સોનાનાં વૃક્ષો/વસંત : થોડાંક ચિત્રો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૨. વસંત : થોડાંક ચિત્રો
Sonanam Vruksho - Image 32.jpg

ખરબચડું થડ, ખાખરો એનું નામ. વળતા શિયાળે એ ખરીને નવસ્ત્રો થઈ રહે. અચાનક એક સવારે એને કાળી કળીઓ ફૂટે. એમાં કેસરી તિરાડ ભળાય. ટાઢ એની માલીપાની આગને વેગીલી કરી મૂકે. પછી અંધારાની આડશ લઈને ફૂલો થાય. એ ફૂલો તે કેસૂડાં. ખરબચડું ઝાડ તે પલાશ. વસંતમાં વગડે વગડે પ્રગટેલાં આ ઝાડ, પડખે પ્હાડ ને પગમાં ખળખળતી નદી. આ પલાશફૂલો બોલાવે – સાદ દઈને; પ્રેમથી પલાળી નાખે – એકલતાને; આગ ચાંપે આપણી અંદર નજરનેય ઉઝરડી નાખતી રૂક્ષતાને પુષ્પોમાં પલટાવી દેનારી વસંત હવા પર સવારી કરીને આવે છે; ફાગણ પહેલાં એનાં પગલાં વૃક્ષોની ડાળીએ ડાળીએ ઊઘડી આવે છે. પાકવા આવેલા ઘઉંના ખેતર. લળતી ઊંબીઓ. પવનનો અવાજ. લીલા ચણાના છોડ. કપાઈ ગયેલાં શેરડીના વાઢ. ઘાસ–પાંદડાંને સળગાવી પાનખરને ભૂંસવા મથતા લોકો. પીળાં વૃક્ષોમાં વાદળી ધુમાડો. ખળામાં તડકો ઉપણતી સ્ત્રીઓ. રાતાં નળિયાં પર વેરાયેલો સૂરજ. તગતગતી ઘાસગંજીઓ. સૂનાં ખેતરોમાં કાબરચીતરી એકલતાને ચરતાં ઢોર. પાક લણતા મજૂરો. દૂર પાણી કાઢતી ડંકીનો અવાજ, મંદમંદ ફર્યા કરતી પવનચક્કીઓ, આભ ઝિલતાં તળાવ. ટેકરીઓની સોડમાં લપાઈ ગયેલું ગામ. માથે ભમતી સમડીઓ. પરણવા ઉઘલ્યા હોય એવા આંબા. રહી રહીને ખર્યા કરતાં લીમડાંના પાન. પોતામાં તલ્લીન પંખાઓ. કલૂખડું પકડી આણાની રાહ જોતી ગ્રામકન્યા, કમાવા શહેરમાં ગયેલા પતિની વાટ જોતી પરણિતા. હજીય તડકે પીઠ શેકતી વૃદ્ધા. સુગંધે જાગી ઊઠતી સદ્ય વિધવાની ગમગીની. ધૂળની છેડતી કરતી પવન લહેરો. વગડામાં ફરફરતી રાતી ઓઢણી. સાંઢણીએ ચડીને જતો સાફાવાળો યુવાન. જીવતા થયેલા જીર્ણ ઝરૂખાઓ. ઓરડાને સૂંઘ્યા કરતો પાંજરાનો પોપટ, ઊડવા નીકળેલા કલકલિયા, મધુમાલતીની કૂંપળમાં દેખાતો વસંતનો ચહેરો. હાથ છોલાઈ જાય એવી શીમળાની કાંટાળી ડાળીઓ. ભૂંડોભખ એનો વાન. પણ વસંતપંચમી પહેલાં એને લીલી લીલી, કેરીઓ જેવી કળીઓ બેસે. ફાગણના ઢોલ ઢબૂકે અને એ કળીઓમાંથી રાતાંચોળ ફૂલો લચી આવે. શીમળો લપડાઈ જાય. તળે ઊભીએ તો ભીંજવી દે લાલ હિંગોળક ફૂલો. કાબરોનો કલકલાટ શીમળાને આ ઋતુમાં ચકચૂર કરી મૂકે. શીમળાનાં ફૂલો એટલે નાની નાની કટોરીઓ. શિશુની હથેળીઓ. વનકન્યા કેસૂડાં કાને પહેરે ને ગળામાં ધારે શીમળાંના ફૂલની માળા. મારવાડણને ગમે શીમળો. શીમળે કળીઓ ઉગે અને એ ગુજરાત કમાવા ગયેલા મારવાડાની રાહ જુવે. આંખ આંજે. નદીની રેતથી કાયા માંજે. રાતી ચટ્ટાક પહેરે ચૂંદડી. પાનીએ છૂંદણા કઢાવે. હાથે મેંદી ને છાતીએ ટંકાવે મોર. થોર પર ફૂલોની ટશરો દેખાય. મદે ચઢેલા ઊંટોનો મદ ઊતરે ને મોસમનો નશો ચઢે અસવારને. કૂંપળોમાં કામદેવ મરકે. પાકી ગુજરાતણો પણ આ ઋતુમાં દિયરને હોળી રમવા વમળાય. કેસૂડાંની ડાળી દૂરના ડુંગરે ઢળતી સાંજે તગતગે ને પ્રોષિતભર્તૃકાને ભળાવ. માણીગરના સાફાનું હવામાં લ્હેરાતું છોગું... ઢળે સાજ સધ્યાનું આભ શીમળે પથરાય. કેસૂડા દીવાદાંડી થાય ધીમેકથી ઉઘડે ચન્દ્રફૂલ. એમાંથી છલકાય ચન્દ્ર જાણે કાલે જ સોળે પહોંચી હોય એવી કન્યકા. અડીએ તોય ડાઘા પડે એવી કાયા. પછી વાગવા માંડે ઢોલ. મારવાડીઓ ગાતા સંભળાયા કરે અહોરાત. લાલચોળ મારવાડણો કંકુ જેવી ઢોળાયા કરે ચારેપાસ અવાજ ઘરેણું. વ્હેલ્યોના ઘૂઘરા વાગ્યા કરે. ગોળ ત્રાકસ પર તાલ આપતી તરસી આંગળીઓ જીરવાય નહીં. કાલોઘેલો કંઠ લાગણી ઠાલવે. કૂવામાં ભરતી આવે. નીકો ખળખળે. ખળામાં અનાજ અને ઘરમાં આણે આવેલી વહુ જીવન વ્હેરાયા કરે નદી વહ્યા કરે. કાંઠા સૂનમૂન, કોતરોમાં અંધારું, અંધારાની ગંધ સ્હેવાય નહીં. બંધ ઘરમાં રહેવાય નહીં. વસંત તો વગડાંની છાપરાં ટેકરીઓ ઢાળ પર ઢોલ. ઢળતી સાંજથી ગાજવા લાગે. બત્રીસ ગામના બૂંગિયા ઢોલ. એકસામટા મળે. પગ ગતિ જીવ પાણી પાણી જોનારા જાણે નહીં કે જોડો ક્યાં ડંખે છે. ઢોલના તાલે નાચ, દાંડિયાની રમઝટ નાચનારની નાભિમાંથી ઊગે છે વસંત. વૃક્ષો વિસ્મય. પાંદડે પાંદડે પ્રેમપત્રો કોણે કોને લખ્યા : આંખોને ભાષા ફૂટે. હોઠ આગ સેવે. રાફડા રાગ તોડી બહાર આવે. બીન બજ્યા કરે. આયખું મહૂવર થઈ જાય ઘડીભર, પાનખરને હંફાવ્યા કરે વસંત વનમાં હઠીલી પાનખર વૃક્ષો બદલે પણ મેદાન છોડે નહીં. છેવટે સૂર્ય આકરો થાય. સૂકાં પાંદડાં સળગી ઊઠે. ખેતરો ગાડે ચઢી ઘેર જાય ધન કોઠાર સેવે, વગડો ખાવા દોડે. સાંકડી સાહ્યબીમાં રાંકડી પ્રજા શહેરની, શેકાયા કરે. ગામડું કંકુ થાપે છલબલી ઊઠે. મરદોની પીઠ પર નારીની કંકુઝબોળી હથેળીઓ હસ્યા કરે. મૂછાળી નારીઓ અને મરદ બાપડા. ચાખ્યા જેવી ચાંદની, સેવ્યા જેવી રાત. ફાગણ આવે ને હોલો બોલે તું... તું... તું... તું... મન મધમાખ. ફૂલો ઝૂલો. આકરા શિયાળા સહ્યા. પછી વસંતો જડી. જિન્દગી જીતે ચડી, વળી જીદે પણ. ના આ નીલગગન તે કૃષ્ણ નથી, ને ચાંદની રાધા નથી. ચન્દ્ર મોહનના સ્કંધે ઢળેલું રાધાનું આનન પણ નથી. આવાસનું આંગણું છે આકાશ. એમાં ચન્દ્રી તો અવસર. કેડીઓ રાધા શી વહી આવે છે. ડાળીઓ રસ્તાઓ ને ફૂલો પગલાં વસંતનાં. ઘેલા કવિઓ કહ્યા કરે. પણ વૃક્ષોમાં અંધારું છે, માતાના ગર્ભ જેવું. ફૂલો એની કથા છે. ઝૂંપડીઓમાં ઘોર અંધકાર છે. મને એની વ્યથા છે. વસંત તો વૃત્તિનું અવર નામ છે. એ જાગે છે ત્યારે માતાની જેમ ભોગ માગે છે. કેટલી લીલોતરી ભરખી લીધા પછી ડાળ પર નવી કૂંપળ ફૂટે છે! વસંતના ચ્હેરાની બીજી બાજુ તે પાનખર. પાનખર વિના વસંત જ અશક્ય! જે ભોગ આપે તે જ કશુંક પામે છે. વેઠ્યા વિના વિકસવાનું શક્ય નથી. ખરતું પાંદડું ફૂટનારી કૂંપળનો સંદેશ કહેવા ચકરી ખાય છે. વિધવા ડાળીઓ આવનારા સૌભાગ્યને ચીંધે છે. દૂરનાં નક્ષત્રો ચમકવાનું શીખવે છે – ફૂલો મ્હેકવાનું. વસંત વિશ્વાસનું પર્વ છે. નિજમાં અને જનવનમાં વિશ્વાસ. વિકસિત થવું એ એનો સ્વભાવ છે. એ જ આપણો વૈભવ હોઈ શકે.

વલ્લભવિદ્યાનગર, ધૂળેટી, ૪–૩–૮૮