સુમન શાહ સાહિત્યસંપુટ/૪. કુમાર જૈમિનિ શાસ્ત્રી
કુમાર જૈમિનિ શાસ્ત્રી
નિબંધ એ સૌથી વધુ પડકારયુક્ત સાહિત્યસ્વરૂપ છે. કારણ કે એનું સ્વરૂપ અન્ય સ્વરૂપોની સરખામણીમાં સવિશેષ લવચીક છે. અભ્યાસ કરવા-કરાવવા માટે આ સ્વરૂપની વિભાવના બાંધવામાં આવે છે, એનાં સ્વરૂપની અને લક્ષણોની વાત કરવામાં પણ આવે છે, છતાં એ બધું પૂરેપૂરી ચોકસાઈપૂર્વક નિબંધને બાંધી શકતું હોય એવું પ્રતીત થતું નથી. ભલે ‘નિબંધ’ સંજ્ઞાનો અર્થ ‘યોગ્ય રીતે બાંધવું’ એવો થાય છે, છતાં નર્મદે એકદમ યોગ્યપણે કહ્યું છે, કે ‘નિબંધ લખવા એ જેવીતેવી વાત નથી.’
ગુજરાતી સાહિત્યમાં નિબંધલેખનની સુદીર્ઘ પરંપરા છે. છેક નર્મદથી નિબંધલેખનનો આરંભ થયા પછી વિવિધ પ્રકારના નિબંધો વડે ગુજરાતી નિબંધસાહિત્ય ખરા અર્થમાં રળિયાત થયું છે. સુમન શાહના નિબંધોની તાસીર અન્ય નિબંધકારો કરતાં ખાસ્સી જુદી છે. ખાસ તો નિરૂપ્ય વિષય, એ વિષય પરત્વે તેમના દૃષ્ટિકોણ અને અભિવ્યક્તિની રીતિની દૃષ્ટિએ. ‘લૂઝ કનેક્શન’ સંગ્રહના નિબંધો એના લેખકના સચોટ અને સટીક કથનના કારણે આપણું ધ્યાન ખેંચે છે. અંગત નિબંધો, અંગત અનુભવોને બિનંગત અને સર્વસ્પર્શી બનાવવાની કલા છે, એને માટે નિબંધલેખક ખાસ્સો કલ્પનાવિહાર –સ્વૈરવિહાર પણ કરી લે છે. સ્મૃતિચિત્રોનો સહારો પણ લઈ લે છે. રા. વિ. પાઠકે એથી જ નિબંધો લખતી વખતે સ્વૈરવિહારી ઉપનામ અપનાવ્યું હશે ને! કિશનસિંહ ચાવડાએ ‘જિપ્સી’ ઉપનામ રાખીને નિબંધલેખન કર્યું છે. નિબંધલેખનના સંદર્ભમાં આરંભમાં રાખવામાં આવતાં ઉપનામો નિબંધ નિર્હેતુક, સ્વાન્તઃ સુખાય કરા સ્વૈરવિહારને સૂચવે છે. નિબંધમાં અંગત ઊર્મિઓ, વિચારો, કલ્પનાઓના સથવારે લેખનલીલા ચાલતી રહે છે એ ખરું, પણ એ યાત્રા માટે તથ્યોના/હકીકતોના સ્પ્રિંગ બોર્ડનો અનિવાર્યપણે ઉપયોગ થાય છે. નક્કર, સ્થૂળ, તથ્યો, વાસ્તવિકતાઓના આલેખન દરમ્યાન, વચ્ચે વચ્ચે તક લઈ લઈને સર્જનાત્મક અંશો દાખલ કરતાં જવું, એ એક હેરતજનક ઘટના છે. લલિત નિબંધોના સર્જક એ કરતબ કરી દેખાડે, તે અપેક્ષિત છે. સ્પ્રિંગબોર્ડ તરીકે એ ચાહે તેનો પ્રયોગ કરી શકે –કોઈ પણ જાણીતી કે અજાણી વ્યક્તિનું ચિત્રણ, પ્રવાસ, આત્મકથાત્મક અંશો યા નોંધપાત્ર લાગેલો અનુભવ-અનુભવો.
સુમન શાહની મૂળભૂત પ્રકૃતિ અને પ્રતિભાસજ્જ વિવેચકની, અને એટલે વિશ્લેષકની રહી છે. એમના સર્જનાત્મક ઉન્મેષોમાં પણ એમની એ વિશેષતા સમ્મિલિત થતી રહી છે. લૂઝ કનેકશનના નિબંધોને એમની વિશ્લેષકદૃષ્ટિનો પણ નોંધપાત્ર લાભ મળ્યો છે. વિષય (સ્પ્રિંગબોર્ડ) પસંદગીથી લઈને પર્સેપ્શન સુધી, તમામ બાબતોમાં.
આ નિબંધો ખરા અર્થમાં હળવા નિબંધો છે. લેખકે જીવનમાં જોયેલી-અનુભવેલી (ક્વચિત માણવી રહી ગયેલી) ઘટનાઓની મનોદૈહિક અનુભૂતિઓનું પોતાના વિશિષ્ટ દૃષ્ટિકોણથી હળવી શૈલીમાં આલેખન કર્યું છે. એમના આલેખનમાં ચિંતન અને વ્યંગ્યનો સ્પર્શ છે, પણ એ બંને હળવી માત્રામાં છે. ચિંતન ખાસ્સું ઇનોવેટિવ, અને જે-તે વિષયને જોવા-કહેવાનો અભિગમ પૂરો સર્જનાત્મક. ‘લૂઝ કનેક્શનના નિબંધો આટલાં કારણોથી વાચકને સંતર્પક નીવડે છે. નમૂના દાખલ ‘કપડાં અને નગ્નતા’, ‘નોસિયા’, ‘મારો પ્રાણીબાગ’, ‘પરમ્પરાગત ફિલસૂફી’માં સાત હકીકત ધ્યાનપાત્ર છે, ‘ઘોડો અને વૃક્ષ’ ‘સપનાં અને શબ્દો’ ‘અનીતિ સ્વકેન્દ્રિયતા, ગાંડિયાવેડા’, ‘સેક્સ ટુરિઝમ ટ્રેડ’, ‘સ્મરણો ટુકડે ટુકડે’, ‘નગ્નતા અને શરમ’, ‘સુખદુઃખનો સિક્કો’ આપણું ધ્યાન ખેંચે છે.
‘કપડાં અને નગ્નતા’ની શરૂઆત થાય છે વાતચીતની શૈલીથી.
‘મને કપડાંનો, વસ્ત્રોનો, પહેરવેશનો બહુ શોખ.’ સ્થળકાળના પરિવર્તનની સાથે વ્યક્તિનાં રસ અને રુચિ બદલાઈ જાય છે એનું સૂચન મળે છે. તરત પછીના મિતાક્ષરી ઉદ્ગારમાં ‘હતો, હવે ખાસ રહ્યો નથી.’
લેખનું મુખ્ય સૂત્ર તો પહેરવેશ છે. જેમાં ખાસ પસંદગીનાં શર્ટ્સ, પેન્ટ, શૂઝ, ટાઈ અને કફલિન્કનો ઉલ્લેખ થાય છે. શર્ટ, પેન્ટ અને શૂઝ પહેરવાનું શરૂ કર્યું, ત્યારથી શરૂ કરીને ડભોઈ, અમદાવાદ ક્રમે ક્રમે થયેલાં સ્થળાંતર અને એની સાથે ટેલર તેમજ શૂમેકર બદલાતા રહ્યા, એની વાતો તેમજ એ વાતોની સાથે સાથે અનાયાસ જ સંકળાઈ આવતી સ્મૃતિઓ, ચિંતન, આકસ્મિક આવી જતો કોઈક વિચાર સંકળાતાં જાય, મૂળની વાત રસપ્રદ, રોચક બનતી જાય. જેમ કે...
કબાટના કોઈક ખૂણે બિનઉપયોગી થઈને પડી રહેલી કફલિન્ક્સ અને ટાઇપિન્સની વાત કરતી વખતે સ્મરણો અને સ્મરણોથી જેમ્સ જોય્યસના સ્ટ્રીમ ઓવ કોન્શિયસનેસ તરફ સરકી જતો દોર વાચકને એક રમ્ય કલ્પનાવિહાર કરાવી પુનઃ મૂળ સૂત્ર સુધી પરત લાવે છે.
‘સ્મરણોનું પણ એવું જ છે, મગજના ખૂણે ખૂણે પડી રહ્યાં હોય છે. કઈ ઘડીએ ઊંચાંનીચાં થઈ કેવીક સહજતાથી બેઠાં થઈ જાય છે, નથી સમજાતું.’ ‘યુલિસિસ’ના સર્જક જેમ્સ જોય્યસનું સ્ટ્રીમ ઓફ કોન્શ્યસનેસ ક્ષણભર મને કૃત્રિમ લાગે. મને મેમરીલેન શબ્દ પણ નથી ગમતો, કેમ કે એમાં તો કલ્પના દાખલ થઈ જાય છે, અને હું કંઈ એ શેરીની લટારે નથી નીકળ્યો હોતો. હું તો ભૂલા પડેલા બાળકની જેમ સ-જીવ અને સાચ્ચાં સ્મરણોને ગોતતો ફરું છું. કોઈ વાર એ પણ પાલતુ પશુની જેમ સાંજે સાંજે પાછાં ફરે છે.
આટલી વિચારલીલા પછી લેખક પણ મૂળ કથનદોર પર પાછા ફરે છે. વડોદરાના લ્હેરીપુરા પાસેની રેમન્ડના રીટેલરની શોપ, દાંડિયાબજારના એક મોંઘા પણ રીઅલ લેધરના શૂઝ બનાવી આપતા મોચી, વડોદરાના મોડર્ન ટેલર્સ, વગેરેનો તેમની ખાસિયતો સાથે પરિચય કરાવે છે. મોડર્ન ટેલર્સનું ભળતું જ નામ ધરાવતો એક હરીફ પણ બજારમાં આવી ગયો ‘ન્યૂ મોડર્ન ટેલર્સ’ નામે. એને લેખકે અપનાવી તો લીધો જ, પણ એના આગમનની ઘટનાનો ઉલ્લેખ કરતી વખતે લેખકે કરેલી એક રિમાર્ક ખાસ ધ્યાન ખેંચે છેઃ
‘દરેક મોડર્નિસ્ટને વેઠવું તો પડે જ, કાં તો પરંપરાગતોથી અથવા નવ્ય આગંતુકોથી.’
વસ્ત્રો વિશેની વાતના સામા છેડાની જ વાત છે. નગ્નતા, પણ લેખકની દૃષ્ટિએ ‘નગ્નતા પ્રાકૃતિક છે’, એટલે જ અમેરિકામાં વિન્ટરમાં પોતાના ‘ડોગી’ને બંડી પહેરાવતી એની માલકણની એવી રીત લેખકને રુચતી નથી. એને માટે આપેલું કારણ પણ તાર્કિક છેઃ
‘કુદરતી કુરકુરિયું માણસનું બચ્ચું લાગતું હોય છે –નીચી મૂંડીએ બિચારું જતું હોય.’
નગ્નતાની વાતો પણ ‘આધી હકીકત આધા ફસાના’ની જેમ કહેવાતી જાય છે. અર્થાત તથ્યો, ચિંતન અને તર્કનાં સંમિશ્ર શબ્દચિત્રો રચે છે. જેમાં પશ્ચિમના દેશોના ‘ન્યૂડ લિપીસ’ની વાત તો આવે જ છે પણ સાથે સાથે એ વિરોધાભાસ પણ – કે ‘મારા ફળિયાવાળા અરધા નાગા ફરે અને યુએસએવાળા આખ્ખા ફરે એટલે એ વાત રિવાજ થઈ જાય.’
આ નિબંધ વ્યક્તિ અને સમાજ (સમૂહ) વચ્ચેનાં ‘પોલાણો’ તરફ અંગુલિનિર્દેશ પર આવીને વિરમે છે.
સર્જકની સર્જકતા પાછળ રહેલા ચાલકબળને સમજવું હોય, તો સર્જકના સર્જનવ્યાપાર દરમ્યાન કહેવાતી એક પણ વાતને હળવાશથી ન લેવી જોઈએ. આ લેખકના ‘નોસિયા’, ‘પરંપરાગત ફિલસૂફી’માં સાત હકીકત ધ્યાનપાત્ર છે અને ‘અનીતિ, સ્વકેન્દ્રીયતા, ગાંડિયાવેડા’ જેવા નિબંધો મારા ઉપર્યુક્ત મંતવ્યને યથાર્થ ઠરાવે છે.
‘નોસિયા’ એ અસ્તિત્વવાદી ફ્રેન્ચ ફિલસૂફ ઝ્યાં પૉલ સાર્ત્રની બહુચર્ચિત નવલકથા છે. નોસિયાનો અર્થ છે ‘ઊબક’. નિબંધકારે પ્રેમ વગરની જાતીય વૃત્તિ-પ્રવૃત્તિથી ઑબ્જેક્ટમાં ફેરવાઈ જતા કથાનાયક એન્તર્વ રોકિન્નર્વાંની બોરિંગ સેક્સ લાઇફનો દોર ઝાલીને અસ્તિત્વવાદ, મેટાફિઝિક્સ જેવી આધુનિકતાજનીત, વિભાવનાઓનો દિશાનિર્દેશ કર્યો છે, તેમ અસ્તિથી નાસ્તિ સુધીની પૌરુત્ય-પાશ્ચાત્ય ફિલસૂફીની જિકર કરી છે. તથ્યો અને તાર્કિકતા નિબંધના લલિતસ્વરૂપને બાધક નીવડી તો શકે, પણ કુનેહપૂર્વકની નિરૂપણશૈલી વાચકને એ મુદ્દાને નજરઅંદાજ કરવા પણ પ્રેરી શકે. ઉપર નિર્દેશેલા ત્રણેય નિબંધોમાં મને એવું લાગ્યું છે ‘નોસિયા’ના હવાલાથી લેખકે એવું તારણ પ્રસ્તુત કર્યું છે, કે આપણી ચેતનાનો હ્રાસ એ આપણી સૌથી મોટી કરુણતા છે અને એ કરુણતાનું કારણ બેડ ફેઇથ છે. વંચના-આત્મવંચના-પ્રતારણા. આ બાબતની વિગતે ચર્ચા કરવાને બદલે લેખકે અત્રે સામે પ્રયોજેલાં પદો -બીઇંગ, બીઇંગ ફોર ઇટસેલ્ફ, બીઇંગ ઇન ઇટસેલ્ફ, નથિંગનેસની સ્પષ્ટતા કરી છે. આ લેખનું સમાપન એવા તારણ પર થાય છે કે ‘બેડ ફેઇથ એ જ લૂઝ કનેકશન્સનું મહત કારણ છે.’
‘પરંપરાગત ફિલસૂફીમાં સાત હકીકત ધ્યાન પાત્ર છે.’ના પ્રારંભે ફિલસૂફીએ સદીઓથી ભેદોની (દ્વંદ્વોની) ભૂમિકાએ વિચાર્યું છે.’ એ હકીકતનો ઉલ્લેખ કરીને ઉદાહરણ દાખલ દેહ અને આત્મા, ચિત્ત અને શરીર, તર્ક અને ભાવ તેમજ સ્ત્રી અને પુરુષ જેવાં જોડકાં ડાયકોટમીઝની નોંધ આપી છે. લેખકે આ દ્વંદ્વોમાં પણ ‘ચડિયાતું અને ઊતરતું’ જેવી કોટિઓ પાડીને જગત તેમજ જાગતિક દ્વંદ્વોને મૂલવવાની પ્રણાલી કે રૂઢિને કેટલીક પાયાની સમસ્યાઓના કારણ તરીકે દર્શાવી છે. માનવશરીરની, આત્માની તુલનાએ ઉપેક્ષા કરવાની વ્યાપક મનોવૃત્તિથી પ્રેરાઈ માનવજાતે સ્ત્રીને ‘હીન અને માત્ર વાપરવાની વસ્તુ’ તરીકે જોઈ કે સ્વીકારી. આ ચર્ચામાં ભારતીય વિચાર પરંપરાના સૂત્રનો ઉલ્લેખ થયો છે.
આહારનિદ્રા ભયમૈથુનમ ચ સામાન્યચેતન શુભિર્તગણામ્
એ જ પરિપાટીએ પ્લેટો, દેકાર્તે આદિએ પણ વિચાર્યું છે, જેમાંથી પરંપરાગત ફિલસૂફીએ આત્મલક્ષિતા પાછળ મહત્તમ સમયશક્તિ ખર્ચી દીધાં હોવાનું તારણ આવે છે. જો કે લેખકે આ પરંપરાના મૂળમાં રહી ગયેલી ખામીનો નિર્દેશ કરીને પંચમહાભૂતના સંદર્ભને જુદો પાડ્યા વગર ‘હું’ વિશે વિચારવા સૂચવ્યું છે.
‘પરંપરાગત ફિલસૂફીએ આત્મલક્ષિતા પાછળ પોતાનો ઘણો સમય ખર્ચ્યો છે. આત્મલક્ષી વિચાર ‘હું’ને બાહ્ય જગતથી કાપીને જુએ છે પણ એ હકીકત પરથી ધ્યાન ઊઠી જાય છે કે ‘હું’ને ઘડે છે જ બાહ્ય જગત. શુદ્ધ ‘હું’ એક મહામોટી અશક્યતા છે, અને આ હું તે શું? મનુષ્ય શરીર ! મનુષ્ય શરીરને પણ બાહ્ય જગતે, પંચમહાભૂતે સર્જ્યું છે, એને જળ, વાયુ, અગ્નિ, આકાશ હંમેશાં ઘડે છે, બદલે છે.’
લેખકે એવા નિષ્કર્ષ પર લેખનું સમાપન કર્યું છે કે ‘આધુનિક ફિલસૂફી ઓન્ટોલૉજિકલ તેમજ એપિસ્ટમોલૉજિકલ બન્ને ક્ષેત્રે માનવશરીરને જ પાયામાં મૂકીને વિચારે છે.’
‘અનીતિ, સ્વકેન્દ્રીયતા, ગાંડિયાવેડા’ એવા શીર્ષકથી મનોવિજ્ઞાનીઓએ ગણાવેલાં માણસનાં ત્રણ લક્ષણોની લેખકે શક્ય એટલી હળવાશથી વાત કરી છે. મનોવિજ્ઞાનીઓ એમ કહે છે કે, જીવનમાં સફળ થયેલી વ્યક્તિઓમાં આ ત્રણેય લક્ષણો અથવા એક લક્ષણ તો જોવા મળે જ છે. સફળતાને સારુ એ લોકોએ અનીતિ આચરી હોય છે, ક્રૂરતાની હદે. સફળતાને સારુ એ લોકો સ્વના જ કેન્દ્રમાં જીવતા હોય છે, સફળતાને સારુ એ લોકો આવેગમાં આવીને બેપરવાઈ કરતા હોય છે.
મનોવિજ્ઞાનીઓએ સફળ માણસનાં ત્રણ લક્ષણોને માટે ત્રણ સંજ્ઞાઓ પ્રયોજી છે. (૧) મેક્યાવેલિયનિઝમ (૨) નાર્સિસિઝમ અને (૩) સાયકોપથી.
નિબંધલેખકે આ સંજ્ઞાઓના મૂળ સુધી જઈને એમની સ્પષ્ટતા આપી છે, જેમ કે ‘ઇટલીમાં મૅક્યાવેલિ નામના રાજનીતિજ્ઞ-ફિલસૂફ થઈ ગયા. એમના રાજનીતિદર્શનમાં કેન્દ્રવર્તી વિચાર એ છે, કે રાજકારણમાં નીતિ નથી હોતી. એક જ નીતિ કે યેનકેન પ્રકારેણ સત્તા હાંસલ કરવી!’
‘નાર્સિસસ ગ્રીક પુરાણગાથાઓમાં વર્ણવાયેલો એક યુવાન છે. એ કોઈને પણ ચાહતો ન હતો, કહો કે આત્મરતિની મૂર્તિ હતો. સ્વાર્થી અને સાવ જ સ્વકેન્દ્રી.’
‘સાયકોપથીઃ સંમિશ્ર લક્ષણ... એમનો ભરોસો નહીં, ગમે ત્યારે ગમે તે કરી બેસે... મનોવિજ્ઞાનીઓ આ લક્ષણને ન્યૂરોસકાયટ્રિક ડિસઓર્ડર કહે છે.’
લેખક આ બધું કહેતાં કહેતાં આત્મ સંશોધનની તક ઝડપી લે છે, એ આ લેખકનું રસપ્રદ પાસું.
‘સફળતાની આ આખી વાત જાણ્યા-સમજ્યા પછી હું બેચેન થઈ ગયેલો. તરત મેં સફળતા સાથેનું મારું કનેકશન તપાસ્યું. આમાંનું એકેય લક્ષણ દેખાયું નહીં. એટલે મને પ્રશ્ન થયો કે શું હું નિષ્ફળ છું... એમ પણ થયું કે સફળતા એટલે શું... લેખાંતે તારતમ્ય એ જ છે કે ‘સામાન્ય રહીને માણસો સામાન્યપણે જીવી જાય એ જ મોટી વાત છે.’
સંબંધીથી મળતા દગાની વ્યથાનું જરા સરખું જ આલંબન લઈને લેખકે ‘મારો પ્રાણીબાગ’ નિબંધ લખ્યો છે. એ વાર્તાકાર હોવાથી કોઈ પણ નાનીઅમથી ઘટનામાંથી ઘટનાક્રમ સર્જવાની, નગણ્ય લાગતી બાબતને બહેલાવીને મૂકવાની, ચાલુ વાતની સાથે રસ પડે એવા અધ્યાસો, સાહચર્યો સાંકળવાની લેખકને સારી ફાવટ છે. નિબંધ એવું લવચીક સ્વરૂપ છે, કે એમાં વિચારલીલા અને શબ્દલીલા યથેચ્છ સ્વૈરવિહાર કરી શકે છે. આશરે અઢી પૃષ્ઠના આ લેખ/નિબંધમાં પ્રથમ આખા પૃષ્ઠને લેખકે પ્રસ્તાવના ગણાવ્યું છે. પ્રાણી સંજ્ઞાને વ્યાખ્યાયિત કરતાં લેખક કહે છે: ‘જેનામાં પ્રાણ હોય એને આપણે પ્રાણી કહીએ છીએ. ગાય, ભેંસ, વાઘ, સિંહ, સમડી, ગીધ, ચકલી, મચ્છર, સાપ, કાચબો, કીડી, ઉધઈ કે આપણે માણસો. ભલે સ્ત્રી કે પુરુષ –પણ સૌએ પ્રાણી છીએ. જીવ છીએ.’
મનુષ્ય પ્રાણી અને અન્ય પ્રાણીઓ વચ્ચે રહેલા સામ્ય-વૈષમ્યનું લેખક સૂક્ષ્મ નિરીક્ષણ કરી તેનું સ્પષ્ટ નિવેદન કરે છે.
‘પ્રાણીમાત્ર સળવળે, સરકે, ચાલે, દોડે, ઊડે, બોલે, ખાય, પીએ, ગાય, નાચે, મારે, લડે પણ માણસ પ્રાણી વધારે સળવળે, વધારે સરકે, વધારે ચાલે, વધારે દોડે, ઊડે, બોલે વધારે, ખાય વધારે, પીએ વધારે, ગાય, નાચે, મારે ને લડે પણ વધારે.’
મનુષ્યની સર્વ મનોદૈહિક સમસ્યાઓનું મૂળ, તે આ ‘વધારેપણું’ છે. એટલે ‘આ સઘળી ઝંઝટ’ તેમના મતે ‘ટાળી ન ટળે એવી અડિયલ છે.’
પણ મનુષ્યની વિચારશીલતા જેમ તેને અમુક સમસ્યાઓ આપે છે, તેમ તેનું નિરાકરણ પણ આપે છે.
‘એક વાર મને આનો ઇલાજ સૂઝી આવ્યો. મને થયું, ઘડીભર જાતને ભૂલી જઉં કે હું માણસ છું, વિચારું અને સ્વીકારું કે હું એક પ્રાણી છું. એમ પણ થયું કે આસપાસમાં ને દૂરની ચોપાસમાં જેટલાં, જેવાં, જે કોઈ, જે કાંઈ માણસો છે, તે સૌને પણ પ્રાણી માની લઉં.’
આમ કરવામાં જો કે ઘણી મહેનત કરવી પડી. પણ જ્યારે આ પ્રક્રિયા ચાલવા લાગી, ત્યારે ‘એકાએક બધું બદલાઈ ગયું. માણસ નામનું જાડું ને જૂનું વસ્ત્ર સટાક્ સરી પડ્યું.’
મજાની વાત એ છે કે નિબંધનાયક પોતાને પણ એક પ્રાણી રૂપે ધારી લે છે. ‘મારો પ્રાણીબાગ’ એ રીતે સર્જક અને ભાવકને ખાસ્સી હળવાશનો અનુભવ કરાવે છે.
‘ઘોડો અને વૃક્ષ’ હંમેશાં ઊભાં જ રહેવાની વૃત્તિ-પ્રવૃત્તિના સામ્યને કારણે લેખકે એક સાથે મૂક્યાં છે. વૃક્ષ સંદર્ભે લેખકે એક સનાતન સત્ય ઉજાગર કર્યું છે. ‘ઊભા રહેવું એ જ એનો સ્થાયી મનોભાવ છે. નિબંધમાં ‘મારી આજકાલની વાર્તાઓ’ વિશે કહે છે, કે ‘એમાં વિચાર અને કાવ્યને હું વાર્તાની શરતે પ્રવેશતાં જોઉં છું.’
લેખના નિષ્કર્ષરૂપે લેખકે કરેલું એક વિધાન બહુ સૂચક લાગશેઃ ‘બકવાસિયા વિચારો મારા વાર્તાસર્જનને હંફાવે અથવા વાર્તાસર્જન એને.’ ‘ઘોડો અને વૃક્ષ’ વિશેના નિબંધમાં વાર્તાકારની કેફિયત કેમ? એવો પ્રશ્ન કદાચ થાય. પણ નિબંધમાં શીર્ષક, વિષય, લેખન માટે સ્વીકારેલું ગ્રથનસૂત્ર અંતતોગત્વા જસ્ટ સ્પ્રિંગબોર્ડ્સ છે. અન્ય કથામૂલક પ્રકારોની જેમ સર્જનાત્મક ગદ્ય/લલિત ગદ્ય, એ નિબંધનું લક્ષ્ય છે. વિભિન્ન નામ/શીર્ષક અંતર્ગત લેખકે એ પરિપાટીએ સર્જનાત્મક ગદ્યનું પોત રચતા-ગૂંથતા જવાનો વ્યાયામ કે વ્યાપાર કર્યો છે.
‘સપનાં અને શબ્દો’નો પ્રારંભ કુતૂહલપ્રેરક વિધાનથી થાય છેઃ ‘૨૦ નવેમ્બરે શું થયું, ખબર છે?’ પછી પોતે જ એનો જવાબ પણ મૂકે છેઃ ‘ના, તમને ખબર ન હોય, સ્વામી અસીમાનંદની ધરપકડ.’
એક ભાષાશાસ્ત્રી સાથેના વાર્તાલાપના સથવારે લેખકની લેખણલીલા વૈવિધ્યભર્યાં ગતનાં સ્મરણોની રસપ્રદ યાત્રા કરાવે છે. જેમાં ઐશ્વર્યારાય બચ્ચન, મિસ્ટર બચ્ચન, માંજરી બિલાડી, ટીંડોળા ખાતો જ્હોન અબ્રાહમ, કૉલેજ-મેટ હિતેન્દ્ર, પામિસ્ટ, ડભોઈનું હીરાભાગોળનું વતન-ઘર... કેટલું બધું આવી જાય છે, ને જતુંય રહે છે. છેવટે આંખો ખૂલે છે અને ઘટસ્ફોટ થાય છે કે એ સપનું હતું. સપનાંની વાત કરતાં કરતાં પાછા ભાષાની ચર્ચામાં સરી પડે છે. છેલ્લે ફળિયામાં રખડતું કૂતરું કોઈ સજ્જનને કરડી ગયેલું ને એમણે ચૌદ ઇન્જેક્શન્સ લેવાં પડ્યાં એ વાત, કોઈ કાર્યકારણ સંબંધ વિના જ. આધુનિક સાહિત્યમાં કપોલકલ્પિતનો મહત્તમ અને વ્યાપક પ્રયોગ થયો છે, થઈ રહ્યો છે. લૂઝ કનેકશનના નિબંધોમાં પણ આ તત્ત્વ પ્રસંગોપાત દાખલ થાય છે.
‘સેક્સ ટૂરિઝમ ટ્રેડ’માં ફિલિપાઇન્સના એન્જલસ સિટીના સ્લમ્સમાં ચાલી રહેલા ‘સેક્સ ટ્રેડ’ની, એની બાયપ્રોડક્ટ્સ જેવાં અનૌરસ સંતાનોની સમસ્યાની તથ્યો આધારિત વાત માંડીને કરવામાં આવી છે. લેખક નોંધે છે, કે આવા કારોબાર આખી દુનિયામાં ચાલે જ છે. પણ દારુણ ગરીબીના કારણે ફિલિપાઇન્સમાં વેશ્યાવ્યવસાય વિશ્વભરના સેક્સ શોખીનોના આકર્ષણનું કેદ્ર છે. લેખકને જેની વ્યથા કે સૂગ છે તે બાબત એ છે કે, ‘સંસારમાં વેશ્યાવાડો નવી વસ્તુ નથી. વેશ્યાબજારો આપણા દેશમાં ને અન્ય દેશમાંય છે. પણ સેક્સ ટૂરિઝમ ટ્રેડ નવી વસ્તુ છે. દુનિયાભરના વેશ્યાવાડા સેફ સેક્સની રીતે જ ચાલે છે, પણ ફ્રી સેક્સથી ચાલે એ નવી વસ્તુ છે. વેશ્યાગમનના અનુભવો વૈયક્તિક મામલાઓ છે પણ ઇન્ટરનેટ પર એ ‘સુખદ’ ઘટનાઓની ખુલ્લા મને થતી ગલીચ અભિવ્યક્તિઓ નવી વસ્તુ છે.’
આ લેખ ખાસ્સો માહિતીસભર છે. જો કે માહિતીનું નાવીન્ય અને એ માહિતી પ્રત્યે લેખકનો અભિગમ લેખકને રસપ્રદ બનાવે છે. જેમ કે ‘વ્હોરમોંગર્સ’ વિશે લેખક રસપ્રદ મંતવ્ય આપે છે.
‘આ બધા ઘરાકોને ‘વ્હોરમોંગર્સ’ કહેવાય છે. એ શબ્દના અનુવાદ રૂપે મને ‘વેશ્યા-ઉપકારી’ શબ્દ સૂઝ્યો. પણ મને થયું, ના, બહુ બંધબેસતો નથી, કેમ કે એમાંથી ‘મોંગર’ના હલકટતાવાચી સંકેતો નથી પ્રગટતા...’
પોતાના મંતવ્યના સમર્થનમાં સચોટ તર્ક પણ રજૂ કરે છેઃ
‘એના મોંગરોને કારણે અને પરિણામે, એન્જલસમાં એવી ‘વર્કિંગ ગર્લ્સ’ છે, જેમને એમના ઘરાકોથી સંતાનો થયાં હોય છે. નગરની ૪૦થી ૫૦ ટકા છોકરીઓએ પોતાનું પહેલું બાળક એવા મોંગર્સથી જણ્યું છે. એ બાળકોને ઝૂલતાં મેલીને મોંગરો ચાલી ગયા હોય છે, એમને તે વળી બાળકોની શી પડી હોય!’
હવે આ બધા સંકેતો ‘વેશ્યા-ઉપકારી’માં તો ક્યાંથી આવે? અને મારી સૂઝસમજ ગાળ લખવાની ‘ના’ પાડે છે.
‘સ્મરણો ટુકડે ટુકડે’ માત્ર બે જ પૃષ્ઠનો પણ ‘નોસ્તાલ્જિયા’ની રસપ્રદ અનુભૂતિ કરાવતો લેખ છે. લેખની પ્રસ્તાવના આજથી વર્ષો પૂર્વેના સામાજિક-પ્રાદેશિક પરિવેશની સફર કરાવે છે.
‘મારા વતનમાં, ડભોઈમાં, પચાસેક વરસ પહેલાં એક જ ટોકિઝ હતી. અંગ્રેજોના પ્રભાવે એનું નામ મેજેસ્ટિક. પણ એમાં કશુંય ભવ્ય ન મળે. દીવાલો પતરાંની, સ્ક્રીન મેલાઘેલા, પંખા નહીં, જરૂરતમંદ લોકો ઘરેથી હાથ-પંખો લઈને આવતા. બીડીઓ ફૂંકનારા અવારનવાર ઊઠબેસ કરે. ફિલ્મ જોતાં હોઈએ, એ દરમ્યાન વારંવાર હોઓઓ હોઓઓ લાંબા લાંબા બુચકારા ને તીવ્ર સીટીઓ વાગતી હોય તે બધું સાંભળવાનું. નજીકની મૂતરડીએથી વાસ નિરંતરાય આવે. પાંચ આના, સાડા દસ આના, એક રૂપિયો, બે આના, ટિકિટો હતી. ટિકિટબારીએ ધક્કામુક્કીભરી લાઇન લાગી હોય. હાલ એ મૅજેસ્ટિકના શા હાલ છે, નથી ખબર.’
સ્વભાવોક્તિપૂર્ણ આ વર્ણન વાંચતાં આપણા ચિત્તમાં લેખક જે સમયના લોકજીવનનો ઉલ્લેખ કરે છે, તેના અસલ પરિવેશ સહિત જાગી ઊઠે છે. કેવળ અભિધાર્થ ધરાવતાં વાક્યોની વચ્ચે પણ નર્મ-મર્મ ધ્વનિત થઈ રહે છે.
ફિલ્મ, થિયેટર અને સ્ક્રીનની વિકાસયાત્રાના આ લેખની સાથે સાથે લેખકના સંગીતશોખ અને સંગીતની તાલીમ વિશેના ઉલ્લેખો સહજ રીતે જ આવે છે, આપણને મૂળ-ગૌણ કવયિતત્ત્વની કોઈ જ દ્વિધામાં મૂક્યા વગર.
ત્રિતાલ ને જપતાલના બોલ, આસાવરી ને યમનકલ્યાણ જેવા રાગો અંગે પોતાની સૂઝ અને સજ્જતાને સ્મરતાં લેખકથી ભારે હૈયે નિઃસાસો મુકાઈ જાય છેઃ
‘મારે સંગીત વિશારદ થવું’તું. શી ખબર કેમ ને ક્યારે ગાયન મારું ઝૂંટવાઈ ગયું.’
લેખકના આ ગીતવછોયા સંવેદન સંદર્ભે પણ અમુક ગીતપંક્તિઓ જ સ્મરણમાં આવેઃ
सूर ना सजे, क्या गाऊँ मैं (૨)
सूर के बिना जीवन सूना...
‘આવું જ એક વિષાદકથન વતન ગામ ડભોઈમાં ખંડેરહાલ થઈ ગયેલી ‘ભારત’ ટૉકીઝને જોઈને અનાયાસ થઈ જાય છે.’
‘બે વર્ષ પર વતન ગયેલો, જોયું તો ભારત ટૉકીઝ ખંડેર હતી. તોડી પડાયેલી, ને ત્યાં કશોક મૉલ બનવાનો હતો. હું એ ધ્વસ્ત સમયને જોતો રહી ગયેલો’ (આ લેખ 15-7-22ના રોજ યુએસએ ખાતે લખાયેલો છે.)
સમાપનનું વાક્ય જ વાર્તાની/નિબંધની ક્ષણ છેઃ
‘સ્મરણો ટુકડે ટુકડે આમરણ જિવાય છે, એને પૂરેપૂરાં જમીનદોસ્ત નથી કરી શકાતાં.’
‘સુખદુઃખનો સિક્કો’ અઢી-પોણા ત્રણ પૃષ્ઠની સાઇઝનો નિબંધ. પણ એ લેખ વગર નિબંધકાર સુમન શાહ વિશેની ચર્ચા અધૂરી જ ગણાય.
એ લેખની પ્રસ્તાવના કોઈ રહસ્યમય એકાંકી જેવી, નિબંધલોકમાં પ્રવેશ કરવા ધરાર ઉશ્કેરી મૂકે.
‘દિવસ મારા માટે કલાક જેવો, જાણે કાંસાનો વાટકો. અઠવાડિયું દિવસ જેવું, જાણે હેંગર પર લટકતું ખમીસ. ને મહિનાઓ અઠવાડિયાં. કપાયેલા ઊડતા પતંગ. સમય ભગાડે. અમારા કૅલેન્ડરમાં દિવસો કે અઠવાડિયાં ન હોય, મહિનાઓ હોય. જાત સાથે વાત કરવાનું યાદેય ન આવે.’
આ લેખ શબરી ટાવર, અમદાવાદ ખાતે તારીખ ૧૬-૧૧-૧૦ના રોજ લખાયો છે. એ વખતે લેખક પ્રથમવાર અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા હશે, એ તૈયારી દરમ્યાન એમણે અનુભવેલી સંવેદનાઓનો સરસ આલેખ અત્રે રજૂ થાય છે. આખા લેખમાં મને અમુક અમુક રિમાર્ક્સ ખાસ આકર્ષે છે, જેમાં લેખકે હકીકતોની નક્કરતા પર ક્રિએટિવિટીનું જે હળવું હળવું એસેન્સ ભભરાવ્યું છે એ માદક નશાના બરનું લાગ્યું છે.
‘એલ્જિબ્રાનો કશો દાખલો ગણતા હોઈએ, એવી ચોકસાઈથી વિઝા-પેપરો તૈયાર કરવાના. વહુને દાગીના સોંપતા હોઈએ એમ કુરિયરવાળાને સોંપવાના... અમેરિકન કોન્સ્યુલેટના અનુકૂળ ઉત્તરની રાહ જોવાની. જાણે છોકરાવાળાની હા માટે રાહ જોતા હોઈએ.’
સુખદુઃખની લાગણીઓ અને એવી લાગણીઓનાં પ્રેરકપોષક પરિબળો વિશે સર્જક પોતાની દૃષ્ટિથી વાત માંડે છે. એમાં ઉપલબ્ધ સ્થિતિઓ પરત્વે સર્જકના દૃષ્ટિકોણનું ખાસ્સું મૂલ્ય છે. આ લેખ વડે આપણને ઉપલબ્ધ ડેટાનું સર્જનાત્મક એનાલિસિસ માણવા મળે છે. સુખદુઃખ વિશે હરકોઈને થતા પ્રશ્નો લેખકે નોંધ્યા છે અને પછી એના પોતાના છેડેથી ઉત્તરો પણ મૂક્યા છે.
‘મને થાય, જિંદગી ઝટ પત્યે સુખ કે દુઃખ? ના પત્યે દુઃખ કે સુખ? આ એક એવો સિક્કો છે જેની એક બાજુએ સુખ ચીતર્યું છે ને બીજી બાજુએ દુઃખનો લપેડો છે.’
સુખ અને દુઃખના પ્રસંગોનું સ્મરણ કરતાં કરતાં શૈશવનાં બેએક સંસ્મરણો નોંધે છે.
એક પૈસાના તાંબાના સિક્કાને માટીમાં દબાવી, તેની ઉપર એડીના સહારે ચકરડી ફરવાની, બંને તરફ. સિક્કો મંજાઈને ચકચકિત થઈ જતો. આ ઘટના ખાસ તો સાંપ્રતની એક અવસ્થા સંદર્ભે જ યાદ આવે છે.
‘સુખદુઃખના સિક્કાને વારંવાર ફેરવી જોયો છે, પણ નીરખ્યાનું વળતર કંઈ મળ્યું નથી. શુદ્ધ કંટાળો જરૂર આવ્યો છે.’
ઉંદર પકડવાનું પાંજરું એ શૈશવની બીજી પ્રિય રમત. સરખેસરખા છોકરા પાંજરે પુરાયેલા ઉંદરને ઉકરડે છોડવા જતા, એમાં પણ મજા આવતી. જો કે ઉંદરને પાંજરે પુરાતો જોવાની રાહ જોનારને જ લેખક એક મોટા પોલાણમાં પુરાયેલા ગણાવે છે.
ટ્રાફિક જામને લેખક શહેરી દુઃખ ગણાવે છે. પણ ટ્રાફિક અટકે ત્યારે ઝિબ્રા ક્રોસિંગ પરથી શાંતિપૂર્વક, નિરાંતે અને સહીસલામત રીતે પસાર થઈ શકાય છે. એકાદ મિનિટનો ખાલી એવો પટ્ટો સર્જકને દાર્શનિક આનંદ પણ આપે છેઃ
‘એવા પટ્ટમાંથી પસાર થતાં એમ લાગે કે દુનિયા કેટલી તો સંવાદી ધોરણે ચાલે છે. આ નાનું એવું શહેરી સુખ છે.’
સમગ્ર નિબંધમાંથી પસાર થતી વખતે કવિ નરસિંહનું આ પદ સતત મનમાં ગૂંજ્યા કરે કેઃ
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઈના નવ ટળે, રઘુનાથનાં જડિયાં.
ત્રીસ વરસથી માણેકચોકમાં સેટ થયેલા ચંદુભાઈ લેખકને એક વાક્ય અવારનવાર કહે છેઃ ‘શહેરમાં સુખ શોધે તેને જ મળે.’
આ પંચલાઇન કદાચ જીવનનું, કદાચ આ નિબંધનું હાર્દ છે.
અંગત નિબંધ માટે અન્ય સાહિત્યસ્વરૂપોની સરખામણીમાં વિશેષ સજ્જતા અપેક્ષિત છે. ખાસ કરીને ભાષાકર્મની બાબતમાં. એમાં તથ્યોનો આધાર તથ્યોના નિમિત્તે જે આલેખાય છે એ સર્જકનું આંતરવિશ્વ –સર્જકવ્યક્તિત્વ હોય છે. ‘લૂઝ કનેકશન’ના નિબંધોમાં પણ સર્જકનું આંતરવિશ્વ આલેખાયું છે. સર્જકની અનુભૂતિક્ષમતા અને ભાષાકર્મની ક્ષમતા બંનેના સામંજસ્ય વગર આવું પ્રતીતિક્ષમ કર્તૃત્વ સંભવતું નથી. સાવ સામાન્ય, નગણ્ય જ હોય એવી બાબતોને વિશિષ્ટ ભાષાસંરચના વડે આ સર્જકે અપૂર્વ કલાઘાટ આપ્યો છેઃ
‘વિષય-વસ્તુની ફકરાબંધ અવરજવર.’
‘અનિષ્ટ ચક્રાકારે ફરતું હશે કેમ કે એ અવિનાશી હોતું હશે.’ (સુખદુઃખનો સિક્કો)
‘ઘોડો અને વૃક્ષ’માં વૃક્ષના સંદર્ભમાં તેમણે લખ્યું:
‘ઊભા રહેવું એ જ એનો સ્થાયી મનોભાવ છે.’
‘એ જ વૃક્ષના જુદા જુદા તબક્કે બદલાતાં રૂપો વિશે લખ્યું કે –‘વય વીત્યે વહેતાં રહેવું એ એનો બીજો સ્થાયી મનોભાવ છે.’
વાર્તાસર્જનની પ્રક્રિયા દરમ્યાન આવતા વિચાર, જેને લેખકે ‘અળવીતરા છતાં સૂચક’ કહ્યા છે, તેના સંદર્ભમાં એવા વિચારનો એક નમૂનો પ્રસ્તુત કર્યો છે.
‘સપાટી તળિયાને સંતાડી રાખે છે. પી લીધા પછી રેત પાણીને વહાવી દે છે.’
‘સપનાં અને શબ્દો’ નિબંધમાં અસંગતતા/વિસંગતતાઓને લય-સંવાદિતામાં ગૂંથવાની લેખકની મથામણને પણ કળી શકાય છે.
‘બપોરે જમતો’તો ત્યારે મેં ટીંડોળાનું શાક ખાતા જ્હોન અબ્રાહમને વિચારી જોયો... ખાતો’તો જોકે હું...’
આ સર્જકે અસ્તિત્વવાદની ફિલસૂફીને ભારતીય દૃષ્ટિકોણના સંદર્ભે પણ મૂલવી છે.
‘પરંપરાગત ફિલસૂફીએ આત્મલક્ષિતા પાછળ પોતાનો ઘણો સમય ખર્ચ્યો છે. આત્મલક્ષી વિચાર ‘હું’ને બાહ્ય જગત, ‘હું’માં બાહ્ય જગતે ઘણો મોટો ભાગ ભજવ્યો હોય છે. શુદ્ધ ‘હું’ એક મહામોટી અશક્યતા છે. અને આ હું તે શું? મનુષ્યશરીર! મનુષ્યશરીરને પણ બાહ્ય જગતે પંચમહાભૂતે સરજ્યું છે, એને જળ, વાયુ, અગ્નિ, આકાશ હંમેશા ઘડે છે, બદલે છે.’
‘અનીતિ, સ્વકેન્દ્રિયતા, ગાંડિયાવેડા’ શીર્ષક ધરાવતા નિબંધમાં મનુષ્યજીવન-વર્તનનું મનોવૈજ્ઞાનિક અભિગમથી વિશ્લેષણ કર્યું છે. એના અંતમાં વ્યક્ત કરેલ સારરૂપ વિધાન ગાણિતિક સમીકરણ જેટલું શુદ્ધ અને સચોટ છેઃ
‘...સામાન્ય રહીને માણસો સામાન્યપણે જીવી જાય એ જ મોટી વાત છે. સામાન્યતા તમામ હ્યુમન કનેકશન્સને ટાઇટ રાખે છે.’
‘મારો પ્રાણીબાગ’ નિબંધમાં કોઈ પણ પ્રકારના સોફિસ્ટિકેશન વગર, સ્પષ્ટ કથન કરવામાં આવ્યું છેઃ
‘આ સઘળી ઝંઝટ હરામડી લા-ઇલાજ ને ઘટ સાથે જોડાયેલી –ટાળી ન ટળે એવી અડિયલ છે.’
‘સ્મરણો’ વિશેના નિબંધ ‘સ્મરણો ટુકડે ટુકડે’માં સ્મરણો વિશે એક સાર્વત્રિક અભિશાપની ભાષા–
‘સ્મરણો ટુકડે ટુકડે આમરણ જિવાય છે, એને પૂરેપૂરાં જમીનદોસ્ત નથી કરી શકાતાં.’
લેખકની નિરૂપણશૈલી એમના આંતરવ્યક્તિત્વની નીપજ હોય છે, તેથી એમાં નિજી વાતચીતની શૈલીમાં જ વાત કહેવાય છે. આ પ્રકારની કથનશૈલી કોઈ ચોક્કસ માળખામાં મર્યાદિત હોતી નથી. ડૉ. સુમન શાહના ‘લૂઝ કનેકશન’માં ઉપયોગમાં લેવાયેલી ભાષા ઘરેલુ, તળપદા શબ્દોથી માંડીને અંગ્રેજી ભાષામાં મળતી અટપટી સંજ્ઞાઓ તેમજ તત્સમ શબ્દોના વિશિષ્ટ સંયોજનથી ઘડાઈ છે. નમૂનારૂપ કેટલાક શબ્દો, સંજ્ઞાઓ–
–મેમરીલેન, કોન્સ્યસનેસ, બોડિસ, સોશ્યલ ન્યુડિટી, ન્યુડ બીચીસ, બુદ્ધિસત્તાધીશો (કપડાં અને નગ્નતા)
–ઊબક, કન્ટેન્જેન્સિ, ભવિતવ્ય, બેડ ફેઇથ, ઓન્ટોલોજી, મેટાફિઝિક્સ, pour-soi, અસ્તિ, શૂન્યતત્ત્વ પ્રયાણ (નોસિયા)
–કૉલેજ-મેટ, અબ્બીહાલ, ‘વેવ કરે છે’ (સપનાં અને શબ્દો)
–બકવાસિયા, અહર્નિશ (ઘોડો અને વૃક્ષ)
–ડાયકોટમીઝ, રૂપજીવિની, પક્ષિલ, ડિસએમ્બોડિમેન્ટ, સબ્જેક્ટિવિટી અને ઓબ્જેક્ટિવિટી – આત્મલક્ષિતા અને પરલક્ષિતા, એપિસ્ટમોલોજિકલ (પરંપરાગત ફિલસૂફીમાં સાત હકીકત ધ્યાનપાત્ર છે.)
–મેક્યાવેલિયનિઝમ, નાર્સિસિઝમ, સાયકોપથી, નીતિવેત્તાઓ, ધરમી કરમીઓ, લક્ષણવન્તા, બેપરવાઈ, ઇમ્પલ્સિવ, ન્યૂરોસકાયટ્રિક ડિસઓર્ડર, (અનીતિ, સ્વકેન્દ્રિયતા, ગાંડિયાવેડા)
–વિરલ વિસ્મરણ, સ્ક્રીઝોફેનિયા, આપડામાં, હૂગાયા, લા-ઇલાજ, અડિયલ, નિવારણ, નિસર્ગદત્ત (મારો પ્રાણીબાગ)
કેટલાંક કલ્પન-પ્રયોગો પણ ધ્યાન ખેંચે છેઃ
આછીપાતળી સર્જકતા, ટાંટિયા ચુસાવા, નગ્ન નિવારણ, નિસર્ગદત્ત, મનીષ માણસ, અવનવી સુવાસ, સહેલો તે કેવો? સ્વિચ જેવો, વિચરતા વિચારો, ગર્લફ્રેન્ડ એક્સપીરિયન્સ, પ્રવાસી વીરલો, ગલીચ અભિવ્યક્તિઓ, કોરિયન મોખરાશ, અઠવાડિયું દિવસ જેવું. જાણે હેંગર પર લટકતું ખમીસ, એલ્જિબ્રાનો કશો દાખલો ગણતા હોઈએ એવી ચોકસાઈ, જીવલેણ મજાઓ, વગેરે.
એક વિદ્વાને એક પરિસંવાદ દરમ્યાન કહ્યું હતું કે, ‘કવિતા એ ભાષાસર્જનની કલા છે.’ પ્રકારાન્તરે દરેક સાહિત્યકૃતિ ભાષાસર્જનની જ કલા છે. રૂઢનું અરૂઢમાં રૂપાંતર એ જ સર્જકતા. ‘લૂઝ કનેશન્સન’ના નિબંધોના સર્જકે એવી પ્રતીતિ કરાવી છે, સર્જનાત્મક આનંદમાં ભાવકને પણ સહભાગી બનાવ્યા છે.
– કુમાર જૈમિનિ શાસ્ત્રી
મો. 94285 50543