સોનાનાં વૃક્ષો/ચાલ, વૃક્ષને મળવા જઈએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાલ, વૃક્ષને મળવા જઈએ

તડકો છાંયો કળવા જઈએ, ચાલ વૃક્ષને મળવા જઈએ
સીમ સાંજની ગુલાલ વરણી, ચાસે ચાસે ઢળવા જઈએ

અંધારામાં ઝાલર વાગે; ચાલ, દીવો થૈ બળવા જઈએ
જળમાં જો દીવા ઝગમગતા, બે’ક ઘડી ઝળહળવા જઈએ

દિવસ રાતની ઘંટી ફરતી, મનના દાણા દળવા જઈએ
ગાય ભાંભરે : હશે ક્યાંક એ; ચાલ ક્હાનને મળવા જઈએ

તડકો પ્હેરી ખેતર ઊભાં, દૂધમલ દાણે ભળવા જઈએ
ફૂલો ગાતાં કૈં યુગોથી, સુગંધને સાંભળવા જઈએ

જે છાતીમાં ડૂમો – ડૂસકાં : એનામાં ઓગળવા જઈએ
ચાલ, મૂકી દે તસબી માળા : મૂળ માટીમાં ભળવા જઈએ.

–મણિલાલ હ. પટેલ