સોનાની દ્વારિકા/બાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

બાર

ચમત્કારોની દુનિયા પણ ગજબની! જેણે જેણે વર્ણવ્યું તેમાં સચ્ચાઈ કેટલી તે તો પ્રભુ જાણે! પણ આ જાદુઈ અને રહસ્યમય વાતોથી બધા ચકિત થઈ જતા એ નક્કી. બધા એટલે રામુકાકાનો નીરુ, ખીમાદાદાનો ખોડો, ફકીરભાઈનો બફાતશા, વાલાભાઈનો અજમલ, પથુભાનો વિક્રમ અને અલીદાદાનો દિનુ. આ ટણકટોળી આખો દિવસ સાથે ને સાથે જ હોય. અલીદાદા દર શુક્રવારે સવારે ફક્ત એક ધોતિયું પહેરીને અમારા ઘર પાસેથી નીકળે. એમનું સાવ એકવડિયું ગોરું શરીર, હાથમાં એક નાળિયેર, થાળીમાં રૂમાલથી ઢાંકેલા વાંકડિયા પેંડા. લોબાનનો ધૂપ અને અગરબત્તી હોય. કોઈનીય સામે જુએ કે બોલે નહીં. જેવી અમને ખબર પડે કે અલીદાદા નીકળ્યા, અમે એમની પાછળ ને પાછળ ધીમે પગલે ચાલવા માંડીએ. અમને ખબર કે એ સીધા તળાવની પાળે આવેલી બાળાપીરની દરગાહે જશે. ત્યાં જઈ લોબાનનો ધૂપ વગેરે કરીને ઈબાદત કરશે. એમની ઈબાદત ચાલતી હોય એ વખતે અમે ચાર-પાંચ છોકરાઓ દરગાહની બહાર કબરના લાંબા લાંબા પડેલા પથ્થરો ઉપર ઘોડેસવારી કરતા. અલીદાદા નાળિયેર વધેરવા બહાર આવે, પાછા અંદર જાય. માથે સફેદ નેપકિન નાંખ્યો હોય. મોરપીંછની સાવરણીથી દરગાહ વાળે. અમારી ભાષામાં એમની ‘પૂજા’ પતે એટલે ઓટલા પર બેસીને થાળીમાં નાળિયેરની શેષ અને પેંડાના ટુકડા ગોઠવે. એક પછી એક અમને સહુને પ્રસાદ આપે. ફરી પાછા એ આગળ ને અમે પાછળ. છેક ઘર સુધી. રસ્તે જે જે મળે તે બધાંને પ્રસાદ આપે. ઘરનાં લોકોનો પ્રસાદ અલગ રાખીને બાકી વધેલો ફરી વાર અમને વહેંચી દે. અલીદાદા આમ તો ખોજા, પણ ક્યારેય કોઈ વાતે અમને ન્યાતજાતનો ભેદ દેખાયો નથી. એમનાં પત્નીનું નામ મોંઘીમા. એમનાં કેટલાંક સંતાનોનાં નામ પણ હિંદુ. એક પેઢીએ હિંદુ નામો અને બીજી પેઢીએ મુસ્લિમ નામો. એવી એમની પરંપરા. દિનુ અમારો પાકો ભાઈબંધ. ભણવામાં અમારા કરતાં એક ચોપડી આગળ, પણ તળાવની પાળે ને ખેતરોમાં રખડવામાં અમારી સાથે. ડબલાં લઈને જાજરૂ જવામાં અને તળાવે નહાવામાં પણ બધા ભેગા ને ભેગા. દિનુને ચમત્કારિક વાતો કરવાનો ઘણો શોખ. કહે કે- ‘રોજ રાતે બાર વાગ્યે આખું પીરાણું બાળાપીરદાદાને મળવા-ઝુલાવવા આવે છે.’ અમે પૂછીએ કે- ‘પીરાણું કેવું હોય?’ દિનેશે પોતે જોયું હોય એમ વર્ણન કરે: ‘પીરાણું એટલ્યે આપડા જેવાં માણસો નહીં, દૂર દૂર આકાશમાંથી દીવાઓ ઊડતા ઊડતા આવે. કાં તો પાંચ હોય, કાં તો સાત હોય, કાં તો અગિયાર હોય; એકીસંખ્યામાં જ આવે. બધા દીવા અંદર દરગાહમાં ટપોટપ ગરી જાય, અમુક હાચા દિલના હોય ઈને જ દેખાય, ઈ કંઈ બધાંને નો દેખાય! પશી હળવેકથી બાળાપીરને આમ કરીને આમ જગાડે…’ એમ કહીને બાળકને ઉઠાડવાનો અભિનય કરે. અમારી આંખોમાં આશ્ચર્ય જુએ એટલે વળી પાછો આગળ ચલાવે: ‘પછી પીરને નવરાવેધોવરાવે, સારાં સારાં લૂગડાં પહેરાવે, ખવરાવે અને બધા ભેગા થઈને પાયણામાં ઝુલાવે!! નીરુ જાતભાતના પ્રશ્નો કરે: ‘પાયણું ચ્યાંથીન્ં લાવે?’ દિનુ ઉશ્કેરાઈ જાય. ‘હમણેં કઉં યાંથીન લાવે તારીમાના નિરીયા મૂગો મર્ય.’ એના મતે આવી ધાર્મિક વાતોમાં પ્રશ્ન ન કરાય. ‘ઈ તો બધા ચમત્કાર કે’વાય... સત્ હોય ને સત્? એટલ્યે હંધુય થાય. ટણપીના ભામટા! તારા જેવાને ઈમાં નો ખબર્ય પડે!’ એમ કહીને આગળ વાત વધારે… આવી બધી વાતો સાંભળી સાંભળીને અચંબો થાય. એમ થાય કે અમને ક્યારે જોવા મળે આવું બધું? એક વાર અલીદાદાએ મારાં માને ફરિયાદ કરી, ‘આ તમારો ભીખલો બાળાપીરનો ઘોડો કરીને પદડૂક પદડૂક કરે છે. ઈને ક્યો કે પીરદાદા ભઠ્યે ભરાશ્યે તો ખેદાનમેદાન કરી નાંખશ્યે... કાંતોકને ગાંડો કરી મેલશ્યે! પીરદાદાને બઉ રંજાડવા સારા નંઈ...’ મા કહે કે ‘અલીભઈ સોકરાને એવો ડારો મ દેજ્યો! એ તો બાળોદાદો સે બાળોદાદો…… સોકરાવ ઈના ખોળામાં નો રમે તો બીજે ચ્યાં રમે? ભઠ્યે ભરાય ઈ પીર નંઈ! ને આતો સે જ બાળોપીર... ઈને તો સોકરા બઉ વાલા હોય!’ આ અલીદાદાના નાના ભાઈ અસગરચાચા. બેયનાં ઘરનો કરો એક. ચાચાની વહુનું નામ ફાતમાબીબી, પણ અમે બધાં ફાતુચાચી કહીએ. એમને ઘેર ભરડિયો. શીંગ-ચણા શેકે. કોઈ મગફળી કે ચણા લઈને જાય તો લોખંડના એક મોટા તવા પર એમાં રેતી અને મીઠું નાંખીને ભઠ્ઠા ઉપર ઊભાઊભ શેકી આપે. હાથમાં મોટી કુલડી રાખે. એ ઘસતાં જાય ને દાણા શેકતાં જાય. ચાચી, વેચવા માટે માવાના પેંડા બનાવે. ઘણી વાર તો ખાવાનાંય સાંસા પડે એવી એમની સાવ સામાન્ય સ્થિતિ. ક્યારેક ચાચી અમારા ઘર પાસેથી નીકળે ત્યારે મા એમને સાડીના છેડા નીચે ઢાંકીને એકબે રોટલા છાનામાના આપે અને કહે કે, ‘કોઈને ખબર પડે ઈ પેલાં વઈ જા. સોકરાંને ખાવા આપજે.’ ફાતુચાચી બોલે કે ‘ભામણનું નો લેવાય!’ પણ પછી પ્રેમથી લઈ જાય. એક લાકડીના બંને છેડે એક એક ડબ્બો બાંધીને બનાવેલી કાવડમાં ગાંઠિયા, પેંડા અને શીંગચણા લઈને અસગરચાચા રોજ સવારે સુરેન્દ્રનગર વેચવા જાય. તાલુકાશાળા પાસે એમનો મુકામ. છોકરાંઓ આનો બે આનાનો નાસ્તો લઈને ખાય. નિશાળનો ટાઈમ પત્યા પછી માલ વધ્યો હોય તો શેરીએ શેરીએ ફરે. ખાસ તો વાદીપરા, સુતારગલી અને વિઠ્ઠલપ્રેસમાં ફરે. એમ કરતાં તો સાંજ ઢળી જાય. સાંજે પાછા ચાલતા ચાલતા સખપર આવે. એમને રોજની ટેવ એવી કે જતાં ને આવતાં બંને વખત ભોગાવા પરના પુલ ઉપર ઓટલે બેસીને થાક ખાય. વળી પાછા ચાલવા માંડે.… એક વાર એવું થયું કે શિયાળાનો દિવસ ટૂંકો તે વહેલું અંધારું થઈ ગયેલું ને અસગરચાચાને આવતાં મોડું થઈ ગયું. પુલ ઉપર થાક ખાવા બેઠા હતા ત્યાં પુલના છેડેથી ધોળા લૂગડાં પહેરેલો કોઈ માણસ આવતો દેખાયો. અસગરચાચાને એમ કે હશે કોઈ. પણ જેમ જેમ પેલો માણસ નજીક આવતો ગયો એમ લાગ્યું કે આ કોઈ માણસ નથી. ચાંદની જેવાં ચમકતાં કપડાં ને ઊંચાઈ તો આઠ-દસ ફૂટ કે એથી પણ વધારે! અસગરચાચાને પરસેવો વળી ગયો. ઊભા થવાની કોશિશ કરી પણ શરીર જાણે લોઢાનું થઈ ગયું હતું. એટલી વારમાં તો એ પડછાયા જેવો માણસ સાવ નજીક આવી ગયો. અસગરચાચા ઊંચું જોવા ગયા પણ ચહેરો ન ઊંચકી શક્યા એટલે એ ઓળો સામાન્ય માણસ જેવો બનીને એમની બાજુમાં બેસી ગયો. ચાચાને ધીમેથી પૂછ્યું, ‘કંઈ ખાવાનું છે?’ અસગરચાચાએ ડબ્બા ફંફોસ્યા. બે પેંડા અને થોડાક ગાંઠિયા નીકળ્યા તે ખંખેરીને છાપાના કાગળમાં આપ્યા. એણે નિરાંતે બેસીને ખાધા. પછી પૂછે- ‘કેટલા પૈસા આપું?’ અસગરચાચા કહે, ‘કંઈ નહીં, ઈ માં સું લેવાનું?’ પેલા માણસે જતાં જતાં અસગરચાચાના હાથમાં પરાણે મુઠ્ઠી વાળીને એક સિક્કો આપ્યો ને કહ્યું કે ઘરે જઈને જોજે. શરત એટલી કે આ વાત તારે કોઈને કરવી નહીં. જે દિવસે તું વાત બહાર પાડીશ એ દિવસથી આપણો સંબંધ પૂરો.. એટલું કહેતામાં તો એ અલોપ થઈ ગયો. અસગરચાચા તો સાવ ફિક્કા પડી ગયા. માંડ માંડ ઊભાં થયા અને ચાલવા લાગ્યા. ઘરે પહોંચતાં તો નવ નેજાં પાણી ચડી ગયું! સવારે ઊઠીને જોયું તો આભા જ બની ગયા. એ સિક્કો સોનાનો હતો. અસગરચાચા બીબી ફાતમાને કહેવા ગયા પણ પેલી શરત યાદ આવી અને ચૂપ થઈ ગયા. બીજે દિવસે પણ એ પ્રમાણે જ ઘટના બની. બંને જાણે ભાઈબંધ થઈ ગયા. રોજ નાસ્તો આપવાનો અને એક સોનાનો સિક્કો લેવાનો જાણે ક્રમ બની ગયો. એક દિવસ વેપાર ખૂબ થયો. ખાસ કંઈ વધ્યું નહોતું. છેલ્લે બે પેંડા અને થોડીક ખારીશિંગ બચી હતી. એ આવતા હતા ત્યાં ટાવર પાસે એક બાઈ પોતાના નાનકડા છોકરાને કેડમાં તેડીને ઊભી હતી. એણે ચાચાને જોયા એટલે કહે કે, ‘આ મારો પીટ્યો કલાકથી રોવે સે સાનો જ રે’તો નથી. ચાચા કંઈક ખાવાનું હોય તો આને બાળોને...’ ચાચાએ જોયું તો ખાસ કંઈ હતું નહીં, જે હતું એ તો ભાઈબંધ માટે સાચવીને રાખ્યું હતું. કેમ અપાય? એમની નજર સામે સોનાનો સિક્કો તરવરવા લાગ્યો. ભાઈબંધને આજે શું આપીશ? ઊંડે ઊંડે બીક પણ લાગી. પેલી બાઈને કહ્યું કે, ‘કાંઈ નથી આપવા જોગું.’ કાલ્ય આપીશ.’ બાઈએ જીદ પકડી. કહે કે, ‘થોડોક ભૂકો હોય તો ભૂકો આપો. નકર આ આખી રાત ઊંઘશે નંઈ! સોકરાં કંઈ કાલ્ય હુધી થોડા વાટ્ય જોવે?’ ચાચાએ બાળક સામે જોયું તો જાણે એની આંખમાં ભાઈબંધની આંખ દેખાઈ. એમણે જે હતું તે ખાલી કરીને બાઈને આપી દીધું. પછી આવ્યા પુલ પર. ત્યાં તો ભાઈબંધ રાહ જોતો બેઠો હતો. અસગરચાચાને શરમ આવી. પોતાના ઉપર રહેમ કરનાર આજે ભૂખ્યો જાશે! વળી મનમાં બીક તો હતી જ, ક્યાંક નારાજ થશે તો? કંઈક કરી તો નહીં નાંખે? બાળીને ભસમ તો નહીં કરી નાંખે? માતા આવી હોય એમ શરીર ધ્રૂજવા લાગ્યું. એમને પોતાની જિંદગી જોખમમાં લાગી. તો પણ, બીતાં બીતાં કહે કે, ‘ભાઈબંધ આજ તો મને ખુદાને ખાતર માફ કરી દો! આજનું સાટું કાલ્ય વાળી દઈશ. એક રોતા સોકરાને સાનો રાખવા જે હતું ઈ બધું દઈ દીધું સે... અલ્લાને માથે રાખીન્ કઉં સું... ખોટું નથી બોલતો. લ્યો જોવો!’ એમ કહીને ડબ્બો ઊંધો વાળ્યો. તરત ખણણણ કરતોક ને સિક્કો ઓટલા ઉપર પડ્યો. અસગરચાચો તો અબૂધ જેવો થઈ રહ્યો. થયું કે આવું કેવી રીતે બને? ભાઈબંધ કહે કે, ‘તેં જેને ખાવાનું આપ્યું ઈણે આપ્યું હશે!’ ‘અરે! પણ મેં તો એની માં પાંહેથી કંઈયે લીધું નથી. વળી મેં તો ઈને ઘણી ના પાડી કે આજ ખાવા દેવા જેવું કંઈ જ નથી. પણ સોકરાની જીદ આગળ પીગળી જિયો ને તમારો ભાગ ઈને આપી દીધો!’ ‘તું ઈમ હમજને કે ઈ મેં ખાધું’તું!’ અને ભાઈબંધ અલોપ! આવું આવું પંદરવીસ દિવસ ચાલ્યું હશે. એક દિવસ ચણા શેકતાં શેકતાં ફાતમાબીબી કહે કે, ‘તમે મારાથી કંઈક સાનું રાખો સો ઈ નક્કી વાત સે... ઘણા દિ’થી જોઉં સું કે તમે હાવ મૂંગામંતર થઈ જ્યા સો જાણ્યે તમે ઈ સો જ નંઈ! અને રોજ રાતે પેટી ચ્યમ ઉઘાડબંધ કરો સો? મંઈ સું મેલો સો?’ અસગરઅલી સાચે જ ગભરાઈ ગયો. બીબીને ખબર પડી જશે તો? તો તો આવી જ બન્યું! વાતનો ઓળોટોળો કરવા કહે, ‘કંઈ નથી. બધું બરોબર સે… પેટીમાં તો વધેલા પૈસા મેલું સું. ટૂટેફૂટ્યે કામ લાગે એટલ્યે નોખા મેલું સું...!’ ‘પણ, ઈ પૈસા તો હોનાના સે... મેં જોયા સે ને! તમ્યે કાલ્ય જ્યા કેડ્યે મેં પેટી ઉઘાડીન્ જોયા સે... ક્યો નો ક્યો કાંક સે નક્કી... તમ્યે ભલે બાંધ્યાભારે રાખો પણ મને વેમ આવે સે કે ચ્યાંકથી સોરીસપાટીનો માલ તો નથ્ય લાવતા ને? આપડે રિયા ગરીબ માણહાં. ચ્યાંક મરી નો રેવી! હાચું નો બોલો તો તમને પીરદાદાની કસમ...!’ અસગરથી હવે રહેવાયું નહીં. પીરદાદાની કસમને ચ્યમ કરીને ઓળંગવી? ‘ભાઈબંધ’વાળી વાત ફાતમાને સાવ સાચેસાચી કહી દીધી! અને કીધું કે, ‘આ વાત જો બા’ર જઈ તો ભાઈબંધ આપડું હચોડું ધનોતપનોત કાઢી નાંખશ્યે!’ બીબી તો મૂંઝાઈ ગઈ. કહે કે, ‘કૂણ જાણે આ ચેવાય પૈસા હશ્યે ને હવે આપડું સું થાશ્યે? તમે આ ભૂતની ભઈબંધીમાં ચ્યમ કરીન્ પડ્યા?’ બીબીને જાણ થઈ એ દિવસથી ક્યારેય અસગરલીને ભાઈબંધનો ભેટો ન થયો. અસગરે મનોમન ઘણી માફી માગી, દુઆઓ કરી, ઘણીવાર તો આખી આખી રાત પુલના ઓટલે બેઠા રહે. એમ થાય કે હમણાં આમથી આવશે ને હમણાં તેમથી આવશે. બોર બોર જેવડાં આંસુડે રાહ જોવે. પણ ભાઈબંધ તો ગયો એ ગયો જ. એ સોનાના સિક્કાઓએ એવી કમાલ કરી કે અસગરચાચાએ સુરેન્દ્રનગરમાં મોટો ભરડિયો કર્યો ને ધંધો તો કંઈ જામ્યો! આખાં ને આખાં ખેતરોની મગફળી ને ચણા ખરીદતા થઈ ગયા. એક સામટી સાત પેઢી જાણે તરી ગઈ. પછી તો રોજ રાત્રે પુલ પર જઈને ઓટલા પર કંઈ ને કંઈ ખાવાનું મૂકી આવવાનો નિયમ જાળવી રાખ્યો. કહેવાય છે કે એ અજાણી રૂહે અસગર અને અલીદાદાના પરિવારને ન્યાલ કરી દીધો. એ વખતે વાલાભાઈનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં તાજો તાજો ભળેલો તે ઉત્સાહનો પાર નહીં. ગામમાં કેટલાક ભગવા વસ્ત્રવાળા સ્વામીઓ અને સાધુઓ આવેલા. ઘનશ્યામ મા’રાજની ‘શિક્ષાપત્રી’ અને ‘વચનામૃત’ની વાતો કરી. ખૂબ ભજનકીર્તન કરાવ્યાં. ગામના આગળ પડતા માણસોને ભેગાં કર્યાં. પ્રસાદ વહેંચ્યો અને કહે કે, ‘તમારા ગામમાં એક હરિમંદિર કરવાની આશા થઈ છે.’ પછી તો સાધુઓની આવનજાવન ઘણી વધી ગઈ. અજવાળીમાએ જમીન કાઢી આપી અને ધીરે ધીરે કરતાં મંદિરેય થયું. અજમલનો આખો પરિવાર પાકો સ્વામિનારાયણી. એક દિવસ અજમલ કહે કે- ‘આ મંદિરના કૂવામાં જો કોઈ ભાગશાળી પાઈ-પૈસો નાંખે તો ઘનશ્યામ મા’રાજ માણકી ઘોડી ઉપર જતા જોવા મળે! આની કોર્યથી નીકળે ને ઓલી કોર્ય જાય! એવું સ્વામી કે’તા’તા…’ અમે દોસ્તોએ ઘણાંય પાંચિયાંદસકાં નાખ્યાં, અલગ અલગ વખતે સાચા દિલથી પ્રાર્થના કરી કરીને નાંખ્યાં, પણ અમે ભાગશાળી નહીં તે દર્શન ન થયાં તે ન જ થયાં. અજમલ પાસે એનો સરસ જવાબ હતો : ‘તમ્યે બધાં લહણડુંગળી ખાવ ને અટ્લ્યે દર્શન નો થાય!’ એ વખતે અમને આવી તિલસ્માતી વાતો બહુ ગમે એટલું જ નહીં, અમારી ભોળી શ્રદ્ધા કેટલાંય સાહસો કરાવે. બફાતને જાણે બધાં ભૂત સાથે ઘરોબો હોય એમ અમને પૂછે : ‘ખબર્ય સે ચ્યેટલી જાતનાં ભૂત હોય?’ અમે ડોકું ધુણાવીને ના કહીએ એટલે ગણાવવા માંડે : ‘વંતરી, શાકણ, ડાકણ, વેતાળ, પિશાચ, ઝાંપડો, જીન ને ખવીસ! પાસાં બીજાં તો ચ્યેટલીય જાતનાં! ઈમાં ખવીસ હોય ને ઈને માથું નો હોય! પાધરું ધડથી જ શરૂ થાય! ને ડાકણ હોય ને ઈને તો વાંહોય નો હોય!’ અમે એની મોટી મોટી આંખોને જોયા કરીએ ને ચાર કાન કરીને સાંભળતા રહીએ. વિક્રમ ક્યાંકથી જાણી લાવ્યો કે દર કાળી ચૌદશે રાતે બાર વાગ્યે આપડા ગામની વાવમાં સાતમે મતવાલે જોગણીઓ રાસડા લે છે. મુશ્કેલી એ કે તાજું જ ચોમાસું ગયું હોય, એટલે દિવાળીના દિવસોમાં બે મતવાલાં સુધી તો પાણી હોય. સાતમા મતવાલા સુધી, એટલે ઊંડે પહોંચવું કેવી રીતે? ને ભરી વાવમાં કોઈ રાસડા લે તો કેવી રીતે લે? એ પ્રશ્નનો જવાબ વિક્રમ એવો આપે કે પાણી આપોઆપ માગ કરી દે! અમે અનેક કાળી ચૌદશની રાતે વાવમાં ડોકિયાં કરવા જતાં. પણ વિક્રમની વાતનો કોઈ જવાબ ક્યારેય મળ્યો નહીં! ગામમાં ચોર્યાશી હોય ત્યારે બહુ મજા પડે. બધા બ્રાહ્મણો ભેગા મળીને મઢીએ લાડવા બનાવે. ઘીમાં તળેલાં મૂઠિયાં સામસામા બેસીને. શણના કોથળામાં સીસમની મોગરીથી ખાંડે. ચારેકોર ઘીની અને લોટ શેકાયાની સુગંધ ફેલાઈ ગઈ હોય... વચ્ચે વચ્ચે બીડી-તમાકુય ચાલ્યા કરે... એ વખતે આવી ચમત્કારિક વાતો નીકળે. પેમામારાજના મોઢે આવા પ્રસંગો સાંભળવાની બધાને બહુ મજા આવે. પેમામારાજ પણ મૂડમાં આવી જાય. એક પછી એક પ્રસંગો ગૂંથતા જાય. દરેક વખતે કંઈ ને કંઈ ઉમેરાતું કે ઓછું થતું રહે. કદાચ મૂળ ઘટના સામાન્ય, પણ મારાજની કહેણીની મજા! ઝભ્ભાના ખિસ્સામાંથી એકદમ ધીમી ગતિએ તમાકુની ડાબલી કાઢે. તમાકુ અને ચૂનો બરાબરનો ચોળે. પછી ચપટી ભરીને હોઠ નીચે દબાવે અને પછી વાત માંડે... ‘એક વાર હું અડધી રાતે ગોદાવરીના મારગેથી પગપાળો હાલ્યો આવતો’તો. પગમાં જોડાં ડંખતાં’તાં અટલે હાથમાં લઈન્ ઉઘાડા પગે હાલું. એક હાથમાં થેલી ને બીજા હાથમાં જોડાં... ઘાએ ઘા હાલ્યો આવું હોં... વચમાં આવી તળાવડી... તે થિયું કે ઘૂંટડોક પાણી પીતો જઉં. હજી તો આરા પાંહે પોંચું નો પોંચું ત્યાં તો એક નાનું એવું ખોલકું દેખાણું. મને ઈમ કે હશ્યે કો’ક ડફેરબફેરનું તે વગડામાં ફરતું હશ્યે. પણ થોડીક વારમાં તો મારાજિયાનું મોટું થાવા મંડાણું! ઘડીક વારમાં તમ્યે જોવો તો ખોલકામાંથી હેયને મોટું ગધાડું થઈ જ્યું! હળવે હળવે કરતાં તો જાણે મોટો હાઈથી જોઈ લ્યો! મને તરત ખબર પડી જઈ કે આ મારું હારું નક્કી કંઈક કોત્યક હોવું જોવે! એ જ વખતે નીરુએ બાજુમાં બેઠેલા જસાને કાનમાં કીધું કે, ‘ઈ વખતે પેમામારાજની ચ્યેટલી ફાટી રઈ’તી ઈનું કંઈ નંઈ બોલે!’ અને પેમામારાજનો મગસ ફાટ્યો. બરોબરના ભઠ્યે ભરાણા! હાથ લાંબો કરીને કહે, ‘ઠેંહાં તું ન્યાં હોત ને તો ચારુંનો શેરી જ્યો હોત શેરી...!’ જરાક ગુસ્સો ઊતર્યો એટલે પાછા વાતનો દોર સાંધતાં કહે કે, ‘જોડાં મેલ્યાં પડતાં ને મેં તો તરત જનોઈ પકડી લીધી. આપડને પેલ્લેથી જ હનુમાનચાલીસા મોઢે, અટલે પેલ્લેથી શરૂવાત નો કરી.... પાધરું જ તે-

રામદુવારે તુમ રખવારે। હોત ન આજ્ઞા બિન પૈસારે ॥
સબ સુખ લહે તુમ્હારી સરના । તુમ રક્ષક કાહુ કો ડરના ।।
આપન તેજ સમ્હારો આપે। તીનો લોક હાઁક તે કાંપે ।।
ભૂત પિશાચ નિકટ નહીં આવે । મહાવીર જબ નામ સુનાવે ॥

ઈમ કરીને જ્યાં પાણીની એક જ અંજળિ છાંટી, હોંઓંઓઓઓ.... ન્ ગધેડું મારું બેટું નાનું ન્ નાનું થાવા મંડાણું... ન્યાં તો મને ખબર પડી જઈ કે મારા હડમાનજીએ જડબેસલાખ કામ કર્યું સે! અન્ પછે તો અંજળિ ઉપર અંજળિ છાંટવા માંડી... આખી હનુમાન ચાલીસા પૂરી... ‘તુળસીદાસ સદા હરિ ચેરા’ આવતાં આવતાં તો ગધેડું બળીન ભશ્યમ! ભડકો થઈ જ્યું ભડકો! ને આપડા રામ તો પાસા હાલવા મંડ્યા સખપરના મારગે..... ઈ પશી કોઈએ ભાળ્યું હોય એવું જાણ્યમાં નથી...!’ નીરુ આ વખતેય સખણો ન્ રહે. હળવે રહીને પૂછે, ‘તે હેં પેમામારાજ ઈ વખતે તમે થેલી ને જોડાં ચ્યાં મેલેલાં?’ પેમામારાજે જોરથી લાડવો ચોકીમાં પછાડ્યો ને કહે કે, ‘તારી માની… હમણાં કઉં ઈમાં મેલ્યાં તાં.. વાંઝણીના હમજતો ચ્યમ નથી? ચૂરમું ખાંડ્ય સાનોમાનો...!’

***