સુમન શાહ સાહિત્યસંપુટ/૧. મોહન પરમાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યસમજ વિસ્તારતા નિબંધો

મોહન પરમાર

સામાન્યપણે આપણે ત્યાં ગદ્યની વિવિધ છટાઓ પ્રગટ કરતા લાલિત્યસભર નિબંધો અને સૃષ્ટિને સ્થિતિગત કરતા આરણ્યક નિબંધો લખવાની ચાલ પહેલેથી છે. ક્યાંક ઊર્મિશીલ સંવેદનો પણ પ્રત્યક્ષ થતાં ભળાય. પણ સુમન શાહ આમેય કોઈના ચીલે ચાલે તેવા નથી. આપણે ત્યાં સાહિત્યિક નિબંધો ઘણા ઓછા લખાય છે. તે લખવા માટે વિદેશી, ભારતીય કે ગુજરાતી સાહિત્ય સાથે ઘનિષ્ઠ નાતો હોવો જરૂરી છે. સાહિત્યિક નિબંધો લખવાની સજ્જતા ત્યારે કેળવાય કે નિબંધકાર સાહિત્યની તમામ વિધાઓ જાણતો હોવો જોઈએ. એથી એથી થોડા આગળ વધીએ તો સિદ્ધાંત-વાદ-મીમાંસાની પ્રત્યેક રગ પર એની હરફર હોય. આપણે સુમન શાહને એક અભ્યાસી વિવેચક તરીકે જાણીએ છીએ. નવલકથા, વાર્તા અને વિવેચનમાં એમણે આગવી પ્રતિભા ઊભી કરી છે. અહીં સૃષ્ટિની ચમકદમકને પ્રત્યક્ષ કરવાની કે ગદ્ય લાલિત્ય દ્વારા લલિત કહી શકાય તેવા કે સ્થળનો વિશેષ મહિમા કરતા નિબંધોના રૂપવિધાનથી તેઓ દૂર રહ્યા છે. અહીં સાહિત્યને ઉપકારક કે અનુપકારક તત્ત્વો વિશેની સમજ એક સિદ્ધાંતનિષ્ઠ વિદ્વાનની અદાથી આપણી સામે મૂકી આપે છે. આ સાહિત્યિક વિધાને માત્ર નિબંધો કહી શકાશે નહિ, તેની ચાલઢાલ સાહિત્યિક લેખોને મળતી આવે છે. વિદેશી-ભારતીય સાહિત્યમીમાંસાનો ઊંડો અભ્યાસ કર્યા પછી પોતાને ઉદ્ભવેલા પ્રશ્નો અને તેના નિરસનની વિગતો ઝીણવટપૂર્વક આ નિબંધોમાં વ્યક્ત થઈ છે. પણ પ્રશ્નો ઊભા કરીને એના નિરસનની વિગતોમાં માત્ર એ ગયા નથી. જુદા જુદા વિષયોમાં એમને થતી મૂંઝવણ સ્વકીય મીમાંસા દ્વારા એમણે પ્રત્યક્ષ કરી છે.

પસંદગીના દસેક નિબંધોમાં રહેલી સત્ત્વપૂત સંભાવનાઓ ખોલવાનું એમણે કામ કર્યું છે. પ્રત્યેક નિબંધમાં સાહિત્યિક ચિંતા મહત્ત્વનો વિષય બની રહે છે. પ્રથમ નિબંધ ‘આપણું સાહિત્ય અને સંખ્યાબંધ પ્રશ્નો’ નિબંધમાં કાંઈક આવી જ ચિંતા વ્યક્ત થઈ છે. અહીં સાહિત્યને કઈ રીતે બલિષ્ઠ બનાવી શકાય તે પર એમણે ભાર મૂક્યો છે. સાહિત્યને પ્રાણવાન બનાવવા માટે સંકેતવિજ્ઞાન શીખવવા પર મૂકેલો વિશ્વાસ આગંતુક લાગતો નથી. કેમ કે આ દિશા તરફનો એમનો સ્વાધ્યાય તકલાદી નથી. સંકેતવિજ્ઞાન ભાષા ઉપરાંત જીવનસંલગ્ન તમામ સંકેતોનો સમાસ કરીને વિકસેલું વિજ્ઞાન હોવાથી સાહિત્યના વિકાસમાં કારગત નીવડે છે તેનો સદ્વિનિયોગ અને સદ્સમાવેશ કરવામાં કુશળતા જોઈએ. સંકેતવિજ્ઞાન પ્રશ્નો પર વિશેષતઃ ભાર મૂકે છે. કેમ કે પ્રશ્નો સંજ્ઞાતંત્રમાં પ્રવેશવાની ચાવી છે. અહીં ઉદ્ભવેલા પ્રશ્નો એમની સ્વકીય વિચારધારામાંથી ઉપસ્યા હોવાથી સાહિત્ય વિશે સમજ ધરાવતા કોઈ પણ વાચકને સ્પર્શી જાય તેવા છે. સ્વમતની પુષ્ટિ માટે વિવેચકો વાચકોની સંમતિ, ચર્ચા કે વિરોધનો આશ્રય લે છે. એટલે એનો અર્થ એ કે વિવેચકોને પોતાના સ્વયશોગાનમાં વિશેષ રસ હોય છે. ભાષાપ્રભુત્વ દ્વારા નીપજી આવેલી કૃતિઓનું સઘન વાચન કરીને તેને પામવાની વિવેચકોની નિર્બળતા સામે લેખકે લાલબત્તી ધરી છે. અછાંદસકારોનો વૈખરીરાગ કે ભાષા પ્રભુત્વની ગવેષણા, વગેરે સામે અંગુલિનિર્દેશ સંકેતવિજ્ઞાન માટે ઉપકારક બની રહે છે. એવોર્ડની યોગ્યતા જળવાતી તે અને સંસ્થાઓના કાર્યક્રમમાં સંસ્થાપતિઓનો હસ્તક્ષેપ સાહિત્ય માટે લાભદાયક નથી તેવું નિબંધકાર સ્પષ્ટપણે માને છે. ગેરલાયક સાહિત્યકારો દ્વારા કુણ્ઠિત સાહિત્યસમજ સાહિત્ય માટે ઘાતક બની જાય છે. જુઠ્ઠાણાં ક્યારેક ઇતિહાસ ન બને તે માટે તેનું સંકેતપરક વિશ્લેષણ થવું જોઈએ. આ બધા પ્રશ્નો લેખકને મૂંઝવતા પ્રશ્નો છે. સાહિત્યની આવી ચિંતા સહૃદય સમીક્ષક વિના સંભવી શકે નહિ. આ નિબંધમાં શ્રી સુમન શાહની ચિંતા સાહિત્યના પોલા-ખોખલા વિમર્શ સામે છે તે જોઈ શકાય છે.

‘શિક્ષક દિન – વિદ્યાર્થીઓ પાસેથી શીખ્યો’માં શિક્ષકદિન નિમિત્તે વિદ્યાર્થીઓ શિક્ષક પાસેથી કાંઈક શીખે અથવા શિક્ષક એવી રીતે વર્તે કે વિદ્યાર્થીઓમાં કાંઈક સંસ્કાર સિંચન થાય. બીજી રીતે જોઈએ તો શિક્ષક પોતાની રીતે કાંઈક જુદું કરવા વિચારે. અહીં તો શિક્ષક વિદ્યાર્થીઓ પાસેથી કાંઈક શીખે તે જાતનો કટાક્ષ ધ્યાનાર્હ બની રહે છે.

‘સહૃદયી પ્રતિભાવ’ ખરેખર એક નમૂનેદાર નિબંધ છે. આ નિબંધમાં લેખકના સાહિત્યિક અનુભવની ઘણી દિશાઓ ખૂલતી જણાઈ છે. સહૃદયી પ્રતિભાવને કારણે સાહિત્યની નિજી ઓળખ ઊભી થાય છે તેના પર ભાર મૂકીને નિબંધકાર આપણને સાહિત્યિક પરિવેશમાં લઈ જાય છે. એમનું કહેવું છે કે સહૃદય હંમેશા સાહિત્યિકતાની પરવા કરતો હોય છે. પણ સર્વ સહૃદય હોતા નથી. ભિન્ન ભિન્ન કક્ષાના સહૃદયો હોય છે. જે આંગળીને વેઢે ગણી શકાય. સહૃદય સાહિત્ય માટે અનિવાર્ય છે. આવો સહૃદય પોતાના સમયની જાહેરમાં સમીક્ષા કરતો હોય છે. ઘણા સહૃદયો પ્રચ્છન્ન સહૃદયો હોય છે. જે ખુલ્લંખુલ્લા સમીક્ષા કરતા નથી. લેખકે અહીં ભાષા-પરભાષાના સહૃદયી સમીક્ષકો વિશે પાયાની વાત કરી છે. પરભાષાના સહૃદયી સમીક્ષકોએ આપણી ભાષાના સાહિત્યકારો માટે ઘણું ઓછું લખ્યું છે. એને મુકાબલે આપણા સહૃદય સમીક્ષકોએ વિદેશી અને ભારતીય સર્જકો વિશે ઘણું લખ્યું છે, અનુવાદ પણ કર્યા છે. આ વાતની પ્રતીતિ દેશમાં થતા મેળાવડા વખતે થાય છે. આ મેળાવડામાં થતી મૈત્રી જો સમીક્ષા સુધી વિસ્તરે નહિ તો તેનું મૂલ્ય ખાસ આંકી શકાય નહિ. નિબંધકારની આ પ્રતીતિમાં તથ્ય જણાય છે. આ માટે તેઓ સુરેશ જોષીનું ઉદાહરણ યોગ્ય રીતે આપે છે. સુરેશ જોષીએ વિદેશી કે અન્ય ભારતીય સર્જકોની સમીક્ષા કરેલી પણ એમને અન્ય ભાષાઓમાંથી કોઈ સહૃદય સમીક્ષક મળ્યો નહિ. આવો એકતરફી સહૃદયી પ્રતિભાવ શા ખપનો? સુમન શાહને પોતાના સાહિત્ય માટેની તરફેણ સમયસરની છે. એમને સહૃદયી પ્રતિભાવની ઊણપ ઇનામ-એવોર્ડમાં પણ દેખાઈ છે. સંસ્થાઓ તરફથી આવાં અપાતાં માનઅકરામ સંસ્થાની જરૂરિયાતનું કામચલાઉ પરિણામ છે. જ્ઞાનપીઠ અને કે. કે. બિરલામાં સહૃદય પ્રતિભાવનું મૂલ્ય ઓછું અંકાય છે પણ તટસ્થપણે તેની અભિવ્યક્તિ કરવામાં આવે તો ત્યાં પણ સહૃદયી પ્રતિભાવ મળી આવે. એટલે નિબંધકારનું કહેવું એમ છે કે ઇનામ-એવોર્ડની આળપંપાળમાંથી નીકળીને માત્ર ને માત્ર સાહિત્ય સર્જન કરવું જરૂરી છે. ગમે ત્યારે એને સહૃદયી સમીક્ષક મળવાની સંભાવનાને નકારી શકાય નહિ.

‘સાહિત્ય મૂળે તો કહેવા સાંભળવા માટે છે.’ આ નિબંધસાહિત્યની ચુસ્ત બાંધણી તરફ નિર્દેશ કરે છે. સાહિત્ય મૂળે તો કહેવા-સાંભળવા માટે છે તેવું કહીને લેખક વાણીનો મહિમા કરે છે. ભાષા અને વાણી કથન માટે છે તેમ શ્રવણ માટે પણ છે. સમર્થ લિપિની અપૂર્ણતા પર ભાર મૂકતાં તેઓ નોંધે છે કે કૃતિ વીખરાયેલી હોય, શિથિલ હોય, તો તેવી કૃતિનું કોઈ મૂલ્ય નથી. સાહિત્યકાર માત્ર કૃતિ લખવા ખાતર લખતો હોય ત્યારે લહિયો થવાનો વિશેષ ભય રહે છે. એમાંય અશુદ્ધ ઉચ્ચારણો અને ખોટાં શ્રવણોને ભાષાદોષ ગણી શકાય. આ દૃષ્ટિએ પણ તેઓ વાણીનું મહત્ત્વ સ્વીકારે છે. કૃતિ માત્ર વાંચી જવા માટે નહિ, ધ્યાનથી કહેવા-સાંભળવા માટે છે અને ગાવા માટે પણ છે. આપણી રચનામાં વાણીના ગુણ ભળ્યા છે કે નહિ તે જોવું જોઈએ. સર્જાતા સાહિત્યનો આપણે તોલમોલ કરીએ છીએ ત્યારે પાણીના તળ વિનાનું લખાણ ખખડતું – બોદું સાબિત થાય છે. કૃતિનાં મૂળમાં વાણી છે. વાણીની સબળ અભિવ્યક્તિ જ કૃતિને ઉગારી શકે તેવું તારણ કહી શકાય.

‘સહૃદય વાચક અને તોતારટણ’ આ નિબંધમાં નિબંધકારે અનેક પ્રશ્નોની છણાવટ કરી છે. કૃતિની સર્જનાત્મકતાથી માંડીને એનું સહૃદય સમીક્ષક દ્વારા વાચન પણ અગત્યનો ભાગ ભજવે છે. નિબંધકારે કૃતિ સમીક્ષક મંડળી તરફ જાય છે ત્યાંથી માંડીને અનુકરણાત્મક તોતારટણ સુધીની રસપ્રદ વાતો કરી છે. જ્યારે સર્જક પોતાની કૃતિ સહૃદય સમીક્ષક પર છોડતો હોય છે ત્યારે પોતાને પસંદ હોય તેવી રીડરશિપની પરવા તો એને હોય જ છે. પોતે જ પોતાની કૃતિનો સહૃદય વાચક હોય છે. રીડર કોઈપણ કૃતિ વાંચે તો સર્જકની કૃતિનું ભાષાજ્ઞાન હોવું અનિવાર્ય છે. કૃતિનું અર્થઘટન સર્જકને અભિપ્રેત હોય તે સહૃદય કે સમીક્ષકને સ્વીકાર્ય ન પણ હોય. વાચકે વાચકે કૃતિનાં અર્થઘટનો ભિન્ન ભિન્ન હોય છે. અનેક અર્થો જેમાંથી નિષ્પન્ન થતા હોય તે ઉત્તમ કૃતિ છે એવો મત પણ એકાંગી હોઈ શકે. કૃતિમાં વ્યંગાર્થનો પણ મહિમા હોય છે. સર્જકની કૃતિ-ભાષાથી અજ્ઞાત વિવેચક અગાઉ વિદ્વાનોએ કરેલાં વિધાનોનું તોતારટણ કરતો હોય છે. કૃતિના રસાનુભાવની ગેરહાજરીમાં વિસ્તરતી વ્યર્થ વિદ્વતામાં જોડાઈ ન જવાય તેની કાળજી રાખવી જોઈએ. અહીં આપણને એક મહત્ત્વનો સંદેશ એ મળે છે કે કૃતિની સમગ્રતામાંથી કશું નિષ્પન્ન થતું ન હોય તો પણ વિદ્વાન વિવેચક તાણીતૂસીને નવા નવા અર્થ સંદર્ભો પ્રગટ કરતો હોય છે. આવી વ્યર્થતાનું તોતારટણ ન થાય તે સાહિત્યની તંદુરસ્તી માટે જરૂરી છે. આ નિબંધનું મહત્ત્વ કૃતિને પામવા સંદર્ભનું હોય, તેમાં નિબંધકારે દાખવેલી સ્વકીય સૂઝ આ નિબંધનું હાર્દ બની રહે છે. સાહિત્યનાં વિવિધ પડળો ખોલતા જઈને અંતિમ ચરણે નિબંધકાર જે સત્ય તારવે છે, તે સાચે જ સાહિત્ય માટે ઉપકારક છે. કૃતિની સંરચના, અર્થઘટન, ભાષાને પામવાની વાત, અનેક અર્થો સામે લક્ષ્યાર્થમાંથી વ્યંગાર્થ તરફ જવાની રીત અને અગાઉ વિદ્વાનોએ કરેલાં વ્યર્થ વિધાનોનું અનુકરણ – આ બધી સાહિત્યિક ચેષ્ટાએ અંતે તો કૃતિને સબળ બનાવવાના ઉપકરણો લેખે ગણી શકાય.

‘સાહિત્ય સમીક્ષા અને પોલિટિકલ અન્કોન્શ્યસ’ નિબંધમાં ફ્રોઇડ, કાર્લયુન્ગ, વોલ્ટર, બેન્જામિન અને ફ્રેડ્રિક જેમ્સન જેવા વિદ્વાનોનાં મંતવ્યો માત્ર આધાર છે. લેખકને જે કહેવું છે તે મૌલિક છે. એમણે તારવેલું સત્ય: કૃતિના સર્જન અને તેની સમીક્ષાને જ્યારે પણ સમાજ અને રાજસત્તા સાથે જોડો ત્યારે તેમાં વ્યક્તિ, સમાજ અને યંત્રયુગનાં પરિબળોએ જન્માવેલાં પરિવર્તનો ધ્યાનમાં લેવાં જોઈએ. રાજપરક અચેતનનો વિભાવ ફ્રેડ્રિક જેમ્સે ભલે ઘણા સમય પહેલાં રજૂ કર્યો હોય, પણ કાળાંતરે એમણે સર્જનાત્મક કૃતિઓની ગર્ભિતે રહેલાં રાજકીય પરિમાણને લક્ષમાં લીધાં છે. સાહિત્ય રાજપરક અચેતનને પામવા – પહોંચી વળવા માટેનું ઉપકરણ બની રહે છે. કલાકૃતિઓને તેઓ વાસ્તવના પ્રતીકાત્મક ઉકેલો ગણે છે. રાજસત્તા સામેના ઊહાપોહમાં આત્મલક્ષિતા વધુ હોય છે. ઘણા પ્રશ્નો છે લેખકને. ઊર્મિશીલ સાહિત્ય સામેના વાસ્તવાભિમુખ સાહિત્યની અનિવાર્યતા જણાઈ છે. પણ એનું નિરસન ક્યાં? એમણે આઇવરી ટાવરમાં વસતી બૌદ્ધિકતા માત્ર નામની લાગી છે. તો રાજપરક અચેતને પહોંચી વળે કે પામી શકે તેવા સાહિત્યકારો, સાહિત્ય સમીક્ષકો અને સાહિત્ય કૃતિઓનો અભાવ નિબંધકારને ખૂંચી રહ્યો છે. અહીં પ્રશ્નો ઘણા છે પણ એના ઉકેલોની ગુરુચાવી હાથ લાગે તો કાંઈ પરિણામ આવી શકે.

‘સઘન વાચન’ આમ જોઈએ તો વિવેચનાત્મક અભિગમ માટે અનિવાર્ય છે. સુખાનુભવ માટે પણ સાહિત્યનું સઘન વાચન કરવું જરૂરી છે. લેખક સઘન વાચન શબ્દપ્રયોગની આગવી સમજ ઊભી કરવા માગે છે. ક્લોઝ રીડિંગ શબ્દપ્રયોગ ન્યૂ ક્રિટિસિઝમવાળા લાવ્યા. વાચક કૃતિની બહાર ન જવો જોઈએ, તેવું દર્શાવી લેખક સંરચનાવાદીઓના વિધાનને પણ ટાંકે છે. સંરચનાવાદીઓએ કહ્યું કે મનુષ્યજીવનના બાહ્ય સંદર્ભોને પણ લક્ષમાં લેવા જોઈએ. પેજની બહાર જવું પડે. લેખકના મંતવ્ય અનુસાર સઘન વાચન એટલે લીટીએ લીટીનું વાચન કરવું. બુભુક્ષિત વાનગીના રસગુણને પામે તેવી રીતે શબ્દ શબ્દના અર્થોને પામવા જરૂરી છે. અહીં નિબંધકારે કૃતિના પઠનનો પણ મહિમા કર્યો છે. તેમનું કહેવું એમ છે કે સઘન વાચન થોડુંક સહસર્જન પણ છે. વાચન દરમિયાન કૃતિના ગાનના પણ એ આગ્રહી છે. તેનાથી સહૃદયભાવ સહજપણે જાગે છે અને અર્થો અંતરમાં ઓગળવા લાગે છે. અહીં લેખકે પઠનની રીત પણ સમજાવી છે. તેઓ કહે છે કે કથાનું મનોમન શ્રવણ થાય અને તકેદારી સાથે તેને વાંચવી જોઈએ. સારા નાટકમાં કથાતત્ત્વ અને કવિતાતત્ત્વ રસાઈ ગયાં હોય છે. જેથી વાચન નાટકના પાત્ર સાથે તાદાત્મ્ય અનુભવે છે. આ નિબંધમાં લેખક એ નિષ્કર્ષ પર આવ્યા છે કે ગમે તેટલું સઘન વાચન હોય પણ કૃતિ સઘન સર્જન ન હોય તો ક્લોઝ રિડિંગનો પણ કોઈ અર્થ નથી. કૃતિની મહત્તા ક્લોઝ રિડિંગની સાથે સાથે ક્લોઝ રાઇટિંગ સાથે જોડાયેલી છે.

છેલ્લા ત્રણ નિબંધો ‘લિટરરી કેનન અને ગ્રાન્ડ નેરેટિવ’ વિશેના છે. પ્રથમ નિબંધના સાહિત્યિક તાણાવાણા જરા અરૂઢ છે. પણ લેખક ચાર પ્રશ્નો દ્વારા પ્રસ્તુત વિષયને અનુરૂપ એક ભૂમિકા બાંધી આપે છે. આ ભૂમિકા દ્વારા એમણે પ્રતિપાદિત કર્યું છે કે ગ્રાન્ડ નેરેટિવમાં પણ પરિવર્તન આવવાની શક્યતા છે. આ ચાર પ્રશ્નોમાં લેખકે દાખવેલું ગ્રાન્ડ નેરેટિવ સામેનું કૌવત સાહિત્યના બદલાવ તરફ આંગળી ચીંધે છે. સાહિત્યસિદ્ધાંતો અને મહાવૃત્તાંતોની અજ્ઞાનતા હોવા છતાં સાહિત્યકારને કૃતિનું રચનાકૌશલ્ય આનંદ આપતું હોય, તો સંવેદનશીલ સાહિત્યકારની કૃતિ પ્રત્યેની પરખ લિટરરી કેનન અને ગ્રાન્ડ નેરેટિવ માટે ફેરવિચારણાનું કારણ બની રહે છે. નાવીન્યસભર કૃતિ ગ્રાન્ડ નેરેટિવથી વિપરીત દિશામાં ફંટાતી હોય તો તેના મૂલ્યનો નિર્ણય કરવો પડે. આ પ્રશ્નોમાં લેખકે ગ્રાન્ડ નેરેટિવ સામે લિટરલ નેરેટિવનો પણ મહિમા કર્યો છે. ગુજરાતી સાહિત્યના પ્રત્યેક યુગમાં પ્રવર્તમાન ગ્રાન્ડ નેરેટિવ સામે લિટલ નેરેટિવનો પ્રારંભ થતો રહ્યો છે. તેને અવગણી શકાય નહિ. કોશિયાને સમજાય તેવું સાહિત્ય રચવાની ગાંધીજીની માંગ લિટલ નેરેટિવની જિકરરૂપે ગણી શકાય. મને આ ક્ષણે લિટલ નેરેટિવ, નેરેટિવરૂપે નારીસાહિત્ય કે દલિતસાહિત્ય સ્મરણમાં આવે. સાહિત્યમાં આવતાં પરિવર્તનો ગ્રાન્ડ નેરેટિવ સામે ઊહાપોહથી કે અભાવથી નહિ, પણ સાહિત્યની અનિવાર્યતાને કારણે આવે છે. નિબંધકારે સાહિત્યમાં બદલાતા સિદ્ધાંતો અને મહાવૃત્તાંતો સામે લિટલ નેરેટિવનો પ્રારંભ થઈ શકે તેવી શક્યતાઓ સ્વીકારી છે.

પ્રસ્તુત વિષય અંગેના બીજા બે નિબંધો ચુસ્ત છે. એમાં બીજા નિબંધમાં ગ્રાન્ડ નેરેટિવ (મહાવૃત્તાંત) સામે લઘુવૃત્તાંતના પ્રાગટ્યને અગ્રેસર કરવાનો મહિમા છે. આ અર્થમાં જોઈએ તો આધુનિકતાવાદ એક મહાવૃત્તાંત હતો. અનુઆધુનિકતાવાદે એકમેવવાદને તોડ્યો. મહાવૃત્તાંતના એકહથ્થુવાદ સામે પણ ઘણા પ્રશ્નો સામે આવીને ઊભા. લેખક સુખદ-દુઃખદ બન્ને પરિસ્થિતિઓનું ઉદાહરણ આપીને એ નિષ્કર્ષ પર આવે છે કે બન્ને પરિસ્થિતિઓમાં માણસની હરફર ચાલુ રહેવી જોઈએ. દેરિદાએ એકમેવવાદનું –મોનિઝમનું વિઘટન કરવા પર ભાર મૂકીને ચિરકાલીન સંઘટ્ટનને તળેઉપર કરી નાખવું જોઈએ તેમ કહ્યું. આ જ વિચારવિમર્શ પર શ્રી સુમન શાહ પ્રસરણના નિદર્શન પર ભાર મૂકતા જણાય છે. આ જ વિષય પર ત્રીજા નિબંધમાં વિઘટનના અને લઘુવૃત્તાંત સર્જનના મુદ્દા પર ધ્યાન દોરીને મહાવૃત્તાંત કઈ રીતે સાહિત્ય પર સત્તા જમાવી શકે છે તેની એમણે વિસ્તૃત ચર્ચા કરી છે. આ ચર્ચા ૧૧ મુદ્દાઓમાં વિભાજિત છે. અહીં મહાવૃત્તાંતની અસર તળે સાહિત્યપ્રવાહમાં સ્થગિતતા આવી હોવાનો નિર્દેશ કરવાનું પણ તેઓ ચૂક્યા નથી. મહાવૃત્તાંતનાં કેટલાંક સત્યો કેન્દ્રમાં રોપાઈને સદાકાળ માટે સ્થિર થઈ જાય છે. ત્યારે આ સત્યો ધીમે ધીમે સૂત્રરૂપે ચલણી બનતાં હોય છે. સૂત્રોરૂપે ચલણી બનેલાં સત્યો એટલી હદે સ્થિરતા ધારણ કરે છે કે લોકો એ રટતા થઈ જાય છે. જેને કારણે સત્યના પ્રભાવમાં ઓટ આવે છે. માણસની ટેવવશ થયેલી વૃત્તિઓ આરામથી અને મોટાભાની અદાથી સરળતાથી બીજાને કહેવાની હોય છે. જેમ કે સાહિત્યમાં પણ આવી શિખામણોનું વલણ વધતું જાય છે. માણસ અનુકરણશીલ પ્રાણી છે. એકબીજાનું અનુકરણ સરળતાથી કરી શકે છે. નિબંધકાર આપણને દુન્યવી દાખલા આપીને આ સત્યોનાં સૂત્રો, વાચિક અનુકરણો મહાવૃત્તાંતોને પુષ્ટિ કરે છે, તે તારવે છે. આમાં પ્રશ્ન જાત અનુભવનો છે. સૂત્રોની યથોચિત વૃત્તિ રચવી, વિવરણ અને અર્થઘટન કરવું આદિ બૌદ્ધિક વ્યાયામ કરનારા કેટલા? –આવો પ્રશ્ન કરીને નિબંધકાર સ્થપાયેલાં સત્યોને બદલે હાંસિયામાં ધકેલાઈ ગયેલાં સત્યોની શોધ આચરે છે. આ શોધ સાહિત્યિક ઘરેડને તોડનારી છે. કાવ્યોમાં કલ્પનોનો મહિમા કરવામાં કાવ્યદેહની ચિંતા કરવાનું ભુલાઈ ગયું તેને નિબંધકાર પોલાણ સમજે છે. દેરિદાએ મહાવૃત્તાંતનાં બહુવિધ પોલાણોની શક્યતાઓ ચીંધી બતાવેલી, તેને સમર્થનરૂપે પોતાના વિચારવિમર્શ સાથે લેખક સાંકળે છે. અહીં મૂલ્યરક્ષાનો મુદ્દો અતિ મહત્ત્વનો છે. સૂત્રનો સ્વીકાર કરનારા અને વિરોધ કરનારા એમ બે પક્ષો ઊભા થાય છે. માત્ર વસ્તુ-સામગ્રીને મહત્ત્વ આપવાથી કૃતિની આંતરચેતના ઘવાય છે, તો રૂપને મહત્ત્વ આપવાથી કૃતિની સંરચના સબળ બને છે. આ હકીકત શાસ્ત્રોએ સુઝાડેલો અર્થસંકેત છે તેવા નિબંધકારના કથનમાં રહેલું યથોચિત સત્ય અંતે તો કૃતિને બલિષ્ઠ બનાવે છે. અહીં પક્ષ-વિપક્ષના વાદ-વિવાદમાં અનુસરણિયા વધે તે હકીકત પણ લેખક સ્વીકારે છે.

અગાઉ નિબંધકારે એવો નિર્દેશ કર્યો છે કે મહાવૃત્તાંતનાં પોલાં વિસ્તરણોને કારણે સાહિત્યકારોની વિશિષ્ટ સ્વરૂપની સાહિત્યિક સંસ્કૃતિ આકાર લેવા માંડે છે. નિબંધને અંતે લેખકે આ મુદ્દાને જુદી રીતે ચર્ચીને એવું પ્રતિપાદિત કર્યું છે કે સાહિત્યિક સંસ્કૃતિમાંથી સાહિત્યિક રાજકારણ ઊભું થાય છે. પક્ષાપક્ષીના રાજકારણને કારણે જ મહાવૃત્તાંતો નભતાં હોય છે. આ એક જ વિષયના ત્રણ નિબંધોમાં લેખકે અભ્યાસપૂર્ણ અધ્યયનથી મહાવૃત્તાંત સામે લઘુવૃત્તાંતની અનિવાર્યતા સમજાવી છે. અહીં નિબંધકાર સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભે સાહિત્યની જિકર કરતા માલૂમ પડ્યા છે.

એકંદરે આ બધા નિબંધોમાં સુમન શાહની સાહિત્ય પરત્વેની ઊંડી સમજનાં દર્શન થાય છે. સાહિત્યિક વિભાવનાઓના ઊંડા અભ્યાસી હોવાની પ્રતીતિ હરપળે આપણને થયા કરે છે. સાહિત્યસિદ્ધાંતો અને તે નિમિત્તે એમણે કરેલું સંશોધન એક વિદ્વાન હોવાની છાપને લેવડાવે છે. આ સાહિત્યિક નિબંધો એમના પરિશીલનનું પરિણામ છે. સાહિત્યસર્જન કરતાં કરતાં એમને મૂંઝવતા અને ઉપકારક પ્રશ્નો અને તેના નિરસનની સત્ત્વપૂત વિગતો આ નિબંધોમાંથી નિષ્પન્ન થાય છે. લગભગ મોટા ભાગના નિબંધોમાં એમની આગવી પ્રતિભાનાં દર્શન થાય છે. સુમન શાહ વિદેશી-ભારતીય સાહિત્ય મીમાંસાના સીધા પરિચયમાં છે એટલે સાહિત્યવાદ-સિદ્ધાંતની રગ પકડતાં એમને ફાવે છે. સાહિત્યની ત્રુટિઓ વિશેનાં એમનાં ટાંચણો બોદાં હોતાં નથી. તેઓ જે વિષયને સ્પર્શે છે એની સંદર્ભિત વિગતો દ્વારા પોતાની જાતને આપણી સમક્ષ રજૂ કરે છે. આ નિબંધોને કારણે સુમન શાહની નવી સફર ગુજરાતી સાહિત્ય માટે ઉપકારક બની રહે છે. વિદેશી સાહિત્ય મીમાંસકો દ્વારા અવાંતરે નવા નવા વાદ કે સિદ્ધાંતોની પૂર્તિ થતી રહે છે. સુમન શાહે આ નિબંધોમાં ભલે અમુક સિદ્ધાંતોનાં ઉદાહરણો લીધાં હોય પરંતુ કેટલીક જગ્યાએ એમની નિજી મુદ્રાઓ ઊપસી આવી છે, તેને નજરઅંદાજ કરી શકાશે નહિ. આ નિબંધોનું મૂલ્ય આવી સ્વકીય વિચારધારાને કારણે પણ છે.

– મોહન પરમાર

(મો) ૯૬૬૨૯૮૬૫૮૫.

*