સોનાની દ્વારિકા/અઠ્ઠાવીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અઠ્ઠાવીસ

બંનેનાં આશ્ચર્યનો કોઈ પાર નહોતો. જાણે એ ચાલતાં નહોતાં, ઊડતાં હતાં. રસ્તા પર આવીને જિતુએ પહેલો સવાલ કર્યો : ‘ક્યાં જઈને બેસીએ?’ પછી પોતે જ જવાબ આપતો હોય એમ સુમીનો હાથ પકડીને કહે— ‘ચાલ સામેના ગાર્ડનમાં થોડી વાર બેસીએ! પછી કંઈક વિચારીએ...’ સુમી જિતુની સાથે બરાબર કદમ મિલાવતી હતી. ઊંચી એડીની એની ચંપલ ઠક... ઠક અવાજ કરતી હતી.... બંને જણ સીદી સૈયદની જાળી પાસેના ગાર્ડનમાં જઈને બેઠાં. જિતુ તો જાણે સુમીને જોતાં ધરાતો જ નહોતો! એની મોહક આંખો સુમીને જોઈ રહી. સુમી એકદમ શરમાઈ ગઈ. વારંવાર જિતુની નજર પગથી તે માથા સુધી ફરતી રહી. સુમીનો એકદમ ગોરો, સુડોળ દેહ. આખુંયે આકાશ આવીને એની આંખોમાં બેસી ગયું હતું. હસે ત્યારે ગાલ ઉપર ખંજન ઊપસી આવે. ઊંચાઈ પણ સારી એવી. જિતુને થયું કે સુમી મારા કરતાં માંડ ત્રણેક ઇંચ ઓછી હશે. તોય એને ઊંચાઈ માપવાનું મન થઈ આવ્યું. પોતે હાથ લંબાવ્યો. સુમીએ હાથ પકડ્યો એટલે ખેંચીને સુમીને ઊભી કરી. બંને એકબીજાના ખભા અડકે એમ ઊભાં રહ્યાં. બરાબર એ જ વખતે એક ફકીર ત્યાંથી પસાર થયો. જિતુ એકદમ બોલી ઊઠ્યો : ‘બાબાજી આપ બતાઈયે યે મુઝસે ઊંચી હેય કે મૈં?’ સુમિત્રા શરમાઈ ગઈ. બાબાજીએ મોરપંખવાળી સાવરણી બંનેના માથે મૂકતાં કહ્યું, ‘બેટા! ઊંચી તો હંમેશાં ઔરત હી હોતી હૈ! લેકિન તૂમ દૌનોં કી જોડી બરાબર જમતી હૈ! અલ્લાતાલા સલામત રખેં!’ બંને જણ ખુશ થઈ ગયાં. સુમીએ હળવે રહીને પૂછયું : ‘શમ્મી... હું તને કેવી લાગી? એવું નથી લાગતું ને કે તું છેતરાઈ ગયો?’ જિતુ હારબંધ ઊગેલા મોગરા અને એના પરના સફેદ ફૂલોને જોઈ રહ્યો. પછી કહે— ‘પહેલાં તું કહે... હું તને કેવો લાગ્યો? ન ગમતો હોઉં તો ચોખ્ખું જ કહી દે... ચાલ્યો જઈશ ક્યાંક તને જિંદગીભર યાદ કરવા....’ સુમીએ પહેલાં તો પાંપણો પટપટાવી.... પછી બંને આંખો બંધ કરીને જિતુને અંદર ઉતારી લીધો! જિતુ તો એટલી હદે ખુશ હતો કે શું કહેવું ને શું ન કહેવું? એને મા યાદ આવી ગઈ. થયું કે સુમીને જોઈને મારા કરતાંય મા વધારે રાજી થશે. કંઈ સૂઝ્યું નહીં એટલે કહે કે— ‘સુમી! તને જોઈને એમ લાગે છે કે મારી તો જિંદગી બની ગઈ! કઈ રીતે હું તારી તારિફ કરું એ જ સમજાતું નથી.. એના હોઠ પર ગીત ઝબકી ગયું : ‘તારિફ કરું ક્યા ઉસ કી જિસ ને તૂમ્હેં બનાયા...’ સુમી પણ જાણે કોઈ સ્વપ્ન જોતી હોય એમ અધબિડેલી આંખે જિતુને તાકી રહી... કોઈને કશું બોલવાના હોશ નહોતા! ક્યાંય સુધી, ત્રાટક કરતાં હોય એમ નજરથી જ એકબીજાની પરકમ્મા કરતાં રહ્યાં. સુમી જિતુની પ્રેમભરી નજર ન જીરવી શકી. એની નજર ઢળી ગઈ. જિતુ ઊભો થયો. ખિસ્સામાંથી ગુલાબ કાઢ્યું અને જાણે કોઈ નાટકનું દૃશ્ય ભજવતો હોય એમ જમણો ઢીંચણ જમીન પર વાળીને પ્રિન્સની અદાથી એણે સુમીને ગુલાબ ભેટ ધર્યું. સુમીએ પણ હાથમાં રહેલી બેગ બાજુમાં મૂકીને પોતાની નાજુક આંગળીઓથી ગુલાબ લઈને આંખે અડાડ્યું. પછી હળવે રહીને છાતીમાં સરકાવી દીધું! બંને જણ બેઠાં હતાં એ જગ્યા પર સરસ મજાનું લીલું ઘાસ હતું. લાલદરવાજા બસસ્ટેન્ડમાં જતી આવતી બસો અને બીજાં વાહનો જાણે એમની આજુબાજુ ફરતાં હતાં. ક્યાંય સુધી બેઠાં રહ્યાં. ફોન ઉપર તો બંને સતત બોલ બોલ કરતાં, પણ આજે તો બેમાંથી એકેયના મોઢેથી શબ્દ જ ન નીકળે! એ આખા સમયમાં આખી દુનિયામાં જાણે એ બે સિવાય કોઈ હતું જ નહીં ને! ઘણી વારે એમ લાગ્યું કે બંને જણ સમાધિમાંથી બહાર આવ્યાં . જિતુ કહે કે— ‘ચાલ કોઈ સારી હોટલમાં જઈને બેસીએ!’ બંને જણ હાથમાં હાથ નાંખીને ચાલતાં ચાલતાં ‘સારવ’માં પહોંચ્યાં. પણ ત્યાનું મેનું જોઈને લાગ્યું કે અત્યારે મજા નહીં આવે! અહીં આવવું હોય તો સાંજે અને નિરાંત હોય ત્યારે અવાય! એટલે પછી એકબીજાનો હાથ પકડીને ચંદ્રવિલાસ પહોંચ્યાં. રસ્તે જતાં કોઈ એમ ન કહે કે આ લોકો સાવ પહેલી વાર મળ્યાં હશે! તોય જિતુને થોડો સમય એમ લાગ્યું કે કોઈ ઓળખીતું મળી ન જાય તો સારું. સુમી વધારે સહજ અને મક્કમ લાગતી હતી. પેટ ભરીને બંનેએ નાસ્તો કર્યો. હવે ક્યાં જવું? પ્રશ્ન ઝાઝી વાર ન ટક્યો. સુમીએ જ કહ્યું- ‘ચાલ કાંકરિયા જઈએ!’ ‘ઝૂમાં?’ જિતુ હસી પડ્યો. જિતુનું નાક પકડીને જરા ખેંચ્યું, પછી સુમી કહે કે— ‘હવે ઝૂમાં જવાની જરૂર ક્યાં રહી? તું છે ને! એમ કરીએ આપણે તળાવની પાળે બેસશું. બહુ બધી વાતો કરવાની છે ને!’ ફટાફટ આવતી એક રિક્ષા ઊભી રખાવી અને બંને એમાં બેસી ગયાં. એકબીજાને અડકીને બેઠાં હતાં. અચાનક સુમી જરા અળગી થવા ગઈ અને જિતુએ એને પાછળથી હાથ લંબાવીને પકડી રાખી તો તરત જ સુમીએ રિક્ષામાં આડી પટ્ટી પર લખેલા લખાણ તરફ આંગળી ચીંધી. લખ્યું હતું : ‘રિક્ષામાં સભ્યતાથી બેસવું.’ એ વાંચીને જિતુએ પરાણે સુમીનો હાથ પકડી રાખ્યો. કાંકરિયા પરથી આવતી ઠંડી હવાની લહેરખી બંનેને અડી. જો કે બંનેની હથેળીઓ ભીની ભીની થઈ ગઈ હતી. સુમી બાંકડાના એક છેડે બેઠી હતી અને જિતુ એના ખોળામાં માથું મૂકીને લાંબો થઈને પડ્યો હતો. વાતમાં વાતે એક પછી એક પડળો ખૂલવા લાગ્યાં. જિતુએ બાપુજીની બેન્કની નોકરી અને અવસાનની વાત અને માએ કેવી રીતે પેટે પાટા બાંધીને પોતાને ભણાવ્યો હતો તેની વાત તો એકથી વધુ વખત ફોન ઉપર જ કહી હતી. જિતુને અંદરથી એવું ઊગતું હતું કે સુમી માની પરીક્ષામાં સો એ સો ટકા પાસ થઈ જશે! માની અપેક્ષાઓ અને પસંદગી પોતે ન જાણે તો કોણ જાણે? હવે એણે સુમીને પૂછ્યું : ‘તું કેવી રીતે આવી?’ ‘કેવી રીતે એટલે? બસમાં...’ અરે! એમ નહીં બુદ્ધુ! તું ઘેરથી શું કહીને આવી છે? કેટલા વાગ્યે વડોદરા પાછા પહોંચવાનું છે?’ ‘મેં તને નહોતું કીધું કે એક વાર હું ઘરની બહાર પગ મૂકીશ પછી પાછી નહીં જાઉં! હવે તો જીવવું મરવું સંગાથે...’ જિતુ જરા હેબતાઈ ગયો. એના મનમાં તો એમ હતું કે આજે મળીશું ને પછી નક્કી કરીને... ‘તને એવું તો નથી લાગતું ને કે આ બલા સાચે જ ગળે વળગી પડી! એવું હોય તો અત્યારે જ કહી દેજે એટલે મને મારો રસ્તો કરવાની ખબર પડે! બાકી હું તો ઘેરથી રામરામ કરીને જ આવી છું!’ સુમી એકશ્વાસે જ આ બધું બોલી ગઈ. ‘એટલે તું ઘેર બધું ચોખ્ખું જ કહીને આવી?’ ‘હા. હમણાં તો તેં મને બુદ્ધુ કહી....બુદ્ધુ તો આવું જ કરે... મારે તો ફક્ત મમ્મીને જ સાચું કહેવાનું હતું. તે કહીને આવી છું..! પપ્પાને હમણાં નથી કહેવાનું. કેમકે એ તરત સ્વીકારી લે એવા નથી. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. મમ્મી એમને સંભાળી લેશે.’ ‘એટલે?’ ‘મેં તને નહોતું કહ્યું? એક ખાનગી વાત હું તને રૂબરૂમાં જ કહીશ!’ જિતુ એકદમ પોતાનો કાન સુમીના હોઠ સુધી લઈ ગયો. સુમીએ એના કાન ઉપર જરાક દાંત બેસાડ્યા અને પછી નાનો એવો ધક્કો મારીને એને જિતુને આઘો કર્યો. સુમી જરા ગંભીર થઈ ગઈ. જિતુ ઊભો થઈને એની બાજુમાં બેસી ગયો. સુમીનો હાથ પોતાની હથેળીમાં મૂક્યો અને કહે કે— ‘બોલ સુમી બોલ! તારે જે કહેવું હોય તે મોકળા મનથી કહે. એટલું યાદ રાખજે કે હું ક્યારેય તારી કોઈ વાતનો ખોટો અર્થ નહીં લઉં.... બોલ!’ સુમીનું હૈયું એકદમ ભરાઈ આવ્યું. ક્યાંય સુધી જિતુનો હાથ પકડીને ચુપચાપ બેઠી રહી. પછી ગળું ખોંખારીને કહે- ‘હાલમાં જે મારાં મમ્મી-પપ્પા છે એમણે મને જન્મ નથી આપ્યો. હકીકતમાં તો એ મારાં માસા-માસી છે. મમ્મી-પપ્પા તો હું માત્ર છ મહિનાની હતી ત્યારે જ ગુજરી ગયેલાં. કહે છે કે મને લઈને એ લોકો મોટરમાં પ્રવાસે નીકળ્યાં હતાં ને રસ્તામાં એક્સિડન્ટ થયો.... એ બંને તો ત્યાં ને ત્યાં જ... અને હું તારા માટે બચી ગઈ… પછી તો માસા-માસીએ જ મને આવડી મોટી કરી. જો કે મને તો મમ્મી-પપ્પાની કોઈ સ્મૃતિ છે જ નહીં, એટલે દુઃખ થવાનો તો પ્રશ્ન જ રહ્યો નથી. મારા નામ પાછળ આ પપ્પાનું જ નામ લાગે છે. એમણે મને એમના જીવથીય વધારે વહાલી કરી એ મારું નસીબ... નહિંતર તો હું ક્યારનીય ઉકલી ગઈ હોત!’ જિતુની આંખ ભરાઈ આવી. એક શબ્દ પણ ન બોલ્યો. બસ સુમીને જોતો જ રહ્યો. સુમિત્રાએ વાત આગળ ચલાવી... ‘મમ્મીને મેં આપણી બધી વાત કરી છે. પપ્પા થોડુંઘણું જાણે છે, પણ એ પૂરેપૂરા સંમત નથી. એમને એમ છે કે કશું જોયા-જાણ્યા વિના... મને ખૂબ ચાહે છે પણ એમનો મિજાજ એવો છે કે ન પૂછો વાત. કદાચ એ મને એટલો બધો પ્રેમ કરે છે કે હું કોઈને પ્રેમ કરું કે લગ્ન કરીને પારકા ઘેર જાઉં એ વાતનેય સ્વીકારી શકતા નથી. એટલે મમ્મીએ જ મને આશીર્વાદ આપી ને મોકલી. પપ્પાને મોડી સાંજે ખબર પડશે… હું ચિઠ્ઠી મૂકીને આવી છું એ વાંચશે ત્યારે...’ ‘તો મમ્મીએ તને કેવી રીતે મોકલી?’ ‘એણે મને કહ્યું કે ‘સુમી તું જો એને ખરેખર પ્રેમ જ કરતી હો તો જતી રહે… એક વાર સમયે નિર્ણય ન લેવાય કે સાહસ કરવામાં પાછા પડીએ તો જિંદગી આખી અંદર અંદર શોષાવાનું રહે.... અહીંનું હું સંભાળી લઈશ. બધું જ સરખું થતાં બે-પાંચ દિવસ થશે. પણ જો તું સાવ ચોખ્ખેચોખ્ખું કહીશ તો કદાચ વાત બગડી જશે.. તારા પપ્પા ક્યારેય નહીં સ્વીકારે અને અમથી અમથી ગાંઠ પડી જશે… એ કરતાં તો જતી રહે એ જ બરાબર...’ જિતુ આકાશ ભણી જોઈ રહ્યો ને કંઈ બોલ્યો નહીં એટલે સુમીને ફાળ પડી… એને થયું કે જિતુને કોઈ મુશ્કેલી તો નહીં હોય? શું વાત હશે? જિતુએ ફૂંક મારીને સુમીની ઊતરી આવેલી લટને આઘી કરી. જરાક હસ્યો અને પછી એકદમ સ્વસ્થ થઈને કહે— ‘સુમી! હવે તારે કંઈ નથી કરવાનું. જે કરવાનું છે તે મારે કરી બતાવવાનું છે. કાલે તારે એક્સચેન્જમાં જવાનું નથી. આપણે હમણાં ને હમણાં જ લગ્ન કરી લઈએ! મારો એક મિત્ર મિરઝાપુર કોર્ટમાં છે. બસ, એની પાસે પહોંચી જઈએ. બાકીનું બધું જ એ સંભાળી લેશે. તું ચિંતા ન કર!’. ‘જો જિતુ તું સાંભળ! હું તો એક અઠવાડિયાની રજા મૂકીને જ આવી છું. પછીની વાત પછી પણ તારી વાતો પરથી મને સમજાયું છે કે માએ તો મારો કોઈ વિરોધ કર્યો નથી. અને એનો જીવ તો તારામાં જ છે... તો પછી એમની ગેરહાજરીમાં શા માટે? એમને હાજર રહેવાની હોંશ ન હોય? એમ કરીએ આપણે સુરેન્દ્રનગર જ જતાં રહીએ ને કાલે સવારે માના આશીર્વાદ લઈને ત્યાં જ...’ ‘એમ પણ થઈ શકે. પણ હવે મોડું ન કરાય... એટલું નક્કી!’ ‘તો?’ ‘તો શું સુમિત્રાદેવી! ઊભાં થાવ... આટલામાં કોઈ હોટલ હોય તો થોડુંક કંઈક પેટમાં નાંખીને સીધાં સુરેન્દ્રનગર ભેગાં થઈ જઈએ. એ પહેલાં મણિનગર એક્સચેન્જમાં જઈને નીતિનને ફોન કરીને કહી દઉં! બધી તૈયારી કરી રાખે...’ બંને એકસાથે ઊભાં થઈ ગયાં. હાથમાં હાથ પકડીને પગ ઉપાડ્યો કે જિતુએ ગાવાનું શરૂ કર્યું… ‘દુનિયાવાલોં સે દૂર... જલનેવાલોં સે દૂર...’ સવારે એકલા જિતુને લઈને નીકળેલી બસ રાત્રે સવા અગિયારે સુરેન્દ્રનગર ડેપોમાં આખો સંસાર લઈને હીંચકા ખાતી ખાતી પ્રવેશી. ગડબુકડ... ગડબુકડ કરતાં પ્રવાસીઓ ઊતર્યાં ત્યારે નીતિન બસના બારણા પાસે જ રાહ જોતો ઊભો હતો. ત્રણેય રિક્ષામાં ગોઠવાયાં. જિતુના ઘર સુધી પહોંચતાં પહેલાં નીતિને મૂળીવાળા કંદોઈની દુકાને રિક્ષા ઊભી રખાવી. દુકાન વસ્તી કરવાની તૈયારી જ ચાલતી હતી. ફટાફટ જઈને વાંકડિયા પેંડા જોખાવી આવ્યો. ઘેર પહોંચ્યાં ત્યારે શેરી લગભગ શાંત થઈ ગઈ હતી. જેવાં રિક્ષામાંથી ઊતર્યા કે તરત એક કૂતરું આવીને જિતુને વળગી પડ્યું. આગળના બેય પગ ઊંચા કરીને છેક છાતી સુધી એનું મોં લાવ્યું. જિતુએ થોડું વહાલ કરીને એને અળગું કર્યું. સુમિત્રા તો કૂતરાને જોઈને જ ગભરાઈ ગઈ. એ સુમિત્રાને જરી સૂંઘીને પાછું હતું ત્યાં જઈને બેસી ગયું. રિક્ષાનો અવાજ સાંભળીને જ મા તો બારણે આવીને ઊભી રહી ગઈ હતી. જિતુ જેવો પ્રવેશવા ગયો કે માએ એને ઊભો રાખી દીધો. બંનેને ઉંબરની બહાર ઊભાં રાખ્યાં. કંકું અને ચોખાનો ચાંદલો કર્યો. પાણીનો લોટો લઈને બેયનાં માથેથી ઉતાર્યો. ઓવારણાં લીધાં અને પછી ઘરમાં આવવા કહ્યું. માએ ભગવાન આગળ ઘીનો દીવો કરી જ રાખ્યો હતો. બેયને પગે લગાડ્યાં. પછી બાથમાં લઈને આશીર્વાદ આપ્યાં. નીતિન કહે મને પણ પગે લાગો! હું જિતુ કરતાં સાત દિવસ મોટો છું! માએ સુમીને બીજી વાર ગળે વળગાડી. કહે કે— ‘લક્ષ્મી થઈને આવી છો તો લક્ષ્મી થઈને રહેજે! ભર્યા ભોગવો ને સદાય સુખી રહો એવા મારા આશીર્વાદ!’ સુમીની નજર આખા ઘરમાં ફરી વળી. એકદમ ખુશ થઈ ગઈ! એ માની શકતી નહોતી કે હવેથી આ એનું ઘર છે. માની નજર તો એના પરથી હટતી નહોતી. માની પ્રસન્નતાએ સુમીનું હૈયું ભરી દીધું. હળવે રહીને માએ સુમીને બાથરૂમ દેખાડ્યું. કહે કે— ‘તમે પહેલાં નાહી ધોઈ લો. હું થાળી પીરસવાની તૈયારી કરું.’ અગાઉથી જ એમણે કંસાર, દાળ, ભાત અને શાક બનાવી રાખ્યાં હતાં. સુમી બાથરૂમમાં ગઈ એટલે જિતુ પાસે આવીને માએ બીજી’વાર એનાં દુ:ખણાં લીધાં. રાજી થઈને કહે કે— ‘હું દીવો લઈને ગોતવા જઈ હોત તોય આવી વહુ નો મળત! પણ, બટા ઈ કહે કે કંઈ વાંધો તો નહીં આવે ને? કાયદાકાનૂન.... જો કે છોકરી છે હિંમતવાળી ઈની ના નંઈ...’ નીતિન ખુરશીમાં બેઠો બેઠો બધું જોતો હતો. માસીને નચિંત કરવા એ કહે કે- ‘માસી! તમે ચિંતા ન કરો. હું ગાયત્રીમંદિરમાં પ્રદ્યુમ્નભાઈને મળીને બધી ગોઠવણ કરી આવ્યો છું. કાલે સવારે દસ વાગ્યે સારું મુરત છે… લગન થઈ જશે. તમારે જેમને સાથે લેવા હોય ઈમને સવારે જ કહેજો. પાંચ-દસ માણસથી વધારે નહીં...’ ‘માસીએ હળવી મજાક કરી.... ‘મારા પિટ્યા તને હરખ મા’તો નથી...’

***