સુમન શાહ સાહિત્યસંપુટ/૫. દીપક રાવલ
દીપક રાવલ
એક વૈશ્વિક આપદા ૨૦૧૯-૨૦માં આવી, નામ એનું કોરોના. આ કોરોનાનો વાઈરસ સૌ પ્રથમ ચીનમાં દેખાયો અને પછી સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયો. લોકો કીડામકોડાની જેમ મરવા લાગ્યા. દવાખાનાઓમાં દર્દીઓની અને કબ્રસ્તાન, સ્મશાનમાં મૃતદેહોની લાઈનો લાગી. આ રોગની ચોક્કસ દવાઓ નહોતી. લોકો જાતભાતના ઉપાયો કરતા હતા. એમાં ઘણીવાર The remedy was worse than the disease! જેવું પણ થતું હતું. કેટલાક લોકો કોરોના રોગથી મરી ગયા, કેટલાક કોરોનાના ભયથી મરી ગયા! લોકોને આ રોગના ચેપથી બચવા પોતાના ઘરમાં પુરાઈ જવું પડ્યું. સમગ્ર વિશ્વનો વ્યવહાર ઠપ થઈ ગયો હતો! ચોતરફ કેવળ ભય અને વેદનાનું સામ્રાજ્ય હતું. કવિ બીનેકની પંક્તિઓ સાંભરે એવી પરિસ્થિતિ હતી:
“There is only one alphabet left
‘Pain’”
આવી સ્થિતિમાં સામાન્યજન હતપ્રભ થઈ જાય તે સ્વાભાવિક હતું. એકલા રહેવા ટેવાયેલા ન હોય, તેમને માટે તો આ ઘડીઓ બહુ જ વિકટ હતી. પરંતુ સર્જક અને કલાકાર આ સમયને પણ સ્વસ્થ રહીને જોતો હોય છે અને આ પરિસ્થિતિનું વિશ્લેષણ કરતો હોય છે. આપણી ગુજરાતી ભાષાના મેજર સર્જક સુમન શાહે આ કોરોનાકાળ વિશે ચિંતન કર્યું અને નિબંધો લખ્યા. સુમનભાઈ એવા સર્જક છે, જે સાહિત્ય, શિક્ષણ કે સમાજની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તેના વિશે વિચારે છે અને એના ઉકેલ માટે પ્રયત્ન કરે છે. એ કિનારે ઊભી રહેનારી ‘તટસ્થ’ વ્યક્તિ નથી. આ વિકટ સમયમાં માત્ર બેસી રહેવાને બદલે એ ચિંતન અને સર્જન કરે છે. કોરોનાકાળમાં એમણે નિબંધ લખ્યા. એ નિબંધોમાંથી ‘હે કોરોના’, ‘હેમિંગ્વેનો સાન્તિયાગો’, ‘પુસ્તક નામની કુહાડી’, ‘ચાલો નિત્શે પાસે’, ‘કામુની નવલકથા ‘ધ પ્લેગ’’, ‘ચાલો આયેનેસ્કો પાસે’, ‘ચાલો બેકેટ પાસે’, ‘જીવન પીડા છે, સાહિત્ય સર્જન આશ્વાસન’, ‘ચોમાસું’, ‘ચોમાસું-૨’ અને ‘શ્વેતાશ્વર ઉપનિષદ’ વિશે વાત કરવાનો ઉપક્રમ છે.
મનુષ્યને મનુષ્ય બનાવે છે કળા અને સાહિત્ય. જો એની પાસે સાહિત્ય અને કળા ન હોય તો એનું જીવન પશુવત થઈ જાય. જીવનની કોઈ પણ સમસ્યા હોય એના ઉકેલ માટે સાહિત્ય અને કળાના શરણે જવા સિવાય કોઈ આરોવારો નથી. લેખક ‘જીવન પીડા છે, સાહિત્ય સર્જન આશ્વાસન’ નિબંધમાં આ જ વાત કરે છે. કોરોનાકાળમાં પણ સાહિત્ય અને અન્ય કળાઓમાં ખૂબ સર્જન થયું. હવે તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ છે, જેના માધ્યમથી લોકો વિચારોની આપલે કરે છે, એકબીજાનું મનોરંજન કરે છે. આ સોશિઅલ મીડિયાના માધ્યમથી જોક્સ, રિલ્સ વગેરે પ્રસરતાં રહ્યાં. લેખક આને ‘કોરોનકાળનું લોકસાહિત્ય’ કહે છે! અમેરિકની CNN એજન્સીએ દુનિયાનાં વિવિધ શહેરોમાં વસતા ૯ કલાકારોને સાંપ્રત પરિસ્થિતિ ઝિલાઈ હોય એવી મૌલિક કૃતિઓનું સર્જન કરવા કહેલું. એ સર્જનોમાં ચિત્ર અને શિલ્પમાં વધુ કૃતિઓ સર્જાઈ. એ કલાકારોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરેલા. કોઈને આ વિરલ તક લાગી, કોઈને કહ્યું કે આવા સમયે જ લોકોમાં રહેલું શુભ પ્રગટે છે, વગેરે. લેખક કહે છે, ‘વૈશ્વિક પરિસ્થિતિ દુ:સ્વપ્ન જેવી પણ માણસ રીઢો સ્વપ્નદૃષ્ટા છે.’ લેખક વેક્સિનને પણ મહામૂલું સર્જન કહે છે.
કોરોના સામેની લડાઈ એક પ્રકારનું યુદ્ધ જ હતું. લેખક મહાભારત, ગીતા અને ભાગવતના સંદર્ભો આપે છે. વેદ વ્યાસ કહે છે યુદ્ધ તો મનુષ્ય ચિત્તમાં વસે છે! આ યુદ્ધથી બચવા શબ્દને શરણે જ જવું પડે. પરીક્ષિત રાજાનું સાતમા દિવસે મૃત્યુ થવાનું હતું, પરંતુ એ ‘શ્રીમદભાગવત’ના શ્રવણથી બચી ગયો! ઋષિએ આપેલો શ્રાપ ઋષિની વાણીથી શમી ગયો! કલાકાર ક્રાંતદૃષ્ટા હોય છે. ભવિષ્યમાં જે બનવાનું છે તે જોઈ શકે છે. વાલ્મીકીજીએ રામના જન્મ પહેલાં રામની કથા લખી. કેટલાક લેખકોએ વિજ્ઞાન સંદર્ભે જે કલ્પનાઓ કરી હતી, તે આજે સાકાર થઈ રહી છે. લેખક અહીં મહત્ત્વની વાત કહે છે કે કુદરતે અસારત્વ સરજ્યું તો માણસે સારત્વ. કદાચ બધો સાર અસારત્વ નીચે છુપાયેલો હશે, સર્જક્તાએ તે શોધી કાઢ્યો.
સાહિત્યનો મહિમા ‘પુસ્તક નામની કુહાડી’ નિબંધમાં પણ છે, જરા જુદી રીતે. કોરોના મહામારી એક ડિઝાસ્ટર, હોનારત હતી. આવી હોનારતમાં માણસ દુઃખી થાય. પરંતુ લેખક કાફકાનો વિચાર જણાવતાં કહે છે કે પુસ્તકો કુદરતી હોનારતની જેમ આપણને દુઃખી કરી મૂકે એવાં, સાવ જુદાં જ હોવાં જોઈએ! A book must be the axe for the frozen sea. લેખકના મતે મહામારી પ્રાણઘાતક હોય છે પરંતુ કાફકા કહે છે એવું પુસ્તક સંજીવની પુરવાર થાય છે. પુસ્તક પીડા આપે છે કેમ કે એ આપણી ભીતર જે થીજી ગયું છે તેના પર પ્રહાર કરે છે. આપણી ભીતર જડ થઈ ગયેલી લાગણીને એ ઝંઝોડે છે, ઢંઢોળે છે. આવો પ્રહાર ક્યારેક જરૂરી હોય છે. આપણે આપણી સાંસારિક જવાબદારીઓમાં ભૂલી જઈએ છીએ કે આપણા દરેકમાં એક પ્રેમનો સાગર હોય છે. આપણે સાચું હસવાનું-રડવાનું ભૂલી જઈએ છીએ. આપણી સંવેદના થીજી ગઈ છે. પ્રકૃતિના ઐશ્વર્યને માણવાનું વિસરાઈ ગયું છે. આ દશાને, લાગણીની અછત અને ભાવોર્મિની ઓછપને કાફકા ‘ફ્રોઝન સી’ કહે છે. આ થીજી ગયેલી લાગણીના દરિયાને પુસ્તક ઝંઝોડી નાખે છે.
કાફકા એમ કહે છે કે ‘આપણને એવાં પુસ્તકોની જરૂર છે જે આપણને વ્યથિત કરી મૂકે. એ એટલે સુધી કહે છે કે વ્યથા એવી થાય જેવી સ્વજનના મૃત્યુથી થતી હોય છે! કાફકા કવિ નહોતા પણ આમ ઉપમાઓ પ્રયોજે છે ને પુસ્તકને કુહાડી કહી દે છે. આવાં હૃદયને હળવી દે એવાં કેટલાંક પુસ્તકોની યાદી આપે છે જેવાં કે ‘મહાભારત’નાં આરણ્યક પર્વ, ‘ઉદ્યોગ પર્વ’, ‘કર્ણ પર્વ’, ‘સ્ત્રી પર્વ’ વગેરે કુહાડીની ગરજ સારે એવાં છે. બીજા કેટલાક ‘મહાભારત’ના પ્રસંગો, જેવા કે દ્રૌપદી વસ્ત્રહરણ, સીતાનું ધરતીમાં સમાહિત થવું, શકુંતલાનું પ્રત્યાખ્યાન, નળે કરેલો દમયંતીનો તિરસ્કાર, ઓથેલોએ કરેલી ડેસ્ડિમોનાની હત્યા, ‘ધ ડોલ્સહાઉસ’ની નાયિકા, ‘સરસ્વતીચંદ્ર’માં જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન, વગેરે…
વિશ્વયુદ્ધો સંદર્ભે કાવ્યો, ટૂંકી વાર્તા, નવલકથાઓ, પત્રો લખાયાં છે, અનેક ફિલ્મો બની છે. યુદ્ધવિષયક સાહિત્ય શાસન માત્રને પડકારે છે.
લેખક ‘હે કોરોના!’ નિબંધનો આરંભ એક વિધાનથી કરે છે; ‘હે કોરોના, તને દશાવતાર પછીનો કયો અવતાર ગણવો એની હજી મને કશી ગડ નથી બેસતી.’ કોરોનાને કારણે લોકોને આઇસોલેશનમાં જ્વું પડ્યું. પોતાના ઘરમાં જ કેદ થઈ જવું પડ્યું! આ મહામારી વધુ ન ફેલાય તે માટે લોકો એકબીજાના સંપર્કમાં ન આવે તે જરૂરી હતું. જોકે ઘણાબધા માટે આ એકાંતવાસ સહેલો નહોતો. લોકો કંટાળતા હતા. કેટલાક તો ડિપ્રેશનનો ભોગ બન્યા. જોકે લેખક આ નકારાત્મક પરિસ્થિતિને સકારાત્મક રીતે જુએ છે. કોરોનાનો આભાર માને છે અને કહે છે કે તારા લીધે મને સ્વાયત્તતા મળી! આ બધુ લખવાની શક્તિ મળી. જાતે ચા બનાવવાની, નાસ્તો બનાવવાનો ને જાતે જ ખાઈ લેવાનું! ઘરમાં જ ફર્યા કરવાનું. આ કોરોનાને કારણે જાણે કાફકાના ગ્રેગર સામ્સાની જેમ જાણે મેટામોર્ફોસિસ થઈ ગયું છે! કોરોનાનો સમય લોકોની ધીરજ, શિસ્ત, પરસ્પર સહકારની ક્ષમતાની કસોટીનો હતો. કેટલાકે આ દિવસોમાં માનસિક સંતુલન ગુમાવ્યું, તો આ લેખકની જેમ કેટલાકે હકારાત્મકતા શોધી લીધી. જે લોકો સાંસારિક જવાબદારીઓને લીધે પોતાની જાતને મળી નહોતા શકતા, તેમને કોરોનાએ જાણે જાતને મળવાની તક આપી. લેખક કહે છે કે ‘હું માણસ, પણ સાહિત્યકાર બની ગયેલો, તે પાછો માણસ બનવા તરફ છું!
લેખક પાસે આ વિષયમાં કહેવાનું ઘણું છે પણ અટકે છે, વધુ તને કાલે, પછીથી કહીશ. લેખકનો આ એના કલ્પિત વાચક સાથેનો વન ટુ વન સંવાદ છે.
લેખક કોરોના વિશે વિચારતાં હેમિંગ્વે, નિત્શે, કામુ, આયોનેસ્કો, બેકેટ, વગેરે સર્જકોની પાસે જાય છે.
કોરોના જેવી આફતો સદીમાં એકાદ વખત આવે, પણ એ મનુષ્યની સંઘર્ષ કરવાની ક્ષમતાને પડકારે. કોરોના મહામારીના દિવસોમાં જીવવા માટે અથાક સંઘર્ષ કરવાનો છે. પેલી એક વાર્તામાં આવતું હતું કે ‘ઉજ્જૈનીમાં જે જાગે તે જીવે ને ઊંઘે તે મરે’ એના જેવું. ચોતરફ મૃત્યુ મોં ફાડીને ઊભું છે, પણ હિમ્મત રાખવાની છે, સૌ સારું થઈ જશે એવી શ્રદ્ધા રાખવાની છે. બધુ સારું થશે પણ ક્યારે? ઉમાશંકરની પંક્તિઓ સાંભરે –‘એ તે ક્યારે? સહુ ભસમ થઈ જાય પછીથી?’
આ સંઘર્ષના દિવસોમાં લેખક હેમિંગ્વેની નવલકથા ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ના નાયક સાન્તિયાગોના સંઘર્ષને યાદ કરે છે. વય અને ભાગ્ય, બંને જેની તરફેણમાં નથી એવો ઘરડો સાન્તિયાગો સાગરમાં માછલી પકડવા નીકળ્યો છે. દિવસો પર દિવસો વીત્યા, પણ માછલી મળતી નથી! ચોર્યાસી દિવસના અંતે એને એક બહુ મોટી માછલી મળે છે. સાન્તિયાગો એને નાવ સાથે બાંધે છે. એ કિનારે પહોંચે ત્યાં સુધીમાં બીજી માછલીઓ એ માછલીને ખાઈ જાય છે, ખાલી હાડપિંજર બચે છે. હતાશ થઈ એ ઘરે પહોંચે છે. અંધારું થઈ ગયું છે. એની નાનકડી ખોલીમાં સૂઈ જાય છે ને સિંહનાં સપનાં જુએ છે!
એક તરફ વિરાટ પ્રકૃતિ છે, બીજી તરફ સામાન્ય મનુષ્ય. એક તરફ સમૃદ્ધ સાગર છે તો બીજી તરફ અભાવગ્રસ્ત માછીમાર. છતાં લડવાનું છે. હારી જવાય તો પણ આશા મૂકવાની નથી. હારજીત કરતાં મહત્ત્વ લડવાનું છે. લેખકનું આ વિધાન ‘આશા ન રાખવી એ તો પાપ છે’ સ્પર્શી જાય છે. કોરોનાકાળની પરિસ્થિતિઓ સામે લડવામાં સાન્તિયાગો પ્રેરણારૂપ છે. હેમિંગ્વે પ્રકૃતિના પડકારનો સામનો કરી, એના પર વિજય પ્રાપ્ત કરી યોગ્યતા સાબિત કરનારા લોકોથી પ્રભાવિત હતા. સાન્તિયાગો લડે છે, હારે છે, છતાં સિંહનાં સપનાં જુએ છે! એ માત્ર કર્મમાં માને છે, ફળમાં એની આશક્તિ નથી. આ પ્રકારનાં બીજાં ઉદાહરણ પણ મળે. સીસીફસનું કથાનક તરત યાદ આવે. એને ઈશ્વરનો શાપ હતો. એક ભારે પથ્થરને ઊંચકીને ટેકરી પર લઈ જવાનો, એ પથ્થર ગબડીને નીચે આવે. વળી પાછો એને ટેકરી પર લઈ જવાનો. આ નિરર્થક ક્રિયા કર્યે જવાની. સિસિફસની મિથ વિષે કહેવાયુ: The myth of Sisyphus symbolize the limitations of human efforts and the constant struggle between feasible and infeasible.
કામુના મતે The myth of Sisyphus invite us to reconsider our relationship with struggle and difficult situations.
લેખકે કોરોનાકાળના અને સાન્તિયાગોના સંઘર્ષને જોડાજોડ મૂકી સંઘર્ષની અનિવાર્યતા સમજાવે છે.
કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને સમજવા લેખક આપણને બીજા એક સર્જક નિત્શે પાસે લઈ જાય છે. શરૂઆતમાં જ એક વિધાન કરે છે; વંશ, લિંગ, જાતિ, જ્ઞાતિ, વગેરે તમામ ભેદોથી મુક્ત છે આ કોરોના નામની મહામારી! અને સર્વવ્યાપી પણ છે.
લેખક બિલઅ તારની ‘ધ તુરીન હોર્સ’ ફિલ્મની વાત કરે છે. આ ફિલ્મ જર્મન ફિલસૂફ નિત્શે વિષે છે. આ ફિલ્મના કેન્દ્રમાં છે આ ઘટના; નિત્શે એક સવારે ચાલવા નીકળેલા. રસ્તામાં એક વ્યક્તિ એના અડિયલ ઘોડાને ચાબુકથી ફટકારતો હતો. નિત્શેથી આ જોયું ન ગયું, ને એ ઘોડાને બચાવવા દોડીને એની ડોકે વળગી પડ્યા, રડી પડ્યા અને પછી ઢળી પડ્યા! એમનો લેંડલોર્ડ મિત્ર ડેવિડ ફીનો એમને ઘરે લઈ ગયો. નિત્શે બે દિવસ અભાનાવસ્થામાં સરી ગયેલા. આ ઘટના પછી એમને સ્વિટજરલેંડના વસેલ ખાતેના મેન્ટલ અસાઇલમમાં દાખલ કરવા પડેલા. માત્ર છપ્પન વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.
નિત્શેના આ પ્રસંગ પરથી રામકૃષ્ણ પરમહંસનો આવો જ પ્રસંગ યાદ આવે છે. કોઈ એક માણસ હંટર લઈને કોઈને મારતો હતો. એ જોઈને રામકૃષ્ણ રડી પડ્યા. પેલો મારતો હતો કોઈ બીજી વ્યક્તિને, અને એના સોળ રામકૃષ્ણની પીઠ પર પડતા હતા! અતિ સંવેદનશીલ લોકોને સમજવા/ઓળખવા અઘરા છે. અને એ ન સમજાય એટલે એમને પાગલ ગણી લેવાતા હોય છે. ઋષિ અને પાગલ બહારથી એક સરખા દેખાતા હોય, પરંતુ એક અંદરથી જાગેલો હોય અને બીજાને પોતે કોણ છે તેનું વિસ્મરણ થયું હોય છે.
લેખક નિત્શેએ સર્જેલા મેડમેનની વાત કરે છે. એ પાગલજન સુપ્રભાતે ફાનસ લઈ ભરબજારે નીકળે છે અને બૂમો પાડે છે કે મેં ઈશ્વરને શોધી કાઢ્યો, મેં ઈશ્વરને શોધી કાઢ્યો. આ સાંભળનારાઓમાં ઘણા ઈશ્વરને માનતા નહોતા. તેઓ હસ્યા. પાગલે લોકોને કહ્યું ‘ક્યાં છે ઈશ્વર એ તમારે જાણવું છે ને, આવો હું બતાવું તમને. સાંભળો આપણે એને હણી નાખ્યો છે –મેં અને તમે. આપણે બધાં છીએ એના ખૂની, હત્યારા… હત્યારાઓના હત્યારા, આપણે શી રીતે સુખ પામવાના? અત્યાર સુધી વિશ્વ પાસે પવિત્રતમ અને સર્વશક્તિવંત જે હતું, તે આપણા છરાથી મરણને પામ્યું છે.
શ્રોતાઓ શાંત હતા. એ પાગલ જણ ફાનસ ફેંકીને જતાં જતાં બોલ્યો ‘હું બહુ વહેલો આવી પહોંચ્યો. હજી મારો સમય નથી થયો’. એ પાગલ જણ એ જ દિવસે અનેક દેવળોમાં ગયેલો અને ત્યાં એને ઈશ્વરને પરમ શાંતિ કાજે પ્રાર્થનાઓ કરી હતી.
નિત્શે એક અસાધારણ પ્રતિભા હતા. ઈશ્વરના હોવા ન હોવા વિશે યુગોથી ચર્ચાઓ ચાલ્યા કરે છે. માનવસમાજે જીવતા માણસ કરતાં કલ્પેલા ઈશ્વરને વધુ પ્રાધાન્ય આપ્યું છે. અહીં બર્ટ્રાંન્ડ રસેલનું સ્મરણ થાય છે. એ નિરીશ્વરવાદી હતા, છતાં નિત્શેના અભિગમનો સ્વીકાર કરતા નહોતા. તેમણે બુદ્ધ અને નિત્શે વચ્ચે એક સંવાદની કલ્પના કરેલી. જેમાં બુદ્ધ નબળા અને દુ:ખીના પક્ષધર બને છે અને નિત્શે તેમના વિરોધમાં છે. રસેલ સાધારણ લોકોનાં દુઃખો પ્રત્યેની સંવેદનશીલતાને અવગણતા કોઈ પણ નૈતિક મૂલ્યને સ્વીકારવા તૈયાર નહોતા. જોકે ઘણા વિવેચકોએ ઝાક દેરિદા, ઝાકકૉં, મિશેલ ફૂકો, વગેરે ચિંતકોનાં જ્ઞાન, અર્થ, મૂલ્ય, સત્ય કે કળાવિષયક ક્રાંતિકારી વિશ્લેષણોમાં નિત્શેનો પ્રભાવ જોયો છે.
નિત્શેએ ‘ધ ગે સાયન્સ’માં ધર્મ અને દર્શન, જીવનના આનંદથી વિખૂટા પડી ગયાં છે તે દર્શાવ્યું છે. નિત્શેના દર્શનમાં જીવનનું સમર્થન છે અને તેઓ આનંદ અને પીડા બંનેનો સ્વીકાર કરે છે. સુમનભાઈએ એક બીજો નિબંધ પણ લખ્યો છે, ‘નિત્શે –એક હોનારત’. પરંતુ આપણે એની વાત અહીં કરવાના નથી.
જેમ કોરોના એક મહામારી હતી, તેમ પ્લેગ પણ મહામારી હતો. કામુએ ‘પ્લેગ’ નવલકથા લખી છે. લેખકના મતે સાહિત્યકૃતિ ભલે જીવનનું સીધું પ્રતિબિંબ ન હોય, પરંતુ એ ‘ક્યારેક જીવનની બિલકુલ સમાંતરે રહીને પણ પોતાની વાત કરતી હોય છે.’
લેખકને કોરોનાની વાસ્તવિકતા અને ‘પ્લેગ’ની સર્જનાત્મક વાસ્તવિકતા વચ્ચે સામ્ય દેખાય છે. ઈ.સ. પૂર્વે ચીનમાં પ્લેગ શરૂ થયેલો. (કોરોના પણ ચીનમાંથી જ ફેલાયો!) ૧૪મી સદીમાં યુરોપમાં એણે હોનારત સરજેલી. ૧૩૪૭થી ૧૩૫૨ દરમ્યાન ૨૫ મિલિયન લોકો મૃત્યુ પામેલા. એટલે એને ‘બ્લેક ડેથ’ પણ કહે છે.
અલ્જિરિયાના ઓરાન શહેરમાં પ્લેગ ફાટી નીકળ્યો છે. એ નગર ક્વોરેંટાઇન થઈ ગયું. સમગ્ર વિશ્વથી કપાઈ ગયું. રોગ પ્રાણઘાતક હતો. કોઈ દવા નહોતી. લોકો મરી રહ્યા હતા. ડો. રીઅય અને એના સાથીઓ આ મહામારીનો સામનો કરતા હતા. એમનો પ્રયત્ન પૂરો હતો પરંતુ પરિણામ શૂન્ય હતું. ડો. રીઅય નિરાશ થાય છે. એને થાય છે કે હું આમાં સફળ નહીં થાઉં? ઈશ્વર મારી પાસે શું માંગે છે? રીઅયની જાણ બહાર એની પત્નીનું મૃત્યુ થાય છે. પાદરી પાન્નડુ પ્રવચન આપતાં કહે છે કે પ્લેગ ઈશ્વરે નગરજનોની શ્રદ્ધાની કસોટી કરવા મોકલ્યો છે! એ પાન્નડુ પણ મરે છે! રીઅયને થાય છે કે લોકોનાં મૃત્યુ માટે હું જ દોષી છું. લેખક કહે છે ‘પ્લેગ હોય કે કોરોના, ત્યારે જીવનની એબ્સર્ડિટી એના ફુલ ફોર્મમાં અનુભવાતી હોય છે.’ આવી પરિસ્થિતિ આત્મશોધનની તક આપતી હોય છે. વળી કહે છે ‘પ્લેગના બેક્ટેરિયા કદી પણ મરતા નથી... ચાલોને કોરોનાના રોગાણુઓને શોધી કાઢીએ –કદાચ આપણાંમાં છુપાયા હોય…’
એક વિવેચકે ‘ધ પ્લેગ’ની સમીક્ષા કરતાં બહુ મહત્ત્વની વાત કરી છે: ‘The citizens of Oran becomes prisoners of the plague when their city falls under total quarantine, but it is questionable whether they were really ‘free’ before plague? આપણે સૌ ખરેખર સ્વતંત્ર છીએ? આ નવલકથા ‘પ્લેગ’, માનવની ટકી રહેવાની અને પરિસ્થિતિ પ્રમાણે સ્થિતિસ્થાપક, લવચીક બની રહેવાની ક્ષમતાની કથા છે. મનુષ્યની અસમર્થતા તેની નિયતિ નક્કી કરે છે. કોરોના મહામારીના સમયમાં પણ આ જ સાચું છે.
લેખક બહુ સજાગ છે. દુનિયામાં બનતી ઘટનાઓ જોતા રહે છે. અમેરિકાના પ્રેસિડેન્ટે સ્ટેટમેન્ટ આપ્યું કે ‘આ પૅન્ડેમિક, એટલે કે કોરોના હવે પતી જવામાં છે!’ રાજકારણીઓ બેજવાબદાર વિધાનો કરવા માટે કુખ્યાત છે. પરંતુ whoએ કહ્યું કે ‘The world is in new and dangerous phase.’ રાજકારણમાં પણ લોકશાહીમાં નેતાઓ એક નેટવર્ક બનાવી પ્રજાને ભોળવે છે ને પ્રજા ભોળવાય પણ છે. આ સંદર્ભમાં લેખક યુજિન આયોનેસ્કોના નાટક ‘ધ લીડર’ની ચર્ચા કરે છે.
શહેરમાં એક નેતા આવે છે. લોકો નેતાને જોવા જાય છે, અને જુએ છે તો આશ્ચર્ય થાય છે, કે નેતાની હેટ નીચે હેડ કેમ નથી? કદાચ નેતાને હેડની જરૂર હોતી જ નથી! આયોનેસ્કો એ ફ્રેંચ નાટ્યકાર. પરંપરાગત નાટકોથી ઊફરા ચાલીને નાટ્યપરંપરામાં મોટો વળાંક આપેલો. એમણે નાટકને રંગભૂમિ અને પ્રેક્ષાગારની જડબેસલાક સીમાઓથી મુક્ત કર્યું. એક પ્રકારના ‘એન્ટિ પ્લે’નો આવિષ્કાર કરેલો. થિયેટર ઓફ એબ્સર્ડના આવિષ્કારમાં આયોનેસ્કોના એકાંકી નાટક ‘ધ બાલ્ડ’ને યાદ કરાય છે. આ નિબંધમાં લેખકે રાજકારણીઓ પ્રત્યેનો કટાક્ષ કર્યો છે. પણ લોકો વાંચે છે ખરા? સાંભળે છે ખરા?
બીજા એક નિબંધ ‘ચાલો બેકેટ પાસે’માં ભાષા-કટોકટી વિષેની ચિંતા અને ચિંતન છે.
લેખકને પાડોશમાં રહેતા એક છોકરાએ પૂછ્યું ‘ગજ’ એટલે શું? કોરોનાકાળમાં સૂચના અપાતી કે ‘બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું બે ગજનું અંતર રાખો.’ એ છોકરાને ‘ગજ’નો અર્થ ન સમજાયો. લેખકની ભાષા વિશેના ચિંતનની શરૂઆત થાય છે. લેખક ઘણા શબ્દોની યાદી આપે છે જે આજકાલ બહુ બોલાતા નથી, કે બોલાય છે તો ઘણાને સમજાતા નથી. કોરોનાની વાસ્તવિકતામાં દુનિયા ફસાઈ છે. અને અનેક પ્રકારની કટોકટીઓ અનુભવાય છે. તેમાં એક કસોટી ભાષાની પણ છે. લેખકને માટે કટોકટી એ છે, કે ભાષા કામયાબ, સફળ નથી અનુભવાતી. આનો અર્થ એ નહીં કે ભાષા મરી ગઈ છે. સમજવાનું એ છે કે ભાષા પરિવર્તનશીલ છે.
વિશ્વયુદ્ધ પછી લગભગ આવી જ ભાષિક કટોકટી જન્મી હતી. નિરાશા છવાઈ ગઈ હતી. ભલભલા ભાષાસ્વામીઓનું ભાષાબળ ડગમગી ગયું હતું. એમને સમજાઈ ગયું કે ભાષા તકલાદી વસ્તુ છે. ભાષા અર્થ નહીં, પણ કેટલો વ્યર્થ સર્જ્યા કરતી હોય છે, એવી તીવ્ર અનુભૂતિ સેમ્યુયલ બેકેટને થયેલી. બેકેટને પેરિસથી ડબ્લિન જતાં વિચારો આવ્યા, કે હવેથી મારે દુનિયાને વિશે ખાસ જાણવાની અને તેને શબ્દોમાં સારવ્યા કરવાની જરૂર નથી. એ પૂર્વસુરિ જેમ્સ જોય્યસના વારસામાંથી મુક્ત થવા ઇચ્છતા હતા. બેકેટને સમજાઈ ગયું હતું કે ભાષાનું સાધન અંદરથી કંગાળ, દોદળું, અવિશ્વસનીય છે. તેઓ કહેતા કે હું ભાષા ન છૂટકે વાપરું છું. એમની અપ્રકાશિત નવલકથા ‘Mercier et camier’ માં જાણ્યે-અજાણ્યે આ પરિશોધનો પ્રારંભ છે અને નવલત્રયી Molly, Malone merut અને I’innammableમાં એનો વિકાસ છે. ભાષાને સ્થાને મૌન કે શાંતતાની પરિશોધ બેકેટને નાટક તરફ દોરી જાય છે. એમના એક નાટકનું નામ ઘણું સૂચક છે: ‘Act without words’. એ દરમ્યાન એમને સમજાય છે કે ભાષા વિષયક અશ્રદ્ધામાંથી ભાષાક્રીડા –લેન્ગ્વેજ ગેમ અને તેમાંથી જ હાસ્ય પ્રગટી શકે. એમણે ‘વેઇટિંગ ફોર ગોદો’માં ટ્રેજીકને કોમિકમાં કદાચ એ પરિશોધના ધક્કાથી જ એકરસ કરી દીધું છે.
ભાષાની અક્ષમતા ભાષા દ્વારા જ વ્યક્ત થઈ, અને એક નવું પરિણામ સામે આવ્યું. સર્જન જ સર્જકનો સૌથી મોટો ગુરુ છે! સર્જનની પ્રક્રિયા સર્જકની સંવેદનાને સંસ્કારે છે. જુઓ ‘ગજ’ શબ્દથી શરૂ થયેલી વાત ક્યાં પહોચી!
ચોમાસું અને ચોમાસું – ૨ નિબંધ અન્ય નિબંધોથી સાવ જુદા છે. આ નિબંધમાં પ્રકૃતિપ્રીતિ અને નોસ્ટાલ્જિયાનો નિબિડ અનુભવ શબ્દસ્થ થયો છે. લેખકને એકવાર અમેરિકના વિન્ટરે પરેશાન કરેલા. બે ત્રણ દિવસ સ્નો વરસ્યા જ કરે. એટલે એમને શબ્દ સૂજ્યો ‘સ્નોમાસું!’
આમ તો બધી ઋતુઓમાં વસંત ઋતુ શ્રેષ્ઠ છે એમ કહેવાયું છે, પરંતુ આપણા ગુજરાતમાં તો વર્ષાઋતુનો અનુભવ વિશેષ થાય છે એવું નર્મદે કહ્યું હતું. વરસાદનાં પણ જુદાં જુદાં નામ છે. દિવસો સુધી વરસાદ વરસે એને હેલી કહે છે. લેખકના મનમાં હતું કે જો દીકરીનો જન્મ થશે તો એનું નામ હેલી પાડીશું. પણ નસીબમાં દીકરી નહીં એટલે એ ઇચ્છા અધૂરી જ રહી ગઈ.
લેખકને બાળપણની, નોકરી કરતા હતા તે સ્થળોની, વૃક્ષોની યાદ આવે છે. નાના હતા ત્યારે ગામના તળાવમાં ખૂબ કમળ થતાં. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસના ઘરમાં કીચન ગાર્ડન કરેલો. ઘર પાસે આસોપાલવ, લીમડા ને શિરીષનાં વૃક્ષો હતાં. વરસાદ આવે ત્યારે શાંત થઈ એનો અવાજ સાંભળવાનો. વરસાદ વરસતો હોય ને ગરમ પાણીની ડોલ લઈને નહાવાનું. શીતોષ્ણ સ્નાન! વરસાદમાં જીભને ચટાકા થાય. તળેલા સીંગદાણા, તો ક્યારેક મરચાંનાં ભજિયાં આરોગવાની મજા માણવાની.
વરસાદ તો મિલનની ઋતુ. સંગિનીની કમરે હાથ મૂકી વરસાદમાં ચાલતાં નીકળવાનું. ક્યારેક ગાઢ અંધકારમાં ચત્તા સૂઈને વર્ષારવ સાંભળવાનો. એ અનુભવ સમાધિની કક્ષાનો હોય! જોકે આ આનંદ સાથે થોડી ઉદાસી પણ આવે. વરસાદ રહી ગયા પછી રસ્તા તૂટી ગયા હોય, કોઈ ડૂબી ગયું હોય, ઢોરઢાંખર મરી ગયાં હોય, એ જાણીને ગમગીન થઈ જવાય. સુખ એકલું ક્યાં આવે છે?
લેખકને હજી કાલિદાસના ‘મેઘદૂત’ની અને બોદલેરના ‘સ્પ્લીન’ની વાત કરવી હતી, પરંતુ અટકે છે.
એ બે કાવ્યોની વાત ચોમાસું-૨ માં કરે છે. વર્ષાઋતુનાં સંસ્મરણ હજી બીજાં પણ છે. શબરી ટાવરના આઠમા માળે આવેલા ફ્લેટમાંથી જોયેલો પાણીની રજોટીનાં બાચકાં ઉછાળતો, ભાગતો વરસાદ. એ તો જાણે વર્ષાજળનો પાવડર! એક વાર બોલ્ટનથી વર્ડ્ઝવર્થના ગામ જતાં જોરથી કરા વરસેલા, હેઈલ સ્ટોર્મ. વરસાદમાં બારી પાસે બેસી વાંચવાનો અનુભવ જુદો જ હોય. લેખકને ‘મેઘદૂત’ અને ‘ગીતાંજલી’ વાંચેલાં તેનું સ્મરણ થાય છે. તેઓ ભણતા હતા ત્યારે ‘મેઘદૂત’ અભ્યાસક્રમમાં હતું. યક્ષ પ્રિયનો સંદેશ લઈ જવા મેઘની સ્તુતિ કરે છે. પ્રેમ થયો હોય તેને જ વિરહ થાય. એને જ સમજાય કે દૂત એટલે શું? એ જમાનામાં પ્રેમપત્રો લખાતા. એ પત્ર છોકરાઓ ખિસ્સામાં અને છોકરીઓ બ્લાઉઝમાં સંતાડતાં. એ લેટર પકડાઈ જાય તો બોમ્બની ગરજ સારતા. હાલના છોકરાઓને મોબાઈલમાં ‘આઈ લવ યુ’ લખતાંય જોર આવે છે.
વર્ષાઋતુને વિરહ અને ગમગીની સાથે પણ સંબંધ છે. વર્ષા દૂરના એ સમયમાં લઈ જાય છે, જ્યાં હમેશને માટે છૂટી ગયેલું કે છોડી ગયેલું સ્વજન સાંભરે છે. વરસાદ ક્યારેક આંખમાં આંસુ પણ લાવે છે. એવી ભાવદશામાં લેખકને બોદલેર સાંભરે છે. બોદલેરનો કાવ્યસંગ્રહ ‘પેરિસ સ્પ્લીન’ પેરિસના નગરજીવન વિષે છે. આમ તો ‘સ્પ્લીન’ એટલે બરોળ પરંતુ અહીં અર્થ છે ‘બેડ મૂડ’. કવિને પૃથ્વી ભેજવાળી જેલ જેવી લાગે છે. વરસાદ આ વિરાટ જેલના જાડા સળિયાની ધારાએ નિરંતર વરસે છે. છેલ્લે કાવ્યનાયક કહે છે કે મારા અંતરમનમાંથી અર્થીઓ પસાર થઈ રહી છે, ન ડ્રમ ન મ્યુઝિક. હારી છૂટેલી આશા રડે છે, અને અત્યાચારી, નિરંકુશ વ્યથા મારા મસ્તક પર એની કાળી ધજા ફરકાવે છે.
આ નિબંધ વર્ષા નિમિત્તે મળતાં સુખદુઃખની જાણે સિમ્ફની છે. લેખક નોસ્ટાલ્જિક અનુભૂતિ સાથે બે કાવ્યો, મેઘદૂત અને સ્પ્લીન, જોડાજોડ મૂકીને, એક જુદા જ ભાવજગતમાં દોરી જાય છે
હજી કહેવાનું ઘણું છે એટલે કહે છે ‘ક્યારેક આખી વાત માંડીને કરીશ’!
લેખક ‘શ્વેતાશ્વર ઉપનિષદ’માં વળી કોરોના સાથેનું અનુસંધાન સાધે છે. કહે છે ‘એબ્સર્ડ’ શબ્દનો અર્થ કોરોનાએ સમજાવ્યો. કોરોના દુ:ખદાયી છે, છતાં જીવાય છે. માણસમાં ઉત્સાહ પણ ઘણો છે. કાલિદાસે લોકોને ઉત્સવપ્રિય કહ્યા છે. ઉત્સવો વ્યથાને ભુલાવી દે છે. વિપરીત સંજોગોમાં પણ માણસને નાચવું-ગાવું ગમે છે. લોકોની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. ભારતમાં મકરસંક્રાંતિ, રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી, એમ અનેક ઉત્સવો ઉજવાય છે. તો વિશ્વમાં વસ્તી જુદી જુદી પ્રજા પણ અનેક ઉત્સવ ઉજવે છે. યુરોપમાં નેધરલેંડનું વિખ્યાત શહેર આમસ્ટરડેમ એની નાઇટલાઇફ માટે જાણીતું છે. ત્યાં દસથી વધુ મ્યુઝિક ફેસ્ટિવલ યોજાય છે. એમાં ‘આમસ્ટરડેમ ડાન્સ ઇવેન્ટ’ ખૂબ લોકપ્રિય છે. આ ઉત્સવને ‘બેહેમોથ’ નામ અપાયું છે. ત્યાં એક ઉત્સવ એવો છે જેમાં તમામ દુકાનો, ધંધા બંધ રખાય છે. શેરીઓમાં, ચોગનમાં કામચલાઉ દુકાનો થાય. લોકો નાચે, ગાય, બીયર પીએ.
લેખક કહે છે ‘જીવન કેવું છે, વ્યથાઓ છે પણ તેની સામે ઉજવણાં પણ છે’. લેખક વળી ગંભીર ચિંતનમાં સરી પડે છે. માણસ શું છે? શેનો ઘડેલો છે? એમ કહેવાયું છે કે માણસ તો આદમ અને ઈવના ‘ઓરિજિનલ સીન’નું પરિણામ છે. પાપત્વ મનુષ્યને વારસામાં મળ્યું છે. જ્યારે ‘શ્વેતાશ્વર’ ઉપનિષદના ઋષિ કહે છે ‘વયમ અમૃતસ્ય સન્તાનમ’. વિવેકાનંદે ૧૮૯૩માં વિશ્વ ધર્મપરિષદમાં આ જ કહ્યું હતું ‘ચિલ્ડ્રન ઓફ ઇમોર્ટાલિટી’. સાર્ત્ર કહે છે આપણે માત્ર સત છીએ, ને સામે છે તે શૂન્ય છે; ‘બીઈંગ એન્ડ નથિંગનેસ’. એમણે કહેલું, માણસ માત્ર શાપિત છે. એનું કોઈ પણ કૃત્ય દાયિત્વમુક્ત નથી. બુદ્ધ જુદું જ કહે છે; સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ. સર્વમ દુખમ દુખમ, સર્વમ સ્વલક્ષણમ સ્વલક્ષણમ, સર્વમ શૂન્યમ શૂન્યમ.
લેખકને માટે આ બધાં મંતવ્યો એકમેકનો છેદ ઉડાડે છે, સાચાં પણ લાગે છે. તો કરવાનું શું? લેખક ફિલસૂફોને પ્રશ્ન કરે છે –જીવવાનું કઈ રીતે?
આ નિબંધ મનુષયોની ઉત્સવપ્રિયતાની વાત કરતાં કરતાં, ‘મનુષ્ય છે શું?’ એ ગંભીર પ્રશ્ન સુધી પહોંચે છે. લેખક અનેક ચિંતકોનાં મંતવ્યો આપે છે. બાઇબલથી માંડી, શ્વેતાશ્વર ઉપનિષદ, બુદ્ધથી માંડી સાર્ત્ર સુધીના ચિંતકોના વિચારો શું છે તે જણાવે છે. અંતે પ્રશ્ન તો એ જ રહે છે, કે જીવવું કઈ રીતે? કદાચ એ પ્રશ્નનો ઉત્તર કોઈ પાસે નથી, અથવા નિષ્કર્ષ એ છે કે સૌએ પોતાના પ્રશ્નોના ઉત્તર જાતે જ શોધવાના છે!
આ નિબંધોમાથી પસાર થતાં સ્પષ્ટ થાય છે કે આ એક બહુશ્રુત, સંવેદનશીલ અને મનુષ્યમાત્રની વેદના-સંવેદનાની ખેવના કરતા સર્જકે સર્જેલા છે. ખાસ વાત એ છે, કે કોરોનાકાળમાં એકાંતવાસમાં લખવું, ખંતથી લખવું એ નાનોસૂનો પુરુષાર્થ નથી. જો કે માણસ લખવા બેસે પછી એકલો રહેતો નથી. એણે જીવેલી, વાંચેલી, લખેલી, વિચારેલી સૃષ્ટિ એને ઘેરી વળે છે. અને આ સૃષ્ટિમાં પ્રાચીન-અર્વાચીન અને પૂર્વ-પશ્ચિમના કેટકેટલા સંદર્ભો ગૂંથાઈ ગયા છે! સંસ્કૃત, ગુજરાતી, બંગાળી, અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, વગેરે અનેક ભાષાઓના સર્જકો તથા ગ્રંથોની વાતોની અહીં ઉપસ્થિતિ છે.
આ લખનારને લાગે છે કે સુમનભાઈ પોતાપણું સંભાળીને સમય સાથે બદલાયા છે. એમની સર્જન અને વિવેચનની પ્રવૃત્તિ તો પહેલેથી જ રહી છે, પરંતુ પૂર્વાર્ધમાં વિવેચન તરફ ઝુકાવ હતો, તો ઉત્તરાર્ધમાં સર્જન તરફ વધુ છે. એમણે આધુનિકતા છોડી નથી, અને છતાં અનુઆધુનિકતામાં પ્રવેશ્યા છે. આ સંક્રમણ જુદા અભ્યાસનો વિષય બને એમ છે. પહેલાં એવી ફરિયાદ થતી, કે સુમનભાઈ બહુ અઘરું લખે છે. પરંતુ હવે સ્તર જાળવીને પ્રમાણમાં સરળ, તરત સમજાય એવું લખે છે. આ નિબંધોમાં જોઈએ, તો જ્યાં અઘરા શબ્દ આવે ત્યાં તરત એનો અર્થ આપે છે, જેમ કે lethal –પ્રાણઘાતક, બેહેમોથ-પ્રચંડકાય પ્રાણી, સ્પ્લીન –આમ અર્થ થાય બરોળ, પરંતુ અહીં બેડ મૂડ વગેરે. કેટલાક ‘સ્નોમાસું’ જેવા નવા શબ્દો પણ ઘડી કાઢે છે. ફેસબુક અને વોટ્સેપના લખાણને ‘કોરોનાનું લોકસાહિત્ય’ કહે છે!
આ નિબંધોની ભાષા સરળ અને સીધી છે. નિબંધકાર એના વાચક પાસે બેસીને જાણે નિરાંતે વાતો કરે છે! કહેવાનું તો એમની પાસે એટલું બધું છે, કે હંમેશાં ક્યાંક અટકવું પડે છે. પછી હૈયાધારણ બંધાવે, કે ફરી ક્યારેક વિસ્તારથી વાત કરીશું! આ લેખક જે કંઈ લખે છે, તે પૂરી જવાબદારીથી લખે છે. આ નિબંધો આમ તો કોરોનાકાળને જ કેન્દ્રમાં રાખીને લખાયા છે, છતાં બીજા અનેક વિષયોની પણ વાત થઈ છે. મનુષ્ય શું છે? એની નિયતિ શું? ઈશ્વર છે-નથીની જિજ્ઞાસા અને બીજુ ઘણું બધુ ચર્ચાયું છે. આ લેખક માત્ર ગંભીર પ્રકૃતિના છે એવું નથી, પરંતુ અંદરથી ઋજુ અને ખૂબ જ સંવેદનશીલ પણ છે, તેની પ્રતીતિ ચોમાસું અને ચોમાસું-૨ નિબંધ કરાવે છે.
જે પરિસ્થિતિમાં લોકો હતાશ થઈ જાય, તેમાંથી સર્જક હકારાત્મકતા શોધી લેતો હોય છે, તેની આ નિબંધો શાખ પૂરે છે. સુમનભાઈ ગમે તે વિષય હોય, તેની સૂક્ષ્મ છણાવટ કરે છે. એટલે જ કોઈ પણ વિષય સમજાવવો હોય તો કહી શકાય કે ચાલો સુમનભાઈ પાસે…
– દીપક રાવલ
મો. 99984 02254