સુમન શાહ સાહિત્યસંપુટ/નિવેદન
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ સાહિત્યકારના અધ્યયનગ્રંથનાં સંપાદન-પ્રકાશનની સમૃદ્ધ પરંપરા છે. અધ્યયનગ્રંથના પ્રકાશનદ્વારા વાચકોને સાહિત્યકારની સર્જકપ્રતિભાના વિવિધ ઉન્મેષોનો પરિચય મળે છે. સાહિત્યકારનું જે ઐતિહાસિક પ્રદાન છે તેનું પ્રકાશન થતાં સાહિત્યવિવેચન અને સાહિત્યનો ઇતિહાસ એમ બંને ક્ષેત્રો માટે મૂલ્યવાન સંદર્ભસામગ્રી પ્રાપ્ત થાય છે. સર્વ શ્રી નર્મદાશંકર લાલશંકર દવે, કવિ દલપતરામ ડાહ્યારામ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, કવિ ન્હાનાલાલ દલપરતામ, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, ઉમાશંકર જેઠાલાલ જોષી, સુન્દરમ્, શિરીષ પંચાલ, ચંદ્રકાન્ત ટોપીવાળા, મોહન પરમાર જેવા સાહિત્યકારોના અધ્યયનગ્રંથોનું પ્રકાશન થયું છે. એ પરંપરામાં શ્રી સુમન શાહના અધ્યયનગ્રંથનું ‘સુમન શાહ સાહિત્યસંપુટ’ નામે ઈ-બૂક સ્વરૂપે પ્રકાશન કરવાનો પ્રસ્તાવ મેં એકત્ર ફાઉન્ડેશનના સંવાહક શ્રી અતુલભાઈ રાવલ સમક્ષ રજૂ કર્યો હતો. શ્રી અતુલભાઈ રાવલે મારો પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો અને સંપાદનકાર્યની જવાબદારી મને સોંપી. શ્રી અતુલભાઈ રાવલનો ખૂબ ખૂબ આભાર.
શ્રી સુમન શાહની સર્જક-વિવેચક તરીકેની સિદ્ધિઓ વિશે નિમંત્રિત સમીક્ષકમિત્રોને સ્વાધ્યાયલેખ લખવા માટે એક નિયત માળખું આપ્યું હતું. એની સાથે, સુમનભાઈ સાથે અંગત સંબંધે જોડાયેલા મિત્રો અને વિદ્યાર્થીમિત્રો માટે ‘સ્મૃતિમંજૂષા’ ખંડ માટે સ્મરણલેખો લખવાનું નિમન્ત્રણ આપ્યું હતું. ‘સુમન શાહ સાહિત્યસંપુટમાં ચાર ખંડ છે. પહેલા ખંડમાં ટૂંકી વાર્તાઓ, બીજા ખંડમાં નિબંધો, ત્રીજા ખંડમાં વિવેચનલેખો અને ચોથા ખંડમાં સ્મરણલેખો.
પ્રસ્તુત ચાર ખંડ માટે પસંદ કરેલ સમીક્ષકમિત્રોને નિમન્ત્રણપત્ર મોકલ્યો હતો, જેમાં પસંદગીની કૃતિઓની યાદી અને સમીક્ષાલેખનું માળખું અને અન્ય વિગતો દર્શાવી હતી. ને ‘સ્મૃતિમંજૂષા’ ખંડ માટે સમીક્ષકમિત્રોને સૂચવેલું કે સુમનભાઈ સાથેના તમારા સંબંધને વર્ણવતી ઘટનાઓ અને સ્મૃતિઓની સાથે તમને ગમતી શ્રી સુમન શાહની કૃતિનો આસ્વાદમૂલક પરિચય લખવો. સંપુટના સંપાદનનું કામ મેં ફેબ્રુઆરી ૨૦૨૪માં શરૂ કર્યું હતું તે આજે ફેબ્રુઆરી ૨૦૨૫માં પ્રગટ થાય છે તેનો મને અને અતુલભાઈ રાવલને ખૂબ આનંદ છે. સંપુટમાં કુલ ૨૦ સમીક્ષકમિત્રો જોડાયા છે અને કુલ ૨૧ લેખો મળ્યા છે. (જયેશ ભોગાયતાના બે લેખ છે.) સંપુટની પૃષ્ઠસંખ્યા ૨૦૦થી પણ ઉપરની છે.
સુમન શાહ સાહિત્યસંપુટના ચારેય ખંડ માટે પ્રાપ્ત સમીક્ષાલેખો માટે સૌ સુમન શાહ પ્રેમી સમીક્ષકમિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સંપુટ શ્રી સુમન શાહની સર્જન-પ્રતિભા, વિવેચન-પ્રતિભા અને વ્યક્તિ-પ્રતિભાનાં વિવિધ પરિમાણોની સઘન ઓળખ રજૂ કરે છે. પ્રસ્તુત સંપાદન સૌ સાહિત્યકાર મિત્રો અને સહૃદય વાચક મિત્રોને ઉપયોગી બનશે ને એક સર્જકવિશેષના સંદર્ભગ્રંથ તરીકે સ્થાન પામશે.
– જયેશ ભોગાયતા