સુમન શાહ સાહિત્યસંપુટ/૬. સંજય ચૌધરી
સંજય ચૌધરી
૧૯૮૫-૮૬ના અરસામાં ગુજરાત યુનિવર્સિટીમાં ‘પીજી ડિપ્લોમા ઈન કૉમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન’નો અભ્યાસ કરતી વખતે કૉમ્પ્યુટર સેન્ટરની બહાર જ્યારે કોઈક વાર મિત્રો સાથે ઊભો હોઉં, ત્યારે સુમનભાઈને ભાષાભવનથી ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકોનાં રહેઠાણ તરફ તેમની એકધારી ગતિએ ચાલતા જતા જોઉં, ત્યારે તેમની તરફ હાથ ઊંચો કરું તો તેઓ પણ હાથ ઊંચો કરતા કે મલકાતા. તે અગાઉ પૂર્ણિશ્વર સોસાયટીમાં તેમને તથા રશ્મીતાબહેનને સાયકલ પર સાથે આવતાં જોયાં હતાં. ક્યારેક તો એમને બંનેને પૂર્વરાગ તથા મદીર સાથે આવતાં પણ જોયાનું યાદ આવે છે. તે પછી લાંબો સમય તેમને મળવાનું બન્યું નહોતું. છેલ્લાં દસેક વર્ષ દરમ્યાન મારાં બા રશ્મીતાબહેન સાથે તેમને થયેલી વાતો અંગે વાત કરતાં.
૨૦૧૩ના જુલાઈ મહિનામાં રાજેન્દ્રભાઈ પટેલનો એક ઇમેઇલ મળ્યો હતો, જે એમણે સુમનભાઈ શાહ દ્વારા સંચાલિત સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમના મુનિ સેવા આશ્રમ, ગોરજ ખાતે આયોજિત ૩૨મી વાર્તાશિબિર માટે આમંત્રિત વાર્તાકારો માટે મોકલ્યો હતો. વાર્તાકાર મિત્ર સંજય ચૌહાણના ઇમેઇલ એડ્રેસના બદલે મારું ઇમેઇલ એડ્રેસ લખાઈ ગયું હતું. સુમનભાઈએ મને સુજાસાફો વાર્તાશિબિરમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું અને કહ્યું, કે નવી લખેલી વાર્તા લઈને આવ. સુજોસાફોના વાર્તાશિબિરે મારા માટે વાર્તાલેખનની નવી જ દિશા ઉઘાડી આપી અને હું ટૂંકી વાર્તા લખતો થયો.
સુજોસાફો વાર્તાશિબિરમાં દરેક વાર્તાકાર પોતાની અપ્રકાશિત વાર્તાનું પઠન કરે, પછી તેની પર ચર્ચા થાય. એક પછી એક સભ્ય પોતાનું મંતવ્ય જણાવે. વાર્તાલેખનના વિવિધ ઘટકોના તથા વાર્તાનાં સ્વરૂપ કે કથાનકના સંદર્ભમાં પ્રત્યેક વાર્તામાં શું શું ખૂટે છે, અથવા વાર્તાનાં કયાં તત્ત્વોને વધારે સારી રીતે ઘૂંટી શકાય છે તે અંગે વાત થાય. માત્ર વાર્તા સારી છે કે નથી સારી, તેમ જણાવવાનું નથી હોતું. ચર્ચાના અંતે સમાપનમાં સુમનભાઈ તે વાર્તા વિશેના વિવિધ મુદ્દાઓ વિસ્તારથી ખોલી આપે અને અંતે વાર્તાકાર પોતાનો મત રજૂ કરે. મેં જોયું છે કે સુમનભાઈ દરેક વાર્તાને ધ્યાનથી સાંભળે અને કોઈ પણ વાર્તા કે તેના વાર્તાકારની ઉપેક્ષા ન થાય તેનું પણ ધ્યાન રાખે, તેમ જ વાર્તાને સાહિત્યિક ધોરણે બરાબર મૂલવે. અહીં સંચાલક, વાર્તાકાર તથા વિવેચકની સંકલિત તથા તટસ્થ ભૂમિકામાં સુમન શાહ બરાબર છતા થાય.
પોતાની વાર્તામાં શું સુધારવું અથવા તેને કેવી રીતે મઠારવી તે અંગેનો નિર્ણય તો વાર્તાકારનો જ. ખરા અર્થમાં વાર્તાલેખન માટેની એક મુક્ત કાર્યશાળા એટલે સુજોસાફોની વાર્તાશિબિરો.
સુજોસાફો વાર્તાશિબિરોમાં ઘડાઈને અનેક વાર્તાકારો તૈયાર થયા છે, અને મને તેનો બરાબર લાભ મળ્યો છે. આ માટે સુમનભાઈનો તથા સુજાસાફો વાર્તાશિબિરોના વાર્તાકાર મિત્રોનો હું વિશેષ આભારી છું. સુજોસાફો શિબિરમાં મેં રજૂ કરેલી મારી પહેલી વાર્તા સ્વરૂપ તથા કથાનકની રીતે સીધી સાદી સરળ હતી. બીજા શિબિરમાં મેં ‘ઊઘડતી દિશા’નું પઠન કર્યું હતું.
તેના સંદર્ભમાં ચર્ચા કરતાં તેમણે અંતમાં કહ્યું હતું કે, ‘ઊઘડતી દિશા’ એ સંજય માટે ‘ક્વૉન્ટમ જમ્પ’ છે.
સુમનભાઈ સતત વાંચે છે તથા વિદેશી સાહિત્યનો એમનો ઊંડો અભ્યાસ છે. એમના વિદ્યાર્થીઓ સાથે થયેલી ચર્ચામાં મેં જાણ્યું છે કે એઓ અધ્યાપક તરીકે સંનિષ્ઠ રહ્યા છે. સાહિત્યના સંદર્ભમાં કોઈ પણ ચર્ચામાં તેઓ પૂરા તન્મય થઈને વાત કરતા હોય છે. અધ્યાપકો માટે એમણે કરેલી શિબિરો, સંન્નિધાન, વગેરે દ્વારા એમણે અધ્યાપકોને ઘડ્યા છે તેમ હું માનું છું.
સુજાસાફો વાર્તાશિબિરની ૫૧મી વાર્તાશિબિરમાં તેમણે એમની નવી વાર્તા ‘એનિથિન્ગ એવરીથિન્ગ’નું પઠન કર્યું હતું. તેના વિશે નીચે મુજબ આસ્વાદ કરાવવાનું મને ગમશે.
કથાનાયક સંભુને તેની સાથે અગાઉ માટુંગામાં રહેતા મિત્ર ડબ્બૂએ આમંત્રણ આપીને ‘એનિથિન્ગ એવરીથિન્ગ’ નામના નગરમાં બોલાવ્યો છે. તે બે દિવસ માટે આવે છે. ડબ્બૂ તેને લેવા એરપોર્ટ આવે છે. પાંચસો અને તેર ઘર ધરાવતું આ નગર વિશિષ્ટ છે. અહીં લોકો ભાષા ભૂલી ગયા છે. લોકો બહુ ઓછું બોલે છે, કેમ કે તેઓ માને છે કે એમના બાપદાદાઓ કહી ગયેલા કે બહુ બોલવાથી મોત વહેલું આવે છે. તેમનો વ્યવહાર માત્ર હાવભાવથી કે ઇશારાથી જ ચાલે છે. તેમને માત્ર બે-ત્રણ વાક્યો જ યાદ છે.
લોકો લગ્નમાં નથી માનતા, બાળકો નથી થવા દેતા, કેમ કે તેઓ માને છે કે આ નઠારી માનવજાતને આગળ નથી વધારવી. લોકો એકબીજા સાથે હળી મળીને રહે છે, સહુ કોઈ પશુ કે પંખી પાળે છે, તથા દરેકના નામમાં પાછળ ‘એફ’ આવે છે. ડબ્બૂ વીએફ નામના વૃદ્ધના ઘરમાં રહે છે. બાથરૂમમાં તૈયાર થવા ગયેલો સંભુ અરીસામાં પોતાને જરા અકળાઈને જુએ, તો તેનો ચહેરો મચકોડાયેલો દેખાય છે. ડબ્બૂ જણાવે છે કે અહીં સહુએ અરીસામાં પોતાને શાંત ચિત્તે જોવાના, તો જ જેવો છે એવો ચહેરો દેખાશે, નહીંતર મોં મચકોડાયેલું દેખાશે. માણસે યાદ રાખવું જોઈએ કે તે રીતે અરીસામાં જોવાની રીત સારી નથી.
બંને નગરમાં ફરવા નીકળે છે. સંભુ ડબ્બૂને અપર્ણાની વાત કરે છે, જે ડબ્બૂની યાદમાં અડધી થઈ ગઈ છે. પણ હવે ડબ્બૂને તેનામાં બિલકુલ રસ નથી. તેને તે છોડીને આવ્યો છે અને તેના માટે તો તે મરી ગઈ છે. અકળાઈને તે સંભુને અપર્ણાને અડધીમાંથી આખી કરવાનું જણાવે છે.
બંને નગરમાં ફરવા નીકળે છે. ડબ્બૂ નગરના ઇતિહાસની વાત કરે છે. પચ્ચાસેક વર્ષ પહેલાં આજુબાજુની કોઈ કૉલોનીમાંથી ત્રણ અંગ્રેજ સૂબાઓ આવી ચઢેલા. તેમની પાસેથી લોકો અંગ્રેજી ભાષા શીખ્યા હતા પણ પોતાની ભાષા ભૂલી ગયા હતા. સમય જતાં અંગ્રેજી ભાષા પણ ભૂલી ગયા હતા અને લોકોને માત્ર ત્રણ વાક્યો જ યાદ રહી ગયાં છે – ‘આર યુ એ હ્યુમન બીઈન્ગ?’, ‘આઈ લવ યુ’, ‘આઈ હેટ યુ.’ ત્રણેય સૂબાઓનો ઇતિહાસ ડબ્બૂને વીએફે કહ્યો હતો. આ ત્રણેય જણા લંપટ નીકળ્યા હતા અને સ્ત્રીઓ પર અત્યાચાર કરતા હતા.
બળવો થયો, અને ત્રણ ચોર બળિયાઓએ આ ત્રણ સૂબાઓને મારી નાખ્યા હતા. ત્યારથી બહાદુર બનેલા લોકો પોતાના ઘરના દરવાજા ખુલ્લા મૂકીને સૂવા લાગ્યા. બધા જ ચોર હોય પછી ઉઘાડે બારણે સૂવામાં શું વાંધો ? આ ત્રણ ચોરમાંનો એક એટલે વૃદ્ધ વીએફ, જેના ઘરમાં ડબ્બૂ રહે છે. ચોરીને ઉજળો ધંધો માનતા ત્રણેય ચોર ડુંગરાઓની પાછળના શહેરમાં જતા, ચોરી કરતા અને વેશ્યાઓ પાસે જતા. વેશ્યાઓએ ત્રણેય ચોર કહ્યું કે તમારાથી અમને બાળકો થયાં છે તો તેમના નિભાવ માટે ખર્ચો આપો. ત્યારે વીએફે કહ્યું હતું કે, અમે થોડાં પહેલા હતા ? શી ખાતરી કે આ બાળકો અમારાથી જ થયાં છે? છેવટે તે ત્રણેય બાળકોને વીએફ અહીં નગરમાં લઈ આવેલો અને તેમાંના બે છોકરા અને એક છોકરી જુવાન થઈ ગયાં. તેઓ જ્યાં રહે છે તે ઘરમાં ડબ્બૂ સંભુને લઈ ગયેલો. કોઈ પણ પુરુષ માટે આકર્ષક એવી એલએફને ડબ્બૂ ચાહે છે.
પોતાને વૃદ્ધ ન ગણતો વીએફ પણ દીકરીની ઉંમરની એલએફને ચાહે છે. ડબ્બૂ વીએફની ચોરી લાવેલી પિસ્તોલ બતાવે છે, જેની મદદથી ડબ્બૂ વીએફને પતાવી દેવા માંગે છે. ડબ્બૂ ઇચ્છે છે કે સંભુ એલએફને જણાવે કે ડબ્બૂ વિદેશી, ભારતીય છે, પ્રેમાળ છે અને એલએફને ચાહે છે.
ભારતીયો કદી દગો નથી કરતા. સંભુ તેમ કરવા તૈયાર નથી. તે માને છે કે અપર્ણાની વાત પણ એલએફને કહેવી જોઈએ. પણ તેવી વાત સાથે ડબ્બૂ રાજી નથી. ગુસ્સે થયેલ સંભુ પોતાને બીજા દિવસે પાછા જવાનું તે જણાવી સૂઈ જાય છે. મોડી રાતે ઉપરના માળે બૂમબરાડા તથા ચિચિયારીઓ સંભળાતા રહે છે.
વહેલી સવારે ઊઠેલા સંભુને ટેબલ પર ડબ્બૂએ લખેલી ચિઠ્ઠી જોવા મળે છે. જેમાં તેણે વીએફને મારી નાંખ્યો છે અને એલએફ સાથે પોતે બીજા શહેરમાં જઈ રહ્યા છે તે અંગે લખ્યું છે. ડબ્બૂએ લખ્યું છે કે અપર્ણા સાથેની તેની વાતનો નાશ કરે અથવા સંભુ અપર્ણાને પોતાની કરી લે.
ડબ્બૂ પર બરાબર અકળાયેલો સંભુ ચિઠ્ઠી મસળીને ટોયલેટમાં ફ્લશ કરી બને એટલી ઝડપથી એરપોર્ટ જતો રહે છે અને ફ્લાઇટમાં બેસીને પોતાને દેશ પાછો ચાલ્યો જાય છે.
આ વાર્તામાં એવા ભાવવિશ્વની કલ્પના છે જ્યાં ભાષા નથી કે કશું અટપટું નહીં. સારુંસુથરું થાય તેવી દુનિયા કલ્પી છે. દેખીતી રીતે અહીં કોઈ વિસંવાદ નથી જણાતો. નગરમાં એટલી બધી શાંતિ છે. તેની સામે સંભુને મુંબઈનું માર્ટુગા યાદ આવે છે જ્યાં કેટલા બધા લોકો અને નર્યો ઘોંઘાટ જ ઘોંઘાટ.
અપર્ણા તથા એલઅફના સંદર્ભમાં નાયક સંભુ તથા પ્રતિનાયક ડબ્બૂ વચ્ચે વિસંવાદ ઊભો થાય છે. ડબ્બૂના આમંત્રણથી આવેલા સંભુને ખબર પડે છે, કે જે ઘરમાં ડબ્બૂ રહે છે તે ઘરના માલિક વૃદ્ધની પ્રેયસીને સાથે ડબ્બૂને પ્રેમ થાય છે. ડબ્બૂ ઇચ્છે છે કે સંભુ તેની પ્રેયસી સામે ડબ્બૂ વિશે સારું સારું બોલે, જેથી વૃદ્ધની પ્રેયસી તેની સાથે પરણવા તૈયાર થાય. પણ સંભુ તેમ નથી બોલતો. સંભુને ખ્યાલ છે કે ડબ્બૂ માર્ટુગામાં તેની પ્રેમિકાને મૂકીને આવ્યો છે. અંતમાં ડબ્બૂને ઝઘડો થાય છે અને પ્રતિનાયક વૃદ્ધને મારી નાંખે છે અને તેની પ્રેયસીને લઈને નાસી જાય છે.
આ વાર્તા અવાસ્તવિક લાગે પણ કલ્પવું ગમે તેવી વાર્તા છે, જેમ કે નગરમાં અવાજ કે ઘોંઘાટ ન થતો હોય, સહુ કોઈ પશુ કે પંખી પાળે છે, બાળકોનો જન્મ ન થતો હોય.
વાસ્તવિક જગતમાં દરેક જગ્યાએ સારું તથા નરસું હોય છે. ‘હેટ યુ - લવ યુ’નું સહઅસ્તિત્વ હોય છે. પ્રતિનાયક પ્રેયસીને લઈ આ વિશિષ્ટ નગરના નિયમોથી અલગ રીતે જીવવા માટે જતો રહે છે. નાયક પોતે પણ જે દુનિયામાંથી આવ્યો છે ત્યાં પાછો જાય છે. એક એવો અર્થ તારવી શકીએ કે કાલ્પનિક દુનિયા ઉત્તમ હોય, તો પણ તે તમારું વાસ્તવ નથી. તેથી વાર્તાનું શીર્ષક યોગ્ય લાગે છે. વાર્તામાં પ્રવાહ બરાબર છે, તેમજ વાર્તાના સ્વરૂપની રીતે આદિ, મધ્ય તથા અંત જળવાય છે.
સુમનભાઈની આ વાર્તા વાંચતાં જણાય છે, કે તેમની અંદરનો સર્જક હજી પણ સક્રિય છે. તેમની અન્ય વાર્તાઓની જેમ આ વાર્તા પણ તરત નથી સમજાતી. પણ તેમાં રસ પડે છે. તેમની પોતાની આગવી શૈલી છે અને તેવી શૈલી હજી સુધી બીજા કોઈ વાર્તાકાર પાસેથી નથી મળી.
તેમને ઘટનાઓનો છોછ નથી, પણ સીધી રીતે નથી કહેવું. ભાવક પોતે તેમની વાર્તાઓમાંથી મનગમતો અર્થ કાઢી શકે છે. બલકે તેઓ એવું ઇચ્છે પણ છે.
સાહિત્યના ક્ષેત્રે સતત સક્રિય સુમનભાઈ શાહ પાસેથી આપણને વિશિષ્ટ કૃતિઓ મળતી રહેશે તે અપેક્ષા સહુને છે અને તેમના યોગદાન દ્વારા આપણે સહુ જોઈ શકીએ છીએ.
– સંજય ચૌધરી
મો. 93277 26371