સુમન શાહ સાહિત્યસંપુટ/૩. કિશોર પટેલ
એમની ચૂંટેલી છ વાર્તાઓ વિશે સ્વાધ્યાયલેખ
કિશોર પટેલ
ગુજરાતી ટૂંકી વાર્તાના વિવિધ તબક્કાઓની દૃષ્ટિએ જોઈએ તો સુમન શાહ ચોથા તબક્કાના (સુરેશ જોષી પછી અને ભૂપેશ અધ્વર્યુની અગાઉના) વાર્તાકાર ગણાય છે.
સુમનભાઈએ એમની સમગ્ર વાર્તાઓમાં મુખ્યત્વે ટૂંકી વાર્તાના સ્વરૂપ ક્ષેત્રે નોંધનીય કામ કર્યું છે.
પ્રસ્તુત સ્વાધ્યાયલેખમાં જે છ વાર્તાઓની ચર્ચા થઈ છે એમાંની એક પણ વાર્તા આદિ-મધ્ય-અંતનું માળખું હોય એવા પરંપરાગત સ્વરૂપમાં નથી. આ વાર્તાઓમાં બોલચાલની ભાષાના પ્રયોગો અને અતિવાસ્તવવાદી ચિત્રાત્મક કથનશૈલી ધ્યાનાકર્ષક છે.
૧. ટોમેન (ptomaine) (અવરશુંકેલુબ, ૧૯૭૬)
અંગ્રેજી શબ્દ ટોમેન (ptomaine) નો અર્થ ડિક્શનરીમાં આ પ્રમાણે છેઃ વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થ સડી ગયા પછી આવતો એનો સ્વાદ અને એની ગંધ.
પ્રસ્તુત વાર્તા એબ્સર્ડ પ્રકારની છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં પ્રસરેલી મંદી દરમિયાન સાહિત્ય અને વિવિધ કળામાધ્યમોમાં આ એબ્સર્ડ પ્રકાર આવ્યો. એબ્સર્ડ એટલે ગૂઢ, અગમ્ય. અંદાજે અઢી હજાર શબ્દોની આસપાસની આ રચના કેવળ બે વાક્યની છે. વચ્ચે વચ્ચે અલ્પવિરામ આવતાં રહે છે. વળી સંપૂર્ણ વાર્તા એક જ ફકરામાં કહેવાઈ છે અથવા એમ કહી શકાય કે લખાણમાં ક્યાંય ફકરો પાડવામાં આવ્યો નથી.
રજૂ થયેલા શબ્દચિત્રમાં એકમેકથી ભિન્ન સ્થિતિઓનો તેમ જ નાનીમોટી અનેક ઘટનાઓનો કોલાજ છે. ચિત્રમાં એક સ્થિતિને અનુગામી સ્થિતિ સાથે સંબંધ હોય અથવા ન પણ હોય. વળી સ્થિતિ ક્યાંક સ્થગિત થયેલી છે તો ક્યાંક પ્રવાહી છે. કોઈ ઘટનામાં નાયક હોય કે ન પણ હોય. ઘટનામાં પાત્ર માનવ કે માનવેતર કે પ્રકૃતિનો કોઈ પણ અંશ હોઈ શકે. આ ઘટનાઓની કોઈ એક ચોક્કસ પેટર્ન નથી.
આ વાર્તાનું દરેક વાક્ય એક સ્વતંત્ર વાર્તા છે. વાર્તામાં કુલ જેટલાં વાક્યો છે એટલી વાર્તાઓ છે એમ કહી શકાય. દરેક વાર્તાના નાયક જુદા જુદા છે. ફક્ત એક વાર એક વાર્તાનાં બે પાત્રોનું પુનરાવર્તન થયું છે. એ છે પોંગા પંડિત અને પ્રિન્સેસ ઓફ પટિયાલા. એક વાર પોંગા પંડિત પ્રિન્સેસને પૌગંડાવસ્થા એટલે કે બાળપણની અવસ્થા વિશે સમજણ આપી રહ્યા છે ને બીજી વાર એટલે કે વાર્તાના અંતમાં પોંગા પંડિત પ્રિન્સેસને ડિક્શનરીમાં ટોમેન (ptomaine) શબ્દનો અર્થ તપાસવાનું કહે છે.
આવી એબ્સર્ડ વાર્તાનું અર્થઘટન કરવું મુશ્કેલ છે. આ વાર્તા માટે એકંદરે કંઈક એવું કહી શકાય કે કોઈ પણ ક્ષણે વિશ્વમાં જુદાં જુદાં સ્થળે જુદી જુદી ઘટનાઓ બન્યા કરતી હોય છે. સ્વાભાવિક છે કે દરેક સ્થળે પરિસ્થિતિ એકમેકથી જુદી હોવાની. વળી, આ સ્થિતિઓ એકબીજા સાથે સંકળાયેલી હોય જ એવું જરૂરી નથી હોતું. સૃષ્ટિનું ચક્ર અવિરત ચાલતું રહે છે.
૨. ચાહવું એટલે ચાહવું (જૅન્તી-હંસા સિમ્ફ્ની, ૧૯૯૨)
વાર્તાસંગ્રહ ‘જૅન્તી-હંસા સિમ્ફ્ની’માંની તમામ વાર્તાઓ જૅન્તી અને હંસાના દાંપત્યજીવનની ખાટીમીઠી વાતો અંગેની છે. ‘ચાહવું એટલે ચાહવું’ સંગ્રહની અંતિમ વાર્તા છે.
૨૭-૨૮ વર્ષના લગ્નજીવન પછી જૅન્તીને થાય છે કે પોતે અને હંસા એકબીજામાં પૂરેપૂરાં લપેટાઈ ગયાં છે. હંસા ન હોય તો પોતે જાણે હાલકડોલક નાવડું, જાણે બધું ગોળ દડા જેવું.
હંસાની ગેરહાજરીમાં એની વર્ષો જૂની, એમનાં લગ્ન પહેલાંની ડાયરી જૅન્તીના હાથમાં આવે છે. હંસાએ લખ્યું છે કે દરેક સોમવાર એના માટે દુઃખદ હોય છે. હંસા જોડે ઝઘડો થવાથી એનો પ્રેમી શહેર છોડીને એનાથી દૂર જવાનો હોય એ દિવસ પણ સોમવાર જ હતો. પ્રેમીને મનાવી લેવાના ઇરાદે એને ગમતાં ગુલાબી વસ્ત્રો ધારણ કરીને હંસા એને મળવા જાય છે.
એક ઠેકાણે હંસાએ લખ્યું છે કે એનો પ્રેમી એને ભયાનકપણે ચાહે છે. એક જડની જેમ, બર્બરની જેમ આકરી ભીંસમાં લે છે. હંસાને ગુમાવી બેસવાનો એને ભય લાગે છે.
હંસાને પ્રેમી જોડેની વિધવિધ સ્મૃતિઓ તાજી થાય છે. એક મંગળવારે સાપ જોઈને હંસાએ ચીસ પાડેલી. ત્યારે એના પ્રેમીએ એને ખૂબ વ્હાલ કરેલું. એક શુક્રવારે એ હંમેશની જેમ ઉદાસ હતો. હંસાના ખોળે બાળકની જેમ લપાઈને રડવા જેવો થઈ ગયેલો. એક બુધવારે હંસાને એ ઢોરની જેમ ભેટી પડેલો. એને ઊંચકી લીધેલી. એક શનિવારે કોઈ અનામી વેદનાથી હંસાની છાતીમાં શાહમૃગની જેમ માથું ખોસી જડની જેમ પડી રહેલો. એવી નાજુક સ્થિતિમાં શું કરવું જોઈએ તે હંસાને સમજાયેલું નહીં. એણે લખ્યું છે કે મારાથી રડી પડાય તો સારું. પણ પછી એ ઉમેરે છે, પ્રેમીને થાય એવું જ પોતાને શા માટે થવું જોઈએ? એની જેમ એણે પણ શા માટે ઉદાસ થઈ જવાનું? શા માટે? ચાહવું એટલે ચાહવું! ચાહવા માટે એવી શરતો શું કામ હોવી જોઈએ?
છેલ્લી ઘડીએ હંસા પ્રેમીનું ઘર વટાવીને આગળ જતી રહે છે. ટ્રેન છૂટવાની છેલ્લી દસ મિનિટ બાકી રહે ત્યારે વળી એને થાય કે મળવું તો જોઈએ. ટૅક્સી કરીને એ સ્ટેશને જાય પણ ટ્રેન એની સામે છૂટી જાય છે, એ પ્રેમીને મળી શકતી નથી.
આ બધું વાંચીને જૅન્તી અસ્વસ્થ થઈ જાય. એ પ્રેમી કોણ હશે? જૅન્તી વિચારમાં પડે, શું એ પોતે જ હતો? પણ એને એવું કંઈ યાદ આવતું નથી. એ બેચેન થઈ જાય.
હંસા પાછી આવે છે. કીપસેફ ખુલ્લી જોઈને એ જાણી જાય છે કે જૅન્તીએ ખાંખાખોળા કર્યા છે. જૅન્તી કહે કે એણે ડાયરી વાંચી છે. એ પૂછે છે, જે પ્રેમીની વાત છે એ કોણ હતો? હંસા કહે છે, તું જ વળી! ઝઘડ્યા પછી રિસાઈને અમદાવાદ જતો રહેલો! જો કે દસ દિવસમાં જ તું પાછો ભાગી આવેલો! યાદ આવ્યું?
હવે જૅન્તીને યાદ આવે છે. હા, એવું બનેલું.
છતાં એને શંકા છે, પણ પછી એને થાય છે કે ચાહવું એટલે ચાહવું.
વાર્તાનો સૂર છેઃ ચાહવું એટલે ચાહવું, પ્રેમને કોઈ શરતોમાં બાંધી ન શકાય.
૩. લવરી (કાગારોળ અન્લિમિટેડ, ૨૦૧૦)
ભય. મૃત્યુનો ભય.
શિવકુમાર અગ્નિહોત્રી બીમાર છે. એની તબીબી તપાસ પછી મળેલા અહેવાલ પરથી ડોક્ટરે નિદાન કર્યું છે કે એને કેન્સર થયું છે. શિવકુમારને આ વાત ગળે ઊતરતી નથી.
પોતે ડુંગળી-લસણ કદી ખાધાં નથી, તેલ-મરચાં, મરી-મસાલાથી કાયમ દૂર રહ્યો છે છતાં પોતાને આંતરડાનું કેન્સર થયું એ વાત શિવકુમારના ગળે ઊતરતી નથી.
સામાન્ય માણસ પોતાના શરીર વિશે ખૂબ ઓછું જાણતો હોય છે. બીમારીનાં લક્ષણો હોય પણ કેન્સર જેવા રોગનું નામ સાંભળી ભલભલા હિંમતવાન માણસો ગભરાઈ જતા હોય છે. વાર્તાનાયક શિવકુમારના મગજ પર અસર થઈ જાય છે ને એ લવરી કરવા માંડે છે. એ પોતાની મૃત માતા સાથે સંવાદ કરવા માંડે છે.
આપણે ત્યાં એવી માન્યતા છે કે બાળકના જન્મ પછી વિધાતા એના ભવિષ્ય વિશે લેખ લખી જાય છે. કેન્સરના હાઉથી ડરી ગયેલો શિવકુમાર વિધાતાને પણ આહ્વાન આપે છે. મૃત્યુ સામે લડતા રહેવા માટે પોતાની મૃત માતા જોડે દલીલો કર્યા કરે છે.
વાસ્તવિકતામાં દવા લેવા અંગે એ પત્ની જોડે પણ દલીલો કરતો રહે છે.
ટૂંકમાં, મૃત્યુનો ભય માણસની વિચારપ્રક્રિયાને વેરવિખેર કરી નાખે છે.
૪. યાત્રા-૧ (ઢીસૂમ ઢીસૂમ, ૨૦૧૪)
આ વાર્તા આજના સામાન્ય માણસની સંઘર્ષમય જીવનયાત્રાની ઝાંખી કરાવે છે.
વાર્તાનો આરંભ જુઓઃ
“તડકો હતો નહીં.
હવામાન વાદળિયું હતું. પડછાયા દેખાતા ન્હોતા.”
“તડકો હતો નહીં” એટલે કે સૂર્યપ્રકાશ નહોતો. સૂર્યપ્રકાશ એટલે ઊર્જા. આજના સમયમાં સામાન્ય માણસને સૂર્યપ્રકાશ જેવી કુદરતી ઊર્જા પણ મળવી મુશ્કેલ થઈ પડી છે! “હવામાન વાદળિયું હતું” એટલે કે વરસાદ પણ નથી અને તડકો પણ નથી! ટૂંકમાં, વાતાવરણ ગમગીન હતું! “પડછાયા દેખાતા ન્હોતા” એટલે સવાર છે કે સાંજ એ પણ ખ્યાલ ન આવે! કેટલી અનિશ્ચિતતા!
“લોકો બ્હી ગયેલી બકરીઓની જેમ રસ્તો કરતા’તા.”
એટલે કે કેવળ વાર્તાનાયક નહીં પણ અન્ય સહુ લોકો પણ કોઈ અજાણી દહેશતમાં જીવતા હતા.
બસમાં નાયકને એની પત્ની મળી જાય છે જે કહે છે કે એ ચાર દિવસથી બસમાં પ્રવાસ કરી રહી છે. એટલે કે પત્ની ચાર ચાર દિવસથી કશીક ગડમથલમાં છે અને પતિને એની જાણ નથી! આજે સમય એવો આવ્યો છે કે દંપતીમાંનું એક જણ કશીક સમસ્યામાં અટવાયું હોય અને એના સાથીને એની કલ્પના પણ ન હોય.
જોડે પ્રવાસ કરતો નાનો છોકરો જુવાન થઈ જાય અને નાયકની પત્નીની જોડાજોડ બેસી એના ચોટલા સાથે રમવા માંડે એટલે કે માણસના જીવનમાં એવું બને કે એનાથી ઉંમરમાં નાનો યુવાન મોટપણે એનો નજીકનો સંબંધી બને અને એની પત્નીનો આત્મીય બની જાય. અહીં ‘ચોટલા સાથે રમવા માંડ્યો’ વાક્યપ્રયોગના શબ્દાર્થમાં ન જતાં પેલો છોકરો ‘આત્મીય’ બની ગયો એવો અર્થ લઈ શકાય.
ચાલુ બસે ડ્રાઇવર સિગારેટ પીતો દેખાયો એટલે કે દેશના, સમાજના જવાબદાર નેતાઓ પોતાની ફરજ પ્રત્યે આંખમિચામણાં કરે અને અમનચમનમાં ગુલતાન રહે છે. પ્રાઇમરીમાં માસ્તર લાગતો માણસ બસમાં ટિકિટ ચેક કરવા લાગે એટલે કે ધુતારાઓ સામાન્ય માણસ જોડે ઠગાઈ કરે.
હીજડાઓ લોકો પાસે પૈસા ઉઘરાવે છે. અહીં વાર્તાકારે આ ત્રીજી જાતિને (ઈતર લિંગના લોકોને) સમાજે બહિષ્કૃત કરી છે તે વિશે ટકોર કરી છે. સમાજે ન તો એમને પોતાનો હિસ્સો ગણ્યો છે ન એમના માટે આજીવિકાનો કોઈ માર્ગ ખુલ્લો રાખ્યો છે.
કોઈ એક ક્ષણે નાયક બસમાંથી ઊતરી જાય અને જ્યાંથી શરૂઆત કરી હતી એ બસસ્ટોપ પરથી યાત્રા ફરી આરંભ કરે છે એટલે કે જીવનચક્ર અવિરત ચાલતું રહે છે.
૫. યાત્રા-૨ (ઢીસૂમ ઢીસૂમ, ૨૦૧૪)
યાત્રા ૧ની જેમ અહીં પણ બસપ્રવાસમાં બનતી ઘટનાઓનું ચિત્રણ છે.
આ વાર્તામાં કથક એક સ્ત્રી છે. એના પતિના લગ્નબાહ્ય સંબંધની વાતથી વાર્તાનો આંચકાજનક પ્રારંભ થાય છે. એ કહે છે કે એને જાણ કર્યા વિના એનો પતિ પેલી બીજી સ્ત્રી જોડે શહેર તરફ રવાના થઈ ગયો છે.
નાયિકા આજની સ્ત્રીની પ્રતિનિધિ છે.
પતિ દ્વારા થયેલા દગા પછી નાયિકા હીંચકે બેઠી ઝૂલે છે એટલે કે કશીક મનગમતી પ્રવૃત્તિમાં એણે ચિત્ત પરોવ્યું છે. પણ હીંચકો એની જાણ બહાર વેગપૂર્વક ઝૂલવા લાગ્યો છે, એટલે કે આઘાતજનક સ્થિતિમાંથી બહાર આવવા માણસે કશીક બીજી મનગમતી પ્રવૃત્તિમાં મન લગાડ્યું હોય, પણ એ બીજી પ્રવૃત્તિનો અતિરેક માણસને વધુ અસ્વસ્થ કરી દે એવું બનતું હોય છે.
ફોઈની ઉંમર થઈ ગઈ છે પણ હજી જિન્સ પહેરે છે. સમાજમાં એવી મનગમતી મુક્ત રીતે રહેનારાં લોકો હોય છે પણ મોટે ભાગે તેઓ એવી સ્થિતિમાં દોષભાવના સાથે રહેતાં હોય છે. ઝાઝું કરીને સત્ય પરિસ્થિતિને સ્વીકારી ન શકતાં તેઓ ભ્રામક દુનિયામાં જીવવા માંડે છે. બાહ્ય રીતે સુખી હોવાનો ડોળ કરતાં એ લોકો મનોમન દુઃખી હોય છે.
નાયિકા યુવાન વયની સ્મૃતિ વાગોળે છે. એક સાયકલસવાર મીઠી મીઠી વાતો કરીને એને ભોળવે છે. એ ઉંમર જ એવી હોય છે કે કુદરતી રીતે જ વિરુદ્ધ લિંગ પ્રતિ જાતીય આકર્ષણ અનુભવાય. આવા કિસ્સાઓમાં પછી બને છે એવું કે છોકરાઓનું કંઈ બગડતું નથી પણ સમાજમાં કન્યાઓને “એ તો ચાલતી છે” અથવા “ચાલુ છે” એવું કહીને વગોવાય છે.
આમ આ વાર્તામાં કન્યાઓની, એમને પટાવવા પેંતરા કરતા જુવાનિયાઓની માનસિકતા પર લેખકે પ્રકાશ પાડ્યો છે.
૬. યાત્રા-૩ (ઢીસૂમ ઢીસૂમ, ૨૦૧૪)
આ વાર્તામાં કથક જન્મતાં જ માતા દ્વારા ત્યજી દેવાયેલું એક કમનસીબ બાળક છે. વાર્તાનો નાયક આપણા દેશનાં એવાં અગણિત બાળકોનો પ્રતિનિધિ છે, જેમના કોઈ વાલી હોતા નથી. એવાં બાળકો કોઈકની અનુકંપાથી ઊછરી જતાં હોય છે. કથક પણ એમ જ ઉછરેલો છે. એવાં બાળકો મોટપણે નોકરીધંધે લાગે, પણ કામના સ્થળે કાયમ ત્રીજા સ્થાને, એટલે કે એમનું ક્યાંય વજન પડતું ન હોય.
વાર્તાનો નાયક આજના આપણા દેશના બાળકનો પ્રતિનિધિ છે.
નાયકને પત્ની પણ મળી જાય, પણ કોઈક દ્વારા ત્યજાયેલી. આ વાર્તાની વ્યંજના જુઓ. આપણા દેશમાં સામાન્ય પ્રજાને સુખસગવડો મળતી હોય, પણ બધી સેકન્ડહેન્ડ. સાઇકલ મળે, પણ બ્રેક કાઢી લીધી હોય. જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે કેટલીક વાર તો લોકોએ કેવળ અન્ય ગરીબો જોડે જ નહીં, પણ પાળેલાં કૂતરાં જોડે પણ સ્પર્ધા કરવી પડતી હોય છે.
પુખ્ત વયનો થતાં નાયક એક ઓફિસમાં કામે લાગ્યો હોય. અહીં બે જણા એનાથી હોદ્દામાં તેમ જ અનુભવમાં એનાથી વરિષ્ઠ છે, એટલે નાયક ત્રીજા ક્રમે છે. આ એક નંબર અને બે નંબર બંને જણા નાયકના જીવનમાં વિવિધ તબક્કે વિવિધ રૂપે પ્રગટ થઈને એને હેરાનપરેશાન કરતા રહે છે, મોટે ભાગે એનું શોષણ કરતા રહે છે તો વળી ક્યારેક નામ ખાતર નાનામોટા લાભ પણ આપતા રહે છે.
નાયકના જીવનમાં સ્ત્રી પ્રવેશે છે, પણ એની પત્નીરૂપે નહીં પણ સાથી તરીકે. એ સ્ત્રી અગાઉ કોઈકની પત્ની હોય અને કોઈક કારણસર પહેલા પતિથી છૂટી પડી હોય. નાયકના જીવનના વિવિધ તબક્કે વિવિધ રૂપે એ સ્ત્રી એની સંગે રહે અને ભાતભાતના અનુભવ કરાવતી રહે છે.
એક પ્રસંગે નાયક એ સ્ત્રી પાસેથી માતૃપ્રેમ ઝંખે છે, એની પાછળ એનું નમાયા હોવું કારણભૂત હોઈ શકે. એની અસલ માતાએ તો એને જન્મતાં જ ત્યજી દીધો હતો.
એક નંબર, બે નંબર, ચોટલીવાળો હેડમાસ્તર, સ્ત્રીનો પૂર્વપતિ, પોલીસ વગેરે પાત્રો સમાજના વિવિધ પ્રતિનિધિઓ છે.
પ્રસ્તુત તમામ છ વાર્તાઓના વિષય નિઃશંકપણે માનવીય સંબંધો જ છે પરંતુ દરેકની રજૂઆતમાં વિશિષ્ટતા છે. પહેલી વાર્તા ‘ટોમેન’ એબ્સર્ડ છે. બીજી વાર્તા ‘ચાહવું એટલે ચાહવું’ દાંપત્યજીવન અંગેની છે. ત્રીજી વાર્તા ‘લવરી’ મૃત્યુના ભય અંગેની છે. બાકીની ત્રણે વાર્તાઓ ‘યાત્રા ૧-૨-૩’ સામાન્ય માણસના જીવનસંઘર્ષની વાર્તાઓ છે. સુમનભાઈની આ છએ વાર્તામાં વૈશિષ્ટ્ય છે રજૂઆતમાં. આદિ-મધ્ય-અંત એવા પરંપરાગત માળખાને વાર્તાકાર અનુસર્યા નથી. ‘ચાહવું એટલે ચાહવું’ એક જ વાર્તા પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પદ્ધતિથી રજૂ થઈ છે, એ સિવાયની પાંચેપાંચ વાર્તાઓ ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર પદ્ધતિથી રજૂ થઈ છે. કથનમાં બોલચાલની ભાષાનો પ્રયોગ થયો છે. અંગ્રેજી ભાષાના શબ્દો અહીં છૂટથી ભળી ગયેલા જણાય છે.
સુમનભાઈની વાર્તાઓ એમના સમકાલીન વાર્તાકારોની વાર્તાઓથી જુદી પડે છે, વાર્તાના પરિવેશ અને રજૂઆતના કારણે. દરેક વાર્તામાં કથનની શૈલી સંકુલ છે.
– કિશોર પટેલ
મો. ૯૮૬૯૭૧૭૦૧૦