સુમન શાહ સાહિત્યસંપુટ/૨. મહેન્દ્રસિંહ પરમાર
મહેન્દ્રસિંહ પરમાર
વર્ષે પૂર્વે અમારા વિભાગના ઉપક્રમે ચાલતી વિદ્યાર્થીશિબિરમાં ગોપનાથ સાગરકાંઠે રજૂ થયેલા રાત્રિકાર્યક્રમમાં સુમન શાહની વાર્તા ‘વર્ચ્યુઅલી રિયલ સૂટકેસ’ની બાકાયદા ભજવણી કરી હતી. એમાં ભાગ લેનારા સુમન ભાઈને વધુ યાદ હશે. પણ એ વાર્તાને ‘જોવા’નો પ્રયોગ અમારી પ્રક્રિયા માટે બહુ યાદગાર હતો. સુમન શાહની પાંચ વાર્તાઓ સંપાદકશ્રીએ યાદીરૂપે મોકલી. ૧. કાકાજીની બોધ કથા (અવર શુંકેલુંબ - ૧૯૭૬), ૨. લેમન-ટી અને બિસ્કુટ (ફટફટિયું – ૨૦૦૬), ભાંગલાં હાલ્લાં (કાગારોળ અન્લિમિટેડ – ૨૦૧૮), ૪. ભૂખ-હડતાળ (નો આઈડીયા? ગેટ આઈડીયા – ૨૦૧૩), ઘાસલેટિયાની અને ઘીયાની વાર્તા (ટાઇમપાસ – પ્રકાશ્ય) પછી લટકામાં એક ‘ઢીસૂમ’ આવ્યું સંપાદકશ્રીનું, કે ‘ઢીસૂમ ઢીસૂમ’ વાર્તા પણ ઉમેરી લેજો. એમ થઈ પાંચ વત્તા એક વાર્તાઓ.’ ૭૬થી આજ સુધીનો સમય ગણીએ તો ૪૮ વર્ષનો સમય થયો. વત્તા બે છૂટનાં (છપાયા પહેલાનાં) વર્ષ ગણીએ. પાંચ દાયકાની વાર્તાસફર. સંપાદકે ચયન કરીને સોંપેલી આ જ છ વાર્તા અંગે એમનો પોતાનો સંપાદકીય તર્ક હશે, કોને કઈ, કેટલી વાર્તાઓ સોંપવી અને આવો પાંચ પાંચ ઝૂમખાનો ઉપક્રમ શા વાસ્તે ? એનું ‘સંપાદકીય’ સ્પષ્ટીકરણ જે આગળ મુકાઈ જ ગયું હશે. વાર્તાકાર પોતે વાર્તાનાં કથ્ય, રીતિ, પ્રયુક્તિઓ અંગે શું માને છે, તે આ લેખમાં કહેવા રોકવાનો પટ્ટ નથી. એમણે કરેલી સૈદ્ધાંતિક ચર્ચાઓ અને એમની કૃતિના રસાયણનો અભ્યાસ અહીં અસ્થાને છે. લેખક તરીકેની પ્રક્રિયામાં સુમન શાહની ‘શાસ્ત્ર’ અંગેની જાણકારી કેટલી માત્રામાં અસર કરે છે, તે જુદા અભ્યાસનો કે પૃચ્છાનો વિષય છે. આ એક એવા વાર્તાકાર છે, જેમણે કથાના સિદ્ધાંતોની મીમાંસા લખીને તેમના વાર્તાશિબિરોમાં બોલીને વારંવાર કરી છે. એમની એ બધી ચર્ચાઓ અને અહીં ચર્ચાય છે તે વાર્તાઓ, નોંધ્યું તેમ રસપ્રદ અભ્યાસનો વિષય બની શકે.
આ છ વાર્તાઓનાં શીર્ષક જોઈશું તો ખ્યાલ આવશે તે ‘કેવી’ છે. શીર્ષકો આમંત્રણ આપનારાં છે. વાર્તાવાચનને અંતે, ક્યારેક વાર્તાના કોઈ એક તબક્કે સ્ફૂટ થાય છે. નિષ્કર્ષ પર પહોંચીએ ત્યારે શીર્ષકનો આશય પ્રતીત થાય. ‘બોધકથા’ કહેતાં શૈલીનો સંકેત મળે, ‘લેમન-ટી અને બિસ્કુટ’ વાર્તાની ડિટેલનો એક ભાગ બનીને ઊપસે, બે માનસિકતાઓ અને બે કથાઓ તેમાં ઢાંકેલી હોય. પાત્રોની સામૂહિક ભંગુરતા ‘ભાંગલાં હાલ્લાં’માં વંચાય. એમાં અનુસ્વારોનો લય પણ સંભળાય! પાત્રોની અટકોમાંથી એમની અવસ્થાનો પરચો ‘ઘાસલેટિયાની અને ધીયાની વારતા’માં મળે. અને ‘ઢીસૂમ ઢીસૂમ’ -જીવનભર અનેક પરિસ્થિતિઓના મુક્કા ખાતી એક વ્યક્તિની નિયતિ! ‘ભૂખ હડતાળ’ પૂરી થાય ત્યારે તરતી રહે કાળી વ્યંજના.
છ પૈકીની બે વાર્તાઓ જુદી પડે. સામાજિક વાસ્તવ અને પોલિટિકલ ‘સ્ટેટમેન્ટ’ તરીકે ‘ભૂખ-હડતાળ’નું વાંચન થાય. ‘હડતાલવાદ’નો સંપ્રદાય અહીં કટાક્ષનો વિષય બને. નેતાઓ, ઉપનેતાઓ, નેતાઓના સ્વાંગમાં અભિનેતાઓ –હાઈઓ હાઈઓ કરનારી શ્રોતામંડળી અને પ્રજા. એક સામૂહિક સ્વભાવનું ચિત્ર આપતાં આપતાં, કેટલીક રસિક કથાઘટનાઓનો ઉપયોગ કરીને હડતાળનું કારણ જ ભૂખ છે, એ ‘બ્લેક’ અને ‘હ્યુમરસ’ નિષ્પત્તિ વાર્તાની છે. વાર્તાનો કથાતંતુ જાણે ખેંચાયા કરતો હોય અને વાર્તાકારે કીડી માથે કટક ઉતાર્યું હોય એવું લાગે. વાર્તાનું જાળું સહેજ વધારે ફેલાયું છે અને વાર્તાનો ધ્વનિ જેટલો મરમીલો થવો જોઈએ એટલો નથી થયો. આ વાર્તાનું વ્યક્તિગત નિરીક્ષણ.
‘કાકાજીની બોધકથા’ એની કથનશૈલીના કારણે રોચક બની છે. છે બોધકથા, પણ ‘બોધ’ ઢાંકી રાખવામાં આવ્યો છે. એ હેતુપૂર્વક સંભળાવવામાં આવી છે, છતાં ‘સંભળાવા’થી વિશેષ કોઈ ‘હેતુ’ અહીં નથી. ગૃહસ્થ, સાધુ, ડાકુ અને રાજા –સમાજના ચાર વર્ગની સાંકળીઓ બાંધી રાખવાનું કામ કરતા ‘કાકાજી’ (કાકાકૌઆ પંખી) અને એમની એકસૂરીલી (કર્કશ) સીતારામ તાન. એકથી બીજે બદલાતી જતી માલિકી, અને શરૂઆતના નાવીન્ય પછી ઊર્જાની એકવિધતા, ગતાનુગતિકતા અને કાકાજીનો કરુણ મિજાજ, ‘પોતાની પત્ની રમાને સેવંતીલાલ માતા બનાવી શક્યો નહીં, અને તેથી દંપતીએ સુખનો લાલભૂરાં પીંછાંવાળો કાકાકૌવો પાળેલો’, અને આખરે ફરતો ફરતો રાજાના મહેલમાં પહોંચેલો કાકાકૌવો, રાજાના ક્રોધનો ભોગ બની વીંધાઈ ગયો… ‘દરબારગઢના ચોકમાં ધબ ફંગોટાયેલા પાંજરામાં… લીલાંભૂરાં પીંછાંવાળો લોહીમાંસહાડકાનો લોચો સહુ જોઈ રહ્યાં છે, ‘સીતારામ સીતારામ’ અવાજ સંભળાય છે પણ એમાં ‘કાકાજીના કંઠનું પંખીપણું’ નથી! વાર્તા પેલા ચતુર્વર્ગની છે કે કાકાજીની –એ નક્કી કરવાનો અવકાશ ભાવક પર છોડવામાં આવ્યો છે.
નગરજીવનની ભીંસ, ઑફિસનું રાજકારણ, બાલ્યવયનો પ્રણય, રતિઝંખના અને રતિમૂલક અનુભવો, દાંપત્ય, કુટુંબસંબંધો. આ ભાવવિશ્વ સાથે ‘લેમન-ટી અને બિસ્કુટ’, ‘ભાંગલાં હાલ્લાં, ‘ઢીસૂમ ઢીસૂમ’, ‘ઘાસલેટિયાની અને ઘીયાની વારતા’ આવે છે. એનાં શીર્ષકો એ –એ વારતાનાં ધારક પરિબળો છે. વાર્તા પૂરી થાય ત્યારે અથવા વાચનના કોઈ એક તબક્કે શીર્ષકો ખૂલે, ખીલે.
લેમન-ટી અને ખાંડ ભભરાવેલા બિસ્કિટ લઈને બહુમાળી રહેણાકમાંથી બસમાં ઊપડેલા અને બીજાં સ્ટેશનથી ભેગા થઈ ગયેલા સાથીની મુસાફરી સાથે ‘લેમન-ટી અને બિસ્કુટ’ ચાલે છે. એમાં બસની ગતિ સાથે વર્તમાનનું લગ્નજીવન અને પ્રણયરસનું પૂર્વજીવન ઠેબાતું રહે છે. ‘અમથાપુર, અમથાપુર’માં વસતી પ્રેમિકાઓને શોધવા (અમથાપુર - મીઠી) (સંતાપપુર - લખી) પરિણીત પુરુષોની વાતચીત અને બસની ઊબડખાબડ ગતિ ગૂંથતા રહે છે. તારુણ્યનો શૃંગારઅનુભવ, બહુપુરુષસંગિની પ્રેમિકા, રતિ સંકેતો અને પ્રણયાનુભવના ઝબકારો વચ્ચે તંદ્રાનિદ્રાના તાણાવાણા સાથે કથાનક લગ્નેતર સંબંધો અને રતિજન્ય આવેગોની વચમાં હળવે રહીને પડઘાતી એકલતા અને પોકળતા વાચકની સામે આવતી રહે –એવી યોજના કરી છે.
‘ઑફિસ’, નોકરી અને ઑફિસની ગોસીપિંગનું એક સંકુલ જાળું ‘ભાંગલાં હાંલ્લાં’માં છે. નોકરીના રાજકારણ સાથેનું જીવનનું, સંબંધનું રાજકારણ પણ અહીં વિષય બન્યું છે. જે. કે. અને રમુશાની સાથે વણાઈને આવતાં બધાં જ પાત્રો –પાત્રને વાસણ ગણીએ તો ભાંગલાં હાલ્લાં છે! ‘પાત્રો’ અહીં ‘વાસણ’ બન્યાં છે.
પ્રેમિકાના પ્રયત્નોથી પ્રમોશન અને (નવી) પત્ની મેળવવા ઉત્સુક સૂમસામ (ઉર્ફે શંકરલાલ -નામ અને… અવસ્થાની સેળભેળને કારણે સૂમસામ!) પત્ની બનાવવા ધારેલી પ્રેમિકાને બોસના સ્કૂટર પર ચીપકી જતી જુએ અને ઢીસુમ! આંગળિયાત, નોકરિયાત (અને) પત્નીને ખોઈ પ્રેમિકા અને પ્રમોશન વચ્ચે અટવાતો અને જ્યાંત્યાંથી ઢીસૂમ(!) ઝીલતો, પત્ની, પ્રેમિકા અને માતા વચ્ચે અટવાતો, ‘વિચાર’ નામના ચક્રવાતમાં ફસાયેલો સૂમસામ. એના પડેલા નામ પ્રમાણેની સ્થિતિમાં માર ખાય છે. ઘાસલેટવાળા અને ઘીવાળાની વાર્તા, ‘સરદ અને સુસી’ની વિફળ પ્રણયગાથાની પશ્ચાદભૂમાં ચંદુ ઘાસલેટિયાના મૃત્યુ સાથે ‘ચકરડે ચડતું’ એની આસપાસનું ઉઘરાણીનું અર્થતંત્ર અને મૃતદેહની હાજરીમાં ખેલાતા અર્થના આટાપાટાની વાર્તા છે.
આ વાર્તાઓ એના આલેખનની શૈલીને કારણે કથાનકોને ઉકેલવાનો પડકાર ફેંકશે. કથાનકોને અહીં સાંકેતિક રૂપમાં મૂકવામાં આવ્યાં છે. કોડિંગ-ડીકોડિંગનો એક ગંભીર વ્યાયામ અહીં ભાવકે કરવો પડે. મનોવ્યાપારો, તરંગો, કપોળકલ્પનો, કાળવ્યુત્ક્રમો, સ્થાનવિપર્યાસો, કથન તરાહોની પરતો ઊકેલો, તો વાર્તાનો ‘મર્મ’ હાથમાં આવે. કથાનકો બહુ આછાં, પણ ઘાટી કથનકળામાં સંગોપિત, ક્યારેય ઘાટાં-આછાં, સંકેતકળામાં આરોપિત હશે. કથનકેન્દ્ર અને કથકો બાબતે પણ પ્રયોગ દેખાશે. ‘ભાંગલાં હાંલ્લાં’નો ડી. કે. કથક છે, એની ગેરહાજરીમાં ચાલતા કથાકલાપો અને પાત્રવિવર્તો ‘સર્વજ્ઞ’ની અદાથી જાણે છે. એ પાર્ટીમાં મદ્યપાન કર્યા પછી પાત્રો વચ્ચે ચાલતી વાતચીત આલેખવામાં લેખકની શ્રુતિ સફળ થઈ છે. એ વાતોની ભાષાનો લય અને પાત્રોની વર્તણૂકો સૂક્ષ્મ બન્યાં છે. ‘ઘાસલેટવાળા અને ઘીવાળાની વાર્તા’ નું આખુંય પોત બોલીનું છે. સુરતી-પારસી બોલીમાં વાર્તા અખંડ ચાલી છે. કહેવાતી ભાષાનો એમાં અનુભવ થાય છે. કથનના દોરને તૂટતો-સંધાતો, વાર્તા પહોંચાડવા માટે ખપમાં લેવાતો પ્રયોગ ‘લેમન-ટી’માં મળે છે. ‘બોધકથા’ની કથનભાષા તેમજ અન્ય પાત્રોની ભાષામાં ઉચ્ચારણવૈવિધ્ય લાવવાનો પ્રયત્ન દેખાશે. વાર્તાઓના તંતુ ઘણી વાર જરૂર કરતાં વધારે ફલક ઉપર ખેંચાયા કરતા જણાશે. ક્યાંક પાત્રો સુમન શાહનાં મટીને ‘વાર્તા’નાં નથી બનતાં!
સુમન શાહની આ પાંચ વત્તા એક વાર્તાઓમાં પણ વાર્તાકાર તરીકેની એમની અરધી સદીની મુસાફરીનો આલેખ જરૂર મળી આવશે.
–મહેન્દ્રસિંહ પરમાર
મો. 94294 06314