સુમન શાહ સાહિત્યસંપુટ/૩. જિતેન્દ્ર મેકવાન
જિતેન્દ્ર મેકવાન
ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે વિવેચક તરીકે જાણીતા સુમન શાહ આધુનિક અને અનુઆધુનિક યુગના નોંધપાત્ર સર્જક પણ છે. એમણે સાત વાર્તાસંગ્રહો આપ્યા છે. ઉપરાંત બે નવલકથાઓ અને પાંચ નિબંધસંગ્રહો પણ એમની પાસેથી મળ્યા છે. વિશ્વભરના સાહિત્ય અને ફિલ્મોને માણતા રહેલા, યુરોપ અને અમેરિકાના પ્રવાસો અને ત્યાંના વસવાટથી જીવનવૈવિધ્યને અનુભવનારા, વર્ષો સુધી સાહિત્યનું નિષ્ઠાપૂર્વક અધ્યાપન કરાવનારા અને નિવૃત્તિ પછી નિજાનંદે કમ્પ્યૂટર, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના નવા જમાના પ્રમાણે એમાં પણ વિશિષ્ટ રીતે સક્રિય રહેનારા આ સર્જક ગુજરાતી ભાષાને આજે પણ સમૃદ્ધ કરતા રહ્યા છે. એમની પાસેથી સર્જન-વિવેચન-સંપાદન-અનુવાદ વગેરે થઈને કુલ ૬૦થી વધુ પુસ્તકો મળ્યાં છે. આ લેખમાં એમના ‘વસ્તુસંસાર’ સંગ્રહના કેટલાક નિબંધોને આધારે એમની નિબંધકાર તરીકેની લાક્ષણિકતાઓ જોવા તપાસવાનો ઉપક્રમ છે. ૨૦૦૫માં પ્રકાશિત ‘વસ્તુસંસાર’ના નિબંધો ‘જનસત્તા’માં એમણે કૉલમરૂપે લખેલા. આ સંગ્રહના નિવેદનમાં એમણે જણાવ્યું છે તેમ એમણે દૈનિક છાપામાં લખવાની શરૂઆત ‘સમકાલીન’માં ૧૯૮૫થી ‘વેઇટ્-એ-બિટ્’ નામની કૉલમથી કરી. ત્યારબાદ ૧૯૮૭માં ‘ગુજરાત સમાચાર’માં ‘બાયલાઇન’ નામે ચારેક વર્ષ લખ્યું. (એ બંને કૉલમ પરથી એ જ નામના સંગ્રહો પણ થયા છે.) અગાઉના બે સંગ્રહોના નિબંધોને લેખક મુખ્યત્વે ડિસ્કર્સિવ તરીકે ઓળખાવે છે. (‘ડિસ્કર્સિવ’ એટલે રસળતું, એક વિષયને ન વળગી રહેનારું લખાણ) જ્યારે ‘વસ્તુસંસાર’ના નિબંધોને મુખ્યત્વે ક્રિએટિવ કહે છે. (‘ક્રિએટિવ’નો સાદો સમજાય એવો અર્થ છે સર્જનાત્મક, કલ્પનાશીલ) ઘણીવાર લલિતનિબંધને ‘સર્જકનિબંધ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ અર્થમાં આ સર્જનાત્મક નિબંધો છે એમ આપણે કહી શકીએ. આ સંગ્રહમાં સૌથી પહેલાં ધ્યાન ખેંચે છે એનું શીર્ષક –‘વસ્તુસંસાર’. નિબંધોના વિષય તો એનાથી સૂચવાય જ છે, પણ માનવસંસારની જેમ વસ્તુઓનો પણ જીવંત અને વૈવિધ્યસભર સંસાર છે એ બાબતે તરત આપણું ધ્યાન ખેંચાય છે. પ્રથમ જ નિબંધ ‘વસ્તુસંસાર’માં વસ્તુસંસાર રચવાનો માણસનો હેતુ લેખકે વિગતે સમજાવ્યો છે અને આ વસ્તુજગતને વિશે એમને સતાવનારી બે ત્રણ બાબતોના ઉલ્લેખથી એમણે ભાવકોને પણ વસ્તુસંસાર વિશે વિચારતા કરી દીધા છે. આપણે પણ એ બાબતો જોઈ લઈએ. એમાંની એક બાબત છે કે વસ્તુસંસારમાં માણસનું ધ્યાન એટલું બધું પરોવાઈ ગયું છે કે પ્રકૃતિ તરફ જોવાની એને ફુરસદ નથી રહી. “માણસ આજે પૂનમનો કે બીજનો ચંદ્ર જોતો હશે? એને બુલબુલનાં ગાન કે હોલારવની ખબર હશે ખરી? એને અમાસની રાતના તારાઓના પ્રકાશની જાણ ખરી?” એવા પ્રશ્નો લેખક પૂછે છે, ત્યારે ભાવક પોતે પણ સ્વતપાસ કરી શકે છે. બીજી બાબત લેખકને અકળાવે છે તે એ, કે માણસ પોતાના રચેલા આ વસ્તુસંસારને સારી રીતે સાચવતો નથી. પોતાની બનાવેલી દુનિયાને ગમે ત્યારે નષ્ટ કરી નાખે છે. પિસ્તોલ, રિવોલ્વર કે છરાથી લઈને બોમ્બ વડે માણસોને હણી નાખતો માણસ, યુદ્ધો વડે મહાવિનાશ સર્જતાં રાષ્ટ્રો આપણને પણ ચિંતિત કરી મૂકે છે. અને ત્રીજી બાબત છે નવી નવી વસ્તુઓને લીધે માણસ ભૂતકાળની અનેક સારી વસ્તુઓને ભૂલી જાય છે. જેમ કે મોંઘી ડિશમાં બુફેડિનર લેતી નવી પેઢીને પતરાળાં-પડિયામાં જમવાના આનંદની ક્યાંથી ખબર પડે? એવી અનેક મજાની વસ્તુઓ કે તેના અનુભવ અને તેને વ્યક્ત કરતા શબ્દો ભુલાવા માંડ્યા છે એની પણ લેખકને ચિંતા છે. એ ચિંતા આપણી સહિયારી બની જાય છે, અને આપણે પણ એ ભુલાતા વસ્તુજગતને વાગોળવા માંડીએ છીએ. એમાં એ નિબંધની સફળતા છે. જોકે, પછીના નિબંધોમાં લેખક આવી ભુલાતી-ભૂંસાતી વસ્તુઓને જ યાદ કરે છે એવું નથી. પણ આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવાતી અનેકવિધ વસ્તુઓ અને એ વસ્તુઓની આસપાસ રચાતા વિચારોના વમળમાં આપણને ખેંચી જાય છે. એમના આ વસ્તુસંસારમાં ખુરશી, કપડાં, વાસણો, ફોન, ઘંટ, કાગળ, રસ્તાઓ, દાદરા, પેન, હાથરૂમાલ, બારી, જોડા, સાઇકલ, છત્રી, ઘોડાગાડી, વગેરેની સાથે સાથે માણસોએ સર્જેલા વિચારો, ભાષા, શિક્ષણ, ધર્મ વગેરેને પણ સમાવ્યાં છે.
કોઈ એકાદ વસ્તુથી વાત શરૂ કરી ધીમે ધીમે એ વસ્તુની આસપાસના વિવિધ સંદર્ભો અને તેનો આધાર લઈને ક્યાંથી ક્યાં પહોંચી જતા વિચારો આ નિબંધોને રસપ્રદ બનાવે છે. જેમ કે, ત્રીજો નિબંધ ‘એટલા પાછા જવાનું શક્ય જ નથી...’ (નિબંધોનાં શીર્ષકો પણ વિલક્ષણ છે એની વાત આગળ કરીશું)માં પુરુષોના પોશાકમાં લેખક તેમને સૌથી વધુ ગમતા ખમીસથી વાત શરૂ કરે છે. ખમીસ અને તેમાંય વળી કોલરથી માણસના વ્યક્તિત્વને કેવો ઉઠાવ મળે છે તેની વાત માંડે છે. ‘ખમીસ’ના પર્યાયવાચી શબ્દો ‘કમીસ’ ‘શર્ટ’ તેમાંથી ‘અન્ડરશર્ટ’, ‘ટી-શર્ટ’ વગેરેની વાત કરે છે. પછી, વસ્તુઓને સજીવ ગણીને એને પ્રેમ કરવાની વાત કરે છે. પછી, ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં’ કહેવતનો અર્થ સમજાવે છે: ‘તમારામાં એક ટકો નૂર, તેજ, સૌંદર્ય હોય તો કપડાં એને હજારગણું કરી આપે.’ પછી, સજીવસૃષ્ટિમાં માત્ર માણસને જ વસ્ત્રો જોઈએ છે એની વાત કરીને યુરોપ, અમેરિકામાં પાલતુ પ્રાણીઓનાં વસ્ત્રો પણ મળે એની વાત કાઢે છે. ફિલ્મોમાં, વાર્તામાં પ્રાણીઓને પાત્રોને વસ્ત્રોમાં દર્શાવાય છે એનો ઉલ્લેખ કરે છે, અને આપણે ત્યાં દેવોને પણ વસ્ત્રો પહેરાવાય છે એની વાત કરીને મોટીબા ઠાકોરજીના જરકસી જામા હાથે બનાવતાં એ પણ યાદ કરી લે છે. વળી, વસ્ત્રો માટે કાપડ, કાપડ માટે મિલો, તેમ કપડાં સીવવા માટે દરજીની વાત કરીને, દરજીઓની વાયદાબાજીના અને પોતાના ગામના લંડન જઈને ટેલરિંગનું ભણી આવેલા દરજીને ત્યાં ‘દસેક આંટાને અંતે હાથમાં આવતા ખમીસથી કોઈ મહાન જીવનસિદ્ધિ હાંસલ કર્યા જેટલો હરખ થતો’ એની કથા કહે છે. અંત ભાગમાં, ‘વસ્ત્રો સામાજિકતાનું પ્રતીક છે’ એમ જણાવી પશ્ચિમમાં ન્યૂડ સોસાયટી પણ હોય છે એની વાત કરીને કહે છે: “કપડાં પહેરીને જીવવાનું કદાચ સહેલું છે, કપડાં વિનાનું હંમેશાં મુશ્કેલ છે. જોકે હવે તો એટલા પાછા જવાનું શક્ય જ નથી...” એમ કહીને નિબંધ અટકાવે છે. આમ ખમીસથી શરૂ કરેલી વાત કેટલા બધા વિચારોને સ્પર્શતી સ્પર્શતી છેવટે નગ્નતા સુધી પહોંચે છે અને ભાવક પણ એમની આ રસળતી શૈલીમાં રમમાણ બની જાય છે.
લગભગ દરેક નિબંધની આવી રસાળ શૈલી સહૃદય ભાવકને એમાં ઓતપ્રોત બનાવી દે એવી છે. જેમ કે, ‘બારી એટલે...’ નિબંધમાં બારીની આસપાસના અનેક સંદર્ભ વણી લીધા છે. “બારી વિનાનું ઘર કોઈને ન ગમે, કેમ કે સ્વભાવે માણસ અંદરબહાર જીવનારું પ્રાણી છે.” એમ કહીને માણસની અળવીતરી પ્રકૃતિનો તે વિગતે પરિચય કરાવે છે. સાહિત્યકારો પોતાની રચનાનાં મથાળાં એવાં રાખે છે, જેમાં ‘બારી’ આવે. એના ઉદાહરણરૂપે ‘મારી બારીએથી’, ‘ઉઘાડી બારી’ અને ‘બારી બહાર’ જેવાં શીર્ષકોના પોતે કરેલા આગવા અર્થ આપણને સમજાવે છે. ગાંધીજીને યાદ કરીને ‘બારી’નો કંઈક વધારે અર્થ એમને પહોંચાડવો હતો એ પણ યાદ કરે છે. પછી ‘બારી’નો જે સાદો અર્થ એમને ગમે છે એ આપીને પ્રાચીનકાળથી લઈને બારીના જાતજાતના ઉપયોગો દર્શાવી છેવટે કહે છે, “બારીનું આ કામ મને બહુ જ ગમે છે: કોઈની રાહ જોવાની જે મજા બારીએ આવે છે, એવી બીજે ક્યાંય નહીં. અને એમાંય રાહ જો પિયુની કે પ્રિયાની જોવાની હોય,” તો એ ઘટના કેવી રસપ્રદ બને એનું કાવ્યાત્મક આલેખન કરી ‘બારીમહિમાગાન’ પૂરું કરે છે. એ જ રીતે, ‘જોડાનું જીવન’ નિબંધમાં જોડાંનો, પગરખાંનો ભારે મહિમા લેખકે કર્યો છે. શેઠનાં જોડાં તાસકમાં ગોઠવીને લાવતા મૂર્ખ ભગાની વાર્તાથી શરૂ કરીને જોડાંની અવનવીન વાતો –એમાં જગવિખ્યાત ચિત્રકાર પિકાસોનું ચિત્ર પણ આવે, રાધેશ્યામ શર્માની વાર્તા ‘હાથીપગો’ પણ આવે, સિન્ડ્રેલાની મોજડી પણ આવે, મુંબઈ, સોલાપુર, જયપુર આમસ્ટર્ડામ અને હોલેન્ડ પણ આવે, અને જોડા પહેરવાની જરૂર જોતા નથી એવા આદિવાસી પણ આવે –એવી અનેક વાતોને અંતે લેખક કહે છે “જોડાનું સ્થાન ભલે નીચે છે, પગમાં, પણ એનો મહિમા મુગટ, હેટ કે ટોપીથી વધારે છે. મુગટ, હેટ કે ટોપી આજે નથી રહ્યાં, પણ જોડાં તો હતાં, છે અને રહેશે–!” ‘વિષ્ણુ સાયક્લિસ્ટ’માં બાળપણના એક આકર્ષક પાત્ર વિષ્ણુ અને એની શણગારેલી સાઇકલને યાદ કરીને તે નિમિત્તે સાઇકલપુરાણ છેડે છે. એમાં સાઇકલ અંગેની દેશવિદેશની અનેક વિચારોત્તેજક વાતો રમતી મૂક્યા પછી જણાવે છે “એક સાઇકલ જ એવું વાહન છે જે માણસના પગને ચાલુ રાખે છે અને તેથી મારે મન એ મશીન નથી, અતિ ઉપયોગી સાધન છે.” છેવટે કહે છે: “શ્રીમન્ત વર્ગની જાડીપાડી સ્ત્રીઓ બેડરૂમમાં સાઇકલ ચલાવે છે. કારીગરો અને મજૂરિયાત વર્ગના લોકો હજી સાઇકલ વાપરે છે. નથી લાગતું કે બાકીના વર્ગના સૌએ આ બંને પાસેથી બોધપાઠ લેવો જોઈએ?” ‘છત્રી કાગડો થઈ જાય એવા વરસાદની આશામાં–’ નિબંધ એમની એવી જ લાક્ષણિક શૈલીમાં છત્રીનો મહિમા કરે છે. ચોમાસામાં શહેર કોરુંકટ છે ત્યારે એમને છત્રી યાદ આવે છે. અને પછી તો જૂની છત્રીનાં રૂપરંગ સામે આધુનિક રૂપકડી છત્રીની સરખામણી કરે છે. પછી, પશ્ચિમની પ્રજાનો છત્રીવૈભવ વર્ણવે છે. અને એમની અનેક પ્રકારની છત્રીઓ –એમાં ‘છત્રો’ પણ આવે –એની યાદી આપે છે. પછી, લખે છે– “એમનો છત્રી પ્રેમ એવો, કે તેઓ અમુક વૃક્ષને અમ્બ્રેલા-ટ્રી કહે, અમુક પક્ષીને અમ્બ્રેલા-બર્ડ કહે. જોકે એમાં આપણા જેવી સર્જકતા નહીં, કેમકે આપણે તો છત્રીને જ કાગડો કહી દઈએ છીએ!’ એમ કહીને છત્રી કાગડો થઈ જાય એવા વરસાદની આશામાં અટકે છે. ‘ઘોડાગાડીના મારા સંવેદનમાં માણસગાડી’ નિબંધમાં ઘોડાની, ગાડીની, અનેક જાતની ગાડીઓની વાત કર્યા પછી, કલકત્તામાં ગાડીએ ઘોડો, બળદ કે ઊંટ જોડવાને બદલે માણસ પોતે જોડાયો છે એવી પગરિક્ષાને ‘માણસગાડી’ કહીને ઓળખાવે છે, અને કહે છે: “ગાડીમાં સવાર માણસ હોય ને એ ગાડીને માણસ ખેંચે, એ, મને લાગે છે મનુષ્યસંસારનો ઘોરમાં ઘોર અન્યાય છે. માનવજાતને કપાળે એવી ‘માણસગાડી’ મોટું કલંક છે!” છેલ્લે, આપણી હિન્દી ફિલ્મોમાં આવતી ઘોડાગાડીઓને પણ યાદ કરે છે અને ડલાસમાં, અમેરિકામાં અને યુરોપમાં જોયેલી સુંદર વિક્ટોરિયાઓને પણ યાદ કરે છે, પણ એ જ ઘડીએ યાદ આવી જતી કોલકાતાની માણસગાડીઓ એમને દુઃખી કરી મૂકે છે એમ જણાવીને પૂછે છે– “ઘોડાગાડીના મારા સંવેદનમાં ‘માણસગાડી’ સોનાની થાળીમાં લોઢાની મેખ બરાબર છે, શું કરું?” જવાબમાં આપણે પણ દુઃખ અનુભવ્યા સિવાય કંઈ કહી શકતા નથી. લગભગ દરેક નિબંધને અંતે લેખક આવી રીતે ભાવકોને સંડોવે છે. જેમ કે, ‘તમે પણ શોધો’ નિબંધને અંતે જિનીવા શહેરમાં એક વિરાટકાય ખુરશીનું સ્થાપત્ય છે એના વિશે જણાવે છે. એનું નામ છે, ‘બ્રોકન-ચેર’. પછી જિનીવા શહેરનું મહત્ત્વ અને શાંતિમંત્રણા માટેની બધી શિખરપરિષદો ત્યાં ભરાઈ હોવાનું જણાવી, માનવનાશને રોકવા આંતરરાષ્ટ્રીય કાયદો ઘડાયો એ બધી વાતો જણાવી પછી કહે છે, “મને ચેર માત્ર, બ્રોકન-ચેર જોયા પછી નથી પસંદ. હું શોધું છું એક પ્રશ્નનો ઉત્તર: કલાકાર ડેનિયલે ખુરશીને આમ અપંગ કેમ રાખી? તમે પણ શોધો.” આમ લેખક ભાવકને પણ વિચારતો કરી દે છે. ‘લેમી? કે ચિત્ત?’ નિબંધમાં ફાઉન્ટન પેન અને બોલપેનની સરખામણીથી વાત આરંભે છે. પછી. તેઓ જેનાથી લખે છે એ વિદેશી નામ ધરાવતી ફાઉન્ટન પેન લેમીની આપણને ઓળખાણ કરાવે છે. લેમી એમના માટે કેટલી મહત્ત્વની છે, લેમીને તેઓ કેટલો પ્રેમ કરે છે એ બધું જણાવીને કલમની તાકાત માટે અસ્તિત્વવાદી ફ્રેન્ચ ચિંતક સાર્ત્રને યાદ કરે છે. વિકટર હ્યુગોને સંભારે છે, મુસોલિની, લેનિન અને ગાંધીજીને પણ સંભારે છે. પણ લખવાથી હવે એવી ક્રાંતિઓ થાય એ જમાના ગયા એવું પોતે માને છે. પેનકંપનીઓની જાહેરાતોનો સંદર્ભ આપીને કહે છે “સારી પેનથી સારું ન લખાય, સારું લખનાર પાસે સારી પેન હોય તે સારું કહેવાય. આ બધું જ મેં લેમીથી લખ્યું કે ચિત્તથી? તમે જ કહો!” અને આપણે શું કહેવું એ જાણવા ફરી પાછા નિબંધને તપાસીએ છીએ.
આપણે આગળ નોંધ્યું કે લેખકે વસ્તુસંસારમાં માત્ર સ્થૂળ વસ્તુઓનો જ સમાવેશ નથી કર્યો, પણ માણસે વિકસાવેલા વિચારો, ભાષા, શિક્ષણ વગેરેને પણ સમાવ્યાં છે. ‘એ ત્રણ મૂલ્યવાન વિચારો’ આવો જ એક વિચારપ્રધાન નિબંધ છે. નિબંધનો આરંભ હળવાશથી કરે છે. માણસ વાનરમાંથી નર બન્યો એ મોટી વાત છે એમ જણાવીને માનવસંસ્કૃતિનો છેલ્લાં સાડા પાંચસો વર્ષનો ઇતિહાસ જેટલો તીવ્ર અને રસપ્રદ છે એટલો અગાઉના સમયોમાં કદી નહોતો એમ લેખક જણાવે છે. અને પછી આ સાડા પાંચસો વર્ષના એ અવિરામ પુરુષાર્થથી મનુષ્યને ત્રણ મૂલ્યવાન વિચારો મળ્યા છે એનું આલેખન કરે છે. પહેલો વિચાર તે ‘સત્યનો સાક્ષાત્કાર કરવો, અનુભવ કરવો’ તે ગણાવે છે. સત્ય કોઈના કહેવાથી સ્વીકારી લેવાની વસ્તુ નથી, પણ સત્ય જાતે જ અનુભવ્યા પછી સ્વીકારવાની ચીજ છે એવું આ વિચારથી સમજાય છે. બીજો વિચાર છે, કે ‘કોઈપણ બાબતનો તર્કસંગત ખુલાસો મળવો જોઈએ. કોઈ વસ્તુ કશા પ્રશ્ન વગર સ્વીકારી લેવી તે પછાતપણું છે.’ આમાં જ્ઞાનસંપાદનની વિજ્ઞાનીય પદ્ધતિનો પાયો છે. આવી તાર્કિક વિચારણાને પરિણામે જ મનુષ્ય જ્ઞાનવિજ્ઞાનની અનેક શોધો કરી શક્યો અને ટેક્નોલોજી વિકસાવી શક્યો એમ લેખક જણાવે છે. અને ત્રીજો મહત્ત્વનો વિચાર છે, કે ‘મનુષ્ય આ સૃષ્ટિમાં સ્વતંત્ર પ્રાણી છે. કોઈ એને બંધનમાં ન રાખી શકે અને દરેકને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે.’ પૃથ્વી પરથી ગુલામીપ્રથા, સરમુખત્યારશાહી અને રાજાશાહી ખતમ થઈ અને લોકશાહીનો ઉદય થયો એના મૂળમાં આ ત્રીજો વિચાર રહેલો છે એવું લેખકે પ્રતિપાદિત કર્યું છે. જોકે, ‘આ ત્રણેય વિચારો નિત્યના ભયગ્રસ્ત જ રહ્યા છે.’ અને માણસે તેમજ રાષ્ટ્રોએ વારંવાર એનો દ્રોહ કર્યો છે, એવી નોંધ લઈને લેખક અંતે કહે છે: “કદાચ માણસ હોવાનો અર્થ આ ત્રિવિધ વિચારોની મથામણમાં છે.” આ પછીના તરતના નિબંધ ‘કેટલાક મહત્ત્વના વિચારણીય પ્રશ્નો’માં લેખક જાતભાતનાં હથિયારો, શસ્ત્રોની વાતો કરી એ નિમિત્તે માણસજાતની હથિયારની જરૂરિયાત અને હથિયારો પાછળની દોડની વાતો કરી છેવટે ખૂબ વિચારણીય પ્રશ્નો પૂછે છે: “જે હાથ પારણું ઝુલાવે છે, જે હાથ મોંમાં કોળિયો મૂકી શકે છે, જે હાથ આંસુ લૂછી શકે છે, જે હાથ ગાલ પંપાળી શકે છે, ચહેરો પકડીને ચુંબન કરી શકે છે એ જ હાથ હથિયાર શી રીતે ઉગામી શકે?... એવું કયું અમાનુષી તત્ત્વ છે જે માણસને હત્યા અને વિનાશ ભણી દોરી જાય છે?” ‘અવર ક્લાસરૂમ ઇઝ સિક!’ અને ‘સિકનેસ સમજાય તો મોડું નથી થયું–!’ એ બંને નિબંધોમાં સાહિત્યના નિષ્ઠાવાન અધ્યાપક એવા આ લેખકે તત્કાલીન શિક્ષણની કથળતી જતી સ્થિતિ વિશે વિસ્તૃત આલેખન કરી ચિંતા વ્યક્ત કરી છે. અને આ માંદગી દૂર કરવાના કેટલાક ઉપાયો પણ સૂચવ્યા છે. શિક્ષકો અને અધ્યાપકો ઉપરાંત શિક્ષણજગત સાથે સંકળાયેલા સૌ કોઈએ આ અચૂક વાંચવા પડે એવા નિબંધો છે. લેખકે આ લખ્યું એના બે દસકા પછી પણ શિક્ષણની સ્થિતિ એ જ છે, બલકે વધુ બદતર બની છે. ત્યારે આ વિચારો ખૂબ જ પ્રસ્તુત લાગે છે. અત્યારે જે N.E.P. (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ)ના અમલીકરણની વાતો થઈ રહી છે એમાં ખૂબ જ સાર્થક બને એવા અનેક મુદ્દાઓ લેખકે આ નિબંધોમાં દર્શાવ્યા છે. ઘણા નિબંધોમાં આવે છે તેમ પશ્ચિમજગતના લેખકના અનુભવો અને પશ્ચિમની પ્રજા પાસેથી અપનાવવા જેવી ઘણી વાતો આ નિબંધમાં પણ આવે છે. લેખક શિક્ષણની ચિંતા કરે છે તેમ ભાષાની પણ એવી જ ચિંતા કરે છે. ‘માતૃભાષાની સ્થિતિ આજે સારી નથી...’ અને ‘બા-ની ભાષા-’ નિબંધોમાં એમનો માતૃભાષા પ્રત્યેનો લગાવ અને માતૃભાષાને ટકાવી રાખવાની નિસબત સુપેરે વ્યક્ત થાય છે. ‘બા-ની ભાષા-’ આમ તો માતૃસંસ્મરણોનો નિબંધ છે, પણ એના કેન્દ્રસ્થાને છે ભાષા. બાનું ભાષાપ્રભુત્વ કેવું સબળ હતું અને કેટલીક વ્યક્તિઓ, પ્રસંગો કે વસ્તુસ્થિતિને ઓળખાવવા માટે બા કેવા સચોટ તળપદા શબ્દપ્રયોગો કરતાં એનાં ઘણાં દૃષ્ટાંતો લેખકે અહીં આપ્યાં છે. જેમ કે, કોઈ બહુ પહોંચેલા અને આફતરૂપ બની શકે એવા માણસ વિશે ચેતવણી આપતાં બા કહેતાં: ‘એવિયો છાની ઘો છે, ધ્યાન રાખજો.’ આ પ્રયોગ કેટલો સચોટ અને વેધક છે એ લેખકે વિગતે સમજાવ્યું છે. આ ઉપરાંત, ‘એમ કંઈ થૂંકે પૂડા થોડા થાય?’, ‘મેલો ને, આછો જીવ તાવડામાં ક્યાં નાખવો!’, “એ મૂવો હાવ કમ્બોડિયો છે’, ‘ચણિયારાં કેવાં નચવે છે!’ જેવા ઘણા વિશિષ્ટ પ્રયોગોનું સરસ અર્થદર્શન લેખકે કરાવ્યું છે. અને એ રીતે બાની ભાષા, આપણી માતૃભાષા કેવી સક્ષમ છે એની પ્રતીતિ કરાવી છે. અહીં પણ લેખક ભાવકને સક્રિય કરતા અંતે કહે છે, “એવી ભાષા શોધવા હું હંમેશા બા પાસે જાઉં છું. તમે પણ જઈ જુઓ તમારી બા પાસે!” ‘માતૃભાષાની સ્થિતિ આજે સારી નથી...’માં લેખકે એકવીસમી સદીમાં ખાસ તો અંગ્રેજીના આક્રમણને લીધે માતૃભાષાની જે સ્થિતિ થઈ રહી છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. નવી પેઢી ગુજરાતી બોલતી વખતે સંખ્યાબંધ અંગ્રેજી શબ્દો ઊંધું ઘાલીને વાપરે છે. એનાં ઉદાહરણ લેખકે આપ્યાં છે: “આ મારાં મધર છે. આ મારી વાઇફ છે. આ મારા હસબન્ડ છે...” આપણી ભાષામાં સ્વજનો માટેના સુંદર શબ્દો હોવા છતાં લોકો આ રીતે બોલે એનાથી અકળાયેલા લેખક કહે છે, “જે પ્રજા સગાંવહાલાં માટેના સંબંધવાચક શબ્દો જ પરભાષાના વાપરતી થઈ ગઈ હોય તેને શું કહેવું?” જોકે, લેખક અંગ્રેજીના કે બીજી કોઈ ભાષાના વિરોધી નથી. એમણે એ વાત સરસ રીતે સમજાવી છે: “એવું નથી કે આપણાથી અંગ્રેજી શબ્દો વપરાય જ નહીં. એવું પણ નથી કે આપણું એકેએક વાક્ય તંતોતંત માત્ર ગુજરાતી શબ્દોનું બનેલું હોવું જોઈએ. ભાષાને વિશે એવું માસ્તરિયું દૃષ્ટિબિંદુ મારું નથી... મારો ઇશારો માતૃભાષા પર થઈ રહેલા વગર કારણના આક્રમણ અંગે છે.” નિબંધને અંતે લેખકે વિશ્વવિખ્યાત ભારતીય લેખક સલમાન રશદી અને સુરેશ જોષીનો એક સરસ પ્રસંગ ટાંક્યો છે. સલમાન રશદી સુરેશ જોષીને મળેલા ત્યારે એમણે સુરેશભાઈને પૂછેલું, ‘તમે હિંદીમાં કેમ નથી લખતા?’ ત્યારે સુરેશભાઈએ જવાબ આપેલો, ‘હિંદીમાં તો હું લખી શકું પણ ગુજરાતીમાં લખીને હું મારું ઋણ અદા કરું છું,...’ માતૃભાષા પ્રત્યે આવું ઋણ અદા કરતા સુરેશ જોષી, સુમન શાહ અને એમના જેવા બીજા સર્જકોના આપણે ખરેખર કેટલા આભારી છીએ તે આ નિબંધ વાંચીને સમજાય છે. ‘શું જીવનમાં કે શું શિક્ષણમાં, ભાષાનો અપાર મહિમા છે–’ નિબંધલેખકને ભાષા માટે (માત્ર માતૃભાષા માટે નહીં, કોઈ પણ ભાષા માટે) કેટલું માન છે, ભાષાપ્રભુત્વ અને ભાષાસજ્જતા એમને મન કેટલાં મહત્ત્વનાં છે એ સુંદર રીતે દર્શાવતો નોંધપાત્ર નિબંધ છે. એ જ રીતે, ‘ગ્રામર પાકું કરવું એટલે...’ (આ નિબંધમાં લેખકે અંગ્રેજી ભાષાની વ્યાપકતા અને ઉપયોગિતાનો પણ સાર્થક મહિમા કર્યો છે), ‘રૂઢિસમૃદ્ધ ગુજરાતીઓ શાને રૂઢિમુક્ત થતા જાય છે?’, ‘એમ થાકવું આપણને શોભે ખરું?’ જેવા નિબંધો પણ લેખકની ભાષાસજગતા અને માતૃભાષાના કેટલાક વિલક્ષણ પ્રયોગો સમજવા માટે વાંચવા જ પડે એવા નિબંધો છે.
આ નિબંધસંગ્રહ નિવેદનમાં જ લેખકે નોંધ્યું છે કે “આ અને અગાઉના બંને મળીને ત્રણેય નિબંધસંચયોમાં મને મારું ગુજરાતી ગદ્ય પળોટવાની મજા આવી છે –એમ કરીને હું વિચારોને સરળ સ્વરૂપે રમતા મૂકવાનો આનંદ મેળવી શક્યો છું.” લેખકના આ વિધાન સાથે આપણે સંમત થવું પડે એવાં અનેક ઉદાહરણો આ નિબંધોમાં અનેક ઠેકાણે જોવા મળે છે. લેખકે સાવ સરળ ગદ્ય વડે જ કેવી સુંદર, સચોટ અભિવ્યક્તિ સાધી છે, એનાં નમૂનારૂપ થોડાં ઉદાહરણો જોઈએ. અભિવ્યક્તિ એટલી સરળ, સ્વયંસ્પષ્ટ છે કે એના વિશે કશી ટિપ્પણીની આવશ્યકતા નથી. જુઓ: – “આમ તો બધી જ ખુરશીઓ આરામથી બેસવા માટે હોય છે, પણ કેટલીક એવી, કે આરામને હંમેશ માટે અધ્ધર કરી દેનારી!” (પૃ. ૮) – “નગ્નતા જ જેનું વસ્ત્ર છે, તે નવજાત શિશુ જેવું નિર્દોષ આ સંસારમાં કોઈ નથી.” (પૃ. ૨૧) - “ઘરે પહોંચ્યા પછી પણ ઘરના સ્વજનના હૈયા સુધી પહોંચવાનું બાકી હોય છે - ત્યાં પહોંચવાનો રસ્તો છે, પ્રેમ. એથી ટૂંકો એકેય રસ્તો નથી. (પૃ. ૪૧) – “‘ચાંલ્લા’ને અંગ્રેજીમાં શું કહેશો? એ જ રીતે, ‘લિફ્ટ’ શબ્દનું ગુજરાતી શું? કહો તો...! નહીં કહી શકો. કેટલાયે શબ્દો અનુભવો હોય છે, એટલે કે આપણને થયેલા અનુભવોના, માત્ર ઉચ્ચારો!” (પૃ. ૫૪) – “નોટો ઉતરાવનાર અધ્યાપક, અધ્યાપક રહેતો જ નથી: હું તો કહું કે એ કામ વર્ગમાં જઈને કોઈ શિક્ષિત પટાવાળો પણ કરી શકે – વર્ગનો કોઈ મોનિટર પણ કરી શકે.” (પૃ. ૧૧૫) - “ટીવી અને કમ્પ્યૂટર જેવી આધુનિક ચીજો પોતાની બંને બગલમાં દબાવીને ભારતનો નાગરિક એકવીસમી સદીના રસ્તે દોડી રહ્યો છે.” (પૃ. ૧૮૫) – ‘સમજવાનું એટલું જ છે કે માતૃભાષાની સ્થિતિ આજે સારી નથી, એની જેટલી સેવાચાકરી કરીએ એટલે ઓછી છે...” (પૃ. ૧૮૮) લેખકની ગદ્યશૈલીની જ વાત કરીએ છીએ તો આ નિબંધોનાં શીર્ષકોની નોંધ પણ લેવી પડે. દૈનિક છાપાના વાચકોથી માંડીને કોઈ પણ જિજ્ઞાસુને રસ પડે અને વાંચવાનું મન થાય એવાં શીર્ષકો આ નિબંધોની વિશેષતા છે. નમૂનાદાખલ આ શીર્ષકો જુઓ: – ‘જોકે, ત્યાં લગી કશું ન બોલીએ...!’ – ‘એથી ટૂંકો એકે ય રસ્તો નથી–’ – ‘એવું ન કહેતા, કે હું પ્રૂફ માંગું છું...!’ – ‘તમને પણ એમ જ સમજાયું હશે...!’ – ‘–તો આપણે શું કહીશું–?’ – ‘તમે માનશો–?’ – ‘જો કે મને કશી ખાતરી તો નથી...’ – ‘હવે આવે છે એવા દિવસો, જ્યારે...’ – ‘ઈસ બોજ સે ઠીક ચલા જાતા હૈ...’ મોટે ભાગે નિબંધોને અંતે આવતાં વાક્યોના જ કેટલાક ખંડ લેખકે અહીં શીર્ષક તરીકે મૂકીને ભાવકોમાં ઉત્સુકતા ઊભી કરી છે તે ધ્યાનપાત્ર છે.
દૈનિક છાપામાં કૉલમો વાંચવાનો યુગ હતો, ત્યારથી લઈને સોશિયલ મીડિયાના આ યુગમાં પણ સાહિત્યપદાર્થ માટેની શુદ્ધ નિસબત સાથે આવી અનેક ધ્યાનપાત્ર પ્રવૃત્તિઓ કરનાર (હમણાં જ ૨૦૦ દિવસ સુધી રોજનો એક મૌલિક સુવિચાર એમણે facebook પર રમતો મૂકીને અનેક સહૃદયોને આકર્ષ્યા હતા) સુમન શાહ આવી જ સક્રિયતા સાથે સ્વસ્થ અને સર્જનશીલ આયુષ્યનો આનંદ માણે એવી શુભ આશા અને પ્રાર્થના સાથે અટકું. આભાર.
– જિતેન્દ્ર મૅકવાન
મો. 99251 75399