સોનાનાં વૃક્ષો/પનરવાની પ્રીત
મુંબઈની વસંતઋતુ પણ માણવા જેવી હોય છે. મહાનગરોમાં માત્ર કૅલેન્ડરોમાં જ વસંતપંચમી આવે છે; ને એની જાણ નગરજનોને થતી જ નથી – એ કેટલેક અંશે સાચું હશે; ખાસ તો સંવેદનજડ લોકો માટે. એવા લોકો બારેમાસ વાતાનુકૂલિત ગાડી– બંગલાઓમાં જ રહે – વિહરે. એટલે એમને પંચેન્દ્રિયોનો મહિમા કોણ સમજાવે? એમણે પૈસા અને નોટોનો સ્પર્શ કરી કરીને સ્પર્શેન્દ્રિય પણ બધિર કરી દીધી હોય છે. કૃત્રિમ ઝાકઝમાળ સિવાય એવા લોકોની આંખ કશું જોતી નથી. એમની ઘ્રાણેન્દ્રિય દેશીવિદેશી પરફ્યૂમ્સની સિન્થેટીક સુગંધોએ કૃતક બનાવી દીધી હોય છે. પારિજાત, મોગરો ને મધુમાલતી એમના બંગલા–બગીચામાં હોય છે ખરાં, પણ એ એમને ઓળખવા – પરખવાની સહજ વૃત્તિ ગુમાવી બેઠા હોય છે... પછી પ્રકૃતિ સાથેની સંગોષ્ઠિનો સવાલ જ ક્યાં રહ્યો! આ અર્થમાં મહાનગરોમાં ઋતુઓના વૈભવ નહીં માણનારાઓ ઇન્દ્રિયબધિર હોય ખરા. ગરીબોને તો રોટલો રળવા આડે પ્રકૃતિનો સંગ કરવા જેટલો ન તો સમય છે ન એવી સૂઝ! હમણાં ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં મુંબઈમાં ફરવાનું થયું. આ ઋતુ ત્યાંય ભારે ઠસ્સાદાર છે... યંત્રો અને સમયની સંકડાશમાં ભાગંભાગ કરતાં લોકો વચ્ચે જીવન અહીં ખૂબ રઘવાયું રઘવાયું છે. પણ મને તો ઘણી નિરાંત લાગી. મારું ધ્યાન યંત્રોમાં કે હાઇરાઇઝનાં જંગલોમાં નહોતું... એ તો ‘આધુનિક અરણ્ય’નાં સોબતીઓ છે. નિરંજન ભગતે આવા સિમેન્ટ કોન્ક્રીટ મુંબઈ વિશે – એનાં લોકો વિશે કવિતા કરેલી... પહેલી વાર ૧૯૭૫માં મુંબઈ આવ્યો હતો ત્યારે નિરંજનનાં પ્રવાલદ્વીપનાં બધાં કાવ્યો ટ્રેનોમાં ને જે તે સ્થળે વાંચ્યાં હતાં. – કવિતા અને સામગ્રી બેઉની પ્રતીતિઓ વચ્ચે મેં મુંબઈને ‘હિંસ્ર પશુ’ જેવું અનુભવેલું. દિવસે ટ્રેનોની દોડાદોડ ને ઊંચા મકાનોમાં લિફ્ટોની સપાટાદાર ચઢઊતર... મારે માટે તો એ તદ્દન નવું. અદ્ભુત રસની દુનિયા જેવું હતું. ડર પણ લાગે અને માયા પણ જાગે! રાતે પથારીમાં પડું ને પથારી પહેલાં ગાડી ગતિએ દોડતી લાગે, પછી લિફ્ટની જેમ ઉપર જાય ને નીચે આવે. બાપ રે! યંત્રો તનમનને કેવાં વશ કરી લે છે! ઘેરી લે છે આપણને યંત્રો ને ઇમારતો! આપણે જો એનાથી ટેવાઈ ના જઈએ તો એ આપણને એકલા અટૂલા પાડી દે, ઘસી નાખે, માંદલા બનાવી દે ને કોળિયો કરી જાય! મુંબઈમાં લાખોની ભીડમાં ભળી જતાં અને ભળ્યા પછી પોતાનું એકાંત રચી લેતાં આવડી જાય એ માણસ જ કામ કરી શકે – કમાઈ શકે – જીવી શકે! કદાચ! મેં મુંબઈનો પરસેવે નીતરતો ઉનાળો જોયો છે; ને જળબંબાકાર ચોમાસું પણ ચિંતા વચાળે નિહાળ્યું છે. આ ભાતીગળ શહેર છે. માયાવી નગરી છે. અહીં દરેક વાત કે વિગત કે વસ્તુ માટે દલાલો મળી રહે છે. અહીં આપણા વતી જીવી આપનારા દલાલોય હોઈ શકે છે. અજબ શહેર છે આ – ખાઉં ખાઉં કરતા રાક્ષસ જેવું. ખાઈ પણ જાય ને જવા પણ દે. છોડી દે. આ વખતનો મુંબઈનો અનુભવ ખાસ્સો નોખો રહ્યો! મુંબઈના પરાંમાં હજીય ઘણાં વૃક્ષો છે. ક્યાંક લીલીછમ ડુંગરમાળ ને પહાડીઓ પણ છે. ઋતુઓનો મુકામ અહીં માણવા જેવો હોય છે. હમણાં વસંત વણજારણ ફરફરી રહી છે... રસ્તે રસ્તે – ટ્રેઇનોની લાઈન ધારે ધારે – શીમળાને લાલ હિંગળાંક ફૂલો લચી પડેલાં છે. શીમળા તો કલકત્તામાંય ઘણા. ત્યાં કેસરી – પીળચટા શીમળા જોયેલાં. મુંબઈમાં રાતાચોળ છે શીમળા! પણ મુંબઈગરાઓની આંખમાં મેં શીમળા માટેની માયા કે કેસૂડાં માટેનો ઝૂરાપો નથી જોયાં. આવા સરસ દિવસોમાંય એ તો છાપાં ને ચોપાનિયાંમાં માથું ડુબાડી રાખે, પત્તાને ભાતભાતની બારમાસી બાજીઓ. ટેવો–કુટેવો! માણસ યંત્રોની જેમ જ જે–તે વસ્તુ–અંગો સાથે યંત્રરૂપ થઈ જાય છે. કેસૂડાં તો દૂરદૂર નેશનલ પાર્કની પહાડીઓમાં! મુંબઈના ધોરીમાર્ગો ઉપર તો છે કેસૂડાંની ભ્રાંતિ કરાવતા પનરવા! સાન્તાક્રૂઝ – પૂર્વમાં યુનિવર્સિટી કેમ્પસને રસ્તે જતાં કવિ પ્રાધ્યાપક નીતિન મહેતાએ આવા ખીલેલા, બલકે ભરપૂર ફૂલે લચી આવેલ પનરવાઓની હારમાળાઓ બતાવી! પછી મેં જોયું કે મુંબઈ આખું શીમળા–પનરવાથી છલકાય છે; મહા–ફાગણમાં! આછી ને મનગમતી ઠંડક વચાળે હૂંફાળા તડકામાં ઊભેલા પનરવાઓ. એની નીચે – સહવાસમાં હું થોડીક ક્ષણો રોકાયો; બેઠો. એનાં ફૂલો લીધાં – સૂંઘ્યાં ને સમર્પિત કર્યાં સ્મરણોમાં આવેલાં સ્વજનોને! આ વસંતમાં મારે પનરવાથી પહેલો પરિચય થયો. અરે, મારા વલ્લભવિદ્યાનગરમાંય છે પનરવા ને હું અજ્ઞાત રહ્યો આજ સુધી! બોરીવલી–પૂર્વની પહાડીઓ નીરખવાનો આ વખતે અવસર મળ્યો. ઈડરિયા મલકમાં મારા વિદ્યાર્થી અરૂણ ત્રિવેદી સાથે શીમળા – કેસૂડાં નિહાળવા ઘણું રખડેલો. પુનઃ બે અઢી દાયકા પછી એ જ અરુણ ત્રિવેદી સાથે નેશનલ પાર્કમાં જવાનું થયું. એ તો એની નજીક જ રહે છે. પરોઢના ઝાંખા અજવાળામાં ને ઠંડા ધુમ્મસિયા વાતાવરણમાં નેશનલ પાર્કની વનરાજી મૌન હતી. થોડીક વારમાં તો અમે પહાડી ઉપર હતા. સૂર્ય હજી ઢોળાવો ઉપર ઊતર્યો નહોતો, પૂર્વનો ઢાળ ચઢતાં આજે એને વાર લાગી હતી. ખીણોમાં ધુમ્મસ હતું. વૃક્ષો ઉપર પાનખરનો પડાવ હતો. ક્ષીણસ્રોતા નદી મૌન હતી. કમળ–પોયણનાં તળાવ જળ પણ શાંત! ક્યાંક માનવજાતની ચાડી ખાતી ગંદકીય હતી. ઊંડા અરણ્યમાં ઊતર્યા. સિંહોની ગર્જનાઓ સાંભળી. લાગ્યું કે સાસણગિરમાં છીએ! મુંબઈ નગરીથી કેટલા નજીક ને છતાં જાણે જોજનો દૂર! નગરથી તરત મુક્તિ અપાવતો આ પાર્ક દરેક મુંબઈગરા માટે જડીબુટ્ટી ગણાવો ઘટે. ‘એસ્સેલ વર્લ્ડ’ તો ‘બનાવટ’ છે. નેશનલ પાર્ક ધરતીની અસલ ઓળખ. વનપહાડનાં ને તરુતમાલનાં અસલી રૂપો છે અહીં. પાનખરની વિશેષ પ્રકારની વાસ. શ્વાસમાં ભરી લેવાનું મન થાય. નામીઅનામી વૃક્ષોને નીરખ્યા કરીએ... છોડ, ઘાસ, ફૂલો ને માટી... ઝૂંડમાં ઊભેલાં ઝાડ... પવનમાં ઊડતાં પાંદડાં! કણજીઓની કૂંપણો, પીપળ–પીપળાનાં ચમકી ઊઠતાં કૂણાં નવતર પાંદડાં... એ તો મુંબઈને રેલવે લાઈને ને સડકે સડકેય મળે છે. નિભૃત એકાંતનો અનુભવ કરાવતી ટેકરીઓને માથે બેસીને જોયા કર્યું અશબ્દ મહાનગરને! માથેથી પસાર થતાં હવાઈ જહાજો ઘણાં નજીક કળાતાં... થોડોક રોમાંચ થતો ને શમી જતો. ભરીભાદરી વસતિ વચ્ચેનાં તરુવરોય નવાં નવાં પાંદડાંથી લચી આવ્યાં છે. કોઈ એમને નિરાંતે જોતું નથી – એવું મને લાગ્યું! એક સમૃદ્ધ ઋતુ આમ વણનોંધી પસાર થઈ જાય એનું મને તો દુઃખ થાય! પાનખરને ભરી દે છે વસંત. થોડા જૂના જખમો ઉબળે છે – પાનખરમાં, ને પનરવા, શીમળા–કેસૂડાંની વસતમાં મન થોડું બહેકી લે છે. ત્યારે પીપળાનાં નવાં નવાં પાન, પોપટ પેટ જેવા ધીમેથી ઢાંકવા મથે છે લીલા જખમને. પ્રકૃતિના શરણે ચાલ્યા જઈએ તો પછી કશાની જરૂર ન રહે. પ્રકૃતિ જે આપે તે લઈએ તોય એ કદી ખૂટે નહીં એટલું હોવાનું. પણ આપણે તો સંસ્કૃતિના સોદાગરો. યંત્રના યમદૂતો પેદા કરીએ. ઉજ્જડ કરી દઈએ ધરતીને પછી ઝૂર્યા કરીએ પ્રકૃતિ માટે! આધુનિક જીવનનો આજ તો અભિશાપ છે!!
મુંબાઈ, તા. ૨૯–૨–૯૬