સુમન શાહ સાહિત્યસંપુટ/૩. કોશા રાવલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સરળ છતાં ગહન –સુમન શાહ

કોશા રાવલ

વર્ષોથી કોઈ અવતરણ સાથે સવારે કે સાંજે સુમન શાહ સરને ગ્રીટ કરું. એમનો પડઘો પણ એટલો જ ઉમળકાસભર. એઓ અમેરિકા હોય ત્યારે કોઈ અવતરણ અને ચિત્ર સાથે, ‘ગુડ ઇવનિંગ, સર’ અને ભારત હોય ત્યારે ‘ગુડ મોર્નિંગ’ કહેવાનો સિલસિલો વર્ષોથી ચાલે. થોડા દિવસ મોકલવાનું રહી જાય તો પૂછે પણ ખરા કે “શું થયું?” કે “હું તને યાદ જ કરતો હતો.” મોટાભાગનાં અવતરણો વાંચી એમની કંઈક પ્રતિક્રિયા અચૂક આવે. જો અવતરણ સાથે સહમત હોય તો “ખૂબ સરસ”, “ગમ્યું” એવું લખે. જ્યારે અસહમત હોય ત્યારે એ વિધાનને તાર્કિક રીતે મૂલવી, એના વિશે ટિપ્પણી લખે, –આ વસ્તુ બરોબર નથી. મને થાય, દરેક વિધાનને માત્ર વાંચીને નહીં, કેવું તાર્કિકતાથી મૂલવીને જુએ છે! ક્યારેક હું એમની સાથે સહમત હોઉં, ક્યારેક અસહમત. એટલે એ વિધાન વિશે તાર્કિક વાતો ચાલે. મારી વાત સાચી લાગે તો પોતાનો મત છોડી સહમત પણ થાય. આવું નિરાભિમાન વ્યક્તિત્વ એ કેવી રીતે જાળવી શક્યા હશે, એનું આશ્ચર્ય હંમેશ રહ્યું છે. વર્ષોથી ચાલતી અમારી બિનઅંગત ગોઠડીને લીધે અનુમાન પણ થઈ જાય કે સરને શું ગમશે, શું નહીં. જેમ કે રુમી, પાઉલો કોહેલોના ક્વોટ હોય કે નાની છોકરીઓનાં ચિત્ર… એમને ગમશે એવી ખાતરી! એવાં ચિત્રો કે અવતરણો સામે અચૂક એમની ઉમળકાસભર ટિપ્પણીઓ આવે. વચ્ચે પ્રોફાઈલ પિક્ચરમાં એઓ દરરોજ સુંદર બાળાઓનાં અલગ અલગ ચિત્રો રાખતા. એ જોઈ મેં લખેલું, “સર, આ એક સરસ પડાવ છે, જ્યાં સ્ત્રીત્વની અનુપૂર્તિ તમે નિર્દોષ બાળકીના રૂપમાં આવકારો છો.” એ ખુશ થઈ, સહમત થયેલા. એમની કુતૂહલસભર આંખોમાં એમની અંદર શ્વસતું, શાશ્વત બાળક જોયું છે, અનુભવ્યું છે. ચાર્લ્સ બોકોવસ્કીનું વિધાન છે કે “મુક્ત આત્માઓ બહુ જૂજ હોય છે. પણ એમને જોઈ, અનુભવી શકાય છે– કારણ, મૂળભૂત રીતે એવા લોકો તમારી પાસે અથવા સાથે હોય, ત્યારે તમને સારું, અત્યંત સારું લાગે છે.” (“The free soul is rare, but you know it when you see it - basically because you feel good, very good, when you are near or with them”.) આ ‘ફીલગુડ’ની અનુભૂતિ સુમન શાહ સર સાથે હંમેશાં થઈ છે. મુક્ત વિચારક અને સચેત મનુષ્ય કેવા હોય? એમને જુઓ કે મળો એટલે સહજ સમજાઈ જાય! એમનો ઊર્જાપ્રવાહ સકારાત્મક ને ચુંબકીય. વર્ષોથી ‘સાહિત્ય, સાહિત્ય અને સાહિત્ય’ સાથે જીવતા મનુષ્યની અંદર –માતા સરસ્વતીનું તેજ, વિમુક્ત વૈચારિકતા, અનેક ઉન્મુક્ત આત્માઓની પ્રબુદ્ધ ચેતનામાં રસાયેલું આંતરબાહ્યવિશ્વ તદ્રુપ થઈ કેવાં પરિમાણ રચે, એ એમને મળીને અનુભવાય. એમના નાના દીકરા મદીરભાઈના ઘરે આમસ્ટર્ડામના રૂમની બાલ્કનીમાંથી દેખાતી, શિયાળામાં થીજી ગયેલી આમ્સ્ટેલ નદીની વાત હોય કે પછી રશ્મીતા બહેનનાં સ્મરણો, એમના ટિફિન, કે મારાં બાળકો વિશેની ઘરેલુ વાતો હોય, અમારી વાતો હંમેશ સાહજિક પ્રવાહમાં ચાલી છે. ઘણી વાર વિચારું, કે અડધા દાયકાથી સાહિત્યને સમર્પિત, આટલા મોટા ગજાના વિવેચક, વાર્તાકાર, કવિ, સંપાદક સુમન શાહ સર વ્યક્તિ તરીકે કેટલા સરળ છે! સુ.જો.સા.ફો.વાળા કોઈ પણ સાહિત્યમિત્ર આંખ બંધ કરી એમને યાદ કરે તો નિ:સંદેહ એમનો પ્રેમાળ, મંદમંદ સ્મિત લહેરાવતો, આંતરિક ચેતનાના ઉન્મેષથી રસાયેલો ચહેરો જ માનસપટલ પર ઊપસે. પ્રચંડ વિદ્વતાના લગીરેય ભાર વિનાનો ચહેરો. માનવીય સંવેદનથી ભરપૂર ચહેરો. સાહિત્ય માટેની અપાર પ્રીતિ, વાર્તાના પરમ સત્ય પામવાની મથામણ, અમારી પ્રત્યેક પેઢીને વાર્તા શું છે, તે સમજાવવાની ખેવના અને એમના ગુરુ સુરેશ જોષીની વાર્તાવિભાવના માટેનો અપાર આદર પણ એ ચહેરામાં ઝલકે.

વાર્તા લખતાં શીખતી હતી એ વેળા સુમન શાહ સરની વાર્તાશિબિર ‘સુરેશ જોષી સાહિત્ય ફૉરમ’ વિશે સાંભળ્યું હતું. વાર્તામાં શું લખવું, કરતાં પણ શું ન લખવું –એ વિશે અગણિત મૂંઝવણ હોવાથી માર્ગદર્શન મેળવવા માટેની ઇચ્છા હતી. પાંચેક વર્ષ પહેલાં સુ.જો.સા.ફો.માં જોડાઈ. એ પછી પ્રત્યેક શિબિરે, વાર્તાપદારથની વધુ ને વધુ નજીક પહોંચવાનો મોકો મળ્યો. એમના અપ્રતિમ સાહિત્યલગાવે સ્વયં શિસ્તના પાઠ ભણાવ્યા. શિબિર દરમ્યાન ચાલતી મુક્ત ચર્ચાવિચારણા અન્યત્ર શક્ય નથી, એવું મને લાગે. વાર્તાતત્ત્વ શું છે, એ અમારી પ્રત્યેકની વાર્તાને ચર્ચા દરમિયાન ‘પ્રત્યક્ષ ઉદાહરણ’ દ્વારા સર સમજાવે. આવી કાર્યશાળાની અનુભૂતિ જાણે ભાર વિનાનું ભણતર. શિબિરમાં નવીસવી હતી, ત્યારે જેટલા પ્રેમથી પ્રત્યેકની વાર્તા કેવી છે? એમને જે તે વાર્તામાં કયું પાસું ગમ્યું હતું કે વાર્તામાં શું ખૂંટતું હતું? એ જે રીતે સમજાવતા, એટલા જ ઉમળકાથી આજે પણ સમજાવે છે. સુ.જો.સા.ફો.ની પચાસમી વાર્તાશિબિરમાં મારી વાર્તા સાંભળ્યા પછી એમણે કહ્યું, “કોશા, પહેલી વાર વાર્તાશિબિરમાં આવી ત્યારે કેવી હતી, એ મને યાદ છે. અને આજે! આજે હું એનો વાર્તાકાર તરીકેનો વિકાસ જોઈ શકું છું.” મારી માટે આ સૌથી મોટો એવોર્ડ હતો. અમારી સહુની વાર્તાઓ અપાર ધીરજથી સાંભળે. મુદ્દાઓ ટપકાવે. અમે બધા મિત્રો અમારી સમજ મુજબ પ્રતિક્રિયાઓ આપીએ. એ પછી જ્યારે એમની પ્રતિક્રિયાઓ સાંભળીએ, ત્યારે સમજાય કે વાર્તાની ખૂબી અને ખામી કેટલી બારીકાઈથી એમણે ઉઘાડી આપી છે! વાર્તાની રચનાગત કચાશને એમના જેટલી સાલસ રીતે સમજાવવાની આવડત તો ભાગ્યે કોઈમાં હશે! આપોઆપ સમજાય કે એ ટીકા, ટિપ્પણી કે પ્રશંસા પણ વાર્તાકારની નથી, વાર્તાની જ છે. કૃતિને માત્ર કૃતિ તરીકે જોઈ એના ગુણદોષની સવિસ્તાર ચર્ચાવિચારણા કરવાની સમજ આમાંથી કેળવાઈ, જે કાળક્રમે એમના માટેના અપાર આદર અને ઋણાનુબંધનું કારણ બની. ત્રણચાર વર્ષ પહેલાંની શિબિર ગોધરા પાસેના વાસણા ગામે થયેલી. એ વખતે એમની એક વાર્તાની રચનાગત ત્રુટિ વિશે અમારામાંના કોઈએ પોતાનો ભિન્ન મત રજૂ કર્યો. સામાન્ય રીતે આવી વાતથી પ્રમુખપદે રહેલી વ્યક્તિ અકળાઈ જાય, પણ સરે જરા પણ વિચલિત થયા વિના એ દલીલોમાંની કેટલીક વાતો સ્વીકારી. પોતાના જુદા પડતા દૃષ્ટિકોણને સ્વસ્થતાથી રજૂ કર્યો. આમ, કોઈ પણ વાર્તાકાર એમના જેવી વિદ્વાન વ્યક્તિની વાર્તા વિશે આટલી સાહજિકતાથી ચર્ચા કરી શકે, એવી સ્વતંત્રતા એમણે અમને સૌને આપેલી. આ મુક્તતાનો અનુભવ, એ એમનો વ્યક્તિત્વ વિશેષ છે.

*

સુમન શાહની મને ગમતી કૃતિ: કાકાજીની બોધકથા: ઈ.સ. ૧૯૭૪માં ‘સમર્પણ’ સામયિકમાં ‘કાકાજીની બોધકથા’ વાર્તા છપાઈ હતી, જે સુમન શાહની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક છે. અહીં પ્રયોજાયેલું સાદ્યંત ગદ્ય ધ્યાનાકર્ષક છે, આધુનિક મનુષ્યની ફિલસૂફીને બોધકથા સ્વરૂપે રજૂ કરવાની પ્રયુક્તિ વિશેષ આકર્ષક છે. એ દૃષ્ટિથી આ કૃતિ મને નોંધપાત્ર લાગી છે. ‘કાકાજીની બોધકથા’ શીર્ષકમાંથી પ્રથમ એ સ્પષ્ટ કરીએ કે બોધકથા એટલે શું? બોધકથા એટલે જીવનમાં શું કરવું અને શું ન કરવું, એનું વ્યાવહારિક જ્ઞાન આપતી કથા. તો પછી કાકાજીની બોધકથા કયું જ્ઞાન આપે છે એ વાત, રચના માણતાં વિચારીએ. પંચતંત્રની કથાઓ વિશે આપણે જાણીએ છીએ. એમાં પશુપંખીની વાર્તા દ્વારા મનુષ્યને જીવનના પાઠ શીખવા મળે એવું કથાપ્રયોજન હોય છે, જેને અંગ્રેજીમાં fable કહેવામાં આવે છે. અલબત્ત, તેમાં માત્ર પશુપંખીઓ મુખ્ય પાત્ર તરીકે હોય છે. fable પ્રયુક્તિનું આધુનિક રૂપ ‘કાકાજીની બોધકથા’માં યોજાયું છે. કાકાજીના પાત્ર અનુષંગે માલિકરૂપે રહેલા મનુષ્યોની સ્વાર્થવૃત્તિનું અને એકવિધતાથી કંટાળી જવાની મનુષ્યવૃત્તિનું અહીં નિરૂપણ થયું છે. આધુનિકો પાસે જેટલી પસંદગીની તકો વધી, એટલો જ કંટાળો વધ્યો. ‘વેઇટિંગ ફોર ધ ગોદો’ હોય કે ‘કાકાજીની બોધ કથા’, બંનેમાં કંટાળાનો ભાવ સમાન! ઉબાઈ જવાની વૃત્તિ સર્વસામાન્ય છે. એકધારાપણાથી છૂટવા નિતનવી યુક્તિથી મનોરંજન શોધતાં મનુષ્ય પ્રયત્નોની કરુણાન્તિકા, કાકાજીના સંદર્ભે વ્યક્ત થઈ છે. બોધકથાના કાકાકૌવા કાકાજીને પાંજરામાં પૂરતા દરેક માલિકને મન, કાકાજી મનોરંજનનું સાધન હતો. પોતાના દીકરા સરીખા લાડકા રમાગૌરીને, મીઠું મીઠું બોલતો કાકાજી અચાનક ‘સીતારામ’ બોલતો થઈ ગયો ત્યારે દસ દિવસમાં તો એવો ત્રાસ થયો કે “રમાને થતું પોતાના ઘરમાં અને પાંજરામાં, પોતાના મનમાં ને ફળિયામાં કાકાજી નહીં પણ સીતારામનો યંત્રજડ અવાજ જીવે છે.” જ્યારે સાધુ મહારાજે કાકાકૌવાનાં વખાણ કર્યાં ત્યારે રમાએ ‘તરત દાન ને મહાપૂન’વાળા છુટકારાના ભાવ સાથે કાકાજીને સાધુજી સંગે પધરાવ્યો. અહીં ‘સીતારામ’, ‘સીતારામ’ બોલતા કાકાજી તો પિત્તળને બદલે લોખંડના પાંજરામાં પણ મોજથી ‘નદી કિનારે વગડાનો પવન પીવે’ પરંતુ એકલતાથી કંટાળેલા સાધુજી રોજ કાકાજીને પ્રશ્નોત્તરી પઢાવે. રોજ પઢાવેલું બોલતા કાકાજી સંગે મા’રાજને શરૂઆતમાં તો આનંદ આનંદ. પણ પછી એનું એ જ બોલતા કાકાજીથી સાધુમહારાજ કંટાળ્યા. એમનો આ કંટાળો કેમે કરી પારખી ગયેલો, કાકાજી ફરી ‘સીતારામ’ બોલવા માંડ્યો ત્યારે સાધુજીને છાને ખૂણે ગુનાહિત લાગણીઓ પણ ઉભરાઈ. એવામાં ડાકુ માનસિંહ સાધુજીને ત્યાં રાત્રે છુપાયો. સવારે કાકાજીને ‘સીતારામ, સીતારામ’ બોલતો જોઈ લલચાયેલા માનસિંહને થયું કે આવો ગુણિયલ કાકાજી સાધુ મા’રાજ પાસે નહિ, પોતાની પાસે હોવો જોઈએ. ટાઢા પાણીએ ખસ ગઈનો હરખ છૂપાવી, સાધુજી એ ઉપરછલ્લી આનાકાની સાથે કાકાજી ડાકુને પધરાવ્યો. નવા માલિક માનસિંહનો આવાસ સાવ અવાવરુ. અહીં કાકાજીને ‘નિયમિત ભયાનક એકલતાનું આકાશ તાગ્યા કરવું પડે, એવી માનસિંહની ગેરહાજરી’ અકળાવે. એકવાર માનસિંહે પ્રશ્ન કર્યો કે કાકાજી સાચું કહેજો, અહીં એકલું લાગે છે કે? કાકાજી અચકાતાં પણ સાચું બોલી ગયો કે અહીં બહુ એકલું લાગે છે. સાંભળી માનસિંહ બંદૂકની અણીએ કાકાજીને ઊડાડી મૂકયો. પણ બિચારા કાકાજીના નસીબમાં લીમડાની તાજી હવા લખેલી ન હતી. હવે કાકાજીના ચોથા માલિક દુર્વાસાના અવતાર સમા, કર્ણાવતી નગરીના રાજા અવંતીસેન થયા. એમના અંત:પુરમાં કાકાજીને ઝૂલવા માટે સોનાનું પાંજરું હતું. રાજાના માનીતા બનેલા કાકાજીને રાણીઓ, દાસદાસીઓ જ નહિ, રાજાજી પોતે પણ ખૂબ લાડ લડાવતા. આવા ભર્યાપૂર્યા જીવનનું સુખ જીરવાતું ન હોય તેમ, એક દી, કાકાજી જૂની ભૂલનું પુનરાવર્તન કરી ફરી ‘સીતારામ, સીતારામ’ બોલવા લાગ્યો. રાણીથી લઈ પ્રધાન, દાસદાસી બધાં મૂંઝાયાં, લાખ વાનાં કરવા છતાં કાકાજી સીતારામ સિવાય કશું ન બોલે. કાકાજીના આવા બેજવાબદાર વર્તનથી ક્રોધિત થયેલા અવંતિસેને બંદૂકથી એના લાલ-ભૂરાં પીછાંવાળા સુંદર દેહને હાડમાંસના લોચામાં ફેરવી દીધો. આમ કાકાકૌવા કાકાજી એની સ્વતંત્ર રીતે જીવવાની ‘આડોડાઈ’ અને સત્તાને તાબે ન થવાની જીદમાં જીવ ખોઈ બેઠો. કાકાજીની કથની અને કરણીમાં મનુષ્ય જીવનની વિસંગતતા પણ પ્રતિબિંબિત થાય છે. જો ‘કાકાજીની બોધકથા’ બોધકથા છે, તો મનુષ્યને એમાંથી શો બોધ મળે છે તે જોઈએ: પાંજરું પિત્તળનું હોય, લોખંડનું હોય કે સોનાનું, પાંજરું માત્ર સ્વતંત્રતાનો હ્રાસ છે, એ પાંજરામાં રહેતા જીવે સમજવું જોઈએ. અથવા પાંજરામાંથી છૂટવાની તક મળે ત્યારે હિંમત દાખવી બહાર નીકળવું જોઈએ. અનેક શક્યતાઓ મળેલી હોવા છતાં કાકાજી જીવનભર આ હિંમત એકઠી ન કરી શક્યો. એ એની સ્વભાવગત નિયતિ ગણી શકાય. પોતાનો મુક્ત અવાજ વ્યક્ત કરવાની ઇચ્છા દરેક જીવમાં સહજ છે, પરંતુ સત્તાધીશોને ક્યારેય આવો મુક્ત અવાજ ગમતો નથી. આવા વિચારોને આડોડાઈ ગણી દબાવી દેવાના પ્રયત્નો કાયમ થયા છે, જેમકે કાકાજીનું ‘સીતારામ’ એના એક પણ માલિકને રુચ્યું ન હતું. પસંદગી કરવાની તક, એ હકીકતે ઉપલક સપાટીની સ્વતંત્રતા છે. અંદરખાને તો પસંદગી કર્યા પછી એની સાથે જોડાયેલી દુર્નિવાર નિયતિ આપણા સુખદુઃખનું કારણ બને છે. જેમ કે પઢાવેલું બોલવાને બદલે પોતાની પસંદગીથી ‘સીતારામ’ બોલવું, એ કાકાજીએ પસંદ કરેલી સ્વતંત્રતા હતી. જેને એમની સ્વચ્છંદતા ગણી એને મૃત્યુ દંડ મળ્યો. જ્યારે ઊડવા આકાશ મળે ત્યારે પાંજરું પસંદ કરવું (કમ્ફર્ટ ઝોન), પછી પાંજરામાં રહી પોતાની રીતે જીવવાનું ઇચ્છવું (ફ્રી વિલ), એ સર્વસામાન્ય રીતે જોવા મળતો મનુષ્યજીવનનો સંઘર્ષ છે. જે મોટા ભાગે કારુણ્યમાં પલટાય છે. કાકાજીને સ્વતંત્રતા પણ જોઈતી હતી અને રક્ષણ પણ જોઈતું હતું. આમ બે પરસ્પર વિરુદ્ધની ઇચ્છા સેવવાથી એના જીવનમાં કરુણતા સર્જાઈ. આ ટૂંકીવાર્તાની મર્યાદા ગણીએ તો બાળકથા જેવી પુનરાવર્તિત થતી ઘટમાળની પ્રયુક્તિ વાર્તારસને મંદ પાડે છે. બીજું વાર્તામાં વાસ્તવ સાથેનો અનુબંધ નબળો લાગે છે. આમ છતાં ફિલોસોફીયુક્ત કથાગૂંથણીને કારણે વાર્તાનું મૂલ્ય વધી જાય છે. એકંદરે, ‘કાકાજીની બોધકથા’ કથનશૈલીની આકર્ષકતા તથા અર્થાવકાશની અનેકવિધ શક્યતાઓને કારણે મને ગમે છે. – કોશા રાવલ
મો. 97243 41220

*