zoom in zoom out toggle zoom 

< સુમન શાહ સાહિત્યસંપુટ

સુમન શાહ સાહિત્યસંપુટ/૭. વિજય સોની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમન સર અને સુમનભાઈ

વિજય સોની

વાત છે સન 2004 આસપાસની... હું અને વાર્તાકાર મિત્ર દીવાન ઠાકોર અમદાવાદથી સારસા ‘સુરેશ જોષી સાહિત્ય વિચાર ફૉરમ’ના શિબિરમાં જઈ રહ્યા હતા. દીવાનભાઈ પહેલાં સુ.જો.સા.ફો.ના શિબિરમાં જઈ આવેલા. હું મનમાં હરખાતો હતો, કારણકે મેં લખેલી પહેલી જ વાર્તા, હું ગુજરાતી સાહિત્યના દિગ્ગજ વિવેચકની સામે વાંચવા -પ્રસ્તુત કરવા જઈ રહ્યો હતો.

વાત એમ હતી કે મારી પહેલી વાર્તા વાર્તાકાર શ્રી રાજેન્દ્ર પટેલે એમની ઓફિસમાં સાંભળીને મને કહ્યું હતું કે, “તું આ વાર્તા ‘ગદ્યપર્વ’ સામયિકમાં મોકલી આપ અને સુ.જો.સા.ફોમાં જઈને વાંચજે.” ટૂંક સમયમાં જ સારસામાં શિબિર છે એમ જાણકારી મળી અને હું તૈયાર થઈ ગયો. દીવાનજી, રાજેન્દ્ર પટેલની ઓફિસમાં મેં જ્યારે વાર્તા વાંચી ત્યારે હાજર હતા અને એ સારસા શિબિરમાં જતાં હતાં, એટલે હું એમની જોડે ટીંગાઈ ગયો, એમ કહી શકાય.

કૉલેજના કેમ્પસમાં વાર્તાશિબિર હતો. એકથી એક ચડિયાતા વાર્તાકારો હતા. અજિત ઠાકોર, માય ડિયર જયુ, પારુલ દેસાઈ, દીવાન ઠાકોર, નીતિન ત્રિવેદી, વગેરે... (લગભગ મને યાદ છે ત્યાં સુધી હિમાંશીબહેન શેલત પણ થોડા સમય માટે આવ્યા હતા. બીજા ઘણા બધા વાર્તાકારો હતા, પણ એ નામ અત્યારે યાદ નથી આવતાં.) ત્યારે પહેલી વાર સુમનભાઈને જોયા અને પછી મળ્યો. મને બરાબર યાદ છે કે મેં, એક વાર્તા પર કશીક કૃતિલક્ષી ન હોય એવી ટિપ્પણી કરવાની ગુસ્તાખી કરી હતી. મેં ખુશવંત સિંહને ટાંકીને કોઈ વાત કરેલી, અને સુમનભાઈ હસીને બોલ્યા હતા કે, એ ખુશવંત સિંહ છે. (સુ.જો.સા.ફો.નો આગ્રહ હોય છે કે કૃતિ બહારની ટિપ્પણી મોટે ભાગે નહીં કરવાની.) હું એમની એ ટૂંકી વાત પર વિચારતો રહ્યો હતો. શિબિરમાંથી પરત આવતાં કશુંક પામ્યાનો સંતોષ હતો. એ સુમનભાઈ સાથેની પહેલી મુલાકાત. ત્યાર પછી દુકાનમાંથી જ્યારે સમય મળે ત્યારે સુ.જો.સા.ફોના કેટલાક શિબિરમાં હાજર રહેવાનું બન્યું છે. પણ દરેક શિબિરનો આગવો મહિમા છે, શિબિરમાં ટૂંકી વાર્તાની સમજણ અંગેની પ્રાપ્તિ પછી સુમનભાઈ સાથે પરિચય ગાઢ અને આત્મીય બનતો ગયો. શિબિરમાં દરેક વાર્તાના અંતે દરેક સભ્યે ફરજિયાત એ વાર્તા વિશે કશુંક બોલવાનું જ, એ નિયમ છે. એ રીતે વાર્તા વિશે બોલવાની હિંમત ખૂલી અને જે તે સમયના દિગ્ગજ વાર્તાકારો વચ્ચે વાતો કરવાનો સંતોષ મળ્યો છે. કોઈ કોઈ વાર્તાકારની વાર્તાની તોડફોડ થઈ જતી હતી, પણ દરેક મિત્રો એને માણી શકતા હતા. કેટલાકને કેટલીક વખત માઠું લાગતું હતું. કદાચ એ ફરી વખત ન આવે, પણ વાર્તાઉત્સવ ચાલતો રહેતો. સુમનભાઈની દરેક વાર્તા પછીની ટિપ્પણી અને સૂચનોની કાગડોળે રાહ જોવાતી. એ સૂચનોમાં એમની વાર્તા વિશેની અદ્ભુત અને ઊંડી સમજ નીખરી આવતી.

સુમનભાઈનું, મારું ગમતું પુસ્તક છે, ‘કથાસિદ્ધાન્ત’. આ પુસ્તક વાંચતાં પહેલાં મેં કિશોર જાદવનું ટૂંકી વાર્તાની વિવેચનાનું પુસ્તક વાંચ્યું હતું. જેમાં પારિભાષિક શબ્દો અને દુર્બોધ વિવેચના એ સમયે મને અપથ્ય હતાં. સુમનભાઈના પુસ્તક ‘કથાસિદ્ધાન્ત’માં ટૂંકી વાર્તા વિશે એમનાં વિચાર-વિભાવના ગ્રંથસ્થ થયાં છે, જે ટૂંકી વાર્તાના અભ્યાસી માટે ખજાના સમાન છે. ટૂંકી વાર્તાની વિવેચનામાં મેં સુરેશ જોષી, કિશોર જાદવ અને સુમનભાઈને વાંચ્યા છે. હું ગુસ્તાખી કરીને કહું તો ટૂંકી વાર્તા માટે સુમનભાઈ જેટલાં અમૂલ્ય સૂચનો બીજા કોઈનાં નથી લાગ્યાં. સુમનભાઈનું લગભગ દરેક વખતે કહેવું હોય છે કે, ‘ટૂંકી વાર્તામાં માણસ એની ખરાઈમાં પ્રગટ થવો જોઈએ.’

એમના ટૂંકી વાર્તા અંગેના બીજા કેટલાક વિચારો જ્યારે જ્યારે તમે વાર્તા લખવા માટે બેસો ત્યારે ચિત્તનો કબજો લઈ લે છે અને સારી વાર્તા લખવા માટે ઈમપેટ્સ પૂરું પડે છે. એક સમયે જ્યારે મેં પુસ્તક ખરીદ્યું ન હતું ત્યારે અમદાવાદની એમ.જે. લાઇબ્રેરીમાંથી પહેલવહેલું લઈ આવ્યો હતો અને છ મહિના સુધી રિન્યૂ કરાવીને વારંવાર વાંચ્યું હતું. ટૂંકી વાર્તાની ભાષા, ટૂંકી વાર્તામાં લાઘવ, ટૂંકી વાર્તાનાં ઘટકતત્ત્વો, વાસ્તવનું કળામાં રૂપાંતર, ટૂંકી વાર્તાનું સ્વરૂપ, એનો વિકાસ અને ટૂંકી વાર્તામાં આધુનિક ચેતનાનો આવિર્ભાવ, આ બધું વિગતે સુમનભાઈએ ‘કથાસિદ્ધાન્ત’માં સમજાવ્યું છે, એ પણ રસાળ શૈલીમાં. સુમનભાઈ એક જગ્યાએ કહે છે કે, ‘વાર્તા કલામાં વિકસતાં વિકસતાં તમને તમારું પોતાનું કશુંક સંવિત્ત જેવું, ભલે આછું પાતળું પણ જડી જાય છે એ માનવીય સચ્ચાઈ છે, જે દરેક ટૂંકી વાર્તાના લેખકને જાણવું જોઈએ. અને એ એનો ટ્રેક છે જેની પર એની વાર્તાકળા આગળ વધવાની છે.’

‘કથાસિદ્ધાન્ત’ પુસ્તકમાં સુમનભાઈ જી-વ-નદ્રવ્ય, જી-વ-નરસ અને કળામીમાંસા વિશે કેટલીક પાયાની વાત કરે છે. જે જીવનતત્ત્વ અને કળામાં દર્શન જેવું મહત્ત્વનું પરિમાણ સમજવામાં મદદ મળે છે.

પાટણ યુનિવર્સિટીમાં સુ.જો.સા.ફો શિબિરના પહેલા દિવસના અંતે અમે સૌ બેઠા હતા અને ઓશોની વાત નીકળી. એમને ઓશો ગમે છે. હું એ સમયે ઓશોનું ‘a god that can dance’ પુસ્તક વાંચતો હતો, જે નિત્શેના ‘thus spoke Zarathustra’ પર ઓશોની પ્રવચનમાળા હતી. એમણે કહ્યું કે એમણે નિત્શેના એ પુસ્તક વિશે ‘નવનીત સમર્પણ’માં લેખ કર્યા હતા. ખબર નહીં હવે એ પ્રાપ્ય હશે કે નહીં. એવી જ રીતે દેરીદા પરના લેખ પણ છે (જે હવે ‘ખેવના’ સામાયિકના 55થી 66 નંબરના અંકમાં સંગ્રહિત છે, અને એ એકત્ર ફાઉન્ડેશન પર ઉપલબ્ધ છે) હું સુમનભાઈને મળું ત્યારે હંમેશાં મને એવું લાગ્યું છે, કે જાણે એ કશું જ વધારાનું કે બિનજરૂરી નથી બોલતા. જે ભાષાની અર્થહીનતા સમજતા હોય એ ભાષાને તોળી તોળીને વાપરે છે. એ કહે છે, ‘ભાષા હંમેશાં નિકટ જાય છે પણ કદી અંતિમ અર્થને ઈંગિત નથી કરી શકતી.’

શિબિર સિવાય પણ એમની સાથે કોઈ કોઈ વખત ઇનફોર્મલ બેસવાનું બન્યું છે. હળવી રમૂજ અને ખુલ્લું હાસ્ય એ એમની લાક્ષણિકતા છે. એક વાર હું અને વાર્તાકાર મિત્ર સાગર શાહ એમના ઘરે મળવા ગયા હતા. એ દિવસોમાં સુમનભાઈ માર્લો પોન્તિની ફિનોમિનોલોજી વિશે વાંચતા હતા. અઢળક વાતો કરી. પછી મને અને સાગરને કહે, “આ મારાં પુસ્તકો છે, તમારે બંનેને જે જોઈતાં હોય એ લઈ જાવ.”

લગભગ 2011ની આસપાસનું વર્ષ હતું. અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા કેડીલા ફાર્માના ગેસ્ટ હાઉસમાં સુ.જો.સા.ફોની શિબિર હતી. મને યાદ છે કે મેં એ શિબિરમાં મારી વાર્તા, ‘વાર્તા વિનિયો અને વિવેચન’ વાંચી હતી. મેં મારી વાર્તામાં ઘટનાતત્ત્વનો લોપ જેવી સાહિત્યિક વિભાવનાને mock કરવાની ધૃષ્ટતા કરી હતી. એ સમયે વાર્તા વિશેની મારી સમજણ ટૂંકી હતી અથવા તો અણસમજ હતી એમ પણ કહી શકાય. એ સમયે મેં સુમનભાઈનો પુણ્યપ્રકોપ જોયો છે. સુરેશભાઈની ‘ઘટનાલોપ’ વિભાવનાને હું બરાબર સમજ્યો નથી, એ એમનો કહેવાનો મુખ્ય સૂર હતો, ગુજરાતી સાહિત્યના શીર્ષસ્થ વાર્તાકારો ત્યાં હાજર હતા. કદાચ ઘણા ખરા લોકોને એ યાદ હશે. મને તો બરાબર યાદ છે. મને ડર હતો કે શિબિરના અંતે જ્યારે મને સુમનભાઈ મળશે ત્યારે હું કઈ રીતે એમની સામે જઈશ? સુમનભાઈ સાંજે ખૂબ પ્રેમથી મળ્યા હતા. અમે સાથે જમ્યા હતા. જમતાં જમતાં એક પણ વખત એમણે એવું લાગવા દીધું ન હતું કે મેં આવી ગુસ્તાખી કરી હતી. હું એ દિવસે નર્વસ થઈ ગયો હતો.

ટૂંકી વાર્તા, સાહિત્યનાં સ્વરૂપો, સોશિયલ મીડિયાનો સાહિત્ય પર પ્રભાવ-દુષ્પ્રભાવ, આધુનિક ચેતના અને વર્તમાન સામાજિક પરિદૃશ્ય, મીડિયા, આ બધા વિષયો પર સુમનભાઈના મૌલિક વિચાર હોય છે. એરિસ્ટોટલ-પ્લેટોથી લઈને આધુનિક હિબ્રુ ચિંતક યુવાલ નૉઆહ હરારી સુધીની ચિંતનધારા પર એમની બારીક નજર હોય છે. આધુનિક ટેક્નોલોજી સાથે એમનું અનુકૂલન એ કોઈ પણ યુવાનને શરમાવે એવું છે.

– વિજય સોની

મો. 99243 79209

*