zoom in zoom out toggle zoom 

< સુમન શાહ સાહિત્યસંપુટ

સુમન શાહ સાહિત્યસંપુટ/૫. કંદર્પ દેસાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમન શાહ: આત્મીય સાહેબ

કંદર્પ ર. દેસાઈ

ગુજરાતી સાહિત્યમાં થોડો પણ રસ લેનારી વ્યક્તિ સુમન શાહના નામ અને કામથી પરિચિત હોય જ, એમ મેં પણ એમની કેટલીક ટૂંકી વાર્તાઓ અને નવલકથા વાંચી હતી. એ ઉપરાંત એમને સજ્જ અધ્યાપક અને વિવેચક તરીકે જાણતો હતો. એ દિવસોમાં હું જામનગર રહેતો. પુસ્તકોમાં રસ ધરાવનારા માટે જામનગરમાં એક માત્ર સ્થાન તે સુરેન્દ્ર ભટ્ટ. તેઓ જામનગરની મહિલા કૉલેજમાં અધ્યાપક. જામનગરની મહિલા કૉલેજમાં ‘સન્નિધાન’ની પ્રવૃત્તિ નિમિત્તે સુમન શાહ તેમની ટીમ સાથે આવવાના હતા, અને ગુજરાતી સાહિત્ય સંદર્ભે કાર્યક્રમ ગોઠવાયો છે એમ ભટ્ટસાહેબ પાસેથી જાણવા મળ્યું. મેં ભટ્ટસાહેબને પૂછેલું; ‘મારાથી અવાય?’

એમણે ચોખ્ખી ના પાડતા કહ્યું હતું ‘ના. આ તો વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટેનો કાર્યક્રમ છે.’

જો કે એ મહિલા કૉલેજ હતી તેથી પણ જવાનો પ્રશ્ન રહેતો ન હતો. જો ત્યારે મળવાનું થયું હોત તો?

*

સાહેબ સાથેનો પરિચય તો પારુલના કારણે. તેઓ પારુલના સાહેબ અને ગાઇડ તો ખરા જ; તે સિવાય પણ અંગત અને કૌટુંબિક નાતો. એથી સાહેબ અને રશ્મીતાબેનની નજરે હું એમની વિદ્યાર્થિનીનો પતિ, એટલે થોડું વિશેષ. એમના ઘરે આજ સુધી ઠીક ઠીક વાર જવાનું થયું છે અને મારી ઓળખ એ જ રહી છે. જોકે મારે આજે એ સંબંધ વિશે વાત નથી કરવી. મારે વાત કરવી છે મારી સાહિત્ય પ્રવૃત્તિ –ખાસ તો વાર્તાલેખન ઉપર સાહેબે પાડેલી અસરની.

સાહેબ ‘સુરેશ જોષી સાહિત્ય વિચાર ફૉરમ’, જે ‘સુજોસાફો’ના નામથી વધુ ઓળખાતી; વર્ષોથી અનૌપચારિક રીતે સાહિત્યની, ખાસ તો ટૂંકી વાર્તા માટે પ્રવૃત્તિ ચલાવે. જેમ અધ્યાપકીય વિવેચન માટે ‘સન્નિધાન’ એમ ટૂંકી વાર્તા માટે ‘સુજોસાફો’. આ એમની કર્મઠતા કહો કે પેશન-લગાવ કહો, સાહિત્યની વિવિધ વિધાઓ માટે અલગ અલગ પ્રવૃતિઓ તેઓ સતત કરતા રહ્યા છે. સુજોસાફોની શિબિરમાં સૌ પહેલી વાર પારુલ સાથે જવાનું બન્યું. એ શિબિર ખેડબ્રહ્મામાં ગોઠવાયેલી. બે દિવસ -આમ તો દોઢ જ દિવસ ગણાય, કેમ કે બીજા દિવસે બપોર પછી તો નીકળી જવાનું હતું. એટલા ઓછા સમયમાં લગભગ વીસેક વાર્તાઓ વંચાય, ચર્ચાય. થાકી જવાય એવું ટાઇટ શેડ્યુલ! આ પહેલાં ભરત-ગીતા નાયક આયોજિત ‘સાહચર્ય’માં જવાનું બન્યું હતું. ત્યાં તો દિવસ આખો લખો, વાંચો, વાતો કરો. સાંજે વાર્તા-નિબંધ વંચાય. સમયની જાણે લક્ઝરી! -અને સુજોસાફોમાં પળેપળનો કસ કાઢવાનો! બન્નેનાં આયોજનકર્તા જુદાં, એમ એની શિસ્ત પણ જુદી.

એ સમય એટલે આધુનિકોત્તર ટૂંકીવાર્તાનો સમયગાળો. તળપદની વાતો, ગ્રામીણ પરિવેશની વાતો, દલિતચેતનાની વાતો, નારીચેતનાની વાતો. જાણે માણસ અને સમાજને ચોક્કસ ખાનાંઓમાં ગોઠવી દેવાની પ્રવૃત્તિનો સમયગાળો. મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં. માતાપિતા શિક્ષકદંપતી, એટલે નવા જમાનાની કેટકેટલી બાબતો સહજ રીતે ઘરમાં, વ્યવહારમાં અને સ્વભાવમાં વણાતી આવે. પરિણામે ઉપર જણાવેલાં એક પણ ચોકઠામાં વાતો કરવાની કે લખવાની બને જ નહિ. એ કારણે ખેડબ્રહ્મા સુજોસાફોમાં ‘અસંગ’ વાર્તા વાંચી. આજે બહુ પ્રચલિત છે એવી લીવઈનની વાર્તા. લગ્ન કર્યા વગર સાથે રહેતા કપલમાંથી એક જણ સાથ છોડી દે ત્યારે પીડા વેઠતી સ્ત્રીની વાર્તા. મને યાદ છે કે શિબિરમાં વંચાયેલી વાર્તાઓમાં મારી આ વાર્તા થોડી આગંતુક લાગતી હતી. પરંતુ સાહેબે એને યોગ્ય રીતે મૂલવી અને ‘ખેવના’ માટે ત્યારે જ સ્વીકારી, અને એમ એમણે ‘મારી પોતાની રીતે વાર્તા લખવા બાબત’ મારો આત્મવિશ્વાસ દૃઢ કર્યો.

વાર્તાની જ વાત કરીએ તો સર્જક તરીકેનું સ્વાતંત્ર્ય -અથવા વાર્તાકાર વસ્તુને કઈ રીતે જુએ છે તેની ઊંડાણથી, નિસબતથી તપાસ કરે, અને જરૂર લાગે તો ચર્ચા પણ કરે અને સૂચવે પણ ખરા. પરંતુ ક્યારેય દુરાગ્રહ નહિ! સુજોસાફોમાં ભાગ લેનારા બધા જ વાર્તાકારો મારા આ વિધાન સાથે સંમત થશે, કે વાર્તા વિશેની ચર્ચા પછી ક્યારેય એમણે સામે ચાલીને પૂછ્યું નથી કે તમે વાર્તામાં શા શા ફેરફારો કર્યા? વાર્તાકારની સમજ અને શક્તિ પ્રમાણે જે જેટલું ગ્રહણ કરી શકે તે તેટલું તેનું.

આ સંદર્ભે મને બે વાત યાદ કરવી ગમશે. સૌ પહેલાં વાત કરું ‘ઑનર કિલિંગ’ વાર્તાની. 2014ના ‘ખેવના’ના ‘વાર્તા રે વાર્તા’ વિશેષાંક માટે એમને એ વાર્તા મોકલી હતી. વિષયવસ્તુના કારણે શીર્ષક ગેરમાર્ગે દોરતું હોય એમ લાગે છે કહી શીર્ષક બદલવા સૂચવ્યું. સ્ત્રીના આત્મસન્માનને હણતી પાવર લૉબી પણ એક રીતે સ્ત્રીને હણવાનું જ કામ કરે છે, એવા મારા તર્કને એમણે માન આપ્યું અને એ જ શીર્ષક હેઠળ એ પ્રગટ કરી. એક બીજી વાર્તા ‘નિશાંત’ એમને લઘુનવલનું એક પ્રકરણ લાગી, અને એમ એ વાર્તામાં રહેલી શક્યતાને ચીંધી બતાવી. –પછી શું મેં એ લઘુનવલ લખી ખરી? એ પ્રશ્નનો જવાબ ન આપું એમાં જ મારી શોભા.

આગળ જેનો ઉલ્લેખ કર્યો તે ‘અસંગ’ વાર્તા વાંચી ત્યારે લીવઈનમાં સાથે રહેવાનો વિષય અરૂઢ અને નવો હતો. મારા હિસાબે વાર્તા સ્પષ્ટ અને સમજી શકાય તેવી હતી. જો કે એક મોટા ગજાના વિવેચક અને વાર્તાકારે “કંદર્પની વાર્તા તો બે વાર વાંચવી પડે” કહી અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું. જો કે ત્યારે પણ સાહેબે એ વાર્તાને યોગ્ય રીતે જોઈ હતી અને નાયિકાની કમિટમેન્ટ વિના સાથે રહેવાના કારણે વેઠવી પડતી એકલતાની પીડા એમણે બરોબર નોંધી હતી, એ વાતનો ઉલ્લેખ ન કરું તો નગુણો ઠરું.

છેલ્લે પચાસમી સુજોસાફો વાર્તાશિબિર અમદાવાદ યુનિવર્સિટીમાં યોજાઈ હતી. તેમાં વિધર્મી યુવકના પ્રેમમાં પડી લગ્ન કરી પસ્તાતી યુવતીની વાર્તા ‘પ્રેમના નામે’ મેં વાંચી હતી. આ વાર્તાના પક્ષ અને વિપક્ષમાં ઠીક ઠીક ચર્ચા ચાલી. કેટલીક કમેન્ટસ તો મનને દુ:ભવે એવી પણ હતી. એ સમય પણ સાહેબે વાર્તાને વાર્તા તરીકે જ જોઈ. કોઈ પણ ઘટના વિશે સર્જકનો પોતાનો દૃષ્ટિકોણ હોય, એ વાર્તાની રીતે આવે છે કે નહિ એ જ મહત્ત્વનું છે. ગમે તે વિષય હોય, લેખકનો દૃષ્ટિકોણ જે હોય તે, પણ સૌથી પહેલી શરત એ હોય કે એ વાર્તા બનવી જોઈએ, અને એમ એમણે ચર્ચાને ઉચિત વળાંક આપેલો.

માત્ર વાર્તા જ કેમ? જીવનશૈલી સંદર્ભે પણ એમની ટકોર કે સૂચન હંમેશાં નિસબતપૂર્વકનાં રહ્યાં છે. એમને ઘરે જઈએ ત્યારે અઢળક વાતો થાય, સાહિત્યની, જીવનની, ઘર ખરીદવા વિશેની, ભવિષ્યનાં આયોજનોની... સમય ક્યાં નીકળી જાય, ખબર જ ન પડે! અમારી નાની નાની બાબતો વિશે પણ ચિંતા કરે. એ સમયે સાહેબ અને રશ્મીતાબહેન વધારે પોતીકાં લાગે. મારી કપડવંજ નોકરી હતી એ દરમ્યાન સ્થાનિક કૉલેજમાં વ્યાખ્યાન આપવા માટે સાહેબ આવવાના હતા. ત્યારે પારુલ અને મારા આગ્રહને માન આપી તેઓ બન્ને કપડવંજ અમારા ઘરે પણ રોકાયાં હતાં. અમારા માટે એ વિશેષ સ્મૃતિ છે. પોતે કપડવંજમાં નોકરી કરી હતી એ સમયને યાદ કરી રાતના મોડે સુધી એ દિવસોનાં સ્મરણો વાગોળ્યાં હતાં.

મારી બદલી કપડવંજથી અમદાવાદ થઈ, ત્યારે સાંજના કાર્યક્રમોમાં હાજર રહેવાના કારણે જમવા બહાર જવાનું થતું. એનું પ્રમાણભાન ચુકાઈ ગયું છે એવી સમજ સાહેબની ટકોરના કારણે જ પડી!

આજે સહજ રીતે વપરાશમાં લેવાતા શેવિંગ ફોમનો ઉપયોગ કરવાની સલાહ એમણે આમ આપી હતી. ‘એક વાર ફોમ વાપર્યા પછી ક્યારેય બ્રશ અને શેવિંગ ક્રીમ હાથમાં લેવાનું મન નહીં થાય.’ હા, નાની નાની વાતો છે. સાહેબને તો શક્ય છે, યાદ પણ નહીં હોય. -પણ એથી કંઈ એ વાતનું મૂલ્ય ઓછું નથી થતું.

સાહેબના ઘરની એ પહેલી મુલાકાત પણ યાદ છે. એમનો સ્વાધ્યાયકક્ષ -વ્યવસ્થિત રીતે પુસ્તકોની ગોઠવણી, પૂરતી હવા ઉજાસ મળે તેની કાળજી, કોઈ અભ્યાસલેખ લખવા માટે એકઠાં કરેલાં સંદર્ભપુસ્તકો પલંગ પર પથરાયેલાં જોયાં. પુસ્તકો તો ત્યારે પણ મારી પાસે ઠીકઠીક હતાં, પણ અહીં મેં જોયાં એટલાં બધાં આ પહેલાં માત્ર રમેશ ર. દવેને ત્યાં જ જોયાં હતાં. ઘરની લાઇબ્રેરી બનાવવાની ઇચ્છાને વધુ એક વળ ચઢ્યો.

સાહેબ પાસેથી એક વધારે જાણવા અને શીખવા જેવી વાત એ છે, કે ટેક્નોલોજીથી ક્યારેય ડરવું નહિ, બલ્કે એને પોતાની કુશળતા વધારવામાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે જાણવું અને સમજવું.

સાહેબની વાત કરીએ અને રશ્મીતાબેનને યાદ કર્યા વિના એ અધૂરી લાગે. અત્યંત સ્નેહાળ અને તે છતાં કેટલીક બાબતોમાં ચોક્કસ. સુજોસાફોની ગોષ્ઠિમાં અવશ્ય હાજર હોય. એ ઉપરાંત એમના ઘરે ગોઠવાતી બેઠકોની તૈયારી ઉમંગભેર કરે. આતિથ્ય કરવામાં ક્યારેય પાછીપાની ન કરે. એમના હાથનો શીરો કે સુખડી આજે પણ જીભ પર સુખદ અનુભવ કરાવે. એમના વિનાના ઘરમાં જતાં પગ કે મન ભારે થાય એમાં શી નવાઈ?

સુમન શાહ મુખ્યત્વે વિવેચક તરીકેની નામના ધરાવે છે, પરંતુ તેમનું સર્જકકર્મ ટૂંકી વાર્તામાં સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. સાઈઠથીય વધુ વર્ષોથી તેઓ ટૂંકી વાર્તાનું સર્જન કરી રહ્યા છે, જેના કારણે એમની વાર્તાકળાને વિવિધ તબક્કાઓમાં વહેંચી શકાય. એમ છતાં, સુમન શાહની વાર્તાઓ ઉપર તેમની નિજી મુદ્રા અવશ્ય જોવા મળે છે. તેઓ પોતાની વાર્તા વિશે કેફિયત આપતાં નોંધે છે, ‘સામગ્રી અને વિષયવસ્તુઓના અખૂટ ભંડારરૂપે વિશ્વને હું સલામ કરું છું, પણ તેમાંના એક્કેયની નકલ નથી કરી શકતો.’ અહીં તેમની ટૂંકી વાર્તા પૂર્વ અને સમકાલીનોથી કઈ રીતે અલગ પડે છે, તે જોવા માટે ચાવી મળે છે. મુખ્યત્વે તેઓ રચનારીતિમાં નવીનતા, અલગ પડતી કથનશૈલી, ભાષાકર્મ, સંવાદનો મહત્તમ ઉપયોગ, વગેરે દ્વારા વાર્તા સાથે કામ પાર પાડે છે. એમની વાર્તાઓની વિશેષતા એ છે કે તેઓ સીધી સાદી કથનશૈલીથી એક વાત કહે છે, જેનો ખરેખર તો બીજો અર્થ નીકળે છે. વળી, શાંતિથી વાર્તા વિશે વિચારીએ તો વધુ એક અર્થ મળી આવે. અહીં વાચકને મૂંઝવવા તેઓ આમ કરે છે એવું નથી. તેઓ આ સ્વરૂપનો કેવી રીતે વધુમાં વધુ કસ કાઢી શકાય તેમ વિચારે છે.

સુમન શાહની ‘ખાઈ’ વાર્તામાં ઉપરોક્ત લાક્ષણિકતાઓ જોવા મળશે. નીલમ, જડાવ અને હસુની આસપાસ ફરતી ‘ખાઈ’ વાર્તામાં પતિથી કંટાળેલી નીલમ છસાત ફૂટ પહોળી ખાઈ છલાંગ લગાવી ઓળંગી જાય છે અને વગડામાંથી શહેરમાં પહોંચે છે. જ્યાં રમુભૈ, કનુમામા, શંભુ, ચુનિયાને મળે છે. તેઓ સાથે આમ જુદા જુદા અને આમ એકસરખા અનુભવો થાય છે. એ રાત્રે વનિતા વિશ્રામમાં રહેવાનું ગોઠવાય છે. અડધી રાત્રે રમુભૈ નીલમ સાથે જબરજસ્તી કરવા મથે છે ત્યારે નીલમ એને બારીમાંથી ધક્કો મારી નીચે ફંગોળે છે. નીલમ ચૂપચાપ ત્યાંથી નીકળી હસુ પાસે પાછી ફરે છે. જો કે હસુની વાત થોડી જુદી છે.

નીલમ ખરેખર આટલી પહોળી ખાઈ ઓળંગી ગઈ એમ વિમાસતાં હસુને જડાવ આવીને મળે છે. જડાવની પાછળ વાઘ પડ્યો છે તેનાથી બચવા એ નાસતી ફરે છે. એ હસુની હાજરીમાં પોતાને સુરક્ષિત સમજે છે. હેરાન કરતા પતિને કેવી રીતે પતાવી દીધો તેની વાત કરતી જડાવ કહે છે, ‘ત્યારના મને દેખાતા નથી.’ હસુ અને જડાવ વચ્ચે સંવાદ થાય છે, અડોઅડ સૂઈ જાય છે. ખાઈમાં સાથે ઊતરે છે. તેવામાં નીલમ પાછી આવે છે. હસુને જડાવની સાથે જોઈ ચોંકી જાય, શંકા કરે. પણ પછી સહજતાથી વાતને લઈ ચાપાણીની ઓફર કરે છે.

એ સમયે વાઘ આવે છે. જડાવ કહે છે. ‘ફોમ રાખજો. પતાવી દઈએ.’ બેઉ સ્ત્રીઓએ વાઘના કાન પકડ્યા અને હસુએ પૂછડું. વાઘે છૂટવા માટે જોરથી માથું ઝટકાવ્યું અને એ ચારેય પગ અદ્ધર રાખી ઊડી ગયો. નીલમ અને જડાવના હાથમાં એક્કેક કાન અને હસુના હાથમાં પૂંછડું રહ્યાં.

સમાજમાં થતા સ્ત્રીના શોષણ અને સન્માનને દર્શાવતી આ વાર્તા એકથી વધુ સંકેતો બતાવે છે. પહોળી ખાઈ ઓળંગવી એટલે પોતાના સ્વાતંત્ર્ય માટે સ્ત્રીએ લાંબી છલાંગ લગાવવી પડે. નીલમ શહેરમાં જાય છે ત્યાં તેને ભોગવવા પુરુષો વિવિધ રીતે ચાલ ચાલે છે. વાઘથી પીછો છોડાવવા વગડામાં આવેલી જડાવ હસુ પાસે સુરક્ષા પામે છે! સ્ત્રીની સાથે આક્રમક ન થતો પુરુષ પણ સ્ત્રીના મનમાં શંકા જન્માવે છે, તો ખાઈમાં ઊતરેલી સ્ત્રીને લાલ ફૂલ મળે છે જેને મસળીને ફેંકી દે છે તોય તેનો રંગ આંગળીએ ચોંટી રહે છે! ખાઈ પોતે જ બે વર્ગો વચ્ચેના અંતરને નિર્દેશે છે. આ વર્ગો કયા? સ્ત્રી અને પુરુષ? શોષક અને શોષિત? વાઘ અને મનુષ્ય? એ વાચક નક્કી કરે. વાઘ જડાવ પાછળ પડ્યો હતો પરંતુ એ જ્યારે આવે છે ત્યારે સૌ નીલમના ઘરે હોય છે. નીલમ જે વાઘનો સામનો કરીને આવી છે તે તો હજી જીવે છે! એ કેટલા રમુભૈને હણશે?

નીલમ એક જગ્યાએ નોંધે છે: ‘બધાં એક જ ઝાડની જુદી જુદી ડાળે બેઠેલાં, એક જ જાતનાં ઘુવડ છે. આ ઘુવડ જ ક્યારે વાઘ બની બેસે તેની ખબર ક્યાં પડે છે? આ ઘુવડ જ વાઘ બની જતાં હશે કે શું?’

અહીં સુમન શાહે 1969માં લખેલી વાર્તા ‘રીંછ’ યાદ આવે છે જેમાં રીંછ વાર્તાનાયક સુકેતુના અપરાધભાવના પ્રતીકરૂપે વિકસે છે જ્યારે અહીં વાઘ શોષકના પ્રતીકરૂપે. જેનો પ્રતિકાર કરવા છતાં એને સદંતર નામશેષ કરી શકાતો નથી. આમ ‘ખાઈ’ વાર્તા એકાધિક અર્થો પ્રગટાવવામાં સફળ રહે છે.


– કંદર્પ ર. દેસાઈ

મો. 94279 53690

*