સોનાની દ્વારિકા/એક

એક

માણસ માત્રના મનના કોઈ ખૂણામાં, ક્યાંક કોઈ કૃષ્ણ બેઠો હોય છે. દરેકનાં ગોકુળ, મથુરા ને દ્વારિકા અલગ. લીલાઓ પણ કિસમ કિસમની ને ભાતીગળ. રુક્મિણી, રાધિકા અને ઉદ્ધવ પણ બાર ગાઉએ બોલી બદલાય એમ બદલાય. દરેક કૃષ્ણની દ્વારિકાઓ સોનાની ને એની નિયતિ પણ સમુદ્રમાં ડૂબવાની! સમુદ્ર ક્યારેય નથી ખાતો કોઈની દયા, નથી રાખતો કોઈની શરમ કે નથી કરતો કોઈ વાતે અપવાદ. બધું ધરબી દે છે પોતાના પેટાળમાં. અને જે હોય છે બધી રીતે હલકુંફૂલકું એને ફેંકી દે છે કિનારે. સમુદ્રને નથી કંઈ પારકું કે નથી કંઈ પોતાનું. જે ટકે છે કે અ-ટકે છે એ પોતાના ભારેપણાંને લીધે. એને પણ આ સમુદ્ર કોહવી નાંખે છે ધીરે ધીરે. ક્યારેક કોઈ દ્વારિકાનાં દેખાય છે માત્ર કોટ-કાંગરા તો કોઈનાં ભુવનોમાં ચારે બાજુએથી ખારાં ઉસ પાણી ફરી વળ્યાં છે. પાણીમાં કેટલાંય બુરજો, છજાંઓ, છત્રીપલંગો, સિંહાસનો, ઊભા ને ઊભા ઊંટ ચાલ્યા જાય એવા દરવાજાઓ, અતલસના રેશમી પડદાઓ, અનેક પ્રકારની કંડારણીવાળી કાષ્ઠશિલ્પની અટારીઓ, સોનાચાંદીનાં વાસણો, વસ્ત્રાભૂષણો, તલવાર, ભાલાં, ગદા, તીરકામઠાં અને બીજાં શસ્ત્રોની વચ્ચે એકાદી વાંસળી! બધુંય તરી રહ્યું છે, તરવરી રહ્યું છે આ ભવસમુદ્રમાં. કેટલી અને કોની દ્વારિકા ડૂબી એનો શુમાર નથી, પણ છેવટે બધીનો કૃષ્ણ અને સમુદ્ર એક જ છે એટલું નક્કી. મારે પણ હતી એક દ્વારિકા, ધમરખ સોનાની. એનાંય ઝળહળતા કોટકાંગરા ને કેસરિયો ધ્વજ હવામાં લહેરાય! સવાર-સાંજ સૂરજના ઊગવા- આથમવા સાથે મૃદંગો ઉપર પડતી થાપ, શરણાઈઓના સૂર ને વેળાએ વેળાએ વાગતાં ચોઘડિયાં. સતત આવતા ને જતા રહેતા દરબારીઓના પગલાંની સંભળાય ટાપ. છડીઓ પોકારાતી મારા આવવા અને જવાની. જાગું ત્યારે પ્રભાત ને ઊંઘું ત્યારે રાત. મારા અસ્તિત્ત્વ ફરતે ઘૂમરાયા કરે સૂરજ અને ચંદર. પ્રત્યેક કૃષ્ણને ઓછામાં ઓછો એક સુદામો તો હોય જ. જેને ન હોય એવો એક પણ મિત્ર, જે ઉઘાડેપગે મળવા દોડી આવે; એ તો સદાનો કહેવાય દરિદ્ર! મિત્રને આવકારવા પગમાં પીતાંબર અટવાય, તો ભલે અટવાય પણ બહાવરા બનીને દોડી જવાનું સુખ કંઈ બધાના ભાગ્યમાં તો ન જ હોય ને? કોઈક જ એવો કૃપણ કૃષ્ણ હોય કે જે હામદામ ને ઠામ હોવા છતાં પોતાના સુદામાને ખાલી હાથે પાછો મોકલે! દ્વારિકા એટલે હું ને હુંમાં આખી દ્વારિકા. જોકે એય ડૂબી ગઈ આ સમુદ્રમાં. સમુદ્ર એટલે મારું મન. ચંચળ પણ ખરું ને ઊંડું પણ ખરું, સ્થિર પણ ખરું ને સપાટીએ તરે પણ ખરું! અચાનક એમ લાગે કે હમણાં બધું પાણી પાણી થઈ જશે. જળજળબંબાકાર! હજી તો તમે પ્રલયના લયમાં હો ને ઓચિંતો જ એ કોઈ રીસાયેલા નાયક જેવો દૂરદૂર ચાલ્યો જાય. બધું જ થઈ જાય શાંત. કોઈ માને પણ નહીં કે હમણાં હતો, એ જ આ સમુદ્ર છે. એનાં ભરતી અને ઓટ ક્યારેય મારાથી જુદાં નથી. પૂનમ અને અમાસ તો કોના જીવનમાં નથી આવતી? મારી દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ છે કે દ્વારિકાસમેત હું એમાં ડૂબી ગયો છું એ કોયડાનો ઉત્તર નથી મારી પાસે, નથી સમુદ્ર પાસે અને દ્વારિકા પાસે તો નથી નથી ને નથી જ. કેમ કે આ દ્વારિકાએ જ મને વિવશ કર્યો છે તમારી પાસે આવવા, તમારી અંદર બધું લઈને ડૂબવા! પ્રત્યેક હિલ્લોળે મને સાંભરે છે મારું બાળપણ. જાણે કોઈ હાલરડાં ગાઈ રહ્યું છે નિરંતર. મારી જુવાનીને જગાડે છે એની વીળ ને ઓટમાં મેં અનેકવાર જોયું છે મારું ભવિષ્ય. મેં જોયો છે નિયતિનો ચડઊતરિયો ખેલ. આ સમુદ્રનું મને ઘેલું છે, લગન છે. કેમ કે એમાં આખી ને આખી સમાયેલી છે મારી મનોદ્વારિકા. સંભવ છે કે એ માત્ર ચર્મચક્ષુથી અવર કોઈને ન પણ દેખાય! સમુદ્રની છાતી પર ઊભા રહીને એકસાથે મેં જોયા છે મારા ત્રણેય કાળ. ડાબે હાથે ભૂતકાળ અને જમણે હાથે અગોચર એવો ભવિષ્યકાળ. અટવાય છે મારા પગમાં આ વર્તમાનનાં વારિ. હજી હું જીવું છું ગતસમયના એ વમળમાં. એટલે જ વારંવાર લોભાઉં છું અને વારતહેવારે મછવો લઈને ફર્યા કરું છું, ઉપર ઉપર તર્યા કરું છું. કદાચ, ક્યાંક કંઈ નજરે ચડી આવે, એમ તો ત્રણેય કાળની ભીતરનું ભર્યુંભાદર્યું જગત અહીં ઓટ વખતે દેખા દે છે! જોકે દરેક ભરતી અને ઓટ એને ક્યાંક ને ક્યાંક ઘસારો આપે છે. એના પર પડતા ઘસરકા પડે છે મારા મન પર. સમુદ્રમાં ભરતી તે મારી ઓટ ને એમાં ઓટ તે મારી ભરતી. ઢાળેલી ચાંદી જેવા ચમકતા દરિયાને જોયા કરું છું. કશું નક્કર દેખાતું નથી, પણ એ સઘળું જોવા અને તમને બતાવવા હું ઉત્સુક જ નહીં, વચનબદ્ધ છું. તો ચાલો ને પકડો મારો હાથ... દેવાય તો વચ્ચે વચ્ચે હોંકારો દેતાં રહેજો... એટલે શું કે મનેય પોરસ ચડતો રહે! એવું તો નથી કે આ બધી ઘટિતઅઘટિત બિના મેં નજરે જોઈ છે. ક્યારેક સ્થૂળ આંખે જોઈ છે અને જ્યાં એની મર્યાદા આવી ગઈ ત્યાં અંદરની આંખે જોઈ છે અને એને ધારણ કરી છે. મારી હાજરી ગેરહાજરી વચ્ચે તો હું પણ ભેદ પાડી શકું એમ નથી. તમામેતમામ ક્ષણનો હું સાક્ષી નથી છતાં છું. સૂક્ષ્મપ્રકારે મારી સર્વજ્ઞ ચેતના પળેપળમાં વ્યાપ્ત છે. એટલે કે મને સકળ વિશ્વ વિદિત છે એમ માનીને માંડું છું જેવી આવડે એવી વૈખરીમાં મારી દ્વારિકાની વાત... વાર્તામાં જ આવે એવો, હરિની હથેળી જેવો પ્રદેશ, નામે ઝાલાવાડ. એમાં એક ગામ. નામ ધારી લઈએ સખપર. ગામની ચારેકોર વડલા, આંબલી ને લીમડા ઢોળે પવન. ડાળે ડાળે બેસે ઊડે કાળિયાકોશી, કાંકણસાર, પતરંગા, લટોરા, લેલાં, કબૂતર, કાગડા, ચકલાં, પોપટ, મોર, લક્કડખોદ અને બીજાં જાણ્યાંઅજાણ્યાં પંખીઓનો તો પાર જ નહીં. ગાયોભેંસોની પાછળ ઊડતાંફરતાં બગલાં, ઊંચી ડાળે બેઠાં રહે ગીધ, ગરુડ, સમળાં ને ચિબરાં! હેઠે સરિસૃપોના ફુંફાડાની સાથે ટિટોડી, તેતર ગજવી મૂકે સીમખેતર! લટકે ચામાચિડિયાં ને વાગોળ, કાબર... ઊડે આભમાં કુંજડાં કેરી હાર... બીજું ગામવસાવીએ તો એય સમાઈ જાય એવડું તો પાદર. પાદરમાં રેતીના દળ. દળમાં ગાયો ઊભી ઊભી ભાંભરે છે. એકાદ ગાવડી બાકી છે એ આવી જાય એટલે રતનો રબારી ધણ લઈને આઢશે. એનો નાનો ભાઈ ભીમો તો ભેંસોને લઈને ક્યારનો તળાવની આડ્યનેય વળોટીને નીકળી ગયો. ગામમાં જવું હોય તો પહેલાં આ દળને વટાવવો પડે, એ પછી આવે સરવાણી જેવી શેરીઓ. શેરીએ શેરીએ સાંતી, હળ, જિંહલાં ને ગાડાં પડ્યાં હોય. બેય બાજુ કાચાં-પાકાં ઘર. ઘરમાં છનમછન્નાં નહીં તોય અંદરોઅંદર હાંડલાકુસ્તી કરે એવું પણ નહીં. બધાં મહેનતનો રોટલો ખાય ને કરે લીલાલહેર! બારે મહિના ખેતીવાળો કરે ખેતી, વેપારવાળો કરે વેપાર, જેના લમણે મજૂરી લખાઈ એને અમાસ અને તહેવારો સિવાય આરામ નહીં. રોજ સાંજે ખીમા દમલાની હાટે જઈને આના બે આનાનાં તેલ, મરચું, હળદર, મીઠું, રાઈ, ગોળ સમજોને કે જે જોઈએ તે લઈ આવે. કોઈ દન રોકડા ને કોઈ દન ઉધાર. બે ટંક પછી પાછાં હતાં ત્યાં, દમલાની હાટે! પચરંગીગામ એટલે કોઈની સાડીબાર નહીં મોચી તો નર્યો મનમોજી, ગાંયજો તો કે’ ગામનો. કુંભાર તો કે’ કાયમનો. મેરાઈ તો એવો કે મરવા માટેય નવરો નહીં. લુહાર તો કહે લમણે લખાયેલો! અઢારેય વરણ એકસાથે રહે એટલે કંઈનું કંઈ ચાલ્યા કરે. એકબીજાંને ભરપૂર પ્રેમ કરે, નાનામોટા ઝગડા કરે, ખદબદ કરે, હનુમાનજીને તેલ ચડાવે, રામાપીરની દેરીએ ધૂપધૂમાડો કરે, આખ્યાનો કરે, બાળાપીરની માનતા રાખે ચોરામાં રામજી મંદિરે દર્શન કરે, તુલસીદાસની ચોપાઈઓ લલકારે ધામધૂમથી રામજન્મ અને કૃષ્ણજન્મ ઊજવે. માતાજીની આરતી ઉતારે નોરતાંમાં ગરબા રમે ને ગરબા ગાયા પછી ભવાઈના ખેલ કરે, મહાદેવના મંદિરે રોજ જાય ને લોટો પાણી કે દૂધ ચડાવે, સ્વામિનારાયણની સેવા કરે, આખો પરસોતમ મહિનો અખંડ ધૂન્ય કરે, વરસાદની રાહ જોવે. આવે તોય આકાશ ને ન આવે તોય આકાશ. સહુની નજર ક્ષિતિજ પર, જ્યાંથી આભ અને ધરતી એક સાથે દેખાય! ચબૂતરે ચણ નાંખે, ચોરાનો વંશ ખાલી ન રહે એની કાળજી રાખે. વટેમારગુને ઉતારો આપે, એના માટે પણ, બે ટંકના રોટલાની સોઈ કરે, વરસમાં એકાદ વખત મહારાણા પ્રતાપના વંશજ એવા લવારિયા આવે અને સાણસી, ચીપિયા, લોઢી, તવી-તબડકાં બનાવી દે ને રોટલો રળતા જાય. આમ તો બધાં હળીમળીને રહે, પણ વખત છે ને કોઈ વાતે મન ઊંચાં થઈ જાય તો શેરી વચ્ચે ન બોલવાનુંય બોલી નાંખે, ક્યારેક નાનોમોટો હાથઊઠલોય કરી લે. કોઈની સાથે ન ફાવે તો બે-પાંચ દિ’ મોઢું ફૂંગરાવીને ફરે, પાછાં હતાં એનાં એ! એકંદરે માણસને જોઈને માણસ હરખાય, વારવરતુલાં કરે, ઉમંગથી બધા તહેવારો ઊજવે ને નાનામોટાંનાં જળવાય એટલાં માનમર્યાદાય જાળવે. આમ તો આ આખુંયે ગામ મારું, પણ પ્રવેશતાં જ સીધીપાટીએ પહેલી શેરીમાં આગળ જઈને જમણે-ડાબે થતાં તમે આવો અંબાજીના ચોકમાં. આ અંબાજીનો ચોક અનેક ઇતિહાસોને પોતાના ખોળામાં લઈને બેઠો છે. સખપરથી સુરેન્દ્રનગર જવાના મારગે વગડા વચોવચ ટીંબા ઉપર સો દોઢસો પાળિયાથી અલગ દૂર સિંદુરિયા થાપા લગાવેલો જે પાળિયો દેખાય છે તે અત્યારના સખપર દરબાર ગંભીરસિંહ ઉર્ફે ગમ્ભાભાઈની સાતમી પેઢીએ થતા કાકા અભેસિંહજીનો છે. અભેસિંહજીની યશગાથા કહેવાનો અત્યારે મોખ નથી. કદાચ આગળ ઉપર એમની કથા આવે તો આવે. ન પણ આવે! એવું થાય તો કોઈએ ધોખો નહીં કરવાનો કે નહીં પાડવાના વાંધાવચકા! આ એ જ ચોક છે, જ્યાં દર વર્ષે નવરાત્રીમાં અવનવા ખેલ ભજવાયા છે. મોટેભાગે ગામના લોકો જ ખેલ કરે. જરૂર જણાય તો બાજુનાં ગામ ગોદાવરી, કૂકડા, ચાણપર, ખોલડિયાદ, મુંજપર કે લીમલીથી એક-બે કલાકારોને બોલાવી લે. અમુક વખત નવરાત્રી સિવાયના દિવસોમાં વિસનગર કે મહેસાણા બાજુથી ભવાઈના ખેલ કરવા પેડુ પણ આવે. જો કે એમની બોલી જરા જુદી પડી જાય. હોવ્વ, તાંણે, ચ્યમ, હૂંહ, હેંડો તાંણઅ, ચ્યમનું ને દિયોરનું ને એવું બધું. થોડુંક ઉભડક, પણ મજા બહુ જ આવે એની તો ના કેમ પડાય? ચોરાના પડામાં પગ મૂકોને તમને રાજા ભરથરી ભટકાઈ જાય! જરા આગળ જાવ ને લીલુડા ઘોડલા સાથે હિંદવા પીર રામદેનાં દર્શન પણ થઈ જાય! આંખો બંધ કરીને ઊભાં રહો તો રાણકદેવીની ચીસ પણ સંભળાઈ શકે. તમે સંવેદનશીલ હો તો શેઠ શગાળશા ને ચંગાવતીનાં કલ્પાંત પણ સાંભળી શકો ને તમારામાં વીરરસ જાગી ઊઠે તો ઢાલ-તરવાર-ભાલા-તીર ને ગદાના પ્રહારોના અવાજો સંભળાયા વિના ન રહે. કંઈ નહીં તો દોકડ, હાર્મોનિયમ, મંજીરાં કે ભૂંગળ તમારા કાનને ઘેરી લે એવુંય બને. અંબાજીના આ જીવતા ચોકની મોહિનીમાંથી છૂટીને આગળ જઈ શકો તો સામે નેળિયા જેવી ઊંડી શેરી દેખાય. વચગાળામાં નાડોદાઓનાં ને એથી આગળ સતવારાનાં ઘર અને ખાલી મોટા મોટા ફરજા. દરેકનાં ઘરમાં ગાયો ભેંસોનો તો પાર જ નહીં! ગામમાં કોઈ દૂધ, દહીં કે છાસ વેચે નહીં! ખવાય એટલું ખાય, દેવાય એટલું દે, બાકીનું પાડાંવાછડાં પી જાય. શેરીમાં જતાં પહેલું ઘર આવે પોચા પટલનું, તરતનું બીજું સવા સતવારાનું ને ત્રીજું ઘર ખીમા દમલાનું. દરબાર પાટીમાં જેવો જેનો રૂઆબ એવી એની ડેલી. ગામછેવાડે વણકરવાસ, ચોકની ડાબી બાજુએ આખી કણબીશેરી. કણબીશેરીના બીજા ફાંટામાં લુહારવાસ અને એ પછી રામજી મોચીની ઊંચા ઓટલાવાળી દુકાન. ગામમાં દાખલ થતાંવેંત નિશાળ. એમાં જ કરુણાશંકર માસ્તરનું ક્વાર્ટર. આ માસ્તરના અવતારેય ચોવીસ કલાક બદલાતા રહે. પરોઢે જુઓ તો વેદપાઠી બ્રાહ્મણ, દિ’ ઊગ્યે જુઓ તો પોસ્ટમાસ્તર, પછીના કલાકોમાં મહેતાજી કહેતાં નિશાળના હેડમાસ્તર, ગામના પ્રહરી, પછી સમય પ્રમાણે વચ્ચેવચ્ચે જરૂર પડે એમ વૈદ, સમાજસેવક, ન્યાયાધીશ, કારભારીઓના સલાહકાર અને ભાંગ્યાના ભેરુ જેવી કોઈ પણ ભૂમિકામાં એમનો અદલોબદલો થતો રહે. આ કરુણાશંકરનો ભીખલો એટલે હું. મૂળ નામ તો વિદ્યાધર, પણ પાંચ વરસનો થયો ત્યાં સુધી ભીખલો કરેલો એટલે એ ખોટું નામ ભીખો જરા આગળ વધી ગયું! એક રીતે જુઓ તો મારે નથી કોઈ ન્યાત કે નથી કોઈ જાત. ઉછેર જ એવો કે મનેખ માતર પ્રવેશને પાતર! મારી ભીતર ચારેય વરણ. સ્વભાવે ને કરમે હું જેવો જન્મ્યો એવો બ્રાહ્મણ જ રહ્યો છું. કોઈ મને પડકારે તો ક્ષાત્રવટ ધારણ કરતાં વાર નહીં. શબ્દોની વાતે હું વૈશ્ય. મારે મન સાચો સબદ એટલે કિંમતી નાણું. મા સરસ્વતીનું આણું. વાપરતાં પહેલાં બે વાર વિચાર કરવો પડે! પણ, તમે અથરા ન થશો. હું તમારી આગળ લોભ નહીં જ કરું. મેં જોયેલું ને નહીં જોયેલું, સાંભળેલું ને નહીં સાંભળેલું - કહેવા જેવું બધું, લગડી જેવું હશે તે જરૂર કહીશ ને ન કીધેલું તો તમે તમારી જાણ્યે જ સમજી જજો. હું તો તમને પંખીનો મેળો કે માળો દેખાડું, આખેઆખું ઝાડ, આકાશ, હવા-પાણી ને બાકીનું બધું તમારી સુધબુધને આધારે ધારી લેવાનું! શુદ્રના બારામાં તો એવું છે ને કે કયો માણસ શુદ્ર નથી હોતો? જે પળચોઘડિયે હલકો વિચાર આવ્યો, કે માણસ શુદ્ર. એ સંબંધે હું પણ ક્યારેક ક્યારેક શુદ્ર! શુદ્ર અને રુદ્રનો પ્રાસ કંઈ અમથો તો નહીં મળ્યો હોય, શુદ્રની સીમા પૂરી થાય ત્યાંથી રુદ્રની શરૂઆત થતી હોય છે. હું મારા ચારેય વર્ણ અને ત્રણેય કાળને એકસાથે જોવા, સાંભળવા, સૂંઘવા, ચાખવા ને સ્પર્શવા આવ્યો છું આ ગામમાં. હવે હું સર્વવ્યાપ્ત કૃષ્ણ છું. નહીં કાળો, નહીં કામણગારો. કર્તા છતાં અકર્તા. તમને બધાંને મારા ગજા પ્રમાણે મારી કલ્પનાના વિરાટનું દર્શન કરાવવાનો છું. મારી દ્વારિકાને ગળી ગયેલો સમુદ્ર એની ચાંદીચમક છોડતો નથી. જરાક પ્રવાહી બને તો હું ડૂબકીના દાવમાં જ છું. એ ગમે એટલા દાવ ખેલે હું મારો દાવ છોડવાનો નથી. હાલ તો મછવાની જેમ તર્યા કરે છે મન. યાદ કરું છું કેવી હતી એ દ્વારિકા? કેવી હતી એની માનવતાની ઝાકઝમાળ? નિયતિના ચોપડા પ્રમાણે જીવનના પરિતાપમાં કેવું શેકાતું હતું માનવજીવન? ક્યાંક હશે જન્મોત્સવ તો ક્યાંક મૃત્યુની કાલિમા. કોઈ સંજીવની બનીને આપે છે જીવનનાં દાન તો કોઈ હપૂચા હરી લે છે કોઈના પ્રાણ. પ્રખર થઈ રહ્યો છે સૂર્ય. કદાચ ચાંદી ઓગળી રહી છે. સમુદ્રમાં એક મોટી તિરાડ પડતી જોઉં છું. એમ લાગે છે કે હવે વાર ન કરાય. લ્યો ત્યારે ખાબકું છું જીવનનાં જળમાં. શ્વાસ રોકીને લગાવું છું ઊંડી ડૂબકી. બહાર આવું ત્યારે મારી મુઠ્ઠી તો ઉઘડાવશોને?

***