સુમન શાહ સાહિત્યસંપુટ/૧. વીનેશ અંતાણી
વીનેશ અંતાણી
સુમનભાઈને પહેલી વાર ૧૯૭૬માં વડોદરામાં મળ્યો. થોડા સમય પહેલાં જ મારી બદલી ‘આકાશવાણી’માં ભુજથી વડોદરા થઈ હતી. રેડિયોવાર્તાલાપ માટે એમને નિમંત્રણ મોકલ્યું. મેં દૂર રહીને ભુજમાં એમને વાંચ્યા હતા. મારા પર એમની છાપ દુર્બોધ વિવેચકની હતી. તે કારણે એમના વ્યક્તિત્વની પણ એવી જ છાપ પડી હતી. એ કેવો રિસ્પોન્સ આપશે અને મળશે ત્યારે કેવી રીતે વર્તશે એ વિશે થોડી મૂંઝવણ હતી. મારી વાર્તાઓ છપાવા લાગી હતી અને બે નવલકથા પણ પ્રકાશિત થઈ હતી. એમાંનું કશું સુમનભાઈએ વાંચ્યું હોય એવું હું ધારતો નહોતો.
પહેલી જ મુલાકાતમાં એ ખૂબ સહજતા અને સ્નેહથી મળ્યા. એમનો ઉમળકો મને સ્પર્શી ગયો. તે સમયે એ બોડેલી કૉલેજના આચાર્ય હતા અને ત્યાં એકલા રહેતા હતા. પરિવાર વડોદરામાં હતો. શનિ-રવિ વડોદરા આવતા. અમારો પરિચય અલ્પ હતો છતાં એમણે એક સાંજે મને ઘેર જમવા બોલાવ્યો. હું મારા પરિવારને ભુજમાં જ રાખીને પહેલી વાર એકલો વડોદરા આવ્યો હતો. માનસિક રીતે ગોઠવાયો નહોતો. તે સમયની મારી મનોદશા અને ખાસ કરીને સંકોચશીલ સ્વભાવને લીધે હું જમવા ગયો નહીં.
થોડાં વરસો પછી સુમનભાઈ અમદાવાદ રહેવા આવ્યા. ત્યાં એમણે વર્ષની ગુજરાતી ઉત્તમ કૃતિઓને ‘ક્રિટિક્સ એવોર્ડ – સન્ધાન’ની શરૂઆત કરી હતી. ૧૯૮૪ના વર્ષ માટે મારી વાર્તા ‘નિર્જનતા’ને એ એવોર્ડ મળ્યો. કાર્યક્રમ પહેલાં હું સુમનભાઈ અને રશ્મીતાબહેનને મળવા એમને ઘેર ગયો. હું વડોદરામાં એમને ઘેર જમવા ગયો નહોતો એનો અપરાધભાવ મારા મનમાં હતો. બંને ખૂબ પ્રેમથી મળ્યાં. થોડાં વરસો પછી હું પણ અમદાવાદમાં સ્થિર થયો. અમે વસ્ત્રાપુરમાં પડોશી થયાં. નિયમિત મળવાનું બનતું રહ્યું. ઘણી વાર સાથે જમીએ અને નવી લખાયેલી વાર્તા વાંચીએ. એના પર ચર્ચા ચાલે. અમે ક્યારેય સાહિત્યક્ષેત્રની કૂથલી કરવામાં સમય વેડફ્યો નથી. આસપાસ ગમે તે ચાલતું હોય, આપણે એનાથી પર રહીને આપણું કામ નિષ્ઠાપૂર્ક કરતા રહેવું એવો અમારો અભિગમ રહ્યો છે. રશ્મીતાબહેન ઘણી વાર સંભારતાં કે એમણે વડોદરામાં મારા માટે ખાસ રસોઈ બનાવી હતી અને મેં એમને વાટ જોતાં રાખ્યાં હતાં. હું કહેતો: એનું સાટું વાળવા તો હવે વસ્ત્રાપુરમાં તમારી નજીક રહું છું.
એ સમય પારિવારિક નિકટતાનો હતો. ગાઢ અંગત સંબંધનો એ સમયગાળો અમારી મૂડી છે. સુમનભાઈને રશ્મીતાબહેનની તબિયતની ઘણી ચિંતા રહેતી. રશ્મીતાબહેને અણધારી વિદાય લીધી ત્યારે હું અને પુષ્પા હૈદરાબાદમાં હતાં. અમે સુમનભાઈથી દૂર હતાં અને સમજાતું નહોતું કે એ આ આઘાત કઈ રીતે સહન કરી શકશે. મન મજબૂત કરીને અમે એમને ફોન કર્યો. એમણે સ્વસ્થતાથી વાત કરી, જાણે અમને આશ્ર્વાસન આપતા હોય. થોડા સમય પછી અમે રૂબરૂ મળ્યાં ત્યારે એમની સ્વસ્થતાનું બાહ્ય આવરણ ખસી ગયું હતું. રશ્મીતાબેન વિનાના ઘરમાં સુમનભાઈને એકલા જોવા અમને બહુ કપરું લાગ્યું હતું.
રશ્મીતાબહેનની વિદાય પૂર્વે એક વાર અમે થોડા મિત્રો સાવલીમાં જયદેવ શુક્લને ઘેર મળ્યાં હતાં. શિરીષભાઈ-ચંદ્રિકાભાભી, સુમનભાઈ-રશ્મીતાબહેન, હું અને પુષ્પા. જયદેવ અને પ્રતીક્ષાબહેન તો યજમાન હતાં. આખો દિવસ એકબીજાની નવી વાર્તા-કવિતા વાંચી-સાંભળી હતી. રાતે તોફાને ચઢ્યાં. એમાંથી દરેક યુગલ એમનાં પ્રેમ-પરિણય અને દામ્પત્યજીવનની માંડીને વાત કરે એવું ચાલ્યું. સાહિત્યની ગંભીર ચર્ચાઓ બાજુમાં રહી ગઈ અને મિત્રોનું અલગ આંતર્વિશ્વ એમાંથી પ્રગટતું ગયું. સુમનભાઈ અને રશ્મીતાબહેનને લગ્ન પહેલાંના પ્રેમસંબંધ વિશે મુક્ત મને વાતો કરી. એમાંથી સુમનભાઈમાં છુપાયેલી કોમળ લાગણીઓનાં પણ દર્શન થયાં. તે રાતે એ બંનેની વાતોમાંથી અને અમે નજરે જોયેલા એમના સાહચર્ય પરથી સ્પષ્ટ થયું હતું કે સુમનભાઈના સંસારનું ચાલકબળ રશ્મીતાબહેન છે. એ મોટા ભાગની બાબતો માટે રશ્મીતાબહેન પર આધાર રાખતા હતા. એ કારણે રશ્મીતાબહેનની વિદાય પછી અમને સુમનભાઈની વધારે ચિંતા રહેતી હતી.
જોકે ત્યાર પછી અમને જુદા જ સુમનભાઈ દેખાયા છે. એ દીકરાઓ પાસે વિદેશ ગયા ત્યારે અમને હતું કે હવે અમદાવાદ નહીં આવે. પરંતુ એમણે થોડા થોડા મહિને આવવાનું ચાલુ રાખ્યું છે. એ જ ઘરમાં એકલા રહે, બધી વ્યવસ્થા જાતે ઊભી કરે, લેખન, વાચન, કાર્યક્રમોમાં ઉપસ્થિતિની સાથે યોગ અને કસરત સહિત બધી પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. કોરોનામાં લોકડાઉન જાહેર થયું ત્યારે એ ‘શબરી’ના ફ્લેટમાં ઘણા મહિના રહ્યા. ભેંકાર એકલતાની સાથે બીજી ઘણી મુશ્કેલીઓ પડતી હશે, પરંતુ ફોનથી વાત કરીએ ત્યારે એમણે ક્યારેય એનો અંદાજ આવવા દીધો નહોતો.
એવું વિત્ત એમણે અંદર ક્યાં સાચવી રાખ્યું હશે? છિન્નભિન્ન કરી નાખે એવા સમયે પણ સુમનભાઈ ટટ્ટાર ઊભા રહ્યા છે. સામાન્ય રીતે લાગણીવેડામાં સરી ન પડે, પરંતુ અંદરથી ખૂબ લાગણીશીલ. મિત્રતાનું મૂલ્ય પૂરું સમજે, છતાં કોઈનું વલણ ગમ્યું ન હોય તો એ દિશા જ બંધ કરી નાખે. દેશવિદેશના સાહિત્યના ઊંડા અભ્યાસી. સાથે સાથે એમણે ગુજરાતીમાં સર્જાતા સાહિત્ય પ્રત્યે પણ એટલો રસ દાખવ્યો છે. સાહિત્યનાં ઉચ્ચ ધોરણોની ખેવના ધરાવતાં સામયિકોનું સંપાદન કરતા રહ્યા. ‘સુજોસાફો’ વાર્તાશિબિરોમાં ભાગ લેતા ઘણા નવા વાર્તાકારોને સુમનભાઈની સર્જકદૃષ્ટિનો લાભ મળ્યો છે. સ્પષ્ટ અભિપ્રાય આપે, ગોળગોળ વાત તો કરે જ નહીં. તાર્કિકતા એમનું મહત્ત્વનું લક્ષણ, અંગત સંબંધોમાં જતું કરવા જેવું લાગે તો કરે, પરંતુ કળા-સાહિત્ય વિશેની એમની માન્યતા પર દૃઢ રહે. વિવાદ થાય ત્યારે પોતાનો પક્ષ મજબૂતીથી મૂકે.
સુમનભાઈએ પોતાનાં અને અન્યનાં સર્જનમાં ઉત્તમની જ અપેક્ષા રાખી છે. મિત્રવર્તુળની જેમ એમની પાસે ભણી ગયેલી પેઢીનું વર્તુળ પણ વિશાળ છે. સુમનભાઈને એમને ચાહવાનું ગમ્યું છે તો મિત્રો-વિદ્યાર્થીઓએ પણ એમને સન્માન અને પ્રેમ આપ્યાં છે. અભ્યાસનિષ્ઠ અને સંવેદનશીલ વ્યક્તિ માટે જ એવો ઘરોબો શક્ય બને.
એમની ઘણી વાર્તાઓ એમની પાસેથી સાંભળી છે. એમણે ઘટનાનો આધાર લઈને, પછી સાવ ઓગાળીને, રચનારીતિના પ્રયોગ કર્યા છે. પહેલી વાર વાર્તા સમજતાં મુશ્કેલી પણ પડે, પરંતુ પછી સ્તરો ખૂલતાં જાય. એમની એક વાર્તા ‘એ જરાક જેટલું છેટું’ મને બહુ ગમતી વાર્તા. એના વિશે અન્યત્ર લખ્યું છે તો એની જ વાત કરું.
વાર્ધક્યના ઉંબરે પહોંચેલાં પતિ-પત્ની વચ્ચે આવી જતા સ્વાભાવિક અંતરની આ વાર્તા છે. નિવૃત્તિ આવી ગઈ હોય, શરીર શિથિલ થયું હોય, વાતો કરવા જેવું કશું રહ્યું ન હોય, કારણ વિના દરરોજ કચકચ જેવું થયા કરતું હોય, મનમર્કટ ખેલ છોડતો ન હોય –એવી શારીરિક અને માનસિક સ્થિતિમાં જીવનને ઘસડ્યા કરવું પડે. ઇચ્છાઓ તો જાગતી જ રહે (‘મને વહાલ કરને પહેલાં જેવું’) અને બધું જ હવાતિયાં બની જાય (‘આ ઉંમરે વહાલ કરવામાં પણ ફાંફાં જેવું લાગે છે’). એક ઉંમરે પીળાં પતંગિયાંની નદી વહેતી અનુભવી હોય, પરંતુ અમુક ઉંમરે પીળાં પતંગિયાંની નદી ક્યારેય પાછી આવવાની નથી એ વાત ચોખ્ખીચટ્ટ સમજાઈ ચૂકી હોય.
સુમનભાઈએ આ વાર્તા એક પતિ અને એક પત્ની એમ બે પાત્રોની આસપાસ રચી શક્યા હોત. એમણે જુદી રીતે કહેવાનું ધાર્યું છે. ત્રણ યુગલ રચ્યાં, લગભગ સમવયસ્ક, એક જ પ્રકારની વાસ્તવિકતામાં મુકાયેલાં –ઉંમરના એક તબક્કામાં પતિ અને પત્ની વચ્ચે છેટાં પડી જવું. આ વાર્તા વિશે સુમનભાઈને પૂછ્યું ત્યારે એમણે કહ્યું: ‘અહીં ત્રણ જોડાં બની આવ્યાં છે. મોહિતભાઈ-શોભનાબહેનનું કલ્પનાશીલ જોડું; હસમુખ-સુભદ્રાનું વાસ્તવિક જોડું અને રમણકુમાર-સોહિણીબહેનનું બનાવટી જેવું.’ આ ત્રણ જોડાં રચીને સુમનભાઈએ છેટાં પડી જવાની એ સ્થિતિને કોઈ એકલદોકલ દંપતિના સંદર્ભે નહીં, પરંતુ બહોળા અનુભવરૂપે આલેખવાનું તાક્યું છે.
વાર્તા આવર્તનોમાં ચાલે છે. પાત્રોને પ્રત્યક્ષ કરી આપે, વચ્ચે કથક આવે, કથક પણ પાત્ર બને, વાસ્તવિકતા કાલ્પનિક બની જાય. એ રીતે કથનની ધરી બદલાતી રહે છે. સુમનભાઈએ કહ્યું હતું; ‘આ રચનામાં અનેક વાનાંનું મિશ્રણ છે, અનેક ઉપકરણોની મદદો છે. અહીં કથન છે, વર્ણન પણ છે. કથન કથકમુખે છે, તો પાત્રમુખે પણ છે, તેવું વર્ણન વિશે છે. અહીં કલ્પના છે, તો હકીકતો પણ છે. છતાં કલ્પના હકીકતોની જેમ રજૂ થાય છે, તો હકીકતો કલ્પનાની રીતે. અહીં ભૂતકાળને વાપર્યા કરતો વર્તમાન છે, જે નિર્નામ ભવિષ્ય ભણી સરે છે. અહીં સંવાદો છે પણ એકોક્તિ જેવા, અને એકોક્તિઓ પડઘા જેવી. અહીં ગદ્ય, પદ્યગન્ધી ગદ્ય અને કાવ્યના ઇલાકાઓ વચ્ચે વારતા સરતી-તરતી છે. આ મિશ્રણ એક લીલા છે. શું એ આપણા અસ્તિત્વ જેવું સંકુલ-સુંદર નથી?’ સુમનભાઈએ હકીકત અને કલ્પનાને સમાંતરે પ્રયોજવા માટે હકીકતવાદી ‘હકુ’ (‘સ્વભાવે હકુ ખિસકોલી છે’) અને કલ્પનાવાદી ‘કલ્પુ’ (‘સ્વભાવે કલ્પુ ઊડણ ચરકલડી છે’) જેવાં બે અનોખાં પાત્રોની પ્રયુક્તિ પણ ખપમાં લીધી છે.
આ વાર્તામાં કલ્પિત, વાસ્તવિક કે બનાવટી જેવાં પાત્રોની પીડાનો અન્ડરટૉન સતત સંભાળાયા કરે છે. અંતર આવી ગયું છે તે જાણતાં હોવા છતાં એને છુપાવવાની છલના અને ક્યારેક એનો નિર્મમ સ્વીકાર ડોકાતો રહે છે. આ ઉંમર જ એવી છે, જ્યારે એક તરફ ‘ગમે તે ઘડીએ હું કે તું નહીં હોઈએ’ અને ત્યાર બાદ માત્ર ‘બારીએ ઊભાં રહેવાનું એકલાં’ અને ‘માત્ર બેડરૂમમાં છતને તાક્યા કરવાનું એકલાં’ જેવું ભવિષ્ય છે તો બીજી બાજુ ‘બઉ મજા કરતાં અમે લોકો, કંઈ લેવા સુભદ્રાની પૂંઠ થઈ હોય, તે પાછળથી હું એને અમુક રીતનું અડી લઉં –એ ચોંકી ઊઠવા જેવું કરે એ પહેલાં હું એને આલિંગનમાં જકડી લઉં ને આનાકાની કરતા હોઠ પર લાંઆંબું ચુમ્બન’ –જેવી ભૂતકાળની સ્મૃતિઓની વચ્ચે વાર્ધક્યની ભીંસમાં ભીંસાતાં રહેવાની સ્થિતિ આવી જાય છે. આ વાર્તા એ ભીંસની છે.
‘એ જરાક જેટલું છેટું’ વાર્તા કેવી રીતે આવી એની વાત તે સમયે સુમનભાઈએ આ રીતે કહી હતી: ‘બરાબર યાદ નથી પણ આજથી દસ-બાર વર્ષ પર અમદાવાદના આઇ.આઇ.એમ. વિસ્તારમાં દક્ષિણ દિશાએથી હજ્જારો પીળાં પતંગિયાં ઊડી આવેલાં. ઊડતાં પતંગિયાંની વણઝાર –વણઝાર નહીં, નદી. ત્યારે એ વરસોમાં એ વિસ્તારમાં અમે મુકુન્દ-મનોરમા કૉમ્પ્લૅક્સમાં રહેતાં’તાં. આ વાર્તારચનાની મૂળ પ્રેરણા તે એવી એ પતંગિયાં-નદી. ત્રણ-ચાર દિવસ લગી એ બધાં નિરન્તર વહેતાં રહેલાં. યાદ આવતાં, કશાક કારણે મારું મન એ ભરપૂરતાને વાગોળતું હતું ને ત્યાં જ એકાએક, મને ‘ એ’ જરાક જેટલું છેટું દેખાવા લાગેલું.
એમણે કહ્યું હતું: ‘સ્ત્રી કે પુરુષ વાર્ધક્યમાં પ્રવેશે એટલે શરીર અને મન બંનેમાં ભારે પરિવર્તનો શરૂ થતાં હોય છે. મુખ્યત્વે ત્યારે કામ-વાસનાઓ ઊડી જતી દેખાય અને કેટલીક ટેવો ઠરી જતી જણાય –સુખદુ:ખની યાદો, તીવ્ર યાદો આપતી. એ પર ઊભેલી પ્રેમ-મૂર્તિ, છેવટે ધ્રૂજતી જણાય. ડર અને દહેશતો. ને સામે? સામે કરુણાન્ત, કહો કે કરુણાન્ત જેવું મૃત્યુ. ચોખ્ખું કહેવું અઘરું છે પણ આવા કોઈ ભાવસંવેદનની છે મારી આ વાર્તા.’
વાર્તાના અંતમાં રવિવારની મોડી સવારે હસમુખરાય બાંકડે બેઠા છે. એકલા. તે વખતે એ જરાક જેટલું છેટું પ્રસરતું મોટું થતું એમને દેખાય છે. એ જરાક થંભીને હસમુખરાયની સામે દાંતિયું કરી હીહી કરે છે. જવાબમાં હસમુખરાય પણ ચાળો પાડીને બબડે છે –હીહી.
ના, ‘એ જરાક જેટલું છેટું’ વાર્તાનો સૂર આ ‘હીહી’ નથી. આ વાર્તામાંથી વારંવાર પસાર થયા પછી મને અકળાવતું દૃશ્ય આ છે: ‘ક્યાંક પાંદડાં ખરી રહ્યાં છે કશા અવાજ વગર. ઝાડ જોતજોતામાં ખાલી થઈ ગયું. કશો ગાંડો પવન ફૂંકાયો અને હવામાં ઊડતાં થયાં એ બધાં પાંદડાં –ભેગાં, જૂથમાં, એકલદોકલ. તો કોઈ સાવ એકલું ઊંચે અટવાતું...’
તો આ છે અમારા ચિત્તમાં સ્થિર થયેલા સુમન શાહ. વેદના અને એકલતાની ઉપર ઊઠી જાણે રશ્મીતાબહેન એમને સાચવતાં હોય એમ પોતાને જાળવી રહેલા સુમનભાઈ સાથે નિકટતાથી જોડાયેલા રહેવું (અ)મને ગમ્યું છે, ઘણું ગમ્યું છે.
– વીનેશ અંતાણી
મો. 98255 20660