સોનાનાં વૃક્ષો/ધ લેડી ઑવ ધ ફોરેસ્ટ
અરણ્યસુંદરી! ‘વનની ગોરી’ તો એ ઉજળે વાને કરીનેય છે. પણ એને ‘જંગલની રૂપવતી’ કહેવામાંય એ ‘તરુયૌવના’ વર્ણનથી બહાર રહી જાય છે. ધ બ્યૂટીફૂલ લેડી ઑવ ધ ફોરેસ્ટ. આપણને જોયા કરવું ગમે એવું એનું રૂપ–સ્વરૂપ છે. છે તો એ ઝાડ. પણ એ વિશાળ તરુવર કે તોતીંગ વૃક્ષરાજ નથી, એ તો નારી શું નાનકું ને નમણું નાજુક ઝાડવું છે. આમ જાણીતું છતાં મોટા ભાગના લોકો માટે અજાણ્યું. વનોમાંથી પસાર થતાં, ધ્યાનથી જોનારને એ જુદેરું જણાઈ આવ્યા વિના નથી રહેતું. ગામડાંના લોકો એને ‘જંગલની રાણી’, ‘ધ ક્વીન ઑવ ધ ફોરેસ્ટ’ કહીને મજાક કરી લે છે. પણ એ માત્ર મજાક નથી, એ લોકેય એના સુંવાળા ઉજળા થડને પંપાળીને રોમાંચિત થાય છે. વનમાં, એક પગે ઊભે રહીને, તપ કરતી આ તરુકન્યાને વરવા વનનાં બધાંય ઝાડવાં જાણે આતુરતાપૂર્વક એના હકારની રાહ જોતાં લાગે છે – બલકે એય પેલી તપસ્વિની માટે તપસ્વી બની રહેલાં જણાય છે. કડાઈ. કડાયો. કડઈ... અરણ્યમાં એનું નામ પ્રદેશે પ્રદેશે બદલાતું હશે. પંચમહાલમાં એને ‘કલાડી’ કહે છે. ઉજળી છોકરી ગોરાવાનનું અભિમાન દાખવે ત્યારે ગામડાંની અનુભવી બાઈઓ એને મર્મમાં કહે છે : ‘ડુંગરે કલાડીઓ ઘણીય ધોળી છે તે શું કામની? હૈં? ચૂલે બાળવાય કામ નથી આવતી. ધૂણી કરે ધૂણી!’ હા, આ તો રાજરાણી જેવી, કામની વાતે ધૂંધવાઈને ધૂમાડો જ કરે ને! કડાઈ! બદામી – શ્વેત થડ. પાંચ છ ફૂટથી વધુ ઊંચું નહિ. એ પછી ચાર–છ ડાળીઓ બધી દિશાઓમાં પથરાવા માટે ફરી વળેલી લાગે... એનો વાન પણ ગૌર – રતુંબડો. ડાળીઓનેય ફૂટેલી ડાળીઓ... દીપચંપાની જેમ. પંજા ફેલાવેલા અનેક હાથ જાણે! થડે ટટ્ટાર; જરાક લચીલી ડાળીઓની મુદ્રાઓય સંમોહક લાગે. કોઈ ચતુર્ભૂજા અપ્સરા જાણે નૃત્યની મુદ્રામાં ‘સ્ટેચ્યૂ’ બની ગઈ ન હોય! ને આવી સંખ્યાબંધ કડાઈઓ છટાદાર રીતે ઊભી છે અજંટાની ગુફાઓ સામેની અને પાસેની પહાડીઓના ઢોળાવે અને વાઘોરા (ત્યાં વહેતી વ્હેળારૂપ) નદીની બંને તરફે! ગુફાઓની શિલ્પકલા અને ચિત્રકલામાં સંરેખિત સુન્દરીઓની સાથે સાથે હું તો કડાઈકન્યાઓની નૃત્યમુદ્રાઓ પર પણ મોહિત હતો. ઘણીવાર તો હું એ નળાકાર વ્હેતી ખીણના ઢોળાવોની વનરાજી અને કડાઈઓની કશ્મકશ જોતો રહેલો. થોડુંક ચાલો ને નવાં દૃશ્યો.... નોખો નિર્ભેળ આનંદ. થડ – ડાળી પરની સફેદ બદામી અને સાવ પાતળી છાલ ઊખડતી રહે છે ને ડાળીઓને છેડે કપાસના છોડને હોય એવાં નાનાંનાનાં પાન ફૂટે.... ઝાઝાં વસ્ત્રો પણ આ અરણ્યસુંદરીને મંજૂર નથી. એય વનવાસી વનકન્યા જેવી! તડકે ને છાંયે એનાં રૂપો નીખરે નોખાં નોખાં. ગુફાઓને કઠેડેથી ખીણમાં જોઈએ તો કડાઈઓ બધી નીચે હારબદ્ધ અને નૃત્યમુદ્રામાં નિજરત કે મસ્ત છટામાં ચિત્રવત્ દેખાતી રહે છે. દૂરથી ને નજીકથી; સાથે ઢોળાવેથી ને થડમાં માથું ઊંચકીને જોવાથી ઝાડવાં અચરજકર રૂપોનો અનુભવ કરાવીને રોમાંચિત કરે છે. ઔરંગાબાદથી જલગાંવના ધોરી રસ્તે જતાં (જલગાંવથી ૫૫ અને ઔરંગાબાદથી ૧૧૦ કિ.મી. અંતરે) પહાડોની ઘાટીમાં અજંટાની ગુફાઓ આવેલી છે. ઘોડાના પગમાં જડવામાં આવતી નાળના આકારમાં, પહાડીઓની કૂખમાં પથ્થરો કોરીને બનાવવામાં આવેલી આ ગુફાઓ સ્થાપત્યકલા – શિલ્પકલા – ચિત્રકલા અને વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ અત્યંત પ્રભાવક – સંમોહક છે. બૌદ્ધ ધર્મના પ્રારંભિક વર્ષોમાં આ મહાનકાર્યની શરૂઆત થઈ. કહેવાય છે કે એનું કોતરણીકાર્ય બે તબક્કે થયું હશે. ઈ.સ. પૂર્વે ૫મીથી ૩જી સદી : પ્રથમ તબક્કો : હિનયાન વિચારધારાની પ્રબળતાનો સમય. બીજો તબક્કો ઈ.સ. ૩જીથી પાંચમી સદીનો. મહાયાન વિચારધારાનો તબક્કો. અહીં બુદ્ધને સમર્પિત પૂજાકક્ષ છે જેને ‘ચૈત્યકક્ષ’ કહે છે. બુદ્ધની શિલ્પાકૃતિઓમાં અપ્રતીમ કલાનું દર્શન થાય છે. વિહાર, મઠ, નિવાસો, ધ્યાનખંડો : બધું સરસ રીતે કોરેલું છે. મહાકાય પથ્થરો કોરીને એમાંથી જ થાંભલાઓ, દ્વારો, શિલ્પો, છત, મૂર્તિ કંડારતા જવાનું આ અ–પૂર્વ કાર્ય આજે પણ અશક્યવત્ ભાસે છે. બુદ્ધની, પૂર્વ જન્મોની, જાતકકથાઓ ઈત્યાદિને વણી લેતી બેનમૂન ચિત્રકલા જોતાં અવાક્ રહી જવાય એ સહજ છે. ભીંતો ને છતો પરની એ ચિત્રાવલિઓ અને એ પ્રાકૃતિક રંગોની ચમક ભારતીય અસિમિતાની સાખ પૂરવા માટે પર્યાપ્ત છે. ઈલોરાની ગુફાઓ ઔરંગાબાદની ૨૫ કિ.મી. અને દોલતાબાદના જૂના અને જાણીતા કિલ્લાથી પાંચ–છ કિ.મી.ના અંતરે ઘાટી ઊતરતાં આવે છે. ભૂખંડની રમણિયતા તો અજંટાની અદ્ભુત છે. ઈલોરાની ગુફાઓ બ્રાહ્મણધર્મ (હિન્દુ ધર્મ), જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એમ ત્રણે ધર્મોની સહોપસ્થિતિ દર્શાવતાં શિલ્પો – ચિત્રોથી સુખ્યાત છે. અલબત્ત, દરેક ધર્મપરંપરાને આલેખતી ગુફાઓ અલગ અલગ છે. અજંટાનો લોકાલ, એ ભૂખંડ વિશિષ્ટ છે. પહાડો, ધોધ ને નદી; ખીણો – પહાડોના ઢોળાવો પરનાં વૃક્ષોની શોભા તથા સામે જ હારબંધ દેખાતાં ગુફામુખો... એની ઉપર પણ પહાડી... ન કોઈ ઘર, નગર, નર્યું અરણ્ય! નીરવ શાંતિ! તપોભૂમિ તો આવી જ હોય ને! લાગે કે આપણે પણ સદીઓ વટાવતાં પાછાં પગલે પુરાકાળમાં આવી ગયાં કે શું!! આ બધું ‘જોઈ નાખવાનું’ નથી હોતું... આને તો ઉકેલવાનું અને પછી એનું અજવાળું ભીતરમાં ભરી લેવાનું હોય છે. શિલ્પ – ચિત્ર – સ્થાપત્ય ઉપરાંત જાતકકથાઓનું સાહિત્ય પણ અહીંથી મળે છે તો આ સૌમાં ઝિલાયેલો લય પણ વિશિષ્ટ છે. ને સામે પ્રકૃતિનાં રમણીય ચિત્રો તો પ્રત્યેક પહોરે નોખું ને નોખું ગુંજન કરતાં જ રહે છે... આ તો કળાઓનો મેળો છે... હૃદયને સભર કરી લેવાનો આવો અવસર બીજે તો ક્યાં મળવાનો! કડાઈ – અરણ્યસુંદરી – ‘અ બ્યૂટીફૂલ લેડી ઑવ ધી ફોરેસ્ટ’ને આપણે ઘડીવાર વિસારે પાડીને કલાઓની વાતોમાં ગૂંથાયા હતા. ત્યારે પણ મારું ધ્યાન તો કડાઈ કન્યાઓના જૂથ વચ્ચે વચ્ચે ઊભેલાં થોડાંક સરસ ઝાડવાં તરફ વળી જતું હતું. અમારા સાથીદાર પ્રા. ગિરીશ ચૌધરી ડાંગના તળવાસી તે એમને ઝાડવાંની ઓળખ ઠીક ઠીક છે. કડાઈ વિશે એ પણ રોમાંચિત હતા. પેલા નોખાં ઝાડવાં વિશે એમણે કહ્યું : ‘એ તો ‘મદડ’ (મેં સાંભળ્યું – ‘મરદ’ – મર્દ!)નાં ઝાડ છે.’ એય રૂપાળાં છે. સફેદ થડને ઉજળી ડાળીઓ, કડાઈથી જરાક જ ઊંચા! કડાઈકન્યાએ આ મદડ–વર પસંદ કર્યો છે. માટે તો એને જૂથમાં ઘેરીને ઊભી છે... ને મદડ પણ મરદની જેમ કડાઈને કેડ્યમાં હાથ પરોવવા વાંકો વળેલો છે. આ મદડને લીમડા જેવાં પણ આછાં પાન છે. અરે! લીંબોળીથી નાનાં પણ એવાં જ લૂમમાં બેઠેલાં ફળ છે. ગિરીશભાઈ એ તોડી લાવીને ચખાડે છે – વાહ! ઊતરતે ચોમાસે વાડમાં પાકતાં કંથારાં જેવો સ્વાદ છે મદડ ફળનો! કડાઈ – મદડના પ્રેમમિલનમાં અમે ફળ ખાતાં ખાતાં ભળી ગયા હતા. ચિત્રકારની જેમ ‘ઝાડ’ જોતાં શીખવું પડે. અમૃતલાલ વેગડને એમના પ્રખ્યાત ચિત્રકાર ગુરુ નંદલાલ બોઝે ‘ઝાડ’નું ચિત્ર કરતાં પહેલાં ‘ઝાડ જોતાં’ શીખવેલું. કડાઈ અને મદડ – ને અમે એ ભૂમિકાથી નીરખતા રહેલા. વૃક્ષો સવારે ને સાંજે જુદાં લાગે છે. એ જ વૃક્ષો બપોરનો તડકો ઝીલતાં સાવ નીરવ ને ખોવાયેલાં લાગે છે. બેહડા જેવાં ઊંચાં વૃક્ષો ઉપર સરસાઈ મેળવીને ગર્વીલી છટામાં ઊભેલાં લાગે છે. તો ઊંચેરા પીપળા પાંદડે પલપલતા હોવાથી વાતોડિયા વડીલ અનુભવાયા છે. વરસાદમાં ન્હાતું ને અંધકારે ઊંઘતું ઝાડ. પંખીઓ સાથે ગાવા માંડતું ને વસંતે તોરમાં આવીને ફોરતું ઝાડ! ઝાડ કેસૂડાનું નાનું ને મહાકાય તે મંદાર કે શીમળાનું! ઝાડને એક સ્થાપત્યરૂપે પણ જોવા જેવું છે. ડાળીઓ ને પાંદડાની રચના… એનું નોખાપણું એની ગરવી ગોળાઈમાં પણ પમાશે. ડાળીઓનું લયબદ્ધ ઝૂલવાનું અને પર્ણમર્મરનું ગીતમાં ભળી જવાનું વલણ નીરખનારને કળાત્મક જ લાગવાનું! એનાં આકારો ને પત્રરેખાઓ, પાંદ – કળી – ફૂલ – ફળના રંગો; જોનારને ચિત્રકાર થવા ઉશ્કેરે એવાં ચેતનવંતા હોય છે. ઝાડવે ઝાડવે જુદી કળા ને ઋતુએ ઋતુએ નવી છટા. કોઈવાર તમે ઝાડની નીચે જઈને, તમારી પીઠને થડ સાથે ચસોચસ અઢેલીને પછી માથું ઊંચે ઉઠાવીને ઝાડને જોજો… ધૈર્યથી નીરખજો. ઝાડ તમને ચેતનાનો અદ્ભુત ફુવારો પ્રતીત થશે... ને તમારી ભીતરી ચેતના પણ ઝાડ થવા ઝંખતી અનુભવાશે… અજંટાની વિદાય લેતાં કડાઈનાં વૃક્ષોને પુનઃ પુનઃ જોઉં છું... આટલાં એક સામટાં પહેલીવાર જોયાં હતાં... બપોરનાં આકરા તડકામાં અંગ્રેજ લેડી જેવી કડાઈ વધુ લાલાશવાળી લાગતી હતી... મદડ એને વધુ ઉત્સુકતાથી જોવા સાથે આછેરો ચિંતામાં હતો. – રખેને આ ‘વ્હાઈટ લેડી ઑવ ધ ફોરેસ્ટ’ – કાળી પડી ન જાય! પછી તો માઈલો સુધી કડાઈ – મદડ અમારી સાથે ને સાથે હતાં.
સાપુતારા, જૂન : ૨૦૦૮