સુમન શાહ સાહિત્યસંપુટ/૮. જયેશ ભોગાયતા
જયેશ ભોગાયતા
સુમન શાહ મારા આદરણીય ગુરુ, મારા પરમ મિત્ર.
સુમન શાહ સાથેની મારી સ્મૃતિઓ, સંભારણાં અને નિકટ સહવાસની વાતો લખવા માટે મેં ઐતિહાસિક આલેખ પસંદ કર્યો છે. અને પ્રકાશક શ્રી અતુલભાઈ રાવલની મંજૂરી લઈને નિયત શબ્દસંખ્યા ઓળંગી છે.
ઈ.સ. ૧૯૭૪ની ૦૧ જાનુઆરીના રોજ હું જામનગરના ટેલિફોન એક્સચેંજમાં ટેલિફોન ઓપરેટર તરીકે સર્વિસમાં જોડાયો હતો. એ વખતે મારી ઉંમર વીસ વર્ષની હતી. મારી જોડે મારા વતન જામખંભાળિયાનો મિત્ર મહેશ ચઠ સર્વિસ કરતો હતો. એ વખતે મને સામયિકો વાંચવાનો ખૂબ શોખ હતો. બૂક સ્ટોર્સ – પેપર એજન્સીના બુક સ્ટોર્સમાંથી ‘કવિતા’, ‘નવનીત’ અને ‘સમર્પણ’ના અંકો ખરીદતા. અને રવિવારે ચાંદી બજારમાં ગુજરી બજાર ભરાતી, ત્યાંથી જૂનાં સામયિકો અને પુસ્તકો ખરીદતા. એક રવિવારે મને ૧૯૭૦થી ૧૯૭૩નાં વર્ષોની સમર્પણની ફાઇલો મળી. હું તો ખૂબ જ રાજી થયો. ઘરે આવીને નિરાંતે ત્રણેય વર્ષોની ફાઇલો મેં જોઈ. તેમાં કવિતા, વાર્તા અને સુંદર લેખોનો અનુક્રમ વાંચીને ખુશ થયો. એ અંકોમાં મને તમારી વાર્તાઓ મળી! વાર્તાનાં શીર્ષકો જ વાંચીને મનમાં વેગ આવી ગયો. ‘પબ્લિક પાર્ક ઊર્ફે બનાવટી વાર્તા, બપોરે કૉફીકપમાં ઠરેલી વેદનાનું કોલ્ડ્રિંક, ઝુણુક ઝુણુક વાંસવનમાં પીળાં પીળાં લીંબુની ખુશબૂ’. એક પછી એક વાર્તાઓ વાંચીને મને મનમાં ટૂંકી વાર્તા વિશે એક નવો જ અનુભવ થયો. વાર્તાનાં પાત્રો, વાર્તાની ભાષા, બધું ઝટ ઊઘડે નહીં. પણ એક ચમત્કાર થયો જાણે! આસપાસની સૃષ્ટિનું વાતાવરણ નવું બની ગયું. મારા મિત્રો આગળ આ બધી વાર્તાનાં શીર્ષકો સડસડાટ બોલી જતો. ચા પીવા જઈએ હિંગળાજ હોટલમાં, પ્રાગરાય હોટલમાં, ત્યાં વાર્તાના પેરેગ્રાફ વાંચતા. મિત્રો પૂછતા કે આ સુમન શાહ કોણ છે, ક્યાં રહે છે? તમને મળવાની, જોવાની એક તમન્ના હતી. નિયતિએ તમારી સાથે જોડાવાનું ગોઠવ્યું હશે, તે સૌ પ્રથમ તમારી વાર્તાઓ રૂપે તમારો પરિચય થયો. તમારી રોમેન્ટિક પણ વિષાદની છાયાવાળી વાર્તાઓ દ્વારા.
એ પછી લાંબો અંતરાલ! પણ એ વર્ષો મેં ખૂબ વાંચ્યું. ૧૯૭૬માં જામનગરની ડી.કે.વી. કૉલેજમાં એફ.વાય.બી.એ.માં એડમિશન લીધું. દિવસે ભણવાનું, રાત્રે નોકરી. ૧૯૭૯માં બી.એ. થયો. મુખ્ય વિષય ગુજરાતી.
આપણે સૌપ્રથમ રૂબરૂ મળ્યા ૧૯૮૫માં! એ વખતે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં એમ.એ.નો વિદ્યાર્થી હતો. તમે મારા ભવનમાં ‘સાહિત્યમાં આધુનિકતા’ વિશે વ્યાખ્યાનો આપવા આવ્યા હતા. બળવંતભાઈ જાનીએ તમારો પરિચય આપેલો. તમે દેખાવે પ્રભાવક. પેન્ટશર્ટ, હાથમાં નાનું પાકીટ, સ્વભાવે થોડા આકરા લાગ્યા. પાસે જઈને વાત કરવામાં થોડો ડર લાગે, થોડો સંકોચ. પણ મેં તો હિંમત કરીને તમને ઊભા રાખ્યા લૉબીમાં. મેં કહ્યું કે મારે તમને મળવું છે. તમે તરત જ અકળાતાં પૂછ્યુઃ “શું કામ મળવું છે? ઠાલી વાત માટે મારી પાસે સમય નથી.” મેં કહ્યુઃ “મારે તમારી સાથે સાહિત્યની જ વાતો કરવી છે, માટે મળવું છે.” તમે અંતે હા પાડી. બીજા દિવસે બપોરે રિસેસના સમયે તમને મળ્યો. તમે એ વખતે મને સાવ નિર્લેપ નજરથી તાકતા હતા. મેં વાત શરૂ કરીને કહ્યું કે “મેં તમારી વાર્તાઓ વાંચી છે. તમારો વાર્તાસંગ્રહ ‘અવરશુકેલુબ’ મેં ખરીદ્યો છે. મને ખૂબ રસ પડે છે તમારી વાર્તાસૃષ્ટિમાં.” તમે પૂછ્યું: “થોડી વાર્તાઓનાં શીર્ષક બોલો.” હું સડસડાટ સાત-આઠ વાર્તાનાં શીર્ષકો બોલી ગયો. અને એ જ વર્ષે ‘પરબ’ના અંકમાં પ્રકાશિત નવી વાર્તા ‘ટૉયાટો’નું પણ નામ બોલી ગયો. એ ઉપરાંત ‘સુરેશ જોષી’ વિશે વાતો કરી. તમે એ વખતે ખુરશીની પીઠ પર તમારી પીઠ રાખીને બેઠા હતા. જાણે ખૂબ દૂર હો એ રીતે. ને તટસ્થ ભાવથી મને સાંભળી રહ્યા. સરસ મર્માળું સ્મિત કર્યું ને બોલ્યા, “તમે ઘણું વાંચ્યું છે, ને તમને બધું બહુ યાદ છે એ વાત બહુ સારી છે.” છૂટા પડતી વખતે મેં મારી કૉલેજબેગમાંથી મારી વાર્તા બહાર કાઢીને તમને આપી. “આ મારી વાર્તા છે, બની શકે તો વાંચીને કંઈક કહેશો.” તમે વાર્તાની કૉપી તરત લઈ લીધી ને તમે બોલ્યા, “આ વાર્તા અમદાવાદ લઈ જઈશ. વાંચીને ત્યાંથી જવાબ લખીશ.” અમે છૂટા પડ્યા. એ મુલાકાત પછી તમે મને આત્મીય લાગ્યા. પ્રેમાળ લાગ્યા.
એ દિવસોમાં અચાનક અમદાવાદમાં નવનિર્માણનું આંદોલન શરૂ થઈ ગયેલું. તમે અમદાવાદ જવાની તૈયારીમાં હતા. અમે બધા વિદ્યાર્થીઓ ભવનનાં પગથિયાં પાસે ઊભા હતા. તમે આવ્યા. અમે મળ્યા. તમને આવજો કહ્યું. હું તમારી નજીક આવ્યો. તમારી સાથે હાથ મિલાવ્યો. તમે સરસ સ્મિત કર્યું, ને બોલ્યા, “તને જિન્સ અને ટી-શર્ટ સરસ લાગે છે. આમ જ રહેવાનું!” મેં કહ્યું, તમને પણ સરસ લાગે છે. તમે modernist છો. મને modernist થવું ગમે છે, કપડાં અને વિચારોમાં. મને modernist સર્જકો ગમે છે.” તમે હસી પડ્યા. “સારું, મળીશું.” એમ બોલી છૂટા પડ્યા.
લગભગ ચાર મહિના પછી ગુજરાત સાહિત્ય અકાદમીનું એક પૉસ્ટકાર્ડ આવ્યું. તેમાં પ્રિન્ટેડ વાક્યો હતાં. ‘કૃતિ સ્વીકારી છે’ એ વાક્ય પાસે નિશાની કરેલી ને વાક્યોની નીચેની જગ્યામાં એક નાનકડું વાક્ય હાથે લખેલું હતું, ‘તમારું ખાસ્સું સ્મરણ છે.’ ને નીચે સહી સુમન શાહ. તમે ‘શબ્દસૃષ્ટિ’ માટે મારી ટૂંકી વાર્તા ‘બીડી બુઝાતી નથી’ પસંદ કરી હતી. હું તો આશ્ચર્યમાં પડી ગયો. આટલા મોટા ગજાના સર્જક-વિવેચકે મારી વાર્તા પસંદ કરી! જામનગરમાં અમે મિત્રોએ અમારી જૂનીજાણીતી હૉટેલ પ્રાગરાયમાં બે બે ચા પીને ઉજાણી કરી. ઘરમાં પણ આનંદ. પૂ. બા, દક્ષા, ભાઈ-બહેન ખૂબ રાજી થયાં. ચિ. કવિતા ત્યારે બે વર્ષની હતી. મેં એ પૉસ્ટકાર્ડ કેટલાયે મિત્રોને વંચાવેલું. એ ક્ષણે મને તેજ ધબકારો દેખાયો, ને મનમાં વિચાર દોડી ગયો કે તમારી સાથે અનુબંધ થયો તે તમારી અને મારી વાર્તાથી. વાર્તાએ આપણને જોડ્યા. તમારા માટે મારા હૃદયમાં પ્રેમ-સન્માનની લાગણી જન્મી. મેં મિત્રોને કહ્યું, ‘I Love modernist!’
મારી ‘બીડી બુઝાતી નથી’ વાર્તા ‘શબ્દસૃષ્ટિ’ના અંક ફેબ્રુઆરી, ૧૯૮૬માં પ્રકાશિત થઈ. તમારા દ્વારા હું વાર્તાજગતમાં પ્રવેશ્યો.
૦૬, સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજ સુરેશ હ. જોશીનું મૃત્યુ થયું. ઈ.સ. ૧૯૮૭ના વર્ષમાં તમે જામનગરની મહિલા કૉલેજમાં વ્યાખ્યાન આપવા આવેલા. વ્યાખ્યાનનો વિષય ‘સુરેશ હ. જોષી’ હતો. તમારું પ્રત્યેક વાક્ય સુરેશભાઈ માટેનો ઊંડો પ્રેમ, આદર વ્યક્ત કરતું હતું. તમારા અવાજમાં ભીનાશ હતી. આપણે થોડી વાર માટે મળ્યા. મેં આનંદ વ્યક્ત કર્યો મારી વાર્તા છપાઈ તેને માટે. તમે કહેલું, “ખૂબ લખ. કોઈની પરવા કર્યા વિના.” અમે રાત્રે ફરી મળ્યા. તમારું વક્તવ્ય હતું ‘જ્યાં પૉલ સાર્ત્ર’ વિશે. સાર્ત્રનું મૃત્યુ એ સમયમાં જ થયું હતું. સ્થળ હતું બાલમંદિર કે પ્રાથમિક શાળાનો રૂમ. રૂમ આખો ભરેલો હતો. તમે બાજઠ જેવા પહોળા, લાકડાના પાટલા પર જ બેઠા હતા. તમે બે મુખ્ય વાત કરી હતી. સાર્ત્રના અસ્તિત્વવાદ વિશે, સાર્ત્ર અને સિમૉન દ બોવાના પ્રેમસંબંધ વિશે. તમે કહ્યું કે સાચો પ્રેમસંબંધ હતો લગ્નસંબંધ વિનાનો. ને કોઈ લફરું નહોતો. ખૂબ ચાહતાં હતાં એકબીજાંને. તમે અસ્તિત્વવાદની ફિલસૂફીને સરળ વાક્યોમાં સમજાવી. સાવ ટૂંકાં વાક્યો. બંનેની પ્રેમમીમાંસાની વાત કરી, પણ અસ્તિત્વપરક સત્યોના કેન્દ્રથી વાત કરી હતી. એ ક્ષણે મારા મગજમાં ‘અવરશુકેલુબ’ની વાર્તાઓ ઘૂમરાતી હતી. મોડી રાતે બધા છૂટા પડ્યા. એ વ્યાખ્યાનના શબ્દોમાં મને તમારી ચેતનામાં પડેલા વિષાદની પ્રતીતિ થઈ. એવું લાગ્યું કે તમે એકલા છો, સાવ જ એકલા, પ્રેમ ઝંખતા માણસ.
આ જ વર્ષમાં તમે ‘ખેવના’ ત્રૈમાસિક શરૂ કર્યું. ‘ખેવના’ સામયિકનો પહેલો અંક તમે મને મોકલેલો. આમ સાવ પાતળો. ફરફરિયું જ લાગે. પણ તેમાં તમારો સાહિત્યિક સંકલ્પ અને જુસ્સો હતા. મેં પહેલા અંકનો પ્રતિભાવ લખી મોકલ્યો હતો. મેં લવાજમ ભર્યું. અંકો આવતા રહ્યા. આજે મારી પાસે બધા જ અંકો છે.
ગુજરાતી સાહિત્યમાં ઈ.સ. ૧૯૮૮ પછી નવાં સામયિકો આવ્યાં, જૂનાં સામયિકો નવાં સ્વરૂપે પ્રગટ થયાં. સુરેશ હ. જોશીના મૃત્યુ બાદ ‘એતદ્’ના સંપાદક શિરીષ પંચાલ બન્યા. એમણે સામગ્રી અને પ્રકાશનની બાબતે ઘણા બદલાવો કર્યા. પરંપરા તરફ પાછા જવાના સંકેતો હતા. ઈ.સ. ૧૯૮૮માં ‘ગદ્યપર્વ’ શરૂ થયું. ધ્યેય મંત્ર સાથે ‘આધુનિક પરંપરાનો વિસ્તાર’. સંપાદક ભરત નાયક, તંત્રી ગીતા નાયક અને એક ટીમ સાથે પ્રકાશન શરૂ થયું. વિદ્યાનગરથી વિ શરૂ થયું. ત્રણ સંપાદકો અજિત ઠાકોર, મણિલાલ હ. પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા. તેમાં મંજુ ઝવેરી સંપાદિત ફાર્બસ ત્રૈમાસિકના સમૃદ્ધ અંકો. નવાં સામયિકોના તંત્રી, સંપાદકો અને લેખકોની નવી સાહિત્યવિભાવનાનો ચારે તરફ એક જુસ્સો હતો. આધુનિકતાની સામે સવાલો હતા, આક્રોશપૂર્ણ આક્ષેપો હતા. ‘ખેવના’ના અંકોની સામગ્રી નવી આબોહવાનું નિર્માણ કરે છે, પરંતુ આધુનિકતાની સામે બેબુનિયાદ આક્રોશ નહોતો. ઊલટાનું તમે ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ના ઉપક્રમે બૉદલેર પરનો ત્રણ દિવસનો એક પરિસંવાદ યોજ્યો, જેમાં વક્તા તરીકે નિરંજન ભગત પણ હતા. એ પરિસંવાદમાં હું હાજર હતો. બૉદલેરની સાહિત્યસૃષ્ટિનો સરસ પરિચય થયો. એ પરિસંવાદમાં રજૂ થયેલાં વ્યાખ્યાનોમાંથી કેટલાંક વ્યાખ્યાનો તમે ‘ખેવના’ના અંકોમાં પ્રગટ કરેલાં.
આપણે ફરી મળ્યા ૧૯૮૯માં અમદાવાદમાં એક કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપકના ઇન્ટરવ્યૂ વખતે. તમે વિષયનિષ્ણાત હતા. હું જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે ઑફિસમાં દાખલ થયો, ત્યારે મને તમે પરિચિત-અપરિચિત જેવો મિશ્ર આવકાર આપ્યો. ને હજુ તો હું ખુરશીમાં નિરાંતે બેસું તે પહેલાં જ તમે કડક અવાજમાં બોલ્યા હતા કે “તમારી પાસે જો સુવર્ણચંદ્રકો હોય તો ટેબલ પર ઢગલો ન કરશો.” તમે મને મારા ગમતા વાર્તાકારોનાં નામ પૂછ્યાં. મેં નામો ગણાવ્યાં તેમાં જયંત ખત્રીનું પણ નામ હતું. તમે સવાલ કર્યો કે જયંત ખત્રી શા માટે ગમે છે? મેં એમની વાર્તાકલાના વિશેષો બતાવ્યા. ઇન્ટરવ્યૂ મારો પૂરો થયો. તમે બોલ્યા, “બહાર બેસશો. આપણે મળીએ છીએ.” ખાસ્સી વાર પછી તમે બહાર આવ્યા. મને કહ્યું, “ચાલ. ચાલતાં ચાલતાં વાતો કરીએ.” તમે કહ્યું કે “આ જગ્યા પર કોઈ લાંબા અનુભવી પ્રાધ્યાપકની પસંદગી થવાની સંભાવના છે. તારો ઇન્ટરવ્યૂ સારો હતો. ને ઇન્ટરવ્યૂ આપતાં રહેવું, તો ક્યાંક પસંદગી થઈ જશે.” મેં કહ્યું ૧૯૮૫માં એમ.એ. પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂ આપ્યા જ કરું છું. કૉલેજસંચાલકો અને વિષયનિષ્ણાતો પોતાના માનીતાઓને જ ગોઠવી દે છે, ને ઇન્ટરવ્યૂ અમારા જેવાની મશ્કરીઓ કરવાનું નાટક બની ગયું છે. સૌરાષ્ટ્રની ચારેય દિશાની કૉલેજમાં ૩૦થી વધારે ઇન્ટરવ્યૂ આપ્યા છે. ને તમે ટેબલ પર ગોલ્ડમેડલનો ઢગલો કરવાની ના પાડી. હું તો ઢગલો તો શું, કોઈને બતાવતો પણ નથી, કારણકે મારો મેડલ જ મોટી વિડંબના બની ગયો છે.” તમે સ્નેહપૂર્વક હૈયાધારણા આપી. આપણે છૂટા પડ્યા. મનમાં ઊંડે ઊંડે તીવ્ર નારાજગી હતી, રોષ હતો સિસ્ટમ સામે. બધું જ ફંગોળીને પરિવાર સાથે મહત્ત્વાકાંક્ષા વિનાની જિંદગી ગાળી નાખવાના વિચારો આવતા રહ્યા.
થોડા મહિનાઓ બાદ ફરી આત્મવિશ્વાસ સાથે ઊભો થયો. મુંબઈથી ફાર્બસ ત્રૈમાસિકના ૮૪ જૂના અંકો મંગાવ્યા. તે સમયે મિત્ર અજય રાવલનો પરિચય થયો. ખૂબ જ નવું વાંચ્યું. જુસ્સો આવ્યો. તેમાં દક્ષાનો પ્રેમ હૂંફ આપે. કવિતા-મૃણાલ સાથે આનંદની પળો. એ વાતાવરણમાં તા. ૩૧મી ડિસેમ્બર ૧૯૮૯ના રોજ આર્ટ્સ કૉલેજ, શામળાજીમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે મારી નિમણૂક થઈ. હું કૉલેજના ટ્રસ્ટ માટે સાવ જ અજાણ્યો. વિષયનિષ્ણાતો પણ અજાણ્યા, છતાં પસંદગી થઈ. મેં ટેલિફોન ખાતાની ૧૬ વર્ષ લાંબી નોકરી એક જ ઝાટકે છોડી દીધી. તમને ફોન દ્વારા જાણ કરી. તમે ખૂબ જ રાજી થયા. તમે કહ્યું કે “આ તારી મહેનત અને તેજસ્વીપણાનું ફળ છે.” મેં બમણા વેગથી નવું વાચન શરૂ કર્યું. તમે મને ‘ખેવના’ના અંકોમાં સર્જનાત્મક અવકાશ આપ્યો. મારા બે લેખો ‘ખેવના’માં આવ્યા. મારો આત્મવિશ્વાસ વધુ મજબૂત થયો. આ જ સમયમાં તમે ‘સન્નિધાન’ શરૂ કર્યું. અધ્યયન-અધ્યાપનનું નવ્ય કેન્દ્ર. ‘સન્નિધાન’નો પહેલો શિબિર અમદાવાદમાં. તેમાં ૨૫૦થી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા. એમની હાજરી જોઈને તમે ખૂબ આનંદમાં હતા. નવ્ય કેન્દ્રનું એક મોજું જાણે! તમે રશ્મીતાબેનને ફોન કરીને જણાવ્યું કે અહીં તો માહોલ જ અનોખો છે. હું શામળાજી કૉલેજના ૩૫ વિદ્યાર્થીઓને સાથે લાવ્યો હતો. આ પહેલા શિબિરનો મારો સાડા પાંચ પાનાનો અહેવાલ તમે ‘ખેવના’માં પ્રગટ કરેલો. ને પછી બીજો શિબિર જામનગર મહિલા કૉલેજમાં. એ પણ એટલો જ સફળ. તે શિબિરમાં તમે વિવેચનનાં વિવિધ સ્તરો વિશે ઉત્તમ વ્યાખ્યાન આપેલું. એ વ્યાખ્યાનનું ઑડિયો રેકોર્ડિંગ હું વારંવાર સાંભળતો. એ પછીના ‘સન્નિધાન’ના વિદ્યાર્થીલક્ષી અને અધ્યાપક કેન્દ્રી શિબિરોની એક સમૃદ્ધ પરંપરા સર્જાઈ. મારું ઘડતર વિવિધ રીતે થયું. તમારું સાન્નિધ્ય અને તમારાં વ્યાખ્યાનોએ મને ઘણી પ્રેરણા આપી.
ઈ.સ. ૧૯૯૨નાં વર્ષોમાં ‘સન્નિધાન’ નિમિત્તે આપણે વારંવાર મળતા. એક દિવસ ભાષાભવનમાં તમારી કેબિનમાં ‘સન્નિધાન’ના આગામી શિબિર વિશે વાતો કરીને જવા નીકળ્યા, ત્યારે મેં કહ્યું કે મારે તમારા માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરવું છે. તમે ખુરશીમાંથી ઊભા થયા. કૅબિનની લાઇટની સ્વિચ બંધ કરતાં બોલ્યા કે “જાવ, ફોર્મ લઈ આવો. ઑફિસ ખુલ્લી હશે. આપણે મારા ઘરે બેસીને વિષય નક્કી કરીશું.” પાંચ જ મિનિટમાં જિંદગીનો મોટો ફેંસલો લેવાઈ ગયો! આપણે તમારા ઘરે ગયા. વિષય નક્કી થયોઃ ‘આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ (૧૯૫૭-૧૯૯૨). તેમાં આધુનિક એટલે કે Modernist એવો અર્થ લેવાનું તમે સૂચવેલું, ને એ જ ક્ષણે ઝબકારો થયો મારા મનમાં, ‘I love Modernist.’ તમે ત્રણ અગત્યનાં સૂચનો કરેલાં. “આ કામ પાંચ વર્ષનું છે. માત્ર ડિગ્રી માટે નથી. ખૂબ જ વાંચવું પડશે. ગુજરાતી-ઇંગ્લિશ-સંસ્કૃત. આ કામ આપણા બંનેનું છે.” પહેલું પ્રકરણ વાસ્તવ અને કલાનું વાસ્તવ, આ મુદ્દા વિશે તમે કાન્ટ, સુરેશ જોષી અને ફિનોમિનોલૉજીની ભૂમિકાએ સરસ ચર્ચા કરી. ને એક વાત ખાસ કહેલી, કે “નવી વાર્તાઓ વાંચવાનું શરૂ કરો, તે પહેલાં ધૂમકેતુથી શરૂ કરીને જયંતી દલાલ સુધીના વાર્તાકારોને વાંચશો. આ વાર્તાકારો વિશે પ્રકરણ નથી લખવાનું, પરંતુ એ ઇતિહાસ જાણ્યા વિના આધુનિક ટૂંકી વાર્તાનું સ્વરૂપ સમજી શકશો નહીં. કાયમ ફોન કરીને મળવા આવવું, જેથી ધક્કો ન પડે.”
મારો સ્વાધ્યાય શરૂ થયો. મેં સંદર્ભ સામગ્રી શોધવાની શરૂઆત કરી. મલયાનિલથી શરૂ કરીને પરંપરાગત વાર્તાઓ વાંચવાનું શરૂ કર્યું. સાથે સાથે આધુનિક વાર્તાઓ પણ વાંચું, સમકાલીન વાર્તાઓને પણ. ‘ખેવના’, ‘ગદ્યપર્વ’, ‘એતદ્’, ‘વિ’ અને ‘પરબ’માં પ્રગટ થતી વાર્તાઓને વાંચતાં મને એક વાર્તાસંપાદન તૈયાર કરવાનો વિચાર આવ્યો. સમકાલીન ગુજરાતી ટૂંકી વાર્તાનું સંપાદન. મેં મારો વિચાર તમને રજૂ કર્યો. તમે કહ્યું, “હજુ રાહ જુઓ. બધું ઠરવા દો, પછી કરો.” પણ મેં કહ્યું કે મારે તો કરવું જ છે, ને તમે કહ્યું, “સારું.” પાર્શ્વ પ્રકાશનના માલિક બાબુભાઈ શાહે ૧૯૯૪માં ‘સંક્રાન્તિ સર્જતી ગુજરાતી પ્રતિનિધિ વાર્તા’ નામનું સંપાદન પ્રગટ કર્યું. તેનો વિમોચન-સમારોહ થયો. તેમાં તમારું ‘મીડિયા-મેસેજ’ પુસ્તક હતું. તમે સંપાદનમાંથી બેએક વાર્તા વિશે બોલ્યા હતા. તમારી સાથે પ્રમોદકુમાર પટેલ પણ વક્તા તરીકે હતા. એમણે ‘સંક્રાન્તિ’ વિશે ઘણી નોંધો કરી હતી. એ લેખ કરવાના હતા, પણ એમનું વડોદરામાં અચાનક અવસાન થયું.
ઑક્ટોબર, ૧૯૯૪માં કાલોલ (પંચમહાલ) કૉલેજમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતાની જાહેરાત આવી. મેં અરજી કરી. અમે ત્યારે મોડાસા રહેતા. હું મોડાસા-શામળાજી અપડાઉન કરતો હતો. અમારી ઇચ્છા હતી કે જો કાલોલ કૉલેજમાં પસંદગી થાય તો વડોદરામાં રહી શકીએ. કવિતા-મૃણાલને સારું શિક્ષણ મળે.
ઇન્ટરવ્યૂનું સ્થળ અમદાવાદની કોઈ કૉલેજ હતું. તમે વિષયનિષ્ણાત છો એવું જાણ્યું. મનમાં રાજી થયો. હું ઇન્ટરવ્યૂ આપવા માટે પ્રવેશ્યો, ત્યાં તમે આખી પસંદગી ટીમ સાથે બેઠા હતા. મને બેસવાનો ઇશારો કર્યો. તમે કૉલેજના સ્ટાફ પાસે ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બનાવડાવ્યું, ને મેરિટ લિસ્ટમાં હું પ્રથમ ક્રમે હતો.
તમે મને એક પણ સવાલ ન પૂછ્યો ને બીજા નિષ્ણાતોને કહ્યું, “તમે જ સવાલો પૂછો, મારો વિદ્યાર્થી છે.”
મેં નિષ્ણાતોના સવાલોના ખૂબ સારી રીતે જવાબો આપ્યા. સર્વાનુમતે મારી પસંદગી થઈ. હું ખૂબ જ રાજી થયો, ને અમે વડોદરામાં રહી શકીશું એ વિચારથી બમણો આનંદમાં હતો. એ વખતે મિત્ર કિશોર વ્યાસ કાલોલ કૉલેજમાં વિભાગાધ્યક્ષ હતા. એ પણ ખૂબ જ રાજી થયા.
તમે બહાર આવ્યા ને એક જ શબ્દ બોલ્યા, “ચાલ.”
હું ઝડપથી તમારી સાથે ચાલવા લાગ્યો. તમે કહ્યું કે “અહીં એક પણ વાત નહીં. આપણે મારા ઘરે જઈએ છીએ.”
અમે ઘેર ગયા. તમે ખૂબ જ પ્રસન્ન હતા. નિરાંતે બેઠા. રશ્મીતાબેને સરસ ચા પીવડાવી. નાસ્તો કર્યો.
તમે ઇન્ટરવ્યૂની આખી પ્રક્રિયાની વાત કરી, “તું મૅરિટમાં ફર્સ્ટ હતો એટલે આપણે જંગ જીતી ગયા! અમને આનંદ છે કે તું વડોદરામાં રહેશે. દક્ષા-કવિતા-મૃણાલને માટે પણ એટલું જ ફળદાયી બનશે.”
‘ખેવના’ના જુલાઈ-ઓગસ્ટ ૧૯૯૩ના અંકમાં તમારો વાર્તાસંગ્રહ ‘જૅન્તી-હંસા સિમ્ફની’ની મેં કરેલી સમીક્ષાને યાદ કરીને તમે કહેલું કે “ટૂંકી વાર્તા વિશેની તારી સમજ પાકી બનતી જાય છે. તું એ જ દિશામાં કામ કર. પ્રત્યક્ષ વિવેચન વધુ કર.”
રાત્રે નવની બસમાં હું અમદાવાદથી મોડાસા જવા નીકળ્યો. બસમાં આખે રસ્તે મને તમારો ‘ચાલ’ શબ્દ ખૂબ જ ગુંજતો રહ્યો. તમે અમારા ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કર્યું. અમારી પ્રગતિનાં નવાં દ્વાર ઉઘાડી આપ્યાં. તમે મારા ગુરુ તો હતા જ, હવે જાણે કે મારા પ્રિય મિત્ર બન્યા. હું મોડી રાત્રે મોડાસા પહોંચ્યો. ફોન પર તો મારી પસંદગીના સમાચાર આપી જ દીધા હતા. દક્ષા મોડાસા ટેલિફોન એક્સચેન્જમાં સર્વિસ કરતી હતી, એટલે મને વારંવાર બધું પૂછીને જાણી લેતી હતી. મને આવતો જોઈને ભાઈબહેન દોડ્યાં. દક્ષાના ચહેરા પર મધુર હાસ્ય, આંખોમાં આનંદ, ઘરમાં હર્ષોલ્લાસ! મેં બધી વાત હોંશે હોંશે કરી. તમારી સમગ્ર ભૂમિકા વર્ણવી. આપણે હવે વડોદરા જઈશું એ વાતે અમે ખૂબ રાજી હતાં. અમે અમારી પ્રિય વાનગી ‘ચૂરમું’ ખાધું. તમે અમારો એક સબળ આધાર બન્યા.
૧૯૯૪ના નવેમ્બર મહિનાની ૨૨મી તારીખે હું કાલોલ કૉલેજમાં જોડાયો. અમારું નવું જીવન શરૂ થયું વડોદરામાં. હું વડોદરાથી કાલોલ ટ્રેનમાં અપડાઉન કરતો. શરૂઆતના દિવસો સંઘર્ષના હતા, પણ જાણે કે ઘડતરના હતા. આ દિવસો દરમ્યાન મારાં પ્રકરણો તમને લખીને આપતો. આપણે રૂબરૂ મળતા ત્યારે મારાં પ્રકરણોની વાત થતી. એક વાર આપણે બાલ્કનીમાં બેઠા હતા શબરી ટાવરમાં આઠમા માળે. તમે મને રૂખડાના ઝાડ નીચે પડેલું એક જૂનું ટુ વ્હિલર બતાવીને કહ્યું કે “ઘણા દિવસથી તેને કોઈ છોડીને જતું રહ્યું છે. એ દિવસરાત, તડકોછાંયો, અંધારામાં આમ જ પડ્યું રહે છે.” તમારા ચહેરા પર એ ટુ વ્હિલરની દશાની હતાશા અંકાઈ ગઈ હતી.
થોડા દિવસ પછી તમારો ફોન આવ્યો. તમે ઉતાવળે બોલ્યા કે “જયેશ, પેલું ટુ વ્હિલર કોઈ ઉઠાવી ગયું છે, ને મને ખૂબ જ ખાલી ખાલી લાગે છે.” તમારા શબ્દો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. તમારી ચેતનામાં રોપાઈ ગયેલું ટુ વ્હિલર જાણે કે ત્યાં જ અદૃશ્ય બની ગયું. આ ઘટનાઓમાંથી તમે સર્જી ટૂંકી વાર્તા ‘ફટફટિયું.’ આ વાર્તા તમે દાહોદ કૉલેજમાં યોજાયેલા પરિસંવાદના રાત્રિ કાર્યક્રમમાં વાંચી હતી. એ વખતે હું હાજર હતો, ને તમે ક્યારેક ક્યારેક મારી સામે જોતાં જોતાં વાર્તાનું પઠન કરતા હતા. ‘ફટફટિયું’ સંગ્રહને ‘દિલ્હી સાહિત્ય અકાદમી’નો અવૉર્ડ મળ્યો. રૂખડાના ઝાડ નીચે પડેલું ટુ વ્હિલર કેવાં કેવાં રૂપાંતરોમાં આકાર પામતું રહ્યું! તમારી વાર્તાકલાની આ અપૂર્વ સિદ્ધિ છે.
તમારે અને રશ્મીતાબેનને ૧૯૯૮ના માર્ચ-એપ્રિલમાં અમેરિકા જવાનું હતું. મેં કહ્યું કે “સાહેબ, મારી સિનૉપ્સિસ આપી દઈએ.” તમે કહ્યું કે “USAથી પાછો આવું પછી આપીશું, શું ઉતાવળ છે?” પણ મેં આગ્રહ રાખ્યો કે “તમે USA જાવ એ પહેલાં જ મારે આપવી છે.” ને તમે માની ગયા. હું હળવો થઈ ગયેલો.
તમે USA પહોંચીને ચાર ફૂલસ્કેપ પાનાંનો પત્ર લખ્યો હતો. ૧૨ જૂન, ૯૮થી ૧૫ જુલાઈ વચ્ચે લખેલો પત્ર. એ પત્ર ખૂબ જ મૂલ્યવાન છે. તેમાં તમે કવિતા-મૃણાલની કારકિર્દી વિશે ઘણી સરસ વાતો લખી હતી. એ સમયે E-mailની શોધ નવી નવી હતી. તમને એનો ખૂબ જ રોમાંચ હતો. એ સિવાય પણ નાની નાની ઘણી વાતો છે. આ પત્ર મેં જતનથી સાચવ્યો છે. આજે મારી સામે છે એ પત્ર. તમારા હસ્તાક્ષર અને વીતેલા સમયનાં સંભારણાં!
જૂન, ૧૯૯૮માં જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં રીડરની જાહેરાત આવી હતી. ઑગસ્ટમાં ઇન્ટરવ્યૂ થયો. મારી પસંદગી થઈ. ૧૦મી સપ્ટેમ્બર, ૧૯૯૮માં હું ગુજરાતી વિભાગમાં રીડર તરીકે જોડાયો. મેં તમને ખુશીના સમાચાર આપ્યા હતા. તમે કહેલું કે “તારી મહેનતનું ફળ છે.” ૧૯૯૯માં મારો પીએચ.ડીનો વાયવા થયો. મણિલાલ હ. પટેલ પરીક્ષક તરીકે આવેલા. થોડા મહિઓમાં મને પીએચ.ડી.ની ડિગ્રી મળી, ને ૨૦૦૧માં મારો શોધનિબંધ મેં પુસ્તક રૂપે પ્રગટ કર્યો. રીડર બનવું, પીએચ.ડી.ની ડિગ્રી મળવી, પુસ્તક રૂપે શોધનિબંધનું પ્રકાશન થવું, આ બધું તમારા આશીર્વાદનાં ફળ છે.
યુનિવર્સિટીના વાતાવરણમાં મારું નવું ઘડતર થયું. નવા નવા અભિગમોનું વાચન કર્યું. સામયિકોમાં મારા સ્વાધ્યાય લેખો મારી ઓળખ બનતા ગયા. તમારા નવા ગ્રંથો પ્રકાશિત થયા, નવા વાર્તાસંગ્રહો, નવાં સંપાદનો. ‘કથાપદ’, ‘સંજ્ઞાન’, ‘કથા-સિદ્ધાન્ત’ની મેં સમીક્ષા કરી. ભુજમાં ૨૦૦૯માં યોજાયેલા અધ્યાપકસંઘના અધિવેશનમાં ‘સુમન શાહનું સાહિત્યવિવેચન’ એ શીર્ષકથી વ્યાખ્યાન આપ્યું. નીતિન મહેતાએ ‘એતદ્’ માટે મંગાવ્યું ને ‘એતદ્’માં લેખ સ્વરૂપે પ્રગટ થયું.
તમે નિવૃત્ત થયા. તમે USA અને યુરોપ જતા હતા. વર્ષ ૨૦૦૫માં મેં ‘તથાપિ’ સામયિક શરૂ કર્યું. ‘તથાપિ’ના પ્રથમ અંકમાં તમારી ટૂંકી વાર્તા ‘ટુ થાઉઝણ્ડ ટ્વેન્ટી ૨૦૨૦) લગી’ પ્રગટ થઈ હતી. ‘તથાપિ’ના ત્રીજા અંકથી ‘મને ગમતા રે…’ નામની નવી ગ્રંથકારપરિચય શ્રેણી શરૂ કરી. તેમાં આધુનિક યુરોપિયન સર્જકોનો પરિચય હતો. તમે સેમ્યુઅલ બેકેટથી શરૂઆત કરી હતી. તે ઉપરાંત સમયાંતરે તમારા લેખો, અનુવાદો ‘તથાપિ’માં પ્રકાશિત થતા હતા.
તમે અને રશ્મીતાબેન અમારા ઘેર રહેવા આવેલાં. બે દિવસ રોકાયાં હતાં. તમે અમારા ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાન આપવા આવતા ત્યારે મળતા. ઇન્ટરવ્યૂ લેવા આવતા ત્યારે મળતા. મદીરનાં લગ્ન વખતે હું અને મૃણાલ અમદાવાદ આવેલા. ‘સન્નિધાન’નો એક ઉત્તમ વિદ્યાર્થીશિબિર અમારા વિભાગના ઉપક્રમે થયો હતો. ખૂબ જ સુંદર વ્યાખ્યાનો થયાં હતાં. લગભગ ૧૫૦ શિબિરાર્થીઓ હાજર હતા. એ શિબિરને હું કાયમ મારા ગુરુને આપેલી યાદગાર ભેટ ગણું છું. તમે ૩૦-૩૫ મિનિટનું એક યાદગાર વ્યાખ્યાન પ્રતિભાવ રૂપે આપેલું.
વર્ષ ૨૦૧૪માં હું નિવૃત્ત થયો. હું મારા વિશ્વમાં ગોઠવાતો ગયો. તમે USA વધુ લાંબા સમય માટે રોકાતા રહ્યા. યુરોપ જતા. ચિ. કવિતા-ક્ષિતિજનાં લગ્ન થયાં. ચિ. મૃણાલ કેનેડા ભણવા ગયો. અમે સાવ એકલાં પડી ગયાં. ઘણુંબધું વિસરાતું ગયું. રશ્મીતાબહેનના અવસાન બાદ તમે USA વધુ વર્ષ રહેવા લાગ્યા. ૨૦૧૯માં તમે ભારત આવેલા. વિભાગમાં તમારું વ્યાખ્યાન હતું. દીપક રાવલે મને હાજર રહેવા ખાસ આગ્રહ કર્યો હતો. આપણે મળ્યા. સેલ્ફી લીધી.
તમે ભારત આવતા ત્યારે ‘સુજોસાફો’ના વાર્તાશિબિરોનું આયોજન કરતા, વ્યાખ્યાનો આપતા. તમારાં વ્યાખ્યાનો સાંભળું. યુવા સર્જકો તમારી આસપાસ વીંટળાયા. આપણે અલપઝલપ ફોન પર મળતા.
તમે જાણો છો કે ગુજરાતી સાહિત્યમાં હાલ અધ્યયનગ્રંથોનું પ્રકાશન અને તેનાં વિમોચનો પૂરજોશમાં ચાલે છે. સાહિત્યકાર પોતાના વિશે કંઈ લખાયું હોય તે બધું સંપાદક પાસે ભેગું કરાવીને એક દળદાર અધ્યયનગ્રંથ પ્રગટ કરે છે, ને તેનું પાછું લોકાર્પણ. આ બધા સાંપ્રત પ્રવાહો વચ્ચે મને તમારો અધ્યયનગ્રંથ પ્રગટ કરવાનો વિચાર આવ્યો. મેં મારો પ્રસ્તાવ અને અધ્યયનગ્રંથનું માળખું એકત્ર ફાઉન્ડેશનના સંવાહક અતુલભાઈ રાવલને મોકલ્યાં. એમણે સંમતિ આપી. મારો પાકો નિર્ધાર હતો કે આ ગ્રંથમાં તમારા વિશે લખાયેલા જૂના લેખો ન મૂકવા, સમીક્ષકમિત્રો પાસેથી નવેસરથી લેખો તૈયાર કરાવવાના. એ દિવસોમાં, જાન્યુઆરી ૨૦૨૪માં તમે એમસ્ટર્ડામમાં હતા. તમને અધ્યયનગ્રંથનું માળખું મોકલ્યું. તમે ખૂબ પ્રસન્ન થયા. પરંતુ લાંબા વિચારવિમર્શ પછી મેં અધ્યયનગ્રંથનું સ્વરૂપ બદલ્યું, ને નામ આપ્યું ‘સુમન શાહ સાહિત્યસંપુટ’. ચાર ખંડ, ટૂંકી વાર્તા, નિબંધ, વિવેચન અને સ્મૃતિમંજૂષા. ચારેય ખંડ માટે મેં સમીક્ષકમિત્રોની યાદી બનાવી.
આપણો પરોક્ષ અને પ્રત્યક્ષ સંબંધનો સમયગાળો અર્ધી સદીનો છે. એ અર્ધી સદીના આલેખનને મેં સ્મૃતિમંજૂષા ખંડમાં પ્રકાશિત કર્યો છે.
હમણાં તમારાં ચાર નવાં પુસ્તકો પ્રગટ થયાં. તેમાં ‘ટાઇમપાસ’ નામનો તમારો સાતમો વાર્તાસંગ્રહ ૨૦૨૪માં પ્રગટ થયો. તમારી ટૂંકી વાર્તાની સર્જનયાત્રા સતત વિકાસશીલ રહી છે. તમે modernist છો, ને I love modernist. રૂપ કલાનું પરમ સત્ય છે એ તમારી કલાવિભાવનાને હું ચાહું છું. વાસ્તવ અને કલાનું વાસ્તવ એ બે દ્વંદ્વને સમજવાની અને તેનું વર્ણન કરવાની તમે મને જે દૃષ્ટિ આપી છે, તેના વડે હું કાયમ સાહિત્યકલાનું સૌંદર્ય પામતો રહું, તેવી અપેક્ષા સાથે મારી સ્મૃતિમંજૂષાને હાલ બંધ કરું છું.
– જયેશ ભોગાયતા
મો. 98240 53272
૨૪મી જુલાઈ, ૨૦૨૪