સુમન શાહ સાહિત્યસંપુટ/૨. વિપુલ પુરોહિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમન શાહના નિબંધોનું વિચારવિશ્વ

ડૉ. વિપુલ પુરોહિત

વિચારોની અભિવ્યક્તિ કરવા માટે નિબંધ એક સશક્ત સાહિત્ય સ્વરૂપ છે. “નિબંધ લખવા જેવી તેવી વાત નથી” એમ કહ્યા પછી જ નર્મદ કહે છે, “પોતાના મનની કલ્પના કાગળ ઉપર સંબંધ રાખી લખી જણાવવી...” કલ્પના અને વિચાર, આમ તો બંને અમૂર્ત છે. શબ્દો કહેતાં ભાષાનું માધ્યમ મળતાં આ કલ્પના કે વિચાર મૂર્ત સ્વરૂપમાં પ્રગટ થઈ આવે છે. વાચક જોડે પરિચિતપણાનો સંબંધ રાખી મનની વાત સીધી ભાષામાં વ્યક્તિગત વિનંતીના રૂપમાં કહેવાની કલાને કાકાસાહેબે ‘નિબંધ’ના પ્રમુખ લક્ષણ તરીકે ઓળખાવી છે, તો ઉમાશંકર જોષીએ તેને વિશ્રંભ ગોષ્ઠીનું નામ આપ્યું. આપણા નિબંધકારો નિબંધની આ લાક્ષણિકતાઓને જાણીપ્રમાણીને વિચાર અને ભાવોને સર્જનાત્મક ઢબે અભિવ્યક્ત કરવાના પ્રયાસો છેલ્લાં દોઢસો વર્ષોથી કરતા આવ્યા છે. સમયાન્તરે સાહિત્યસ્વરૂપ તરીકે નિબંધની ગતિ હાસ્ય, ચરિત્ર, પ્રવાસ, લલિત-સર્જક વગેરે પ્રકારોમાં વિલસતી રહી છે. પરંતુ વિચારોની અભિવ્યક્તિના વાહક તરીકે નિબંધ આજે પણ અસરકારક સાહિત્યસ્વરૂપ ગણાય છે. માહે ઓક્ટો. વર્ષ ૨૦૧૩નો ‘શબ્દસૃષ્ટિ’નો દીપોત્સવી વિશેષાંક ‘નિબંધ અને હું’ શીર્ષકથી પ્રગટ થયો હતો. આ અંકમાં સંપાદક હર્ષદ ત્રિવેદીએ ગુજરાતી નિબંધકારોની સર્જકકેફિયત નિબંધના સ્વરૂપને કેન્દ્રમાં રાખીને પ્રગટ કરી હતી. તેમાં ‘મારો નિબંધ’ નામે સુમન શાહે પોતાના નિબંધસર્જન વ્યાપાર વિશે જે લખ્યું છે, તેમાં એક વાત નોંધમાં લેવા જેવી છે. સુમન શાહ લખે છેઃ ‘મારી સમગ્ર નિબંધસૃષ્ટિ વિશે ખાસ કંઈ લખાયું નથી. એ સારું થયું કે નરસું, તે નથી જાણતો. કેમકે, જેમાં ખબર ન પડતી હોય, કે જેમાં ખબર પાડવા જેવું કશું લાગતું ન હોય, તેને વિશે ન લખવું એ જ બરોબર ગણાય. જોકે એવા બરોબર પર આવવા માટેની પહેલી શરત તો એ કે એને પ્રેમથી વાચવું-ઉકેલવું પડે. એટલે, સુધારીને કહું કે મારી નિબંધસૃષ્ટિનું નોંધપાત્ર શું વાચન જ નથી થયું!’ (‘શબ્દસૃષ્ટિ’, પૃ.૨૧૧ ઓકટો. ૨૦૧૩) નિબંધ લખવા માટે સુમન શાહ ‘સમકાલીન’ના તંત્રી હસમુખ ગાંધીને સહમત કરી ‘વેઇટ-એ-બિટ’ નામથી વિચારકેન્દ્રી સમસામયિક સંચલનોને શબ્દસ્થ કરતી કોલમ લખે છે. આ અખબારી કટારલેખનની ફલશ્રુતિ એ જ નામથી નિબંધસંગ્રહ રૂપે પ્રગટ થઈ અને પછી તો ‘બાયલાઈન’ (૧૯૯૦), ‘મીડિયા-મેસેજ’ (૧૯૯૩), ‘વસ્તુસંસાર’ (૨૦૦૩), ‘સાહિત્ય સાહિત્ય’ ભાગ ૧-૨-૩-૪ (૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૮, ૨૦૧૯) અને ‘ચૂંટેલા નિબંધો સુમન શાહ’ (૨૦૨૦) જેવા સંગ્રહો થકી સુમન શાહ ગુજરાતી સાહિત્યમાં નિબંધકાર નામે એક વધારાની ઓળખ પામ્યા છે. મે, ૨૦૧૨થી ફેસબુકના માધ્યમે ‘વિચરતા વિચારો’ શીર્ષકથી સ્થિર-અસ્થિર, નિયમિત-અનિયમિત, પકવ-અપરિપક્વ, સાદા કે સંકુલ વિચારોને ગુજરાતી ભાષાના વાચકો માટે પ્રગટ કરતા રહ્યા છે. વિચારોના આ લીલયા વિહારને આસ્વાદવા કે સમજવા-ઉકેલવા તેમાં પ્રેમપૂર્વક ડૂબકી લગાવવી પડે તેમ છે. સુમન શાહ જેવા પ્રખર વિવેચક, વિચારશીલ સર્જક આ સાહિત્યસ્વરૂપ સાથે વિચારોની અભિવ્યક્તિ માટે કામ પાડે ત્યારે એ તપાસવું રસપ્રદ બની રહે કે સુમન શાહ આ નિબંધોમાં કેવું અને કેટલું વૈચારિક જગત આલેખિત કરી શક્યા છે? વળી, આ વિચારવિમર્શ કરવા માટે કઈ અનિવાર્યતાએ એમને પ્રેર્યા હશે? આ નિબંધોમાં તેમની અભિવ્યક્તિ કેટલી પ્રભાવક અને સફળ રહી અને તે કયાં કારણોથી તે પણ જાણવું જરૂરી બની રહે. તો, ચાલો, થોડો વિમર્શ સુમન શાહના થોડા નિબંધો સંદર્ભે વિચારીએ. સુમન શાહના દસ નિબંધોને કેન્દ્રમાં રાખીને તેમાં વ્યક્ત વિચારવિશ્વ વિશે વાત કરવાનો આ સ્વાધ્યાયલેખમાં મુખ્ય ઉદ્દેશ રાખ્યો છે. તેમ કરવા જતાં નિબંધકાર તરીકે સુમન શાહની જે વિશેષતાઓ હાથવગી બનવાની સંભાવના છે તેના વિશે પણ ચર્ચા કરી સ્પષ્ટ નિરીક્ષણો સુધી પહોંચવાનો આશય છે. અહીં જે નિબંધોને લક્ષ્યમાં રાખીને તપાસવાનો અભિગમ રખાયો છે તે નિબંધો આ પ્રમાણે છે: (૧) ‘સંજય લીલા ભલસાળી અને સરસ્વતીચંદ્ર’ (14/3/2012) (૨) ‘વિદ્યાવિલાપને માર્ગે’ (24/06/2012) (૩) ‘પંચકોટિ જ્ઞાન-કુંભ’( 15/02/2013) (૪) ‘આપણી સાહિત્યસભાઓ’ (13/11/2013) (૫) ‘લૂઝ કનેક્શન’ (09/05/2019) (૬) ‘ફાયર સોસ’ (27/05/2019) (૭) ‘પેરિસ, લવ-લોક બ્રિજ’ (11/05/2021) (૮) ‘સમ્બન્ધોમાં ભાષા, માતૃભાષા’ (13/05/2021) (૯) ‘લગ્નની પ્રબળતા વિશે કિર્કેગાડ’ (23/06/2021) (૧૦) ‘અનીતિ, સ્વકેન્દ્રીયતા, ગાંડિયાવેડા’ (26/06/2021) આ દસ નિબંધો પૈકી ક્રમ ૧થી ૪ અમદાવાદમાં રહીને તો ક્રમ ૫થી ૧૦ અમેરિકાની ભૂમિ પરથી લખાયા છે. દરેક નિબંધને અંતે કૌંસમાં લખાયા તારીખ આપવામાં આવી છે. વર્ષ 2012થી 2021 દરમિયાન ફેસબુકના માધ્યમે અભિવ્યક્ત થયેલા થોડા વિચારો આ નિબંધોનું ચાલકબળ છે. આ દસેય નિબંધોમાં જરા નિરાંત સાથે લટાર મારીએ. ‘તેઓ જાણીતા ફિલ્મ-મેકર છે.’ આવા સીધા-સાદા વિધાન સાથે ઊઘડતો ‘સંજય લીલા ભણસાળી અને સરસ્વતીચન્દ્ર’ નિબંધમાં સુમન શાહનો અભિગમ સાહિત્યકૃતિ અને તેના બજારુ સંબંધના વિમર્શનો દેખાય છે. બંગાળી સાહિત્યમાં શરદ બાબુની પ્રસિદ્ધ નવલકથા ‘દેવદાસ’ પરથી ફિલ્મ બનાવી સુપરસ્ટાર અભિનેતા–અભિનેત્રીઓને સિનેમાને પડદે આકર્ષક રીતે રજૂ કરનાર સંજય લીલા ભણસાળીની ‘સરસ્વતીચન્દ્ર’ ટીવી સીરિયલના જાણીતી ટીવી ચેનલ પરના થોડા એપિસોડ જોઈને સુમન શાહને આ વિષય અંગે વિચારવાનું અને આ રીતે લખવાનું સૂઝ્યું છે. સાહિત્યકૃતિને વાંચનારો વર્ગ અને ટીવી સીરિયલને જોનારો વર્ગ અલગ અલગ છે એ જાણી-સમજીને ભણસાળીએ આ પ્રયોગ કર્યો છે તે વાતની સ્પષ્ટતા કરતાં સુમન શાહ નિબંધમાં લખે છેઃ ‘ભણસાળીનું ટાર્ગેટ ઓડિયન્સ પણ પ્રજા હશે, નહીં કે ‘સરસ્વતીચંદ્ર’ના વાચકો, ભાવકો, અધ્યાપકો કે વિદ્યાર્થીઓ. જોકે એમણે નવલકથાનો શક્ય લાભ લેવાનું તો તાક્યું જ હોય! નહીંતર આટલીય લપછપ રાખે શું કામ? સમજાય એવું છે!’ આમ, આ નિબંધમાં સુમન શાહનો વૈચારિક દૃષ્ટિકોણ પામી શકાય તેમ છે. તુલનાત્મક અધ્યયનના અધ્યેતાઓ અને પંડિતો માટે આ પ્રકારનું ‘મેકિંગ’ સુંદર તકો ઊભી કરી આપે છે એવું તેમનું માનવું એક તીક્ષ્ણ-માર્મિક વ્યંગ રચી આપે છે. કલાઓનું ધનસત્તાના પંજા હેઠળ બજારુ થઈ જવું સુમન શાહને અકળાવે છે. ‘સરસ્વતીચંદ્ર’ નામક આ નવ્ય રચના ‘અનુઆધુનિકતા’ને નામે ખૂબ ચર્ચાશે-પોંખાશે એમાં પણ બજારવાદ જ ભળેલો હશે એવું અનુમાન તેઓ લગાવે છે. નિબંધને અંતે ટીવી પર આવતી એડનું રૂપક આપીને લેખક પ્રતિપાદિત કરવા માંગે છે કે, ‘ભણસાળી પણ કદાચ એમ જ પૂછી રહ્યા છે... ખરું કે નહીં?’ કલાના બજારીકરણની ગંભીર વાત અહીં lighter-wainમાં વિચરતા વિચાર રૂપે અભિવ્યક્ત થઈ છે. ‘વિદ્યાવિલાપને માર્ગે’ નિબંધમાં વિદ્યાજગતમાં ચાલતા નૈરાશ્યનું રુદન માર્મિક રીતે આલેખિત થયું છે. નિબંધના આરંભે જ પોતાના ગુરુ અને સમર્થ નિબંધકાર સુરેશ જોષીની પ્રસિદ્ધ ચિંતનપુસ્તિકા ‘વિદ્યાવિનાશને માર્ગે’નું સ્મરણ કરતાં સુમન શાહ તેમાં ઉલ્લેખિત ‘મહાભારત’ના સંદર્ભને પણ શબ્દસ્થ કરી આ નિબંધની ધરી કઈ બનવાની છે તેનો સંકેત આપી રહે છે. વિદ્યાજગતમાં દિનપ્રતિદિન વ્યાપી રહેલી નિરાશા અને હતાશાની વેદનાને વાચા આપતું તેમનું ચિંતન ધ્યાન ખેંચે છે. વિદ્યાક્ષેત્રો દિવસે ને દિવસે તેનું તેજ ગુમાવી રહ્યાની પીડા પોતાની એકલાની નહિ પણ આ ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ કોઈ સરસ્વતીસાધકોની બની રહી એવો સૂર આ નિબંધના એક દીર્ઘ પરિચ્છેદમાં વિભિન્ન સ્થળોએ કાર્યરત સર્જક-અધ્યાપક મિત્રોના નામોલ્લેખ સાથે રજૂ કર્યો છે. સેમેસ્ટર સિસ્ટમ, અભ્યાસક્રમો, સાહિત્યનાં અધ્યયન-અધ્યાપન માટેની સામગ્રીની અછત, વૈકલ્પિક પ્રશ્નોના ઝુકાવવાળી પરીક્ષાપદ્ધતિ, સાહિત્યના ઇતિહાસને વિશેનો અણગમો, સંશોધનની મર્યાદાઓ, શિક્ષણમાં સ્કેમ-ઘોટાલા, નાણાંની ઉચાપત, ગુણવત્તાની જાહેર મશ્કરી, સાહિત્યિક કાર્યક્રમોના અતિરેક છતાં પાંખી હાજરી -એવા કેટલાય મુદ્દાઓને દર્શાવીને સુમન શાહ આ દિશામાં રેલાતો વિદ્યાવિલાપનો સૂર સંભળાવે છે. જ્ઞાનથી વિમુખ થઈ રહ્યાનાં કારણો શોધી તેના ઉપાયો કરવાની આપણી સહિયારી જવાબદારી છે તેવી આર્જવવાણી આ નિબંધને અંતે નિબંધકાર કરે છે. ‘આપણી સાહિત્યસભાઓ’ નિબંધમાં સર્જકે સાહિત્યજગતના દંભ અને દેખાડાને કેન્દ્રમાં રાખીને પોતાનો વિચારોને દિલધડક રીતે આલેખ્યા છે. ‘સભાઓમાં સમય નામના કિંમતી દ્રવ્યનું શું થાય છે?’ એવો પ્રશ્ન કરીને સમયનો દુર્વ્યય કરનારા કહેવાતા સાહિત્યિક સજ્જનો પ્રતિ વેધક કટાક્ષ કર્યો છે. સાહિત્યિક સભાઓમાં વક્તાઓ કેવી ચાલાકીથી પોતાના વક્તવ્ય માટે કોઈનો સમય છીનવી લે અથવા તો નિયત સમયમાં વ્યાખ્યાન કરવાને બદલે ઓછા સમયમાં વાત આટોપી પછીના વક્તાને સમયદાનનો ઉપકાર કરતો ભાવ પ્રગટ કરતા હોય છે તેનાં રસપ્રદ દૃષ્ટાંતો આપીને સુમન શાહ સાહિત્યસભાઓમાં વ્યાપ્ત સમયદ્રોહ અંગે પક્ષ મૂકે છે. ‘સભાઓમાં વક્તવ્યોનું શું થાય છે?’ -એવા પ્રશ્ન સાથે સાહિત્યિકસભાઓનાં વક્તવ્યો અને વક્તાઓની ગુણવત્તા વિશે માર્મિક સવાલ કરે છે. અહીં પણ વક્તાઓના દંભી વ્યક્તિત્વ તરફ ઇશારો કર્યો છે. ‘બેઠક કે સમગ્ર કાર્યક્રમના પ્રમુખ રાખવાની પ્રથા’ વિશે પણ સુમન શાહ અણગમો વ્યક્ત કરે છે. સ્થાપિત પ્રમુખો સાથી વક્તાઓ કે શ્રોતાઓની કેવી વલે કરતા હોય છે તેની વાત પણ કરે છે. પ્રમુખ તરીકે કોઈ બોલાવે તો સાહિત્યિક કાર્યક્રમમાં જવું અન્યથા નહિ, એવો મિજાજ ધરાવતા વરિષ્ઠ વિદ્વાનોની કાર્યપદ્ધતિને પણ આ નિબંધમાં ચિંતનાત્મક સૂરમાં વણી લેવામાં આવી છે. સાહિત્યિક કાર્યક્રમોના અહેવાલલેખન અંગે પ્રવર્તતી અરાજકતા વિશે પણ આ નિબંધમાં ઉચિત નિર્દેશ કર્યો છે. સાહિત્યસભાઓમાં શુદ્ધ ભાવથી સાહિત્યચર્ચા કરવાને સ્થાને સંબંધો અને સમીકરણોના આટાપાટામાં રાચતા સારસ્વતોની લઘુતાને આ નિબંધમાં સુમન શાહે તાકી છે. આપણી સાહિત્યસભાઓની દરિદ્રતાને વ્યંજિત કરી છે. શબ્દરમત ઘણી વાર કેવી મોટી ભ્રાંતિ સર્જી શકે તેના વિશે ‘પંચ કોટિ જ્ઞાનકુંભ’ નિબંધમાં લેખકે પોતાના વિચારને વ્યક્ત કર્યો છે. કેબીસી માટે મહાનાયક બચ્ચને કરેલો આ મહિમાવંત શબ્દપ્રયોગ કેવો તો ભ્રાંતિકારક બની રહે છે તેની ચર્યા આ નિબંધમાં સંક્ષેપમાં કરી છે. માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ વિસરાઈ જવાને કારણે આવા છબરડાઓ સ્વાભાવિક બને છે. વૈકલ્પિક પ્રશ્નોના માહિતીમૂલક જવાબો આપી દેવાથી જ્ઞાનપ્રાપ્તિ થઈ છે તેવું સાબિત થતું નથી. ટેલિવિઝનની આ પ્રશ્નોત્તરી (કેબીસી) પછી તો નિબંધમાં યુનિવર્સિટીઓની સેમેસ્ટર સિસ્ટમની પરીક્ષાઓમાં જ્ઞાન કે માહિતીની કેવી વાહિયાત ચકાસણી થઈ રહી છે ત્યાં સુધી પહોંચે છે. સાહિત્યપદાર્થનું જ્ઞાન પામવું એ વિદ્યાભ્યાસ કે તેના વિશેની માત્ર માહિતી જાણીને નિષ્ણાતોમાં ખપવું તે અભ્યાસ? એવો વેધક પ્રશ્ન આ નિબંધ દ્વારા ઉપસી આવે છે. અહીં લાઘવમાં પણ યોગ્ય ટકોર સાથે જ્ઞાન અને માહિતી વચ્ચેના ભેદને ખોલીને નિબંધકાર આપણી સાહિત્યશિક્ષણપદ્ધતિ અંગે ચિંતા વ્યક્ત કરે છે. ‘લૂઝ કનેક્શન’ નિબંધમાં વિજ્ઞાનની પરિભાષામાં માનવસંબંધોમાં આવી પડતી શિથિલતાનો સંકેત વૈચારિક દૃષ્ટિકોણથી આપવામાં આવ્યો છે. પ્લગ-પિનના લૂઝ કનેક્શનથી ઇલેક્ટ્રિક ઉપકરણો -મોબાઈલ, કમ્પ્યૂટર –આદિના ચાર્જિંગ કે સ્ટાર્ટઅપનો પ્રશ્ન ઊભો થતો હોય છે એવા વ્યવહારગત ઉદાહરણથી શરૂ થતા આ નિબંધમાં પછી તો જ્યાં જ્યાં વસ્તુઓ કે વ્યક્તિઓના જોડાણનો સવાલ આવે છે ત્યાં ત્યાં કનેક્શન લૂઝ હોવાને કારણે જ નાની મોટી હોનારતો સર્જાવાની શક્યતાઓ નિબંધકારને દેખાઈ છે. થોડાં દૃષ્ટાંતો આપી સર્જક હળવી ભાષામાં પણ માર્મિક ટકોર કરતાં સંબંધોનાં લૂઝ કનેક્શન પ્રત્યે લાલ સિગ્નલ દર્શાવે છે. ‘સંબંધોનાં લૂઝ કનેક્શન ચેક કરવા માટેનાં સાધનો હજી શોધાયાં નથી’ એમ કહીને નિબંધકાર પીડા પણ વ્યક્ત કરે છે તો ક્યારેક નજીકના આત્મીયનો ખભો પકડી ‘બરાબર કનેક્ટેડ તો છું ને મારી જોડે? કહીને લૂઝ થતાં કનેક્શનને હળવાશથી જોડી લેવાનો આશાવાદ પણ સેવે છે. સંબંધોની શિથિલતાને સમયસર જાણી લઈ તેનું કનેક્શન લૂઝ થતાં અટકાવવાનો વિચાર આ નિબંધનું કેન્દ્રબિન્દુ બન્યો છે. ‘ફાયર સોસ’ એક વિલક્ષણ નિબંધ છે. ‘ટાકો બેલ’ નામની અમેરિકન ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંઝ ચેઈનના એક વિશિષ્ટ સોસનું નામ ફાયર સોસ છે. આ સોસની સાંકેતિક ટેગ લાઈન ‘I am up for it, if you are.’ છે. સોસ માટે વપરાયેલા ‘ફાયર’નું વિશેષણ નોંધપાત્ર છે. તીખોતમતમતતો આ સોસ જીભ, કંઠ, અન્નનળી ને જઠર ને એ પછી પણ બધે ફેલાઈ જવા સક્ષમ છે એવા ઇશારા સાથે તેને અજમાવી જોવાની વાત ટેગ લાઇનમાં મૂકી છે તેમાં પણ એક અંગ્રેજી મુહાવરાનો સંદર્ભ છે. ‘તમે કશી અજમાયશ માટે કે સાનુકૂળ પ્રયાસ માટે તત્પર હો, તો કહેવાનું કે - I am up for. મને અજમાવો, હું તૈયાર છું.’ પણ આ વિધાનનો ઉત્તરાર્ધ અગત્યનો છે એમ નિબંધકાર કહે છે. ‘if you are’ -જો તમે તૈયાર હો તો. ફાયર સોસથી શરુ થયેલી આ વિચારણા પછી તો સ્ત્રી-પુરુષ સંબંધ સુધી વિસ્તરે છે. પુરુષ અને સ્ત્રીના સ્વભાવની લાક્ષણિકતા સાથે આ ફાયર સોસને સંયોજી નિબંધકાર માનવમનની એક ખાસિયતને ખોલી આપવાનો પ્રયાસ કરે છે. રવીન્દ્રનાથ ટાગોર અને પૃથ્વીરાજ-સંયુક્તાના સંદર્ભો આ નિબંધની વિચારિક પીઠિકાને એક બળ પૂરું પડે છે. ‘પેરિસ, લવ-લોક બ્રિજ’ નિબંધમાં સુમન શાહ જરા જુદી રીતે પ્રેમમીમાંસા આલેખે છે. પેરિસમાં સીન નદીને કાંઠે લવ-લોક પ્રથાની એક વિધિમાં નિબંધકારને રસ પડે છે. પેરિસ લવ-લોક-બ્રિજ પર જઈને પ્રણયીજનો એક તાળા પર પોતાનાં નામ લખી એ પ્રેમતાળું બ્રિજનાં સંખ્યાબંધ તાળાં ભેગું બાંધી દે એવી એક રસપ્રદ પ્રથા પ્રેમને અકબંધ રાખવાની એક માનવીય શ્રદ્ધાનો નિર્દેશ કરે એવું સર્જક માને છે. નિબંધકાર આ સાથે આપણી ભારતીય પરંપરાના વટસાવિત્રી વ્રતને પણ યાદ કરે છે તો આમ્સ્ટર્ડામમાં એક વૃક્ષને સેંકડો રંગીન દોર વીટ્યાનું પણ સ્મરણ લવ-લોક બ્રિજ નિમિત્તે કરે છે. ફ્રેંચજનોની આ રસમ સંદર્ભે વળી સાર્ત્રને ટાંકીને નિબંધકાર એકબીજાંનાં બંધ અંતરને ઉઘાડી આપે એવી ચાવીઓ પ્રયોજવી જોઈએ એમ કહી સાર્ત્રની ફિલસૂફી પ્રત્યે પોતાનો પક્ષપાત રજૂ કરે છે. સ્ત્રીની પવિત્રતા અંગે મધ્યકાળમાં –લગભગ ૧૬મી સદી આસપાસ સ્ત્રીઓને ‘ચેસ્ટિટી બેલ્ટ’ પહેરાવવાની ક્રૂર પ્રથા હતી, તેનો પણ સંદર્ભ આ નિબંધના વિચાર તત્ત્વ સાથે બરાબર વણાઈને આવ્યો છે. ક્રુસેડઝ-ધર્મયુદ્ધોના જમાનામાં પતિ યુદ્ધમાં જોડાયો હોય અને ઘરે પત્ની મહિનાઓ સુધી એકલી હોય ત્યારે જાતીય સ્ખલન -સ્ત્રીના ભ્રષ્ટ થવાની સંભાવના વધુ રહે તે અટકાવવા ધાતુના બેલ્ટ યોનિપ્રદેશ પર લગાવવાનો રિવાજ પ્રેમમાં અવિશ્વાસને સૂચવે છે. નિબંધકાર આ ચેસ્ટિટી-બેલ્ટ પ્રથાને અમાનુષી ગણે છે. અલબત્ત આ પ્રથાનો બચાવ કરનારા વિદ્વાનો પણ દુનિયામાં છે એવો વ્યંગ કરી કોઈ વિદૂષીએ આ પ્રથાનો બચાવ કર્યો હોવાનું પોતે જાણ્યું નથી એમ પણ કહે છે. આ સાંસ્કૃતિક પ્રથા પુરુષના માલિકીભાવ અને ‘સ્ત્રી’ને ઉપભોગની વસ્તુ ગણતા સામાજિક માનસનો પડઘો પડે છે. લગ્નનું બંધન પણ ‘પવિત્ર’ ગણાય છે પણ ચેસ્ટિટી-બેલ્ટ તો કદર્ય-જુગુપ્સક-પશુતા છે. આ આખી વાતનો સાર આપતાં નિબંધકાર અંતે તો ‘પ્રેમ’, નિતાંત શુદ્ધ પ્રેમનો મહિમા કરે છે. પ્રેમબંધન જ શ્રેષ્ઠ છે. જીવન જીવવાનું બળ જ પ્રેમ છે. પ્રેમ એક રસાયણ, એક કેમિકલ છે જે પ્રણયીજનોના કનેક્શનને અખંડ બનાવે છે. પ્રેમથી જ જીવનનું સર્વસ્વ છે. આ આખા નિબંધમાં સર્જકે માનવસમાજની સાંસ્કૃતિક-સામાજિક પ્રથાઓ-રસમોની સામે પ્રેમની શાશ્વતીનો મહિમા કર્યો છે. ‘સમ્બન્ધોમાં ભાષા, માતૃભાષા’ નિબંધમાં સુમન શાહે ભાષાવિમર્શ વ્યક્ત કર્યો છે. ભાષાનું મુખ્ય કામ છે પ્રત્યાયનનું. ભાષા આપણે કેવી રીતે જોડે છે અને તોડે પણ છે તેવું વિચારબીજ આ નિબંધના આરંભમાં જ સર્જક મૂકે છે. ભાષાને કારણે માનવવર્તન અને સંબંધોમાં જે બદલાવ આવે તેની વાત પણ અહીં નિબંધકાર ‘બીહેવિયરલ લિન્ગ્વિસ્ટિકસ’ નામની ભાષાવિજ્ઞાનની શાખાનો સંદર્ભ આપી કરે છે. પતિ-પત્નીના સંબંધોનું દૃષ્ટાંત આપી નિબંધકારે પોતાના વિચારને વધુ સ્પષ્ટ કરી પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. માતૃભાષામાં એમાંય તે વળી તળપદ બોલીમાં વ્યક્ત થતી વાણીમાં સંબંધોની જે નરવાઈ દેખાય છે તે અંગ્રેજી ભાષાની અભિવ્યક્તિમાં જણાતી નથી એમ કહી માતૃભાષામાં સંબંધોની સચ્ચાઈ પ્રગટે તેવો સૂર વ્યક્ત એકરે છે. અહીં માતૃભાષામાં થતી પ્રેમની અભિવ્યક્તિનો પણ સર્જક મહિમા કરે છે. ચિત્તમાં જન્મતા વિચારોને આકાર આપવાનું કામ ભાષા કરે છે એમ કહીને જીવનયાત્રાને સફળ કે નિષ્ફળ બનાવવામાં ભાષાની પ્રમુખ ભૂમિકા રહેતી હોવાનું સત્ય સમજાવે છે. ‘લગ્નની પ્રબળતા વિશે કિર્કેગાર્ડ’ નામના નિબંધમાં જગખ્યાત ફિલસૂફ કિર્કેગાર્ડના વિચારોનો સથવારો લઈ સુમન શાહ એક નાનકડો સંવાદ સાધવો પ્રયત્ન કરે છે. કિર્કેગાર્ડ પોતાના વાચકને ‘મારા મિત્ર’ એવું આત્મીય સંબોધન કરી લગ્નની કલામય પ્રબળતા વિશે જે વિચારો વ્યકત કરે છે તેને આ નિબંધમાં સર્જકે કેન્દ્રીય વિચાર તરીકે આલેખ્યા છે. આ નિબંધમાં પ્રેમની પવિત્રતા અને સુંદરતાની વાત કરવામાં આવી છે. પોતાના અંગત અનુભવને ટાંકીને કિર્કેગાર્ડે સુસ્થિર લગ્નજીવનનું જે રહસ્ય ખોલી આપ્યું છે એની વાત અહીં નિબંધકાર કરે છે. સુભટો, સાહસવીરો અને નવલકથાકારોની વાત માંડીને તેઓ સુખી, શાંત લગ્નજીવનની કેવી કામના કરતા તેનો પણ નિર્દેશ કરે છે. કિર્કેગાર્ડ પ્રેમને ‘બેટલ-ક્રાય’ તરીકે ઓળખાવે છે. પોતાની જિંદગીમાં એક જ વાર સાચા પ્રેમમાં પડનારી વ્યક્તિ, એ પહેલા પ્રેમને વળગી રહે છે તેવો કિર્કેગાર્ડનો મત પણ નિબંધકારને પ્રભાવક લાગ્યો છે. કિર્કેગાર્ડે રોમાન્ટિક અને મેરિડ લવની ચર્ચા પણ નોંધપાત્ર રીતે કરી છે. આ પ્રેમમાં વફાદારીનું શું મૂલ્ય છે તે પણ સમજાવે છે. પ્રેમને સમયમાં સાચવવાની ભલામણ પણ પોતાના ‘વાચક મિત્ર’ને કિર્કેગાર્ડ કરે છે. કર્તવ્યને પ્રેમનો મિત્ર ગણવાની સલાહ આપે છે. કર્તવ્ય એ પ્રેમને પોષનારું પ્રોટીન તત્ત્વ છે. જીવનમાં પ્રેમ જ સર્વસ્વ છે બીજું બધું ગૌણ છે એવો વિચાર કિર્કેગાર્ડમાં શબ્દોની આડમાં નિબંધકાર સુમન શાહ પણ પોતાના વાચક સાથે કલામય અનુબંધ રચી લે છે. સુમન શાહે પોતાના નિબંધોમાં હંમેશાં માનવસંબંધોની સુદૃઢતા અને શિથિલતા સંદર્ભે વિચાર વિનિમય કર્યો છે. મનુષ્યજીવન સાથે જોડાયેલી નીતિ અને જીવનમૂલ્યોની વિભાવનાને પણ સુમન શાહ માનવીય સંબધોના પરિપ્રેક્ષ્યમાં ચર્ચે છે. ‘અનીતિ, સ્વકેન્દ્રીયતા, ગાંડિયાવેડા’ આ નિબંધમાં આ વાતનું પ્રમાણ મળે છે. મનુષ્ય તરીકે અન્ય સાથેનાં કનેક્શન લૂઝ પડવામાં વ્યક્તિની જીવનરીતિ નિર્ણાયક બનતી હોવાનું અહીં વિચારાયું છે. અનીતિ, સ્વકેન્દ્રીયતા અને ગાંડિયાવેડા વ્યક્તિને સામાજિક સંબંધોથી કેવી વિમુખ બનાવી દે છે તેની વાત અહીં જુદાં જુદાં દૃષ્ટાંતો આપી સર્જક કરે છે. મનોવિજ્ઞાનનો હવાલો આપીને નિબંધકાર અહીં માણસનાં આ ત્રણ લક્ષણો, -અનીતિ, સ્વકેન્દ્રીયતા અને ગાંડિયાવેડાને સંબંધોનાં લૂઝ કનેક્શન માટે જવાબદાર ગણે છે. જીવનમાં સફળ થયેલી વ્યક્તિઓમાં મેક્યાવેલિનિઝમ, નાર્સિઝમ અને સાયકોપથી આ ત્રણ લક્ષણો વધતે ઓછે અંશે જોવા મળે જ છે. સફળતા માટે ક્રૂરતાની હદે અનીતિ આચરવી, સ્વના કેન્દ્રમાં જ જીવવું અને આત્યંતિક આવેગોમાં રત રહેવું તમામ ક્ષેત્રોમાં સફળ વ્યક્તિઓની લાક્ષણિકતાઓ હોવાનું મનોવિજ્ઞાનને આધાર બનાવી સર્જક અહીં પોતાનો વિચાર જણાવે છે. આ માટે ઈટલીના રાજનીતિજ્ઞ મેક્યાવેલિ, ગ્રીક પુરાકથાના રૂપાળા નાયક નાર્સિસસનાં ઉદાહરણ આપે છે. વૃત્તિઓ પર કાબુ રાખી ન શકનારા સાયકોપાથ એટલે કે મનોરોગીઓ વ્યક્તિગત અને સામાજિક રીતે કેટલા ભયંકર હાનિકારક હોય છે તે પણ નિબંધકાર ટૂંકમાં પરંતુ માર્મિક રીતે જણાવે છે. આવું કહ્યા પછી સર્જક વિચારે છે કે સફળતા માટે તો લગભગ દરેક વ્યક્તિ વત્તે-ઓછે અંશે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આ ત્રણેય લક્ષણોથી જડાયેલી જ હોય છે. પોતાની સફળતાનો વિચાર કરતાં સર્જકને પોતે સફળ કે નિષ્ફળ... એવી દ્વિધા પણ થાય છે. નિબંધને અંતે નિબંધકાર એક સામાન્ય રહીને માણસો સામાન્યપણે જીવી જાય એ એક મોટી વાત છે એવું સત્ય સમજાવે છે. સર્જક કહે છે ‘સામાન્યતા તમામ કનેક્શન્સને ટાઇટ રાખે છે.’ સામાન્ય જીવન પ્રત્યેનો નિબંધકારનો વિધેયાત્મક દૃષ્ટિકોણ નોંધપાત્ર બન્યો છે. સુમન શાહના આ નિબંધોમાં મુખ્ય સામગ્રી તરીકે વિચારતત્ત્વ ઊભરી આવે છે. મનુષ્ય એક સામાજિક સજીવ છે તેનું એક પ્રબળ કારણ તેને મળેલી વિચારશક્તિ છે. આ નિબંધોમાં સુમન શાહે પોતાનું આગવું વિચારવિશ્વ શબ્દસ્થ કરવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. માનવ સંબંધોમાં લૂઝ પડી જતાં કનેક્શન્સનાં કારણોની તપાસ અહીં વૈચારિક ભૂમિકાએ નિબંધકારે કરી છે. પાછલા બે દાયકાઓથી માનવજીવન પર વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે પ્રભાવ વિસ્તરી રહ્યો છે તેમાં સજીવ સંસ્પર્શવાળુ માનવીય તત્ત્વ ક્યાં તેની જાણે આ નિબંધો થકી વિચારણા થઈ છે. સોશિયલ મીડિયા, રાજનીતિ, અર્થનીતિ, બજારવાદ, ટેકનોલોજી, વૈશ્વિકીકરણ, જનરેશન ગેપ, પ્રત્યાયનની શિથિલતા, સંબંધોમાં અવિશ્વાસ-અશ્રદ્ધા વગેરે ઘણાં વિચારબિંદુઓ આ નિબંધોમાં કોઈ નિશ્ચિત ક્રમને બદલે વિચારની સહજ ગતિ અને ક્રમમાં આલેખન પામ્યાં છે. શબ્દોની મર્યાદા જાળવીને નિબંધકાર મૂળ મુદ્દાની વાત વધુ પડતા આડાઅવળા વિહાર કર્યા વિના કહી શક્યા છે. અલબત્ત આ નિબંધો ભારત અને અમેરિકા એમ બે અલગ અલગ સ્થળેથી લખાયા હોવા છતાં કમ્પ્યૂટર અને ફેસબુક જેવાં માધ્યમોને કારણે તે વૈશ્વિક ગુજરાતી વાચકો સુધી સરળતાથી પહોંચી શકયા છે. આ નિબંધોમાં સમસામયિક તત્ત્વ વધુ અને ચિરંજીવ તત્ત્વ પ્રમાણમાં ઓછું છે. હા થોડા વિચારોની સાર્વત્રિકતા તેનો સ્વીકાર કરવા માટે સક્ષમ હોવાનું પ્રતીત થાય છે. આ નિબંધોમાં એક અર્થમાં mass સાથે અનુસંધાન રચવાનો હેતુ છે તો બીજા અર્થમાં જાત સાથે સંવાદ કરવાનો મનસૂબો પણ પ્રતીત થાય છે. વીસમી સદીના પ્રખર ફ્રેંચ દાર્શનિક રોલાં બાર્થના નિબંધસંગ્રહ ‘Mythologies’નું સ્મરણ કરાવે તેવી શૈલીમાં રચાયેલા આ વિચારપ્રધાન લઘુ નિબંધોમાં સુમન શાહનું વૈચારિક આંતરસંવિદ્દ ઝબકે છે. જાત અને જગત સાથેનાં કનેક્શનને લૂઝ ન પડવા દેવાની આ સર્જનાત્મક પ્રવૃત્તિ ગુજરાતી નિબંધ સાહિત્યની એક મહત્ત્વની ધરોહર બનવા સક્ષમ છે. – વિપુલ પુરોહિત
મો. 9106506094

*