સોનાની દ્વારિકા/એકવીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એકવીસ

બચુ પટેલ અને મણિલાલ મિસ્ત્રી ઝોકમાં ચબૂતરા પાસે બેઠા હતા. પાછળ જ બચુ પટેલનું પાદરડાનું ખેતર, તે એના શેઢે આખો દિવસ બેઠા રહે. ખેતરની રખેવાળીય થાય અને સમય પણ પસાર થાય. બે વાર જમવા માટે જ ઘરે જાય. પોતે બેઠા રહે ને આસપાસ ફરતા જગતને જોયા કરે. એમનો રામઝરૂખો એવો કે કશું જ નજરની બહાર ન રહે. મણિલાલ મિસ્ત્રીને કામ હોય, ત્યારે ઘણું હોય. કોઈનું હળ સમું કરવાનું હોય કે કોઈના ખાટલા બનાવવાના હોય કાં તો દીકરીયુંના આણાના કબાટ બનાવવાના હોય. કોશ, દાતરડાં, અને ખેતીનાં ઓજારોના હાથા બનાવવાના... ટૂંકમાં એમની કોડ્ય કામકાજથી ધમધમતી રહે. આ બે જણ માસ્તરના ખરા લંગોટિયા ભાઈબંધો. ત્રણેય ગૌરીશંકર માસ્તર એટલે કે કરુણાશંકરના પિતાજી પાસે આંબલીવાળી નિશાળે ભણેલા. બચુએ ખેતી સંભાળી અને મણિલાલ કોડ્યે બેઠો. હાથમાં લીધાં વાંસલાવીંધણાં. માસ્તરના સૌથી મોટા ટેકેદાર પણ આ બે જણ. માસ્તરનાં કામથી પોરસાયા કરે. ગામની કોઈ માથાકૂટમાં ક્યારેય પડે નહીં અને માસ્તરનો પડ્યો બોલ ઝીલે. ત્રણેયનાં શરીર જુદાં પણ આત્મા તો એક જ. અઠવાડિયે પંદર દિવસે ભેગા થઈને ભજિયાં બનાવીને ખાય! બંને ભાઈબંધ બેઠા બેઠા પોતાના ગામના તળાવના વખાણ કરતા હતા. મણિલાલ કહે કે— ‘આખા પંથકમાં સખપર જેવું તળાવ જોવા નો મળે હોં બચુ!’ બચુ પટેલે હાજિયો ભણ્યો : ‘તળાવ તો કદાચ સે ને આનાથી મોટાંય હોય! પણ બારેય મહિના પાણી ટકે એવાં ચ્યેટલાં? ને આટલ્યા વડ તો ચંઈ જોવા નો મળે! ભઈને કઉં સું!’ આ ‘ભઈને કઉં સું’ એ બચુ પટેલનો તકિયાકલામ! સામેથી નૂરોભઈ ઘોડાગાડી લઈને આવતો હતો. એના ઘોડાની ડોકના ઘૂઘરા રણકતા હતા અને ચૈ… ડ ચૂં… કરતી ગાડી આવીને ઊભી રહી. ઘોડાએ હાવળ્ય કરી, ડોક આમતેમ કરી આખું શરીર ધ્રુજાવી ખખરી કરી, થાક ઉતારવા ત્રણ પગે ઊભો થઈ રહ્યો. નૂરાએ બંડીના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને કહ્યું કે— ‘આ ચિઠ્ઠી તાત્કાલિક મોટામાસ્તરને આપવાની છે. ટાવરેથી એક જણે મને આપી સે...’ એણે કાગળ મણિલાલના હાથમાં મૂક્યો અને બીડી સળગાવતાં કહે કે- ‘હું જઉં હવે...’ મણિલાલે કાગળ ખોલ્યા વિના જ નિશાળ તરફ પગ ઉપાડ્યા. જઈને માસ્તરને હાથોહાથ ચિઠ્ઠી આપી. માસ્તરે ચશ્માં ચઢાવ્યાં ને ફટાફટ વાંચવા માંડ્યું. ઘડીભર તો એમ લાગ્યું કે જાણે ધરતી અવળી ફરી રહી છે! માસ્તર એકદમ બેસી પડ્યા. માંડ માંડ જાત સંભાળી! સમાચાર બહુ જ આઘાતજનક હતા. મણિલાલને ખ્યાલ આવી ગયો કે કંઈક ગંભીર બાબત છે અને માસ્તર તો બોલી શકે એવીય સ્થિતિમાં નથી. એ દોડતો જઈને રસોડામાંથી પાણીનો લોટો ભરી આવ્યો. માસ્તરે જેમતેમ પાણી પીધું પછી મણિલાલે પૂછ્યું : ‘શું સમાચાર છે?’ ‘માસ્તર તૂટક તૂટક અવાજે માંડ માંડ બોલ્યા ‘અનોપભઈ ગયા...!’ મણિલાલ કહે : ‘હેંએએ? શું વાત કરો સો માસ્તર? આપડા અનોપભઈ?’ ‘હા... આપડા અનોપભઈ....! ‘ઈમ ચ્યમ કરતાં? સું થ્યું’તું?’ ‘લખ્યું છે કે મુંબઈ ગયા હતા. ત્યાં જ હાર્ટફેઈલ થઈ ગયું!’ ‘હવે?’ ‘પરમ દિવસે એમના મૃતદેહને લઈ આવશે એવું બોલવા ગયા પણ એમની જીભ ઊપડી નહી. એટલે કહે કે આવે… પછી બધી અંતિમક્રિયા સુરેન્દ્રનગરમાં...’ માસ્તરનો ચહેરો સાવ નિસ્તેજ થઈ ગયો. ક્યાંય કહેતાં ક્યાંય મન લાગે નહીં. થોડી વારમાં તો આગની જેમ ખબર ફેલાઈ ગઈ. એક પછી એક કરતાં આખું ગામ પીપળાવાળા ઓટે ભેગું થઈ ગયું! સહુના મોઢે એક જ સવાલ : હવે શું? આ તો કાળો કોપ થઈ ગયો! ચારેકોર શોક વ્યાપી વળ્યો. દરેકને એવું લાગે કે જાણે પોતાના ઘરનું કોઈ વડીલ જતું રહ્યું... સાંજે મણિલાલ મિસ્ત્રી અને બચુ પટેલ માસ્તરને મળવા ગયા ત્યારે ગમ્ભા ત્યાં જ બેઠા હતા. માસ્તરે ભીની આંખે કહ્યું કે— ‘સો વરસેય આવો કાર્યકર પાકવો મુશ્કેલ! એમ સમજો ને કે ભવિષ્યનો આપણો મુખ્યપ્રધાન ગયો...! રાજકારણમાં ગળાડૂબ છતાંય ભરતજી જેવો નિસ્પૃહ અને નિર્મળ. આપણી ઓથ જતી રહી! હવે તો હરિ કરે એ ખરું...’ માસ્તરે ગળું ખોંખાર્યું અને વાત આગળ ચલાવી... ‘તમને ખબર છે? અનોપભાઈ કોને આદર્શ માનતા?’ થોડી વાર અટકીને પછી પોતે જ કહે— ‘આપણા કેળવણીકાર ખરા ને નાનાભાઈ, એમને! મુંબઈથી અલગ કરીને ગુજરાત રાજ્યની રચના ભલે સાંઈઠમાં થઈ, પણ અનોપભાઈ તો સ્પષ્ટપણે માનતા કે સૌરાષ્ટ્ર-ઝાલાવાડનો ખરો વિકાસ કરવો હોય તો એનું અલગ રાજ્ય કરવું જોઈએ. એવી જ રીતે કચ્છને પણ અલગ કરવું જોઈએ! આ તો એવું થાય છે કે જાણે રાજ તો ઉત્તર-મધ્ય અને દક્ષિણવાળા જ કરે છે. સૌરાષ્ટ્ર-કચ્છ તો કશા લેખામાં જ નથી! અનોપભાઈને એની બહુ પીડા હતી. આપણે બધી બાબતોમાં સૌરાષ્ટ્ર-કચ્છના વતની એવા મુંબઈના ગુજરાતીઓ ઉપર જ આધાર રાખવાનો એ એમને ઓછું ગમતું. રસિકલાલ અને ડૉ. મહેતાને મળીને કેટલુંક વિચાર્યું પણ હતું. રાજસાહેબેય એમાં સંમત હતા... પણ છેવટે તો જે થવાનું હતું એ જ થઈને રહ્યું. પૈસો જીતી ગયો! એવી હૈયાવરાળ કાઢતા રહેતા...’ ‘પણ, ઈ તો ગુજરાતના કટક્યા કરવાની જ વાત થઈ ને? અનોપભાઈ એવું થાવા દે? ભઈને કઉં સું……’ બચુ પટેલ બોલ્યા. માસ્તર કહે કે— ‘ગમ્ભા! હવે જે કહું છું એ વાત બચુએ નહીં પણ, તમારે સમજવાની છે. એમણે ક્યાં કટકા કરવાની વાત કરી હતી? એ તો એ વખતે રાજકારણમાં હજી ઊગીને ઊભાય નહોતા થયા.. પણ વિચારવાવાળાઓને પહેલેથી જ એવું લાગ્યું’તું કે કાઠિયાવાડનો ગરીબ વધારે ગરીબ થશે ને એમના પૈસાવાળા વધારે માલદાર થશે! તમાકુ, શેરડી અને જીરાવાળા સત્તાધીશો સૌરાષ્ટ્ર-કચ્છને પાટવીની જેમ નહીં, પણ ફટાયાની જેમ રાખશે! અખંડ ગુજરાતની કલ્પના ભલે બહુ સુંદર હોય પણ તમારા હાથપગ જ નબળા પડતા જાય તો શું કરો? એવી ચર્ચા તે વખતે બહુ ચાલેલી. હૈયાધારણોય ઘણી આપેલી પણ સમય જતાં બધું પાણી ઉપર લખેલા અક્ષર જેવું બની રહ્યું...’ આટલું બોલ્યા પછી માસ્તરને જ લાગ્યું કે આ ચર્ચા કરવાનો હવે કોઈ અર્થ નથી અને અત્યારે તો નહીં જ. એટલે એમણે બીજી વાત કાઢી. એ કોઈ પણ રીતે અનોપભાઈને યાદ કરવા ઈચ્છતા હતા. ‘તને યાદ છે રસિક? લીમલીના વાલા રથવીના ઘરે લાય લાગેલી! ઘરમાં સો-બસો મણ કપાસ ભરેલો ને ક્યાંકથી તિખારો આવી પડ્યો. થોડી વારમાં તો આગે રુદ્ર રૂપ લઈ લીધું. તમામ ઘરેથી ઘડા, ગાગર, ડોલ, માણ જે હાથમાં આવે તે - હતાં એટલાં વાસણ બહાર નીકળી આવ્યાં. તળાવથી તે વાલાના ઘર સુધી સ્ત્રી-પુરુષના ભેદ વિના માણસો હારબંધ ઊભાં રહી ગયાં.. એક હાથથી બીજે હાથ બીજે હાથથી ત્રીજે હાથ એમ પાણી સારવા માંડ્યું આખું ગામ... પણ આગ કોને કહે? પાછો એ દિવસે પવનેય વેરી થયેલો! ઘરના માણસો તો બધા ગમે તેમ કરીને બહાર નીકળી ગયેલા પણ મજબૂત સાંકળે બાંધેલો બળદ છૂટી ન શક્યો. ઊભો ને ઊભો જ બફાઈ ગયેલો! સાંકળ તો ભઠ્ઠી જેવી લાલચોળ થઈ ગયેલી! કોણ જાય એને છોડાવવા? કોઈની હિંમત નહોતી ચાલતી એ જોઈને મારાથી રહેવાયું નહીં... જો કે એ વખતે શરીરમાં તાકાત ઘણી ને હું કોઈનું સાંભળુંય નહીં! પાણીમાં રબડતબડ એવા નીતરતા કોથળા આખા શરીરે બાંધીને હું દોડ્યો, હાથમાં કુહાડો લઈને… સાંકળ તોડવા… બળદની બધી કુદાકુદ નિષ્ફળ ગઈ એટલે દીવાલે ચોંટીને ઊભો રહી ગયેલો. મેં ગરમ સાંકળ પર બે ત્રણ વાર કુહાડો ફટકાર્યો ને સાંકળેય તૂટી… પણ ઘણું મોડું થઈ ગયું હતું! જેવી સાંકળ તૂટી કે મને થયું આ બળદ હમણાં જીવ બચાવવા હડી કાઢશે.... પણ એ તો માંસનો ઢગલો થઈને પડ્યો એ પડ્યો! આ બાજુ મારા શરીરે વીંટેલા કોથળાય બળવા માંડ્યા હતા.. બળદે તો નહીં, પણ મેં રોતાં હૃદયે હડી કાઢી…! ગામે મને બહુ ઠપકો આપ્યો, ‘માસ્તર! આમ તે કંઈ ધોડ્યું જવાતું હશ્યે? જો કે એ બધી તો પછીની વાત... પણ, હું બહાર નીકળ્યો ત્યારે સામે અનોપભાઈ બે હાથ પહોળા કરીને ઊભા હતા. એમને ક્યાંકથી ઊડતા સમાચાર મળી ગયા હશે કે લીમલીમાં આગ લાગી છે તે એ જ ઘડીએ સુરેન્દ્રનગરથી પોતે લાયબંબામાં બેસીને આવી ગયેલા! બોલો, આવો નેતા ક્યાંથી લાવશું આપણે?’ મણિલાલ મિસ્ત્રી, ગમ્ભા અને બચુ પટેલ મનમાં સમજતા હતા કે માસ્તર આટલું બધું કોઈ દિ’ નો બોલે! એમને બોલતા અટકાવવા કોઈ પ્રયત્ન કરે એ પહેલાં, અંદરથી ઉમાબહેને સાનમાં કહ્યું કે એમને બોલવા દો! ‘અને તમને કહું? અનોપભાઈ આ વખતે મુંબઈ શું કામ ગયેલા તે? એમને થોડા વખત પહેલાં ખબર પડી કે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી તો આપણા લીમલીના છે. અરે! એમનો જનમ જ લીમલીમાં થયેલો! ઈ વખતની નિશાળનું રજિસ્ટર કઢાવી પાકી તપાસ પણ કરાવી હતી. અત્યારે જે મોટા કામદારવાળું ઘર છે ને? બસ એ જગ્યાએ એમનું કાચું ઘર હતું! એમને એમ કે પંડિતજી હયાત છે તો વાજતેગાજતે એમને ગામમાં લાવીએ, ભવ્ય સન્માન કરીએ! એ પ્રસંગે રાજ્યપાલથી માંડીને અનેક મહાનુભાવોને બોલાવીએ! મિત્રમંડળ પાસેથી દાન મેળવવા જ એ મુંબઈ ગયેલા... આવો ઉત્સવઘેલો મિત્ર ક્યાંથી લાવશું આપણે?’ થોડી વારે માસ્તર શાંત થયા. ઊભા થયા. પાણી પીધું. પોતે હવે પૂજામાં બેસશે અને પ્રાર્થના કરશે એવું કહીને ત્રણેયને ઘેર જવા કહ્યું. મૂળી-સુરેન્દ્રનગર-વઢવાણમાં તો જાણે શોકની કાલિમા જ છવાઈ ગઈ અને આખો જિલ્લો તો સ્તબ્ધ! જાણે નકશામાં ચીતરેલો જ રહી ગયો. ભણેલા અને અભણ સહુના મોઢે એક જ વાત : ‘અનોપભઈ જેવું માણહ થ્યુંય નથી ને થાવું પણ નથી...’ બીજે દિવસે ભોગાવાના કાંઠે ખુલ્લા શ્મશાનમાં માણસોનો સમંદર ઊભરાતો હતો. પગ મૂકવાનોય મારગ નહોતો. એક કિલોમીટરથીયે વધુ લાંબી લાઈન અંતિમદર્શન માટે લાગી હતી. મુખ્યપ્રધાન સહિત લગભગ આખું પ્રધાનમંડળ આવી પહોંચ્યું હતું. સાંજે ડૂબતા સૂરજની સાખે અનોપભાઈની ચિતાને એમના ડૉક્ટર દીકરા રોહિતે અગ્નિ આપ્યો ત્યારે એકેએક આંખ ઊભરાતી હતી. એમ લાગ્યું કે જાણે એક નહીં પણ બે ભોગાવા વહી રહ્યા છે. આખા ઝાલાવાડ પંથકે પૂરા બે દિવસ સ્વયમ્ભૂ બંધ પાળ્યો. ન કોઈ સાંતી જૂત્યાં, ન ગાડાં જોડાયાં ન દુકાનો ઊઘડી. રાંધ્યા ધાન પડી રહ્યાં. નાનામાં નાના કારીગરે પણ અક્તો રાખ્યો. સહુને એમ લાગ્યું કે આખો જિલ્લો અડધે મારગ રઝળી પડ્યો! શ્મશાનમાં જ એમની શ્રદ્ધાંજલિ સભા થઈ. મુખ્યપ્રધાને જાહેરમાં કહ્યું કે, ‘અનોપભાઈ તો તાલુકો છોડવા જ માગતા નહોતા. એમને તો ધારાસભ્ય પણ થવું નહોતું. એ તો અમે આગ્રહ કરીને ખેંચી ગયા. કહ્યું કે તમે આગળ નીકળો તો બીજા કાર્યકરો માટે જગ્યા થાય. પણ એ આવી રીતે જગ્યા કરી દેશે એવી તો કલ્પના પણ ક્યાંથી થાય? તમે વિચારો કે અનોપભાઈ ધારાસભ્ય ન થયા હોત તો ગમ્ભા કેવી રીતે તાલુકા પ્રમુખ થયા હોત? પ્રધાનમંડળમાં પણ અમે અનોપભાઈ જે ખાતા પર આંગળી મૂકે તે ખાતું આપવા તૈયાર હતા. પણ, અનોપભાઈ જેનું નામ! કહે કે મારે પ્રધાન થવું જ નથી. મને કાર્યકર જ રહેવા દો! બાકી એમની ક્ષમતા ઘણી મોટી, ગુજરાતમાં તો શું? કેન્દ્રમાં મોકલ્યા હોત તોય નામ કાઢ્યું હોત, એવી પ્રતિભા હતી. અમે અનેક પ્રશ્નો અને નિર્ણયોમાં એમની સલાહ માથે ચઢાવતા હતા એ પણ મારે કહેવું જોઈએ.’ સભા પૂરી થઈ તોય કોઈ વીખરાતું નહોતું. જાણે બધાં ઘરની દિશા જ ભૂલી ગયાં હતાં. મુખ્યપ્રધાનને નીકળવા માટે પણ પોલીસે માંડ માંડ જગ્યા કરી. મુખ્યપ્રધાન મોટરમાં બેસવા જતા હતા ત્યાં જ એમની નજર કરુણાશંકર માસ્તર ઉપર પડી. ઈશારો કરીને બોલાવ્યા. કહે કે— ‘તમે મને નિરાંતે મળવા ક્યારે આવો છો?’ ‘આપ કહો ત્યારે!’ ‘એમ કરો ને અત્યારે જ મારી સાથે બેસી જાવ! નિરાંતે તો પછી, પણ હમણાં પાંચદસ મિનિટ વિશ્રામગૃહમાં બેસીને થોડી વાત કરી લઈએ...’ માસ્તર પાસે બીજો વિકલ્પ નહોતો, મોટરમાં બેસી ગયા. એટલી વારમાં તો વાત બધેય ફેલાઈ ગઈ કે સખપરવાળા મોટાસાહેબ તો મુખ્યપ્રધાનની ભેળા મોટરમાં બેસીને ગયા! કેટલાક ખંધા રાજકારણીઓ અને અમલદારોને પણ આશ્ચર્ય થયું. વિશ્રામગૃહમાંય મોટો જમેલો હતો. બધાંને ‘નમસ્તે નમસ્તે’ કરતાં મુખ્યપ્રધાન અંદર આવ્યા. પાછળ કરુણાશંકર માસ્તર. કેટલાક લોકોની વાતો સાંભળી ને એક પછી એક સહુને રવાના કર્યા. છેવટે રૂમમાં એ બે જણ જ રહ્યા એટલે મુખ્યપ્રધાને વાત છેડી : ‘કરુણાશંકર, તમે નિશાળની નોકરી છોડી દો!’ ‘કેમ? મારી કંઈ ભૂલચૂક?’ ‘ભૂલચૂક તો કુદરતથી થઈ ગઈ હોય એમ લાગે છે... નહિંતર અનોપભાઈને જાવાનું આ ટાણું નહોતું...’ ‘હા ... હંઅ...’ ‘હવે એમ કરો, તમે ધારાસભામાં આવવાની તૈયારી કરો... અનો૫ભાઈનાં કામો આગળ ધપાવવાં પડશે ને?’ ‘સાહેબ આપનો ખૂબ આભાર! પણ મને પાયાનું કામ કરવા દો ને! અને ઉપર તો તમે બધા છો જ ને?’ ‘ઉમાશંકરની કવિતા તો તમે ભણાવો છો : “દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?” તમારા જેવા ના કહેશે તો કોનું પુણ્ય આગળ આવીને ઊભું રહેશે?’ ‘હા એ ખરું. એમ તો દલપતરામે પણ કહ્યું જ છે કે – “જેનું કારજ જે કરે બીજો કરે બગાડ..." ‘તમારું એક આ પણ કામ છે એમ હું સમજું છું!’ ‘આપની વાત સાચી! પણ મારી એક વાત કાને ધરશો?’ ‘બોલો!’ ‘મને સક્રિય રાજકારણમાં રસ નથી. એ ક્ષેત્રમાં ઘણાં લોકો મળી રહેશે. હું તો એટલું જ જાણું છું કે મારે સારાસારનો વિવેક શીખવીને હિંમતવાન કાર્યકરો તૈયાર કરવાના છે આપોઆપ એ નેતાગીરીમાં આવશે... મારું કામ નેતા બનાવવાનું છે, નેતા થવાનું નથી! તમે નહીં તો તમારા સાથીદારો ક્યારેકેય કંઈક ભૂલ કરે ત્યારે કાન પકડવાવાળાયે જોશે ને? એટલે મને બહાર રાખો તો સારું...’ ‘તે તો તમે અંદર રહીનેય કાન પકડી શકશો. અમારી ઉદારતાને તમે એટલી ઓછી ન આંકો!’ ‘પ્રશ્ન એ નથી સાહેબ! શિક્ષક સર્વથા મુક્ત રહે એ જ ઈચ્છનીય ગણાય...’ ‘કંઈ વાંધો નહીં. હજી સમય ઘણો છે..... વિચારજો... પછી છેલ્લે તો તમારી મરજી પ્રમાણે જ કરીશું!’ ‘આપ એક નિશાળના, એય તે સરકારી નિશાળના મુખ્ય શિક્ષકને આટલું માન આપો છો એ આપના હૃદય અને વિચારનું ઉમદાપણું છે... પણ હું ધારું છું કે ગમ્ભા એટલે કે તાલુકા પ્રમુખ ગંભીરસિંહ પરમાર હવે ઘણા તૈયાર થઈ ગયા છે, વળી મારા વિદ્યાર્થી પણ છે...! ‘જોઈશું... વિચારશું પણ, અમને તો તમારી જરૂર છે એટલું ધ્યાનમાં રાખજો!’ બંને છૂટા પડ્યા. ઘેર આવીને માસ્તરે ઉમાબહેનને માંડીને વાત કરી. ઉમાબહેનનો સાવ સાદો છતાં મજબૂત પ્રતિભાવ હતો : ‘સિંહ તો છુટ્ટા જ સારા... કોઈ પણ પ્રકારના પાંજરે પુરાય એ ઠીક નહીં! હું તમને ઓળખું ને? આપણે તો આ નિશાળ જ ભલી!’ ‘હું તમારી મરજી વિરુદ્ધ કંઈ કરું નહીં એટલું નક્કી...!’ ‘ને કરવા જાવ તોય સફળ ન થાવ એ પણ એટલું જ નક્કી!’ ઉમાબહેન જરાક હસી પડ્યાં.

***