સુમન શાહ સાહિત્યસંપુટ/સંપાદકીય
પ્રથમ ખંડઃ સુમન શાહની ટૂંકી વાર્તાઓ
નિવેદનમાં નોંધ્યું છે તેમ સાહિત્યસંપુટના પહેલા ખંડમાં શ્રી સુમન શાહની વાર્તાઓ વિશેના લેખો છે. સર્વ શ્રી સાગર શાહ, મહેન્દ્રસિંહ પરમાર, કિશોર પટેલ અને નરેશ શુક્લએ સંપાદકે સોંપેલી ટૂંકી વાર્તાઓ વિશે સમીક્ષાલેખો લખ્યા છે. એ લેખો વિશેનો સંક્ષિપ્ત પ્રતિભાવ નોંધું છું.
૧. સાગર શાહ
શ્રી સાગર શાહે શ્રી સુમન શાહની પાંચ વાર્તાની સઘન સમીક્ષા કરી છે. પાંચમાંથી ચાર વાર્તાઓની પરસ્પરથી વિરોધી દૃષ્ટિબિંદુઓની યોજના કરીને વાર્તાવિશ્વની સંકુલતા વર્ણવી છે. પાંચમી વાર્તા ‘જાળ’ સમીક્ષકને કૈંક અંશે વાયવી અને કૃતકતામાં સરી પડતી લાગે છે.
વાર્તાસમીક્ષકે સુમન શાહની વાર્તાઓની સફર કરાવીને યાત્રીસ્વરૂપ ભાવકોને તેની ગુણવત્તાઓ અને સર્જકતાને વર્ણવી છે. પરસ્પર વિરોધી તો ક્યાંક પૂરક બનતાં કુલ આઠ વિધાનો વડે વાર્તાકારની સર્જકતાને જુદી રીતે મૂલવી છે. પરસ્પર વિરોધી વિધાનોથી વાર્તાઓનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિથી ચુકાદારૂપ મૂલ્યાંકનને ટાળ્યું છે.
૨. મહેન્દ્રસિંહ પરમાર
વાર્તાસમીક્ષકે છ વાર્તાઓનું બારીક સમીક્ષકદૃષ્ટિથી તટસ્થ વાચન કર્યું છે. એ વાચન દ્વારા વાર્તાકારની વાર્તાકળાની સિદ્ધિઓ અને ક્યાંક મળતી સીમાઓ પ્રગટ થઈ છે. વાચનની રીત લાઘવની છે, બિનજરૂરી પ્રસ્તાર નથી. વાર્તાનો મર્મ ભાવક કેવી રીતે અનુભવી શકે તેના નિર્દેશો કર્યા છે તેનો સાર એ છે કે કથાનકો ઉકેલવાની ભાવક પાસે સજ્જતા હોવી જરૂરી છે, નૂતન કથન-આલેખનરીતિઓના વ્યાકરણનું જ્ઞાન જરૂરી છે.
૩. શ્રી કિશોર પટેલ
વાર્તાસમીક્ષકે છ વાર્તાઓનાં કથાનક અને નિરૂપણરીતિઓનો ગંભીરતાથી પરિચય આપ્યો છે. તેમાં ‘ટૉમેન’ વાર્તા વિશેનાં નિરીક્ષણો વાર્તાની સંકુલતા વર્ણવી છે. એ સિવાયની વાર્તાઓ વિશે મુખ્યત્વે કથાનકનાં અર્થઘટનો કર્યાં છે જેમાં વાર્તાનું કેન્દ્ર જાણવાની ભાવકલક્ષી મથામણ છે,
૪. શ્રી નરેશ શુક્લ
વાર્તાસમીક્ષકે પાંચ વાર્તાઓનું સઘન વાચન કરીને સુમનભાઈની વાર્તાકળાના વિશેષો ઉદાહરણ સહિત દર્શાવ્યા છે. વાર્તાકારની વિષયસામગ્રીને વિવિધ રચનાપ્રયુક્તિઓ વડે પ્રતીકાત્મક અને અર્થસંકુલ બનાવવાની સર્જકસભાનતાને સરસ રીતે વર્ણવી છે. સમકાલીન જીવનની અર્થશૂન્યતા અને હતાશાને હૃદયથી અનુભવતાં પાત્રોની મનોદશાને પણ સમીક્ષકે વર્ણવી છે.
લેખને અંતે પાંચેય વાર્તાઓનાં સુસંકલિત નિરીક્ષણોમાં સુમન શાહની દીર્ઘકાલીન વાર્તાલેખનકળાની સમૃદ્ધિનો પરિચય મળે છે. સંપાદક તરીકે એક સરતચૂક થઈ છે. ‘ઘાસલેટિયાની ઘીયાની વારતા’ શ્રી મહેન્દ્રસિંહ પરમાર અને શ્રી નરેશ શુક્લ બંનેને સોંપેલી. પરંતુ બંને સમીક્ષકમિત્રોનાં વિશિષ્ટ અને મૌલિક નિરીક્ષણોથી વાર્તાને તો લાભ જ થયો છે.
શ્રી સુમન શાહની વાર્તાઓ વિશેના ચાર સમીક્ષકમિત્રોના લેખો સૂચક રીતે વાર્તાકારની ઉત્ક્રાન્ત સર્જકચેતનાનો અનુભવ કરાવે છે. દરેક સમીક્ષકમિત્રોએ ગંભીરતાપૂર્વક અને ટૂંકીવાર્તાસ્વરૂપની સમજ વડે વાર્તાની સંવિધાનરીતિ પારખી છે. મજાની વાત એ પણ છે કે આ ચારેય સમીક્ષકમિત્રો નીવડેલા વાર્તાકારો છે, વાર્તાસ્વરૂપની સમજ ધરાવનારા છે. જેનો લાભ વાર્તાવાચનને જરૂર મળ્યો છે.
બીજો ખંડ : સુમન શાહના નિબંધો
શ્રી સુમન શાહના નિબંધસંગ્રહોમાંથી દરેક સમીક્ષકમિત્રને ૧૦ નિબંધો વિશે લખવાનું સોંપેલું. પાંચ સમીક્ષકમિત્રોએ મળીને કુલ ૫૦ નિબંધો વિશે નિષ્ઠાપૂર્વક લેખો કર્યા છે.
૧. શ્રી મોહન પરમાર
સમીક્ષકમિત્રએ એમને સોંપેલા ૧૦ નિબંધોની વિષયસામગ્રીને આધારે તેને સાહિત્યિક નિબંધો ગણાવ્યા છે તે યોગ્ય છે. સાહિત્યસિદ્ધાન્તો, સાહિત્યનો સહૃદયી ભાવક, સાહિત્યસમીક્ષા અને પોલિટિકલ અન્કોન્શયસ, સઘન વાચન અને ગ્રાન્ડ નૅરેટિવ જેવા વિષયોની વિચારણામાં નિબંધકાર શ્રી સુમન શાહની સાહિત્યકળાના સંપ્રજ્ઞ ચિંતકની જે છબિ પ્રગટે છે તેને સમીક્ષકમિત્રએ પ્રશંસા અને પ્રસન્નતાના સૂર વડે રજૂ કરી છે. શ્રી સુમન શાહે સમયાંતરે ઊભા થતા સાહિત્યિક પ્રશ્નોનું જે રીતે બૌદ્ધિક વિશ્લેષણ કર્યું છે તેનું સમીક્ષકમિત્રોએ સહૃદયતાપૂર્વક સઘન વાચન કર્યું છે ને નિબંધોનું લેખનમૂલ્ય દર્શાવ્યું છે.
૨. શ્રી વિપુલ પુરોહિત
સમીક્ષકમિત્રએ લેખના પ્રારંભે નિબંધસ્વરૂપની સમજ દર્શાવીને નિબંધની સ્વરૂપગત વ્યાવર્તકતા ચીંધી છે. એ પછી, શ્રી સુમન શાહના પ્રકાશિત નિબંધસંગ્રહોની સૂચિ આપી છે તે નિબંધકારની લાંબી લેખનયાત્રા દર્શાવે છે.
સમીક્ષકમિત્રએ નિબંધોમાં વૈચારિક જગત કેવું અને કેટલું આલેખિત થયું છે તેની શોધ કરવી તેને પોતાનો હેતુ ગણાવ્યો છે. અભિવ્યક્તિની પ્રભાવક્તાનાં કારણો જાણવામાં પણ સમીક્ષકમિત્રએ ઉત્સુકતા દર્શાવી છે. સમીક્ષકમિત્રને સોંપેલા ૧૦ નિબંધની યાદી આપી છે તે વાચકને ઉપયોગી બની શકે છે. કૌંસમાં નિબંધનું રચનાવર્ષ પણ દર્શાવ્યું છે.
‘સંજય લીલા ભણસાળી અને સરસ્વતીચંદ્ર’ નામના પહેલા નિબંધમાં કલાના બજારીકરણની ગંભીર વાત નિબંધકારે Lighter-vainમાં કરી છે તે સરસ ઉપસાવ્યું છે. એ જ રીતે પછીના નિબંધોમાં વિદ્યાજગતમાં દિનપ્રતિદિન વ્યાપક બનતી જતી નિરાશા અને હતાશાની વેદના, સાહિત્યિક અવદશા અને તેમાં કારણભૂત બનતાં સર્વે સહભાગીઓનાં દંભી વલણો, માનવીય સંબંધોમાં લૂઝનેસ, નિતાંત શુદ્ધ પ્રેમનો મહિમા અને પ્રેમમીમાંસા. સમીક્ષકે નિબંધકારની સમકાલીન જીવનને સ્પર્શતા વિષયોની જે સંવાદમય શૈલી છે તેનું મહત્ત્વ દર્શાવ્યું છે. માનવીય સંબંધોમાં શિથિલતા લાવનારી નકારાત્મક વૃત્તિઓની સામે સામાન્યતાના ગુણને વિધાયક તત્ત્વ ગણ્યું છે તે ભાવબોધ સમીક્ષકમિત્રએ સરસ રીતે દર્શાવ્યો છે. સમીક્ષકમિત્રના ચિત્ત પર નિબંધના વિષયોનો જે પ્રભાવ પડ્યો છે તેની અભિવ્યક્તિ સમીક્ષાનું કેન્દ્ર છે.
૩. જિતેન્દ્ર મેકવાન
સમીક્ષકમિત્રએ ‘વસ્તુસંસાર’ના નિબંધોને સર્જનાત્મક નિબંધો કહ્યા છે. નિબંધની રસાળ શૈલી અને વિષયના બીજને વિસ્તારવાની કળાની પ્રશંસા કરી છે. સમીક્ષકે ‘વસ્તુસંસાર’ના નિબંધોની વિષયસામગ્રીનું જે સાહિત્યિક/સામાજિક મૂલ્ય છે તે સરસ રીતે વિગતે દર્શાવ્યું છે. લેખને અંતે નિબંધકારના સરળ ગદ્યની લાક્ષણિકતાઓ ઉદાહરણ સહિત દર્શાવી છે એની સાથે નિબંધનાં શીર્ષકોની પણ મહત્તા દર્શાવી છે.
૪. કુમાર જૈમિનિ શાસ્ત્રી
સમીક્ષકમિત્રએ નિબંધની વિષયસૃષ્ટિનો પરિચય આપ્યા બાદ ક્રમશઃ નિબંધમાં વર્ણિત વિષયનો પરિચય આપતા રહે છે. નિબંધકારના કલ્પનાવિહારની પ્રશંસા કરે છે. નિબંધકારની વિચારલીલાને પણ વર્ણવી છે. તથ્યો અને તાર્કિકતા નિબંધના લલિત સ્વરૂપને બાધક નીવડી શકે પરંતુ અહીં નિબંધકારની કુનેહપૂર્વકની નિરૂપણશૈલી વાચકને એ મુદ્દાને નજર અંદાજ કરવા પણ પ્રેરે તેવી છે.
કપોલકલ્પિત, વાર્તા, રહસ્યમય એકાંકી, સર્જકનું આંતરવિશ્વ, અનુભૂતિક્ષમતા –આ બધાં તત્ત્વોને સમીક્ષકમિત્રએ અનુભવ્યાં છે. નિબંધકારનાં ભાષાકર્મનાં અનેક ઉદાહરણો નોંધ્યાં છે.
૫. શ્રી દીપક રાવલ
સમીક્ષકમિત્રએ લેખને પ્રારંભે સરસ વિધાન ટાંક્યું છેઃ જીવન પીડા છે, સાહિત્યસર્જન આશ્વાસન.’
નિબંધકારના વિશ્વસાહિત્યના સર્જકો-કૃતિઓ વિશેના નિબંધો, કોરોનાની વિનાશકતાને સમજવાની ચાવીઓ જેવા ગણાવ્યા છે. ગંભીર કૃતિઓનો મૂલ્યબોધ કોરોનાની પીડામાં મળતું આશ્વાસન છે. સમીક્ષકમિત્રએ નિબંધોના ભાવાર્થને વિગતે દર્શાવ્યા છે. સમીક્ષકમિત્રએ બહુશ્રુત અને સંવેદનશીલતાને અનુભવી છે, તેના સંકેતો એમના પ્રભાવમાં જોવા મળે છે.
ત્રીજો ખંડ : સાહિત્યવિવેચન
આ ખંડમાં શ્રી જયેશ ભોગાયતાએ ૦૪ અને શ્રી અજય રાવલે ૧૦ વિવેચનલેખોનું વાચન કર્યું છે.
૧. જયેશ ભોગાયતા
શ્રી જયેશ ભોગાયતાએ પસંદ કરેલા ૦૪ વિવેચન લેખો.
આ ચારેય વિવેચનલેખો શ્રી સુમન શાહની ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણાનો પરિચય આપે છે. આ લેખો ‘કથા-સિદ્ધાન્ત’માંથી પસંદ કર્યા છે.
૧. સાહિત્યપ્રકાર અને વિભાવના - ટૂંકી વાર્તાના સંદર્ભમાં
૨. નવલિકાની કલા: રૂપ, સંરચના, ટૅક્નિક
૩. વાર્તાકારની સામેના પડકારો
૪. દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા
૨. શ્રી અજય રાવલ
સમીક્ષકમિત્રને ૧૦ વિવેચનલેખ સોંપેલા. ત્રણ વિદેશી કૃતિઓ, ત્રણ ગુજરાતી કૃતિઓ, અને ચાર વિવેચનાત્મક સ્વાધ્યાયલેખો. આ તમામ લેખો વિશે સમીક્ષકમિત્રએ પોતાનાં વિવેચનાત્મક નિરીક્ષણો સાધાર રજૂ કર્યાં છે. એ નિરીક્ષણોમાં શ્રી સુમન શાહની કૃતિવાચન પદ્ધતિની વિશેષતાઓ દર્શાવી છે. એ જ રીતે આધુનિકતા અને અનુઆધુનિકતા એ યુગસંલગ્ન સંપ્રત્યય વચ્ચેના તાત્ત્વિક ભેદને વિવેચકે જે વિસ્તારથી વિચારવિમર્શ કર્યો છે તે વિચારવિમર્શને સરસ રીતે મૂકી આપ્યો છે. સમીક્ષકમિત્રએ વિવેચકના વિવેચનલેખની સાહિત્યિક મહત્તા દર્શાવવા માટે ઉદાહરણો ટાંકીને ગંભીર અભ્યાસ કર્યો છે.
ચોથો ખંડઃ સ્મૃતિમંજૂષા
‘સ્મૃતિમંજૂષા’ ખંડમાં ૧૦ સ્મરણલેખ છે. શ્રી સુમનભાઈ શાહ સાથેની અંગત મિત્રતા, ગુરુ તરીકે આદરભાવ અને ‘સન્નિધાન’ તથા ‘સુ.જો.સા.ફૉ. વાર્તાશિબિર’ નિમિત્તે વિકસેલી આત્મીયતા –આવી જુદી જુદી સંબંધભૂમિકાઓ ધરાવતા સમીક્ષકમિત્રોએ સુમનભાઈની બહુપરિમાણી સર્જકપ્રતિભા અને વ્યક્તિપ્રતિભાને મૂર્ત કરી છે. દરેક સ્મરણલેખને આપેલું શીર્ષક જ સુમનભાઈની નિજી ઓળખ આપે છે.
‘તો આ છે અમારા સુમનભાઈ’ (વીનેશ અંતાણી), ‘માંડી એક વારતા’ (દલપત ચૌહાણ), ‘સરળ છતાં ગહન –સુમન શાહ’ (કોશા રાવલ), ‘ડૉ. શ્રી સુમન શાહઃ આત્મીય સાહેબ’ (કંદર્પ દેસાઈ), ‘સુમનભાઈ શાહઃ સાહિત્ય, સાહિત્ય અને સાહિત્ય’ (સંજય ચૌધરી), ‘સુમન સર અને સુમનભાઈ’ (વિજય સોની), ‘I love Modernist, તમે Modernist છો.’ (જયેશ ભોગાયતા), ‘પ્રભાવશાળી પથદર્શકઃ સુમન શાહ’ (અતુલ રાવલ), ‘સુમન શાહઃ સુ.જો.સા.ફૉ. અને ઈ.ઈ.ડબ્લ્યુ યાને સંકટસમયની બારી’ (દશરથ પરમાર), આ દસ શીર્ષકો સ્વયં સુમનભાઈની વ્યક્તિછબિ અને સર્જકછબિ સૂચવે છે. ‘સ્મૃતિમંજૂષા’માં સુમનભાઈની પહેલા ખંડ ઉપરાંતની બીજી છ ટૂંકી વાર્તાના આસ્વાદો મળે છે.
૧. વીનેશ અંતાણી
સુમનભાઈ અને વીનેશ અંતાણી વચ્ચેનો પરિચયસીમિત સંબંધ ધીમે ધીમે કેવો આત્મીય સંબંધમાં પરિણમ્યો તેની વાત બંને વચ્ચેના સંબંધ નિમિત્તે બનેલા પ્રસંગોથી કરી છે. પારિવારિક ગાઢ અંગત સંબંધ. સુમનભાઈના સંસારનું ચાલકબળ રશ્મીતાબહેન હતાં એવી વીનેશભાઈને પ્રતીતિ થઈ હતી ને તેથી રશ્મીતાબહેનની વિદાય પછી સુમનભાઈની વધારે ચિંતા કરતા. પરંતુ સુમનભાઈએ એ ખાલીપો કે શૂન્યાવકાશને પોતાના જીવનબળથી કેવી રીતે સુંદર બનાવ્યો તેની વાત વીનેશભાઈએ હૃદયસ્પર્શી ભાષામાં કરી છે. સુમનભાઈના અંગત જીવનની પ્રેરક વાતો લખ્યા પછી સાહિત્યકાર સુમનભાઈની સરસ છબિ રજૂ કરી છે. સુમનભાઈની એક ટૂંકી વાર્તા ‘એ જરાક જેટલું છેટું’નો સરસ આસ્વાદ કરાવ્યો છે. સ્મરણલેખનો એક નાનો ફકરો નોંધું છું. એમાં બંને વચ્ચેનો આત્મીય સંબંધ સૂચવાયો છેઃ
‘તો આ છે અમારા ચિત્તમાં સ્થિર થયેલા સુમન શાહ. વેદના અને એકલતાથી ઉપર ઊઠી જાણે રશ્મીતાબહેન એમને સાચવતાં હોય, એમ પોતાને જાળવી રહેલા સુમનભાઈ સાથે નિકટતાથી જોડાયેલા રહેવું (અ)મને ગમ્યું છે, ઘણું ગમ્યું છે.’
૨. શ્રી દલપત ચૌહાણ
આરંભમાં સુમનભાઈની સર્જકપ્રતિભા વર્ણવી છે. અધ્યયન-અધ્યાપનની પ્રવૃત્તિઓનો સુંદર પરિચય. સણાલીમાં આયોજિત સુ.જો.સા.ફૉ. વાર્તાશિબિરથી દોસ્તીનો પાયો નંખાયો અને આજેય એ દોસ્તી દૃઢતાથી અડીખમ ઊભી છે. એ કિલ્લાની કાંકરી ખરવી તો ઠીક, કાંકરી હલી નથી. સુ.જો.સા.ફૉ.ના વાર્તાશિબિરો, તેમનું વિશિષ્ટ આયોજન, સુમનભાઈની વાર્તા વિશે નોંધ લખવાની વિશિષ્ટ રીત –એમ દલપતભાઈએ લાગણીશીલ સૂરમાં પોતાના અનુભવો નોંધ્યા છે.
૩. કોશા રાવલ
સરળ છતાં ગહન, નિરાભિમાન વ્યક્તિત્વ, ‘ગુડ મૉર્નિંગ’ અને ‘ગુડ ઈવનિંગ’થી આત્મીય સંવાદની પરંપરા બની, બિનઅંગત ગોઠડી, મૂક આત્માઓ બહુ જૂજ, ‘ફીલગુડ’ની અનુભૂતિ, મુક્ત વિચારક અને સચેત મનુષ્ય, ઊર્જાપ્રવાહ સકારાત્મક અને ચુંબકીય, ‘આવી કાર્યશાળાની અનુભૂતિ જાણે ભાર વિનાનું ભણતર. કોશાબેન રાવલે સુમનભાઈના આંતરવ્યક્તિત્વની છબિ રચી છે. ‘કાકાજીની બોધકથા’ વાર્તા વિશેનું અર્થઘટન કેટલીક વ્યંજનાઓ વર્ણવે છે.
૪. ભરત સોલંકી
સજ્જતા અને સહજતાનો સમન્વય. ભાષાભવન (અમદાવાદ)ના વિદ્યાર્થી તરીકે સાહેબનું સાન્નિધ્ય, પરિચય થયો. સાહિત્યિક કામ અંગે ઘરે મળવાના પ્રસંગો વધ્યા. આત્મીયતા વધી. સન્નિધાનની પ્રવૃત્તિઓને જીવનની પાઠશાળા ગણાવે છે. સુ.જો.સા.ફૉ.ના વાર્તાશિબિરોથી વાર્તાકાર તરીકે ઘડતર થયું. વાર્તાશિબિરોમાં સુમનભાઈ સક્રિય ઉપસ્થિતિ.
‘રીંછ’ વાર્તાના ઘટનાક્રમનો ધ્વન્યાર્થ સારી રીતે પ્રગટ કર્યો છે.
૫. કંદર્પ દેસાઈ
વાર્તાલેખનમાં સુમનભાઈનો સહયોગ.
મોકળાશનો અનુભવ
પારિવારિક સંબંધનાં મધુર સંસ્મરણો.
આતિથ્યભાવ. પ્રેમભાવ, વાત્સલ્યભાવ.
‘ખાઈ’ વાર્તાની વ્યંજનાસિદ્ધિ દર્શાવી.
૬. સંજય ચૌધરી
શરૂઆતનાં વર્ષોમાં દૂરથી જોયાનું સ્મરણ.
વાર્તા લખવાની નવી દિશા ઉઘાડી આપી. વાર્તાલેખન માટેની મુક્ત કાર્યશાળા તે સુ.જો.સા.ફૉ. વાર્તાશિબિરો.
‘એનિથિન્ગ એવરીથિન્ગ’ની વિષયસામગ્રીની નોંધ કરતાં કરતાં વાર્તાનો મર્મ દર્શાવ્યો.
૭. વિજય સોની
મુખ્યત્વે સુ.જો.સા.ફૉ. વાર્તાશિબિરોમાં થયેલા વિવિધ અનુભવોની નોંધ. રૂબરૂ મુલાકાતમાં હળવાશ.
૮. જયેશ ભોગાયતા
સુમનભાઈ સાથેનો મારો સંબંધ, સુમનભાઈ અને રશ્મીતાબહેન સાથેનો અમારો કૌટુમ્બિક સંબંધ. એ લાંબા ગાળાની મેં જાણે કે વાર્તા માંડી છે અહીં.
૯. શ્રી અતુલ રાવલ
પ્રભાવશાળી પથદર્શક સુમન શાહ.
પુસ્તકોની દુનિયામાં ઉછેર. ઘરમાં વિદ્યા અને શિસ્તનું વાતાવરણ. ગૂજરાત વિદ્યાપીઠમાં ચન્દ્રકાન્ત શેઠ દ્વારા ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો પરિચય અને ગુજરાતી ભાષાભવન (અમદાવાદ)માં સુમન શાહ દ્વારા ગુજરાતી અને વિશ્વ સાહિત્યનો પરિચય. એક સારા પથપ્રદર્શક તરીકે આદરણીય.
૧૦. શ્રી દશરથ પરમાર
સુમનભાઈની ‘છોટુ’ વાર્તા દ્વારા પરોક્ષ સંબંધ બંધાયો. સુ.જો.સા.ફૉ.ના બાલાશિનોર વાર્તાશિબિરમાં પ્રત્યક્ષ પરિચય. સાલસ સ્વભાવ. ધીરજવાન. વાર્તાકારોને પ્રોત્સાહન આપતું વ્યક્તિત્વ. સુમનભાઈની સામાજિક નિસબત ધરાવતી (પ્રગટ રીતે નહીં પણ વ્યંજનાની ભૂમિકાએ) ટૂંકી વાર્તા ‘ઈ.ઈ.ડબલ્યુ અને સંકટ સમયની બારી’ વાર્તાની સંવિધાન રીતિનો સરસ પરિચય આપ્યો છે.
‘સ્મૃતિમંજૂષા’માં દસ સ્મરણલેખોનું અનેક રીતે મૂલ્ય છે. સુમનભાઈની વાર્તાકળા વિશેની ઊંડી સમજ, ગુજરાતી ટૂંકી વાર્તા વધુને વધુ કલાત્મક બને તેવી ભાવના ચરિતાર્થ કરતા વાર્તાશિબિરોમાં એમની સક્રિય ભૂમિકા. જીવનની ઊર્જાનું અન્યોમાં સંપ્રેષણ. મનુષ્યને માત્ર પ્રેમથી નિકટ લાવવાનો જીવનમંત્ર. આવી અનેક રીતે સભર છે મિત્રોની ‘સ્મૃતિમંજૂષા’
– જયેશ ભોગાયતા
તા. ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૫
વડોદરા