સુમન શાહ સાહિત્યસંપુટ/૨. દલપત ચૌહાણ
દલપત ચૌહાણ
વાણીઃ
સુરેશ જોષી ઘણીવાર કહેતાઃ આપણે વર્ગખંડની બહાર બેસીને કશુંક ખાતાં-પીતાં રહીએ અને સાહિત્ય કલાની વાતો/ચર્ચાઓ કરતાં હોઈએ એવું થાય તો કેવું સારું...!
(સુમન શાહઃ પુ. ‘ઉજાણી’ વાર્તાસંગ્રહ, સંપાદન પાન નં.૭)
અને એ ગુરુવાણીને ચરિતાર્થ કરવા સુમનભાઈ (અધ્યાપક)એ મથામણ શરૂ કરેલી. પહેલો પાક તે ૧૯૯૧ – સન્નિધાન. સાવ જ અનૌપચારિક સંગઠન. ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને યુનિવર્સિટીના ચોકઠામાંથી મુક્ત કરી ખુલ્લામાં વિહાર કરાવવાની કોશિશ. શિબિરોમાં મુક્ત વાતાવરણમાં ઉત્સાહપ્રેરક ચર્ચાઓ કરાવવાની કોશિશ. જ્યારે બીજી મથામણ એટલે ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ એમાં પરિસંવાદો અધધ... ‘બૉદલેર’, ‘મારી કલાવિભાવના’ અને સર્જકતા વિશે સંવાદો થયા. સર્જાતાં પુસ્તકો વિશે અવલોકનશિબિર થઈ. કાળક્રમે ‘સુજોસાફો’નું એક અદ્ભુત સોપાન રચાયું. વાર્તાશિબિરો એની શરૂઆત ૧૯૯૫થી થઈ.
પણ અમે તો કવિઓ, દલિત કવિઓ! દલિત પ્રતિબદ્ધ ઋતુપત્ર ‘આક્રોશ’ અને કાળો સૂરજ લઈ નીકળેલા. હું ક્યારેક ક્યારેક દલિત વ્યથાકથાની વાર્તાઓ કરતો. એકાદ સંગ્રહમાં વાર્તા સંપાદિત પણ થયેલી. આપણને એટલે કે મને એમ કે વાર્તા લખવાનું મારું ગજું નહીં. અને એક દિવસ મને સુજોસાફો તરફથી સુંદર અક્ષરે લખાયેલા પત્રે (ઝેરોક્સ નકલ) મને સણાલી આશ્રમ મુકામે વાર્તા વાંચવા માટે, વાર્તાશિબિરમાં આવવાનું નિમંત્રણ મળ્યું. હું ચમક્યો. પત્રના અંતે સહી હતી ‘સુમન શાહ’. આમ તો શબ્દસૃષ્ટિના એક વેળાના સંપાદક તરીકે એમને હું જાણતો હતો. ક્યારેય મળ્યો ન હતો.
આ પત્ર મારા માટે ચમત્કારથી ઓછો ન હતો. મેં ભૂતકાળને ખંખેર્યો. મેં ૧૯૮૪માં વાર્તાઓ લખેલી. કેટલીક માસિક પત્રિકાઓમાં તે મોકલી હતી. જેમાં એક વાર્તા ‘શબ્દસૃષ્ટિ’ (સાહિત્ય અકાદમી, ગાંધીનગર) માસિક પત્રિકામાં મોકલી હતી. પણ પછી એ વાત ભૂલી ગયેલો. અચાનક એક દિવસ ૧૯૮૭ (કોઈ માસ)ની ‘શબ્દસૃષ્ટિ’માં મારી વાર્તા પ્રકાશિત થઈ. હું રાજી. હાશ ‘બદલો (ગંગામા)’ વાર્તાનો મોક્ષ થયો. અને તે વખતે તેના સંપાદક હતા ‘સુમન શાહ’. વાહ! કદાચ ‘ગંગામા’ વાર્તા જ મને સણાલીના નિમંત્રણનું કારણ હતી.
મંડાલી ગામ અંબાજી માતાના મંદિરને રસ્તે. અંતરિયાળ ને અરવલ્લીની ટેકરીઓને ક્યાંક ક્યાંક સમતળ કરીને વસેલું. તેની પૂંઠે બબ્બે નદીઓના સંગમકોણે વસેલો સણોલી આશ્રમ. એક ધીમી નાજુક નદી ‘કીડી’ અને બીજી ઉતાવળી તોફાની નદી મંકોડી. એમનું જોર ખરું, પણ ચોમાસે. બાકીના દિવસોમાં માંદલી, ધીમે ધીમે સરકે. અને એ સંગમઆશ્રમ શાખે મેં સુમનભાઈને જોયા. મળ્યો. સાંભળ્યા અને વાર્તાને દૃઢ કરી, સુમનભાઈની દોસ્તીનો પાયો નંખાયો અને આજેય એ દોસ્તી દૃઢતાથી અડીખમ ઊભી છે. એ કિલ્લાની કાંકરી ખરવી તો ઠીક, કાંકરી હલી નથી.
હું દલિત કવિ-વાર્તાકાર કે બીજું કશુંક હતો. એ સમય દલિત વાર્તાકવિતા લખવી અને સ્વીકારવી કનિષ્ઠ પ્રવૃત્તિ ગણવામાં આવતી. મિત્રો સલાહ આપતા, ‘આવું નહીં કશું સારું લખો!’ આ શિબિરમાં શું વલે થશે તેની ફડક હતી. પણ ‘ગંગામા (બદલો)’ના પ્રકાશને મને સધિયારો આપેલો. ચાલો, પડશે એવા દેવાશે. ત્યાં ઘણા ઘણા વાર્તાકારો હાજર હતા. સુજોસાફો હતું. કોણ પ્રમુખમંત્રી, બંધારણ ગાયબ હતાં. અલિખિત ચમત્કારથી સૌ ભેગા મળેલા. કોણ પહેલી વાર્તા વાંચશે? કોઈ આદેશ કરશે કે ઇશારો! પણ સવારના નાસ્તા પછી ગાદીતકિયાને સહારે એક હોલમાં વાર્તાકારોનું કુંડાળું પડ્યું. ગોળ તકિયા સાથેની ગોળ પરિષદ. કોઈ પહેલો નહીં, કોઈ બીજો નહીં. વાહ! સંચાલન તો કરવું પડે ને!
સુમનભાઈએ ‘ઉજાણી’ (વાર્તા સંપાદન)ની પ્રસ્તાવના ‘વાર્તાઓની ઉજાણી’માં નોંધે છે. (પા.૮)
‘શિબિર વખતે ૧૫-૨૦ જેટલા વાર્તાકારો કોઈ અંતરાલના સ્થળે ભેગા મળે છે. પહેલા દિવસની સવારથી માંડીને બીજા દિવસની બપોર લગી શિબિર લગભગ નિરંતર ચાલે છે. ખાવા-પીવા-ઊંઘવાનો અનિવાર્ય સમય બાદ કરતાં. દરેક શિબિરાર્થી પોતાની મૌલિક અપ્રકાશિત રચના રજૂ કરે છે અને અન્ય સૌ તેના વિશે ભરપૂર ચર્ચાઓ કરે છે... ચિઠ્ઠી નાખીને ક્રમ નક્કી કરાય છે. કોઈ પણ બેઠકમાં એક પણ પ્રમુખ નામનો જણ ક્યારેય હોતો નથી. ઠાંસથી જણાવાય છે તેમ, પોતાનો કિંમતી સમય ફાળવીને કોઈ મોટો કહેવાતો સાહિત્યકાર એમાં હાજરી આપવા આવ્યો હોતો નથી. એમાં ઠાલા ચર્ચકો પણ નથી હોતા. માત્ર સર્જકો ભાવન અને વિવેચનની ભૂમિકાએ રહીને એકમેકની ભરપૂર ઉપસ્થિતિનો અઢળક લાભ પામે છે... બધી વાતનું સંતુલન ફૉરમમાં સ્વયં સંચાલિત હોય છે.’
આ વાતે અને આ ઘાટે ચાલીસ ઉપરાંતની શિબિરો થઈ છે. અને આવી વાર્તાશિબિર કોઈ અન્ય જણે નિસ્પૃહ રહી ચલાવી હોય એવું ગુજરાતી વાર્તાજગતમાં તો જાણ્યું નથી.
અને આ પહેલી વાર્તાશિબિરથી હું ‘સુજોસાફો’માં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલો.
અહીં અપ્રકાશિત મૌલિક વાર્તા લાવવાની અને નિમંત્રિત શિબિરાર્થી તરીકે આવવાની પરંપરા અલિખિત, પણ વજ્જર જેવી.
એકવાર મેશ્વો ડેમ પાસે શામળાજી મંદિરના સાંનિધ્યમાં આવેલી કૉલેજમાં શિબિર. શિબિરાર્થીઓને ખબર કે અહીં નિમંત્રણ વિના કોઈને પ્રવેશ નહીં. ભૂલેચૂકે અહીં આજના સારા સાહિત્યકાર, વગર નિમંત્રણે શિબિરે પહોંચી ગયા. તેમને ત્યાં પ્રવેશ અપાયો નહીં. પણ પછીની શિબિરમાં તે નિમંત્રણ પામી હાજર. ખુશ.
અને વાર્તાકાર વાર્તા ન લાવે અથવા અધૂરી લઈ આવે, તો વાર્તા લખનારના સુંદર દૃશ્ય ઉપસી આવે. ગોપનાથના દરિયાકાંઠે સવાર સવારમાં એક વાર્તાકાર વાર્તા પૂરી કરવા, ભેખડ પર ખુરશી ગોઠવી બેઠેલા. સામે દરિયો ઘૂઘવે, એમની મજાક કરે, પણ પેલા વાર્તા લખવામાં મશગૂલ. મેં તો મણિલાલ હ. પટેલ કે સુમનભાઈને ઉજાગરો કરીને વાર્તા પૂરી કરતા જોયા છે. આ તો ભાઈ શિસ્તનું એવું. પાળવું પડે.
તારંગાની ટેકરીઓ પર ફરતાં જોયેલાં વગડાઉ પંખી, પંખો અને ફૂદડી, દૈયડ અને દરજીડો. રંગબેરંગી ફૂલચૂસિયાં કે ફૂલસૂંઘણીની વાત નોખી.
ફતેપુરાની રૂપેણ ને વેરાવળ પાસેની ઉમરીમાં ગાળેલી રાત કંઈક સંભારણાં લઈ આવી છે. ચર્ચામાં ટીખળ અને હસીમજાક ભળે તો ભયો ભયો.
કોઈની વાર્તા વંચાઈ ગઈ હોય, ચર્ચાઓ પૂરી થવાની અણી પર હોય.. હું ચૂપ હોઉં તો... સુમનભાઈ મને પૂછે.
“દલપત, આ વાર્તા વિશે તારે કંઈ કહેવું છે?” અને વાર્તાકારો ખડખડાટ હસી પડે. એમને લાગે કે હું કંઈક નવું – કોથળામાંથી બિલાડું કાઢીશ. મજો હતો ભાઈ! મજો.
વારો તો દરેક વાર્તાકારનો આવે, વગર સાબુએ... સમજ્યા. પણ ધોવાયેલી વાર્તા ચમકદાર વખાણ લઈને કાળાંતરે ઊઘડે. સુજોસાફોના કસના પથ્થરે કસાયેલી વાર્તા ટકોરાબંધ થતાં વાર ન લાગે. આ સઘળું સુમનભાઈની નિશ્રામાં રીસ, રોદો કે ખાર વિના ચાલ્યા કરે.
‘ગુજરાતી દલિત વાર્તા’નું સંપાદન કરાવી રઘુવીરભાઈ ચૌધરીએ દલિતવાર્તાની આંગળી પકડી હતી. પરંતુ તે પહેલાં સુમનભાઈ શાહ અને વિષ્ણુભાઈ પંડ્યાએ દલિતવાર્તાને શબ્દસૃષ્ટિ – ચાંદનીમાં પ્રકાશિત કરી હતી. અને સુમનભાઈએ જ્યારે ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ની અનૌપચારિક સ્થાપના કરી, ત્યારે ઘણાખરા આજના સારા વાર્તાકાર મોહન પરમાર, દશરથ પરમાર, સંજય ચૌહાણ, ધરમાભાઈ શ્રીમાળી અને દલપત ચૌહાણને સાથે લીધા હતા. અને ‘સુજોસાફો’ની વાર્તાશિબિરોના પરિણામસ્વરૂપ ‘ઉજાણી’ (સં. સુમન શાહ) અને ‘વાર્તા રે વાર્તા’. (સં. સુમન શાહ) જેવાં સંપાદનોમાં દલિત વાર્તાકારોની વાર્તાઓને એમના સાહિત્યના ગજમાપે તોલાઈને સ્વીકારાઈ હતી. દલિતવાર્તાઓ શિબિરોનો પરિપાક હતો, એમ હું ગર્વથી કહું છું.
એમણે કરેલું ‘વાર્તા રે વાર્તા’ વાર્તા સંપાદન ગુજરાતી વાર્તાજગતમાં નોખું, આગવું સ્થાન ભોગવે છે. તેમણે સંપાદિત કરેલી વાર્તાઓ, સંપાદનને સમજવા માટે તેમણે લખેલી પ્રસ્તાવનારચનાઓની ગુણાનુરાગી વર્ણનોને લેખે લેવી જોઈએ. તેમાં એમણે વાર્તાકલા અને વાર્તા વિશેના પોતાના સ્પષ્ટ વિચાર રજૂ કર્યા છે. સંપાદિત કરેલી રચનાઓ વિશે તેઓશ્રી કહે છેઃ
‘દલિત વ્યથાને અને નારીતત્ત્વને લક્ષમાં લેતી ૧૦ જેટલી રચનાઓ, પ્રેમ જાતીયતા, નગરજીવન, અવૈધ સંબંધો વગેરે વિષયોને સ્પર્શતી. પરંતુ જાણ્યેઅજાણ્યે રૂપનિર્મિતા આશ્રયે વિકસેલી ૧૭-૧૮ રચનાઓ, પ્રકૃતિરાગ, રૂઢ પરંપરાઓ અને જૂનવટ જેવાં જીવનમૂલ્યો સાથેની વિચ્છેદની તેમજ ગ્રામજીવન અને કુટુંબજીવનમાં આવેલા આઘાતક પરિવર્તનની વાત કરતી ૭-૮ રચનાઓ, કે પરંપરાગત પદ્ધતિનો પૂરો લાભ લઈને લખાયેલી ૯-૧૦ રચનાઓ, એમ સંપાદનમાં બધું મળીને ૪૭ વાર્તાઓ છે. (પા. ૧૯)’
આમ, સર્વ પ્રથમ વાર્તાઓને એની પ્રકૃતિ પ્રમાણેના યોગ્ય વિભાગમાં વહેંચી દેવામાં આવી. પછી વાર્તાકલા અને વાર્તા સંપાદનની નિરાંતે વાત માંડે છે. તેમાં કોઈ જ વાર્તા-વાર્તાકારનો આધાર લીધો નથી તેમજ કોઈ જ સંપાદિત પુસ્તક કે સંપાદકનું નામ લીધું નથી અને પ્રસ્તાવનામાં રસદર્શનાત્મક, વિવેચનાત્મક અને આંગળી ચીંધીને કલાને જ ગજમાપ બનાવીને વાત કરી છે. તેઓ કોઈ જ અમુકતમુકની ભાંજગડમાં પડ્યા નથી.
સંપાદન વિશે તેઓ જણાવે છે કેઃ
‘સરેરાશ સંપાદનોમાં, સામાન્યપણે મને બે બાબતો જોવા મળે છે. વિવેચનના સર્વસાધારણ અને ફેશનમાં આવી ગયેલાં ધોરણો ને એ ધોરણે વાત કરાતી હોય છે. જેમ કે, આધુનિકતાસંલગ્ન સૌંદર્યની શોધ ચાલે. એ મળે એટલે વિવેચક પોતાનો રાજીપો વ્યક્ત કરે, મુશ્કેલ, સંકુલ નિરૂપણથી ખુશ થાય. જેમ કે અનુઆધુનિકતા, સંલગ્ન પ્રસ્તુતતાની તપાસ ચાલે –લેખકના સમાજપરક દાયિત્વની. એ મળે એટલે વિવેચક પ્રસન્ન થઈ જાય. સરળ, સુબોધ નિરૂપણોથી ખુશ થાય. બીજી વાત એ કે ‘વાર્તા નથી બનતી’ પ્રકારની એમાં એક કાયમી માન્યતા પણ ઉમેરાયા કરતી હોય છે.’ (પાન. ૧૯)
આમ, પ્રસ્તાવનાના કેન્દ્રમાં કોઈને લાવ્યા સિવાય, પોતાના સંપાદનમાં નવીન પ્રયોગ આદર્યો હોય એમ જણાય છે. તેઓ સીધા વાર્તા પાસે ગયા છે અને ત્યાર બાદ એક સંપાદકીય નોંધ લખી છે. પ્રથમ વાર્તાને ટૂંકમાં રજૂ કરી, વાર્તા વિશેનું પોતાનું નિવેદન મૂકે છે. અને વાર્તા ક્યાં છે, કેવી છે? ઘટનાનું વાર્તામાં રૂપાંતર થયું કે કેમ? કેવું થયું? એક પણ ખૂણો અછતો રહી ન જાય, તેની કાળજી રાખી છે. એમણે પ્રસ્તાવનામાં જે વિભાગોમાં વાર્તાઓને વહેંચી છે, તેમાંની એકાદ વાર્તાની સંપાદકીય નોંધને ફંફોસીએ:
પહેલી વાર્તા ‘એટેચમેન્ટ’ (અજય ઓઝા) વિષે લખાયું છે, ‘નિશુ સામે ફળિયું ખૂલે ને ફળિયેથી ફંગોળાઈને નિશુ પાછી વર્તમાનમાં આવી જાય. નિશુ વડે પ્રથમ વ્યક્તિના કથનકેન્દ્રથી બધું કહેવાય અને એથી વાર્તાપટ રચાય. સુવિધા માટે સાધનોને કારણે શહેર અને કસબા કે ગામડાંની જીવનપદ્ધતિમાં આવેલું પ્રવર્તમાન પરિવર્તન આ રચનાની ભૂમિકામાં છે. એથી માણસ માણસ વચ્ચે જે સાયુજ્યલોપ થઈ રહ્યો છે, જે જાતનું ‘ઝીરો એટેચમેન્ટ’ જોવા મળે છે. તે હ્રાસની લેખકે નિશુ અને મા વચ્ચેના રસપ્રદ સંવાદોથી વિધવિધે વાત માંડી છે.’ (પા. ૪)
પછી થોડાક સંવાદો અને ‘એટેચમેન્ટ’ની વાત કહી છેલ્લે વાર્તા વિશે કહેવાય છે. જેમાં વાર્તાકારની વાત પણ આવી જાય છે.
‘...પરિવર્તનની જાહેર, સર્વસામાન્ય અને સ્પષ્ટ વાત અને નિશુની અંગત વૈયક્તિક અને અસમંજસ વેદના સામસામે તોળાતી અનુભવાય, તેમ છતાં રચના કશી ટીકાટિપ્પણી ન બને, બલકે વધારે ધારવાળી વાર્તાકૃતિ થાય એ દિશાની વાર્તાકારની દૃષ્ટિ અછતી નથી રહેતી.’ (પા.૪)
આમ, પહેલી વાર્તા વિશે મેં કાચી નોંધ જેવું કર્યું, તેવું બધી વાર્તાઓ વિશે ઊંડા ઉતરાશે નહીં, તોય કેટલીક વાર્તાઓ વિશે એકાદબે છેલ્લી પંક્તિઓ સુધી જઈએ. અજિત ઠાકોરની ‘ડોડો’ વાર્તા વિશે લખાયું કે:
‘ડીનપદની મેનકાના ઝણકાર/ભણકાર... આકડાનો ડોડો ફાટે ને ઊડવા માંડે, એમ એમ ચોગમ વીખરાવા માંડેલો, અને છેવટે યુનિવર્સિટીના તમિસ્રલોકને વીંધી રૂનું છેલ્લી ટીલી જેવું પોલકું થઈને ઊંચે ને ઊંચે ઊડતું થઈ જાય છે. નામશેષ થઈ જાય છે. સાહિત્યિક કોટિનો જલદ રસપ્રદ વ્યંગ વેરતી અનોખી રચના.’ (પા. ૯)
‘પડછાયાઓ વચ્ચે’ અભિમન્યુ આચાર્ય (પા. ૧૩)
‘... પ્રેમના મામલામાં આવી દર્દીલી અસમંજસતાનો છેડો કદી પણ હાથ ના ચડે, પણ એનું પ્રિયજનો વડે આવું વિશ્લેષણ થાય, તો બને કે એ વડે જ પ્રેમ પ્રગાઢ થતો ચાલે. પ્રેમવસ્તુની એક સારી વિલક્ષણ વાર્તા.’
‘બંધ દરવાજા પાછળની દુનિયા’ ચતુર પટેલ (પા. ૨૭)
‘...કડવું કારેલું મીઠું શી રીતે થયું?’ વગેરે વગેરે. એનઆરઆઈ જમાઈ મેળવવા સો તોલા સોનું આપી દીકરીને સાત સમંદર પાર ‘તડીપાર’ કરતાં ગુજ્જુ માબાપોને ફટકારતી વાર્તા.’
‘પ્રતીક્ષા’ જિનેશ બ્રહ્મભટ્ટ (પા. ૪૪)
‘...બલકે પલકને જોડી શકાઈ એમ સૌને જોડી શકાય છે, એ સ્વસ્થ વૈયક્તિક સંબંધભૂમિકા સામે પ્રતીક્ષાના જીવનમાં સર્જાયેલો દુરાચાર તોળાય ને એમ રચનાની વ્યંજના વિસ્તરતી ચાલે. એક સફળ વાર્તા.’
‘નંદુ’ દશરથ પરમાર (પા. ૫૪)
‘...નિરૂપણમાં મને રચનાનો વિશેષ ભળાયો છે, અને એ રીતનો ત્યાં મને જીવન પર સરસાઈ ભોગવતો સાહિત્યની કલાસત્તાનો વિજય પણ વરતાયો છે.’
‘કૂતરાં હૂં ખોયં?’ પ્રભુદાસ પટેલ (પા. ૭૯)
‘...ફોડીને ફોડામણ માગવી’ ‘મોઢાનો સિક્કો કરમાઈ જવો’ જેવા પ્રયોગો રચનાને બળ પૂરું પાડે છે. સવિશેષ એથી એ તળમૂળના જીવનને પામી શકાય છે...’
‘લૂ’ વિપુલ વ્યાસ (પા. ૧૩૮)
‘...લેખકે આતંકવાદના અનિષ્ટ વિશે કે આ કુટુંબની બેહાલી વિશે કશી જ ટીકાટિપ્પણી નહીં કરીને, રચનાને વસ્તુસંલગ્ન રાખી અને એ જાતને સર્જકધર્મ નિભાવ્યો એની નોંધ લેવી જોઈએ.’
‘લાશ’ સંજય ચૌહાણ (પા. ૧૫૩)
‘...મૃત્યુના સંદર્ભમાં સવર્ણો અને દલિતો વચ્ચેના ઘાતક ભેદને લેખકે વાર્તાકલાના દ્રાવણમાં આમ તો કડવી હસીમજાકની રીતે ઓગાળી નાખ્યો છે. પણ એટલો જ એ ધ્યાનપાત્ર બન્યો છે. એટલે કે લેખકે કલાનું કામ કર્યું છે. ભલે એ લાગતું હોય, સમાજનું.’
આમ તો સંપાદકીય નોંધમાં સૌ વાર્તા માટે કંઈક ને કંઈક નોંધ લેવામાં આવી છે. કેટલીક વાર્તાઓ માટે હળવી ટકોર પણ કરી છે, અને એ ટકોર ખટકે કે ન ખટકે, પણ વાર્તાકલાને અંકે કરવા માટે આંગળી ચીંધાઈ છે. પણ અહીંની વાર્તાઓ ટકોરાબંધ છે એમ તો કહેવું પડે. વિવેચના, ચર્ચા ખમી શકે એમ છે. અહીં તો સૌ વાર્તાના વાણોતર છે. એની ખેપ કરવાની છે.
અંતે સુમનભાઈનો વાર્તા અને વાર્તાકલા વિશેનો લગાવ, સ્નેહ અનન્ય છે. ગુજરાતી વાર્તાને ‘મઠારવા’નો પ્રયત્ન આ પ્રમાણે કોઈએ કર્યો હોય એ જાણમાં નથી. અને તેમને આ પ્રયત્ન માટે જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. હું તો એમ માનું છું કે ‘સુજોસાફો - વાર્તા’ એટલે સુમનભાઈ... એ છાપ આજ સુધી ઝાંખી પડી નથી. અકબંધ છે. અને મેં માંડેલી... આ સુમનભાઈની વાર્તા અધૂરી છે. સાવ જ અધૂરી.
– દલપત ચૌહાણ
મો. 94297 23752