સોનાનાં વૃક્ષો/વૃક્ષો મારા ભેરુ
વૃક્ષોના દિવસો આવ્યા છે. મારે માટે તો વૃક્ષમય બની જવાની આ ઋતુ છે. જોકે હું તો બારેમાસ ને છયે ઋતુમાં વૃક્ષોની સાથે ને સાથે રહું છું. વૃક્ષોના સાંનિધ્યને માણવાનો એકેય અવસર હું જવા દેતો નથી. મારા સદ્ભાગ્યે હું તરુવરનગરીનો નિવાસી છું. વૃક્ષોખચિત રસ્તાઓ અને સંસ્થાઓના પ્રાંગણોનું આ ગામ છે. ઈડરમાં હાથી જેવા કાળા કાળા પથ્થરોવાળા પહાડો હતા. એ એકાકી પહાડોનું વ્યક્તિત્વ મને ગમતું. એમની પૂંસકતા સતત પડકાર્યા કરતી અને અમે એને આંબવાનું સાહસ કર્યા કરતા. વર્ષા આવતી અને એ કઠોર પથરીલા પહાડો કમળ સમા મસૃણ બની જતા, વાદળોના વણજારા ત્યાં એમનો પડાવ નાખતા, અમે એ કબીલાનાં બાળકો જેવાં રખડ્યાં કરતાં. જળની અનેક સરવાણીઓને ત્યાં માણી છે. પહાડોને આંખોથી અને કાનથી જોયાનો તથા એનાં પડખાંને સ્પર્શી સ્પર્શીને ચાહ્યાનો એ વિરલ અનુભવ યાદ આવ્યા કરે છે. ઝરણાંનો અવાજ દેવકન્યાઓના હાસ્ય જેવો! ક્યારેક એના પ્રવેગમાં અને પછડાટમાં કોક ક્રુદ્ધ ઋષિનો શબ્દાળુ પ્રકોપ પણ માણ્યો છે. વૃક્ષો માટે અમે ઈડરના સમીપવર્તી વીરેશ્વર–સારણેશ્વરનાં જંગલોમાં ચાલ્યાં જતાં. ચોમાસાં વરસતાં હોય અને અમે અરણ્યમાં પલળતાં હોઈએ – આદિમતાનો એ વેળાએ થયેલો અહેસાસ હજી તાજો જ છે. મારાં સહસ્ર કુતૂહલોને જગાડનારા એ દિવસો હતા. નગરવાસ છોડીને વનવાસી થઈ જવાની લેહ લાગી હતી. ત્યાં જ આ વૃક્ષનગરમાં વિદ્યાવ્યાસંગે આવવાનું થયું. ત્યાં પહાડો હતા, અહીં તોતિંગ તરુવરો. પહેલા જ દિવસે થયું કે પર્વતોએ મને વૃક્ષોના ચરણે – શરણે મોકલી દીધો છે. વસંતના દિવસો હતા પણ ઘણાં વૃક્ષો ઉપર તો પાનખરનો પડાવ હતો. ખરવાનું ને ખીલવાનું. બેઉની સંક્રાન્તિ વચ્ચે મારીય સંક્રાન્તિ પુખ્ત થતી રહેલી. કેટલાંક વૃક્ષો સાથે તો પ્રથમ દૃષ્ટિનો પ્રેમ થઈ ગયેલો તે હજીય અકબંધ છે. વૃક્ષોની છાયાઓએ મારે માથે ખભે હાથ મૂકીને મને આશ્વસ્થ કરવા સાથે પ્રેમપૂર્વક પંપાળ્યો હતો. એ એકાકી અને અમિત્ર દિવસોમાં વૃક્ષો મારાં ભેરુ થયેલાં. રોજ સાંજે હું એમનાં થડને, પાસે જઈને પંપાળતો, વહાલ ભરી નજરથી નીરખતો ડાળી ડાળી, પાંદ – કૂંપળ અને એના સમગ્ર પરિવેશને મારી સંગાથે એય ચાલ્યા કરતાં.... આજે તો વધારે લીલું થયું છે આ નગરગામ. થાય છે કે એનું નામ બદલીને પાડીએ ‘તરુધામ’! હા, આ સ્થળ તો છે ‘તરુતીર્થ’! ઘણી જાતનાં ઘણાં ઘણાં વૃક્ષોએ સહવાસ કર્યો છે અહીં... લોક તો અહીં પણ નાક વગરના છે, નથી પરખતા સુગંધને. તરુવરો સામે જોવાય સમય ના હોય ત્યાં વળી એનાં ફૂલ–પાનના રંગ – આકારો માણે જ ક્યાંથી! હા, ફળ મળતાં હોય તો મફતમાં લેવા આવી જાય. નિઃસ્વાર્થી થવાનું શીખવતાં તરુવરો સાથેય માણસો તો સ્વાર્થી વ્યવહાર જ કરતા રહે છે. મજૂર વર્ગનાં લોક પ્રેમપૂર્વક ઉછેરે છે વૃક્ષો અને અધિકારી વર્ગના લોકો કુહાડી લઈને કાપવા-કપાવવા તત્પર રહે છે. જેને વૃક્ષ સાથે પ્રેમાદર નથી એવા માણસને વનસંરક્ષકની નોકરીએ રખાય જ કેમ? આપણાં વનવૃક્ષોનું નિકંદન કાઢ્યું–કઢાવ્યું હોય તો આપણા વનખાતાના માણસોએ જ! ખરેખર તો જંગલ ખાતાને બંધ કરી વનપ્રેમી રહેવાસીઓને એનું સંરક્ષણ સોંપાયું હોત તો સરકારને આવક થવા સાથે વનો સચવાઈ ક્યાં હોત! વૃક્ષો વિશે કશુંય ન જાણનારા ફોરેસ્ટર્સ – અધિકારીઓ બેવડી જડતા ધરાવે છે. વસતિમાંય ઘરઆંગણે વૃક્ષો ઉછેરીને એને મન ફાવે ત્યારે ધડાધડ કાપનારા વીરપુરુષો છે જ. કૉલેજો – યુનિવર્સિટીઓમાં પેન્ડુલા – આસોપાલવ ઊછરે છે અને એક દિવસ અચાનક કોક અધિકારીને ઝનૂન ચઢે છે – એ દરેક વૃક્ષનો શિરચ્છેદ કરાવે છે – વર્ષોવર્ષ આવો વૃક્ષશિરચ્છેદ મારાથી જોયો – સહ્યો જતો નથી. લોકો અમથા અમથાય તરુડાળને કાપ્યા–તોડ્યા વિના રહેતા નથી. આ પણ મારે મન તો હિંસા જ છે; વળી પ્રકૃતિનો અપરાધેય ખરો... ઘર–બારી તરફ વૃક્ષની ડાળ પ્રેમપૂર્વક વહી આવે છે – ને તરત અમારા વિદ્વાન અધ્યાપક મિત્રો એને કપાવી દે છે. શિસ્ત એટલે શિસ્ત! કોઈ આકારવાદી સર્જક મહત્ત્વની ઘટનાનેય બાદ કરીને કલાકૃતિને ખંડિત કરી મૂકે એમ વીજળીના તારને નડે – અડે એવી ડાળીઓને કાપીને વર્ષમાં બબ્બે વાર મારાં વહાલાં વૃક્ષોના આકારને ખંડિત કરવામાં આવે છે. આથી આખો રસ્તો વિચિત્ર લાગે છે. વૃક્ષો પાછાં ડાળપાંદડાં ઉગાડી–ફૂટાડીને સરસ કરી દે છે – ત્યાં જ પાછા એમના વેરીઓ હાજર થઈ જાય છે. એમને તાર–થાંભલાનું નવું આયોજન સૂઝતું નથી. તંત્રો જડ છે એટલે એમાંનો માણસ જડ છે. વૃક્ષો તો ચેતનાના ફુવારાઓ છે. એનો સૌથી મોટો દુશ્મન છે માણસ – ભણેલો માણસ, સત્તાધારી માણસ – ખાખીધારી – ખાદીધારી. વૃક્ષો તો બધી અલાબલાને અવગણીને ખીલ્યા કરે, ખૂલ્યા કરે... આ દિવસોમાં હું તો વૃક્ષોને પીધા કરું, સૂંઘ્યા કરું... સતત!!
વિદ્યાનગરી, તા. ૧૦–૬–૯૫