સોનાનાં વૃક્ષો/વૃક્ષાવતારની વૃત્તિ
વર્ષાઋતુ આવે છે ને વૃક્ષ બની જવાની મારી વૃત્તિ માથું ઊંચકે છે. જૂનો ઘા વળી વળીને, વાતાવરણ મળતાં, પાછો ઉબળે એના જેવું છે આ વૃક્ષો થઈ જવાની વાતનું. પણ આપણે એટલા નસીબવંતા નર થોડા છીએ કે ઇચ્છીએ એ હાજરાહજુર હોય? આપણને તો પંખી જેવી પાંખોની અને ક્યારેક પીઠ માથે બે આંખોની ઝંખના જાગે છે; જો કે આ બધી ઇચ્છાઓમાં વૃક્ષ થઈ જવાની મારી ઇચ્છા ‘પ્રાચીન’ અને અતિ તીવ્રતમ છે. વર્ષામાં વૃક્ષોને જોઉં છું અને રોમાંચિત થઈ જાઉં છું. પહાડોની ટોચે વાદળનો પડાવ જોઉં ને ત્યાં પહોંચી, ઓગળી જવાનું મન થાય, પહાડોમાં ઝરણું થઈને દડી જવાની ને કરાડ કોતરે ભમવાની લાલચ જાગે છે. આ ઋતુ મને સાવ બાળક બનાવી દે છે – મુગ્ધ બાળક! કુતૂહલ અને રોમાંચ – મારાં રોમેરોમે છવાઈ જાય છે. મારા શ્વાસમાં પહાડ–વનો આવી આવીને સોડાય છે. મારે તો વગડો થઈ જવું છે, ટેકરી થઈને મારી માટીના કણકણમાં ઘાસ ઉગાડવું છે; એના હરિત ઢોળાવો થઈને ચઢઊતર કર્યા કરવી છે. પહાડોની છેક ઊંડે કે ઉપર કોઈ ગુફા દ્વારે કે શ્રુંગે મારે વૃક્ષ બનીને લહેરાયા કરવું છે, પવન સાથે નિરવધિ અવકાશમાં ફરફર્યા કરવું છે. કોઈ કવિના કાવ્યનાયકની જેમ મને સાચે જ ‘માણસ થવાનો’ થાક લાગ્યો છે. જુઠ્ઠા, ઇન્દ્રિયજડ માણસોના શબ્દો મને રોજેરોજ ગોફણના પથ્થરો બનીને વાગ્યા કરે છે. હું એનાથી લોહીઝાણ છું... નથી પહેરવું આ માણસપણું – દંભી, બોલકું ખોખલું – બે પગાળું – જે મને નિખાલસ થવા નથી દેતું. જે મને પ્રપંચોની દુનિયાથી અળગો થઈ આઘે જવા નથી દેતું. સભ્યતાને નામે મારી હયાતિ ઉપર અપરંપાર બંધનો લદાયાં છે. હું હાંફી ગયો છું... બેવડ વળી ગયો છું અદૃશ્ય માયાના ભારથી. નિર્ભ્રાન્તિના પ્રદેશમાં પ્રવેશી ચૂક્યો છું – એટલે અસહ્ય થઈ પડે છે આ આટાપાટાઓ... એકબીજાને છેદતા રસ્તાઓ અને વ્યવહારને નામે ભેદતા માણસો... અનેક યુગોનો, કદાચ જન્મારાઓનો મને હવે થાક લાગ્યો છે – સામટો થાક. નીકળી જવું છે મારે આ માનવવસતિમાંથી, સંબંધોની પસ્તીમાંથી. લાગણી આપીને ઘણી કસોટી કરી છે ઈશ્વરે આપણી! આનાથી તો મારી મહીસાગરને તળિયે કાંકરો થઈને પડી રહીશ. જળનું ચેતન મને ગમે છે. એ કેવું ભીંજવે છે ને વહે છે. આદિમ સત્યને કહે છે જળ. કવિ કહે છે તેમ બની શકે તો જળમાં જળ થઈને ભળી જવું છે – મળી જવું છે મારે મૂળ ચેતનામાં. ચેતન મારો સ્વભાવ છે, પણ આ ખોળિયાનું બંધન મને ખખર્યા કરે છે. ના, મને મરી જવાનો કે ખરી જવાનો ડર નથી, પણ બને તો સરી જવું છે માણસ થવાની માથઝીંકમાંથી, પરહરી જવી છે આ જાતને પરભારી – અંતરિયાળ! કૂંપળ થવાનું મને ફાવશે, ફૂલોમાં મારી ચેતના સુગંધ લાવશે. માટી વત્તા જળની સક્રિયતામાંથી મારે પ્રગટવું છે. પૃથ્વીનું કોમળ રજપટ ખોલીને મારે અંકુરરૂપે ઊગવું છે. મૂળમાંથી મારે આરંભવી છે મારી યાત્રાને. રચવાં છે થડ અને ડાળીઓ... પાંદડે પાંદડે મારો લીલોછમ પડાવ હોય, કૂંપળસંપુટમાં હોય મારું હાસ્ય... એમાં ઝીલાશે જળનાં અજવાળાં, ઝાકળ ઝીણાં પરવાળાં. પીવો છે અનંત અવકાશ ને શ્વસવી છે પહાડી ટાઢી હવાઓ... આરોગવો છે આદિકાળનો અંધકાર મારી ભીતરમાં. નસેનસે છલકાતી ચેતનાને કળીમાં – ફૂલમાં – ફળમાં રૂપાંતરિત થતી જોવી છે – ઝીલવી છે ગંધ અને ચાખવો છે મૂળરસ – પ્રકૃતિ રસ પામવો છે મારે. ખરીને મળવાનું માટીમાં ને પાછાં બીજ બનીને જળસંગાથે ખોલવાનો માટીનો ઘૂંઘટ, પ્રગટવાનું પુનઃ પુનઃ! નગરોથી દૂર, જનપદનીય પેલે પાર વનપદમાંય દૂર દૂર થઈ જવું છે કોઈ તરુવર... નામ વગરનું ઝાડ બનીને ઝૂલ્યા કરવું છે... બસ ફૂલ્યા કરવું છે અકારણ ફળ્યા કરવું છે અમસ્થું અમસ્થું! ઉબાઈ ગયો છું આ માણસો વચ્ચે રહી રહીને... પંડપિંડની પીડાઓ સહીસહીને સહિષ્ણુ થઈ ગયો છું જડવત્! મારે ખંખેરી નાખવી છે જડતાની રજોટી, નીકળી જવું છે આ કોઈકે દોરી આપેલી નકશાની રેખાઓમાંથી. મારે તો મલકવું છે કૂંપળ થઈને, હવા સાથે ગમ્મત કરવી છે તરુસભામાં સતત! ચાલશે, જો પતંગિયું થવા મળે તોય. થોડી વાર પુષ્પે પુષ્પે ભમી લેવું છે ને પાંદડાંના પાથરણે રંગો સાથે પોઢી જવું છે કાયમ માટે... અંગ વગરની હળવાશ થઈ જવું છે મારે. બહુ વેઠી તલવારો હવે તો તૃણવત્ થઈ જવું છે. કોઈ અવિચલ ભેખડે ઘાસ થઈને સૂકાઈ જવું છે... વેરાઈ–વિખેરાઈને ભળી જવું છે માટીમાં... કણ કણમાં કરવો છે મુકામ કાયમ માટે. મારી અંદર હણહણતા, ખરી પછાડતા ને પૂચ્છ ઉછાળતા અશ્વોને નાથી દેવા છે... રોકી લેવી છે એમની હેષાઓને. હવે બહુ થયું. બસ. વૃક્ષ થવાનું ના બને તો ના સહી, વાડની પેલે પારનો વગડાઉ વેલો થઈને વૃક્ષના થડને વળગી – વીંટળાઈ જવું છે ને એના જ સાંનિધ્યમાં સૂકાઈ જવું છે... બસ... બહુ થયું હવે...
વલ્લભવિદ્યાનગર, જુલાઈ : ૨૦૦૦