સુમન શાહ સાહિત્યસંપુટ/૧. સાગર શાહ
તેમની વાર્તાકલાના કેટલાક વિશેષો સાથે
સાગર શાહ
પ્રિય પ્રવાસીમિત્ર,
વેલકમ ટુ ધ કથાસૃષ્ટિ ઓફ સુમન શાહ. હું ટૂરગાઈડ સાગર શાહ, સુમન શાહની કથાસૃષ્ટિની આ ટૂરમાં તમારું ખરેખર હાર્દિક સ્વાગત કરું છું. તમને કહી દઉં કે મને આ ખૂબ જ ગમતી ટૂર છે. ને એની જવાબદારી મને ટૂર ઓર્ગેનાઈઝર (એટલે કે આ ગ્રંથના સંપાદકશ્રી) જયેશ ભોગાયતા દ્વારા સોંપવામાં આવી છે.
ટૂર શરૂ કરું એ પહેલાં હું તમને સુમન શાહ અને એમની સાથેના મારા સંબંધની વાત કરું.
ક્યાંથી શરૂ કરું? હા જુઓ. ૨૦૧૧નો એ કોક દિવસ હતો. મેં ગુજરાત યુનિવર્સિટીમાં એન્જિનિઅરિંગનો અભ્યાસ માંડ પૂરો કરેલો. હું જીવનમાં ખાસ્સો દિશાહીન હતો. કોણ જાણે કેમ પણ હું ગુજરાતી સાહિત્ય પરિષદની લાઇબ્રેરીની મુલાકાત લેવા માંડેલો. આ એ સમયની વાત છે જ્યારે મેં સુમન શાહનું નામ પણ નહોતું સાંભળ્યું. સાહિત્ય જેવું કોઈક ક્ષેત્ર હોય તેનો પણ મને માત્ર આછોપાતળો ખ્યાલ હતો. એક દિવસ હું પરિષદમાં પાક્ષિકીની સેશનમાં જઈ ચઢ્યો. વાર્તાપઠનનું સેશન હતું. એક વાર્તાકારે વાર્તાનું પઠન કર્યું અને પછી એ વિશે થોડીક ચર્ચા થઈ. ચર્ચામાં મને મળ્યો એક પાતળો કિશોર –અભિમન્યુ આચાર્ય. અમે થોડી ચર્ચા કરી. શું વાંચીએ છીએ વગેરે એની. અભિ ત્યારે સોળ વર્ષનો હતો. પણ ગુજરાતી સાહિત્યના બધા જ વાર્તાકારોને વાંચી ચૂકેલો. તેની વાર્તાઓ નવનીત સમર્પણ અને અન્ય સામયિકોમાં પ્રગટ થઈ ચૂકેલી.
એમણે કહ્યું, “આપણે સુમન શાહને ત્યાં જાયે.”
મેં એને પૂછ્યું, “કોણ સુમન શાહ?”
એમણે કહ્યું- “વાર્તાકાર છે અને વિવેચક પણ છે. બહુ મોટા.”
સુમનભાઈના શબરી ટાવરના આઠમા માળે થયેલી અમારી મુલાકાત મને ઠીક ઠીક યાદ છે. સુમનભાઈએ અમને અમારી વાર્તા સંભળાવવા કહ્યું. અમે અમારી વાર્તા વાંચી સંભળાવી. રશ્મીતાઆંટી પણ હતાં. સુમનભાઈ અમારી વાર્તાઓથી ખાસ પ્રભાવિત ન થયા. એક પીઢ વિવેચકને છાજે એવી નુક્તેચીની કરી. ને છતાં અમને સુ.જો. સા.ફો.માં આવવા આમંત્રણ આપ્યું. મોડાસા શિબિર. જ્યાં અનેકાનેક મિત્રો મળ્યા. સુ.જો.સા.ફો.ના મોડાસા શિબિરમાં થયેલા વાર્તાપઠન અને વાર્તાઓની ચર્ચાના પ્રસંગને હું સાહિત્યનું મારું બૅપ્ટિઝમ ગણું છું. એ પછી હું સાહિત્યક્ષેત્રમાં વટલાઈ ગયો.
મોડાસામાં મને યાદ છે –સુમનભાઈએ પોતાના મધુર નમણા અવાજમાં ‘કંચન થોડો ગીલી ગીલી છે’ વાર્તા સંભળાવેલી. મેં મારી વાર્તા ‘હું અને અનિકેતભઈ’ સંભળાવેલી. મારી વાર્તામાં થોડો ઘણો હાસ્યરસ હતો. લગભગ બધા જ વાર્તાકારોએ મારી વાર્તાને હસતાં હસતાં એન્જોય કરેલી. સુમનભાઈ તરફથી મને પ્રશંસા મળેલી. ‘મારા ઘરે વાંચેલી એના કરતાં આ સારી વાર્તા છે’. (સુમન શાહના ધોરણ અનુસાર આને પ્રશંસા જ કહેવાય. એક વાર મેં એમને કહેલું, “હમણાં કાફકાની ‘ધ કાસલ’ વાંચું છું.”
મને એમ કે કંઈક શાબાશી મળશે.
“હા, સારી નવલકથા છે.” એકદમ ઠંડા કલેજે એ બોલેલા. પરેશ નાયકને આ વાર્તા ઓ. હેન્રી.ની શૈલીની ટુચકાઉ લાગેલી. છેવટે સમાપન કરતાં સુમન શાહે કહેલું –“કંઈ નહીં, આપણે બંનેએ સરખા વિષય –હોમોસેક્સ્યુઆલિટીની વાર્તા તો લખી.’ ‘હેવ અ હેપ્પી ડિનર’ પરેશ નાયક ટહુકેલા.
ત્યાર પછી સુ.જો.સા.ફો મને વાર્તાનો આસવ પીરસતું સ્વર્ગ લાગ્યું છે. અને સુમનભાઈની વાર્તાવિચારણા, સાહિત્યવિચારણા, કલાવિચારણા, જીવનવિચારણાએ મને ઘણું ઘણું આપ્યું છે. એમના સ્નેહને હું મારા જીવનની બહુ મોટી કમાણી સમજું છું.
ખેર, ચાલો હવે ખરી ટૂર માટે થઈ જાઓ તૈયાર. ટૂરની ડિઝાઇન મુજબ મારે તમને એમની પાંચ વાર્તાઓની અંદરબહારની યાત્રા કરાવવાની છે. એ પાંચ વાર્તાઓ છે –૧) વર્ચ્યૂઅલિ રિઅલ સૂટકેસ, ૨) કંચન થોડો ગીલી ગીલી છે, ૩) ફોક્સવેગન છોકરી તેમજ રેનોડસ્ટર છોકરો, ૪) એક લાંબા ગાળાની વાર્તા અને ૫) જાળનો પરિચય કરાવવાનો છે. હવે, મારી ટૂરની પદ્ધતિ એવી છે, હું તેમની વાર્તાકલાને લગતાં કેટલાંક વિરોધી વિધાનો (thesis-anti thesisનાં ચાર જોડકાં) રજૂ કરીશ અને એને આ પાંચ વાર્તાઓને ઉદાહરણ તરીકે લઈ પુરવાર કરવા પ્રયત્ન કરીશ. એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે આ બધાં વિધાનો પરસ્પર વિરોધી જ નથી. ઊલટું, ક્યાંક પૂરક છે. માટે આ વિધાનોને ટૂરની એક પદ્ધતિ તરીકે જોવા હું આપને વિનંતી કરું છું. તો ચાલો. સીટબેલ્ટ બાંધી લો.
૧) વાર્તાપ્રપ્રંચ રચવા વાર્તાકાર સુમન શાહ રસાળ ઘટનાઓનો આશ્રય લે છે.
એક નજર નાખીએ. ફોક્સવેગન છોકરો ને રેનોડસ્ટર છોકરીમાં સૂર્યમોહન અને તેમની પત્ની સૂર્યા બંનેને પોતાની બાલ્કનીમાંથી તેમની સેક્સ્યુઅલ ફેન્ટસીની પ્રતિનિધિરૂપ ફોક્સવેગન ગાડીમાંથી નીકળતી છોકરી અને રેનોસ્ટર ગાડીમાંથી નીકળતા છોકરાને જુએ છે. જે સ્વાભાવિક બંનેની વર્તણૂકમાં પરિવર્તન આણે છે. ને બંનેના મનમાં એકબીજા પ્રતિ શંકા પ્રેરે છે. કંચન થોડો ગીલી ગીલી છેમાં શક્તિસિંહ જે વાળંદ પાસે હજામત કરાવે છે એ વાળંદ ગે અથવા ગીલી ગીલી છે એવા સમાચાર એમનો નોકર લાવે છે પણ પોતાની અંદર જોતા શક્તિસિંહને માલૂમ પડે છે કે એ પોતે જ ગે છે. વર્ચ્યૂઅલિ રિઅલ સૂટકેસમાં સૂર્યકાંતની સૂટકેસની ફ્લાઇટમાં અદલાબદલી થઈ જાય છે અને પાછી આપવા આવેલી વ્યક્તિ એમાંની કિંમતી વસ્તુઓ અગાઉથી જ કાઢી લઈ જાય છે. એક લાંબા ગાળાની વાર્તામાં વાર્તાકાર-નાયક જૅન્તી પત્ની હંસાના કહેવાથી દેશાટને નીકળે છે. અને ત્યાં તેને ગિરિબાળા મળે છે જે તેમને નદીકાંઠે વસતા બે ભાગમાં વહેંચાયેલા અમરાવતીના રાજાઓ સૂર્યસેન ચંદ્રસેનનો ઇતિહાસ કહી સંભળાવે છે. ને એમને બંને પુર-સૂરજપુર-ચંદ્રપુરના લોકો જે સભામાં ભાગ લેવાના છે એમાં આવવા આમંત્રણ આપે છે. જૅન્તી જઈને જુએ છે તો સભામાં ચર્ચા કાબૂ બહાર જઈ મારામારી સુધી પહોંચી જાય છે. ટૂંકમાં કહી શકીએ કે વાર્તાકારે વાર્તાપ્રપંચ રચવા ઠીક ઠીક રસાળ ઘટનાઓનો આશ્રય લીધો છે. સૂટકેસ-ચોરી, સભા અને રમખાણ, કવર્ટ હોમોસેક્સ્યુઆલિટી, દંપતીના જીવનમાં સેક્સ્યુલ ફૅન્ટસીનું આગમન જેવી ઘટનાઓ/વિષયવસ્તુઓ આ નિરીક્ષણ પર મહોર લગાવે છે.
૨) સુમન શાહની વાર્તાઓમાં ઘટનાતત્ત્વ અત્યંત પાંખું છે.
પણ સામી બાજુ એમ પણ કહી શકાય કે આ વાર્તાઓમાં આમ કશું બનતું નથી. જેમકે એક લાંબા ગાળાની વાર્તામાં અંતે નાયક સભા, રમખાણ વગેરેથી કંટાળીને દૂર ચાલ્યો જાય છે. પાછો આવે છે ત્યારે એને ‘લાંબા ગાળાની વાર્તા’ માંડનારી ગિરિબાળા દેખાય છે, પરંતુ એને પણ ખાસ કશો પ્રતિભાવ આપ્યા વિના એ ઘરે પરત ફરે છે. પત્ની હંસા જેના માટે આતુર છે એવો પીડિત પ્રજાજનોનું નેતૃત્વ કરી બળવો કરાવવા માટે પણ એનામાં ખાસ કશો ઉત્સાહ નથી.
ફોક્સવેગન છોકરો તેમજ રેનોડસ્ટર છોકરીમાં સૂર્યમોહનને પોતાની (મનની) બાલ્કનીમાં ફોક્સવેગનમાં આવતી યુવાન સુંદરી દેખાય છે. રોજ એને જોતાં જોતાં એમના મનમાં એ છોકરી માટે પ્રચંડ આકર્ષણ નિર્માણ થાય છે. સામે, એમની પત્ની સૂર્યાને પણ એની (મનની જ સ્તો) બાલ્કનીમાં રેનોડસ્ટરમાં આવતો છોકરો દેખાય છે. ફોકસવેગન છોકરીને જોઈને સૂર્યમોહનને જેટલું સારું લાગે છે એટલી જ અકળામણ એમને એ વિચારે થાય છે, કે રેનોડસ્ટર છોકરાને જોઈને સૂર્યાને એવું જ થતું હશે? એક દિવસ હિંમત કરીને એ ફોક્સવેગન છોકરીને એમના બહુમાળી મકાનના ફોયરમાં મળી પડે છે. ખરા પણ કશું બનતું નથી. ઊલટું પોતાની અડધી ઉંમરની યુવતી પાછળ લટૂડા થવાની પોતાની ચેષ્ટાથી જ ધીમે ધીમે એ અકળામણ અનુભવવા લાગે છે.
વર્ચ્યૂઅલિ રિઅલ સૂટકેસના અંતે સૂર્યકાંત સૂટકેસચોર તરફથી છેતરામણીનો અનુભવ તો કરે જ છે. સાથે પેલા સૂટકેસ જેવા મેદાનમાં એને વૉક દરમિયાન મળતા અનેકો તરફથી વર્ચ્યૂઅલિ રિઅલ પથ્થરમારો સહે છે. છેતરામણી અને એને ઘેરી કરનારી વર્ચ્યૂઅલિ રિઅલ અનુભૂતિ (વર્ચ્યૂઅલ કે રિઅલ એ વાચકે નક્કી કરવું.) સાથે વાર્તા પૂરી થાય છે.
કે શક્તિસિંહ (કંચન થોડો ગીલી ગીલી છે) પોતાના સમલિંગીપણાનો સાક્ષાત્કાર થતાં ચોંકી ઊઠે છે અને કંચન પર ગરમ સૂપનો ઘા કરી બેસે છે. પણ આ સાક્ષાત્કાર કશી ઘટનાને લીધે નથી થતો. માટે જ એમ કહેવું પડે કે વિધાન નંબર ૧ પ્રથમ દૃષ્ટિએ સાચું લાગે, કે વાર્તાની માંડણીમાં વાર્તાકાર સુમન શાહ જેને અંગ્રેજીમાં juicy કહેવાય એવી ઘટનાનો આશ્રય લે છે. પણ અહીં એટલું કહેવું પડે કે એ ઘટનાની એમની માવજત જુદા જ પ્રકારની છે. જેમાં કશું ‘પરિણામ’ આવતું નથી. પાત્રને કશોક ‘સાક્ષાત્કાર’ થતો નથી. જીવન ‘સમજાતું’ નથી. ઊલટું જીવન થોડું વધારે અસહ્ય, વધારે અકળ ભાસે છે. જીવનમાં બને છે એમ આ વાર્તાઓના નાયકોની ગતિ કશા A થી B બિંદુ સુધીની નથી. પરંતુ શૂન્યગામી છે. શરૂઆત કે માંડણી રસાળ ઘટનાથી થાય ખરી, પણ એનું રૂપાંતર પાત્રની સૂક્ષ્મ આંતરિક અનુભૂતિમાં થાય છે. આ સુમન શાહની વાર્તાકલાનો મહત્ત્વનો વિશેષ છે.
૩) સુમન શાહ વાસ્તવની ભોંય પર વાર્તા રચનારા વાર્તાકાર છે.
એક સમય હતો જ્યારે આપણી વાર્તાના નાયકોનાં નામ અ, બ અને ક રહેતાં. એ સમયના વાર્તાકારો માટે પાત્રો માણસ હોય એ જ પૂરતું હતું. વાર્તાકાર સુમન શાહે પણ એ પ્રકારની વાર્તાઓ લખી જ છે. જ્યારે અહીં તો પાત્રોનાં નામ, અટક, વ્યવસાય, પગાર, અરે, તેમના શિક્ષણ વિશે પણ માહિતી મળે છે! જુઓ.
‘જૉસેફ એમનો (શક્તિસિંહનો) નોકર. સરોજના મરણ પછી અંગત માહિતી માટે રાખ્યો છે. નાનો જાસૂસ. પગાર મહિને વીસ હજાર. બપોરથી આવે. જોકે, બીજા આગળ વાત કરતા હોય ત્યારે શક્તિસિંહ જૉસેફ નથી બોલતા. મારો માણસ, એમ બોલે છે. કૉન્વેન્ટમાં ભણ્યો છે એટલે જૉસેફ, બાકી યુસુફ. ઉસ્માનપુરામાં રહે છે. બાહોશ છે. એક વાર કહે, મારી રગોમાં મેરે નાના બસે હૈ. અપને જમાને કે બડે શાયર થે; સપનામાં આવે છે. મૅંદીરંગેલી દાઢી પસવારતાં-પસવારતાં પાનવાલા મોંએથી મીઠું મીઠું ઉર્દૂ બોલે છે, ત્યારે એમનો સોને મઢેલો ઉપલો દાંત સર, હીરાની માફક ઝગી ઊઠે છે. જૉસેફ હંમેશાં લખનવી કૂર્તામાં હોય. પેન્ટ કટ પાયજામા પર શોર્ટ કૂર્તું. બોલતો હોય છે, “તહેઝિબ તો રખની પડે ભાઈ!” (કંચન થોડો ગીલી ગીલી છે)
તો સૂર્યકાન્ત તો જાણે અમદાવાદ જેવા મહાનગરનો કોઈ પણ આધેડ પુરુષ જ જોઈ લો!
‘સૂર્યમોહન ટાવરના આઠમા માળે રહે છે. ફ્લૅટની બાલ્કનીએથી થોડી થોડી વારે સામેનો રોડ જોવાની એમને આદત છે. માથા પાછળ બંને હથેળીઓની ગ્રીપ બનાવીને ઊભા હોય. બાંય વિનાનું બાંડિયું પહેર્યું હોય. વાસ મારતી બગલોની એસીતેસી. ઉનાળામાં તો બાંડિયું પણ નહીં. ઉઘાડા!” (ફોક્સવેગન છોકરી તેમજ રેનોડસ્ટર છોકરો)
એટલું જ નહીં એક લાંબા ગાળાની વાર્તાનું આ વર્ણન જોઈ લો.
“માની લો કે હત્યા થઈ’તી. –મારા બાજુવાળાની બાજુમાં બેઠેલો એકદમ બોલી ઊઠ્યો –પણ રાજીમા તો વરસોથી છે નથી, એટલે આ પંચાત કરવાનો અત્યારે શો ફાયદો? કોઠી ધોઈને કાદવ કાઢવાનો કે બીજું કંઈ? : એક પ્રૌઢ બેન બોલ્યાં: “ખરી વાત છે. સભા આડે પાટે ચડી ગઈ છે. : વઈદને સજા –એ મુદ્દાનો પણ કોઈ મતલબ નથી. આજની તારીખે એમનો કશો વાંક જ નથી બનતો, જવાનિયાં એમને ભરપેટ ઝંખે છે. : કાંદો શો કાઢવાના? : એવું હોય તો કમેટી નીમોને: કોઈ ટપક્યો. કમેટી-બપેટીની ખટપટ મેલો. મૂળ વાત પર આવો. : બરોબર છે ભાઈની વાત બરાબર છે. : સભાનો વખત બરબાદ થઈ રહ્યો છે –મારી બાજુવાળો બોલ્યો –વહરાદ વાટ જોઈને ઊભો છે : ત્યાં સામી બાજુવાળો બીજો કહે : હાચું છું, મૂળ વાત તો રેવતીની છે, હિજરતની સભા એ પર આવે –રેવતીને પૂરી દો ને બાંધી દો દીવાલ!”
લાગે છે ને કોઈ જાહેરસભા કે જનસભાના વર્ણન જેવું. કે શહેરની સુધરાઈની મીટિંગ જેવું. રચના માટે એ પણ કહેવું ઘટે કે આ રચનામાં આવતા સૂરજપુર કે ચંદ્રપુર કે રેવતી કોઈ પણ નગરમાં વસતા દરેક નાગરિકને પોતીકાં લાગે એવાં છે –એકદમ ‘વાસ્તવિક’.
૪) કલ્પનાના ઉડ્ડયન વિના વાર્તાકાર સુમન શાહને ચેન નથી પડતું.
પરંતુ છતાંય એમ કહેવું પડે કે આ વાર્તાકાર વાસ્તવની ભોંયનો રન વે તરીકે ઉપયોગ કરી તરત જ કલ્પનાની ઉડાન ભરવા લાગે છે.
એટલું જ નહીં, ઘણી વાર એ વાસ્તવ અને કપોળકલ્પિતમાં અવરજવર કરતા રહે છે. વાર્તાના પ્રસંગો પણ કેવા –વાસ્તવ અને કપોળકલ્પિતની ધાર પર હોય એવા. આ પ્રસંગો ખરેખર બને છે કે નહીં એ નક્કી કરવું અશક્ય છે.
આ જુઓ:
‘કેટલીય મિનિટો લગી મારા પર ધડાધડ ધડાધડના કાળા પથરાનો અવિરત મારો ચાલ્યો...
જાડિયો દોડતો ગ્રાઉન્ડના કિનારા પછવાડેના કોતરમાં આવેલી કશી લોઢિયા પથ્થરની ખાણ લગી પહોંચી ગયો ને એમાંથી પથરા વીણી વીણીને લંબૂસને પહોંચાડવાના મુખ્ય કામે લાગી ગયો: દોડી દોડીને ખાણમાં જાય ને પથરા ખાણમાંથી ઉતાવળે ઉતાવળે લઈ આવી લંબૂસને ઝિલાવે, લંબૂસ ઝિલાવે નરસિંહરાવને, ને નરસિંહરાવ ઉગામી-ઉગામીને ચીડિયા ક્રોધથી મને મારે. મને થયું કે મારા જ નકરા પથરાના માર્ગે ઊડ્યા આવે છે એના. કેવી ગતિ-વિધિ...! પણ પછી તો જોવાનીય તક નહોતી –એટલો બધો એકધારો મારો ચાલ્યો...
થોડી વાર માટે નરસિંહરાવે આખું કામ થંભાવી દીધું! મેં જોયું કે એ વિચિત્ર પ્રકારની કશી જંગલી બોલીમાં બૂમો જેવા પોકારો પાડવા લાગ્યો. એના પોકારે પોકારે બપોરી વેળાનું સૂનું ગ્રાઉન્ડ ગાજતું રહ્યું –પેલા છેતાલીસે છેતાલીસ લીમડા એની બૂમે બૂમે ધરુજતા રહ્યા.’
(વર્ચ્યૂઅલિ રિઅલ સૂટકેસ)
ઘટનાના વર્ણન પરથી આપણને ખાતરી થાય કે આવું તો કંઈ બનતું હશે. એટલું જ નહીં –પછી તો નાયકનું પોતે ઘવાયો અને બેડરૂમમાં એને પલંગ સાથે બાંધવામાં આવ્યો એનુંય બયાન છે, ને બીજી સવારે એકદમ સાજોસમો તાજોમાજો ઊઠ્યો એનું પણ બયાન છે. પરંતુ એટલા ખાતર શું એવું કહી શકાય કે ઉપર જે વર્ણવાયું એ ‘વાસ્તવિક’ નથી કે એ ‘બન્યું’ નથી? જીવનમાં બધું બનેલું જ કયાં બનેલું હોય છે. મનુષ્ય માત્રને એના પર કશા પથ્થરોનો વરસાદ થઈ રહ્યો હોય કે એનો વિરોધી જંગલી બૂમો પાડતો હોય એવી અનુભૂતિ થાય એ શું રિઅલથી પણ વધારે રિઅલ નથી?
સાચી વાત તો એ છે કે કલ્પના અને વાસ્તવ દેરીદા કહે છે એવાં બાઇનરિ ઑપઝિટ્સ –વિરોધી જોડકાં ખરાં. પણ એવાં વિરોધી જોડકાં છે, જેમની એકબીજાંમાં દખલ કે અવરજવર સતત ચાલુ રહે છે. વાસ્તવ એ એક પ્રકારની કલ્પના છે. ને કલ્પના એ જુદી કક્ષાનું વાસ્તવ છે. એકના વગર બીજાનું અસ્તિત્વ નથી. બેમાંથી એકની પસંદગી કરવી એ બીજાને હાંસિયામાં ધકેલવાની સત્તાવાદી પ્રવૃત્તિ છે. પરંતુ સાચી સર્જકતા કશાય સત્તાવાદને ગાંઠતી નથી.
સુમન શાહની વાર્તાઓ પણ વાસ્તવ કે કલ્પના આ બેમાંથી એક ધ્રુવ પર સ્થિર થતી નથી. અથવા તો વાસ્તવ અને કપોળકલ્પિતમાં સતત અવરજવર એ એમની વાર્તાકલાનો બીજો મહત્ત્વનો વિશેષ છે.
૫) સુમન શાહની વાર્તાઓમાં વાર્તાને અનુરૂપ નર્યું કથાગદ્ય જોવા મળે છે.
વાર્તાનું ગદ્ય એટલે શું? વાર્તાનું ગદ્ય એટલે જેમાં કથા હોય. કથા હોય એટલે કથન (ટેલિંગ) હોય. કથન હોય એટલે બોલચાલની ભાષા હોય. દરેક વાક્ય કથાપ્રવાહને આગળ ધપાવતું હોય, કશુંક વર્ણવતું હોય અથવા તો પાત્રની અંદર લઈ જતું હોય.
‘જોસેફનું તો ઘોયરું, પોતાનું મન કોનાથી ચાલે છે... સરોજથી? પણ એ તો નથી. ચમ્પાએ આપઘાત કર્યો એના બીજે અઠવાડિયે ટાયફોઇડમાં મરી. પોતે ધ્યાન નહીં આપેલું. તે ઢળતી જુવાનીમાં સ્ત્રી વગરના થઈ ગયા! તો શું મારા મનને ઍલિશા ચલાવે છે? યાદ ન આવ્યું કે સરોજને પોતે છેલ્લું ચુમ્બન ક્યારે કરેલું. શીખવાડેલું –બાળસખી રૂપાંદેએ... રામ જાણે રૂપાંદે તો ક્યાં હશે. પોતે રોજ સાંજે ઍલિશાની રાહ જોતા હોય છે : ઍલિશા આવે, ન આવે. આવે તો અપારનાં ચુમ્બનો. વીંટળાયેલી ચોંટેલી રહે, રાત રોકાઈ જાય. ઍલિશા આવે એમ થર્ડ ફ્લોર પરથી કંચન ચડ્ડી જરૂર આવે, ઘણું બેસે, ઘણી વાતો કરે: તો શું મારા મનને કંચન ચડ્ડી ચલાવે છે? કે એની પેલી કામિની? કે પછી આ જૉસેફડો?--- શક્તિસિંહ અટકી ગયા.’
જોઈ? બોલચાલની ભાષાની વિવિધ ભંગિમાઓ? પાત્રને અનુરૂપ સંવાદો. પ્રવાહી વર્ણનો. મનોસંચલનો. આ કથાગદ્ય.
૬) સુમન શાહની વાર્તાઓમાં ઠેર ઠેર કાવ્ય, નાટ્યના ચમકારા જોવા મળે છે.
છતાંય કહેવું પડે કે ઉપરની વાર્તાઓમાં ઠેર ઠેર કાવ્ય ને નાટ્યના ચમકારા જોવા મળે છે.
‘બાય ધ વે જૉસેફ, મને એ નથી સમજાતું લોકો વાતવાતમાં અમેરિકા કેમ ચાલી જાય છે?
એવું છે સર- આયૅમ નૉટ શ્યૉર, ખાલી સાંભળ્યું છે–
ત્યાંના પવન ભૂરા રંગના હોય છે તે અડતાંની વારમાં માણસનાં દુ:ખદર્દ છૂ થઈ જાય છે. માણસ આછો ઓછો થઈ ત્યાંની હવામાં શીમળાનાં ફૂલની જેમ ઊડતો થઈ જાય છે.’
(કંચન થોડો ગીલી ગીલી છે)
જોસેફનો અગાઉ પરિચય કરાવ્યો એમ એ લખનવી તહેઝીબ પાળતો માણસ છે. એના નાના શાયર હતા. આ વાર્તાકાર પોતાની વાર્તાઓમાં આવું સાહિત્યિક અભિરુચિ ધરાવતું પાત્ર ઊભું કરી દે છે ને એના મુખે આવી કવિતા બોલાવે/લખાવે છે.
જુઓ આ બીજું ઉદાહરણ પણ જુઓ. એમાં નાયક પોતાની ડાયરી લખવાનો શોખ ધરાવે છે ને કહે છે “એકવાર હું ડાયાબીટીસ શબ્દ પૂરી ચોખ્ખાઈથી બોલેલો –ત્યાં મને અચાનક થયું ડાયબીટિઝ એકાદ ઇંચનું જીવડું છે ને મારે હોઠે ચૉંટી ગયું છે. મથીને, બળજબરી અંદર પેસવા કરે છે.’
(વર્ચ્યૂઅલિ રિઅલ સૂટકેસ)
આમ તો કથાતત્ત્વ અને નાટ્યતત્ત્વ એકબીજાંથી વેગળાં પાડી શકાતાં નથી. અને તમામ કલાઓમાં નાટ્યતત્ત્વ કોઈ ને કોઈ સ્વરૂપે હાજર જ હોય છે. પરંતુ જો નાટ્યાત્મકતા સાંકડા અર્થમાં આપણે એને સંઘર્ષ અને ક્રિયાત્મકતાથી મૂલવવી હોય તો આ જુઓ:
‘તે એમ! –બોલતાં શક્તિસિંહે સૂપનો બાઉલ કંચનના ચ્હૅરા પર ખપુસાવ્યો, દાબ્યો, ઝટ ઉખાડ્યો, ને ધડામ્ ડોર બંધ કરી દીધું. કંચન ઓ બાપરે દાઝ્યો ઓ બાપ રે... મારો શો વાંક પડ્યો... કહીને રડવા લાગ્યો... રડતાં રડતાં ડોરબેલ વગાડતો રહ્યો...’
(કંચન થોડો ગીલી ગીલી છે)
કેટલું નાટ્યાત્મક અને દૃશ્યાત્મક!
ટૂંકમાં, એમ જરૂર કહી શકાય કે વાર્તાકારનું ગદ્ય મહદઅંશે કથનાત્મકતાને વરેલું હોવા છતાં તેમાં કાવ્ય ને નાટ્યના ઠેરઠેર ચમકારા જોવા મળે છે. આવી સર્વાંગીણ ભાષા એ સુમન શાહની વાર્તાકલાનો ત્રીજો મહત્ત્વનો વિશેષ છે.
૭) સુમન શાહની વાર્તાઓમાં એબ્સર્ડનું જીવનદર્શન પ્રગટ થતું જોવા મળે છે.
એબ્સર્ડ એ જીવનદર્શન ગણાય? ગણી શકાય. ન પણ ગણી શકાય. જીવનનું મૂળભૂત સત્ય પ્રગટ કરતા વાદ તરીકે પણ એને ઓળખાવી શકાય. ને જીવનની ઉપેક્ષી ન શકાય એવી લાક્ષણિકતા પણ એને ગણાવી શકાય. કામૂ એની વ્યાખ્યા એમ કરે છે કે માણસની એના પરિવેશથી કપાઈ ગયાની અનુભૂતિ એટલે એબ્સર્ડ. એબ્સર્ડવાદી જીવનદર્શન બીજાં દર્શનોથી અલગ એટલે પડી આવે છે કે આ દર્શનનો જીવનને સમજવાનો કે સમજાવવાનો દાવો નથી. ઊલટું, જીવન સમજાતું નથી કે જીવન વિશે કશું સંબંદ્ધ કહી શકાતું નથી એવું axiom –સ્વયંસિદ્ધ સત્ય –તેના મૂળમાં કે પાયામાં છે.
એટલે જ કોઈ કૃતિને એબ્સર્ડ કહેવું એ મને રુચતું નથી. કદાચ એવું કહી શકાય કે જે તે કૃતિ એબ્સર્ડવાદી જીવનદર્શન પ્રગટ કરે છે. ને જે એબ્સર્ડને જીવનદર્શન નથી ગણતો એ એમ કહી શકે કે જે તે કૃતિ એ જીવનની એબ્સર્ડવાદી લાક્ષણિકતા પ્રગટ કરે છે. ટૂંકમાં કહેવું હોય તો એમ પણ કહેવાય કે કૃતિ એબ્સર્ડવાદી છે. પણ કૃતિ એબ્સર્ડ છે એવું ન કહેવાય. કારણકે કૃતિ અસંબદ્ધ નથી. પણ એ જીવનની અસંબદ્ધતાને પ્રગટ કરે છે. નાટકના સંદર્ભે એ એબ્સર્ડનું નાટક છે એમ કહેવાય. માર્ટીન એસ્લીને પણ પોતાના ગ્રંથનું નામકરણ ‘થિયેટર ઓફ ધ એબ્સર્ડ’ કરેલું છે.
ખેર! આ વાર્તાઓના સંદર્ભમાં કહેવું હોય તો એમ કહી શકાય કે એમની વાર્તાઓ એબ્સર્ડના જીવનદર્શનને પ્રગટ કરે છે. કેમકે આ વાર્તાઓના નાયકો, પછી એ જૅન્તી હોય કે શક્તિસિંહ કે સૂર્યકાન્ત કે પછી વર્ચ્યૂઅલિ રિઅલ સૂટકેસનો અનામી ઇવનિંગ વોકર –એ સહુને વાર્તાને અંતે જીવન અકળ, અસમ્બદ્ધ ભાસે છે. કશી ગડ બેસતી નથી. કશી કડીઓ મળતી નથી. એ અર્થમાં સુમન શાહની વાર્તાઓમાં એબ્સર્ડનું જીવનદર્શન પ્રગટ થતું જોવા મળે છે.
૮) સુમન શાહની વાર્તાઓમાં કશું જીવનદર્શન સાંપડતું નથી.
જોકે, એક રીતે જોવા જઈએ તો અહીં ઉલ્લેખેલી વાર્તાઓમાં નાયકનાયિકાનાં દુ:ખ સંજોગોને આધીન છે. અથવા જીવનપરક છે. જુઓને, આ સૂર્યકાન્ત જેને પરણ્યો છે એના પર એને વિશ્વાસ બેસતો નથી. સાથે પોતે પણ ફોક્સવેગન ગાડીમાં આવતી રૂપસુંદરી પાછળ લટ્ટુ બની ગયો છે. એને પોતાના લટ્ટુપણાનો પણ કંટાળો આવે છે. એનો દુઃખાવો પણ જીવનપરક છે. શક્તિસિંહ પણ જુઓ તો પોતાના સમલિંગીપણાને સ્વીકારી શકતો નથી. નથી જૅન્તી હંસાને ગમે એવી સામાજિક-રાજકીય પ્રસ્તુત એવી રચના રચી શકતો. એટલું જ નહીં એવી કશી પ્રવૃત્તિમાં પણ ભાગ નથી લઈ શકતો. તો, વર્ચ્યૂઅલિ રિઅલ સૂટકેસના નાયકના દુખાવાનું કારણ છે એની પત્ની રજનીબાળાનું છોડી જવું –ને એમાંથી ઊભી થતી સઘન એકલતા. એ રીતે જોઈએ તો આ વાર્તાઓમાં કશું જીવનદર્શન પ્રગટતું નથી. ને આ રચનાઓ હાજર પાત્રોનાં જીવનપરક દુ:ખોને આલેખતી કોઈ ટેગ વગરની નરી રચનાઓ બને છે.
આમ, આ વાર્તાઓમાં ક્યાંક ક્યાંક એબ્સર્ડનું જીવનદર્શન પ્રગટતું હોવા છતાં તેમને વાર્તાઓને એબ્સર્ડવાદી કહી શકાતી નથી. ઊલટું, સઘળાં જીવનદર્શનોમાંથી એમની વાર્તાઓ મુક્ત છે. આ સુમન શાહની વાર્તાકલાનો ચોથો નોંધપાત્ર વિશેષ છે.
(ખોંખારો)
તો પ્રિય પ્રવાસીમિત્ર,
કેમનું રહ્યું? હું માનું છું કે સુમન શાહની કથાસૃષ્ટિમાં મેં કરાવેલી આ ટૂરને તમે મન ભરીને માણી હશે. તમે જ્યારે પણ મરજી પડે ત્યારે છૂટથી આ સૃષ્ટિમાં વિહાર કરી શકો છો. અને તમને જડે એવા વિશેષો નોંધી શકો છો.
તમે કદાચ નોંધ્યું હોય કે મેં પાંચમી વાર્તા જાળની વિશેષ વાત કરી નથી. કારણકે મને એ રચના કૈંક અંશે વાયવી અને કૃતકતામાં સરી પડનારી લાગે છે. પણ તમને એ વાર્તાનું તમારી રીતે વાંચન કરી મારું મંતવ્ય તપાસવાની છૂટ છે. ઊલટું, મને એવું ગમશે.
હું તો એમ પણ ઇચ્છું કે તમે આ પાંચેય વાર્તાઓ વાંચો. માણો. જરૂર પડ્યે એને મૂલવો. ને મારા લેખને પણ મૂલવો.
બાકી, મારી પાસે કોઈ ફોર્મ નથી પરંતુ જે કંઈ પણ ગમ્યું –ન ગમ્યું તેનો ફીડબેક લખીને મોકલશો તો મને ઘણું જ ગમશે.
આશા કરતે હૈં આપ કી યાત્રા સુખદ રહી હોગી.
ધન્યવાદ
–સાગર શાહ
મો. 98240 61109