zoom in zoom out toggle zoom 

< સુમન શાહ સાહિત્યસંપુટ

સુમન શાહ સાહિત્યસંપુટ/૧૦. દશરથ પરમાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમન શાહ, સુ.જો.સા.ફો. અને ‘ઈ. ઈ. ડબલ્યુ. યાને સંકટસમયની બારી’

દશરથ પરમાર

સુમનભાઈ શાહનો મને પહેલવહેલો અને પરોક્ષ પરિચય, અગિયારમા ધોરણમાં થયેલો. મને રિસેસમાં કે ફ્રી પીરિયડમાં લાયબ્રેરીમાં બેસી સામયિકો ઊથલાવવાની ટેવ. નામ યાદ નથી આવતું. પરંતુ, કોઈ એક દિવસની બપોરી રિસેસમાં, ટૂંકીવાર્તાનું એક સામયિક હાથમાં આવ્યું. અને સામે આવી એક વાર્તા ‘છોટુ’. પહેલીવારના વાચને બહુ સમજાઈ નહીં. બીજી વાર વાંચી. થોડી થોડી સમજાઈ. સામયિકની અન્ય વાર્તાઓથી તદ્દન ભિન્ન આ વાર્તાએ મને ખાસ્સો પ્રભાવિત કર્યો હતો. મને થયું, ત્રીજી વાર વાંચવી પડશે. અઠવાડિયા પછી લાયબ્રેરીમાં ગયો. ખાસ્સી શોધખોળ પછી પણ પેલું સામયિક હાથમાં ન આવ્યું. દરમ્યાન ‘છોટુ’એ મનનો જબરો કબજો લઈ લીધો હતો. સતત દેખાયા કરે: લાંબો-પહોળો, પડછંદ કાયાનો, ગોરટિયો, ઉપસેલી લીલી નસોવાળાં કાંડાં, જાડી આંગળીઓવાળો. ખરા બપોરે હંસા એકલી હોય ત્યારે ‘સાએબ છે કે…?’ કરતો જૅન્તીના ઘરમાં ગરી જતો. ક્યારેક સોફામાં નિરાંતે આડો પડી ટિપોઈ પર પગ લંબાવી બેસેલો. મન પર વાર્તાની સમગ્રપણે છાપ પડેલી તે લેખકના વિશિષ્ટ ભાષાકર્મની અને જૅન્તીને જળોની જેમ વળગેલા છોટુ માટે વાપરેલાં વિશેષણોની: સાલો, તડબૂચો, ઈડિયટ, રાસ્કલ, અડબંગ, ગધેડો, દુષ્ટ, સાલીનો, વલકૂડો, ઊંદેડો, નાલાયક, કૂતરો, લુચ્ચો, બલા, જળો, વગેરે-વગેરે…

જૅન્તીની શંકાશીલ મનોવૃત્તિને લીધે એના દાંમ્પત્યજીવનમાં એક પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું થાય છે, તેવું તે વખતે સમજાયેલું. પછી સમયાંતરે પામી શકેલો કે ‘છોટુ’ વાસ્તવમાં, જૅન્તી-હંસાના જીવનમાં અભિન્નપણે જોડાઈ ગયેલી અને ક્યારેય નિવારી ન શકાય તેવી વૃત્તિની વાર્તા છે.

તત્પશ્ચાત્, કૉલેજમાં સુમનભાઈના ‘અવરશુંકેલુબ’ અને ‘જૅન્તી-હંસા સિમ્ફની’ જેવા સંગ્રહો વાંચવા મળ્યા. આધુનિકતાના સમયખંડમાં જેનો ભારે મહિમા હતો એ ભાષા અને ટૅકનિકની મદદથી એમણે બન્ને સંગ્રહોની મોટાભાગની વાર્તાઓમાં ધાર્યું પરિણામ મેળવેલું. અને એ જ કારણસર સુરેશ જોષી પછી એમની વાર્તાઓ સૌથી વધારે ગમવા લાગેલી.

મેં 1990-91 આસપાસ વાર્તાલેખનનો આરંભ કર્યો, ત્યારે લેશમાત્ર અંદાજ નહીં કે એક દિવસ આ વાર્તાલેખનને લીધે જ સુમનભાઈની સન્મુખ થવાનું બનશે. અને તેય એક વાર્તાકાર તરીકે. વાત એમ હતી કે 1996-97નાં વર્ષોમાં મારી પાંચ-સાત વાર્તાઓ જાણીતાં સામયિકોમાં પ્રગટ થયેલી. એ તરફ શ્રી. મણિલાલ હ. પટેલ સરનું ધ્યાન ગયું અને એમના તરફથી ‘સુરેશ જોષી સાહિત્ય વિચાર ફૉરમ’ની નળસરોવર નજીક યોજાનારી વાર્તાશિબિર માટે આમંત્રણપત્ર મળ્યો. ફૉરમની કાર્યશૈલીનો થોડો ઘણો પરિચય હતો. એક કૂંડાળું વળીને બેસવાનું. ચિઠ્ઠી ઉપાડીને જેનો વારો આવે તે વાર્તાકાર વાર્તા રજૂ કરે. પછી ઉપસ્થિત અન્ય વાર્તાકારો અભિપ્રાય આપે. સૌથી છેલ્લે બોલે સુમનભાઈ. આવી શિબિરમાં વાર્તાવાચન અર્થે જવાની વાતે આનંદ થાય તે સ્વાભાવિક છે. પણ મૂંઝવણેય ઘણી થઈ. ગામડાનો જીવ. પોતીકી સૂઝ-સમજ પ્રમાણે ગ્રામજીવનની ઘટનાપ્રધાન વાર્તાઓ લખતો વાર્તાકાર. ઑફિસમાંથી શનિવારની રજા મળી નહીં. પરિણામે, એ શિબિરમાં તો જઈ શકાયું નહીં. પરંતુ એ પછી બાલાસિનોર શિબિરમાં સુમનભાઈના પ્રત્યક્ષદર્શનનો યોગ સધાયો! રંગીન, અડધી બાંયનું ટી-શર્ટ, ડૅનિમ જીન્સ અને પાતળી ફ્રેમનાં ચશ્માંમાં એમનું વ્યક્તિત્વ પ્રભાવક લાગેલું. અજિત ઠાકોર, માય ડિયર જયુ, મોહન પરમાર, મણિલાલ હ. પટેલ, પરેશ નાયક, રામચન્દ્ર પટેલ, રાજેન્દ્ર પટેલ જેવા પ્રસ્થાપિત વાર્તાકારોની વચ્ચે હું તદ્દન નવો નિશાળિયો. મને બરાબર યાદ છે; ભારે થડકારા સાથે મેં ‘પાટ’ વાર્તા વાંચેલી. સુમનભાઈ વિશે મનમાં પૂર્વગ્રહ કે એ કોઈની શેહશરમ રાખતા નથી, તેથી બરાબરનાં ‘છોતરાં’ કાઢશે! પરંતુ, એમણે પહેલાં વાર્તાની કેટલીક ખૂબીઓ અને પછી ત્રુટિઓ વિશે ઉદારતાપૂર્વક ધ્યાન દોર્યું. કબૂલવું જોઈએ કે એ ઔદાર્યને લીધે જ મનમાંથી પેલો થડકો સમૂળગો નીકળી ગયો.

એ પછીની ફૉરમની શિબિરોમાં કૃતિને ધ્યાને રાખી સુમનભાઈ જે બોલે એ બધું અંકે કરતો રહ્યો. અનેક પાશ્ચાત્ય વાર્તાકારો-વિવેચકોનાં નામોની સાથોસાથ ‘નૅરેટોલૉજી’, ‘ફોકલ પૉઈન્ટ’, ‘પૉઇન્ટ ઑવ વ્યૂ’, ‘સિંગલ ઇફેક્ટ’ જેવા પારિભાષિક શબ્દોનો પરિચય સુમનભાઈના માધ્યમથી જ થયો.

નોંધવું જોઈએ કે આ શિબિરો દરમ્યાન સુમનભાઈના વ્યક્તિત્વનું સૌથી વધારે ગમેલું પાસું તે, કોઈ પણ પ્રકારની ઉચ્ચાવચતા વગર વાર્તા અને વાર્તાકારનો સાહજિક સ્વીકાર. સૌનો સમાદર કરે. સલામ કરવાનું મન થાય એવી સમદર્શિતા. વાર્તાકલાનાં વિવિધ ઓજારો વડે કૃતિને તપાસી, દાખલા-દલીલો સાથે ખાસિયતો-ખામીઓ ચીંધી બતાવે. પરિણામે, એમના વિવેચકીય જ્ઞાનભાર તળે દબાઈ જવાને બદલે કશુંક નવું શીખવા મળે. બીજું, માય ડિયર જયુ કે રાજેન્દ્ર પટેલની સાત-આઠ પાનાંની વાર્તા હોય કે અજિત ઠાકોર-મોહન પરમારની પંદર-સત્તર પાનાંની. સધૈર્ય સાંભળે. એક શિબિરમાં હરીશ મહુવાકરે લગભગ ચાલીસેક પાનાંની વાર્તા વાંચી હતી. બધા અકળાતા હતા. પરંતુ સુમનભાઈ સહેજ પણ વિચલિત થયેલા નહીં. ચર્ચાને અન્તે હળવી ટકોર કરેલી કે, હરીશ‍‍! આની સરસ લઘુનવલ થઈ શકે. બલકે, આ તેં જે વાંચી તે લઘુનવલ જ છે. પછી, અન્ય વાર્તાકારોને પણ સૂચન કર્યું કે, બે દિવસમાં આપણે પંદરથી પણ વધુ વાર્તાઓ વાંચવાની થતી હોઈ, શક્ય હોય તો ટૂંકી વાર્તા લઈને જ આવવું.

સુ.જો.સા.ફો. જેવા સંક્ષિપ્ત-લાડકા નામથી અમે સૌ જેને ઓળખીએ છીએ, તે ફૉરમની હવેની શિબિરોમાં અંગત કારણોસર જઈ શકાતું નથી, એ અલગ વાત છે. પરંતુ, આજે પણ સહર્ષ સ્વીકારવું ગમે કે હું એ શાળામાં ઘડાયો છું, જ્યાં અત્યારે સાગર, અભિમન્યુ, રામ, અજય-વિજય સોની કે અન્ય નવોદિતો ઘડાઈ રહ્યા છે. હજી પણ એ દ્વિદિવસીય શિબિરો અને એની વિદ્વત્તાપૂર્ણ ચર્ચાઓ સાંભરે છે, કેવળ અને કેવળ સુમનભાઈને લીધે.

હવે વાત, સુમનભાઈની મને ગમતી એક કૃતિ વિશેની.

આપણને સૌને વિદિત છે કે પ્રતીકોની દુર્બોધતા અને ચબરાકીભર્યાં કમઠાણોને લીધે ઉદ્‍‍ભવેલી સંદિગ્ધતા અને રચનામાંથી લગભગ નિર્મૂળ થતી રહેલી જીવનાભિમુખતાને પરિણામે એક કાળે આધુનિક વાર્તાને વાચકપ્રીતિ ગુમાવવી પડી હતી. આનંદની વાત એ કે એવે ટાણે આધુનિકતાનાં એ બધાંય વાનાંને સાવ પોતીકી રીતે પ્રયોજી પ્રથમ સંગ્રહ ‘અવરશુંકેલુબ’ની રચનાઓથી જ સુમનભાઈ નિજી મુદ્રા ઉપસાવી શક્યા હતા. એમના સાત સંગ્રહોની મોટાભાગની રચનાઓથી હું પરિચિત છું. ‘છોટુ’, ‘રીંછ’, ‘દાદરા’, ‘મજાનો ડખો’, ‘કાકાજીની બોધકથા’, ‘ટૉમેન’, ‘ચાહવું એટલે ચાહવું’, ‘ફટફટિયું’, ‘ટૉયોટા’, ‘ધજા’, ‘વર્ચ્યુઅ‍‍લિ રીયલ સૂટકેસ’, ‘જામફળિયામાં છોકરી’, ‘એ અને ટૅરિટોરિયલ બર્ડ્‍‍ઝ’ અને એની સિક્વલ્સ જેવી અનેક વાર્તાઓ કથનકલા અને પાત્રોની માનસિકતાનાં નોખાં નિરૂપણને લીધે મને પ્રિય છે. પરંતુ અહીં હું જે રચના વિશે વાત કરવા માગું છું તેનું નામ છે: ‘ઇ. ઇ. ડબલ્યુ. યાને સંકટ સમયની બારી’. સ્પષ્ટ કહું કે, નાયકના સંકુલ મનોવિશ્વની સરળ કથનપદ્ધતિએ થયેલી અભિવ્યક્તિને લીધે એ મને વધુ પ્રિય છે. સાથોસાથ, એ –સાંપ્રત સમસ્યાઓ સાથે આપણો સર્જક પાનું પાડતો નથી –એવા મહેણાનો જડબાતોડ જવાબ પણ છે.

ટ્રેનની મુસાફરી નિમિત્તે એક સંવેદનશીલ, મધ્યવર્ગીય વ્યક્તિના ચિત્તમાં આકારિત થતાં સંવેદનો અહીં બખૂબી આલેખાયાં છે. રેલવે સ્ટેશનના ધમાલયુક્ત પરિવેશથી આરંભાયેલી અને S-5 ડબ્બાની, લોઅર બર્થ-20 આસપાસ આકાર પામેલી આ વાર્તામાં; કશાક કામસર પોતાના નાનકડા શહેરને છોડી, દરિયાકિનારાના ઉકળાટિયા શહેરમાં લગાતાર દસ દિવસ હડદોલાયા બાદ બર્થ પરથી ઝીણી ઝીણી વિગતોનું નિરીક્ષણ કરતા નાયક શંકરને પત્ની સુલોચના સાંભરી આવતાં ઘેર પહોંચવાની મીઠી ચટપટી ઊપડે છે. કારણ? પત્ની માટે લીધેલી પૂણેરી સાડી અને સાચા હીરાના બે કાપ.

બધું સમુસૂતરું ચાલી રહ્યું છે. નાઇટટ્રેનની રાત ને એ રાતમાં ઊંઘભરી મુસાફરીને લ્હાવો માનતા શંકરને એમ છે કે ધારણા મુજબ ઊંઘ આવી જશે, રાત સુખમાં વીતી જશે, ને ભલી પડશે સવાર! પણ અચાનક નજર સામેની એક બારી પર પડે છે અને ઊંઘ હરામ થઈ જાય છે. ચાર ઊભા સળિયા અને લાલ ચોકઠાવાળી બારી જોઈને આશ્ચર્ય અનુભવતો એ ખુલ્લી દીવાલ પર આછા કાળા અક્ષરોમાં હિંદી અને અંગ્રેજીમાં છપાયેલો શબ્દ ‘આપાત‍‍કાલીન ખિડકી’ વાંચી રીતસર બેઠો થઈ જાય છે. એના ચિત્તમાં તરત લાઈટ થાય છે કે, પેલી ક્રૂર દુર્ઘટના પછીની આ નવતર વ્યવસ્થા છે.

આ દૃશ્યથી હવે કેન્દ્રમાં આવે છે: ‘ઈમરજન્સી ઍક્ઝિટ વિન્ડો’ અને શંકરના મનોવ્યાપારો. લેખકે નામ પાડ્યું નથી. પરંતુ, લૂસ થઈને પડી રહેલા શંકરના ચિત્તમાં ઉપસેલાં દૃશ્યોમાં ગુજરાતની એ ગોઝારી ઘટનાનું યથાતથ આલેખન છે. આવા જ કોઈ ડબ્બામાં અનેક લોકોને જીવતા જલાવી દેવાયેલા એ દૃશ્યનું કથક દ્વારા વિશિષ્ટ શૈલીએ થયેલું નિરૂપણ રુંવાડાં ખડાં કરી દે તેવું છે. દુ:ખી શંકરને થાય છે કે એ અમાનવીય અને કરુણ દુર્ઘટનાના ઉકેલરૂપે સરકારે કરેલી આ વ્યવસ્થા સગવડ નથી પરંતુ અગવડ છે. રેલવેવાળાની કેટલી મોટી જવાબદારી અને તેનો આ ખિડકી તે કેટલો નાનો, તુચ્છ અને બાલિશ ઇલાજ છે!

અંધારિયા પૅસેજમાં થઈ ટૉયલેટથી પરત ફરેલો શંકર પોતાની બર્થ વચ્ચેની પગ મૂકવાની જગ્યામાં પેટીનું ઉશીકું કરીને સૂતેલા એક માણસને જુએ છે, ત્યાંથી વાર્તા એના કેન્દ્ર તરફ તીવ્ર વેગે ગતિમાન થાય છે. પેલા માણસને બદલે ટીસીને કશુંક કહેવા ગયેલો શંકર ટીસી ન મળતાં પાછો ફરે છે, એ દરમ્યાન પેલા અજાણ્યા જણ પાસેથી જાણવા મળે છે કે એ બીમાર છે, અને એનું આરએસી ક્લિયર ન થતાં આ રીતે જગા કરી સૂતો છે. એ પછી દવા લેવા માટે શંકરની બૉટલમાંથી પૂછ્યા વિના પાણી પીવાની પેલા માણસની ચેષ્ટા વ્યથિત શંકરને વધુ વ્યગ્ર કરી મૂકે છે. એ સંદિગ્ધ જણ, એની પતરાની પેટીને લીધે ઉદ્‍‍ભવેલો અકથિત ભય અને પેલી ખિડકી વગેરે શંકરને સૂવા દેતાં નથી. અર્ધજાગ્રતાવસ્થામાં એને બારી બહાર લંબાતાં જતાં H: વૃક્ષો, ખેતરો, ડુંગરા, આકાશ અને તારા લગી પહોંચીને સંકોચાતાં દેખાય છે. અહીં અવિરત દોડ્યા કરતી ટ્રેનની ગતિ નાયકની ચિત્તસૃષ્ટિને અનંત લગી દોરી જતી જણાય છે.

સવારે લાલ ખમીસવાળા કૂલી દ્વારા ઢંઢોળાયેલો શંકર ભડકીને બેઠો થતાં બબડી ઊઠે છે કે, ના, બધા H એવા નથી. જોઈ શકાય એમ છે કે એના દિલોદિમાગમાં પૂર્ણપણે ચિતરાયેલી પેલી આપાતકાલીન ખિડકીની આકૃતિ અને લાલ રંગ સહેજ પણ ભૂંસાયાં નથી. બારી બહાર જોતાં ખબર પડે છે કે પોતાનું સ્ટેશન આવી ચૂક્યું છે. સામાન સમેટી ડબ્બો છોડતી વખતે પેલો માણસ સાંભરી આવે છે. પરંતુ ખુશ થતો એ સ્ટેશન બહાર નીકળી રિક્ષામાં બેસી પડે છે, ત્યાં જ પોતાના શહેરની સ્વચ્છ અને સુઘડ હવામાં પ્રશ્ન થાય છે: સુલોચનાને પોતે પહેલું શું આપશે? પૂણેરી સાડી? હીરાના કાપ? કે આ ઈ. ઈ. ડબલ્યુ.?

કથક તરફથી આપણને ઉત્તર મળે છે કે –કદાચ, ઈ. ઈ. ડબલ્યુ. આ ઉત્તર ફિક્કું મલકતા નાયકની વિચલિત મનોસ્થિતિનું સૂક્ષ્મ સૂચન છે.

આપણે સૌ સુપેરે જાણીએ છીએ કે વાર્તાપ્રવાહના દરેક તબક્કે સુમનભાઈની વાર્તાઓ વિલક્ષણ રહી છે. પ્રમાણમાં ઓછી જાણીતી, પરંતુ સમયચેતનાને પ્રમાણતી આ વાર્તા તત્કાલીન દુર્ઘટના તથા એ માટે જવાબદાર તંત્રની સંવેદનહીનતા અને એના અર્થહીન ઉકેલ તેમજ છટકબારીની સરળ યદ્યપિ આસ્વાદ્ય કથનકલા તેમજ વિશિષ્ટ ભાષાકર્મને લીધે, સુમનભાઈની અન્ય રચનાઓથી ઘણી નૉખી પડે છે. સંવેદનશીલ નાયકને આવતા વિચારોના નમૂનારૂપે એક નાનકડું ઉદાહરણ:

“ખબર તો નથી, પણ શરૂમાં બચાવો બચાવો, ખોલો ખોલો જેવા બૂમબરાડા થયા હશે, જ્યાંત્યાં વીંઝાયા હશે –અહીં તહીંની ભાગંભાગ, બારણાં ખોલો, બારણાં –એમ ધમપછાડાઓમાં બધાં બધે ભમી વળ્યાં હશે: અમને બહાર કાઢો કોઈ, અરેરે, ભઈલા, ઓ મા ઓ બાપા –એમ કરગરતી બધી રોકકળો થવા લાગી હશે.”

નર્યા આધુનિક ગણાયેલા સર્જક સુમન શાહ પાસેથી આવી અલગ પ્રકારની, સામાજિક નિસબત ધરાવતી રચના મળે એ ગુજરાતી વાર્તાસાહિત્ય માટે ઓછા આનંદની ઘટના નથી.

– દશરથ પરમાર

પુષ્પકુંજ સોસાયટી, કાંસા ઍન. એ. વિસ્તાર, વિસનગર-384 315 (ઉ.ગુ.)

મો: 94274 59305

*