષે બ્લાઈન્ડ્સને પાછી પાડી દીધી. રૂમનું અજવાળું આછું થઇ ગયું.
પછી એ ચિન્તકની રીતે વિચારતો ઊંડે ઊતરી ગયો -એમ લાગે જાણે કશો મહત્ત્વનો નિ ર્ણય લેવા માગે છે. ટેબલ પરનાં નોટ-પેન્સિલ જોઈ રહ્યો. એને થયું, પોતે કશાંક ચિત્ર દોરે. પણ શેનાં? એની સામે વૉલ, ટૅરિટરી, સરહદો, ટૅરર, બેફામ નાલાયકી, મારામારી, કાપાકાપી અને મનુષ્યોની અંધાધૂંધ હત્યાઓનાં દૃશ્યો આવી ઊભાં. રેખા પેલાને બચકું ભરતી દેખાઈ. રૅજાઈનાની મૉમ જૅની પોતાના લમણે ગોળી મારતી દેખાઈ. બનેવી છરો ઉગામીને કરીમમીયાં ભણી દોડતા દેખાયા. મનીષના હોઠ સખ્તાઈથી બિડાયેલા હતા. એણે શરૂ કર્યું. કાગળ પર પહેલો છૅંકો જોરથી લગાવ્યો. પછી છૅંકા પર છૅંકા જોર જોરથી મારતો રહ્યો. પછી -અરે, યુ બાસ્ટર્ડ, આઈ કૅન ઑલ્સો કિલ્લ યુ તારી પછવાડે ગન ઘાલીને, ઈના મિનટ, સન ઑફા બિઈચ!…બટ આયૅમ સ્ટક્ડ હૅલ્પલેસ સ્ટુપિડ વીયર્ડ…બેના ઓ બેના -કરતો મનીષ બૅક્યાર્ડમાં ચાલી જાય છે ને ત્યાં મોટે મોટેથી વીયર્ડ વીયર્ડની બૂમો પાડતો થાકી જાય છે. પછી એનાં જડબાં દુખતાં’તાં ને જાતે દબાવતો’તો ત્યારે -એવું શું છે ભઇલા, આટલો વલોપાત શાને છે -બોલતી બેના એના મસ્તકને બાહુઓમાં સાહી લે છે: તમે લોકો આવી ગયાં?: હા: મનીષ સૂનમૂન ઊભો થઇ જાય છે. બન્ને ધીમી ચાલે ઘરમાં જાય છે. બૅકયાર્ડમાં ઠંડા પવન ઊડતા’તા. સાંજ ઊતરી આવેલી. અંધારું થવા માંડેલું.
મનીષ, બહુ રાત થઇ ગઇ છે. તું ચાલી જવાનો છું. એક વાત મારી સાથે શૅઅર કરીશ?: બોલવા માંડ: અશોક એની પેલીઓ જોડે જે કરતો હોય, મરે, પણ સ્મિતા મોટી થઇ ગઇ હશે, મને બહુ થાય છે કે જોવા મળે તો કેવું સારું: થઈ ગઇ ને ઈન્ડિયન!: ના ના: તારે આ રૉક્સિ તો છે: રૉક્સિ તરત બેનાની સૉડમાં ભરાઇ ગઇ: હા પણ એને મેં નથી જણી: વાંધો નહીં, યુ કૅન ઈમેજિન અબાઉટ સ્મિતા; બેઠી હશે લૉ-ગાર્ડનમાં એના બૉયફ્રૅન્ડ જોડે. ને જો, અશોક મરે એમ તારે ન બોલવું જોઈએ. સ્મિતાને લીધે એ તારામાં હજી છે: નો-નો, ઇમ્પૉસિબલ!: સાવ પૉસિબલ છે, મને મળ્યો’તો. ક્હૅતો’તો -એ ઈચ્છે, એટલે કે તું ઈચ્છે, ઈન્ડિયા પાછી ફરે, તો તને રાખશે: મને રાખશે! એ રાખશે! તારું મગજ પણ ખલાસ છે ભઇલા: બેના, સ્મિતા ને તમે સૌ સાથે રહી શકશો, ફોન-નમ્બર આપ્યો છે: ઓહો, હાઉ સિલી! ઓકે, જોડ તો ફોન: મનીષે ફોન જોડી આપ્યો: યુ અશોક, ડૅમ્મફૂલ! મને સમજે છે શું! હાઉ ડૅર યુ! તને શરમ આવવી જોઇએ. હું રમકડું નથી. તું બીજી કેટલીયની જોડે સૂતો હોય, મારે શું પોથવો છે તને ગંદા ખરડાયેલા હલકટને: ગુસ્સાને લીધે બેનાથી આગળ કશું બોલાયું નહીં. એણે ફોન કાપી નાખ્યો. મનીષે એને પાણીનો ગ્લાસ ધર્યો: એ મરે તો મારા મનનું આકાશ ચોખ્ખું થાય, કાળાડુમ્મ વાદળાની જેમ છવાઈ રહ્યો છે, નાલાયક!: એટલે?: એટલે આઇ મીન, એ મરે તો એના નામસમેતનું બધ્ધું ભુંસાઈ જાય: ઓકે, બનેવી વિશે શું છે તારા મનમાં?: સુભાષ નામે શાન્તિ છે મને. ઍન્ડ આયૅમ મોસ્ટ હૅપિ વિથ જૉન્ન ઑલ્સો: હાઉ ફાર હૅપિ?: બેના પાણી પીતાં બોલી: ફારધેસ્ટ, ઈન્કલુડિન્ગ સૅક્સ મૅટર્સ, હી ઈઝ ઈન્ટરેસ્ટિન્ગ્લી ટૅરિબલ: મનીષ ઊભો થઈ ગયો. એને બેના અસહ્ય લાગેલી. બાથરૂમમાં ભરાઈને ક્યાંય લગી અરીસામાં જાતને જોતો રહ્યો. ક્યાંય લગી શાવર નીચે ન્હાયા કર્યું -ઊભાં ઊભાં ને પછી બેઠાં બેઠાં. બ્હાર નીકળ્યો ત્યારે બેના જૉનાથનને કંઇક ક્હૅતી’તી: તું શું ક્હૅતી’તી?: એમ કે આયૅમ હૅપિ વિથ યુ…
બેના, આજે ચૉથો દિવસ છે. મારી જોડે આવે છે પાર્ક?: યય્યા. મજા પડશે: આજે, પાછો સૂરજ નથી. જો તો, પાર્કનું પૉન્ડ આખું આઈસની ફર્શ થઇ ગયું છે: છેલ્લે સતત સ્નો વરસ્યો તે: માછલાં ગૂંગળાઇને ઠરી ગયાં હશે કે તળિયે સૂઇ ગયાં હશે: મરી પણ ગયાં હોય, ગૂંગળામણનું કંઇ ક્હૅવાય નહીં, મનીષ: પેલાં ગૂઝ જો, તારાં શ્યામ હંસ-હંસિની: હા, જોયાં: શું એમને ન ગમે આઈસની ફર્શ પર લસરવાનું?: ના. એમને, પોતાને ખાતર એકબીજાં માટે જીવતાં રહેવું જરૂરી લાગે છે. તને ખબર છે મનીષ, પૉન્ડ છોડીને રોજ સાંજે આપણા રૂફ પર મંડરાતાં હોય છે. કોઈ કોઈ હંસ-હંસિની છાપરે જરા વાર બેસે છે. પણ પછી ચાલ્યાં ગયેલાંની જોડે થવા ભાગતાં ઊડે છે: ઓહહઅ: બેના, કેમ શું થયું? નિસાસો શેનો?: બસ એમ જ…મને ખબર છે મનીષ, હું જૉનાથન નામની અગનઝાળમાં લપેટાઈ છું, કશો સાર નથી…પણ શું કરું…જસ્ટ લિવ ઈન ઍન્ડ હૅવા સૅક્સ મારો સ્વભાવ બની રહ્યો છે. ભૂખ્યાને ભાન નથી રહેતું એ હું જાણું છું: તને કહું બેના, ભૂખ તો મનેય છે પણ રૅજાઈના જોડે વપરાઈ જવાનું મને નથી ગમતું. રૅજાઈના મને કશી જુદી રીતે જોઇએ છે: શી જુદી રીત?: ભૂખ રહે કે શમે, ડિસ્પાઈટ, આઈ વૉન્ટ હર ઈના ડિફરન્ટ વે: પ્હૅલ્લેથી તું ગૂંચવાડિયો છું; તને એની નીડ નથી, વૉન્ટ છે: બેના, આ કે તે શબ્દોને શું કરવાના?: એ હસીને બોલી -પણ મને જૉન્નની નીડ છે, આયૅમ ક્લીયર…
ત્યાં મનીષ બોલી ઊઠ્યો -અરે, આ તો મારા પાર્કબડીઝ આવ્યા, બહુ સરસ -હાય શિવાનન્દ! હાય ક્રિષ્નાનન્દ!: હલો અન્કલ, આપ કૈસે હો?: પ્લીઝ્ડ ટુ સી યુ અગેઈન: બેના, આ મારા સાઉથ ઈન્ડિયન ફ્રૅન્ડ્સ છે: લાલ ને ભૂરી સાયકલ સાથે સ્ટાઈલમાં ઊભેલા: ટ્વિન્સ છે: યસ આન્ટિ, વી આર ઑન્લિ થર્ટિન: નાઈસ ટુ મીટ યુ: અન્કલ, આજ લ્યુસિ ભી આનેવાલી હૈ: અચ્છી બાત; કબ?: લો આ ગઇ! લૂક ધૅર: લ્યુસિ એના ડૉગિને દોડાવતી દોડતી આવી. સોનેરી વાળની લટોને કાન પાછળ ગોઠવતાં બોલી -અન્કલ, હાઉ ડુ યુ ડુ: આયૅમ ફાઇન: બેના, આ લ્યુસિ મારી અમેરિકન ફ્રૅન્ડ છે, મજાની વાત એ છે કે એ પણ થર્ટિનની છે. અમે ચારેય જણાં શેડમાં બેસીને બહુ મજાઓ કરીએ છીએ. લ્યુસિને મિમિક્રી બહુ આવડે છે. ટ્રમ્પના જેવું મૉં બનાવીને એના ચાળા પાડે છે. શિવાને પાયલેટ થવું છે. ક્રિષ્નાને નાસામાં સાયન્ટિસ્ટ થવું છે: આન્ટિ, અન્કલ ઈઝ સો સ્વીટ -લ્યુસિ બોલેલી: વિશ યુ ઑલ, બેસ્ટ ઑફ લક. મનીષ, બધાંને આજે ઘરે લઇ જઈએ: ગાય્ઝ કમ વિથ અસ, વી શૅલ હૅવા પાર્ટિ: બેનાની બાજુમાં મનીષ, મનીષની બાજુમાં ડૉગિને દોરતી લ્યુસિ ને એની બાજુમાં સાઈકલો દોરતા શિવાનન્દ-ક્રિષ્નાનન્દ, એમ બધાં ઘરે જવા નીકળ્યાં. પાર્કનો બ્રિજ ઓળંગતાં’તાં ત્યારે લ્યુસિ એકાએક બૂમ પાડીને બોલેલી -બી અવૅર! ઈટ્સા ટૅરિટોરિયલ બ્લૅક બર્ડ એરિયા! વૉચ યૉર હેડ્ઝ!: બેના બોલી -યય્યા આઇ નો…માથે ચાંચ મારે -એમ કે અમારી ટૅરિટરીમાં કેમ આવ્યાં! બધાં પોતાનું માથું નમાવીને ચાલવા લાગેલાં.
ઘરે પ્હૉંચ્યાં. જૉનાથન દેખાયો નહીં. એના રૂમમાં કે બૅકયાર્ડમાં પણ ન્હૉતો. હૉલમાં કૉફીટેબલ પર ફ્લાવરવાઝ નીચે એક ચીટ હતી. બેનાએ ઉપાડી: આયૅમ સૉરિ. આઈ કાન્ટ ટૉલરેટ યૉર બ્રો. હી હૅઝ હૅવિલિ ઈન્સલ્ટેડ મી. ડ્રાસ્ટિકલિ ડીમૉલિશ્ડ. આઇ ગો ઍન્ડ વિલ્નૉટ રીટર્ન ફૉર એવર. ગૉડ બ્લેસ: બેના હાંફળીફાંફળી ઘરમાં ફરી વળી, રૉક્સિ પણ ન્હૉતી. એણે જૉન્નને ફોન જોડ્યો: હાઉ કૂડ યુ ડુ સો હૉરિબલ?: વ્હૉટેવર: આઈ વિલ્લ ગો ટુ માય લૉયર: યુ મે -કહીને જૉન્ને ફોન કાપી નાખ્યો: બેના, તારાથી ગુસ્સાને લીધે ‘લૉયર’ બોલાઈ ગયું, બાકી તું કંઇ જ કરી શકે નહીં. કેમકે તું તો, જસ્ટ લિવ ઈન ઍન્ડ હૅવા સૅક્સથી જોડાયેલી છું!: મૅણું ન માર: મૅણું નથી, હકીકત છે: છતાં-: હવે છતાંબતાં છોડ, શાન્ત થઇ જા: મનીષે હળવેથી બેનાના ખભે હાથ મૂક્યો ને કહ્યું -આયૅમ ઍક્સ્ટ્રીમ્લી સૉરિ: બેનાએ ચીડથી હાથ ફગાવી દીધો ને રાડ પાડીને બોલી: વ્હૉટ સૉરિ? તેં મારી બની બનાવેલી દુનિયા બરબાદ કરી નાખી!: મને માફ કરી દે: આઈ કાન્ટ. તું માફીને લાયક નથી, બસ ચૂપ થઇ જા!: ત્રણેય પાર્ક-બડીઝ ચિત્રમાં હોય એમ સ્થિર ઊભાં’તાં. લ્યુસિ નું ડૉગિ ડોક ઊંચી કરી રહ્યું -એણે બગાસુ ખાધું: અન્કલ, ઍટ ધ મૉમેન્ટ વી ગો બૅક: ઓ યય્યા, આયૅમ સૉરિ: નો પ્રૉબ્લેમ -કહીને ત્રણેય જણાં નીકળી ગયાં.
બેનાનો ધૂંધવાયેલો ચ્હૅરો તંગ હતો, હોઠ સજ્જડ બંધ હતા, એ એકદમની પરેશાન હતી: મનીષે અતિ હળવાશથી કહ્યું: ઇફ હી રીયલિ લવ્ઝ યુ, વિલ્લ રીટર્ન, લવર્સ રીટર્ન: અરે, મેલને પૂળો તારા એ લવને ને લવર્સને! ઈટ્સ ઑલ ડિસ્ઘસ્ટિન્ગ: પણ-: પણ-બણ છોડ, મને છોડ ને બસ જલ્દીથી જા, મારાથી તું નથ્થી સ્હૅવાતો!: અફકોર્સ જઇશ એમ બોલીને નિરાશ મનીષ બેનાની આંખોમાં જોઇ રહ્યો, એને બેના પણ જોઇ રહી. ખાસ્સી ચુપકીદી પછી બેનાએ કહ્યું -ઇટ્સ ઓકે…હું મારું ફોડી લઇશ: પણ-: નો પણ, ઈટ્સ ફાઇન…
છેલ્લા દિવસની સવારે પણ મનીષ પાર્ક જવા નીકળતો’તો. એણે બેનાને કહ્યું -બધી વાતે ધ્યાન રાખજે: રાખીશ, તું પણ તારું ધ્યાન રાખજે: હું પાર્ક જઇ આવું; નથી ખબર, ક્યારે પાછો આવીશ: મને પણ નથી ખબર, ફરી ક્યારે મળાશે; રાતે ઍરપોર્ટ તો નહીં આવું પણ તારી સાથે પાર્ક આવું?: ચાલ ને, એથી સારું શું!: એકબીજાંનો હાથ ઝાલીને બન્ને પ્હૉંચ્યાં. આજે સૂરજ એકદમ તેજ હતો. ચોખ્ખો તડકો હતો. પૉન્ડ વળી પાછું પાણી પાણી થવા લાગેલું. અનેક ગૂઝ ઊતરી આવેલાં ને ધીમી ગતિએ તરતાં’તાં. કેટલાંક પાંખો ફફડાવીને ન્હાતાં’તાં. ન્હાઇ ચૂકેલાં જલ્દીથી કિનારા ભણી સરતાં’તાં ને કૂદી કૂદીને લૉનના તડકામાં ભીનાં શરીર સૂકવતાં’તાં. બેના અને મનીષને ખ્યાલ ન રહ્યો કે કેટલા લૂપ પૂરા કર્યા ને કેટલા સમય લગી મૂંગા મૂંગા બસ ચાલ્યા જ કર્યું. વચ્ચે એક વાર બેના બોલેલી: તું આવજે ને, રૅજાઈના આવી ગઇ હશે: આઇ હોપ સો, પ..ણ છોડ ને એ વાત: બ્રિજ વટાવતી વખતે બેના કશું ક્હૅવા જતી’તી પણ એકાએક બરાડી ઊઠી -મનીષ મનીષ, વૉચ વૉચ! બ્લૅક બર્ડ ઈઝ કમિન્ગ ટુ અસ!: એ ચકરાઈને જતું રહ્યું ત્યાં લગી બન્ને નીચાં નમી એકમેકને વળગી રહ્યાં.
- અનુવચન :
‘ફટફટિયું’ વાર્તાસંગ્રહના અનુવચન-૧માં, હું વીગતે કહી ચૂક્યો છું કે કેવી તો સાવ ક્ષુલ્લક ને નાખી દેવા જેવી ચીજોએ મને વાર્તા-સર્જનની પ્રેરણાઓ આપી છે.
મને વાચકો જોડે એ રીતે પણ જોડાવું ગમે છે.
આ વાર્તામાં પ્રેરક રહ્યો છે, નૉર્થટ્રેઇલ પાર્ક. અમેરિકામાં અમારા દીકરાને ત્યાં રહ્યાં હોઈએ એ દરમ્યાન ચાલવા માટે રોજ નૉર્થટ્રેઇલ પાર્ક જઈએ.
વાર્તામાં એ પાર્ક અને એનાં વૃક્ષો પક્ષીઓ એ શેડ વગેરે જે બધું છે એ બધું જ સાચું છે. હકીકતો. ત્યાં જ છે ટૅરિટોરિયલ બ્લૅકબર્ડ્ઝ, બદામી સસલાં અને એ કોતેડું.
પેલી, માત્રચાર વસ્તુ પ્હૅરેલી બિકિની-ગર્લ અમને મળી હતી. એ પણ કલ્પના નથી. સિગારેટ પીતી એની સાથે રશ્મીતાને એ જ સંવાદ થયેલો. ગુન્થર અને રૅજાઇના નામો પણ ત્યાંથી જ મળ્યાં છે.
પણ એ સૌને વિશેની વાર્તા મારી સરજત છે. ટૂંકમાં, આ વાર્તાની પ્રેરણા બનેલો નૉર્થટ્રેઇલ પાર્ક ક્ષુલ્લક ને નાખી દેવા જેવી વસ્તુ ન્હૉતો…
પણ પડકાર આ હતો: મારે એ આખા ય વિદેશી પરિવેશનો ચૉક્કસ અહેસાસ પ્રગટાવવો પડે. તો જ વાર્તા ગુજરાતીભાષી વાચક માટે સહ્ય અને આસ્વાદ્ય બને. અને એ પાછું, ટૂંકીવાર્તાના ફલકની મર્યાદામાં રહીને કરવાનું.
પરાયા મુલકના વાતાવરણની પ્રતીતિ ઊભી કરવાનું એ કામ, એ પડકાર, હું મારી ‘બનાવ’ વાર્તા વખતે સફળતાથી ઝીલી ચૂકયો છું.
સર્જનનો એ પૂર્વાનુભવ પણ આમાં ક્યાંક મદદે આવ્યો હશે…
ગોધરાકાણ્ડ-સંલગ્ન હુલ્લડો અને ભારતીય/આન્તરરાષ્ટ્રીય આતંકવાદથી જન્મેલા રંજાડને તેમજ બર્લિન વૉલ-સંલગ્ન ટૅરિટોરિયલ પ્રશ્નોને સ્પર્શતી આ વાર્તા વિષયવસ્તુની રીતે આન્તરરાષ્ટ્રીય છે.
જોકે પણ મને તો રૅજાઇના ને આ બન્ને ભાઈ-બેનની હઠીલા દર્દ સમી વેદનામય ભાવસૃષ્ટિ માં જ રસ વધારે હતો.
એવાં કોઈ હોય, ને આ વાંચે તો કેવું સારું…