zoom in zoom out toggle zoom 

< સુમન શાહ સાહિત્યસંપુટ

સુમન શાહ સાહિત્યસંપુટ/૧. જયેશ ભોગાયતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કથા-સિદ્ધાન્ત

(પ્ર. આ. જાન્યુઆરી, ૨૦૦૨)

જયેશ ભોગાયતા

સુમન શાહ સાહિત્ય સંપુટના સંપાદનના આયોજન પ્રમાણે ખંડ-૩માં એમના વિવેચનગ્રંથોમાંથી પસંદ કરેલા વિવેચનલેખોને કેન્દ્રમાં રાખીને એમના સાહિત્યવિવેચનની વિશેષતાઓ દર્શાવવાનો છે. એ આયોજનના સંદર્ભે મેં નીચે દર્શાવેલા ૪ લેખોને આધારે એમના સાહિત્યવિવેચનની વિવિધ ભૂમિકાઓ અને પદ્ધતિઓનો પરિચય આપ્યો છે. અહીં પસંદ કરેલા લેખો કથાસાહિત્યના સિદ્ધાંતલક્ષી લેખો છે. એ લેખોનાં શીર્ષકો નીચે પ્રમાણે છે.

પસંદ કરેલા લેખોની યાદી

૧. સાહિત્યપ્રકાર અને વિભાવના – ટૂંકી વાર્તાના સંદર્ભમાં / ૧

૨. નવલિકાની કલાઃ રૂપ, સંરચના, ટેક્‌નિક / ૭૬

૩. વાર્તાકારની સામેના પડકારો / ૧૧૬

૪. દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા / ૧૩૧

‘કથા-સિદ્ધાન્ત’ પુસ્તકમાં કથાસાહિત્ય વિશેના કુલ ૨૨ સિદ્ધાન્તલક્ષી લેખો છે. સાહિત્યિક કારકિર્દી દરમ્યાન લખેલા લેખો કથાસાહિત્યની –આધુનિક કથાસાહિત્યની મીમાંસાના છે. આ પુસ્તક વિશેના મારા વિવેચનલેખમાં વિવેચકની સિદ્ધાન્તવિચારણાનું મૂલ્ય દર્શાવ્યું છે.

સુમન શાહ સાહિત્ય સંપુટ ખંડ ૩ના આયોજન પ્રમાણે અહીં મેં ટૂંકી વાર્તાની સિદ્ધાન્તવિચારણા દર્શાવતા ચાર લેખો પસંદ કર્યા છે. આ ચાર લેખોને કેન્દ્રમાં રાખીને સુમન શાહની ટૂંકી વાર્તાની સાહિત્યવિચારણાની સમીક્ષા કરી છે.

વિવેચકનું નિવેદન સાવ ટૂંકું છે.

‘કથા-સાહિત્ય એટલે નવલકથા અને નવલિકા – ટૂંકી વાર્તા. અહીં આ બંને વિશેના સિદ્ધાન્તલક્ષી વિવેચનલેખો રજૂ કર્યા છે. મિજાજ, સમય અને કદના અણસરખા વૈવિધ્ય સાથે એમાં મારી કથાસાહિત્યને વિશેની સમજનું એક ચોક્કસ સાતત્ય છે, કંઈ નહીં તો ૧૯૭૫થી ૨૦૦૧ સુધીની પૂરાં ૨૬ વર્ષની મથામણનો એમાં ગ્રાફ છે, વૈયક્તિક ભૂમિકાનો ઇતિહાસ છે. આશા છે એની નિરીક્ષા-પરીક્ષા થશે.’ ૧૦ જાન્યુઆરી, ૨૦૦૨

નિવેદનમાં વિવેચકે વિવેચનલેખોનું આંતરબાહ્ય સ્વરૂપ દર્શાવ્યું છે. પ્રત્યેક લેખ મિજાજ, સમય અને કદની બાબતે ભલે જુદો પડે એકબીજાથી, પણ તેમાં વિવેચકની કથાસાહિત્યને વિશેની સમજનું સાતત્ય છે, ૨૬ વર્ષની મથામણનો ગ્રાફ છે –આલેખ. કથાસાહિત્ય વિશેની વિવેચકની વૈયક્તિક ભૂમિકાનો ઇતિહાસ છે. વિવેચનલેખોનું સઘન વાચન કરીએ તો વિવેચકની કથાસાહિત્યની વિભાવનામાં નવીનતા સહિતના સાહિત્યના સાતત્યની પ્રતીતિ થશે. ૧૯૭૫ના વર્ષના પ્રથમ લેખથી શરૂ કરીને જ્યારે ૨૦૦૧નો છેલ્લો વિવેચનલેખ વાંચીશું ત્યારે વિવેચકની સ્વરૂપવિચારણાનું સ્તર સતત નવાં સોપાનો સિદ્ધ કરતું જોવા મળશે. કથાસાહિત્યનો વિભાવ સતત વિવેચકના ચિત્તમાં ઘૂંટાતો રહ્યો છે ને હજુ પણ ઘૂંટાતો જાય છે. એક અવિરત ચાલતી સાહિત્યમીમાંસા! વિવેચકે નોંધ્યું છે તેમ આ પુસ્તકની નિરીક્ષા-પરીક્ષા થશે તેવો આશાવાદ છે, પરંતુ એકાદ-બે અપવાદોને બાદ કરતાં આ પુસ્તકની ન તો નિરીક્ષા થઈ છે, ન તો પરીક્ષા. એ બસ એમ જ પ્રતીક્ષા કરે છે. આ પ્રકારના ગંભીર સ્વરૂપના પુસ્તકની સમીક્ષા કરવાનું વલણ સાવ જ મંદ પડી રહ્યું છે.


૧. ‘સાહિત્યપ્રકાર અને વિભાવના – ટૂંકી વાર્તાના સંદર્ભમાં’

આ વિવેચનલેખની પૃષ્ઠસંખ્યા ૧૧ પેજની છે. સૌ પ્રથમ મલાડ ખાતેના ગુજરાતીના અધ્યાપક સંઘના અધિવેશનમાં વાંચેલું વ્યાખ્યાન છે. એ પછી ‘સ્વાધ્યાય’ સામયિકમાં પ્રગટ થયો ૨૫-૧૦-૭૫માં અને ૨૦૦૨માં ગ્રંથસ્થ થયો.

લેખના આરંભે જ વિવેચકે વિભાવના ખુદની કાર્યપદ્ધતિની મર્યાદા દર્શાવી છે. વિભાવનાઓ ભીંતો ઊભી કરે છે, બિનજરૂરી લક્ષણોને મહત્ત્વ આપે છે. સર્જકની ટૂંકી વાર્તાઓ વિભાવનાને કાલગ્રસ્ત બનાવી દે છે. સર્જનમાંથી ઘડાતી વિભાવનાનું મૂલ્ય છે, નહીં કે સર્જનને દોરતી વિભાવનાનું. કલાકૃતિ રસાનુભૂતિ કરાવે, કલાતત્ત્વનું અભિજ્ઞાન કરાવે તે જ ખરી વિભાવના.

વિવેચકે ટૂંકી વાર્તાની વિભાવનાનો એક ચિંતનપરક ઇતિહાસ આપીને ટૂંકી વાર્તાનાં વ્યાવર્તક લક્ષણોની વિચારણા કરી છે. ગુજરાતી વિવેચનમાં ટૂંકી વાર્તાની વિભાવના રજૂ કરતી પારિભાષિક સંજ્ઞાઓની સીમાઓ દર્શાવી છે. ૧૯૭૫ના વર્ષ સુધીમાં ટૂંકી વાર્તાની જે જે વિભાવનાઓ રજૂ થઈ તે નોંધપાત્ર નથી જણાઈ. પરંતુ ગુજરાતી ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણાનો ઇતિહાસ તપાસીએ તો સુરેશ જોષી સુધી આવતાં તો ઘણી ગંભીર પ્રકારની વિચારનાઓ મળે છે. ધૂમકેતુ, દ્વિરેફ, જયંતિ દલાલ અને મડિયા-મેઘાણીએ સ્વરૂપ વિશેની મૂળગામી ચર્ચા કરી છે. આ આધારોને સાથે રાખીને વિવેચકના મતની પરીક્ષા કરીએ તો વિવેચકના મત સાથે સમ્મત થઈ શકીએ નહીં. ઇતિહાસને અવગણવાની રીત યોગ્ય નથી. (આધાર માટે મારાં બીજાં બે સંપાદનો નોંધું છું. ‘ગુજરાતી સાહિત્યવિવેચનમાં ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણા ખંડ ૧ અને ખંડ ૨, પ્ર.આ. ૨૦૧૬. પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ)

ફરી પાછા વિવેચનલેખમાં પ્રવેશીએ. વિવેચકે એડગર એલન પોએ ટૂંકી વાર્તાની વ્યાવર્તકતા દર્શાવવા માટે આપેલી બે પારિભાષિક સંજ્ઞાનો જે વિશ્લેષણબુદ્ધિથી અર્થવિસ્તાર કર્યો છે તે ઉત્તમ છે.

The Prose tale (certain uniqueness)

Single effect

આ બે સંજ્ઞાનું સૂક્ષ્મ વિશ્લેષણ કરતાં કરતાં લાઘવથી ટૂંકી વાર્તાનું કાવ્યશાસ્ત્ર રજૂ કર્યું છે!

કથા-વાર્તા કહેવાની-આલેખવાની રીતની સાર્થકતા દર્શાવી છે. વાર્તાનું ગદ્ય કઈ રીતે વ્યવહારના ગદ્યથી ભિન્ન છે તેની ચર્ચા કરી છે. વાર્તાલેખનમાં નિરૂપણને મહત્ત્વનું ગણે છે. નિરૂપણની વિવિધ રીતોનો નિર્દેશ છે. એડગર એલન પૉની વિચારણામાં ‘પાઠ-રચના’નો વિભાવ જોડીને વિચારણામાં નવાં પરિમાણો ઉમેરે છે.

પાઠ-રચના બે સ્વત્વો છે, સામયિક અન્વય (temporal sequence). બીજું સ્વત્વ તે વસ્તુપરક (કન્ટેન્ટ ડાયમેન્શન). આ પાઠ-રચનાનો સંદર્ભ કથા-વાર્તાનું સ્વાયત્ત સ્વરૂપ દર્શાવે છે. (‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો’માં છે તેમ આ લેખમાં પણ વચ્ચે વચ્ચે વિવેચકની આપણા વિવેચનની મર્યાદા બતાવતા રહેવાની ટેવ ગંભીર ચર્ચામાં વિક્ષેપ ઊભો કરે છે.) ટૂંકી વાર્તાની ભાષા એ વ્યવહારભાષાની તાર્કિકતાથી મુક્ત થવાનો ગંભીર પ્રયાસ છે. ‘tale’માં કથાતત્ત્વ છે જે રોજિંદા વાસ્તવ સાથે જોડાયેલું છે. કથા-વાર્તામાં તેનો ઓછામાં ઓછો અંશ ટકાવી રાખવાનો છે. વાર્તાસર્જક બંને વ્યહવહારના અંશોને સાચવતાં સાચવતાં તેમાથી મુક્ત થવાની સભાનતા સાથે સર્જનક્ષણે એક તંગ અવસ્થાનો અનુભવ કરે છે. તંત્રઅવસ્થાને કલાના હેતુ સાથે સંબંધ છે, મૂળ તથ્યને રસકીય તથ્યમાં રૂપાંતરિત કરવાની કલા.

બીજો વિભાવ Single effect. આ સિન્ગલ ઈફૅક્ટ ટૂંકી વાર્તાનું ટૂંકાપણું નક્કી કરનારું લક્ષણ છે, વ્યાવર્તક લક્ષણ છે ‘અનન્ય અસર’. એકત્વમાં અનેકત્વનું સૂચન. એક વડે અનેકને પામી શકાય. ટૂંકીવાર્તાકારે એકત્વ અનેકત્વનું સૂચક કે વ્યંજક બની રહે તેવો પુરુષાર્થ કરવાનો છે. ટૂંકી વાર્તાનું મર્યાદિત ફલક સર્ગશક્તિ માટે કસોટીરૂપ છે. વિવેચકે વિવેચનલેખના કેન્દ્રમાં ટૂંકી વાર્તાને એક રસકીય કોટિ તરીકે લેવાની વાતને સિદ્ધ કરવી તે છે. સાહિત્યપ્રકારોની નવી વ્યાખ્યા આપે છે ‘સર્જનોન્મેષમાંથી સારવેલાં-તારવેલાં માળખાંઓ છે. પ્રકાર અને સર્જનનું દ્વંદ્વ ઉત્તમ સર્જનમાં નષ્ટ થઈ ગયું હોય છે.’

ટૂંકી વાર્તા વિશેની નૂતન વિભાવના દ્વારા વિવેચકે ટૂંકી વાર્તાની રસકીય ઓળખ સિદ્ધ કરી છે. ટૂંકી વાર્તા એક શુદ્ધ કલાસર્જક કલાપ્રકાર છે –પ્યૉર ક્રિએટિવ આર્ટ ફૉર્મ. વિવેચકની સ્વરૂપવિચારણા પછીના ત્રણ સ્વાધ્યાયલેખમાં વિસ્તરી છે ને ‘દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા’ વિવેચનલેખમાં આગળ ત્રણેય લેખો રસાઈ ગયા છે, ઓગળી ગયા છે.


૨. ‘નવલિકા કલાઃ રૂપ, સંરચના, ટેક્‌નિક / ૭૬

આ વિવેચનલેખમાં ટૂંકી વાર્તાના અસ્તિત્વપરક સ્થાન વિશે કલામીમાંસાની પદ્ધતિએ રજૂ થયેલું કલાકૃતિનું ચિંતન છે. નવલિકાની કલા શેને આભારી છે તેવો પાયાના પ્રશ્નનો પદ્ધતિસરનો ઉત્તર તે આ વિવેચનલેખ, જેનું સમાપન બે ટૂંકીવાર્તાની સંરચના અને ટેક્‌નિકના પરિચય વડે કર્યું છે.

‘રૂપ’ સંજ્ઞાનું સ્વરૂપ પ્રગટ કરવા માટે આચાર્ય ભરતમુનિએ પ્રયોજેલા રસસૂત્રમાંની ‘સંયોગાત્’ સંજ્ઞાના સૂચિતાર્થો દર્શાવ્યા છે. કલાસર્જનમાં પ્રાણપ્રશ્ન છે સામગ્રીના સંયોગનો એટલે કે રૂપનિર્મિતિનો. રૂપની અનન્યતાનો આધાર સર્જકની વૈયક્તિક પ્રતિભા છે. રૂપનિર્મિતિનો પ્રારમ્ભ પસંદગીથી થાય છે. પ્રસંગ, બનાવ કે ઘટનાનાં ત્રણ અંગો સમય, સ્થળ અને વ્યક્તિ છે. આ ત્રણ વડે ઘટના વર્ણવાય છે તેમાં પરિમાણોનું સ્વરૂપ બદલાતું રહે છે. એ પરિમાણો ભૌતિક પણ ચૈતસિક પણ હોય. વિવેચકની ‘રૂપ’વિચારણા ટૂંકી વાર્તાની કલાસૃષ્ટિનું સ્વરૂપ દર્શાવે છે. એ સૃષ્ટિનું સ્વાયત્ત, સ્વપ્રમાણિત, સ્વયંપર્યાપ્ત સ્વરૂપ દર્શાવ્યા પછી વિવેચકનો વિચાર જબરો વળાંક લે છે ને ‘રૂપ’ને સિદ્ધ કરતી સ્વનિર્દેશકતાની મર્યાદાને દર્શાવે છે. જે રૂપવાદનાં ગૃહીતોની સમજ આપે છે તે જ રૂપવાદની મર્યાદાઓનું સંરચનાવાદી ચિન્તનના ટેકાથી નિરસન કર્યું છે. વિવેચક મૂળગામી પ્રશ્ન પૂછે છે કે રૂપને કોણ ધારે છે? ઉત્તર આપે છે કે અમુક રૂપવિશેષ હંમેશાં સંરચનાવિશેષને આભારી હોય છે. કૃતિ જે વાસ્તવિકતામાંથી આવી છે એથી સર્વથા નિયન્ત્રિત હોય છે. કલાકાર સંસ્કૃતિમાં ઉપલબ્ધ એવી અનેક બિનભાષાકીય સંરચનાઓ પ્રત્યેનું કથાલેખકોનું સમીક્ષક કલાબિંદુ કલામાં નિર્ણાયક બને છે. કલાકારે સર્જેલો સંરચના-સંરચનાવ્યાપાર કૃતિથી સંસ્કૃતિમાં પડનારા ફર્ક માટે જવાબદાર ઠરતો હોય છે તે પ્રકારનું વિવેચકનું દૃષ્ટિબિંદુ મૂળભૂત સંરચનાઓનો હ્રાસ કરતી સર્જકતાની પ્રશંસા કરે છે.

‘ટેક્‌નિક’ એટલે કૌશલ. જેમાં સૌંદર્ય અને દર્શનની યુગપત્ લબ્ધિ હાંસલ થાય એવું નોંધીને ‘ટેક્‌નિક’ એટલે આયાસ કે કૃત્રિમતા તેવી ગેરસમજને સ્વીકારતા નથી પરંતુ કથા-વાર્તાની કથનપદ્ધતિઓની સર્જકતા વર્ણવે છે. કથા માત્ર કથન નહીં પણ સંસંયોજન (કૉલાજ), સન્નિપાત (એસેમ્બ્લાજ) કે સન્નિધિકરણ (જક્સ્ટાપોઝિશન)ની પદ્ધતિઓ વડે પણ નિરૂપી શકાય છે. વિવેચકનું ટેક્‌નિક વિશેનાં પ્રસ્તુત દૃષ્ટિબિંદુથી કોઈ નમૂનારૂપે વાર્તાનું વાચન કરીએ તો રૂપ, સંરચના અને ટેક્‌નિકના વિભાવની પ્રત્યક્ષ પ્રતીતિ થઈ શકે. અહીં સર્જકો જ્યારે ટૂંકી વાર્તા દ્વારા સમાજમાન્ય પરંપરાઓ, માન્યતાઓ અને વિભાવનાઓની સ્થિર સંરચના તોડે છે ત્યારે ત્યાં સર્જેલા અવકાશમાં નૂતન દૃષ્ટિબિંદુ રજૂ કરવા માટે વિવિધ નિરૂપણરીતિઓનો વિનિયોગ કરે છે. વિવેચકે સુરેશ હ. જોષીની ‘એક મુલાકાત’ વાર્તા આ સંદર્ભમાં સમાજસ્થિત પ્રાપ્ત સંરચનાને તોડીને પોતાનો સર્જક-હેતુ આબાદ સિદ્ધ કરે છે તે દર્શાવ્યું છે. ખરેખર તો, ઘટનાહ્રાસની વિભાવનાને આ ત્રણ સંજ્ઞાના સંદર્ભમાં વધુ સારી રીતે સમજાવી શકાય તેમ છે. સુરેશ જોષીની ‘જન્મોત્સવ’; ‘ગૃહપ્રવેશ’ કે ‘નળદમયંતી’ જેવી વાર્તાઓમાં સમાજસ્થિત સંરચનાઓનો હ્રાસ કરવા માટે કેવી કેવી ટેક્‌નિક પ્રયોજાઈ છે, તેની તપાસ કરવાથી કલાનાં ત્રણ અંગોનું સત્ય પ્રગટ થઈ શકે. એ જ રીતે દલિતકેન્દ્રી વાર્તાઓનું આ ત્રણ કલાવિભાવના સંદર્ભમાં વાચન કરીએ તો સર્જકે કેવી કેવી પ્રયુક્તિઓ યોજી છે તે જાણી શકાય. પરંતુ જ્યાં અભિધાના સ્તરે કે વાચાળ બનીને સંરચનાઓના દમનથી કથા રજૂ થાય છે, ત્યાં કલાકારનો પ્રવેશ થયો નથી તેવું જાણવા મળે છે.

વિવેચકની ટૂંકી વાર્તા નિમિત્તેનું કલામીમાંસાપરકનું ચિંતન વિવેચનના નવા પ્રદેશો તરફ જવા પ્રેરે છે.


૩. ‘વાર્તાકારની સામેના પડકારો / ૧૧૬

આ વિવેચનલેખ ૧૯૮૭ના ખેવનાના ત્રણ અંકોમાં પ્રગટ થયો હતો. ૧૯૮૭નું વર્ષ એટલે આધુનિકતા મંદ પડવાના અને અનુઆધુનિકતાના પ્રારંભના દિવસો. વિવેચક એ સમયની સ્થગિત થયેલી સર્જકતા સામે આક્રોશ બતાવવા લેખના આરંભે જ ટૂંકી વાર્તા મરવા પડી છે તેવા છાપાંળવા સમાચારોને વીંઝવાને બદલે એ કેમ મરવા પડી છે તેનું નિદાન કરવા પર ભાર મૂકે છે. ‘આપણો વાર્તાકાર કશા પડકાર વિના બસ ટેવજડ બનીને લખ્યે રાખે છે’ એમને સભાન સર્જક બનાવવાના આશયથી આ વિવેચનલેખમાં ત્રણ પડકારોની મીમાંસા કરી છે.

વાર્તાકાર સામેનો પહેલો પડકાર છે અદૃશ્યના સર્જનનો, જે નથી દેખાતું તેનું વાર્તામાં નિરૂપણ કરી બતાવવું. મુષ્યના ચિત્તમાં પડેલાં દૃશ્યો. ખૂબ જ મહત્ત્વનું સત્ય રજૂ કરે છે કે તમે શબ્દ કે બે વાક્ય વચ્ચે જેટલું કહી શકો તેટલું બે શબ્દ કે બે વાક્ય વડે ન કહી શકો. આ પડકાર સૂચવે છે, વાર્તાકારો જે માત્ર નરી આંખે દેખાય તેને જ લખ્યા કરે છે ને એમ વાર્તા મરવા પડે છે.

વાર્તાકાર સામેનો બીજો પડકાર સત્યસર્જનનો. ‘તથ્યરૂપ લાગતી વિગતોનો ઢગલો કરી દેવાથી કોઈ પણ રચના બુલંદ નથી બની જતી.’ (પૃ.૧૨૧) માત્ર સ્થળકાળનાં દસ્તાવેજી વર્ણનો કરવાથી વાર્તામાંથી સત્ય ઉત્ક્રાંત થતું નથી. ‘વાર્તામાંથી ક્રમે ક્રમે કશુંક સત્ય ઉત્ક્રાંત થઈ રહેવું જોઈએ.’ (પૃ.૧૨૧) સત્યના આવિષ્કારો વિનાનો ભારે મોટો કથારસ પણ વાર્તાને વાંઝણી બનાવે છે. વિવેચકે નર્યા કથારસથી છૂટવાની વાત કરી છે.

ત્રીજો પ્રકાર ઘટનાના રૂપાન્તરનો છે. વિવેચકે એમના રૂપનિર્મિતિના વિભાવને અહીં ફરી વિગતે રજૂ કર્યો છે. તેમાં વાર્તા ક્યારે બને છે તે સર્જકપ્રક્રિયાને સરસ રીતે દર્શાવી છે કે વસ્તુના મૂળ ઘમ્મરમાં વાર્તાકાર હંમેશાં કશુંક પોતાનું વલોણું ખોસે છે પરિણામે બને છે વાતની વાર્તા. વસ્તુ મૂળ ઘમ્મરમાં વલોણું ખોસે છે ત્યારે સર્જાય છે વસ્તુનું અદૃશ્ય રૂપ. ‘વાત-વાર્તા વચ્ચેના ભેદનું નામ જ રૂપ છે.’ (પૃ.૧૨૪)

વાર્તાકારની સામેના આ ત્રણ પડકારો આડકતરી રીતે વાર્તા મરવા પડી છે કે માંદી પડી છે તે સ્થિતિનું સૈદ્ધાંતિક નિદાન છે. વાર્તાકાર જ્યાં સુધી આ ત્રણ પડકારોનો સામનો કરતો નથી, ત્યાં સુધી ટૂંકી વાર્તા નામની કલા સર્જી શકતો નથી. કલાસર્જનમાંના આ પડકારોને જાણ્યા-ઓળખ્યા વિના વાર્તા નામે લખાતી થોકબંધ રચનાઓ જ વાર્તાકલાને મારી નાખી છે. તેથી સુરેશ જોષીએ ટૂંકી વાર્તાને મારી નાખી છે તેવી અસૈદ્ધાંતિક ફરિયાદોનો પણ આ વિવેચનલેખ વિરોધ કરે છે કલાસર્જનની ભૂમિકાએથી.


૪. ‘દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા–’ / ૧૩૧

પ્રસ્તુત લેખ તા, ૨૭-૨૮ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ ઘાટકોપર, મુમ્બઈમાં યોજાયેલા ગુજરાતી અધ્યાપક સંઘના ૫૧મા અધિવેશનમાં પ્રમુખસ્થાનેથી આપેલું વ્યાખ્યાન છે. આ અધિવેશનમાં હું ઉપસ્થિત હતો અને સુમન શાહે ૨૧ પેજના વ્યાખ્યાનનું સુંદર વાચન કર્યું હતું અને ઉપસ્થિત અધ્યાપકો માટે પ્રસ્તુત વ્યાખ્યાન સિદ્ધાન્તદીક્ષા પ્રદાન કરનારું હતું.

પસંદ કરેલા ચાર વિવેચનલેખોમાંથી મેં ત્રણ સ્વાધ્યાયલેખોમાં ટૂંકી વાર્તાની વિવેચકે જે સ્વરૂપવિચારણા કરી છે તેનું ઉત્તમ સ્થાન છે. વિવેચકે ટૂંકાં ટૂંકાં વાક્યો અને સાહિત્યતત્ત્વની નક્કર ભૂમિકાના સંકેતો વડે જે રીતે સ્વરૂપવિચારને આકાર આપ્યો છે તેની અસર કાયમ રહી છે. પ્રસ્તુત લેખને એક સિદ્ધાન્તકથા તરીકે વાંચી શકાય તેવી કથનાત્મકતા છે અને આદિ-મધ્ય-અંતની સંકલના છે ને જેનું કથનકેન્દ્ર ટૂંકી ભાષાની વાર્તાની ભાષા. ૨૧ પેજના વિવેચનલેખના ઊંડાણને મર્યાદિત શબ્દસંખ્યામાં રજૂ કરવું કઠિન છે તેથી તેના સિદ્ધાન્તસારને નોંધું છું. જીવન જીવતો અને જીવન વડે જિવાતો માણસ સાહિત્યકલાનો વિષય છે. માણસ નામનું નકરું સત્ –એને ભાષા નામના તન્ત્રથી પકડવો ને રજૂ કરવો બહુ કઠિન કામ છે. માણસ સ્વતન્ત્ર છે જ્યારે સાહિત્યની ભાષા એ માત્ર ભાષાતન્ત્ર નથી તેનું સાહિત્યતન્ત્ર છે, કલાતન્ત્ર પણ છે. સાહિત્યજગતમાં માણસ નામનું ચૈતન્ય અને ભાષા નામનું તન્ત્ર એ બંને વચ્ચેની કટોકટી હોય છે. વાર્તાકાર આ કટોકટીનો સામનો કેવી રીતે કરે છે તેની વિગતે વિચારણા કરી છે. ખરા માણસને તેની વ્યક્તિભાષા સમેત, તેના જીવનવિશ્વ સમેત રજૂ કરવાના આગ્રહોને વળગીને લખનાર ઉત્તમ કૃતિ સર્જે છે. તે સર્જક ભાષાસાહિત્યને ખોદે છે, (સુરેશ જોષીએ ભાષાને માંજવાની વાત કરી છે.) ખોદવી એટલે તેનાં ઉપરનાં સ્તરોને ભેદવાં. પરિચિતનું ઉલ્લંઘન કરવું.

કૃતિસ્વરૂપનું અન્ય ફળ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે સર્જનાત્મક પ્રક્રિયાને સરસ રીતે રજૂ કરી છે. ‘માણસ પોતાનાં સાંસ્કૃતિક, સામાજિક આવરણોથી વિમુક્ત તેની પોતાની વ્યક્તિભાષામાં તેના નિજી જી-વ-નવિશ્વમાં પ્રગટતો હોય છે, ત્યારે ભાષા પોતાના તમામ તાંન્ત્રિક પ્રપંચોથી મુક્ત, પોતાની કહેવાતી સાહિત્યિકતાથી મુક્ત, અદૂષિત, નરી ભાષા હોય છે. માણસ ઘટના હોય છે, ભાષા ઘટના હોય છે.’ (પૃ.___)

આપણા આધુનિક સર્જકોની સાહિત્યકલા વિષેની વિભાવના, પૂર્વેના સાહિત્યકારોથી જુદી હતી. પોતાને સમાજસુધારક કે રાષ્ટ્રનો ઉદ્ધારક નથી માનતો પણ માત્ર સાહિત્યકાર છે, કલાસાધક છે. આધુનિકોનો મુખ્ય અભિલાષ શુદ્ધ કલાસર્જનનો હતો. જોકે વક્રતા એવી સર્જાઈ હતી કે સર્જનસાહસિકતા વડે સંસ્થાકરણથી છૂટ્યા હતા છતાં એમનુંય ઠીક ઠીક પ્રકારે સંસ્થાકરણ થયેલું.

વિવેચકે અનુઆધુનિક તબક્કામાં અજિત ઠાકોર વગેરે મિત્રોએ પરિષ્કૃત ગુજરાતી ટૂંકી વાર્તા નામના સાહિત્યિક આંદોલન વડે આધુનિક ટૂંકીવાર્તાકારોનો વિરોધ કર્યો, તળપદ ભાષા અને તળપદ સમાજને આગળ લાવ્યા એવી પક્ષાપક્ષીનો અંત ઇચ્છે છે. ખણ્ડદર્શનોમાં મનુષ્યોની અનાવૃત્ત છબિ ગ્રહવા ઉપર ભાર મૂકે છે.

વિવેચકે આચાર્ય ભરતમુનિએ જે આઠ સ્થાયીભાવોના સ્વરૂપની વિચારણા કરી છે, તે વિચારણાનો મીમાંસાપરક વિસ્તાર કર્યો છે. ભાવો મુખ્ય કહેવાયા પણ એ ‘મારા’ છે, મારા એટલે સંમિશ્ર છે, શબલિત છે, સંદિગ્ધ છે અને સાવ જ અંગત-અસ્પષ્ટ સંમિશ્ર શબલિત અંગત સ્વરૂપોને ગાળી નાખવાનાં નથી, બલકે તે-તેની તેવી સત્તાનો સામનો કરી સર્જનમાં તે-તેનો તાગ મેળવવાનો છે.’ વિવેચકનું ભાવસૃષ્ટિ વિશેનું નવું દર્શન આધુનિક વાર્તાની પાત્રસૃષ્ટિને સમજવામાં ખૂબ જ ઉપયોગી છે. કલામાં અર્થબોધ કે સંક્રમણના પ્રશ્નનો આ ભૂમિકાએ ઉત્તર મળી રહે.

આપણે જેમ જેમ વિવેચનલેખનું ક્રમશઃ એક ધ્યાને વાચન કરતા જઈએ તેમ તેમ વાર્તાસર્જન, વાર્તાભાષા અને ટૂંકી વાર્તાનાં સ્વરૂપ અને કાર્ય વિશેની જે ભિન્ન ભિન્ન વિભાવનાઓ છે તે તમામનું એક સમન્વિત સાયુજ્યપૂર્ણ ચિંતન મળ્યાનો આનંદ થાય છે. વિવેચનલેખની પરાકાષ્ઠા અને નિર્વહણ ટૂંકી વાર્તાની કલામીમાંસાનું સત્ય પ્રગટ કરે છે. વાર્તાસર્જનમાં શું ખૂટે છે તે સમજવા માટે સાવ જ નવી અને મૌલિક પરિભાષા ઘડી છે. એક તરફ કલાબીજ છે એ અ-સિધ્ય છે, અ-પૂર્વ છે, ઇતિહાસયુક્ત છે, તો બીજી તરફ ભાષા છે જે સં-સિધ્ય છે, ઇતિહાસબદ્ધ છે. અ-સિદ્યના લાભમાં સં-સિધ્યનો ક્ષય એટલે કે અ-પૂર્વ કથાબીજના આવિષ્કાર માટે, કથાલેખન માટે પ્રાપ્ય ભાષાનાં રૂપોનો ક્ષય કરવો જેથી અ-પૂર્વ કથાબીજનું સૌંદર્ય પ્રગટ થાય છે. પણ જો સં-સિધ્ય સાથે વાર્તાકાર સમાધાન કરી લે તો અ-પૂર્વનો આવિષ્કાર શક્ય ન બને.

ભાષાના ચાર વિનિયોગોની વાત કરી લીધા પછી અંતે ભાષાના આલેખનશીલ વિનિયોગ અને સર્જનાત્મક વિનિયોગનું કલામૂલ્ય દર્શાવે છે. અનુવાદ-કથન-આલેખન-સર્જનાત્મક એમ ભાષાના ચાર વિનિયોગથી ટૂંકી વાર્તાની ભાષાનું સર્જન થાય છે. એક સારી ટૂંકી વાર્તા આ ચારેય વિનિયોગોની વિશેષતાઓનો લાભ લેતી હોય છે તેવું મહત્ત્વનું તારણ વિવેચનજગતમાં ફેલાતી ઘણી ગેરસમજો અને અજ્ઞાનતાઓને દૂર કરવા સક્ષમ છે. ટૂંકી વાર્તાને કોઈ વાદ, પ્રદેશ કે ભાષાનાં ચોકઠાંમાં પૂરીને તેનો મહિમા કરવાની હુંસાતુંસીથી છૂટકારો આપતો પ્રસ્તુત વિવેચનલેખ સમન્વયકારી કલાવિભાવનાનું-કલામીમાંસાનું સમર્થ ઉદાહરણ છે. વિવેચકે ગુજરાતી ટૂંકી વાર્તાની સર્જન-વિવેચનની આબોહવામાં જે વિસંવાદો, પક્ષાપક્ષી અને મતમતાંતરોનાં રજકણો ઊડ્યાં કરે છે તે બધાંને સમન્વયકારી કલાવિભાવનાથી દૂર કરીને એક પારદર્શી કલામીમાંસાની નૂતન પરંપરાનું સર્જન કર્યું છે. કલામીમાંસાપ્રેમી પ્રત્યેક વાચકે, ભાવકે અને ટૂંકી વાર્તાના સર્જક-વિવેચકે એકી બેઠકે નહીં પણ એક કરતાં વધુ બેઠકોમાં સઘન વાચન કરવું જોઈએ. ટૂંકીવાર્તાસ્વરૂપને સીધા જ સ્પર્શતા પ્રશ્નનો અને પડકારોનો અહીં નિર્વહણમૂલક અંત છે. કૉલેજ-યુનિવર્સિટીના ગુજરાતી અભ્યાસક્રમમાં આ સ્તરના વિવેચનલેખોનું સંપાદન મૂકવું જોઈએ.

સુમન શાહની વર્ષ ૧૯૭૫થી વર્ષ ૨૦૦૧ સુધીની ટૂંકી વાર્તાની વિકાસશીલ કલામીમાંસાનો ગાઢ અનુભવ સિદ્ધાન્તવિચારને ઘડવાની પ્રેરણા આપે છે.

– જયેશ ભોગાયતા

તા. ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૪, બુધવાર, વિશ્વ માતૃભાષાદિવસ, હૈદરાબાદ

મો. 9824053272, mail: tathapi2005@yahoo.com

*