સુમન શાહ સાહિત્યસંપુટ/૪. નરેશ શુક્લ
નરેશ શુક્લ
(ટાઇમપાસ, એક બસ વારતા, ખાઈ, એનિથિંગ એવરીથિંગ, ઘાસલેટિયાની અને ઘીયાની વારતા)
સુમન શાહ ગુજરાતી સાહિત્યમાં એમના સમૃદ્ધ વિવેચનગ્રંથો, અર્થપૂર્ણ સંપાદનો, બે નવલકથાઓ, વિશિષ્ટ નિબંધો અને આગવી, પ્રયોગશીલ અને મૂલ્યવાન ટૂંકી વાર્તાઓના સર્જક તરીકે અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને એમણે જે રીતે પાંચ પાંચ દાયકાઓ સુધી સાતત્યપૂર્વક વાર્તાલેખન કરતાં રહીને જીવનવાસ્તવને કલાવાસ્તવમાં ઢાળવાનો પ્રયાસ કર્યો ને એ માટે આગવી સમજ, આગવી વિભાવના સાથે મથામણ કરી છે, એ નોંધપાત્ર ઘટના તરીકે લેખાવી જોઈએ.
એ પ્રયોગશીલ એવા ગુજરાતી વાર્તાકારોની ગેલેક્સીમાં સુરેશ જોષી, કિશોર જાદવ, ઘનશ્યામ દેસાઈ, સરોજ પાઠક, મધુ રાયથી માંડી એ પછીની પેઢીના વાર્તાકારો જેમણે આધુનિકેતર અભિગમ દાખવીને જે વાર્તાઓ સિદ્ધ કરી એવા રઘુવીર ચૌધરી, હિમાંશી શેલત, મોહન પરમાર, કિરીટ દૂધાત હોય કે અત્યંત સાંપ્રતકાળે સક્રિય એવા નવયુવાન વાર્તાકારોની પેઢી હોય– એ આ બધા સર્જકોની સમાન્તરે પોતાની ધીમી પણ મક્કમ ગતિએ વાર્તા લખતા રહ્યા છે ને આગવી મુદ્રા ઉપસાવતા રહ્યા છે. એમના સાતમા વાર્તાસંગ્રહમાં સમાવાયેલી વાર્તાઓમાંથી પાંચ વાર્તાઓને અહીં તપાસવી છે.
ટાઇમપાસ
આ વાર્તા અને અન્ય બે વાર્તાઓ ‘એ અને ટેરિયોરિયલ બર્ડ્ઝ’, ‘મનીષ ફરીથી નૉર્થટ્રેઈલ પાર્કમાં’ વાર્તાઓની સિક્વલરૂપે લખાઈ છે. ત્રણેય સ્વતંત્ર વાંચવામાંય કશો વાંધો આવે એમ ન હોવા છતાં, ત્રણેય સાથે વાંચવાથી એનાં મુખ્ય પાત્ર એવાં ભાઈબહેન (મનીષ અને બેના)નાં વ્યક્તિત્વો, એમનું જોડાણ અને જૂદાપણું તો પ્રગટે જ છે, સાથોસાથ એમનું મૂળ એવું ગુજરાતી માનસ અને હાલ જ્યાં એ વસ્યાં છે કે ઉભડક જીવે છે, એ વિદેશી ધરતીનું કલ્ચર, લાંબા સમયની એકલતાથી વ્યક્તિત્વોમાં આવી રહેલા બદલાવ, સતત વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓનું સેળભેળ થવું –જે રીતે આલેખાયું છે, તે આ વાર્તાઓને સાવ અનોખી બનાવનારું છે. આપણે ત્યાં અનુઆધુનિકતા વિશે એટલી બધી ગેરસમજો પ્રસરી ગઈ છે, કે એને કેટલાક આધુનિકતાની વિરોધી બાબત પણ સમજી લેવાની ભૂલ કરી બેસે છે. આધુનિકતા સાથે જે આગ્રહ તારસ્વરે જોડાયેલો છે એ સંરચના અને શુદ્ધ કલાપદાર્થ રચવાની મથામણ. અહીં એ તો છે જ, એમાં જે મલ્ટિકલ્ચર જિંદગી, સાવ નાનાં નાનાં વર્તુળોમાં વહેંચાઈ ગયેલું લિપ્ત છતાં અલિપ્ત બની ગયેલું વૈયક્તિક જીવન, સ્થાનિક ઓળખને ડ્હોળી નાંખનારાં સાંપ્રત જીવનવહેણો અને તળની ઓળખ ટકાવવાની મથામણ પાછળની નિરર્થકતા –જેવી કેટલયે બાબતો આ વાર્તાઓમાં કહેવાઈ નથી, એ પાત્રોની સાથે મહેસૂસ કરતા થઈ જાવ એ રીતે આલેખાઈ છે. સુમન શાહે વાર્તાના કથકના પોઇન્ટ ઓફ વ્યૂને, એના તટસ્થ સ્ટેન્ડને, નેરેશનની ભાષા બાબતે જે સભાન એવા પ્રયોગો કર્યા છે તે ખાસ જોવા જેવા છે. વર્ણન, સંવાદો, પ્રસંગોના પલટા અને એમાં આલેખાતા ભજવણીસમયનું જે રીતનું સંયોજન કર્યું છે તે બહુ ઓછા વાર્તાકારોમાં જોઈ શકાય. નિર્મમ એવું લેખકનું તાટસ્થ્ય, કટાક્ષને જરા પણ બોલકો બનાવ્યા વિનાનું આલેખન, જીવનને બારીકાઈથી જોયા, પામ્યા અને ભોગવ્યાની વિશિષ્ટ લાગતી સમજ આ વાર્તાઓને સાવ નોખી, ઠરેલ અને ગમતીલી બનાવે છે.
વાર્તાનો આરંભ આવો છે– ‘ડેલહાઉસીની રાત ઠંડી હતી. અમાસ હતી. આકાશમાં તારા વધારે ચમકતા’તા. પહાડી પવન સૂસવતા’તા. શંકુદ્રૂમની ડાળો પણ ધૂણતી’તી. દસ વાગેલા. હોટેલના બેડરૂમમાં રેખા ઊંઘી ગયેલી. ટકિલાનો પેગ લગાવીને હું હૉલના સોફામાં લંબાવીને પડ્યો’તો. મોટી છતરીવાળો ટેબલલૅમ્પ ઑન હતો. સામેના મિરરમાં પણ દેખાતો’તો. બધું સ્વચ્છ હતું. સ્વચ્છતાની એક સુગંધ આવતી હતી.’ આટલું વર્ણન કરીને પછીના તરતના જ ફકરામાં બધું ચેરી નાખે છે. કેમકે, હાલ વાર્તા નાયક મનીષ અને એની બહેન વચ્ચેનો સમય પસાર કરવાનો આ ‘ટાઇમપાસ’ કરવાનો નુસખો છે. મનીષે આ રીતે વાત કરવાનો આરંભ કરીને કહ્યું. ‘એટલામાં, બેના, ડોરબેલ રણકેલો. શ્યામ હતો. સુશી સાથે. મેં જોયું કે કોઈ ત્રીજું પણ હતું. વધારે સુન્દર, વધારે જુવાન. શ્યામ કહે –રેહાના છે, શુશીની ફ્રૅન્ડઃ કેમ આટલાં મોડાં? બસ એમ જ, રેખાભાભી નથી? ઊંઘે છેઃ હું અને રેહાના ખુલ્લામાં જરા બ્હાર જઈ આવીએ, તુંને શુશી વાતો કરો, ને જે કરવુ હોય એ કરોઃ એમ કહી એણે મને આંખ મારેલી.’ (પૃ.61, ટાઇમપાસ)
યાદ રાખો કે આ ભૂતકાળમાં ભારતના ડેલહાઉસીમાં બનેલી ઘટના છે. હાલ એ અમેરિકામાં બેનાના ઘરમાં બેઠો છે. ‘જસ્ટ ટાઇમપાસ છે.’ કહીને બેનાને જણાવે છે. સામે બેના પણ યાદ આવ્યું હોય એમ કહે –‘મનીષ વેઇટ, મને યાદ આવ્યું. આજે એ આવવાનો છેઃ એ કોણ? એક છે, અમેરિકન. જેમ્સ. ઘરે આવવાનો છે… કેટલા વાગે? ચૉક્કસ ટાઇમ જણાવવાની એને ટેવ નથીઃ તો? કંઈ નહીં, આવશે એ તો, તું તારું ટાઇમપાસ ચાલુ રાખ...’ (પૃ.61, એજન)
આટલું કર્યા પછી વાર્તાનો મૂળ કથક આપણી સાથે સીધું જ સંધાન કરતાં કહે –‘પ્રિય વાચક, આ બેના તે સોમા, મનીષની બહેન. હાલ બન્ને બેનાના ઘરમાં અમેરિકામાં છે. બેનાનો એ જેમ્સ ક્યારે આવશે, હું પણ નથી જાણતો. આવશે પછી જે થશે એ બધું તમને લોકોને કહેતો રહીશ.’ આ પ્રકારે ત્રણ કથકોથી આપણા સુધી વાત પહોંચે છે. વાતોમાં બંનેનાં વ્યક્તિત્વો, જીવનમાં બનેલી આવી સામીપ્યભરી અંગત પળોની વાત કરીને સમય પસાર કરવાનો પ્રયત્ન છે. ભાઈ અને બહેન બંને સાવ અંગત જાતીય બાબતના પ્રશ્નોને ચર્ચે એ વાત ભારતીય સમાજના સંદર્ભમાં અનોખી લાગે, પણ એ માટે જ અમેરિકન વાતાવરણ, ત્યાંનું ખુલ્લું અને બોલ્ડ લાગતું કલ્ચર અહીં સબટેક્સ્ટરૂપે હાજર છે, એટલે પ્રતીતિ કરતા વધી જાય છે. બેનાનો બોય ફ્રેન્ડ મળવા આવવાનો છે –એ વાત ભારતીય પુરુષ અને ખાસ તો ભાઈ મનીષ માટે કેવા રૂપે ચિત્તમાં ઝિલાય છે, એ આખુંય કમઠાણ આ વાર્તાને રસપ્રદ બનાવે છે. બંનેના પૂર્વજીવનની ઘટનાઓના ઉલ્લેખો, એનું વિશ્લેષણ અને જે આ દુનિયામાં નથી એવા બંનેના લાઇફપાર્ટનર સાથેના અંતરંગને પણ આ નિમિત્તે આલેખવાની સ્પેસ વાર્તાકારે મેળવી લીધી છે. બંને પેલા અમેરિકન જેમ્સની રાહ જોવા નિમિત્તે હવે પોતપોતાના ‘ટાઇમપાસ’ કહેતા જાય છે –ને એ રીતે વાર્તા આખીએ એક રીતે ટાઇમ પાસ હોવા સાથે પાસ થઈ ગયેલો ટાઇમ પણ અભિવ્યક્ત થયો છે. એની કલાત્મક ગૂંથણી, જે જાળું ગૂંથાયું છે તે આપણા ચિત્ત પર લાંબી અસર છોડનારું નીવડે છે.
છે ટાઇમપાસ, પણ ભાઈ અને બહેન વચ્ચે જે ગાઢ જોડાણ છે, એકબીજાંને સમજવાની મોકળાશ છે એ, અને સાથોસાથ બંનેના વિચારોમાં વિચારસાહસથી વધારે ખાસ કંઈ બચ્યું નથી. એ બંને ઇચ્છે છે કશાક જોડાણને, કશાક અર્થપૂર્ણ સંબંધને, પણ એવું શક્ય બન્યું નથી, એને ‘ટાઇમપાસ’રૂપે વાગોળ્યા કરતાં આ ભાઈબેનની એબ્સર્ડિટી આપણા સુધી અનુભવાય છે. જિવાય છે, ટાઇમપાસરૂપ પ્રસંગો કહેતાં કહેતાં, વીતી ગયું છે એને વાગોળતાં વાગોળતાં, જે છે તે આલેખાયું છે. આખીએ રજૂઆતરીતિ આપણને પકડી રાખે એવું મજાનું કલાત્મકરૂપ ધરીને આવી છે.
બસ એક વારતા
લેખક મૂળે તો પ્રોફેસર છે, એ પણ સમયના પાબંદ એવા નખશીખ પ્રોફેસર અને વક્તા છે. અનેક જગ્યાએ અનેક પરિસ્થિતિઓમાં વ્યાખ્યાનો આપવાનો સ્વભાવિક જ પનારો પડેલો છે. એમની પાસે ભણવાનો અવસર પ્રાપ્ત થયો હોવાથી જાણું છું કે, દરેક વ્યાખ્યાન માટે એ ખંતતંતથી મહેનત કરનારા અને જે વિષય પર વાત કરવાના હોય એના તત્ત્વથી માંડી સત્ત્વને સાંગોપાંગ રજૂ કરવાની મથામણ કરતા રહે, ચુસ્ત શિસ્તના આગ્રહી પણ એવા જ. આ એમનો મૂળ સ્વભાવ છે. સામે પક્ષે કેટલાક યજમાનો એવા તો લાહડિયા હોય, કે કશું જ સચવાય નહીં –એવા સમયે એમને શાંત બેઠેલા છતાં અંદરથી ઊકળતા જોયા છે –આટલો સંદર્ભ આ વાર્તાની ઉત્પત્તિમાં જવાબદાર હોવાથી જણાવ્યો.
અહીં વાર્તાકથકને આમંત્રણ મળ્યું છે એક ભાષણ આપવા માટે, વિષય અપાયો છે ‘દેશની ગરીબી વિશે બોલજો, ને થોડું સરકારે કરેલા સાચકલા પ્રયાસો વિશે.’ એમ કહીને પોતે જે તૈયાર કર્યું છે એ ભાષણ માટે સરસ મજાની ઉત્પ્રેક્ષા પ્રયોજે છે, લખે છે –‘મારું ભાષણ તો જાણે આશ લગાવીને બેઠેલું સુસ્થિર બગલું…! હું તડપતો’તો, મુદ્દાનું માછલું ક્યારે દેખાય ને ક્યારે પકડું. પણ સમજાતું ન્હૉતું કે ગરીબી વિષે બોલીશ કે પ્રયાસો વિશે કે બન્ને વિશે?!’ (પૃ.92, એજન)
વાર્તા પછી આરંભાય છે ખરા અર્થમાં. માંડવો બાંધીને સભાગૃહ બનાવાયેલું. પચાસેક જેટલાં સ્ત્રીપુરુષો પણ શ્રોતારૂપે ગોઠવાઈ ગયેલાં. આયોજક –‘એમણે ખાદીની સફેદ ધોતી પર ખાદીનો સફેદ ઝભ્ભો ને ગાંધી ટોપી પહેરેલાં... બાજુમાં સ્ટેજ પર ગોઠવાઈ ગયેલા. નામ ‘રવીન્દ્ર વકીલ.’ એ જ રીતે એક ઓળખીતા કવીન્દ્ર વિદ્વાન પણ આવેલો. જો કે, ‘એ તરત જતો રહેવાનો હતો. વિદ્વાન એની અટક હતી માત્ર!’ પણ સ્થિતિ એવી સર્જાયેલી કે અતિથિવિશેષ અધ્યક્ષસ્થાને હતા ને એ આવ્યા નહોતા. એ આવે એટલે તરત ભાષણ શરૂ કરવાનું હતું. આમ અવકાશ ઊભો થયો. અકળામણ પણ. એટલે પ્રેક્ષકગણમાં નજર ફેરવવાનો સમય મળ્યો, મંડપમાં નજર ફેરવવાનો મોકો મળ્યો. કેટલીક ઓળખીતી યુવતીઓ હતી, એ ઉમળકાથી મળવા આવી ને કહે –‘હૅલો સર, હવે અમે ચીયર ગર્લ્સનો જૉબ કરીએ છીએ. ઇવેન્ટ હોય ત્યારે આમ ઍમ્બ્રોઇડ જિન્સ ને ટૉપ પ્હૅરીએ છીએ, જો કે, ઝાંઝર ખરાં, કલ્ચર માટેઃ એકે મને લાલ ગુલાબની દાંડી આપીઃ વિશ યુ સક્સેસ સર.’ (પૃ.93, એજન) આ જે કટાક્ષ પ્રગટી આવ્યો છે એ દરેક સભાઓને લાગુ પડે. પછી એ એકેડેમિક હોય, રાજકીય, સામાજિક કે કોઈ પણ જાતના મેળાવડાઓનું ચિત્ર આ રીતે ઉપસાવતા જાય છે, પણ વાર્તાનો જે પ્રમુખ વિશેષ છે તે છે ક્રમશઃ પલટાઈ જતું સામે દેખાતું દૃશ્ય. જો કે, વચ્ચે એક પંચ જબદસ્ત રીતે ઊભરી આવે એ નોંધવા જેવો છે, પેલી ચીયર ગર્લે આપેલી ચોકલેટ આમ તો ભાષણ વચ્ચે ખાવા આપેલી, પણ એ તો શરૂ જ નથી થતું, પેલા અતિથિવિશેષની રાહમાં એટલે એ ખવાઈ ગઈ છે ને– ‘ચૉકલેટનો રસ જઠરે પહોંચતો’તો, એ દરમ્યાન મારા મગજના સરોવરે બેઠેલું બગલું ‘ભાષણ’ ચૂપ હતું. એણે ડોક ઊંચી કરી ચાંચ ખોલી પૂછ્યું મને– ક્યારે? એને શો જવાબ આપવો તે સમજાતું ન્હોતું.’ (પૃ.94) જુઓ, અહીંથી વાર્તા દિશા બદલે છે. ગરીબોની વસ્તીને, જગતને આલેખવાનો આરંભ થાય છે. આ પ્રવેશ અને નીકળવાની પ્રયુક્તિ આ વાર્તાને અનોખી બનાવે છે. હવે રાહ જોતા વક્તાની સામે જે દેખાય છે તે –મનેઃ બીજા ગોખલાઘરમાં એક ડોસો દેખાયો, કમરેથી સાવ વળી ગયેલો, મને થયું, હમણાં જ પિલ્લું થઈ જશે. એક બીજા ઘરમાં ચૂલો બળતો લાગ્યો. ચોથામાં એક બાઈ છોકરું ધવરાવતી દેખાઈ, બાપડી, માણસ, પણ પ્રેત લાગે, વાળ ચોંટીને લટો થઈ ગયેલી, ભૂખરી લાગે. એ જ વખતે મને મારી સામે દરવાજા જેવું દેખાયું, નીકળી જાઉં, દોડીને ગયો, પણ કોકે મને પાછળથી ખેંચ્યોઃ એ બાપડી નથી, મને થયું આને કેમ જાણ્યું કે એ મને બાપડી લાગી. ગંજીલૂંગીમાં હતો. બીડીનો છેલ્લો દમ મારી ઠૂંઠું ફગાવીને એ આગળ નીકળી ગયો.’ (પૃ.95) અચાનક જ અત્યંત ગરીબ અને કંગાલ લોકોની બસ્તીમાં પહોંચી જવાયું. આ પછીનું આખું આલેખન સમાજનાં સાવ છેવાડે વસતાં, કહો કે ગટરમાં રવડતાં બેબસ માનવોની વસ્તી અહીં આલેખાઈ છે. એમાં બધા જ પ્રકારની નિમ્નતા છે.
વાર્તાનો અંત મજાનો છે –ભાષણમાં ગરીબીનું અત્યંત ગંભીર ચિત્ર આપવા જતા ભાષકને ખસેડી લેવો જોઈએ એવું લાગતાં આયોજક તરત જ અડખેપડખે ગોઠવાઈ જાય ને ‘ત્રણેય ચિયર ગર્લ્સ મારી નજીક આવીઃ અમે જઈએ સર, બહુ મજા આવી. આટલામાં... ત્રણેયનાં સ્મિત ફરફરતાં રહ્યાં: ઓ.કે. એમને જતી જોઈને ઘણા બધા સભાજનો એમની પાછળ, ચાલો ચાલો યાર, સમયની બરબાદી છે, કહેતાં નીકળી ગયા.’
આ વાર્તાની કથનરીતિ આખાય વિષયને સાંગોપાંગ રીતે ઉભારી આપનારી નીવડે છે. સુમન શાહ એમની રચનાઓમાં સામાજિક વાસ્તવને સાવ અનોખી રીતે આલેખતા રહ્યા છે. ખાસ કરીને જ્યાં જ્યાં સામાજિક કે રાજકીય પ્રશ્નોને વાર્તામાં લીધા છે ત્યાં ત્યાં એમણે ફેડ ઇન અને ફેડ આઉટની રચનારીતિનો મજબૂત ઉપયોગ કરી જાણ્યો છે. ભાષણ આપ્યા વિનાય ભાષણ અપાઈ ગયું છે. ગરીબી અને ગરીબી વિશેની આપણી મથામણોનું વરવું ચિત્ર જે રીતે કલાત્મક રૂપ ધારણ કરીને અહીં આલેખાયું છે, તે સંરચનાકીય દૃષ્ટિકોણથી જોઈએ ત્યારે સમજાય કે કળાઓ સામાજિક પ્રશ્નોને પોતાનામાં સિઝાવીને કઈ રીતે ઉપસાવી આપનારી હોય છે.
ખાઈ
સ્ત્રી–પુરુષોની જાતીયતા વિશેની મથામણો, સામાજિક સંસ્થાઓ –જ્યાં વનિતાઓની સુરક્ષા જ મહત્ત્વની છે એવી સંસ્થાઓ, ને એની સામે ઘરમાં યુગલો વચ્ચેનાય સંબંધો –આ બંનેને ગૂંથતી વાર્તા ‘ખાઈ’ તમને જકડી રાખે એવું વાર્તાબંધારણ ધરાવે છે. ખાઈ પ્રતીકાત્મક છે, તો વાર્તામાં આવતો વાઘ પણ પ્રતીક બનીને વિસ્તરે છે. પહેલા જ વાક્યથી વાર્તા વાસ્તવથી ઉપર ઊઠીને આપણને તૈયાર કરી દે છે. જોઈએ –‘નીલમ છલાંગ મારીને ખાઈની સામી બાજુએ પહોંચી ગઈ. હસુને બાય કર્યું. એ જોતો રહી ગયો... (આપણી જેમ જ.) આ એક જ છલાંગે ખાઈની પેલી બાજુ જતી નીલમ અને આ બાજુ રહી ગયેલો હસુ’ —આ એમના દાંપત્યની સ્થિતિ છે. એવું જ વાક્ય આ પહેલા ખંડનું છે –‘એ ઊંઘી ગયો. એનો ડાબો પગ ખાઈમાં લબડતો છે–’ (પૃ.105)
હવે નીલમની બાજુએથી વાર્તા પહેલાં આરંભાય છે. એ ખાઈની સામેની તરફે રમુભૈની ઓફિસે પહોંચી ગઈ. રમુભૈ કેવા છે એ થોડી જ વારમાં સ્પષ્ટ થવા લાગે છે. નીલમ છુટાછેડા ઇચ્છે છે હસુથી. એ જાણીને જે રીતનાં કૂંડાળાં કરતી ભાષા રમુભૈ વાપરે છે એમાંથી એની લોલુપ વૃત્તિ પ્રગટે છે. એની આખી સિન્ડિકેટ મજાનું આલેખન પામી છે. નીલમ જાણે ઊલમાંથી ચૂલમાં પડી. આ આખુંય આલેખન જે રીતનું છે એ જોવા જેવું છે.
એક બાજુ એને ઠેકાણે પાડવા ને વ્યંજિત થાય છે એ પુરુષો કઈ રીતે ઠેકાણે પડતા હોય છે એનું આલેખન, નારી સંરક્ષણગૃહને લગતું ચિત્રણ આવી અસહાય અવસ્થામાં આવી પડેલી, છત્ર હટી ગયેલી સ્ત્રીની હાલત કેવી તો કફોડી થતી હોય છે એનું આલેખન સીધું ચિત્રણ રૂપે ઓછું ને વ્યંજનાના સ્તરે થતું જાય છે.
બીજી બાજુ હસુની હાલત પણ કંઈ જુદી નથી. એને કોઈ હાંફળી ફાંફળી સ્ત્રી આવી ચડી –‘એ હસુને ઢંઢોળીને જગાડે છે ખીણની ધારેથી, ત્યાંથી બીજું મહત્ત્વનું પ્રસ્થાન થાય છે. –ભૈ, ભૈ, મને બચાવો, મને બચાવો, –કોઈ યુવતીએ હસુને ઢંઢોળ્યોઃ તું કોણ છે? મારું નામ જડાવ છેઃ હાંફે છે કેમ? મારી પાછળ વાઘ પડ્યો છે...! મેં કીધું –તેલ ને ચોળા ખાવા દે, પછી મને ખાજે, એટલે જવા દીધીઃ તો અત્યારે... મારા એમના ગયા પછી મને ઊંઘમાં ચાલવાની ટેવ પડી છે, જાગવાની દવા ખૂટી ગયેલી તે લેવા નીકળી. અમસ્તુ પાછળ જોવાઈ ગયું. તો પાછળ એ જ મૂઓ…! એટલે ભાગી ભાગી તે તમારા લગીઃ પણ તેલ ને ચોળા–વાળી તો ડોશી હતી. તું તોઃ જુવાન છું. એટલે જ કહું છું, મને બચાવી લોઃ હું કેવી રીતે બચાવું? (પૃ.107)
આ વાઘ (એટલે કે પુરુષ) જુદા જુદા રૂપે કેવો તો ખોફ મચાવે છે સ્ત્રીઓમાં એ વાર્તામાં બરાબર ઘૂંટાઈને આવ્યું છે. સંબંધી મામા હોય કે જાણીતા સમાજસુધારક જેવા ખ્યાતનામ લોકો, કે પછી સાવ કદરુપો અને સામાન્ય નોકર –આ આખીયે રેન્જમાં પુરુષ હોય એટલે એની વૃત્તિ કેવી હોય છે એ ઉપસે છે સમાન્તરે પતિપત્નીના સંબંધોની ગૂંચવાડાભરી સ્થિતિ, એકબીજાને વફાદાર રહેવાના પ્રયત્નો, એક નારી નીલમ ને બીજી જડાવ –આ નારીને થતા અનુભવો અને વૃત્તિઓ તથા એમની નજરે દેખાતાં વિજાતીય પાત્રો –આ બધાંનો કલાત્મક વિનિયોગ આ વાર્તામાં સરસ રીતે કરવામાં આવ્યો છે.
ઍનિથિંગ એવરીથિંગ
લેખકે કહ્યું છે– ‘ઍનિથિંગ એવરીથિંગ– એક સાવ જ અનોખા શહેરના મનુષ્યજીવનને આકાર આપતી એટલી જ અનોખી રચના છે. એમાં, વાર્તાકાર આશા સેવે છે કે –ઍનિથિંગ એવરીથિંગ જેવું એક નિર્દોષ નગર સંસારમાં હોય અને તેમાં એટલું જ નિર્દોષ મનુષ્યજીવન હોય. પણ એ એક આશા જ છે... એની પડછે, પ્રેમ અને વાસનાથી ઝડપાયેલો એનો એ જ ધૂર્ત મનુષ્ય છે અને એમાં, મુખ્ય તો પુરુષ છે.’ (નિવેદન–પૃ.7) આ વાર્તા મજાની છે. એમાં સર્જકની કલ્પના અને વેસ્ટર્ન દેશોમાં રહેવાનો અનુભવ સેળભેળરૂપે આવ્યાં છે. વિમાનમાર્ગે જોડાયેલું છે પણ બાકીની રીતે સાવ આગવું એવું એક શહેર કલ્પાયું –એનું જીવન, ત્યાંનાં સ્ત્રીપુરુષો અને એક પાલતુ પ્રાણી પાળવાનો કન્સેપ્ટ –એક રીતે પ્રતીકાત્મકરૂપે વિસ્તરે છે, તો મુક્ત જીવનની શક્યતાઓ, ભાષા ભૂલી ગયા હોવાની વાત કર્યા પછી આછાપાતળા સંવાદો તો છે જ –વાર્તાનાયક જે એના જૂના પડોશી અને મિત્રને મળવા એ શહેરમાં પહોંચે છે ટૂંકી મુલાકાતે –એટલા સમયમાં જે જુએ છે એ કહેવાયું છે. એની ચિત્તમાં ઊઠતી અસરો પણ એ વર્ણવતો રહે છે. ગંભીર થઈને જુઓ તો જ અરીસો સાચું પ્રતિબિંબ બતાવે, નહીંતર વિકૃત બતાવે! આ આખી વાત પણ કેટલું બધું સૂચવનારી બની રહે છે...?! આવી અનેક બાબતો, ખાસ તો સ્ત્રીપુરુષોના સંબંધો, પછી વાત વાતમાં અંગ્રેજ સૂબાઓ આવીને અહીં જે ખટરાગ પેદા કરે છે એ આખી વાત પણ પ્રતીકના સ્તરે વિસ્તરે છે. વીએફ, એનો હિસ્ટરી, અહીં બધાં જ નામોમાં એફ જરૂર આવે છે. ત્રણ છોકરાઓની વાત ને પછી વાર્તાકથકને શા માટે બોલાવ્યો છે એનો ખુલાસો કરે છે, એ વીએફનું ખૂન કરવા માગે છે –કારણો ને પરિસ્થિતિ એવી રીતે ગૂંથાઈ છે, કે આ બધું છે પણ ખરું, નથી પણ. છેલ્લે પાછા વર્તમાનમાં મુસાફરી હજી આરંભાઈ હોવાની વાત આખીએ વાર્તાને સ્વપ્નસ્થ સ્થિતિ આખીએ વાર્તાને રસપ્રદ પરિમાણ આપવા સાથે સાવ અનોખી સાબિત કરે છે.
છેલ્લે આવી નોંધ સહેતુક મૂકી છે –‘કોઈને લાગે કે આ વાર્તા મેં વાંચેલી કોઈ વાર્તા કે નવલકથાની અસરમાં લખાયેલી છે, કે એવા કોઈ નગરમાં ગયા પછી લખાયેલી છે, તો મારે પ્રમાણિકપણે એટલું જ કહેવું છે કે એવું કશું જ બન્યું નથી. આ મારું પરિશુદ્ધ સર્જન છે. એવું અપૂર્વ કે મને પણ થાય છે કે મારાથી આવું લખાયું શી રીતે?! સર્જકતાસખીની કૃપા છે.’ (પૃ.144) આવી કૃપા આપણને મજા કરાવતો નોખો અનુભવ કરાવે છે.
ઘાસલેટિયાની અને ઘીયાની વારતા
સુમન શાહની બધી જ વાર્તાઓથી ખાસ અલગ પડી જતી આ વાર્તામાં લેખકે નેરેશનથી માંડી બધે જ બોલીનો ઉપયોગ કર્યો છે. એ ઉપરાંત સીધું જ દેખાય એવી એક સામાજિક સમસ્યાને કેન્દ્રમાં રાખીને આગવી માવજત સાથે વાર્તાસંયોજન કર્યું છે. આરંભે જ જેના પર વાર્તા ફોક્સ થઈ છે એ ચંદુલાલ ઘાસલેટવાલાનું મૃત્યુ થઈ ગયું છે. મહત્ત્વનું એ છે કે એણે જિંદગીભર બધાનું કરી જ નાંખ્યું છે. ઉધારી કરી કરીને જીવ્યા હોવાથી લેણદારોનો પાર નથી. ‘ઘાસલેટિયાની અને ઘીયાની વાર્તા’માં જે બોલીનો ઉપયોગ કરીને આખોય પરિવેશ જીવંત કર્યો છે તે તો ધ્યાન આકર્ષે જ, પણ બે ઘટનાઓની સેળભેળ ‘ચંદુડોહાનું મૃત્યુ’ ‘જે જિંદગીભર દેવાં કર્યાં ને કોઈનાંય ચૂકવ્યાં નહીં –તેનું મૃત્યુ અને સમાન્તરે કથાનાયક શરદ અને સુશીની નંદવાયેલી પ્રેમકથા –કહો કે દેહાકર્ષણની કથા જે રીતે અંકોડા ભીડીભીડીને ગૂંથાઈ છે, તે જોઈને નવી જ દિશામાં ડગ માંડતા સુમન શાહને જોઈ શકાય.
જુઓ, ચંદુ ડોહાનો દેહ પડ્યો છે જમીન પર. એનો દીકરો મનોજ અને દીકરાવહુ સુશિલા અમદાવાદથી આવી પહોંચે પછી અગ્નિદાહ આપવાનો છે. એ દરમિયાન જાતભાતના લેણદારો આવી પહોંચ્યા છે. વાર્તા કહેનાર શરદ પણ તાબડતોબ મુંબઈથી આવી ગયો છે. એ પણ લેણદાર જ છે. એ વર્ણન જુઓ –‘મડદા પાંહે જે બધા ચિંતા રાખીને બેઠા છે, ચૉક્કસથી ડોહાના લેણદારો છે. પેલો તો મનુ ગાંધી, ડોહાનો અનાજકરિયાનાવારો. એનું લૅનું ખાસ્સું હસે. પેલે ઊભો છે, મગન વારંદ. ડોહો આમ તો ગંદોગોબરો, પન દાઢી કરાવે, બાલ કપાવે, જોકે ઉધારી કદી ચૂકવે જ નૈ. મગન એટલે આયો હોય.’ –જુઓ, સામાન્ય રીતે આ ગમગીનીનો અવસર હોય પણ એને જે દૃષ્ટિથી જોવાયો છે, એમાં મરનારનું વ્યક્તિત્વ કોઈ લાગલપેટ વિના પ્રગટ થાય. સમાન્તરે આછી લકીર રૂપે એક વાક્ય ખાસ જેવા જેવું છે. –‘રે ભલા, ઊંડે મને કસી મીઠાસ હરવરે છે –એમ કે અંદાવાદથી સુસલી બી આવવાની છે! ડોહાના દીકરી મનોજ્યાને પૈની પછી જોઈ જ કાં છે?’ –હવે કમાલ શરૂ થાય છે. એક બાજુ મરણનો અવસર, એમાં હાજરી બધા એવાની જ જે લેણદારો હોય, મનસુખમાસા જેવો જમાનાનો ખાધેલો ખંધો છે, વ્યવહારુ છે, બધાને પ્હોંચી વળે એવો પંચાતિયો અને ક્વિક ડિસિઝન લઈ શકે એવો આટકોટિયો છે– આ પાત્રનું ચિત્રણ સુમન શાહની અદ્ભુત એવી સર્જકપ્રતિભાને પ્રગટાવે છે. પાત્રોની રેખાઓને, એના માનસને પ્રગટાવનારું આલેખન આ વાર્તાને મનોરમ બનાવે છે.
આમ આખીએ વાર્તા એક મૃત્યુનો મલાજો, મરનારના મોટાભાગના જીવનને આલેખતી રેખાઓ, સમાન્તરે કથકના ચિત્તમાં ચાલતી અલગ જ પૂર્વેના પ્રેમની, પહેલા રોમાંચક સ્પર્શની સ્મૃતિઓ એ પણ મરનારની દીકરી સાથેના નાનકડા અફેરનું આલેખન જે બારીક ગૂંથણી પામ્યું છે એ એમની ઉત્તમ વાર્તાઓમાં આ રચનાને બેસાડે એવું અદ્ભુત છે.
સુમન શાહની આ પાંચેય વાર્તાઓ એમની જ જુદી જુદી વાર્તાકથનની પ્રયુક્તિઓ, એમના ચિત્તમાં રહેલી આગવી વાર્તાવિભાવના, ભાષા સાથે કામ લેવાની ખાસિયત, અતિવાસ્તવ અને વાસ્તવની સેળભેળ કરીને જન્માવાતું વાર્તાવરણ અને એમના ચિત્તમાં ઝિલાયેલા સામાજિક વાસ્તવને ટ્રાન્સફોર્મ કરવાની એમની આવડત –આ બધું જ જાણે આ વાર્તાઓમાં સિદ્ધ થતું અનુભવાય છે.
આ વાર્તાઓમાં વિદેશમાં વસતા ગુજરાતીઓની માનસિક અવસ્થાને વાર્તામાં ઢાળતી વાર્તાને જુઓ, કે પછી ભાષણ આપવા જતા વાર્તાનાયકના ચિત્તમાં અતિવાસ્તવરૂપ ધારણ કરીને ભાષણનો વિષય પોતે કઈ રીતે વાર્તારૂપ ધરી રહે છે તે કેટલું આકર્ષક સંવિધાનરૂપે આપણી સામે આવ્યું છે. તો ‘ખાઈ’ જેવી વાર્તામાં ખપમાં લેવાયેલાં પ્રતીકોનું વ્યાપક વિસ્તરણ થવા સાથે સમાજની વરવી બાજુનેય ઉપસાવી આપે, સાથોસાથ એમની મોટાભાગની વાર્તાઓમાં જે પુરુષરૂપે પ્રગટ્યા છે એના પ્રતિનિધિરૂપ પુરુષો એમાં આલેખાઈ આવ્યા છે. કાલ્પનિક નગર એક અર્થમાં કાલ્પનિક નથી, મુક્તજીવન અને વૃત્તિથી મુક્તિનો સંઘર્ષ ત્યાં પણ વાર્તારૂપ ધરે છે. તો છેલ્લી વાર્તામાં ઘાસલેટિયા, મનસુખમાસા જેવા વિશિષ્ટ મનુષ્યોનાં વ્યક્તિત્વોને હુબહુ ઉપસાવવાની સાથે આછી અમથી પ્રેમકથા કેવા મજાના પરિમાણ સાથે વાર્તાને માંસલરૂપે આપણી સામે પ્રગટાવી આપે છે. ભાષાકર્મ, બોલી સાથેની એમની રજૂઆત –આ વાર્તાઓનાં વિશેષરૂપે ધ્યાન ખેંચનારાં છે.
– નરેશ શુક્લ
પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના–મગદલ્લા રોડ, સુરત–395007, મો.9428040235